ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, મારા કરતા પણ સિનિયર શ્રીમાન ભુપેન્દ્રસિંહજી,
મંચ ઉપર બિરાજમાન સૌ ભાજપના આગેવાનો,
આ ચુંટણીમાં તમે જેમને જંગી બહુમતીથી જીતાડીને ધારાસભ્ય બનાવવાના છો, એવા સર્વે ઉમેદવારો,
અને વિશાળ સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવેલ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો,
આજે જ્યારે બાવળા આવવાનું નક્કી થયું, તો મને પહેલો વિચાર આવ્યો કે કદાચ મારા જીવનમાં પહેલી એવી ઘટના હશે કે બાવળા આવ્યો હોઉં અને લીલા બાના દર્શન ન થાય. આપણને આશ્ચર્ય થાય કે લીલાબહેનનું શિક્ષણ બહુ સામાન્ય. અને ગયા 40 વર્ષથી હું જોતો હતો જે રીતે સમાજ એમની તપસ્યા. એક નિષ્ઠા. અને જીવ્યા ત્યાં સુધી એ કરતા રહ્યા.
એટલે મારા મનમાં હતું કે આજે જ્યારે બાવળા જઈશ, પહેલીવાર... પરંતુ મારા માટે સુખદ આશ્ચર્ય અને આનંદ કે 104 વર્ષના અમારા માણેક બા, એ મને અહીં આવીને આશીર્વાદ આપ્યા. અમારા આર.સી.ના બા. એના સાસુ મા, અને ઝીણામાં ઝીણી મારી પુછપરછ કરી. આશીર્વાદ આપ્યા. આ મારું સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે, 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા.
ભાઈઓ, બહેનો,
આશીર્વાદ, આ માતાઓના આશીર્વાદ, એ જ આપણી શક્તિ છે, એ જ આપણી પૂંજી છે. અને આજે જ્યારે તમારી વચ્ચે આવ્યો છું. આ મારી ચોથી સભા છે, આજની. ગયા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે, મારું. ગુજરાતના જુદા જુદા ખુણામાં ગયો છું. અને જે વાતાવરણ મેં જોયું છે. ચુંટણીઓ તો ઘણી લડ્યા, લડાવી, બધું કર્યું. પણ આ વખતે મેં જે વાતાવરણ જોયું છે, આ ચુંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. આ ચુંટણી આ મંચ ઉપર બેઠા છે, એય નથી લડતા. આ ચુંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે. આખી ચુંટણીનો દોર આ જનતા જનાર્દને પોતાના હાથમાં લઈ લીધો છે. જ્યાં ગયો ત્યાં, સાથીઓ, એક જ વાત. એક જ અવાજ, એક જ ઉત્સાહ, એક જ ઉમંગ.
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...) પર
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
સાથીઓ,
અમદાવાદની નિકટનો આખો આ પંથક. વર્ષો સુધી એની ઓળખ, એક, ઠેઠ ગામડાની ઓળખ. અહીંનું જીવન એવું જ રહ્યું. પરંતુ, એક દસકો આવી ગયો, કે જેણે આ આખાય જિલ્લાની શકલ-સૂરત બદલી નાખી છે. અને હવે આ જિલ્લો ખુબ તેજીથી શહેરીકરણ તરફ વળી રહ્યો છે. ખુબ તેજીથી ઉદ્યોગ-ધંધાનું કેન્દ્ર બની રહ્યો છે. અને વિકાસની નવી ઊંચાઈઓને સર કરવા માટે આખો અમારો અમદાવાદ જિલ્લો છેક બહુચરાજી સુધી, ચારે તરફ વિકસી રહ્યો છે.
દોસ્તો, મને યાદ છે, મારે ઉપરદળ જવું હોય તો દિવસમાં એક બસ મળે. અમારા એક વડીલ મગનભાઈ હતા, તો રાત્રે એમના ત્યાં રોકાઉં. બસમાં નીકળ્યો હોઉં. બીજા દિવસે સાંજે બસ મળે. એ જિલ્લો આજે આ પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે, ભાઈઓ. અને પૂજ્ય બાપુ, મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારતનો આત્મા, ગામડામાં વસે છે. પણ અમારા કોંગ્રેસવાળા ગાંધીજીને બધી જ રીતે ભુલી ગયા. એમણે તો આ આત્માને જ કચડી નાખ્યો.
ગામડાઓની જે ઉપેક્ષા થઈ, ગામડાઓ પ્રત્યે જે ઉદાસીનતા રહી, એના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઈએ, એ આવ્યું જ નહિ. દાખલા તરીકે હમણા આપણે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવાનું, પણ જેને ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, એનું પણ શિક્ષણ માતૃભાષામાં થઈ શકે. આમ તો નિર્ણય નાનો લાગે. પરંતુ ગામડાના જીવનમાં, ગરીબ, મધ્યમ વર્ગ પરિવારના જીવનમાં, જેને છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાની સંભાવના ના હોય, એમના માટે ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સરળ થઈ ગયું. એના કારણે ગામડાને તાકાત આવવાની છે.
