ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, આપ સૌના આશીર્વાદથી જે બધા ધારાસભ્યો બનવાના છે, એ બધા ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા માટે આવેલ વહાલા ભાઈઓ અને બહેનો,
બપોરનો સમય હોય અને અમારા રાજકોટનો તો સ્વભાવ, બપોર એટલે... (સ્મિત...) અને છતાય
આવડી મોટી સભા થાય. આ વિશાળ જનસભા જ બતાવે છે કે ગુજરાતના લોકોએ આ વખતે જુના બધા રેકોર્ડ તોડીને ભાજપને જીતાડવાનું નક્કી કરી દીધું છે. (ઑડિયન્સમાંથી પ્રતિઘોષના અવાજો)
આજે પ્રત્યેક ગુજરાતી, સિંહગર્જના કરી રહ્યો છે, ખુણે ખુણેથી ગુજરાતીઓનો એક જ અવાજ આવી રહ્યો છે...
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
આજે તમે જેટલા સર્વે જુઓ, સર્વેવાળા પણ જે આંકડા આપે છે એ આંકડાનો પણ એક જ સૂર છે... ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
આજે ટીવી હોય, બધા એક્સપર્ટ હોય, બધા અત્યારે ચર્ચા કરે છે તો એક જ ચર્ચા કરે છે કે ભાજપની સરકાર, ભારે બહુમતથી બનવાની છે. ભુપેન્દ્ર – નરેન્દ્ર એને તમારા આટલા બધા આશીર્વાદ. હું આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, ભાઈઓ.
અને આનું મૂળ કારણ, આ પ્રેમ, આ આશીર્વાદ. એનું મૂળ કારણ. બે દાયકાની આપણી સંયુક્ત પુરુષાર્થ, ખભે ખભો મિલાવીને ગુજરાતનું ભલું કરવા માટે આપણે બધાએ જે કામ કર્યું છે ને, એનું પરિણામ છે કે આપના આશીર્વાદ ઉમેરાતા જ જાય છે.
ભાઈઓ, બહેનો,
ગયા દસકાઓમાં અનેક વાર તમારી વચ્ચે આવવાનો મને મોકો મળ્યો છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી, ચૂંટણી હોય કે ચૂંટણી ના હોય, મારા માટે ધોરાજી આવવું, એટલે જાણે રોજનું કામ, એમ કહું તો ચાલે. અને આજે આપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું, અને સાથે સાથે મારા કામનો હિસાબ આપવા માટે પણ આવ્યો છું. હું માગવા આવ્યો છું, તમારા આશીર્વાદ. બસ, તમારા આશીર્વાદ જોઈએ. અને મન ભરીને તમે જ્યારે આશીર્વાદ આપો ને એટલે મારી તો તાકાત અનેકગણી વધી જાય છે, અને તમારા આશીર્વાદ મારા માટે એટલા માટે મહત્વના છે, કારણ કે તમે જ, ગુજરાતના નાગરિકો જ, કચ્છ કાઠિયાવાડના નાગરિકો, તમે જ મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે.
ભાઈઓ, બહેનો,
એક સમય હતો, જ્યારે ગુજરાત કોમી દાવાનળમાં, છાશવારે હુલ્લડો, છાશવારે કરફ્યુ, ધોરાજીથી અમદાવાદ જવું હોય ને તો ફોન કરીને પુછવું પડે કે ભાઈ, કરફ્યુ – બરફ્યુ તો નથી ને? એવી દશામાં આપણે જીવતા હતા. માંડ કરીને ગુજરાતમાં એ કોમી દાવાનળને આપણે કાયમ માટે વિદાય કરી દીધી. સુખ-શાંતિની જિંદગી આવી કે ના આવી, ભાઈઓ? બધાનું ભલું થયું કે ના થયું? શાંતિમાં બધાને લાભ થયો કે ના થયો? આ કોમી દાવાનળને ગુજરાતમાંથી દેશવટો આપણે આપી દીધો. પછી વળી આપણી મુસીબત આવી, ભુકંપ. અને ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાત મોતની ચાદર ઓઢીને સુતું છે, ક્યારેય ઉભું નહિ થાય. અરે, આપણે એમાંય હિંમત કરીને બહાર નીકળ્યા કે ના નીકળ્યા? આપણું ગુજરાત, દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડે, ભાઈઓ. મુસીબતોમાં જીવીએ, અને તેમ છતાંય આજે ગુજરાત, વાત નિવેશની હોય, મૂડીરોકાણની હોય, વાત નવા નિર્માણની હોય, કે પછી વાત હવે વિદેશોમાં નિર્યાત કરવાની હોય, નિવેશ હોય, નિર્માણ હોય કે નિર્યાત હોય. આ મારા ગુજરાતનો બધે ડંકો વાગે છે, એ તમારા બધાના પુરુષાર્થના કારણે, આ ગુજરાતીઓના જોમ અને જુસ્સાના કારણે, ભાઈઓ. સરકાર અને પ્રજા સાથે મળીને, ખભે ખભો મિલાવીને કામ કરે, વિશ્વાસના વાતાવરણ વચ્ચે કામ કરે તો કેટલું મોટું પરિણામ આવતું હોય છે, એ આજે આપણે દેશને બતાવી શકીએ એવું ગુજરાતે કરી બતાવ્યું છે, ભાઈઓ.
