મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં પહેલીવાર કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે ખેતીની ખેતપેદાશની નિકાસ ઉપર વેરો અને પરવાના પ્રથા લાદીને ખેડૂત અને ખેતી બરબાદ કરવાની અવળનીતિ સામે અવાજ ઉઠાવવા જૂનાગઢના કૃષિ મહોત્સવમાં આહ્વાન કર્યું હતું.
કપાસની નિકાસબંધી ઉઠાવી લેવાની કેન્દ્ર સરકારની જાહેરાતે ખેડૂતોને છેતરવાનું જ પાપ કર્યું છે એમ સ્પષ્ટપણે જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, નિકાસબંધી ઉઠાવી નથી પરંતુ ભ્રષ્ટાચારના દરવાજા ખુલ્લા કરી ખેડૂતોને લૂંટનારી લાયસન્સ પદ્ધતિ દાખલ કરી દીધી છે. જેણે ખેડૂતને બેહાલી તરફ ધકેલી દીધા છે.
અખાત્રીજથી શરૂ થયેલો સ્વર્ણિમ કૃષિ મહોત્સવ ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં રરપ કૃષિ રથના સથવારે આગળ વધી રહયો છે. આજે જૂનાગઢમાં આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કૃષિ મેળાનું મુખ્ય મંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી વિરાટ કિસાન શક્તિએ આ ખેડૂત સંમેલનમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરક સંદેશ ઝીલ્યો હતો.
પ્રગતિશીલ સફળ ખેડૂતોનું અને સરદાર કૃષિ સંશોધન પુરસ્કાર વિજેતા ખેડૂતોનું સન્માન આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.
આ સરકારને માટે ગામડાના વિકાસનું, વિકાસમાં ખેતી અને પશુસંવર્ધનનું અને કિસાન શક્તિનું મહત્વ એટલું અગત્યનું છે જેના માટે કૃષિ મહોત્સવ જેવું અભિયાન, કૃષિક્રાંતિના યજ્ઞરૂપે ત્રીસ દિવસ સુધી ચાલે છે, આખા હિન્દુસ્તાનમાં કયાંય ખેતી અને ગામડાં માટે આ પ્રકારે કોઇ સરકારે પોતાની બધી તાકાત કામે લગાડી નથી એવી ભૂમિકા સાથે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ચાર કૃષિ યુનિવર્સિટીઓ અને પશુપાલનની કામધેનુ યુનિવર્સિટીના કૃષિ અને પશુપાલન વિજ્ઞાનીઓની ફોજ આખી તાલુકે તાલુકે ખેડૂતો સાથે સંવાદ કરી રહી છે.
મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતોને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અંગે જાગૃત કરતાં જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપી અન્નના ભંડાર ભરી દીધેલા પછી એવું શું થયું કે ખેડૂતોના પરિશ્રમથી છલકાયેલા અન્નભંડારો તળીયા ઝાટક કોણે કરી દીધા? ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન વધારી ખાંડનું ઉત્પાદન વધારવા ફાળો આપ્યો ત્યારે દેશની જરૂરિયાતને અવગણીને ખાંડની નિકાસ છૂટી કરી દીધી પછી ખાંડની તંગી અને ભાવ વધારો થયો ત્યારે વિદેશથી મોંઘા ભાવે ખાંડ આયાત કરવાની નોબત આવી છે આવી અવળનીતિ અંગે ખેડૂતોએ કેન્દ્રનો જવાબ માંગવાની નોબત આવી ગઇ છે.
હવે કપાસની નિકાસબંધી કરીને એક જ મહિનામાં ગુજરાતના લાખો ખેડૂતોને રૂા. બે હજાર કરોડના જંગી નુકશાનમાં ધકેલી દીધા છે. કપાસની ગાંસડીઓ નિકાસ માટે જહાજોમાં ચડાવેલી છે તે પાછી ઉતારી લેવાનું પાપ કર્યું છે. હવે ખેડૂતોને છેતરવાની પાપલીલા આચરી છે ત્યારે ખેડૂતોએ જવાબ માંગવાનો સમય પાકી ગયો છે, એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.
કિસાનો માટેના કૃષિ મહોત્સવે વૈજ્ઞાનિક ખેતી, જમીન સુધારણા, પાણીનો દુર્વ્યય અટકાવવા માટે પ્રેરિત કર્યા અને આજે સૌરાષ્ટ્રનો ખેડૂત ઉનાળુ તલની ખેતી કરીને એક વિઘે ર૦૦૦૦ કિલો તલ મેળવતો થયો છે. ટપક સિંચાઇથી રસાયણિક ખાતરોમાં વાર્ષિક ૪૦૦૦૦ ટન વપરાશ ઘટયો છે. ખેડૂતોની નાની મોટી અનેક સમસ્યાઓનું કાયમી સમાધાન કર્યું છે અને ખેડૂતોને શુદ્ધ બિયારણ, જૈવિક ખાતર અને નવી કૃષિ પદ્ધતિ સાથે વધુ ઉત્પાદન અને ઓછો ખેતી ખર્ચ એવા કૃષિ સંશોધનો ઉપલબ્ધ થયા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ધરતી માતાને તરસી રાખવાનું પાપ કરવું નથી, એવો સ્વયં સંકલ્પ કરવા ખેડૂતોને અનુરોધ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ પ્રત્યેક ખેડૂતના ખેતરમાં એક ખેતતલાવડી હોવી જ જોઇએ. ધરતી માતાના પસીનારૂપે ખારાશ દૂર કરવા ખેતતલાવડી બનાવીને જમીનની તંદુરસ્તી જાળવી રાખવા તેમણે અપીલ કરી હતી.