કોંગ્રેસની નીતિઓના કારણે શહેર અને ગામડા વચ્ચે ખાઈ હતી. એટલું જ નહિ, શહેર અને ગામડા વચ્ચે સંઘર્ષ થાય ને એવું કરવામાં એમને મજા આવવા માંડી, ભાઈઓ. અને કેવી દશા હતી? 20 – 25 વર્ષ પહેલા તમે બધાએ અમને સેવા કરવાનો મોકો આપ્યો એ પહેલાની વાત કરું. કોંગ્રેસના જમાનાની. આ પંચાયતરાજ માટે ગુજરાતને આટલા બધા વખાણ થાય છે ને. પરંતુ, 100 કરોડનું બજેટ હતું. 20 – 25 વર્ષ પહેલા 100 કરોડનું બજેટ હતું. અને આજે એ બજેટ ઘણું આગળ વધાર્યું, ભાઈઓ.
20 વર્ષ પહેલા 24 કલાક વીજળી, એનું તો સપનું જ ના જોઈ શકાય. 20 વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીંયા થઈ શકે, સાણંદ કે બાવળા કે વિરમગામ, ઘોળકા કે ધંધુકા. આની કોઈ કલ્પના નહોતું કરી શકતું. ધોલેરાનું તો કોઈ નામ ના લે. એવી દશા. અને અમારા ભુપેન્દ્રસિહભાઈ કહેતા હતા કે સાહેબ, અમારો આ ધોલેરાનો આખો પંથક એવો, 200 વીઘા જમીનનો માલિક હોય, દીકરી પરણાવવી હોય, અને એ કોઈના ત્યાં જાય કે ભઈ, પૈસા જોઈએ છે, એ કહે કે 200 વીધો હું ગિરવી મૂકું. થોડા પૈસા આપો, દીકરીને પરણાવવી છે, તો પેલો એમ કહે કે ભઈ, તારી જમીન તારી પાસે રાખ. નથી જોઈતી. તારી આબરુ પર મને ભરોસો છે, આ પૈસા લઈ જા. કારણ, તારી જમીન મારા કશા કામમાં નથી આવવાની. એવો જમાનો હતો.
અને આજે? આજે એ પંથક આખો, જમીનોના ભાવ જે ચઢ્યા છે. ધોલેરાનો જે વિકાસ, મને યાદ છે આ સાણંદમાં જ્યારે અમે બધા, શરુઆત હું કરતો હતો ઉદ્યોગ જગતના વિકાસ માટેની. તો કેટલાય લોકો આંદોલનો કરતા હતા. જમીનો જતી રહેશે ને આમ થશે ને તેમ થશે. મેં જોયું, સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા, ઘરમાં. બરાબર ને? નોટો ગણવાનું મશીન. અને કોથળામાં ભરીને રિક્ષામાં બેસીને રૂપિયા લઈને જાય. આપણે પુછીએ, કાકા, શું વિચાર્યું છે? અરે, કે હવે જવું છે, આજે મારે પેલી ચાર બંગડીવાળી ગાડી લેવા જવું છે. રિક્ષામાં, કોથળામાં, રૂપિયાનો ઢગલો અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘેર આવે. આ બદલાવ આખા પટ્ટામાં આવ્યો, ભાઈ.
કોંગ્રેસના જમાનામાં 20 વર્ષ પહેલા પાણીનું રાશનિંગ હતું, ભાઈઓ, પાણીનું. 20 વર્ષ પહેલા આ આખાય પંથકમાં ને ગુજરાતમાં સરકારી કાર્ય માટે, તાલુકા કાર્યાલય સુધી, નાનું કામ હોય, તો પણ થાય નહિ. છેક ગાંધીનગર સુધી વાટ જોવી પડે, એવી દશા હતી. 20 વર્ષ પહેલા તાલુકા સ્તરે સ્કૂલ મળે તોય આપણું નસીબ. નહિ તો જિલ્લામથકની નિશાળ સુધી બાળકોને ભણાવવા મોકલવા પડતા હતા. કોંગ્રેસ સરકારોનો એ ભયાવહ દોર, કઠિન સમય, એ કઠિન સમય, એમાંથી ગુજરાતના ગામડાને બહાર કાઢવું. ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જવું. ગુજરાતના સ્વાભિમાનને ચેતનવંતુ કરવું.
એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતના ગામડાઓમાં વીજળી, જેમ શહેરને મળે ને એમ ગામડાને વીજળી મળતી થઈ. શહેરમાં બાથરૂમમાં નળમાં પાણી આવે, ગામડામાં નળમાં પાણી ઘરમાં આવવા માંડ્યા. શહેરના લોકો ગેસના ચુલે રસોઈ બનાવે, ગામડામાં ગેસના ચુલે રસોઈ બનાવતા કરી દીધા, ભાઈઓ.
20 વર્ષ પહેલા સવા બે લાખ ઘર. હું અહીંની વાત કરું છું. સવા બે લાખ ઘર. વીજળી કનેક્શન હતું. ભાઈઓ, બહેનો, એમાં અમે આવીને પ લાખ કરતા વધારે ઘરોમાં પહોંચાડ્યું. 20 વર્ષ પહેલા 20 સબ સ્ટેશન, 20 સબ સ્ટેશન અહીંયા હતા. અમે આવ્યા પછી એ 20 સબ સ્ટેશન, 90 જેટલા વધાર્યા. જેથી કરીને વીજળીની સ્ટેબિલિટી આવે. કહેવાનો મતલબ એ છે કે ગામડાને જીવનમાં સ્થિરતા મળે, શહેરોમાં જે લાભ મળે છે, ગામડાને મળે. શહેરમાં જવાનો મોહ એટલા માટે હતો કે સુવિધા નહોતી. જો ગામડામાં સુવિધા આપીએ, તો કોઈ ગામડાનું સુખી જીવન છોડીને શહેરના ગલિયારામાં જીવવા પસંદ ન કરે.
