ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ) (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
આમ પાલિતાણાએ રંગ રાખ્યો લાગે છે, આજે...
આજે હું સુરતથી આવી રહ્યો છું. ગઈકાલે સાંજે સુરતમાં મારી સભા હતી. અને નક્કી થયા પ્રમાણે એરપોર્ટથી મારે સુરત જવાનું હતું. પણ સભાનું સ્થળ લગભગ 30 કિલોમીટર દૂર હતું. પણ આશ્ચર્ય હતું કે આખું સુરત રોડ ઉપર ઉતરી આવ્યું હતું. અને પાછો નક્કી કરેલો રોડ શોય નહોતો. મારે તો ખાલી સભામાં પહોંચવા માટે ત્યાંથી જવું પડે એટલે ત્યાંથી નીકળ્યો.
ગઈકાલે સાંજે સુરતમાં જે દૃશ્ય જોયું છે. જેમ અફાટ સમુંદર હોય, સમુદ્રની લહેરો હોય, એની વચ્ચેથી એક નાવડું ચાલતું હોય ને એમ આખાય જનસાગરની વચ્ચે મારો આ નાનકડો કોન્વોય પસાર થતો હતો. અદભુત ઉસ્તાહ, અદભુત ઉમંગ, મારે માટે પણ હૃદયને સ્પર્શી જાય એવા દૃશ્યો હતા. અને આજે, સુરતની ધરતી પરથી અહીંયા પાલિતાણા પહોંચું છું, ત્યાં પણ એવો જ ઉમળકો, ને એવો જ ઉમંગ, એમ લાગે જાણે ભાવનગર અને સૌરાષ્ટ્ર અને સુરત, એકી કોર નક્કી કરી દીધું લાગે છે.
ભાઈઓ, બહેનો,
આજે ચુંટણી આપણું ગુજરાત, વિકસિત ગુજરાત બને, આપણું ગુજરાત સમૃદ્ધ બને, અને આપણું ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરે, એનો નિર્ણય કરવા માટેની ચુંટણી છે. આઝાદીના 75 વર્ષ પુરા થયા. 75 વર્ષમાં આપણે જે કંઈ મૂડી ભેગી કરી છે, જે પણ શક્તિ-સંચય કર્યો છે, જે પણ મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ, હવે આપણને 75 વર્ષ સુધી ચાલવાનું પાલવે એમ નથી. હવે તો જે કંઈ કરવું છે એ 25 વર્ષમાં કરી જ દેવું પડે. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાનને અને ગુજરાતને અહીં પહોંચાડવાનું, એટલે પહોંચાડવાનું જ, એવો નિર્ણય કરવા માટે આ ચુંટણી છે, ભાઈઓ. અને એના કારણે હું જ્યાં જ્યાં ગુજરાતમાં ગયો છું, અને ગુજરાતનો મતદાતા સમજદાર છે. કચ્છ હોય, કાઠીયાવાડ હોય, દક્ષિણ ગુજરાત હોય, આદિવાસી પટ્ટો હોય, દરિયાકિનારો હોય, માછીમારો હોય, બધે જ. જ્યાં જાઓ ત્યાં એક જ અવાજ, એક જ મંત્ર,
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
આ લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટલા માટે થાય છે, કે અહીંયા જે વડીલો બેઠા છે, એમને ખબર છે, કે પહેલાં કેવી રીતે આ દેશને વેરવિખેર કરવાના પ્રયત્નો થતા હતા. જ્યારે દેશની એકતાની વાત આવી, દેશને જોડવાની વાત આવી, અંગ્રેજો કહીને ગયા હતા, બધું વેરવિખેર થઈ જશે. બધા રજવાડા જુદા થઈ જશે, બધા રાજ્યો, ભાષાવાદ, લડાઈ થશે, આવું બધું થશે. જાતજાતનું કહીને ગયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા ને રિયાસતોને એક કરવાનું બીડું ઉઠાવ્યું. પણ સરદાર સાહેબને સફળતા કેમ મળી? સરદાર સાહેબને સફળતા મળી, એના કારણમાં, એ વખતના રાજા, મહારાજા, નવાબો, અલગઅલગ વિચારો ધરાવતા હતા. પણ એક મારું ભાવનગર, એક મારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મારા ગોહિલવાડ, એણે દેશનો વિચાર કર્યો. અને દેશની એકતા માટે આ રાજપાટ મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધું, ભાઈઓ. રાષ્ટ્રના વ્યાપક હિતો માટે આવડો મોટો ત્યાગ, આવડું મોટું બલિદાન. અને જે ભાવનગરે શરૂઆત કરી, આખા હિન્દુસ્તાનને એની પાછળ ચાલવું પડ્યું. આનો યશ કોઈને જાય તો આ ધરતીને, ગોહીલવાડની ધરતીને, અમારા કૃષ્ણકુમારસિંહજીનને જાય.
