મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામે લડવાની ગરીબોને નવી તાકાત મળે એ હેતુથી ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા ઘરવિહોણા ગરીબો માટે સુવિધાવાળા ગ્રામ્ય આવાસોની સ્વર્ણિમ સેવા ટાઉનશીપની યોજના જાહેર કરી છે.
તેમણે ધોલકા તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે ઘર વગરના ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી અને આવાસ યોજનાઓના સુવિચારિત સંકલનથી સ્વર્ણિમ જ્યંતી વર્ષ દરમિયાન ગામોમાં સરકારી તંત્ર ઝૂંબેશ કરીને લાભાર્થીઓની જનભાગીદારીથી સ્વર્ણિમ સેવા ટાઉનશીપ પ્રેરિત કરશે અને પાયાની સાર્વજનિક સુવિધાઓ પૂરી પાડશે.
સમગ્ર ગુજરાતમાં ૩૦૦ જેટલા તાલુકા અને શહેરી ગરીબ કલ્યાણ મેળાના છ રાઉન્ડના સેવાયજ્ઞનું અભિયાન શરૂ થયું છે. આજે મુખ્યમંત્રીશ્રીએ ધોલકા તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેવાનો નિર્ધાર કર્યો હતો અને ધોલકામાં અણધાર્યું આગમન કરીને ગરીબ કલ્યાણ મેળામાં પહોંચીને સુખદ આશ્ચર્ય સર્જ્યું હતું. અમદાવાદ જિલ્લાના ધોલકાના આ તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં પ૩૦૩ લાભાર્થીઓને રૂા. ૧.પ૯ કરોડના સાધન-સહાયના સરકારી યોજનાના લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા.
‘‘બસ હવે તો મક્કમ નિર્ધાર, અમારે ગરીબ નથી રહેવું'' એવા સંકલ્પ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક લાભાર્થીમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો.
‘‘મેં આ વખતે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ચાલતા તાલુકા ગરીબ કલ્યાણ મેળા દરમિયાન હું ગમે ત્યાં, અગાઉથી જાણ કર્યા વગર હાજરી આપીશ,'' એવી ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગત વર્ષમાં પ૦ દિવસનો સતત સેવાયજ્ઞ કરીને પ૦ ગરીબ કલ્યાણ મેળામાં ર૧ લાખ જેટલા ગરીબોના હાથમાં રૂપિયા ર૭૦૦ કરોડના સરકારી લાભો હાથોહાથ પહોંચાડયા અને હવે અગાઉના ગરીબ કલ્યાણ મેળાઓના અનુભવમાંથી પૂર્તિ કરીને, વધુ સારા ગુણાત્મક પરિવર્તન સાથે, તાલુકા અને શહેરોમાં મળીને ૩૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાનો સેવાયજ્ઞ શરૂ કરી દીધો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર ગરીબની બેલી અને નોંધારાનો આધાર બનીને ગરીબીને પરાસ્ત કરવાની લડાઇમાં ગરીબોની પડખે ઉભી રહેવાની છે.
પ્રત્યેક લાભાર્થી ઘરમાં બેઠેલી ગરીબીને અતિથિ તરીકે બહાર કાઢી મૂકવા આત્મવિશ્વાસ અને પરિશ્રમનો દીપ પ્રગટાવે એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળના શાસકોએ ગરીબોને ઓશિયાળા રાખવાના ઇંજેકશનો આપ્યા હતા અમારી સરકાર ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને ગરીબી સામે લડવાની, આત્મવિશ્વાસની શકિતનો સંચાર કરે છે.
ગરીબો માટે હજારો કરોડો રૂપિયાના બજેટો તો વર્ષોથી વપરાતા આવ્યા છે પણ, ગરીબ તો ગરીબ જ રહ્યો છે એનો ઉપાય આ સરકારે શોધી કાઢયો કારણ કે, આ સરકારે ગરીબોના માથેથી ગરીબીનું કલંક ભૂંસવા ગુજરાતમાં ગરીબીને પરાસ્ત કરવા દ્રઢ નિશ્ચય કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોના જીવનમાં મૂળભૂત પરિવર્તનના અનેક પાસાં ઉજાગર કર્યા છે તેની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જેમને ગરીબોના ભલા અને રાજ્યના વિકાસની ચિન્તા છે એમને માટે ગરીબ કલ્યાણ મેળામાથી અનેક સારી બાબતો મળી શકશે, પરંતુ જેમનો સ્વાર્થ અને સ્થાપિત હિતો છે અને ગરીબોના નામે રોટલા શેકવા છે તેમની જાગીર લૂંટાઇ રહી છે એટલે ગરીબોના ભલા માટેના આ કાર્યક્રમમાં પણ હજાર વાંધા-વચકા કાઢવા હવાતિયા મારી રહ્યાં છે, પણ અમને એની પરવા નથી. ગરીબી દૂર કરવા ગરીબોનું સશકિતકરણ કરવાનું આ અભિયાન અટકવાનું નથી એમ તેમણે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું.