આ ગામડા સમૃદ્ધ કરવાની દિશામાં આપણે કામ કર્યું. અને એના કારણે અહીંના જીવનમાં એક બદલાવ આવ્યો. તમે સાબરમતી જુઓ. મહાત્મા ગાંધીએ જ્યાં આગળ સાધના કરી, આઝાદી માટેની તપસ્યા થઈ, એ સાબરમતીની અંદર ગધાડા લોકો બાંધતા હતા, એવી દશા હતી. અને હું જ્યારે સાબરમતીને પુનર્જીવિત કરવાની વાત કરતો હતો ને ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું.
આજે સાબરમતી. ઈચ્છાશક્તિનું પરિણામ. સમજદારીનું પરિણામ. અને દુનિયા બદલી શકાય છે, એવા વિશ્વાસનું પરિણામ. કે આજે સાબરમતી જીવતી કરી દીધી, ભાઈઓ. નર્મદા માનું પાણી લાવીને જીવતી કરી દીધી. અને આજે? આજે મહેનતનું પરિણામ જોવા મળે છે. બધાની સામે છે. અહીં સેંકડો ગામ એવા છે કે જ્યાં આગળ તળાવમાં એ પાણી, સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું એ સેંકડો ગામોમાં એ પાણી ભરવામાં આવે છે. ગામડાના તળાવોને જીવતા કરવાનું કામ આપણે કર્યું છે. ગામડામાં જલસ્તર વધે એની ચિંતા કરી છે. ખેતી માટે પાણી મળે એની ચિંતા કરી છે. પશુપાલનના કામનો વિકાસ થાય એના માટે ચિંતા કરી છે.
અને હવે તો આપણું આ બાવળા, આ સાણંદ, આ મારું ધોળકા, ધંધુકા. સવા સોથી વધારે ગામો આખા પટ્ટાના, ફતેહવાડી કેનાલ, મને યાદ છે, અમારા ભુપેન્દ્રસિંહજી જ્યારે મળે તો ફતેહવાડી વિશે હોય, હોય, ને હોય. મને એનો આખો નકશો યાદ થઈ ગયો હતો. હવે નર્મદા કમાન્ડમાં આવવાના કારણે આખાય એરિયાની અંદર કાયમી વિકાસની શાંતિ કરી દીધી, ભાઈઓ.
આખાય વિસ્તારના વિકાસને માટે થઈને આનો લાભ આ મારા વિસ્તારના ખેડૂત ભાઈઓને મળ્યો. અને આપણો આ પટ્ટો તો ચોખા, ચાવલ, ધાનની ખેતી, ઉત્તર ભારતમાં ધાનની ખેતી કહે. બાવળા, ધોળકા, સાણંદ, દસક્રોઈ, આ બધો પટ્ટો આપણો. અને બાવળામાં તો, આની મિલો કેટલી બધી... નર્મદાનું પાણી આવવાના કારણે આ ધાનની ખેતીની સુવિધા વધી અને પેદાવાર પણ વધી. એના કારણે સિંચાઈની સુવિધાય. એના દોઢ ગણું લગભગ ઉત્પાદન આપણું વધારી દીધું.
જમીન તો એટલી જ. કદાચ એનાય ટુકડા ઓછા થયા હશે. 20 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં લગભગ દોઢ લાખ મેટ્રિક ટન પહેલા ધાનની પેદાવાર થતી હતી. આજે લગભગ 4 લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે આ ચોખાની પેદાવાર આપણા આ પંથકમાં થવા માંડી, ભાઈ. આ પૈસા ખેડૂતના ઘરમાં ગયા, એના ખિસ્સામાં ગયા. અને એટલી જ જમીન અને વધારે ઉત્પાદન. પાણી પુરતું મળે, બિયારણ સારા મળે. માવજત સારી થાય. ખાતર સમયસર મળે, દવાઓ મળે.
આનું આ પરિણામ થયું. અને જ્યારે અમારા ચોખાની ખેતી કરનારા લોકોની પેદાવાર વધી એનો ભાવ, એની અહીંની રાઈસ મિલો. એની સંખ્યા પણ ગુજરાતમાં લગભગ રાઈસ મિલો 400 જેટલી છે. 400માંથી 100 કરતા વધારે એકલી બાવળામાં છે. અને રાઈસ મિલોના કારણે ચાવલનું પ્રોસેસિંગ. હવે અને મારો તો એ દિવસોમાં પ્રયાસ હતો. થોડું ઘણું કામ પણ થયું.