ભાઈઓ, બહેનો,
આપણે દેશની એકતા માટે કામ કરનાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે, કેવડીયામાં, એકતાનગરમાં. દેશની એકતા માટે જેમ સરદાર સાહેબનું યોગદાન હતું, એમ દેશની એકતા માટે રાજા-રજવાડાઓનું પણ યોગદાન હતું. રાજવી પરિવારોનું યોગદાન હતું. કૃષ્ણકુમારસિંહજી જેવા અનેક રાજા-મહારાજાઓએ દેશની એકતા માટે રાજપાટ છોડ્યા હતા. અને એટલા માટે આ દેશની આવનારી પેઢી, એને ખબર પડે કે અમારા રાજવી પરિવારોએ કેવડો મોટો ત્યાગ કર્યો હતો, એટલા માટે એકતાનગરમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં જ રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ, બહેનો
આપણો મંત્ર છે, શાંતિ, એકતા, સદભાવના. અને ગુજરાત પ્રગતિ કરે છે, એના મૂળમાં આપણે ત્યાં એકતા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની મૂળભૂત વિચારધારા કે ભાગલા પાડો ને રાજ કરો. ગમે તેમ કરીને લોકોને આમનેસામને કરી રાખો, જેથી કરીને પોતાનું બધું ગાડું ચાલે. વર મરો, કન્યા મરો, પણ ગોર મહારાજનું તરભાણું ભરો. આ કોંગ્રેસની, આ કોંગ્રેસની ચાલાકી હતી. અને એના કારણે, એક જમાનો હતો, જ્યારે ગુજરાત અલગ નહોતું થયું. મરાઠા અને ગુજરાતીઓને લડાવવાનું કામ કોંગ્રેસ કરતી હતી.
ગુજરાત બન્યું, તો કાઠીયાવાડ અને ગુજરાત, એને લડાવવાનું કામ. કચ્છ અને ગુજરાતને લડાવવાનું કામ. ફલાણી જાતિ, ઢીકણી જાતિ જોડે લડે. પેલી જાતિ, પેલી જાતિ જોડે લડે. આ સંપ્રદાય, પેલા સંપ્રદાય જોડે લડે. પેલો સંપ્રદાય, આ સંપ્રદાય જોડે લડે. આ જ... આ જ પાપ કર્યા અને એનું નુકસાન ગુજરાતને ભારોભાર ઉઠાવવું પડ્યું. પરંતુ ગુજરાતના લોકો જાગૃત હતા, સમજદાર હતા. એ આ ખેલ સમજી ગયા, અને ગુજરાતે એકતાનો રસ્તો ઉપાડ્યો.
આ એકતાના રસ્તાના પરિણામે, એક જમાનામાં જ્યારે બોમ્બ ધમાકા થતા હતા. બજારમાં બોમ્બ ધમાકા થાય, મંદિરોમાં બોમ્બ ધમાકા થાય. ચારે તરફ અસુરક્ષાનું વાતાવરણ. આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં, ગુજરાતની જનતાએ જ્યારે એકતાની તાકાત પકડી, અને એના કારણે આજે ગુજરાત, 20 વર્ષ થયા, ભાઈઓ. નિરંતર વિકાસ કરી રહ્યું છે, નિરંતર વિકાસ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી, એના આવ્યા પછી સ્થિતિઓ બદલાણી. અને ભાજપે જ્યારે સ્થાન લીધું, લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો, વધતો જ ગયો. અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો.
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને સૌનો પ્રયાસ. આ મંત્રએ એક નવી તાકાત આપી. આ ગુજરાત સુરક્ષિત બને, આ ગુજરાત સદભાવનાવાળું હોય, આ ગુજરાત સમરસતાવાળું હોય, આ ગુજરાતની અંદર ગામડું હોય કે શહેર, એકતાનું વાતાવરણ હોય, એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે. અને ગુજરાત જ્યારે એકજૂટ થયું, તો વિભાજનકારી શક્તિઓને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત ના મળી અને એના કારણે કોંગ્રેસની વિદાય થઈ.
અને કોંગ્રેસે પણ ગુજરાતની જનતાનો ભરોસો લેવો હશે ને, તો આ ભાગલા પાડો, ને રાજ કરોની વાત છોડવી પડશે. આ જાતિવાદના રંગ છોડવા પડશે. કોમવાદના રંગ છોડવા પડશે. વોટબેન્કની રાજનીતિ છોડવી પડશે. હવે આ ગુજરાત કે આ દેશ, દેશને તોડવાવાળી તાકાતોને મદદ કરનારાઓને મદદ કરવા તૈયાર નથી.
