ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે, અને ચારેય તરફથી જે સમાચાર મળી રહ્યા છે, ઉત્સાહવર્ધક મતદાન થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો મતદાન કરી રહ્યા છે, અને યુવાનોએ સમગ્ર મતદાનનું જાણે આખું કામ માથે લઈ લીધું હોય, એવું વાતાવરણ જોવા મળે છે. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એમનો ઉત્સાહ તો અનેકગણો વધારે છે. એ પોતે તો મતદાન કરી રહ્યા છે, પરંતુ વધુમાં વધુ મતદાન કરે એના માટે પણ મેદાનમાં ઉતર્યા છે.
હું પ્રથમ ચરણના મતદાનમાં જેમણે પણ મતદાન માટે પહોંચ્યા છે, એ બધાનો હૃદયથી આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયને એમણે મહોર મારી દીધી છે, એ બદલ પણ પ્રથમ ચરણના બધા જ મતદાતાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી દરમિયાન ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં જનતા જનાર્દનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. આપ સૌના આશીર્વાદ લેવાની તક મળી. અને મેં જોયું છે કે આ ચુંટણી ના નરેન્દ્ર લડાવે છે, ના ભુપેન્દ્ર લડાવે છે. આ ચુંટણી અહીં બેઠેલા કોઈ લડાવતા નથી. આ ચુંટણી ગુજરાતની જનતા લડી રહી છે, ભાઈઓ. સમગ્ર ચુંટણીનો દોર આપે હાથમાં લીધો છે. કારણ કે જ્યાં જાઓ ત્યાં, જેને મળો એને, એક જ સૂત્ર સંભળાય, એક જ નારો સંભળાય, એક જ મંત્ર સંભળાય...
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ચારેય તરફ એક જ મિજાજ, એક જ અવાજ.
ભાઈઓ, બહેનો,
આ વખતની ચુંટણી પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માત્રનો હેતુ નથી. આપણે આઝાદીના 75 વર્ષ પુરા કર્યા. પરંતુ આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ ક્યાં હોય એનો નિર્ધાર કરીને આગામી 25 વર્ષ માટેનો પાયો મજબુત બને, એના માટે આ વખતે સરકાર બનાવવાની છે. બધા જ કહે છે કે જો દેશના પહેલા પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો દેશની દિશા જુદી હોત. હવે 75 વર્ષે સરખું કરવા માંડ્યા, આપણે. માંડ કરીને સરખું લાવ્યા છીએ. જેમ આઝાદ ભારત થયું ને ભુલ થઈ, એવી હવે બિલકુલ ના કરાય.
આપણે ગુજરાતને 25 વર્ષમાં વિકસિત ગુજરાત બનાવવું છે, ભાઈઓ... અને વિકસિત ગુજરાતનો મતલબ છે, દુનિયાના જે સમૃદ્ધ દેશો છે, એ સમૃદ્ધ દેશોના દરેકેદરેક માપદંડમાં ગુજરાત જરાય પાછળ ના હોય, એવું ગુજરાત બનાવવા માટે આ ચુંટણી છે, ભાઈઓ. અને એટલા માટે, એનો માર્ગ જ છે, વિકાસ. વિકાસના માર્ગે જઈને આપણે દુનિયાના સમૃદ્ધ દેશોમાં વિકસિત ગુજરાત બનાવીશું. કિસાનોના હિતમાં કેવી રીતે આપણે કામ કરી શકીએ?
ભાઈઓ, બહેનો, જ્યારે દિલમાં રાષ્ટ્ર નીતિ હોય, દિલમાં રાષ્ટ્ર સર્વોપરી હોય, 130 કરોડ દેશવાસીઓ, એક પરિવાર હોય, ત્યારે અમારે માટે રાજનીતિ નહિ, રાષ્ટ્રનીતિ એ જ અમારો માર્ગ છે. અને રાષ્ટ્રનું કલ્યાણ, દેશવાસીઓનો લાભ એ જ અમારો માર્ગ છે અને એ માર્ગ ઉપર અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ મૂળ મંત્ર લઈને સુશાસનના માર્ગે ચાલી રહ્યા છીએ.
ગયા 20 વર્ષમાં ભાજપે ગુજરાતમાં વીજળીની વાત હોય, પાણીની વાત હોય, સડકની વાત હોય, સ્કૂલની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, કોઈ પણ એવો વિષય સામાન્ય માણસને સ્પર્શે એવો તમે લઈ લો, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રો-એકટિવલી, જનતાને ધ્યાનમાં રાખીને, સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં લગાતાર કામ કર્યું છે. અને એના કારણે આજે ગુજરાતના લોકોના દિલ-દિમાગમાં ભાજપ માટે એક ભરોસો છે. અને ભરોસો હોય ને એમાં ક્યારેય આશીર્વાદની ખોટ ના પડે, ભાઈઓ. અને ગુજરાતે ક્યારેય આશીર્વાદમાં ખોટ નથી પડવા દીધી. 8 વર્ષ થયા, આપે મને દિલ્હી મોકલ્યો. પરંતુ તમે મને એક મિનિટ છોડ્યો નથી, ભાઈઓ. આ પ્રેમ, આ આશીર્વાદ, મારા જીવનની બહુ મોટી મૂડી છે, દોસ્તો. તમારો જેટલો આભાર માનું, એટલો ઓછો છે.