આ બે દસકાની આપણી ઉપલબ્ધિઓ, આપણા સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. આપણા સંયુક્ત સંઘર્ષનું પરિણામ છે. આપણા સંયુક્ત સંકલ્પનું પરિણામ છે. અને આ, આપણી વચ્ચેનું આ અતૂટ બંધન છે, ભાઈઓ. એ અતૂટ બંધનના કારણે આજે આપણે પ્રગતિના નવા નવા શિખર સર કરી રહ્યા છીએ. અને આ જ વિશ્વાસ સાથે, આ જ ભરોસા સાથે આજે આ સેવક ફરી આપની પાસે આશીર્વાદ માગીને વધુ મજબુત ભાજપ સરકાર બનાવવા માટે આપના આશીર્વાદ લેવા આવ્યો છે. ગયા વખતે ધોરાજીમાં થોડું ચુકી ગયા હતા. ખરું કે નહિ? બોલો, શું ફાયદો થયો? કંઈ ફાયદો થયો? તો એવી ભુલ કરાય? જરાય ના કરતા.
ભાઈઓ, બહેનો,
આજે ભાજપા સૌનો સાથ, સૌનો વિકાસ, આ જ મંત્ર લઈને આગળ વધી રહ્યું છે. અને આપણું લક્ષ્ય છે, આપણું ગુજરાત વિકસિત બને, સમૃદ્ધિના બધા જે માનદંડો છે, એ માનદંડો આપણા ગુજરાતમાં હોય અને આપણે ગયા બે દાયકાની જે મહેનત કરી છે ને, દસકો જૂની જે આપણી બધી ચુનૌતીઓ હતી, આ બધા પડકારોને પહોંચી વળવાની તાકાત હવે આજે આપણા ગુજરાતે ભેગી કરી છે. અને આજે ગુજરાતના લોકો અને ગુજરાતની આજની પેઢી, ગુજરાતના વિકાસને માટે પુરી શક્તિથી કામ કરવાનો મોકો મળ્યો છે. પહેલા જે વડીલો છે, એમને મુસીબતોમાં જીવવું પડતું હતું. સરકારનેય મુસીબતમાં કામ કરવું પડ્યું. 20 વર્ષ આપણે જહેમત કરી. એક એક, એક એક મુસીબતોમાંથી આપણે બહાર આવ્યા, અને હવે? હવે તો નવો જમ્પ લગાવવો છે, નવો કુદકો લગાવવો છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવી છે, એના માટે કામ કરવાનું છે. તમે, ગુજરાતમાં એટલો બધો આપણે વિકાસ કર્યો છે કે કોઈ પણ વિષય ઉપર તમે વાત કરો ને, કદાચ સપ્તાહ બેસાડવી પડે, એટલી બધી વાતો છે. ખાલી હું પાણીની ચર્ચા કરું, પાણીની. આપ વિચાર કરો, 20 – 25 વર્ષ પહેલા આપણા પાણીની દશા શું હતી, ભાઈ? ટેન્કરો દોડતા હતા કે નહોતા દોડતા? અને ટેન્કરોમાંય ખાયકી ચાલતી હતી કે નહોતી ચાલતી? આપણે રાજકોટમાં પાણી માટે ટ્રેન લાવવી પડતી હતી. અને તમે જોયું છે ને કે રાજકોટમાં દરેક ઘરની બહાર એક નાનકડી કુંડી બનાવી હોય, બે ફૂટ, ત્રણ ફૂટ ઊંડી કુંડી, અને કુંડીમાં ઊંડી કરે ને ત્યાં પાઈપમાંથી પાણી કાઢીને માંડ કરીને ઘરમાં બે-ચાર ડોલ પાણી આવે. એવા આપણા દિવસો હતા. પાણી માટે આપણે ટળવળતા હતા. આપણું આખું કાઠિયાવાડ પાણીના કારણે ખાલી થવા માંડ્યું હતું, ભાઈઓ. એમાંથી બહાર નીકળીને આપણે પાણીને એક શક્તિમાં પરિવર્તન કરવા માટેનો મુદ્દો ઉપાડ્યો.
ટેન્કરોમાંથી આવતા, અને એમાંથી ભાઈઓ, બહેનો આજે જુઓ, પાણી માટે આપણે એક એક પ્રયાસ કર્યા છે. આપણી માતાઓ, બહેનોને પાણી માટે બબ્બે – ત્રણ ત્રણ કિલોમીટર જવું પડતું હતું. માથે બેડાં લઈને ફરવું પડતું હતું. અને પાણી માટે તો તોફાનો થાય. રાજકોટમાં તો પોલીમ મૂકવી પડતી હતી કે પાણીનું ટેન્કર આવે તો ભાઈ લૂંટાલૂંટ ના થાય. લડાઈઓ થઈ જાય. અબોલા થઈ જાય. મહોલ્લામાં સાહેબ, કોઈ કોઈની જોડે બોલે નહિ, એવી દશા આવી જતી હતી. આ આપણે ગામડાઓ ખાલી થતા જોયા છે. બાળકો, વડીલો, પશુઓ... પશુઓ આપણા હિજરત કરતા હતા. આ દશા જોઈ હતી. અને આપણે એમ માનીને ચાલતા હતા કે ભઈ, હવે શું થાય? વરસાદ પડતો નથી, ગુજરાતમાં તો પાણી વગર હવે આપણે જીવવાનું છે, આપણા નસીબ જ હતા. બધી સરકારો આમ જ વિચારતી હતી. આપણે એમાંથી બહાર નીકળ્યા. આપણે નક્કી કર્યું કે ગુજરાત પાણી વગર નહિ ટળવળે. અરે, ગુજરાતના લોકો પાણીદાર છે, આ પાણીદાર લોકોનો પુરુષાર્થ જો કામે લાગે ને તો પાણીની મુસીબતોમાં પણ મુક્તિ મળી જાય. એ મહાયજ્ઞ આપણે ચલાવ્યો. અને એને તમે જુઓ કે એક પછી એક પગલાં લીધાં છે.