ભાઈઓ, બહેનો,
જ્યારે એકતા હોય, એનું કેવું પરિણામ મળતું હોય છે. સામૂહિક શક્તિ જ્યારે લાગે ત્યારે પરિણામ કેવું મળતું હોય છે. આપણે પાણી... ખાલી પાણીની વાત કરીએ તો ખબર પડે, ભાઈ. આ નર્મદાનું પાણી, આ સૌની યોજના, આ સુજલામ સુફલામ યોજના આ ગુજરાતના જળસંકટને ખતમ કરવા માટેની તાકાત. કોંગ્રેસે લાખ કોશિશ કરી કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ના પહોંચે. દિલ્હીમાં જ્યારે એમની સરકાર હતી ને, ત્યારે જેટલી આટા અવાય, એટલી આડા આવવાની કોશિશ કરી હતી. અને હજુય જપતા નથી.
જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું, કચ્છ, કાઠીયાવાડને તરસ્યું રાખ્યું, 40 – 40 વર્ષ સુધી નર્મદાને રોકી રાખી. એવા લોકોના ખભે હાથ મૂકીને લોકો આજે પદ માટે યાત્રાઓ કરી રહ્યા છે. આ વાત ગુજરાત ક્યારેય માફ ન કરે, ભાઈઓ. આપ મને કહો, જેમણે નર્મદાનું આ પાણી રોકવા માટે કામ કર્યું હોય, એની જોડે બેસાય બી ખરું? બેસાય બી ખરું? અરે, ભુલેચુકેય એની જોડે ફોટોય પડાવાય? તમે એના ખભે હાથ મૂકીને ચાલો, ગુજરાત સહન કરે? કોઈ સહન ના કરે, ભાઈ. અરે આ ગુજરાત તો એવું છે, એક લાખા વણઝારાએ જ્યારે વાવ બનાવી હોય ને, તો હજારો વર્ષ સુધી યાદ કરે એવું આ મારું ગુજરાત છે. એક વાવડી બનાવી હોય તો યાદ રાખે, તમે તો પાણીથી અમને તરસ્યા માર્યા છે. અમે તમને નહિ ભુલીએ. અને તમને સજા કરીને જ રહેવાના છીએ. એટલા માટે કોંગ્રેસને સજા કરવાની જરુર છે, ભાઈઓ.
આપણું સૌરાષ્ટ્ર, સાવ સૂકોભઠ્ઠ પ્રદેશ થઈ ગયો હતો, ભાઈ. આખા સૌરાષ્ટ્રમાંથી પલાયન થતું હતું. કારણ કે દરિયાનો સૂકો પટ. ખારા પાણી, ખારી હવા, ખેતીમાં નુકસાન, શહેરોમાં જઈને મજુરી કરવી પડે, એવા દિવસો આવ્યા હતા. આજે આ પાણીના કારણે આપણા ખેતરો લીલાછમ દેખાય છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગુજરાતમાં કપાસની ખેતી વર્ષે 17 લાખ રૂની ગાંસડી થતી હતી ભઈ, 17 લાખ ગાંસડી. આજે 1 કરોડ અને 10 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે. જમીન તો હતી, એટલી ને એટલી જ છે ને ભાઈ. જમીન તો એટલી જ છે ને. ખેડૂતો તો એ જ છે ને. પહેલા 17 લાખ ગાંસડી, આજે 1 કરોડ અને 10 લાખ ગાંસડી, એ જ ખેતરોમાંથી નીકળ્યું કે ના નીકળ્યું? એ જ ખેડૂતના ઘરમાં ગયું કે ના ગયું? કારણ? પાણી પહોંચાડ્યું, ભાઈઓ, પાણી પહોંચાડ્યું. પાણી પહોંચાડવા માટે મહેનત કરી ને, એનું આ પરિણામ છે.
મગફળી હોય, ઘઉં હોય, અનેક પ્રકારના પાક આજે લગભગ બે ગણા થઈ ગયા છે, બે ગણા... ફળોના ઉત્પાદનમાં ગુજરાત ત્રણ ગણું વૃદ્ધિ પામ્યું છે, ભાઈઓ. અને મને યાદ છે, ભાઈઓ. ખેડૂતોને મેં વિનંતી કરી હતી કે ભાઈ, આપણે ટપક સિંચાઈ અપનાવો. સ્પ્રિન્કલર અપનાવો. પાણી બચાવો. આ નર્મદાનું પાણી તો પારસ છે, પારસ. જ્યાં જ્યાં અડશે ને ત્યાં ત્યાં સોનું પકવવાનું છે. આ પાણી વધુમાં વધુ લોકોને મળે, અને લોકોને મેં કહ્યું, પર ડ્રોપ, મોર ક્રોપ. ટપક સિંચાઈ, અને આજે મને સંતોષ છે કે, 13 લાખ કરતા વધારે ખેડૂતો આજે ટપક સિંચાઈનો ઉપયોગ કરી રહ્યા છે. પાણી પણ બચાવી રહ્યા છે અને પાક પણ પકવી રહ્યા છે. હું ગુજરાતના ખેડૂતોને સલામ કરું છું કે જેમણે મારી વાત આ માનીને આ પ્રગતિનો પંથ અપનાવ્યો છે.