અને એટલે ભાઈઓ, બહેનો, આ પ્રેમ, આ આશીર્વાદ એ મને નિત્ય નવી ઊર્જા આપે છે. નવી તાકાત આપે છે. સમસ્યાઓના સમાધાન માટેના રસ્તા શોધે છે. આપણે ત્યાં ઉત્તર ગુજરાત એટલે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળના દિવસો. પાણી વગર વલખાં મારતા હોઈએ. સારો વરસાદ થાય તો એકાદ પાક માંડ મળે. એકએક દિવસો ભુલી... હજુ એ પેઢી જીવે છે, જેણે જોયું છે. સુજલામ સુફલામ યોજના લઈ આવ્યા. કાચી કેનાલ દ્વારા પાણી પહોંચાડ્યા, અને મારે ગુજરાતના ખેડૂતોને, જ્યારે હું હિન્દુસ્તાનના લોકોને કહું છું ને કે મેં ગુજરાતના ખેડૂતોને પંદર પંદર, વીસ વીસ હજાર ખેડૂતોના સંમેલન કર્યા હતા, અને મેં કહ્યું કે જમીન આપો, મારે કાચી કેનાલ બનાવવી છે.
એક પણ પ્રકારનો કોર્ટ-કચેરી, કોઈ પ્રોબ્લેમ થયા વિના પ00 કિલોમીટર લાંબી કેનાલ બનાવી દીધી, સુજલામ, સુફલામ. અને ત્રણ ત્રણ પાક લેતા થઈ ગયા, મારા ખેડૂતો. અમારા સાબરકાંઠાના ખેડૂતોએ પાણી મળ્યું, પણ પાણીને પરમાત્માનો પ્રસાદ માન્યો. હું ખેડૂતોનો આભાર માનું છું. અને એમણે મારી સુક્ષ્મ સિંચાઈની વાતને સ્વીકારી. ટપક સિંચાઈની વાતને સ્વીકારી. અને 400 કરોડ રૂપિયા જેટલી રકમ આ ટપક સિંચાઈ માટે, સુક્ષ્મ સિંચાઈ માટે, પર ડ્રોપ, મોર ક્રોપ, આ મંત્રને સાકાર કરવા માટે આપણે લગાવી, અને તમે બધાએ મહેનત કરી ને ઊગી નીકળી.
આજે જુઓ, 20 વર્ષમાં, આ સાબરકાંઠા... અહીંયા મગફળીનું કોઈ નામ ના લે, ભૂતકાળમાં. મગફળીની વાત આવે, એટલે સૌરાષ્ટ્રની જ વાત આવે. આ આપણા સાબરકાંઠામાં 20 વર્ષમાં મગફળીની વાવણી બે ગણી થઈ ગઈ. અને પાણી મળવાના કારણે સાબરકાંઠાની મગફળી પહેલા કરતા આઠ ગણી વધારે પાકતી થઈ ગઈ, ભાઈઓ. આ આપણે કામ કર્યું છે, પાયાનું કામ. મને કહેવામાં આવ્યું કે આ વખતે મગફળીની ખરીદી પણ સારી થઈ છે. અને અમારા ખેડૂતોને પણ પાંચે આંગળી ઘીમાં છે.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલા શાકભાજી બહુ ગણ્યાગાંઠ્યા ક્ષેત્રમાં થતી હતી અને એ અમદાવાદ કે ગાંધીનગર પુરતી શાકભાજી પહોંચતી હતી. આજે ત્રણ ગણા ક્ષેત્રમાં શાકભાજીની વાવણી થાય છે અને સાબરકાંઠામાં પાંચ ગણી વધારે શાકભાજી પેદા થાય છે. અને હું પહેલા કહેતો હતો કે આ દિલ્હીના લોકો ગુજરાતના દૂધની ચા પીવે, આ દિલ્હીના લોકો ગુજરાતનું મીઠું ખાય, અને પાછા અહીં આવીને ગાળો બોલે ગુજરાતને. કોઈનું નમક ખાધું હોય તો, કોઈ નમકહલાલ હોય કોઈ? કરે કંઈ? પણ કરે છે, આ લોકો. એમ, આજે દિલ્હીમાં તાજી શાકભાજી આ મારા સાબરકાંઠાની પહોંચતી હોય છે, ભાઈઓ.
બટાકાની ખેતી, કોલ્ડ સ્ટોરેજ આજે અહીંયા મોટું નેટવર્ક ઉભું થઈ ગયું, ભાઈઓ, એટલું જ નહિ, સાબરકાંઠામાંથી બટાકામાંથી બનેલી જે ફ્રેન્ચ-ફ્રાઈઝ હોય છે, એ આજે એક્સપોર્ટ થવા માંડી. આ મારો સાબરકાંઠા, ગૌરવની વાત છે, ભાઈઓ. અને તમે બધા અભિનંદનના અધિકારીઓ છો. ફુડ પ્રોસેસિંગ ઉપર જે કામ થયા. કેન્દ્ર સરકાર આજે ફુડ પ્રોસેસિંગ ઉપર ખુબ કામ કરી રહી છે. મૂલ્ય વૃદ્ધિ માટે આજે સરકાર 1 લાખ કરોડ રૂપિયા, એના માટેનું ફંડ એક બનાવ્યું છે. જેથી કરીને ખેડૂતો જે પેદાવાર કરે છે, એની વેલ્યુ એડિશન થાય. તાલુકે તાલુકે કોલ્ડ સ્ટોરેજ બને, ફુડ પ્રોસેસિંગ હાઉસ બને, એના માટે નવી નવી સુવિધાઓ પેદા થાય, એના માટે આજે કામ કરી રહ્યા છીએ.
