મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “બેટી બચાવ, બેટી ભણાવ, બેટી વધાવ” માટે સમસ્ત સમાજની ચેતના ઉજાગર કરવાનું આહ્વાન કર્યું છે.
વિકસીત સમાજોમાંથી ભૃણ હત્યાના ધોર કલંકને મિટાવવાની હ્યદયસ્પર્શી અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૨૧મી સદીમાં નારીશકિતને વિકાસમાં ભાગીદાર બનાવવાથી સમાજનું સંતુલન જળવાઇ શકશે અને આ માટે કન્યા કેળવણી સાથે માતાની કુખમાં જ ભૃણ હત્યા કરી નાંખવાના પાપનું પ્રાયસ્ચિત કરવું જ પડશે. દીકરી અને દીકરાને પણ શિક્ષિત બનાવવાથી જ સમાજની આવતીકાલ સંસ્કારી અને શકિતશાળી બનશે.
સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત શ્રીમતી વિજ્યાબેન મગનભાઇ ભગત કન્યા છાત્રાલય અમદાવાદમાં રૂા.૧૫ કરોડની સખાવતથી સમાજની કન્યાઓના શિક્ષણની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કન્યા છાત્રાલયના મુખ્ય દાતા શ્રી ધીરૂભાઇ ભગત પરિવાર તરફથી રૂા.૭.૫૦ કરોડનું દાન આપવામાં આવ્યું હતું. એકજ વર્ષ પહેલા આ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ કર્યું હતું.
અઘતન ૨૧૫ રૂમોમાં ૮૬૦ કન્યાઓને આવાસ-અભ્યાસની સુવિધા આપતા આ છાત્રાલયના સાંસ્કૃતિક કક્ષનું ઉદ્ધાટન મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે અને ભોજન કક્ષનું ઉદ્ધાટન પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે કર્યું હતું. શહેરી વિકાસ મંત્રીશ્રીની નીતનિભાઇ પટેલે નવા બંધાનારા કુમારોના છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સમાજોના વિકસામાં શિક્ષણના મહત્વની ભૂમિકા આપતા જણાવ્યું કે ૫૦ વર્ષમાં જે સમાજએ શિક્ષણના પ્રસાર ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું તે સમાજો ઝડપથી વિકસીત થયા છે. એમાં પાટીદાર સમાજ શિક્ષણ માટે અગ્રેસર રહ્યો અને શિક્ષણ માટેના સંચાલન ક્ષેત્રમાં માતૃશકિતને જોડી છે. એવી દરંદેશી ભરી નીતિએ કન્યા કેળવણીમાં પણ આ સમાજ અગીમ હરોળમાં છે.
આપણા સામાજિક સંસ્કારની ઉજ્જળ પરંપરા દાનની છે અને કરવેરાની તાકાત કરતા દાનની શકિત વધારે છે. એમાય ભાવિ પેઢીના જીવન ધડતર માટેનું શિક્ષણ માટેનું દાન તો કન્યાદાન કરતા પણ વિશેષ છે. સર્વજન હિતાય એવી સમાજશકિતમાં દાનની પરંપરા ઉભી કરવાનું શ્રેય આપણા પૂર્વજોને ફાળે જાય છે તેમ તમેણે જણાવ્યું હતું.
૧લી મે ૨૦૧૦નું ગુજરાત સુવર્ણ જયંથી વર્ષ શરૂ થાય તેની ઉજવણી વિશ્વના ૧૦૦ કરતા વધારે જુદા જુદા દેશોમાં વસેલા ગુજરાતી સમાજોની શકિતને જોડીને સત્વ સામ્યર્થથી આવતીકાલના ગુજરાતનો સ્વર્ણિમ જયંતીના વિકાસનું નવું દર્શન કરવાનું છે એવો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, વિશ્વભરના દેશોના ગુજરાતી સમાજોના પ્રતિનિધિઓને આમંત્રીને “સ્વર્ણિમ ગુજરાત સંકલ્પજ્યોત” તેમને અપાશે અને પોતાના દેશમાં જઇને ગુજરાતીઓની શકિતને સ્વર્ણિમ ગુજરાતના નિર્મણ માટે જોડવાની ચેતના ઉજાગર કરશે.
કૃષિ ક્ષેત્રે પરિવર્તનની દિશામાં ગુજરાતે ક્રાંતિ સર્જી છે અને આપણા ગુજરાતે છેલ્લા સાત સાત વર્ષથી એકધારો કૃષિ વિકાસ દર ૯.૬ ટકાના વિક્રમસર્જક કૃષિદર ઉપર લઇ જઇને ગુજરાત કૃષિ ક્ષેત્રે પણ ભારતનું પ્રથમક્રમનુ઼ રાજય બન્યુ છે, એમ તેમણે જણાવ્યું હતું. કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી કન્યાઓ શિક્ષિત બનવાની સાથે સમાજના ગરીબ બાળકોને-દિકરીઓને સાક્ષરતા પ્રત્યે પ્રેરિત કરે અને અક્ષરજ્ઞાનનું અભિયાન ઉપાડે તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.
સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, અમદાવાદના પ્રમખુ અને ધારાસભ્યશ્રી વલ્લભભાઇ કાકડિયાએ મંડળ દ્વારા સમાજના શૈક્ષણિક વિકાસ માટે હાથ ધરાયેલા પ્રવૃત્તીની રૂપરેખા આપી અઘતન કન્યા છાત્રાલય માટે રૂા.૧ કરોડ ૫૧ લાખનું માતબર દાન આપનાર શ્રી ધીરૂભાઇ ભગત સહિતના દાતાઓની સખાવત ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણી, સાંસદ અને પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, સાંસદ શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, નિરમાના ટ્રસ્ટી શ્રી હિરેન પટેલ, સહિત કેળવણી મંડળના હોદ્દેદારો, સમાજના આગેવાનો, દાનવીરો, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.