મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ભાજપાની ચૂંટણી ઝૂંબેશનો વિઘુતવેગી પ્રવાસ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની ચૂંગાલમાંથી મૂકત થયેલી ગુજરાતની પ્રજાએ ભાજપાની સાથે વિકાસમાં ભાગીદારી કરી છે, એટલે ગુજરાત નંબર વન ઉપર પહોંચી ગયું છે. હવે દિલ્હીની તિજોરી ઉપર પાંચ વર્ષથી તાગડધિન્ના કરી રહેલી કોંગ્રેસના કુશાસનને પછાડવા આવો જ જનજૂવાળ દેશભરમાં જાગી ઉઠયો છે. ગુજરાત એમાં પણ આગેવાની લે, અડવાણીજીને પ્રધાનમંત્રી બનાવે.
આજે નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રના ખંભાળીયા, વાંકાનેર, મોરબી અને ધોળકામાં આગ ઝરતી ગરમીમાં પણ ભાજપાને સમર્થન આપવા ઉમટેલી જનમેદનીને ધન્યવાદ આપતાં જણાવ્યું કે ગુજરાતની જનતા જનાર્દને કોંગ્રેસને સત્તા વગર તરફડતી રાખી છે અને સાત સાત વર્ષથી કોંગ્રેસને ડિંગો બતાવી વિકાસના રાજમાર્ગને અપનાવ્યો છે. કોંગ્રેસીઓને ગુજરાત આંખમાં કણાની જેમ ખૂંચે છે. આખી એસ.આર.પી. (સોનિયા-રાહુલ-પ્રિયંકા) મારી પાછળ પડવા છતાં, ગુજરાત વોટબેન્કની રાજનીતિના કારસા કરનારી કોંગ્રેસના પંજાની પક્કડમાં આવવાનું નથી!
મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક અને વેધક કટાક્ષ કરતાં જણાવ્યું કે "એસઆરપી'ના શબ્દવેધથી જ વિંધાઇ ગયેલા કોંગ્રેસીઓની દિલ્હીમાં રાતોરાત થિન્ક ટેન્ક બેઠક મળી અને માર (MAR) મોદી-અડવાણી-રાજનાથસિંહ ઉપર પ્રહારો કરવાની રણનીતિ ધડી કાઢી પરંતુ એમાં ક્રમ ગોઠવવામાં જ કોંગ્રેસીઓ માર ખાઇ ગયા છે! જો પ્રહારો કરવા હતા તો RAM=રામ (રાજનાથસિંહ-અડવાણી-મોદી) ઉપર ક્રમાનુસાર કરવાના હતા પરંતુ "રામ'નું નામ કોંગ્રેસીઓ ઉચ્ચારી પણ કઇ રીતે શકે? એટલે "રામ'ને બદલે "માર''નો ક્રમ લીધો. પરંત઼ુ આ કોંગ્રેસીઓને ૧૬મી મે એ લોકશાહીના મતાધિકારથી જ કેટલો માર પડયો છે તેની ખબર પડશે!
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના વોટબેન્કના રાજકારણના ખેલ હવે દેશની જનતાને ગૂમરાહ કરી શકશે નહીં એમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે ભાજપા શાસિત ગુજરાતમાં વિકાસની રાજનીતિએ કોઇ કોમ કે સંપ્રદાયના ભેદ વગર સૌ પ્રગતિના ભાગીદાર બન્યા છે. કેન્દ્ર સરકારે જ નીમેલી સાચર કમિટીનો અહેવાલ આની સાક્ષી પૂરે છે. ગુજરાતના મુસ્લિમો કોંગ્રેસ શાસિત રાજ્યો કરતાં વધારે શિક્ષિત છે, વધુ માથાદીઠ આવક મેળવે છે, વધુ બચત કરે છે અને નોકરીઓમાં સુખ-શાંતિથી પરિવારો પ્રગતિ કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસી વડાપ્રધાન દેશની સંપત્તિ ઉપર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ ગર્જે છે અને ગરીબોની પીડા વકરાવે છે. સમૃદ્ધિનો લાભ ગરીબોને પહેલો મળવો જોઇએ અને ગરીબમાં બધી જ કોમ અને સંપ્રદાય આવી જાય છે-એમાં ભેદભાવ શાને માટે. પણ કોંગ્રેસ સત્તા ભોગવવા સમાજના ભાગલા પાડવા આવા કારસા કરે છે.
તેમણે જણાવ્યું કે "વિકાસ' કોને કહેવાય એ ગુજરાતમાં ભાજપાના શાસને બતાવ્યું છે-કોંગ્રેસ શાસિત રાજ્યોમાં "વિકાસ'ની પરિભાષા જ, ""કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારના વિકાસ''ની બની ગઇ છે! કેન્દ્રની કોંગ્રેસ સરકાર દરવર્ષે ગુજરાતમાંથી અઢી લાખ કરોડ રૂપિયા પ્રજાની કમાણીના કરવેરા પેટે ઉધરાવી લીધા એમાંથી ગુજરાતને આપ્યું શું? હિસાબ તો આપો. ગુજરાત દિલ્હી દરબારમાં શકોરું લઇને શા માટે ઉભૂં રહે? અડવાણીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર દિલ્હીમાં બેસશે તો ગુજરાતના હક્કો પાછા મળશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતમાં આતંકવાદને તેની જ ભાષામાં જવાબ આપવાની હિંમત છે? મોંધવારી હોય કે સુરક્ષાનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પાસે કોઇ આશા રાખવી જ વ્યર્થ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.