એટલું જ નહિ, કિસાન ઉત્પાદક સંઘ, એફ.પી.ઓ. ગયા બજેટમાં તમે જોયું હશે, એના માટે નાના નાના સમુહો બનાવવાના, ખેડૂતોના. એના માટે ભારત સરકાર, એફ.પી.ઓ. માટે પૈસા આપી રહી છે. અને એના કારણે આજે દેશમાં 10,000 ખેડૂતોના આવા સમુહ બનાવવાનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. અને એનો લાભ મારા ગુજરાતના જાગૃત ખેડૂતોનેય મળી રહ્યો છે અને મારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોનેય મળી રહ્યો છે. આજે ખેડૂતના ખિસ્સામાં વધુમાં વધુ પૈસા આવે, ખેડૂતોની આવક વધે, ખેડૂતો એમના જીવનમાં અન્નદાતા, ઊર્જાદાતા બને, એક નવું કામ આપણે ઉપાડ્યું.
આપણા ખેતરના શેઢે એક મીટર મારી જમીન બગડે, એક મીટર પડોશીની બગડે. કેમ? આપણે પેલી થોરની વાડ કરી દીધી હોય. મેં કહ્યું કે ભઈ, થોરની વાડ કાઢો, આપણે ત્યાં સોલર પેનલ લગાડો. અને ખેતરમાં જ વીજળી પેદા કરો. જોઈએ એટલી વીજળી તમે વાપરો અને વધારાની વીજળી સરકારને વેચો. એક જમાનો હતો, આ મારો ઉત્તર ગુજરાતનો ખેડૂત વીજળી લેવા ગયો. કોંગ્રેસવાળાએ ગોળીએ દીધા હતા, આપણા સાબરકાંઠાના જવાનીયાઓને.
આજે આ એવી મોદી સરકાર છે કે, એમ કહે છે કે તમે જેમ ખેતીમાં પેદાવાર કરો છો, વીજળી પણ ખેતરમાં પેદા કરો. અને સરકાર તમારી વીજળી ખરીદશે. આજે વીજળીના પૈસા આપવાના નથી. વીજળીમાંથી પૈસા કમાવાના છે. એવી નીતિ લઈને આપણે ચાલી રહ્યા છીએ. એટલું જ નહિ, પહેલાની સરકારો માલેતુજાર ખેડૂતો માટે ઘણું બધું કરવા. ટ્રેકટર હોય, ટ્રોલી હોય, આ બધું મોટા મોટા મશીનો હોય એવા ખેડૂતને લાભ થાય. નાના ખેડૂતનું કોણ, ભાઈ? આજે 85 ટકા ખેડૂત નાના છે. એક વીઘુ, બે વીઘા, અઢી વીઘા જમીન હોય, એનું ભલું કોણ કરે, ભાઈ?
આ તમારો દીકરો દિલ્હીમાં બેઠો ને, એને ખબર હતી, એને ખબર હતી કે ગામડાના ખેડૂતની સ્થિતિ શું છે? અને એટલે આપણે પીએમ કિસાન સન્માન નિધિ કરી. અને દર વર્ષે ત્રણ વખત બબ્બે હજાર રૂપિયા સીધા એના બેન્ક ખાતામાં જમા થાય. એને ખાતરનો સમય હોય કે બિયારણનો સમય હોય, એને જરૂર પડે, પૈસા એને મળી જાય અને પાછા સીધેસીધા એના ખાતામાં જમા થાય. એકલા સાબરકાંઠામાં દિલ્હીથી મોકલેલા 480 કરોડ રૂપિયા સાબરકાંઠાના ખેડૂતના ખાતામાં જમા થયા છે, બોલો. અને વચ્ચે કોઈ કટકી-કંપની નહિ. કોઈ કાકા-મામાવાળો લઈ જાય એવું નહિ. સીધું જ, નહિ તો, દેશમાં એક પ્રધાનમંત્રી હતા, એમ કહેતા હતા કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું, તો 15 પૈસા પહોંચે છે. આ એવો દીકરો છે તમારો, કે એક રૂપિયો મોકલે, 100એ 100 પૈસા પહોંચે. રૂપિયો ક્યાંય ઘસાય જ નહિ.
ભાઈઓ, બહેનો,
દેશભરમાં આ પીએમ કિસાન સન્માન નિધિ તહત લગભગ 2 લાખ કરોડ રૂપિયા આ દેશના ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. આપણી પેદાવાર જે હોય એની વધુમાં વધુ કિંમત મળે, એના માટે કિસાનોને પુરતી મદદ કરવાનું કામ આજે ભારત સરકાર અને ભુપેન્દ્રભાઈની ગુજરાત સરકાર કરે છે. કોંગ્રેસ સરકાર હતી, ત્યારે 8 વર્ષમાં, આંકડો યાદ રાખજો... કારણ કે આપણા નાના ખેડૂતોની પેદાવાર આજ હોય છે. 8 વર્ષમાં 600 કરોડ રૂપિયાના એમણે દાળ ને કઠોળ ને તેલીબિયાં આ ખરીદ્યા હતા, આખા દેશમાં. 8 વર્ષમાં 600 કરોડ રૂપિયા. આ તમારા દીકરાએ 8 વર્ષમાં 60,000 કરોડ રૂપિયાના તેલીબિયાં, કઠોળ, દાળ, આ ખેડૂતો પાસેથી ખરીદ્યાં છે. આ 60,000 કરોડ રૂપિયા ખેડૂતોને મળ્યા કે ના મળ્યા, ભાઈઓ? કામ કેવી રીતે કરાય? એનો આ નમુનો છે.