ભાઈઓ, બહેનો,
અમારા ખેડૂતોને વીજળી જોઈએ. પરંતુ વીજળીનું બિલ ખેડૂતને ભારે પડે. એમાં આપણે જ્યારે અહીં હતા, ત્યારે સુધારા કર્યા. પણ હવે એક મોટું કામ આદર્યું છે. સોલર પંપ. ખેતરે ખેતરે સોલર પંપ આપી રહ્યા છીએ. આ સૂર્યદાદા છે ને આપણા, એ દાદાની મદદથી સોલર પંપ ચાલે. એક કાણી પાઈ વીજળીનું બિલ ના આવે. અને ખેતરમાં પાણી પણ પહોંચે. એટલું જ નહિ, હવે તો ખેતરના શેઢે પેલી વાડ કરી કરીને જમીન બગાડીએ છીએ ને, એક એક મીટર, બબ્બે મીટર, મારા ખેતરમાં એક મીટરની વાડ કરી હોય અને પડોશના ખેતરમાંય એક મીટરની વાડ. બે મીટર જમીન બરબાદ થઈ જાય.
મેં કહ્યું કે ત્યાં સોલરની પેનલો લગાવો. વીજળી પેદા કરો. ખેતરે ખેતરે પાક પણ પાકે અને વીજળી પણ પાકે અને વીજળી વેચો. અમારો ખેડૂત અન્નઉત્પાદક પણ બને, અન્નદાતા પણ બને, વીજદાતા પણ બને, ઊર્જાદાતા પણ બને. અને સરકાર એની પાસેથી વીજળી ખરીદે. સરકારને પહેલા વીજળીના પૈસા આપવા પડતા હતા. હવે સરકાર ખેડૂતને વીજળીના પૈસા આપે, એ દિશામાં આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ.
મને સંતોષ છે, આપણા ગુજરાતના ગવર્નર આચાર્ચય દેવવ્રતજી, એ ધૂણી ધખાવીને કામ પાછળ પડ્યા છે. પ્રાકૃતિક ખેતી. ખેડૂતોને ખેતીમાં ખર્ચમાં ઓછામાં ઓછું તકલીફ આવે, અને આ ધરતી માતાની સેવા થાય, આ ધરતી માતાને કેમિકલ, કેમિકલ, કેમિકલ કરી, કરી, કરીને આ માતાને બરબાદ કરી છે. અમારા આચાર્યજી ગામોગામ જઈને સમજાવે છે, પ્રાકૃતિક ખેતી. એક ગાય હોય ને, 30 એકર ખેતી થાય. અને ખર્ચો ઓછામાં ઓછો આવે. આપણા ગુજરાતના ખેડૂતોએ આ વાત પણ ધ્યાને લીધી છે. એના કારણે ગુજરાત આવનારા દિવસોમાં ખુબ ઓછા ખર્ચે ખેતી કરતું હશે અને ઉત્તમ પાક પકવનારો ગુજરાતનો ખેડૂત બનશે.
એટલું જ નહિ, આખા દેશમાં 85 ટકા ખેડૂતો એક એકર, બે એકરવાળા છે. નાના ખેડૂતો છે. સીમાન્ત ખેડૂતો છે. એમનું કોણ પુછે, ભાઈ? સરકારની મોટી મોટી યોજનાઓ તો પાંચ-પંદર મોટા ખેડૂતોને જ મળી જાય, બોલકા હોય એમને. નાના ખેડૂત હોય ને, એમને કોઈ પુછનાર ના હોય. પણ આ મોદી તમારા વચ્ચેથી મોટો છયો છે, એને ખબર હતી કે મુસીબત કોને કહેવાય. અને એટલા માટે અમે પી.એમ. કિસાન સન્માન નિધિ લઈ આવ્યા. વર્ષમાં ત્રણ વાર ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થાય છે. કોઈ વચેટીયો નહિ, કોઈ કટકી-કંપની નહિ.
એકલા ભાવનગર જિલ્લામાં અઢી લાખ ખેડૂતોને આ પૈસા જાય છે. અને અત્યાર સુધીમાં 510 કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં ગયા છે, ભાઈ. ખેડૂત ભાઈઓ, 510 કરોડ રૂપિયા. અને આના પાછળ આજે દેશમાં 3 કરોડ કરતા વધારે નાના ખેડૂતો, એમને કે.સી.સી. કાર્ડ. કિસાન ક્રેડિટ કાર્ડ આપણે પહોંચાડ્યા છે. અને એના કારણે ઓછા વ્યાજે એને બેન્કમાંથી પૈસા મળે. એને વ્યાજખોર લોકોના ચક્કરમાંથી બચી જાય. અને એના કારણે, ભાઈઓ, બહેનો, ખેડૂતને બોજ ઓછામાં ઓછો આવે, એવું કામ કર્યું છે.