ખાલી પાણી માટે જે કામ કર્યું છે ને જે પગલાં લીધાં છે. આપણે ત્યાં તો કેનાલનું તો નેટવર્ક હતું જ નહિ, ભાઈ. થોડું ઘણું દક્ષિણ ગુજરાતમાં હતું. એને તો ઠીકઠાક કરવાનું આપણે કામ કર્યું. પણ આપણે નક્કી કર્યું કે નવી નહેરો બનાવીએ, અને જ્યાંથી પણ પાણીને આગળ પહોંચાડી શકીએ, પહોંચાડીએ. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, સ્પેસ સાયન્સનો ઉપયોગ કર્યો. બાયસેગ દ્વારા ફોટોગ્રાફી કરાવી. ક્યાંથી પાણીના વળ જાય છે, કઈ બાજુ પાણી જાય, આપણે તળાવ ઊંડા કરવાનું મોટું અભિયાન ચલાવ્યું. શોધી કાઢ્યા, ગુજરાતમાં વાવ, બધી વાવો આપણી બધી કુડા-કચરાના ઢેર થઈ ગયા હતા. સેંકડો વાવ ફરી ખોલાવી અને વાવમાં પાણી પાછા આવે એના માટે વાવડીઓ આપણી તાજી કરાવવાનું કામ કર્યું. કુવા ખોદાવવાનું કામ કર્યું. કુવાઓ મજબુત કરવાનું કામ કર્યું. તળાવો બનાવવાનું કામ કર્યું. જ્યાં શક્ય બન્યું ત્યાં પાણી માટે થઈને અને સરકારની તિજોરીમાંથી જે કંઈ ખર્ચવું પડે એ ખર્ચ્યું. અને પાણી પહોંચાડવા માટે. અને બીજી બાજુ પાણીનો બચાવ કેમ થાય? એક એક બુંદ પાણી કેવી રીતે બચે? એના માટે થઈને આપણે મહેનત આદરી. જે પાણી સમુદ્રમાં જતું હતું. રાજકીય કાવાદાવાઓના કારણે, ઝગડાઓના કારણે જે પાણી સમુદ્રમાં જતું હતું, એ પાણીને રોક્યું. આપણે બંધારા બનાવી દીધા. જેથી કરીને દરિયાનું પાણી ખેડૂતોને હેરાન ન કરે, અને મીઠું પાણી રોકાતું જાય તો આપણા પાણીના તળ, આપણા પોરબંદર બાજુ તો કેવી બધી મુસીબતો હતી. એમાંથી આપણે મુક્તિ લાવવાનું કામ કર્યું. ચેક ડેમનું અભિયાન ચલાવ્યું. જનભાગીદારી અભિયાન ચલાવ્યું, અને મારે તો સૌરાષ્ટ્રના ભાઈઓ, બહેનોનો આભાર માનવો છે.
ચેક ડેમના અભિયાનમાં સૌરાષ્ટ્રે જે પહેલ કરી એના કારણે ગામો, દોઢ લાખ ચેક ડેમો, હિન્દુસ્તાનમાં બીજા લોકોને કહું કે અમારા દેશના, ગુજરાતના લોકોએ ચેક ડેમ બનાવ્યા છે. નદી સૂકીભઠ્ઠ હોય, આ નદી ઉપર વીસ વીસ કિલોમીટર, નાના નાના ડેમ બનાવીને, નદીમાં જ તળાવો બનાવી દીધા, અને જે નદી 3 મહિના જીવતી રહેતી હતી, એ નદીઓ 6 મહિના, 8 મહિના જીવતી રહે એવી વ્યવસ્થા કરવાનું કામ કર્યું. ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે એના માટે આપણે અભિયાન ચલાવ્યું. ખેત તલાવડી, મને યાદ છે, આપણે એક અભિયાન ચલાવ્યું હતું, 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન. 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી, અને આ મારા ગુજરાતના ભાઈઓ, બહેનોએ 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું કામ પુરું કર્યું હતું, અને એના કારણે પાણીના તળ ઉપર આવ્યા. પાણીના તળ ઉપર આવ્યા, અને હિન્દુસ્તાનભરમાં પાણીના તળ નીચે જતા હતા, આપણું ગુજરાત એક જ એવું રાજ્ય હતું કે પાણીના તળ ઉપર આવ્યા, ભાઈઓ-બહેનો. ભાજપ સરકાર.