કિસાનોએ ગુજરાત સરકારના કૃષિ મહોત્સવ અને જળસંચયના યજ્ઞ અભિયાનમાં જોડાઇને જે ભરોસો મુકયો છે તેને આવકારતાં મુખ્ય મંત્રીશ્રીએ ટેકરા ઉપર ખેતી કરનારા તમામ ખેડૂતો ટેરેસ તલાવડી બનાવે તેવી ઝૂંબેશ હાથ ધરવા આહ્વાન કર્યું હતું.
ચોટીલાના ડુંગર ઉપર ટેરેસ તલાવડીના સફળ અભિયાન પછી ગીરનાર પર્વતના ટેકરા ઉપર પણ ખેતી કરનારા, ટેરેસ તલાવડી હજારોની સંખ્યામાં બનાવે તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.
ખેડૂતોની શિક્ષિત યુવા પેઢી એગ્રોટેકનોલોજીનો અભ્યાસ કરીને ખેતીમાં બદલાવ લાવનારા અનેક કિસાનો છે એના દ્રષ્ટાંતો આપી મુખ્ય મંત્રીશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોએ ટપક સિંચાઇ દ્વારા પપૈયા જેવા બટાટા ઉત્પાદિત કરી બતાવ્યા છે તેની પ્રોત્સાહક રૂપરેખા જણાવી હતી.
સૌરાષ્ટ્રમાં કૃષિ આધારિત અર્થતંત્રની તાસીર બદલવાની અનેક ઉજજવળ સંભાવના પડેલી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભાલના ભાલીયા ઘઉં સૌથી રિચ-પ્રોટીન સત્વ ધરાવે છે તેનું સંશોધન કર્યું છે. ગીરની ગાયના એલાદ સંવર્ધન માટેના પ્રોજેકટ હાથ ધર્યા છે. કચ્છમાં બન્ની ભેંસની વિશિષ્ઠ ઓલાદને રાષ્ટ્રીય માન્યતા અપાવવામાં સફળતા મેળવી છે. એક બન્ની ભેંસના વેચાણથી બે નેનો કાર ખરીદી શકાય એમ છે અને દુનિયામાં બન્ની ભેંસનું આકર્ષણ ઉભું થયું છે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતિના અવસરે દરેક ગામના ખેડૂત ખાતેદાર સો ટકા ટપક સિંચાઇ અપનાવે તેવો સંકલ્પ સાકાર કરવા અને સ્વર્ણિમ કૃષિ ઉત્સવ સ્વર્ણિમ ગ્રામ વિકાસનો અવસર બની રહે અને દેશને નવી દિશા આપે તેવો પ્રેરક અનુરોધ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેડૂતોને તેમના હક્ક માટે લડત કરવી પડતી હતી. અત્યારે રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ યોજીને ખેડૂતના ઘરઆંગણે તેમના પ્રશ્નોનું સમાધાન જ નહીં પરંતુ ખેડૂત સમૃદ્ધ થાય તે માટે આધુનિક ખેતીનું શિક્ષણ આપી નવી ક્રાંતિ સર્જી છે.
શ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મૌલિક વિચારથી કૃષિ મહોત્સવનું છ વર્ષથી આયોજન કર્યું છે અને હવે તેની ફલશ્રૃતિરૂપે પરિણામ મળ્યું છે. કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત હવે કૃષિ ક્ષેત્રના વૈશ્વિક પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે. ધોમ ધખતા સૂર્યતાપમાં કૃષિ તજજ્ઞો-કૃષિ યોગીઓ ગામડે ગામડે જઇ આધુનિક ખેતીનું માર્ગદર્શન આપે છે અને ખેડૂતો તે મુજબ ખેતી કરતા થયા છે. તેથી ખેડૂતોની આવક બમણી થઇ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ગુજરાતમાં કૃષિ ક્રાંતિ આવી છે તે અંગે હર્ષ વ્યકત કરી રાજ્યમાં ૧૮,૦૦૦ ગામડામાં ખેડૂત અને કૃષિ વૈજ્ઞાનિક વચ્ચે સીધો સંવાદ કરી રાજ્ય સરકારે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, તેમ જણાવી સરકારે સ્થાપિત કરેલ કામધેનુ યુનિવર્સિટી સહિતની કામગીરીની સરાહના કરી હતી. જયારે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, કૃષિ મહેાત્સવ યોજીને રાજ્ય સરકારે ખેડૂતો સુધારેલ બિયારણ અને આધુનિક ટેકનીકોનો ઉપયોગ કરતા થાય તે માટે જનઅભિયાન હાથ ધરીને ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કર્યા છે. જયારે પૂર્વ કૃષિ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારની સોઇલ હેલ્થકાર્ડની યોજનાથી થયેલા ફાયદા જણાવી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ ખેડૂતલક્ષી પ્રકાશનોનું વિમોચન કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરાયું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે અકસ્માત વિમાના આઠ લાભાર્થીઓને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા, જિલ્લા સહ પ્રભારી અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માધાભાઇ બોરીચા, સંસદસભ્ય શ્રી દીનુભાઈ સોલંકી, ધારાસભ્યો શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, શ્રી રાજસીભાઈ જોટવા, શ્રીમતી વંદનાબેન મકવાણા, શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, શ્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર શ્રી આશિર્વાદ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનીધિ પાની, જિલ્લા પોલીસ વડા શ્રી મનીન્દ્રસિંહ પવાર, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.
સમારંભના પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. એન. સી. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે આભારદર્શન સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણીએ કર્યું હતું.