ચાવલના ઉપર જે ફોતરી નીકળે ને. એનું તેલ નીકળે ને એ પણ બહુ મોંઘું વેચાતું હોય છે. અને હવે એ દિશામાં પણ આપણે આગળ વધવા માગીએ છીએ. આ રાઈસ મિલોની આપણી જે શક્તિ વધી, એના કારણે અને ભાજપના, સરકારના કારણે ચાર – પાંચ વર્ષ અનેક મહત્વના ફેસલા લીધા હતા આપણે. રાઈસ મિલોના વેટનો મુદ્દો હતો. એનો અધિનિયમ કરીને આપણે એને છુટ આપી દીધી હતી. આ યોજનાના લાભ રાઈસ મિલોને થયા, ખેડૂતોને થયા. અહીંના લોકોને થયા. અનેક પ્રકારના લાભનું કારણ બન્યું.
ભાઈઓ, બહેનો,
ગામડાઓનો સંતુલિત વિકાસ, એ આપણો એક નિરંતર પ્રયાસ રહ્યો છે. ગુજરાતમાં સર્વાંગીણ વિકાસ, સંતુલિત વિકાસ, સર્વસ્પર્શી વિકાસ. સર્વજનહિતાય, સર્વજનસુખાય, એ દિશામાં આપણે કામ કરતા રહ્યા છીએ. અને આ ડબલ એન્જિનની સરકાર, એનો આ પ્રયાસ રહ્યો છે કે એનો લાભ અમદાવાદની આસપાસના અમારા આખા પંથકને, અમારા અમદાવાદ જિલ્લામાં... પોણા બે લાખ ઉજ્જવલા યોજના, મફત ગેસ કનેક્શન આ પટ્ટાને પહોંચ્યા. એ માતાઓ, બહેનો આશીર્વાદ આપે કે જેમને ધુમાડામાં જિંદગી ગુજારવી પડતી હતી. એ ઘરમાં રસોઈ બનાવે ને, લાકડા સળગાવીને, તો એક દિવસમાં 400 સિગરેટનો ધુમાડો આ માના છાતીમાં જતો હતો. એમાંથી મુક્તિ અપાવીને ગેસના કનેક્શન અપાવવાનું કામ આપણે કર્યું.
સાડા ત્રણ લાખથી વધારે ઘરોમાં નળથી જળ, આ પહોંચાડવાનું કામ આપણે કર્યું. લગભગ છ લાખ લોકો... હમણા હું હેલિકોપ્ટર પર... કાર્યકર્તાઓ મળ્યા, જૂના જૂના, તો રામ-રામ કરવા ઉભો રહ્યો, થોડી વાર. તો ગપ્પા મારતો હતો, અહીંયા આવતા બે મિનિટ રોકાયો. જરા મોડો થઈ ગયો. મને જુના મળે, મન થાય વાતો કરવાનું. મેં પુછ્યું, શું છે ભાઈ? તો કહે, સાહેબ, પહેલી વાત તો અમારે તમને અભિનંદન આપવા છે. મેં કહ્યું, શેના? તો કહે, આયુષ્માન કાર્ડના. એ કહે અમારા ત્યાં ગામડાઓમાં આયુષ્માન કાર્ડ, એને પાંચ પાંચ લાખ રૂપિયાની આ દવાની ચિંતા, મોદી સાહેબ તમે ઉપાડી લીધી છે ને એની એટલી બધી અસર છે.
હવે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં સામાન્ય રીતે આપણા પરિવારોનો સ્વભાવ છે, એમાં માતાઓનો. ગંભીરમાં ગંભીર માંદગી હોય, સહન ન થાય એટલી પીડા હોય, શરીર તૂટી જતું હોય, આત્મહત્યા કરવાનું મન થાય એટલી તકલીફ થતી હોય, પણ માતાઓ, બહેનો ઘરમાં કોઈને ખબર ના પડવા દે કે આટલી ભયંકર તકલીફ થઈ રહી છે. સહન કરે. કેમ સહન કરે? કે એના મનમાં વિચાર આવે કે જો છોકરાઓને ખબર પડશે તો ડોક્ટરોના બિલ બધા મોટા એટલા છોકરાઓ ભરપાઈ કેવી રીતે કરશે, દેવું કરવું પડશે. હવે તો મારી ઉંમર થઈ, બે વરસ વહેલા મરી જઈશું. પણ છોકરાઓને દેવાના ડુંગરમાં નાખવા નથી. અને આ માતાઓ ઓપરેશન ના કરાવે, દવા ના કરાવે, અને સહન કરે.
હવે આ માતાઓને, આ મારી માવડીઓને આ મુસીબતમાંથી કોણ બહાર લાવે, ભાઈ? આ એનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તો આટલું ય ન કરે? અને એણે આયુષ્માન યોજના બનાવી. 5 લાખ રૂપિયા સુધી ઘરમાં બીમારીનો ખર્ચો આવે, તો એનું બિલ આ તમારો દીકરો ચુકવશે. હવે તમે વિચાર કરો કે આજથી 30 વર્ષ સુધી તમે જીવવાના હો, તો દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી તમારા કુટુંબને બીમારી આવે તો એની ચિંતા દર વર્ષે 5 લાખ... એક વખત નહિ, દર વર્ષે... આ કામ આપણે કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
આજે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના. ગરીબને પાકું ઘર મળે. એક વાર એને ઘર મળે ને તો એને જીવવાની હોંશ આવતી હોય છે. મુસીબતોમાંથી મુક્તિ મળે એટલે છોકરાઓને મોટા કરવા, ભણાવવા, એવો વિચાર આવતો હોય છે. કોઈને ફૂટપાથ પર જિંદગી ગુજારવી ના ગમે. કોઈને ઝુંપડપટ્ટીમાં જિંદગી ગુજારવી ના પડે, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશભરમાં પાકા ઘર બનાવવાનું અભિયાન ચલાવ્યું. અને માતાઓના નામે એની રજિસ્ટ્રી એની કરવાનું ચલાવ્યું.