આ પાણી તો ભેગું કર્યું. પાણી બચાવવાનું તો કામ ઉપાડ્યું. ટીપે ટીપું બચાવવાનું કામ કર્યું પણ પર ડ્રોપ, મોર ક્રોપનું મિશન લઈને જ્યારે ચાલ્યા, અને મેં ગુજરાતના ખેડૂતોને કહ્યું, ભાઈ, હવે પાણી તો આવશે પણ ટપક સિંચાઈ વગર નહિ ચાલે. જો આપણે આપણા સંતાનો સુધી પાણી પહોંચાડવું હોય, આપણી આવનારી પેઢીને પણ તરસે ના મારવી હોય તો આપણે માઈક્રો ઈરિગેશન કરવું પડે. ટપક સિંચાઈ કરવી પડે, સ્પ્રિન્કલર કરવી પડે.
ભાઈઓ, બહેનો, મને આનંદ છે કે માઈક્રો ઈરિગેશનના કારણે, ટપક સિંચાઈ અને સ્પ્રિન્કલરના કારણે આ ગુજરાતમાં 21 લાખ હેક્ટર જમીન આ ટપક સિંચાઈવાળી કરી. એના કારણે પાણીના જે ધોધ વહી જતા હતા અને ખેતરમાં પાણી આમ લબાલબ ભરીને પાણી ભરવાનું થતું હતું એ બચ્યું અને આપણો પાક સુધર્યો, પાકની ક્વોલિટી પણ સુધરી.
સુગર, શેરડીની ખેતી, શેરડીની ખેતી આપણે એટલું લબાલબ પાણી ભરતા હતા, આપણે સ્પ્રિન્કલરની વાત કરી. ખેડૂતોએ મારી વાત માની. અને એમાંથી, શેરડીના સાંઠામાંથી વધારે ખાંડ નીકળવા માંડી. આ વૈજ્ઞાનિક પ્રયોગો આપણા સફળ થયા. આ બધું જનભાગીદારીના કારણે થયું, અને આ જનભાગીદારીનું અભિયાન આપણે ચલાવ્યું. અને ગુજરાતે એને ખભે ઉપાડી દીધું. સરકારે જે સરદાર પટેલ સહભાગી યોજના શરૂ કરી, એનો પણ લાભ જળસંચયમાં આપણને મોટા પાયા ઉપર મળ્યો. ગામેગામે પાણી મેનેજમેન્ટ માટે આપણે બહેનો ઉપર ભરોસો કર્યો. કારણ કે પાણીની કિંમત બહેનો જેટલી સમજે ને એટલી બીજું કોઈ ના સમજે. કારણ કે ઘરમાં મહેમાન આવે ને ત્યારે, આપણે એક જમાનો હતો આપણા કાઠિયાવાડમાં કોઈ આવે, મને યાદ છે, હું ધંધુકા ને રાણપુર ને એ બાજુ જઉં તો લોકો કહે કે સાહેબ, આવો ખરા, પણ રાત્રે રોકાવાનું ના રાખતા. કેમ, તો સવારમાં પાણી ના હોય, નાહવા આપવા માટે. ઘણી વાર તો અઠવાડિયામાં બબ્બે દિવસ નાહવાનું પડતું મૂકવું પડે એવા દિવસો આપણે જોયા હતા. આપણે બહેનોને કહ્યું કે બહેનો, તમે આ પાણીનું સંભાળો. વાસ્મો દ્વારા 18,000 ગામોમાં પાણી સમિતિઓ બનાવી. બહેનોની પાણી સમિતિઓ બનાવી, અને એના કારણે ગુજરાતમાં પાણી માટેની એક સેન્સિટિવીટી ઉભી થઈ. સંવેદનશીલતા ઉભી થઈ, અને પાણીના માહાત્મ્યનું મહત્વ આપણે સ્વીકારવા માંડ્યું. અને એના કારણે ખેતીમાં પણ પાણી બચે, ઘરમાં પણ પાણી બચે, પાણીનો બગાડ ના થાય, એની આપણે યોજના બનાવી. અને બીજી બાજુ મા નર્મદા. નર્મદાને માટે થઈને કેટલા બધા ડખા થયા, ભાઈ. પંડિત નહેરુએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો હતો. અને આ નરેન્દ્ર મોદીએ આવીને એનું ઉદઘાટન કર્યું. તમે વિચાર કરો કે કેટલા રૂપિયા ને કેટલો ટાઈમ બરબાદ થયો? અને કેવા કેવા લોકો એ આ નર્મદાને આડે આવ્યા હતા. તમે જોયું હશે, ગઈકાલે છાપામાં એક ફોટો છપાણો હતો. એક નેતા, કોંગ્રેસ પાર્ટીના, કયા મોંઢે તમારી પાસે વોટ માગવા આવે છે, અરે પુછજો,
તમે પુછશો? અલ્યા ભાઈઓ?
આ કોંગ્રેસવાળાને પુછશો?
તમને હું એક સવાલ કરું છું તો પુછશો?