ભાઈઓ, બહેનો,
પહેલા કોરોનાના કારણે અને પછી લડાઈના કારણે, દુનિયામાંથી ખાતર મેળવવું એ ફાંફા પડી ગયા. આપણે ખાતર બહારથી લાવવું પડે છે. આપણા દેશમાં જોઈતું ખાતર નથી બનતું. જરૂરી વ્યવસ્થા નથી. બંધ પડેલા કારખાનાં ચાલુ કર્યા. મહેનત કરી રહ્યા છીએ. તોય બહારથી તો લાવવું પડે. યુદ્ધના સમયના કારણે, લડાઈઓના કારણે આજે દુનિયાભરમાં ખાતર મોંઘું થઈ ગયું છે. રિક્ષાવાળો પણ વરસાદ વધારે હોય તો બે રૂપિયા વધારે માગે છે, આવવું હોય તો બે રૂપિયા વધારે આપો તો લઈ જઉં, નહિ તો ના લઈ જઉં. દુનિયા એવી છે. તકલીફ આવે, એટલે કમાણી કરવાનો મૂડ આવે. એના કારણે ખાતર મોંઘું થયું.
ભાઈઓ, બહેનો,
આજે ખાતરની એક થેલી બહારથી લાવીએ છીએ ને, તો 2,000 રૂપિયામાં આવે છે. એક થેલી 2,000 રૂપિયામાં. પણ ખેડૂતને આપવા પડે છે, માત્ર 270 રૂપિયા. કારણ? અમારા ખેડૂત પર બોજ ના પડે, એટલા માટે આ સરકાર ઉપાડે છે, આ તમારો દીકરો ઉપાડે છે, ભાઈ. તમને યુરીયાની એક થેલીમાં 1,600 – 1,700 રૂપિયા ભારત સરકાર ભરે છે, અને માત્ર અઢીસો – પોણા ત્રણ સો રૂપિયામાં એ થેલી તમારા ઘેર આવે છે. એ કામ આપણે કરીએ છીએ, ભાઈઓ.
અને હવે તો એમાંય આગળ વધીએ છીએ. હવે આપણે નેનો યુરીયા લાવીએ છીએ. એક થેલી, જેટલું કામ કરે ને, એટલું એક બોટલથી થઈ જાય. એક બોટલ ખાતર લઈ જવાનું. જવા-આવવાનું, ભાડાના ખર્ચા નહિ, કશું નહિ. ખિસ્સામાં મૂકીને હાલ્યા જાઓ. પાણીમાં મિલાવો, નાખો. જેટલું કામ યુરીયાની એક થેલી કરે, એટલું એ કરે. આના માટે પણ આપણે કામ કરી રહ્યા છીએ. ખેડૂતનો ખર્ચો કેમ ઘટે, આ ધરતી મા ઉપરનું ભારણ કેમ ઘટે. આ ધરતી માતા ઉપર જે અત્યાચાર ચાલે છે, આ કેમિકલના, એમાંથી કેવી રીતે મુક્તિ થાય, એના માટે આપણે કામ ઉપાડ્યું છે, ભાઈઓ.
આપ વિચાર કરો. આપણે જ્યોતિગ્રામ યોજના જ્યારે લાવ્યા. મને યાદ છે, વિધાનસભાની અંદર અમારા કોંગ્રેસના નેતાઓએ ભાષણ કર્યું હતું. કારણ કે મેં એક વાર ભાષણ કર્યું હતું કે અમે ઘરોમાં 24 કલાક વીજળી આપીશું. કારણ, એ વખતે લોકો મને કહેતા હતા કે, સાહેબ, વાળુ કરતી વખતે તો વીજળી મળે એવું તો કરો. એવી દશા હતી. જે અત્યારે 20 – 25 વર્ષના જવાનીયા હશે ને, એમને તો ખબરેય નહિ હોય, અંધારું કોને કહેવાય, પણ આપણે એવી દશામાં જીવતા હતા, 20 વર્ષ પહેલાં.