ગાંધીનગરની સરકારી તિજોરીના નાણાં કોઇ સરકારના નથી પણ સાડા પાંચ કરોડ જનતાના પરિશ્રમના છે અને તેના ઉપર ગરીબોનો અધિકાર પહેલો છે. આ અભિગમ સાથે આ સરકાર ગરીબોને, તેના હક્કનું લૂંટી લેનારા વચેટીયા નાબૂદીના જાહેર મેળા કરીને મળવાપાત્ર લાભો આપે છે અને રાજ્યનું સરકારી તંત્ર જ્યારે ખડેપગે ગરીબોની સેવા માટે સંવેદનશીલ બનીને પરિશ્રમ કરી રહ્યું છે, ત્યારે ગરીબ લાભાર્થીઓ પણ શિક્ષણ અને આરોગ્ય સેવાઓના લાભો લઇને ગરીબી સામે લડવા ખભેખભા મિલાવી પરિશ્રમ કરે, કુટેવો છોડે એવી અપીલ તેમણે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબોને વ્યાજના ચક્કરમાંથી છોડાવવા લાખો સખીમંડળની બહેનોને બચત અને આર્થિક પ્રવૃત્તિમાં જોડીને રૂા. ૧૦૦૦ કરોડનો વહીવટ સોંપવાની નેમ જાહેર કરી હતી.
ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, સર્વાંગીણ વિકાસના મંત્ર સાથે આ સરકાર આગળ વધી રહી છે. છેવાડાના માનવીને મહત્તમ લાભ મળે તેવા દીર્ઘદષ્ટિપૂર્ણ આયોજનને કારણે ગુજરાત આજે વૈશ્વિક કક્ષાએ ઓળખ પ્રસ્થાપિત કરી ચુકયું છે.
છેલ્લા પ વર્ષમાં કૃષિવિકાસ દર ૯.૯ ટકા છે જે દેશના કૃષિવિકાસ દર કરતાં અનેક ગણો વધુ છે. દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે ૩૬પ દિવસ ર૪ કલાક વીજળી આપે છે. ગામડાનો એક પણ પરિવાર વીજળીથી વંચિત ન રહે તેવું આયોજન કર્યું છે, અને જો કોઇ વંચિત હોય તો આ વર્ષમાં ન્યૂનત્તમ દરે વીજજોડાણો અપાશે. ગરીબી રેખા નીચેના બી.પી.એલ. પરિવારોને પ્રથમ ૩૦ યુનિટ માટે ત્રણ યુનિટ દીઠ માત્ર રૂા. ૧.પ૦ ના દરે વીજળી આપવાનો નિર્ણય આ સરકારે કર્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના પૂર્વ કૃષિમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બીજા તબકકામાં ૩૦૦થી વધુ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડાં અને કૃષિ આબાદ તો જ દેશ આબાદ એવા ગાંધીજીના વિચારોને ગુજરાત સરકારે મૂર્તિમંત કર્યા છે. શહેરમાં જે સુવિધા હોય તે સુવિધા ગામડાંઓને આપીને શહેર અને ગામડાં વચ્ચેની ભેદરેખા મીટાવી દીધી છે. ગામડાના લોકો અંધારામાં આયખું વિતાવતા હતા તેની પીડા દૂર કરવા જ્યોતિગ્રામ યોજના અમલી કરીને ગ્રામીણ સમાજની પીડાંનું નિવારણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ચિરંજીવી તેમજ ૧૦૮ જેવી યોજનાઓ ગરીબો માટે કેટલી ઉપકારક છે તેની જાણકારી આપી હતી.
નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિતે જણાવ્યું હતું કે છેવાડાના માનવીને શોધી મળવાપાત્ર લાભ પહોંચાડવાનો સેવાયજ્ઞ આ સરકારે હાથ ધર્યો છે. શાળાપ્રવેશોત્સવ-ગુણોત્સવ, કૃષિમહોત્સવ જેવા કાર્યક્રમો પરિણામલક્ષી પૂરવાર થયા છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રી અમીતભાઇ શાહ, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પ્રદીપસિંહ જાડેજા, સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, અમદાવાદ મેયરશ્રી કાનાજી ઠાકોર, સાંસદ ર્ડા. કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી કાંતિભાઇ લકૂમ, પ્રાગજીભાઇ પટેલ, કમાભાઇ રાઠોડ, દેવુંસિંહ ચૌહાણ, ભરતભાઇ બારોટ, પૂર્વ સાંસદશ્રી રતિલાલ વર્મા, ઔડાના ચેરમેનશ્રી ધર્મેન્દ્ર શાહ, તાલુકા ભાજપા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ મંડોરા, નગરપાલિકા પ્રુમખશ્રી જગદીશ પટેલ, જિલ્લા કલેકટરશ્રી હારિત શુકલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુપ્તા, અગ્રણીઓ-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.