એક જમાનો હતો. આ સાબરકાંઠામાં કપાસ, એનું બિયારણ, એના ઉપર ટેક્ષ, સેલ્સટેક્ષ, વેટ, આ બધું લાગતું હતું. આપણે આવીને બધું બંધ કરી દીધું. એ બધું હટાવી દીધું. અને ભાજપ સરકારે બિયારણ પરના બધા ટેક્ષ હટાવી દીધા. આનો લાભ ખાસ કરીને અમારા કપાસનું બિયારણ છે, એમાં... ખાસ કરીને ઈડર, ખેડબ્રહ્મા, આ મારું પોશીના, આ વિજયનગર, આ મારું હિંમતનગર, આ બધા વિસ્તારને એનો લાભ મળ્યો.
ભાઈઓ, બહેનો,
ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન જોડાયેલું જ છે. ખેતીને અને પશુપાલનને જુદું ના કરી શકો. ગામડાને અને પશુપાલનને જુદું ના કરી શકો. થોડા મહિના પહેલા હું અહીંયા સાબર ડેરીના કાર્યક્રમમાં આવ્યો હતો. અને ત્યારે મેં અનેક બધા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા, એનું લોકાર્પણ કર્યું. 2 દસક પહેલા આપણી આ સાબર ડેરી, એનું ટર્નઓવર સાડા ત્રણ સો કરોડ રૂપિયા હતું. સાડા ત્રણ સો કરોડ. આજે ડેરીનું ટર્નઓવર 6,000 કરોડ છે, બરાબર? 6,000 કરોડ... ક્યાંથી ક્યાં પહોંચ્યા... પહેલાની તુલનામાં વધુ પૈસા સાબરકાંઠાના પશુપાલકોને, અમારી બહેનો પાસે પહોંચ્યા. એ કામ થયું છે.
ગયા 8 વર્ષમાં પશુપાલન સેક્ટરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક નિર્ણય લીધા. ઈવન, માનો કે આ કોરોના.
કોરોનામાં તમને બધાને વેક્સિન મળી છે, ભાઈ?
બધાને વેક્સિન મળી છે?
જરા આમ, જરા ગરમી બતાવો, જરા ખબર પડે મને, મળી છે?
બધાને વેક્સિન મળી છે?
મફતમાં મળી છે?
આ ટીકાકરણનું તમને મહત્વ સમજાણું છે ને?
આની ચર્ચા તમને બધાને ખબર છે. પણ મેં બીજું પણ એક કામ કર્યું છે. જેની અંદર ન છાપામાં કોઈ દહાડો આવે છે, ના તમને ખબર હોય. આ દેશના પશુઓને ખરપગની જે બીમારી થતી હોય છે. ફુટ-માઉથ ડીસીઝ જેને કહે છે, એના નિવારણ માટે આખા દેશમાં પશુઓને મફત ટીકાકરણનું કામ ચાલી રહ્યું છે, અને લગભગ 14,000 કરોડ રૂપિયા આ સરકાર ખર્ચી રહી છે, જેથી કરીને આપણું પશુ માંદું ના પડે. અમારા પશુપાલકોને નાના નાના ખર્ચા. એના માટે જે પૈસા જોઈએ. આજે પેલા વ્યાજખોરો પાસેથી લઈ આવે પૈસા. અને વ્યાજખોરો તો બરાબર ચમડી ઉધેડી લેતા હોય છે.
આપણે કહ્યું કે નઈ, મારો પશુપાલકને પણ બેન્કમાંથી પૈસા મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ, જે પહેલા ખેડૂતોને મળતું હતું. એમાં ઓછા વ્યાજે પૈસા મળતા હતા. આ કિસાન ક્રેડિટ કાર્ડ આપણે પશુપાલકોને આપ્યું અને એને પણ બેન્કમાંથી લોન મળે. ઓછા વ્યાજે લોન મળે. અને આના કારણે અમારા પશુપાલકોને આર્થિક તાકાત મળી છે. ગુજરાતની અંદર પશુપાલન સાયન્ટિફીક રીતે આગળ વધે, નવી પેઢી એમાં આગળ આવે. ભાજપ સરકારે અહીંયા કામધેનુ યુનિવર્સિટી બનાવી. ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી. આ બધા ભવિષ્ય માટેના મોટા કામો લઈને આપણે કામ કરી રહ્યા છીએ. અને ડબલ એન્જિનની સરકાર હોય ને એટલે ડબલ બેનિફીટ થતા હોય છે. ડબલ મહેનત પણ થતી હોય છે. અને ડબલ પરિણામ પણ મળતા હોય છે.
આપણા ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, ચિરંજીવી યોજના, બાલભોગ યોજના, ખિલખિલાટ યોજના, આ કદાચ નામોય તમને યાદ હશે કે નહિ, એ મને ખબર નથી. આ બધું, પરિવારના માતા માટે અને સંતાનો માટે, નવજાત શિશુ માટેની બધી આપણે યોજનાઓ ચાલે છે. ગર્ભવતી મહિલાઓ, બાળકો, સુરક્ષિત બને, માતા અને ગર્ભની અંદર જે બાળક છે, એ સુરક્ષિત રહે, એની સુવાવડ સુરક્ષિત થાય, પ્રસુતિ સુરક્ષિત થાય, આના માટે જનની શિશુ સુરક્ષા એક કાર્યક્રમ આપણે ચલાવીએ છીએ.