આ નર્મદા, અમારા કચ્છ, કાઠીયાવાડના લોકોને પીવાના પાણી માટેની એક જ જગ્યા હતી. એ નર્મદાનું પાણી ત્રણ ત્રણ દાયકા સુધી રોકી રાખ્યું. કોર્ટ-કચેરીઓમાં ઢસડી ગયા. મુસીબતો કરી અને પાણી ન પહોંચાડવા માટેના બધા આંદોલનો કર્યા. બદનામ કર્યું ગુજરાતને. દુનિયાભરમાંથી કોઈ પૈસા ના આપે ગુજરાતને. વર્લ્ડ બેન્ક પૈસા ના આપે. આવું બધું કર્યું. એ બહેન, જે આંદોલન ચલાવતા હતા ને, એમના ખભે હાથ મૂકીને ગઈકાલે કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા. જ્યારે આ કોંગ્રેસવાળા વોટ માગવા આવે ત્યારે પુછજો કે આ નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને તમે દોડો છો... આ નર્મદા ના હોત તો અમારા કચ્છ, કાઠીયાવાડનું શું થયું હોત? એમના ખભે હાથ મૂકનારા લોકો, કયા મોંઢે તમે વોટ માગવા આવ્યા છો અમારે ત્યાં?
સવાલ પુછશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
જોરથી પુછજો બધા કોંગ્રેસવાળાઓને કે તમે લોકોએ નર્મદાને અટકાવનારા લોકોના ખભે હાથ મૂકીને પદયાત્રાઓ કાઢો છો?
તમે આવનારા દિવસોમાં ગુજરાતને કેટલું બરબાદ કરવાના છો, એનું આ તમારું ઉદાહરણ છે.
ભાઈઓ, બહેનો,
નર્મદાનું પાણી કચ્છ, કાઠીયાવાડના ગામોમાં પહોંચે એટલા માટે 20 માળ મકાન જેટલું પાણી આપણે ઢાંકીમાં ઉપર ચઢાવ્યું. પંપ લગાવ્યા. છેક 20 માળ મકાન જેટલું જાય અને પછી નીચે. કારણ કે આપણું સૌરાષ્ટ્ર છે ને ઊંધી રકાબી જેવું છે. પાણી પહોંચાડવું કઠિન કામ છે. એટલે આપણે પાણી ઉપર લઈ ગયા. નર્મદા નદી ઉપર લઈ ગયા અને એમાંથી પછી પાણી પહોંચાડ્યું. હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, ભાઈઓ.
એન્જિનિયરીંગની દૃષ્ટિથી આજે છોકરાઓ ભણવા જાય છે ત્યાં, કે ભાઈ, આ એન્જિનિયરીંગની કેવી કમાલ કરી છે. અને આ નર્મદાના કારણે 17 લાખ હેક્ટર જમીનને આપણે પાણી પહોંચાડી શક્યા છીએ. સિંચાઈ પહોંચાડી શક્યા છીએ. એના કારણે મારા ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા થયા છે, ભાઈઓ.
આપણી ભાજપની સરકાર અહીં જ રોકાણી, એવું નહિ. આપણે તો સુજલામ સુફલામ યોજના બનાવી. અને સુજલામ સુફલામ યોજના દ્વારા પોણા બે લાખ હેક્ટર જમીનને, જે પાણી દરિયામાં જતું હતું, એ પાણી સિંચાઈનું ખેતરોમાં પહોંચ્યું. જે ઉત્તર ગુજરાતનો સૂકોભઠ્ઠ વિસ્તાર હતો.
આપણે સૌની યોજના લાવ્યા. અને મને યાદ છે, રાજકોટમાં મેં પત્રકાર પરિષદ કરી હતી. અને રાજકોટના એક મોટા હોલમાં પ્રેઝન્ટેશન કર્યું હતું કે હું આવી સૌની યોજના લાવીશ. પાઈપથી પાણી લઈ જઈશ. અહીંયા બધા ડેમ ભરીશ. અહીંયા બધા તળાવો ભરીશ, અને આખા કચ્છ, કાઠીયાવાડને પાણીથી તરબતર કરીશ. મને બરાબર યાદ છે, રાજકોટના એ કાર્યક્રમ પછી મારી મજાક ઉડાવી હતી, અને કહ્યું હતું કે આ તો ચૂંટણી આવી છે, એટલે આ મોદી સાહેબ લોલીપોપ લઈને આવી ગયા છે. કોઈ માનવા તૈયાર નહોતું કે આવડી મોટી યોજના બની શકે.
ભાઈઓ, બહેનો,
આજે સેંકડો કિલોમીટર પાઈપલાઈન નાખી દીધી, અને મારુતિ કાર લઈને તમે અંદર જઈ શકો ને, એવડા મોટા પાઈપના ભુંગળા નાખ્યા, અને આજે આખા કચ્છ, કાઠીયાવાડમાં પાણી પહોંચ્યું છે.
ભાઈઓ, બહેનો,
અમે સમસ્યાના કાયમી સમાધાન માટે કામ કરનારા લોકો છીએ. 100 જેટલા આપણા જે નાના મોટા બંધ હતા, એ ભરવાનું કામ, જળાશયો ભરવાનું કામ, અને એના કારણે 10 લાખ હેક્ટર વધારાની જમીન, એને સિંચાઈ પહોંચે, મારા ખેડૂતને પાંચેય આંગળીઓ પાણીમાંથી ઘીમાં જાય ને એ કામ કરવાની મથામણ આપણે આદરી છે, ભાઈઓ.