મને કહે, વાળુ કરતી વખતે વીજળી આપો ને. એમાંથી આપણે ટેકનિકલ સોલ્યુશન લાવ્યા, જ્યોતિગ્રામ યોજના લાવ્યા. અને જ્યારે મેં કહ્યું કે 24 કલાક હું ઘરોમાં વીજળી આપીશ. તો વિધાનસભામાં નેતાઓએ ભાષણ કર્યું હતું, કોંગ્રેસના, કે સાહેબ, આ શક્ય જ નથી. અમે આટલા બધા વર્ષ રાજ કર્યું છે. તમે નવા આવ્યા છો, તમને અનુભવ નથી. તમે કોઈ દિવસ સરપંચ નથી રહ્યા. આ રીતે કંઈ વીજળી થતી હશે? તમે એન્જિનિયર નથી, અને કેવી રીતે થાય? આ કામ મુશ્કેલ છે, ત્યારે મેં વિધાનસભામાં કહ્યું હતું. મેં કહ્યું સાહેબ, કામ અઘરું છે, એ મને ખબર છે. કામ મુશ્કેલ છે, એ મને ખબર છે. પણ મુશ્કેલ છે, અઘરું છે, એટલે તો મને લોકોએ બેસાડ્યો છે. સહેલું હોત તો શું કરવા બેસાડત? તમને રાખ્યા હતા.
અને આજે સાહેબ, જ્યોતિગ્રામ યોજના કરી. આ જ્યોતિગ્રામ યોજના કરી, એટલે ઘરમાં ખાલી લટ્ટુ ચાલ્યો છે, એવું નહિ, વીજળીનો ગોળો ચાલ્યો છે, એવું નહિ. ટી.વી. ચાલ્યું છે, એવું નહિ. સુરતની અંદર હીરા ઘસવા માટે જે જિંદગી ઘસતા હતા ને, હવે હીરાની ઘંટીઓ ભાવનગર જિલ્લામાં ગામેગામ આવી. અને ખેતરમાં કામ કરે, પશુનો ઉછેર કરે અને દીકરી પણ હીરો ઘસવા બેસી જાય. સાંજ પડે રો – રો ફેરી સર્વિસમાં બેસી જાય, પડીકું લઈને નાનકડું. હીરા જમા કરી આવે ને પાછા કાચા હીરા લઈને આવી જાય. સાહેબ, બોલો, ધમધોકાર ધંધો ચાલ્યો કે ના ચાલ્યો?
આ જ્યોતિગ્રામ યોજનાની તાકાત હતી, અને એ તો ભાજપ હોય તો એને આ બધું સુઝે અને આ બધું કરે. આ રો રો ફેરી સર્વિસ. તમારું તો ભાગ્ય બદલી નાખ્યું છે. સાંજ પડે ને સુરત જાઓ. સવારે નાસ્તો અહીંયા કરો ને બપોરે જઈને મહેમાનગતિ કરીને સરસ મજાનું ભોજન કરીને સાંજે ઘેર આવીને વાળુ કરો, એવી વ્યવસ્થા કરી આપી છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
આના કારણે ટુરિઝમને પણ મોટો લાભ મળવાનો છે. આ રો રો ફેરી સર્વિસ હોય, આ હવાઈજહાજની સેવા હોય. આપણો આખો વિસ્તાર, અને અમારું પાલિતાણા. આ દેશનો કોઈ જૈન પરિવાર એવો ના હોય કે જેને પાલિતાણાજીના દર્શન કરવા આવવાનું મન ના થતું હોય. એના માટે વ્યવસ્થાઓ જોઈએ. આપણે મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સરકિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારું જૂનાગઢ હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, બુદ્ધિસ્ટ સરકિટ માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
અમારી ભાજપની સરકાર અમારા પાલિતાણાના જૈન મંદિર, ભાવનગર અમારા રૂપવતી માતા મંદિર, માધવપુરમાં રૂકમણિ માતા મંદિર, સોમનાથ મહાદેવ, અમારા દ્વારકાજી, અમારું પાવાગઢમાં મહાકાળી, અમારી અંબા મા, અમારી કચ્છની અંદર મા આશા માતાનો મઢ, આ મારી ખોડિયાર મા, કેટલું બધું છે, ભાઈ? યાત્રાના ધામો વિકાસ થાય, આ અમારું શત્રુંજય તીર્થસ્થળ, આ અમારા મહુવાના ભવાની માતાનું મંદિર, અમારા બજરંગદાસ બાપા, બગદાણા... આ મારું સ્વામિનારાયણ મંદિર, અમારા ગોપનાથ, શું નથી, ભાઈઓ?
આ ભાવનગરનો સાગરતટ પર્યટન માટે આકર્ષિત કરનારો સાગરતટ, અને ભાઈઓ, બહેનો, બાજુમાં લોથલ. આ લોથલમાં હિન્દુસ્તાનની જે મેરીટાઈમ તાકાત છે, નૌકાશક્તિની તાકાત છે, સામુદ્રિક શક્તિની તાકાત છે, એનું એવડું મોટું મ્યુઝિયમ બનવાનું છે, જેમ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દુનિયાભરના લોકો આવે છે ને, એ તમારા પડોશમાં લોથલમાં આવવાના છે, ભાઈઓ, લોથલમાં. અને એના કારણે આ આખોય આ પંથક, ટુરિઝમના કારણે વિકાસનું મોટું સાધન બનવાનું છે. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના, સ્વદેશદર્શન યોજના, કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. કારણ, ભારતના આ બધા સ્થાનોનો વિકાસ થાય.