આનો લાભ ગયા વર્ષોમાં ગુજરાતને ખુબ થયો છે. આદિવાસી જિલ્લાઓમાં એનો વિશેષ લાભ થયો છે. અને શિશુ મૃત્યુદર ખુબ તેજીથી આપણે ત્યાં ઘટી રહ્યો છે. બાળકોની જિંદગી બચી રહી છે. માતાઓની જિંદગી બચી રહી છે. અને ગુજરાતમાં આપણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ હવે આખા દેશમાં લાગુ કરી રહ્યા છીએ. કારણ કે ગુજરાતના આ સફળ પ્રયોગનો લાભ આખા દેશને મળે.
આયુષ્માન ભારત. આજે આયુષ્માન કાર્ડ, કોઈ પણ ગરીબ, પહેલાના જમાનામાં રાશનનું કાર્ડ હોય ને, એટલે એ એમ માને કે મારી પાસે કાર્ડ છે. આજે આયુષ્માન કાર્ડ, કોઈ પણ ગરીબ, કોઈ પણ મધ્યમ વર્ગનો માનવી આયુષ્માન કાર્ડ લઈને આમ ગર્વ અનુભવતો હોય છે. કારણ? આયુષ્માન ભારત યોજના, પહેલા ગુજરાતમાં આપણી મા યોજના હતી. હવે આયુષ્માન મા યોજના બની ગઈ. અને 5 લાખ રૂપિયા સુધી મફત ઈલાજ.
આપણે ત્યાં ખબર છે, માતાઓ, બહેનો, ખાસ કરીને ઘરમાં માંદગી આવી હોય અને મા બીમાર હોય, પીડા થતી હોય, દર્દ થતું હોય, પણ બોલે નહિ, સહન કરે. મા ઘરમાં કોઈને ખબર જ ના પડવા દે કે એને આટલી ગંભીર તકલીફ થઈ રહી છે. કેમ? કારણ કે એના મનમાં એક જ વિચાર હોય કે હું માંદી પડી છું ને જો ઓપરેશન કરવાનું થશે, આ છોકરાઓને દેવાંનાં ડુંગરમાં ડુબી જશે. છોકરાઓ વ્યાજે પૈસા લાવશે. પછી ક્યારે બહાર નીકળશે? મારે છોકરાઓને દેવાદાર નથી બનાવવા. હું બીમારી સહન કરી લઈશ, હું માંદગી સહન કરી લઈશ.
આપણા દેશમાં માતાઓ, બહેનો સહન કરે, પણ કોઈને કહે નહિ. હવે તમે મને કહો, આ તમારો દીકરો દિલ્હી બેઠો હોય, મારી આ માતાઓને પીડા થવા દેવાય? થવા દેવાય? આ મારી માતાઓનું દુઃખ દૂર કરવાનું હોય કે ના કરવાનું હોય? આ માતાઓનું દુઃખ દૂર કરવાનું હોય કે નહિ, દુઃખ? આ માતાઓની વેદના દૂર કરવાની હોય કે ના કરવાની હોય? કરવાની હોય? આયુષ્માન યોજના દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો આ તમારો દીકરો સંભાળે છે.
તમારી માંદગી હોય, તમે કોઈ પણ હોસ્પિટલમાં કાર્ડ લઈને જાઓ, તમે હરદ્વાર, ઋષિકેશ ગયા હો, માંદા પડી ગયા હોય, તોય કાર્ડ ચાલે. તમે છોકરાને મળવા માટે મુંબઈ ગયા હોય, તોય કાર્ડ ચાલે. તમે જગન્નાથપુરી દર્શન કરવા ગયા હોય, અને ત્યાં માંદા પડી ગયા હોય, તોય કાર્ડ ચાલે. આવું કાર્ડ આદેશના નાગરિકોને આપણે આપી રહ્યા છીએ. અને અત્યાર સુધીમાં દેશમાં 4 કરોડ નાગરિકોએ માંદગીમાં એનો લાભ લીધો છે. અમારા સાબરકાંઠામાં પણ 1 લાખ કરતા વધારે લોકોએ એનો લાભ લીધો છે, ભાઈઓ. તમે મને કહો કે જેને દુઃખના દિવસોમાં મોદી પહોંચી ગયો, એને મોદીને લોકો આશીર્વાદ આપે કે ના આપે? આપે કે ના આપે? તમારું કામ છે, એના સુધી પહોંચો. એની જોડે વાત કરો.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશભરમાં જે પ્રસુતા માતાઓ છે, એમને 11,000 કરોડ રૂપિયા સુધીની મદદ, જેથી કરીને એનું સ્વાસ્થ્ય સારું રહે. પ્રસુતિ દરમિયાન પ્રસવ સમયે પુરતો ખોરાક હોય, 10 લાખ બહેનો, એનો લાભ લીધો. જેથી કરીને એના ગર્ભનું બાળક હોય, એ તંદુરસ્ત જન્મે. એની ચિંતા કરી છે. 10 લાખ બહેનોને એનો લાભ મળવાની વાત, આપણે આ કરી શક્યા છે, ભાઈઓ. શહેરમાં ગરીબ હોય, મધ્યમ વર્ગનો માનવી હોય, એની ચિંતા. ગામડામાં ગરીબ હોય, મધ્યમ વર્ગનો માનવી હોય, એની ચિંતા.
