મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, ગરીબીથી બહાર નીકળવા માટે ગરીબને સામે ચાલીને તેના હક્કનું આપીને આ સરકારે ગરીબને હતાશાના વાતાવરણ, દેવા-વ્યાજના ચક્કર અને કુટેવ નિરક્ષરતામાંથી બહાર આવ્યાનો સાચો રસ્તો બતાવ્યો છે.
તેમણે ગરીબોને દેવા અને વ્યાજના શોષણમાંથી છોડાવવા સવાલાખ સખીમંડળોની નારીશક્તિની ફોજને મેદાનમાં ઉતારવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. લાખો સખીમંડળની બહેનોના હાથમાં આજે રૂ. ૪૦૦ કરોડનો વહીવટ થાય છે અને હવે આ વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડનો ધિરાણનો વહીવટ સોંપી દેવાશે. મુખ્ય મંત્રીશ્રીએ ગ્રામ્ય નારીશક્તિને સખીમંડળમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું.
આ સરકારે સામાજિક ચેતનાનું વાતાવરણ જગાવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ગરીબી સામેની લડાઇનું રણશિંગુ ફૂંકયું છે કારણ કે ગુજરાતના ગરીબોમાં વિશ્વાસ છે કે ગરીબીનો બોજ માથે ઉતારવા પ્રત્યેક ગરીબ પુરૂષાર્થ કરવા તત્પર છે. આ સરકારે ગરીબને તેના હક્કનું સામે ચાલીને આપ્યું છે તેથી ગરીબની તાકાત વધી છે, એમ તેમણે જણાવ્યું હતું.
હવે જિલ્લે-જિલ્લે ગરીબ લાભાર્થીઓ બી.પી.એલ. ફેમિલીનું કલંક ભૂંસી નાંખવા સામે ચાલીને સંકલ્પ કરે છે એ આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રતાપ છે, એમ તેમણે જણાવ્યું હતું.
પરંતુ ગરીબીની દવા કરવાને બદલે મુખ્ય મંત્રીશ્રીને બદનામ કરનારા નિવેદનજીવી નેતાઓ, વચેટીયાના સાગરિતો ભેગા થઇને ગમે એટલા જાૂઠાણા ફેલાવે, અમે ગરીબોના કલ્યાણના સંકલ્પ સાથે ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનો સેવાયજ્ઞ ચાલુ રાખીશું, એમ તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતમાં ગરીબી સામેનો જંગ અભિયાનરૂપે આજે આણંદ જિલ્લાના બીજા રાઉન્ડના ગરીબ કલ્યાણ મેળામાં પેટલાદમાં ચાર તાલુકાના મળીને રપ,૦૦૦ લાભાર્થીઓને રૂ. ૪ર.૬૬ કરોડના સાધન-સહાય મુખ્ય મંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આપ્યા હતા. આ સાથે આણંદ જિલ્લામાં જ ૭પ,૦૦૦ જેટલા ગરીબોને રૂ. ૧૩ર કરોડની સહાય ઉપલબ્ધ થઇ છે. જેણે ગરીબ લાભાર્થી પરિવારમાં નવી શક્તિનો સંચાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી ગરીબોની જીંદગીમાં બદલાવ લાવવા બાબતે ચારે તરફ જ નિરાશા અને હતાશા ફેલાયેલી છે. આ ગરીબ કલ્યાણ મેળાએ ગરીબને ગરીબીના દોજખમાંથી બહાર આવવાનો રસ્તો બતાવ્યો છે. ગરીબ પ્રત્યે જેમને ચિંતા છે, ગરીબને તેના હક્કનું કઇ રીતે મળે તેનો ઉકેલ શોધવા માંગતા સૌ માટે આ જ માર્ગે ચાલવાનો અવસર પ્રાપ્ત થયો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાંથી ગરીબીનો ખાત્મો બોલાવવા રાજ્યની સ્વર્ણિમ જયંતિએ રાજ્યભરમાં પ૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા રપ લાખ ગરીબોને રૂ. ૧પ૦૦/- કરોડની સહાય ચુકવવામાં આવશે. આણંદ જિલ્લામાં યોજાયેલા બે ગરીબ કલ્યાણ મેળામાં ૭ર હજાર ઉપરાંત લાભાર્થીઓને રૂ. ૧૪પ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે ગરીબો માટે જન્મથી માંડી મૃત્યુ સુધી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ ઉમેર્યું હતું કે, દેશના અન્ય રાજ્યોમાં નકસલવાદ, માઓવાદે ભરડો લીધો છે ત્યારે ગુજરાતમાં વંચિતોને રોટી, કપડા અને મકાનની સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે વંચિતોના વિકાસ માટે અનેકવિધ પગલાં લીધાં છે તેવી લાગણી વ્યકત કરતાં સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણ પ્રમાણ વધે અને મહત્તમ દિકરીઓ શિક્ષણ લેતી થાય તે માટે સરકારે સર્વગ્રાહી પગલાં લીધાં છે. મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ઉત્કર્ષ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહીતે જણાવ્યું હતું કે, રાજ્યની સ્વર્ણિમ જયંતિએ સમગ્ર રાજ્યમાં પ૦ જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી દલિતો, પીડિતો અને વંચિતોને તેમના હક્કના લાભો સીધેસીધા આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ડાંગરના પાક માટે સિંચાઇનું પાણી પુરું પાડયું છે. જેને પરિણામે જિલ્લામાં ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં કલેકટર શ્રી આર. એન. જોષીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૪૭ હજાર ઉપરાંત લાભાર્થીઓને રૂ. ૯૦ કરોડની સહાય ચુકવવામાં આવી હતી. પેટલાદમાં આજે રપ હજાર ઉપરાંત લાભાર્થીઓને રૂ. પપ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ગરીબીને નેસ્તનાબૂદ કરવા કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. જી. ભાલારાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, સંસદીય સચિવ શ્રી જયદ્રથસિંહ પરમાર, યોગેશ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી જયોત્સનાબેન પટેલ, શિરીષભાઈ શુકલ, દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી સી. ડી. પટેલ, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી જશુભા સોલંકી, વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દિપકભાઈ પટેલ, અગ્રણી શ્રી આશાબેન દલાલ, પ્રભારી સચિવ શ્રી રાજગોપાલ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, નગરસેવકો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તાલુકાના લાભાર્થીઓ સહિત વિશાળ માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યો હતો