ભાઈઓ, બહેનો,
આપણા ગામડાં પણ શહેરોની બરાબરી કરે, કોંગ્રેસ સરકારને મહાત્મા ગાંધીની વાત કરવાની પણ ગામડાને ભુલવાનું કામ કોંગ્રેસે જ કર્યું છે. શહેર અને ગામડાં વચ્ચે ખાઈ વધતી જાય, એ જ કામ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ગામડા અને શહેરમાં સમાન સુવિધાઓ વધે એના માટે કામ કર્યું છે. આજે ગામડામાં ઈન્ટરનેટ, ગામડામાં મોબાઈલ કનેક્ટિવિટી, સરકારની ગામડાના લોકોને ઓનલાઈન સર્વિસો, આના માટે તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે.
જ્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ને, મારા આવતા પહેલા, ત્યારે આ દેશના, આંકડો સાંભળીને તમે ચોંકી જશો, તમે નક્કી જ કરશો, આટલો એક આંકડો બરાબર ગળે ઉતરે ને તોય તમે નક્કી કરશો કે કોંગ્રેસને જીવનભર પેસવા ના દેવાય. હું આંકડો કહું છું, યાદ રાખજો. જ્યારે 2014 પહેલા કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 60 ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર નાખ્યો હતો. 60 ગ્રામ પંચાયત, આખા દેશમાં 60. આ ઓપ્ટિકલ ફાઈબરથી આ તમારા મોબાઈલ ને ટી.વી. ને આ બધું, આધુનિક દુનિયા છે ને, એનાથી ચાલે. આ અમારી સરકાર આવી, એમના 60 ગામડા, 60 ઓનલી...
આ અમારી સરકારે 8 વર્ષમાં 3 લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નાખી દીધી. કારણ કે અમારે તો ગામડાની તાકાત શું છે, અમને ખબર હતી, ભાઈઓ. આજે ગામડે ગામડે કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે. લોકોને હવે તમે હવે પાલિતાણાના ગામડામાં રહેતા હોય અને અમદાવાદમાં, મુંબઈ જનારી રેલવેનું રિઝર્વેશન કરાવવાનું હોય ને, તો ભાવનગર બી આવવાની જરુર નહિ, ત્યાં કોમન સર્વિસ સેન્ટર પર જાઓ, ત્યાંથી તમારું રિઝર્વેશન થઈ જાય.
આટલી બધી વ્યવસ્થાઓ, આ કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારનું કોઈ કામ હોય, તૈયાર થઈ જાય. 4 લાખ કરતા વધારે કોમન સર્વિસ સેન્ટર બનાવ્યા છે. આ જુવાનીયાઓને 4 લાખ સેન્ટરો ઉપર કામ મળ્યું છે, અને એક એક જુવાનીયો ત્રણ – ત્રણ, ચાર – ચાર લોકોને નોકરીઓ આપે છે. અને ગામડામાં નવા રોજગારનું કામ ઉભું થયું છે. અને ગુજરાતમાં લગભગ 14,000 કોમન સર્વિસ સેન્ટર, 18,000 ગામ વચ્ચે 14,000 કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યા છે, ભાઈઓ. આજે ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર આપણું ઔદ્યોગિક વિકાસમાં ધમધમી રહ્યું છે. સૌરાષ્ટ્ર, જે કોઈ જમાનામાં ખાલી થતું હતું. આજે દુનિયાભરના લોકો, આજે તમે ક્યાંય પણ જાઓ, ભાવનગર જાઓ, રાજકોટ જાઓ, જામનગર જાઓ, વેરાવળ જાઓ, તમને બીજા રાજ્યોના લોકો અહીંયા કામ કરતા જોવા મળે જ. જે ગુજરાત, કાઠીયાવાડના લોકો અહીંથી હિજરત કરીને જવું પડતું હતું. આજે હિન્દુસ્તાનના લોકો અહીં આવીને, રહીને રોજી-રોટી કમાતા થાય.
આજે સૌરાષ્ટ્ર, એક એનર્જીનું, ઊર્જાનું મોટું હબ બની રહ્યું છે. અહીં ભાવનગરમાં દુનિયાનું પહેલું, ભાવનગરવાળા જરા ગર્વ કરજો, દુનિયાનું પહેલું સી.એ.જી. ટર્મિનલ, આ તમારા ભાવનગરમાં બની રહ્યું છે. આના કારણે વીજળી ઉત્પાદનમાં મોટી તાકાત મળવાની છે. આના કારણે ઉદ્યોગોને લાભ થવાનો છે. પાલિતાણા, સૂર્યઊર્જા માટે થઈને એક કેન્દ્ર બની રહ્યું છે. કન્ટેનરની દુનિયાને જરુર છે, આ કન્ટેનર બનાવવાનું કામ હવે અમારી ભાવનગરની ધરતી પર થવાનું છે, ભાઈઓ.