એકલા આ પંથકમાં દોઢ લાખ ઘર બનાવ્યા છે, દોઢ લાખ પરિવારોને, ભાઈઓ. અને અહીંના લોકોને ઘર બનાવવા માટે લગભગ 4,000 કરોડ રૂપિયા એમના ખિસ્સામાં ગયા છે. આ 4,000 કરોડ રૂપિયા ગયા ક્યાં? તો કોઈએ બજારમાંથી ઈંટો ખરીદી હશે, કોઈએ સિમેન્ટ ખરીદ્યો હશે, કોઈએ લાકડાનું કામ કંઈ ખરીદ્યું હશે. કોઈએ ટાઈલ્સ ખરીદી હશે. એનો અર્થ કે અહીંના વેપાર-ધંધામાં 4,000 કરોડ રૂપિયા આવ્યા. આખા વેપાર-ધંધાને ચેતનવંતું બનાવ્યું. ગરીબનું તો ઘર બન્યું પણ નાના મોટા બધા વેપારીઓને તાકાત મળે. 4,000 કરોડ રૂપિયા એક જિલ્લાની અંદર ખાલી ઘર માટે વપરાતા હોય, એની ઈકોનોમી કેટલી બધી વધે, એનો તમે અંદાજ કરી શકો છો, ભાઈઓ.
આપણે ત્યાં હિન્દુસ્તાનમાં ખેડૂતો, લગભગ બધા નાના ખેડૂતો, 85 ટકા ખેડૂતો એવા કે જેની વીઘુ, બે વીઘુ જમીન હોય. હવે સિંચાઈની યોજના ના હોય, વરસાદ આવે, ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ તો દુષ્કાળ પડતો હોય. એની જિંદગી કેમ ચાલે? એમાંથી અમારા ખેડૂતને કોઈના પાસે હાથ લાંબો ના કરવો પડે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ચાલુ કરી અને વર્ષમાં 3 વાર બબ્બે હજાર રૂપિયા સીધા એના ખાતામાં જમા થાય. અને 2 લાખ રૂપિયા, 2 લાખથી વધારે, 2 લાખથી વધારે ખેડૂતોને આ પંથકની અંદર મળી છે, પ્રધાનમંત્રીની... લગભગ સાડા ચાર સો કરોડ રૂપિયા આ મારા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. ખાલી હું અહીંના વિસ્તાનની વાત કરું છું, ભાઈઓ.
ભારત સરકારમાં તમે મને મોકલ્યો તો તમારી ચિંતા કરવાનું મેં ક્યારેય બંધ નથી કર્યું. આજેય ત્યાં બેઠા બેઠા ચિંતા કર્યા કરતો હોઉં છું. એનું આ કામ છે, ભાઈ. આપણે ત્યાં જમીનના ઝગડા, માલિકીની હક્કના ઝગડા, કાગળીયા ના હોય, પેલો કહે, ના, આ જમીન તારી આટલી જ છે. પેલો કહે, તારું મકાન અહીંયા છે, તેં ઓટલો કેમ બનાવ્યો? તારો દરવાજો આ બાજુ ખોલ્યો કેમ? તારી બારી અહીંયા નાખી કેમ? ગામડામાં આ જ ઝગડા ચાલતા હોય. કોર્ટ-કચેરીઓ ચાલે. માથાં કપાઈ જાય. આમાંથી મુક્તિ કોણ અપાવે?
આપણે સ્વામીત્વ યોજના લાવ્યા. ડ્રોન પદ્ધતિથી દરેકના ગામડામાં જઈને, ઘરના લોકોને ઉભા રાખીને માપણી. માપણી કરીને એને પ્રોપર્ટીનો દસ્તાવેજ. આજે ગુજરાતમાં લગભગ 2,000 ગામોમાં એ કામ પુરું થઈ ગયું છે, અને હિન્દુસ્તાનના 6 લાખ ગામોમાં હું પુરું કરવાનો છું. એના કારણે કોર્ટ-કચેરીઓ બંધ થઈ જશે. તમે ગામડેથી, તમારી પાસે કાગળીયા હોય, બેન્કમાંથી લોન લેવી હોય તો તમે લઈ શકો. તમે શહેરમાં રહેવા ગયા હોય તો કોઈ તમારા ઘરનો કબજો ન કરી શકે. એક એક ચીજની કાળજી લઈને લોકોને મજબુતી આપવાનું કામ કર્યું છે.
એટલું જ નહિ, ભાજપા સરકારોએ કૃષિ મંડીઓ, ખેડૂત મંડળીઓ, એના આધુનિકકરણ માટે કામ ચલાવ્યું. એ.પી.એમ.સી.ને આધુનિકરણ માટે કામ ચલાવ્યું. ઈનામ યોજના દ્વારા આજે અમારો બાવળાનો ખેડૂત પણ ભોપાલના બજારની અંદર એનો માલ વેચવો હોય તો ટેકનોલોજીના માધ્યમથી વેચી શકે, આની વ્યવસ્થા કરવાનું કામ કર્યું. અને અમે કિસાન ફસલ યોજના, આના દ્વારા કિસાનોને મદદ કરવાનું... સહકારી સમિતિઓ હોય, સહકારી બેન્કો હોય, આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા, એમને આધુનિક, સમૃદ્ધ બનાવવાની દિશામાં આપણે કામ કર્યું. અને એ પ્રયત્નનો લાભ કરીને, આજે ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કોમાં લાખો કિસાનોએ, કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે.