શહેરમાં રહેનારા ગરીબોની ચિંતાને પણ આપણે પ્રાથમિકતા આપી છે. કેટલાય એવા લોકો છે, ગામ છોડીને સારી જિંદગી જીવવા માટે, રોજી-રોટી કમાવવા માટે શહેરમાં આવે, પણ શહેરની અંદર વ્યવસ્થા ના હોય, તકલીફો હોય, ઝુંપડપટ્ટી જેવી જિંદગી જીવવાની હોય, આવા કંઈક કારણોસર એને ફરી પાછા ગામડે પાછા જવું પડે. અને આના પરિણામ એ આવે કે ગામડાની અંદર, ગરીબની આ ઝુંપડપટ્ટી, આ જીવનની એક વિકૃત અસર પેદા થતી હોય છે. એમાંથી બચાવવા માટે આપણે પાકા ઘર. શહેરની અંદર ઘરો બનાવવાની વ્યવસ્થા. જેથી કરીને એ શહેરમાં આવે તો એને કામ કરવા માટે વ્યવસ્થા મળી જાય. બહેતર જિંદગી જીવી શકે, એના માટે આપણે કરીએ છીએ.
કોંગ્રેસ સરકારે શહેરી ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગ પરિવાર માટે ક્યારેય કોઈ યોજના નહોતી બનાવી. આટલા બધા વર્ષ એમણે રાજ કર્યું. આપણે શહેરમાં આવનાર જે લોકો વસે છે, એમની પણ ચિંતા કરી. શહેરોમાં રહેવાવાળા ગરીબો, મધ્યમ વર્ગના, મધ્યમ આયુવાળા લોકો હોય, એમના આવાસ યોજના, કારણ, દરેકનું સપનું હોય, પોતાના ઘરનું ઘર બને, અને ગરીબ માટે શહેરમાં પોતાનું મકાન બનાવવા માટે આજે આપણે કામ કરી રહ્યા છીએ. અને એ સપનાંને પુરું થાય એ માટે કામ કરી રહ્યા છીએ.
આ સાબરકાંઠામાં 21,000 કરતા વધારે ગરીબોના મકાનો બનાવ્યા છે. 21,000... એટલું જ નહિ, મકાન એટલે ચાર દીવાલો નહિ, એમાં વીજળી હોય, ગેસનો બાટલો હોય, એમાં નળમાં જળ હોય, એને આયુષ્માન કાર્ડ હોય, એને મા યોજનાનું કાર્ડ હોય, એને જનઔષધિ કેન્દ્રની અંદર સસ્તી દવાઓ મળે એની વ્યવસ્થા હોય, એક પ્રકારને જીવનની પુરી સુરક્ષા. આ રીતે આપણે કામ કરીએ છીએ.
અને એટલા માટે ભાઈઓ, બહેનો, તમે વિચાર કરો, કોરોના... આવી ગંભીર માંદગી આવી. કોઈ કુટુંબની અંદર એક માણસ સહેજ ગંભીર માંદગી આવી હોય ને, કુટુંબ 5 વર્ષ સુધી ઉભું ના થઈ શકે. આ આવડા મોટા દેશ ઉપર, આવડી મોટી ગંભીર માંદગી આવી, આખી દુનિયા ઉપર આવી. આપણા દેશ ઉપર આવી. એના કેટલી બધી અસરો થાય તમે અંદાજ કરી શકો છો. પરંતુ આ દેશને બચાવવો, આ દેશને આ ગંભીર માંદગીમાંથી પણ ટકાવી રાખવો, અને જીવન ચાલુ રહે એની ચિંતા કરી. અને એના માટે થઈને મનમાં એક ભાવ હતો. કારણ કે હું તમારી વચ્ચેથી મોટો થયો છું. તમારા શિક્ષણમાંથી મને શિક્ષણ. તમે મને જે શીખવાડ્યું, એમાંથી મારું જીવન ઘડાણું છે, અને સાબરકાંઠાની ધરતીમાં તો વિશેષ. તમારી વચ્ચે રહ્યો છું, ભાઈ.
અને એના કારણે, આજે જ્યારે ભ્રષ્ટાચાર સામેની લડત લડીએ છીએ, ત્યારે એક મહત્વનું કામ. રાશન. કોઈ એક જમાનો હતો. રાશનની દુકાનમાંથી માલ ચોરી થઈને વગે થઈ જતો હતો. અમે 80 કરોડ લોકોને કોરોનામાં 3 વર્ષ મફત અનાજ પહોંચાડ્યું, મફત અનાજ પહોંચાડ્યું. ગરીબના ઘરની અંદર ચુલો ઓલવાય નહિ, એની ચિંતા કરી અને ગરીબના છોકરાઓ ભુખ્યા ના સૂઈ જાય, એની અમે વ્યવસ્થા કરી. અને એના જીવનની ચિંતા કરી. આજે ગરીબોના નામે, પહેલાના જમાનામાં રાશન આવે, ભ્રષ્ટાચારીઓ ક્યાંય વગે કરી જાય. થેલા ભરાઈને બીજે વેચાઈ જાય.
અમે દેશમાં આ વ્યવસ્થા પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આજે રાશન નીકળે, એના ટ્રકનો નંબર, એનું બધું ટ્રેકિંગ થાય છે. ક્યાંય પણ એક કાણી પાઈની ચોરી ના કરે, એના માટેની વ્યવસ્થા. અને કેટલાક લોકો મારી સામે બબડે છે ને, એનું કારણ એ કે એમની દુકાનો બંધ થઈ ગઈ છે. અત્યાર સુધી જે મફતનું બધું ખાધું છે ને એ બંધ થઈ ગયું છે. એટલે કેટલાક લોકોને તકલીફ પડે છે. અમે 20 કરોડ રાશન કાર્ડ એવા હતા. જે 20 કરોડ રાશન કાર્ડને અમે ડિજિટલ રાશન કાર્ડ બનાવી દીધા, ભાઈઓ. અને જ્યાંથી રાશન નીકળે, જે દુકાને જાય, અને જ્યાં વહેંચાય, આ બધું ટેકનોલોજી જોડે, ટ્રેકિંગ થાય.