આખી દુનિયાને ભાવનગરમાં બનેલા કન્ટેનર પહોંચે એ દિવસો દૂર નથી, ભાઈઓ. આના કારણે લાખો લોકોને રોજગાર મળવાના છે. આના કારણે નાના નાના ઉદ્યોગોની આખી એક વાતાવરણ બનવાનું છે. અને આ બધું કરવા માટે જેમ વીજળી જોઈએ, પાણી જોઈએ, એમ કનેક્ટિવિટી જોઈએ. અને મેં કહ્યું એમ ઘોઘા – હજીરા રેપેક્ષ ફેરી સર્વિસ, આ પર્યટનને વધારશે, ઉદ્યોગોને પણ તાકાત આપશે. પીપાવાવ અને મગદલ્લા આની વચ્ચે જે પ્રકારે સેવાની સ્વીકૃતિ મળી છે ને, એનો નવો લાભ મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
વિકાસની એટલી બધી વાતો છે, એટલી બધી વાતો છે, કે અહીં બેઠેલા જુવાનીયાનું ભવિષ્ય નિર્ધારીત કરી દીધું છે. એના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને અમે આવ્યા છીએ. અને ભાઈઓ, બહેનો, 25 વર્ષમાં ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીને રહેવું છે. દુનિયાના સમૃદ્ધ દેશોની તુલનાએ લાવીને મૂકવું છે, અને એના માટે ભાજપની સરકાર તો બનવાની છે. એ અમે નથી બનાવવાના. તમે બનાવવાનું નક્કી જ કરી લીધું છે. પણ એમાં, પણ એમાં તમારો કોઈ વિસ્તાર પાછળ ના રહી જવો જોઈએ. એકાદ કમળ ના ખીલે ને તો મનમાં એમ થાય કે આટલું બધું કર્યું છે ને આપણો વિસ્તાર કેમ રહી ગયો? અને એટલા માટે, જ્યારે આટલું મોટું પ્રવાહ પેદા થયો છે, તો આપણે પણ ગંગા વહી રહી છે, વિજયની, તો આપણે પણ પૂણ્ય લેવું જોઈએ. એક પણ વિધાનસભા સીટ એવી ના હોય આ વખતે કે જેમાં કમળ પાછળ રહી જાય. આ નિર્ણય કરવા માટે હું આપની પાસે આવ્યો છું.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પરંતુ એના માટે પહેલું કામ કરવું પડે, દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ વોટ કરાવવા પડે. કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથ પર જશો? (ઑડિયન્સમાંથી હા...)
લોકોને સમજાવશો? (ઑડિયન્સમાંથી હા...)
મેં કહ્યું એ વાત કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અને વધુમાં વધુ કમળ ખીલે, એની ચિંતા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઉપર કરીને બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જોરથી બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક મારું અંગત કામ. કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ધીમા પડી ગયા. કરવાના હોય તો કહું... (ઑડિયન્સમાંથી હા...)
પણ આ મારું અંગત છે, હોં... પાછા ધીમા પડી જાઓ છો, જરા હાથ ઉપર કરીને હોંકારો કરો ને? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જુઓ, હજુ આપણે લોકોના ઘેર ઘેર જઈશું. લોકો મત આપવા આવે લાઈનમાં ઉભા હોય ત્યારે મળીશું.
મારા વતી તમે ઘેર ઘેર એક મારો નાનકડો સંદેશ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલિતાણા આવ્યા હતા. શું કહેવાનું? જરા બોલો ને, શું કહેશો? એ પી.એમ. સાહેબ આવ્યા હતા, એવું ના કહેશો, હોં, ભઈ. એ પી.એમ. – બી.એમ. બધું દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ... આપણા નરેન્દ્રભાઈ પાલિતાણા આવ્યા હતા અને તમને બધા વડીલોને એમણે પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો, વડીલોને પ્રણામ જરુર પહોંચાડજો. કારણ કે એમના આશીર્વાદ મારા માટે મોટી ઊર્જા છે. એમના આશીર્વાદ મારા માટે મોકી તાકાત છે. એમના આશીર્વાદથી હું 24 કલાક દોડું, દિવસ-રાત દોડું, ગરીબોનું કામ કરું, દેશનું કામ કરું, દેશનું ભલું કરું, દેશના યુવાનોનું ભવિષ્ય બનાવું, એના માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ છે. અને એટલા માટે વિનંતી કરું છું કે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલિતાણા આવ્યા હતા, અને તમને પ્રણામ પાઠવ્યા છે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.