કિસાન ક્રેડિટ કાર્ડના કારણે એને વ્યાજમાં રાહત, લગભગ ઝિરો વ્યાજ. જે લાભ કિસાનોને મળતો હતો, એ લાભ અમે પશુપાલકને આપ્યો છે. હવે પશુપાલક પાસે પણ કિસાન ક્રેડિટ કાર્ડ. પશુપાલક પણ ઓછા વ્યાજે બેન્કમાંથી પૈસા લઈ શકે. પશુપાલનની અંદર એ કામમાં આવે.
ભાઈઓ, બહેનો,
ગુજરાતની અંદર દરેક પંચાયતમાં ઈ-ગ્રામ, વિશ્વગ્રામ. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ગામડે ગામડે 5-જીનો લાભ મળતો થાય, એના માટેનું આખું માળખું ઉભું કરવાનું કામ. ગુજરાત આધુનિક બને, ગુજરાતનું ગામડું આધુનિક બને, એના માટે કામ કરીએ છીએ. અને 6 લાખ ગામોમાં આપણે... આજે હિન્દુસ્તાનમાં 4 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટરો ઉભા કર્યા છે. આ કોમન સર્વિસ સેન્ટરમાં ટેકનોલોજીથી સરકારી કામોની મદદ થાય છે. અને એવા 4 લાખ સેન્ટર ઉભી કરી દીધા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના ગામડાઓને મળે, હિન્દુસ્તાનના ગામડાઓને મળે, અને અમારી યુવા પેઢીને રોજગારના નવા અવસર મળે, એના માટે આપણે કામ ઉપાડ્યું છે.
આપણે એક મુદ્રા યોજના લાવ્યા. કોઈ પણ ગેરંટી વગર મુદ્રા યોજનામાં લોકોને બેન્કની લોન મળે. 19 લાખ કરોડ રૂપિયા, વગર ગેરંટીએ આ દેશની અંદ લોકોને ધંધા-રોજગાર માટે ઋણ. 19 લાખ કરોડ રૂપિયા. અને મારા માટે ખુશીની વાત આ છે કે મુદ્રા યોજના માટે 19 લાખ કરોડ રૂપિયા આપ્યા ને, 70 ટકા... 70 ટકા એ પૈસા લેનાર અમારી માતાઓ, બહેનો છે. અને એમણે કામ ચાલુ કર્યા અને એ પોતે એક-એક બબ્બે, ચાર ચાર લોકોને રોજગાર આપ્યા. નવા વ્યવસાય કર્યા.
ભાઈઓ, બહેનો,
વિકાસ કેવી રીતે કરાય? આધુનિક વ્યવસ્થાનો કેવી રીતે ઉપયોગ કરાય? એના માટે આપણે ધ્યાન કર્યું. પણ એની સાથે સાથે શિક્ષણનું બળ. નવી પેઢી તૈયાર થાય. સ્કિલ ડેવલપમેન્ટ થાય. ટેકનોલોજી આધારીત શિક્ષણને મજબુતી મળે, એના માટે અનેક નવી પરંપરાઓ આપણે... 20 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણને લઈને જે નિરાશા હતી. પ્રતિભાશાળી યુવકોને જે રીતે લાભ મળવો જોઈએ, એ લાભ મેળવવાની દિશામાં આપણે કામ કર્યું.
20 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લામાં ફક્ત એક યુનિવર્સિટી હતી. આજે અમદાવાદ જિલ્લામાં 23 યુનિવર્સિટી છે, ભાઈઓ. આજે આપણા અમદાવાદ જિલ્લામાં સાણંદ પાસે આઈ-ક્રિએટ નામની સંસ્થાન છે. આ સંસ્થાનના કારણે જે પ્રતિભાવાન યુવાનો છે, જેમની પાસે આઈડિયાઝ છે, એ આઈડિયાઝને સચ્ચાઈમાં બદલવા માટેનો અવસર આપવા માટેનું કામ આ આઈ-ક્રિએટમાં થાય છે.
ઔદ્યોગિક વિકાસની અંદર રોજગારના અવસર બને એના માટેના વિષયો, કોર્સીસ બદલી નાખ્યા આપણે. કારણ કે આ આખો ઔદ્યોગિક પટ્ટો બની રહ્યો છે. આખો ઓટો-હબ બની રહ્યું છે. બાવળા હોય, સાણંદ હોય, ચાંગોદર હોય, આ અમારા કેરાલા, કેટલાય સેંકડો નવા ઉદ્યોગો અહીંના વિકાસ માટે અવસર બની રહ્યા છે. અને એટલા જ માટે, ભાઈઓ, બહેનો, આ પુરા ઔદ્યોગિક વિકાસની અંદર અહીંના નવજવાનો માટે અવસર છે, અને એમાં એન્જિનિયરીંગ, ફાર્માસ્યુટિકલ, બલ્ક ડ્રગ, ટેક્સટાઈલ, આ બધા કામો મારા સાણંદ, વિઠલાપુર, આ મોટી મોટી કંપનીઓ, મોટી મોટી ફેકટરીઓના રસ્તા ખુલે છે.