રાજ્યવ્યાપી આપણે પાણી, પેયજલ, પીવાનું પાણી, એની ગ્રીડ નિર્માણ કરવાનું કામ કર્યું. આજે 14,000 ગામમાં અને લગભગ 250 જેટલા શહેરોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચે ને, એની વ્યવસ્થા કરી શકાય છે, અને એનું પરિણામ છે આજે ગુજરાતમાં દરેક ઘરમાં નળથી જળ, ઘરમાં નળ આવે ને નળમાંથી જળ આવે, નહિ તો પહેલા તો હેન્ડ પંપ, કંઈ હોય તો હેન્ડ પંપ, અરે, નેતાજી તો હેન્ડ પંપનું ઉદઘાટન કરતા હતા. અહીંયા જામનગરમાં એક પાણીની ટાંકી બની હતી તો મુખ્યમંત્રીએ આવીને ઉદઘાટન કર્યું હતું. એ પાણીની ટાંકીના ઉદઘાટનનો ફોટો પહેલા પાના ઉપર છપાણો હતો. એ યુગ હતો, એમાંથી અમે ઘેર ઘેર નળમાં જળ લઈ જવાનું કામ કર્યું, ભાઈઓ, બહેનો. અને આઝાદીના અમૃત મહોત્સવમાં પણ પાણીના માહાત્મ્યને સમજીને આપણે એક કામ કર્યું, અને એ કામ કર્યું અમૃત સરોવર બનાવવાનું. 75 વર્ષ થયા, દેશના પ્રધાનમંત્રીએ વિચાર્યું હોત તો ક્યાંક મોટો એક મિનાર બનાવી દીધો હોત. કોઈ વિજયસ્તંભ બનાવી દીધો હોત. પી.એમ.નો ફોટો મૂકી દીધો હોત. આપણે એવું ના કર્યું. આપણે જિલ્લે જિલ્લે 75 મોટા તળાવ બનાવવાનું અભિયાન ચલાવ્યું છે, અને આખા હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 તળાવ બનાવવાનું કામ ચાલ્યું છે. 30, 40 ટકા કામ તો જિલ્લાઓએ પુરું કરી દીધું છે, ભાઈઓ.
આપણા ગુજરાતના દરેક જિલ્લાઓમાં પણ 75 નવા તળાવ બની રહ્યા છે. આની પાછળનો ઈરાદો એ છે કે આપણા પૂર્વજોને પાણીની મુસીબતમાં જીવવું પડ્યું આપણે પાણી સાથે મુકાબલો કરવો પડ્યો અને આવનારી પેઢીને પાણીના માટે વલખા ના મારવા પડે, એ કામ આ ભાજપની સરકાર કરી રહી છે, ભાઈઓ. આ મોટું ઉપકારનું કામ છે. અરે એક લાખો વણઝારો વાવ બનાવીને જાય ને તો સેંકડો વર્ષો સુધી લાખા વણઝારાને યાદ કરતા હોય છે. આજે ગુજરાતની ભાજપની સરકારે એવો પાણીનો પ્રબંધ કર્યો છે કે જેના કારણે આવનારી પેઢીઓ, આવનારી પેઢીઓ ગુજરાતની અંદર, અને ગુજરાતનો વિકાસ કરવો હોય, ભાઈઓ, કોઈ પણ રાજ્યનો વિકાસ કરવો હોય તો બે મોટી જરુરીયાત હોય છે, પાણી અને વીજળી. પાણી અને વીજળી હોય ને તો જ આ વિકાસ થાય. કોંગ્રેસની સરકારોને હેન્ડ પંપ લગાવવા સિવાય કોઈ રસ નહોતો, ભાઈઓ, બહેનો.
અમે આખું ચરિત્ર બદલી નાખ્યું, ચિત્ર બદલી નાખ્યું, અમે આખો ગુજરાતનો ચહેરો બદલી નાખ્યો. ગુજરાતની ચાલ બદલી નાખી અને ગુજરાતને આજે અહીંયા પહોંચાડી દીધું છે, ભાઈઓ, અને એના માટે કોંગ્રેસે જે પ્રકારની પ્રવૃત્તિ કરી હતી એમાંથી બહાર નીકળીને, અને આજે મારી આ જે નવી પેઢી છે ને, જે વીસ વીસના, 22 વર્ષના, 25 વર્ષના જવાનીયાઓ છે, એમને કેટલાક લોકો આવીને ભાત ભાતની વાતો કરતા હશે, એ બધા રમકડાં બતાવતા હશે. જરા ઘરમાં પુછી જોજો, કેવી મુસીબતો હતી, 20 વર્ષ પહેલાં. એ 20 વર્ષની તપશ્ચર્યા પછી આજે ગુજરાત અહીંયા પહોંચ્યું છે. કાળી મજુરી કરી છે, ભાઈઓ, બહેનો. 365 દિવસ પગ વાળીને બેઠા નથી. કારણ કે મારા ગુજરાતનું ભલું થાય, મારા ગુજરાતના નાગરિકોનું ભલું થાય, મારા ગુજરાતની માતાઓ, બહેનોનું કલ્યાણ થાય, એના માટે આપણે કામ કર્યું છે, ભાઈઓ, બહેનો. અને આ જે યુવા પેઢી છે, આ યુવા પેઢી, જેણે આજે સૌરાષ્ટ્રની અંદર આ જે પાઈપમાં પાણી આવે છે, એને તો આશ્ચર્ય થતું હશે, એને થતું હશે કે આ પાણીની પાઈપ નાખી કોણે હશે ભઈ, આ?