કોમ્પ્યુટરની અંદર સાથે એની બધી વિગતો આવે. આના કારણે ભ્રષ્ટાચાર પર લગામ લાગી. અને લોકોને સમય પર રાશન મળે, એની વ્યવસ્થા થઈ, ગરીબોને... બોર્ડ ના માર્યા હોય કે આજે આ ખાલી થઈ ગયું છે, પેલું ખાલી થઈ ગયું છે. એને રાશન મળે જ. અને પેલો જો ના પાડે તો પકડાય, આની વ્યવસ્થા કરી છે. ભાજપ સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડ જોડે જોડ્યા. અને એના કારણે પણ ખોટા લોકો લઈ ના જાય, ખોટા રેશન કાર્ડ ના હોય, એ પણ પકડમાં આવી ગયા. સાચા માણસને જે એના હક્કનું છે, એ મળવું જોઈએ.
તમે અંદાજ લગાવી શકો. કોંગ્રેસના રાજમાં 4 કરોડ ફર્જી રાશન કાર્ડ હતા, ભુતિયા... ભુતિયા કાર્ડ 4 કરોડ. આ બધો માલ ક્યાં જતો હશે, તમને અંદાજ આવી જતો હશે, ભાઈઓ. આ બધું આપણે બંધ કરાવી દીધું અને બધું વ્યવસ્થિત કરવાની દિશામાં કામ કર્યું છે. અને જે લોકો ગરીબ પાસેથી છીનવી લેતા હતા, એને સાચા લોકો સુધી પહોંચાડવાની અંદર આપણે સફળ થયા છે. સાચો જે રાશનકાર્ડધારી હતો, એને આપણે પહોંચાડી રહ્યા છીએ. ઈમાનદારીથી આ અભિયાનને કોરોના કાળમાં પણ આપણે વધાર્યું. અને મહામારીના સમયમાં ગરીબોને મેં કહ્યું એમ મફત અનાજ પહોંચાડીને આપણે એની ચિંતા કરી.
તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈઓ, બહેનો, ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ આ દેશને એક મોટી તાકાત આપી છે. સામાન્ય માનવીને આના માટે થઈને ભારત સરકારે 3 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ ખર્ચી છે, ભાઈઓ. તમે અંદાજ લગાવી શકો છો કે માત્ર એક રાશન જેવી વ્યવસ્થા, એમાં પણ અમારે આટલા બધા સુધારા કરવા પડ્યા. અને એની તરફ આટલું બધું ધ્યાન આપવું પડ્યું. એવા તો કેટલાય કામો છે, જેને ઝીણવટપૂર્વક કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
વિકસિત ગુજરાત બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચરનું પણ એટલું જ મહત્વ છે. માળખાકીય સુવિધાઓ, સબ કા સાથ, સબ કા વિકાસ, આજે મંત્ર લઈને હું ચાલું છું ને, એ એનું ઉત્તમ ઉદાહરણ છે, ભાઈઓ. ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, દલિત હોય, પીડિત શોષિત હોય, આદિવાસી હોય, પીછડો હોય, લાઈટનો થાંભલો નાખીએ ને બધાને કામ આવે, રોડ બને, બધાને કામ આવે. રેલવે સ્ટેશન બને, બધાને કામ આવે. રેલ હોય, એરપોર્ટ હોય, બધાને માટે કામ આવતું હોય છે. એના માટે અભુતપૂર્વ નિવેશ થઈ રહ્યો છે. હમણા મહિના પહેલા જ અમદાવાદ – ઉદેપુર ટ્રેન ચાલુ કરી છે. હિંમતનગર સેન્ટરમાં આવી ગયું, એના કારણે. અમદાવાદ – ઉદેપુર ટ્રેન ચાલે એટલે હિંમતનગરને આર્થિક રીતે બહુ મોટો લાભ મળતો હોય છે. એ કામ આપણે કર્યું છે. કારણ શું? તો આખી લાઈનને બ્રોડગેજ કરી દીધી. બ્રોડગેજ કરી તો લાભ વધવાનો. નવી ટ્રેનો આવશે. આખોય પટ્ટો તમારો ધમધમતો થવાનો છે. સમગ્ર નોર્થ ગુજરાતને એનો લાભ મળવાનો છે. હિંમતનગરમાં દૂધના કામ માટે, ખેતીના કામ માટે, આ નવી રેલવે લાઈન, બ્રોડગેજ કરી છે, એનો લાભ થવાનો છે.
ભાઈઓ, બહેનો,
અમે લોકો એવા છીએ, જેને વિરાસત પર પણ ગર્વ છે. વિકાસ પર પણ, પર્યટન પર પણ... વિરાસત માટે ગર્વ કર્યો એના કારણે જુઓ, પર્યટન વધી રહ્યું છે. આજે અંબાજીનું પર્યટન કુદકે ને ભુસકે વધી રહ્યું છે. ધરોઈથી અંબાજી આખો પટ્ટો આપણે ડેવલપ કરવાના છીએ. એનો લાભ આખા દાંતા પટ્ટાને મળવાનો છે. ખેડબ્રહ્મા પટ્ટાને મળવાનો છે. અને અમદાવાદથી અંબાજી સુધીના આખા રસ્તાને મળવાનો છે. અને પર્યટન વધે ને એટલે રોજગારના અવસર વધતા હોય છે.
ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાની અંદર પર્યટન વિકાસના કામ માટે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં પણ આપણું શામળાજી, આપણો કાળીયો ઠાકોર... કેવી દશા હતી, એક જમાનામાં? આ મારો કાળીયો ઠાકોર આજે કેવો આમ ફુલી-ફાલીને બેઠો છે ને... આવતો-જતો માણસ, રાજસ્થાન જતું હોય ને તોય કાળીયા ઠાકોર પાસે ગાડી ઉભી રાખે, અને બે મિનિટ કાઢીને જાય. રોજી-રોટી લોકોને મળે, કમાણી થાય. હાથમતી નદી. હાથમતી નહેરનું સુંદરીકરણ, આ પણ ટુરિઝમને લાભ આપવાની સંભાવનાવાળું છે. એ જ રીતે આપણે ત્યાં પાલ ચિતરીયા, આઝાદીના જંગમાં અમારા આદિવાસીઓએ શહાદત વહોરી હતી. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં પાલ ચિતરીયાની અંદર આદિવાસીઓએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. અને જલિયાંવાલા બાગ જેવી ત્યાં સ્થિતિ પેદા થઈ હતી. એને કોંગ્રેસના લોકો ભુલી ગયા હતા. આપણે એને જલિયાવાલા બાગની સામે જ એવું જ મોટું સ્મારક બનાવીને અહીંયા એ અમારા આદિવાસીઓના શહીદ સ્મારક બનાવીને લોકો નમન કરવા આવે એની વ્યવસ્થા કરી.
ભાઈઓ, બહેનો,
આદિવાસીઓ, એના યોગદાનને કોંગ્રેસે ક્યારેય સ્વીકાર્યું નહોતું. આ ભારતીય જનતા પાર્ટી છે, કે જેને સ્વીકારે છે. અને ભારતીય જનતા પાર્ટી સરકારે નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસની બધી ભુલો સુધારવી છે. પણ સાથે સાથે આગામી 25 વર્ષની અંદર ગુજરાત વિકસિત બને. દુનિયાના સમૃદ્ધ દેશોની તોલે ગુજરાત ઉભું રહે એના માટેનું કર્યું છે. અને એના માટે ભાઈઓ, બહેનો, આ સરકાર વધુ તાકાત સાથે બને એના માટે સાબરકાંઠા જિલ્લો મક્કમ સંકલ્પ કરે. આ વિરાટ સભા એના સબુત છે, ભાઈઓ. આ મંડપની બહાર પણ હજારો લોકો હું જોઈ રહ્યો છું, ઉભા રહ્યા છે. આવડા મોટા સભામંડપની અંદર જ્યારે બેઠા છીએ ત્યારે એક જ કામ ધ્યાન કેન્દ્રિત કરીએ. પોલિંગ બુથ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડી નાખવા છે.
જુના બધા રેકોર્ડ તોડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઊંચા કરીને જોરથી બોલો, તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
બધા જુના રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...) (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં ભાજપને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથમાં જીતવું છે, આપણે. એક પણ પોલિંગ બુથ એવું ના હોય, જેમાં આ વખતે ભાજપ ના જીત્યું હોય.
આ કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે હું હેમનગરમાં આવ્યો છું તો મારું એક અંગત કામ કરવું પડે તમારે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત છે, હોં... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચા કરીને જોરથી બોલો, તો ખબર પડે... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો, ભઈલા? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. હજુ આ બે-ચાર દિવસ તમે લોકોને મળવા જશો. ધેર ઘેર જવાના છો, બધા વડીલોને મળશો, મતદાતાઓને મળશો.
મળવાના ને? (ઑડિયન્સમાંથી હા...)
તો પછી એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ હિંમતનગર આવ્યા હતા. શું કહેશો શું કહેશો? એવું નહિ કહેવાનું કે પ્રધાનમંત્રી આવ્યા હતા. એવું નહિ કહેવાનું કે પીએમ સાહેબ આવ્યા હતા. એ બધું દિલ્હીમાં, અહીં તો આપણા નરેન્દ્રભાઈ. શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ હિંમતનગર આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આ ઘેર ઘેર મારા પ્રણામ પહોંચાડશો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ પ્રણામ ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
અને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ હિંમતનગર આવીને તમને પ્રણામ પાઠવ્યા છે. આ વડીલોને મારા પ્રણામ પહોંચે એટલે મને એમના આશીર્વાદ મળે. અને એમના આશીર્વાદ મારા માટે ઊર્જા છે. મારા માટે એક શક્તિ છે. અને એ શક્તિ દ્વારા દિવસ-રાત આ દેશનું કામ કરી શકું, ગરીબોનું કામ કરી શકું. દેશના વિકાસનું કામ કરી શકું, એટલા માટે મને મારા સાબરકાંઠાના પ્રત્યેક વડીલ મા-બાપના આશીર્વાદ જોઈએ. એટલા માટે મારો સંદેશો પહોંચાડજો, કે આપણા નરેન્દ્રભાઈ હિંમતનગર આવ્યા હતા અને આપને પ્રણામ પાઠવ્યા છે.
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
(સભાના અંતે ઑડિયન્સમાંથી મોદી... મોદી...)