છેક વિરમગામ સુધી અને આ બાજુ સુરેન્દ્રનગર સુધી. તમે જોજો આખો ઔદ્યોગિક પટ્ટો બનવાનો છે. આના કારણે જે 20 – 22 વર્ષ પહેલા કોઈએ કલ્પના નહોતી કરી, એ કામ આજે આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે, ભાઈઓ. અને એના કારણે એક લોજિસ્ટિક મોટા હબ, મોટા વેરહાઉસ, મોટી કોલ્ડ ચેઈન. આખા બધા નવા ક્ષેત્રો વિકસી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલા કુદકે ને ભુસકે આખો પટ્ટો વિકાસ પામવાનો છે. ઔદ્યોગિક વિકાસ થાય એટલે રોજગારના નવા અવસરો બને. નવા નવા લોકો રોજગાર... અને ગુજરાત સરકારે, અમારા ભુપેન્દ્રભાઈ જે નવી ઔદ્યોગિક પોલિસી લાવ્યા છે, એના કારણે પણ બળ મળવાનું છે.
હવે તમારે ત્યાં ધોલેરા... ધોલેરા હિન્દુસ્તાનનું સૌથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે. વિમાનો બનવાના છે, ત્યાં. મોટું એરપોર્ટ બની રહ્યું છે. વિમાનોનું, કારખાના ત્યાં બનવાના છે, જેમાં વિમાન તૈયાર થશે. આપ વિચાર કરો આ પંથકમાં કેવી રોનક બદલાવાની છે. ત્યાં આગળ સેમી કન્ડક્ટર આવવાનું છે. લાખો – કરોડો રૂપિયાના મૂડીરોકાણ સાથે, જ્યારે આ ધોલેરાના વિકાસની અંદર... સેમી કન્ડક્ટર આવશે, સેમી કન્ડક્ટર આવે એટલે એની સાથે તદ્દન બધી અનેક પ્રકારની આધુનિકમાં આધુનિક વ્યવસ્થાઓ આવતી હોય. અને એના દ્વારા એનો વિકાસ થવાનો છે.
એટલું જ નહિ, લોથલ. આપણા બાજુમાં જ લોથલ હતું. ખાડા ખોદીને છોડી દીધું હતું. આવડી મોટી વિરાસત, એની ચિંતા નહોતી. લોથલની અંદર આપણે એવું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ. મેરીટાઈમ મ્યુઝિયમ. હજારો વર્ષની ભારતની જે મેરીટાઈમની શક્તિ છે. સામુદ્રિક પરિવહનની જે શક્તિ છે, એનો આખો ઈતિહાસ અને એનું ભવ્ય કામ ચાલી રહ્યું છે, ત્યાં. તમારામાંથી ગયા હશો, તો જોયું હશે. મોટા મોટા મશીનો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે મહત્વ છે, એવું જ આ લોથલનું મહત્વ હું ઉભું કરવાનો છું. અને દુનિયાભરના યાત્રીઓ અહીં આવે. દુનિયાભરના આર્કિયોલોજીના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અહીં આવે એવી સ્થિતિ લોથલમાં પેદા થવાની છે.
અને મને યાદ છે, વર્ષો પહેલા અમારા ભુપેન્દ્રસિંહજી જોડે બેઠા... કટોકટીમાં, મને લાગે છે, 1975માં. અમે બે સ્કુટર ઉપર જતા હતા. તો અમને થયું કે ચાલો, જરા લોથલ આંટો મારીએ. અમે લોથલ ગયા. અને એ વખતે મેં નક્કી કર્યું હતું. મેં કહ્યું, જુઓ, આ લોકોને વિઝન નથી. 5,000 વર્ષ જુનું બંદર. આ નામ સાંભળીને દુનિયાના લોકો ગાંડા થઈ જાય. આમને કાંઈ સમજણ નથી પડતી. આનું કાંઈ કર્યું હોત તો કેટલો બધો લાભ થાત, આખા પંથકને. મારી વેદના મેં વ્યક્ત કરી હતી. પણ આજે જ્યારે મને મોકો મળ્યો, તો એ વેદનામાંથી મુક્તિ અપાવીને, આટલા બધા વર્ષ, મનમાં અંદર રાખી મૂક્યું હતું. એ લોથલની દશા મેં 1975માં જોઈ હતી. પ્રધાનમંત્રી બન્યા પછી, એ લોથલને ફરી જીવતું જાગતું કરવા માટે મેરીટાઈમ મ્યુઝિયમની દિશામાં કામ કરી રહ્યો છું, ભાઈઓ.