અરે, ભાઈઓ, બહેનો,
એક વાર એવો સમય હતો ને, સાંજે વાળુ કરતી વખતે વીજળી નહોતી મળતી. વાળુ કરતી વખતે વીજળી નહોતી મળતી. વીજળી કનેક્શન માટે લાઈનમાં લાગવું પડતું હતું. લાંચ આપવી પડતી હતી, એવા જમાના હતા. આજે 24 કલાક વીજળી મળે છે ને મન ફાવે ત્યારે તમે તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો, તમારું કોમ્પ્યુટર ચાર્જ કરી શકો છો. એના માટે મહેનત કરવી પડી છે, ભાઈઓ.
આજે ગામડે ગામડે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કનું કામ ચાલ્યું છે. વિશ્વની સાથે, આધુનિકતા સાથે ગુજરાત પહેલું રાજ્ય હતું, જેણે વિશ્વગ્રામની કલ્પના કરી હતી, અને વિશ્વ સાથે જોડવા માટેની કલ્પના કરી હતી. અને આજે, સ્કૂલ હોય, કોલેજ હોય, શિક્ષણના ધામ હોય, ટેકનિકલ એજ્યુકેશન હોય, મેડિકલ કોલેજ હોય, જિલ્લાની બહાર જવું ના પડે. સાંજ પડે ઘેર આવીને માના હાથનો રોટલો ખાઈ શકે અને વિદ્યાર્થી ભણી શકે એવું આખું શિક્ષણનું આપણે નેટવર્ક ઉભું કર્યું છે. બધા જ પ્રકારની શિક્ષણની વ્યવસ્થા કરી છે, અને આ રાજકોટમાં એઈમ્સ. ભાઈઓ, બહેનો, દિલ્હીમાં એક એઈમ્સ હતું. આજે રાજકોટમાં એઈમ્સ બની રહ્યું છે. આરોગ્યના ક્ષેત્રમાં કેટલી મોટી સેવા થવાની છે? આ કામ ભાઈઓ, બહેનો થયું છે. ગુજરાતની યુવા પેઢીના કલ્યાણ માટે કામ થયું છે. અને એ યુવા પેઢીની ખુબ મોટી જવાબદારી છે. આ આઝાદીનો અમૃતકાળ છે, 25 વર્ષ આપણી સામે છે. આ 25 વર્ષમાં આપણે ગુજરાતને અભુતપૂર્વ પ્રગતિ કરાવવી છે. અત્યાર સુધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી છે. હવે આપણે સમાનતાની સ્થિતિમાં આવી ગયા છે. હવે કુદકો મારવાનો છે, અને એમાં મને યુવાઓની શક્તિ જોઈએ. મને યુવાનોનો સાથ જોઈએ, ભાઈઓ, બહેનો, અને એના દ્વારા મારે ગુજરાતની પ્રગતિ. ટેકનોલોજીના ક્ષેત્રમાં હવે ગુજરાતને આગળ લઈ જવું છે. એક જમાનો હતો, ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, હવે આ ગુજરાતમાં વિમાન બનવાનું શરૂ થઈ રહ્યું છે, ભાઈ. કયો ગુજરાતી હોય, જેને આનંદ ના થાય? કયો નવજવાન હોય, જેને આના માટે પ્રગતિનો... આપ વિચાર કરો, અમારો ખેડૂત, એની કાયમની ફરિયાદ, વીજળીના બિલ માટે, પાણીના તળ ઊંડા, વીજળીના બિલ આવ્યા હોય ને, આપણે તો નક્કી કર્યું છે કે અન્નદાતા, ઊર્જાદાતા બને. ખેતરના શેઢે સોલાર એનર્જીની આખી વ્યવસ્થા ઉભી થાય, સરકારને એ વીજળી વેચે. ખેડૂત જે પહેલા સરકારને પૈસા આપીને વીજળી લેતો હતો, એ મારો ખેડૂત હવે વીજળી વેચે અને સરકાર ખરીદે, એ કામ મારે કરવું છે. આ પાણીના પંપ પણ સૂર્યશક્તિથી ચાલતા હોય, રાત્રે ખેતરમાં જવાની નોબત ના આવે, દિવસે સૂરજના ટાઈમે જ પંપ ચાલતો હોય ને પાણી આવી જાય, ખેતીનું કામ થઈ જાય. આપણે ડ્રોનડીપ ટેકનોલોજી લઈ આવી રહ્યા છીએ. જેના કારણે ખેડૂતોને કામની અંદર આવે. નવા નવા મશીનો બને, નવા નવા ઉપકરણો આવે, એના માટેનું કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
યુવા ખેડૂતોની પેઢી વેલ્યુ એડિશનમાં જઈ રહી છે, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. જેથી કરીને ખેડૂતો. અને હમણા એક મોટું અભિયાન આપણા ગુજરાતના ગવર્નર સાહેબે ચલાવ્યું છે, એમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ જે મદદ કરી છે, એમનો હું આભાર માનું છું. પ્રાકૃતિક ખેતી. આજે દુનિયામાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદ થતી ચીજોનું વિશેષ મહત્વ બન્યું છે. બજાર બની રહ્યું છે, ત્યારે એનો લાભ ઘરઆંગણેથી જેને વિશ્વબજારમાં. 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ-ઈયર થઈ રહ્યું છે. આપણું જે મોટું અનાજ હોય છે ને, જુવાર ને બાજરો ને એનું. આખી દુનિયામાં એને વેચવા માટે આપણે યુ.એન.ને કહ્યું કે તમે 2023માં મિલેટ-ઈયર મનાવો, અને યુ.એન.એ માન્યું અને દુનિયા આખી મિલેટ, અને દુનિયા આખીમાં મિલેટના ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે. ભારતનો જે નાનો ખેડૂત છે ને એ આગળ છે. એને એનો લાભ મળવાનો છે, ભાઈઓ, બહેનો. ખેતીના ક્ષેત્રમાં અનેક પ્રગતિના કામો આજે આપણે કરી રહ્યા છીએ. આપણું રાજકોટ, એન્જિનિયરિંગ ઉદ્યોગમાં એણે નામ કમાવ્યું છે, ભાઈઓ. ઓટોમોબાઈલની અંદર અને એન્જિન ઉદ્યોગના અંદર તો દુનિયામાં ડંકો વાગે છે. આત્મનિર્ભર ગુજરાત બનાવવાની દિશામાં આ ગુજરાતનું અમારું મોરબી હોય, અમારું જામનગર હોય, અમારું રાજકોટ હોય, આખી આ જે પટ્ટો છે, એની વચ્ચે આવનારા બધા વિસ્તારો ઔદ્યોગિક રીતે આજે આગળ વધી રહ્યા છે. નવી પેઢી કમાલ કરી રહી છે. તમે વિચાર કરો, આપણા દેશમાં વેન્ટિલેટર નહોતા બનતા. આ કોરોનાના કાળમાં હિન્દુસ્તાનના જુવાનીયાઓ મેદાનમાં આવ્યા, વેન્ટિલેટર બનાવ્યા અને આ દેશમાં જે વેન્ટિલેટરની જે હવે આવશ્યકતા હતી ને એ પૂરી કરી દીધી છે. આપણી પાસે સામર્થ્ય પડ્યું છે, આ સરકાર અવસર આપવા બેઠી છે. સરકાર, મુદ્રા યોજના દ્વારા લોન આપવા બેઠી છે, અને આ ઉદ્યમશીલતાનું જે સ્પિરિટ છે, આ સ્પિરિટ, એનું નામ છે, ગુજરાત. આ સ્પિરિટ, એનું નામ છે ગુજરાતનો યુવાન, આ સ્પિરિટ છે, જેનું નામ છે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની યાત્રાઓ, અને આ યાત્રાઓ પુરી કરવા માટે આપણે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ભાઈઓ, બહેનો, ગુજરાત આગળ વધ્યું છે, ઘણું આગળ વધ્યું છે. બધી મુસીબતોમાંથી બહાર આવવા માટેનો રસ્તો કાપ્યો છે. પણ હવે? હવે તો દુનિયાની તોલે ગુજરાતને લઈ જવું છે, અને એટલા માટે મને તમારા આશીર્વાદ જોઈએ છે, ભાઈઓ.
આ ઊંચાઈ ઉપર પહોંચવા માટે આશીર્વાદ જોઈએ છે. આટાપાટાના ખેલ નથી, કોની સરકાર બને અને કોની ના બને એના માટેના, એક ટૂંકા ઉદ્દેશ સાથે અમે નીકળેલા લોકો નથી. અમારે તો ગુજરાતની પેઢી, આવનારા પેઢી દર પેઢી સુધી સૃષ્ટિ જીવન જીવે એવું ગુજરાત બનાવવું છે, અને એના માટે અમારા સાથીઓ આજે ચુંટણીના મેદાનમાં આપની સામે આવ્યા છે ત્યારે પુરા આશીર્વાદ આપીને અમને બધી સીટો ઉપર કમળ ખીલવી આપો.
ભાઈઓ, બહેનો,
મારી આ વાત ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા બે હાથ ઉપર કરીને જવાબ આપો તો ખબર પડે. (ઑડિયન્સઃ- હાથ ઊંચા કરીને હા...)
ઘેર ઘેર મારી વાત પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
24 કલાક કામ કરનારી સરકાર છે, ભાઈઓ, 365 દિવસ કામ કરનારી સરકાર છે, અને લોકો માટે જીવનારી સરકાર છે. આ ભાજપ પાર્ટી છે. આ વાત ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઉપર કરીને જોરથી બોલો, પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
મારું એક કામ બીજું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચા કરીને કહો તો પછી કહું. (ઑડિયન્સમાંથી હાથ ઊંચા કરીને હા...)
ખરેખર કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો, હજી ચુંટણીને આઠ-દસ દહાડાનો સમય છે વચ્ચે. ઘેર ઘેર જઈને એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ ધોરાજી આવ્યા હતા, અને તમને પ્રણામ પાઠવ્યા છે. આ વડીલોને મારા પ્રણામ પહોંચાડવાનું કામ તમે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોને પ્રણામ પહોંચે તો તેમના આશીર્વાદ મળે, અને આશીર્વાદ મળે તો કામ કરવાની નવી તાકાત મળે, એના માટે હું આપની પાસે આવ્યો છું.
ખુબ બધા લોકો લોકશાહીના ઉત્સવને ઉજવીએ, વધુમાં વધુ મતદાન કરાવીએ. ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવીએ, એ જ અપેક્ષા સાથે,
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.