કહેવાનું તાત્પર્ય એ છે કે એક વિઝન, સમર્પણભાવ, અને આધુનિક ગુજરાત બનાવવું. અને મનમાં સપનું છે, ભાઈઓ. આ ચુંટણી, તમે એમ ના માનતા કે આ 2017માં હતી, એવી ચુંટણી છે. 2012માં હતી, એવી ચુંટણી છે, ના. આ એવી ચુંટણી છે જ નહિ. આ ચુંટણી સાવ જુદી છે, ભાઈઓ. આ ચુંટણી કોણ સરકાર બનાવે, એના માટે નથી. આમાં કોણ ધારાસભ્ય બને, એના માટે નથી. આ ચુંટણી, આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું બને, એના માટેની છે. અને મારું સપનું છે, વિકસિત ગુજરાતનું. દુનિયાના સમૃદ્ધમાં સમૃદ્ધ દેશોના જે માપદંડ છે ને એ બધા માપદંડમાં ગુજરાત નંબર વન ઉપર હોય, એ ગુજરાતને બનાવવું છે.
એનો અર્થ કે આ 25 વર્ષ માટે સરકાર બનાવવાની છે, ભાઈઓ. 25 વર્ષનો મજબુત પાયો નાખે એવી સરકાર બનાવવાની છે. અને ગુજરાતને 25 વર્ષમાં ક્યાં પહોંચાડવાનું છે, એનો નકશોકદમ નક્કી કરીને આગળ વધવું છે. એના માટે આ ચુંટણી છે, ભાઈઓ. અને જુવાનીયાઓનું ભવિષ્ય... જે આજે 20 – 22 વર્ષનો છે, ને એના માટે પણ 25 વર્ષ એના જિંદગીનો ગોલ્ડન કાળ છે. જેમ એની જિંદગીનો ગોલ્ડન કાળ છે, એમ ગુજરાતનો પણ ગોલ્ડન કાળ છે. અને ભારતના પણ આઝાદીના 100 વર્ષ થવાના છે, 25 વર્ષ પછી. ત્યાં સુધીમાં ભારતને આગળ લઈ જવાનો અવસર છે. એના માટે આપણે કામ કરવું છે. અને એના માટે ભાઈઓ, બહેનો, મારી તમારી પાસે અપેક્ષા છે.
પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા અવાજ આમ ધંધુકા પહોંચે એવો નીકાળો... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક તો, આપણે આ વખતે નક્કી કરવું છે કે ભુતકાળમાં પોલિંગ બુથમાં જે કંઈ મતદાન થયું હોય, એ બધા રેકોર્ડ તોડીને દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવવું છે.
કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
મતદાન એટલે રેકોર્ડ તોડવાનો. મતદાન સારું થયું, એવું નહિ... રેકોર્ડ તુટવા જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)
તોડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
ખરેખર તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
બીજું કામ... રેકોર્ડ મતદાન થાય, લોકતંત્ર મજબુત બને એ તો કરવાનું જ છે, પણ એમાંથી કમળ નીકળે તો જ ભાજપ મજબુત થાય.
કમળ નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં કમળ વિજયી થાય? (ઑડિયન્સમાંથી હા...)
એક પણ પોલિંગ બુથ હારવું નથી, એ નક્કી કરી શકાય? (ઑડિયન્સમાંથી હા...)
આપણે પોલિંગ બુથ જીતવું છે, ભાઈઓ. (ઑડિયન્સમાંથી હા...)
આખી લડાઈ પોલિંગ બુથમાં કેન્દ્રિત કરવી છે, અને એના માટે તમારે ઘેર ઘેર જવું પડે. જશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
મેં જે બધી વાતો કરી, એ મતદારોને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
ઉજ્જવળ ભવિષ્ય કેટલું બધું છે, એ દેખાય છે, એમને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા મહેનત કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પછી એવું તો નહિ ને કે આજે સભા જબરજસ્ત થઈ ગઈ, બસ હવે તો બધી સીટો જીતી ગયા. હવે ચાલો, આરામ કરીએ, એવું નહિ કરો ને? (ઑડિયન્સમાંથી ના...)
કરશો બધા કામ? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ.
અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સરકારી કામ નથી. અંગત કામ.
ભાજપનુંય કામ નથી.
અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, જોરથી બોલો તો હું ભરોસો કરું... (ઑડિયન્સમાંથી હા...)
છેક ત્યાં સુધી, છેલ્લેવાળા બોલો, જરા... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચો કરીને બોલો તો, કરશો? બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો, તમે જો આ ચુંટણીને લગભગ અઠવાડિયું – દસ દહાડા બાકી છે. તો તમે ઘેર ઘેર લોકોને મળવા જશો. જ્યારે બધાને મળવા જાઓ ને, તો એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા.
શું કહેવાનું?
શું કહેવાનું?
એમ નહિ કહેવાનું કે પી.એમ. સાહેબ આવ્યા હતા, હોં. આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા.
એ કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
અને પછી એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા, એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલો મારો સંદેશો એમને આપશો? (ઑડિયન્સમાંથી હા...)
આ બધા વડીલોને પગે લાગીને કહેશો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોના આશીર્વાદ મને મળે ને, મારી કામ કરવાની તાકાત અનેકગણી વધી જતી હોય છે. દેશ માટે ખપી જવાની તાકાત પણ વધી જતી હોય છે. એટલે મને વડીલોના આશીર્વાદ જોઈતા હોય છે. મને આ આશીર્વાદ તમે અપાવો. ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બાવળા આવ્યા હતા અને તમને ખાસ, હાથ જોડીને, પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો પહોંચાડજો, એ જ મારી અપેક્ષા.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.