મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં દીયા આયોજિત વિશાળ યુવા ઉત્કર્ષ સંમેલનમાં યુવાનોને સામર્થ્યવાન ભારત નિર્માણ માટે પરિવર્તનના પ્રહરી બનવા આહ્વાન કર્યું હતું.
દેશ માટે સમર્પિત થવાના જીવન-ઉદેશની પ્રતિબધ્ધતા સાથે ભીતરની ઊર્જા જગાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
આપણને સ્વરાજ પછી હવે દેશ માટે ક્રાંતિવીર દેશભકતોની જેમ મરી મીટવાનું સૌભાગ્ય ભલે નથી મળ્યું, પણ દેશ માટે જીવી જાણવાની જીવનની સાર્થકતા મેળવીએ એવી પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને આપી હતી.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ડિવાઇન ઇન્ડિયા યુથ એસોસિયેશન (DIYA) ના ઉપક્રમે આજે સુરતમાં ગુજરાતભરના ૮૦૦૦ જેટલી બૌધ્ધિક યુવાશકિતનું યુવાઉત્કર્ષ સંમેલન યોજાયું હતું.
યુવા પેઢીને તેજસ્વીતાની શકિતની અનુભૂતિ કરાવવાનું આહ્્વાન આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આધ્યાત્મિકતાનુ઼ વાતાવરણ ઊજાગર કરીને ભારતની યુવાશકિત ‘‘તેન ત્યકતેન ભૂંજિથાઃ''ની ભારતીય સંસ્કૃતિ ઉપભોગવાદી પશ્ચિમી સમાજની વિકૃતિને પરાસ્ત કરે. આ દેશ ભોગવાદ નહીં કે પ્રકૃતિના શોષણ પર નહીં પરંતુ ટ્રસ્ટીશિપના સિધ્ધાંત ઉપર અને પ્રકૃતિ સાથે સંવાદની જીવનશૈલીને વરેલો છે, માનવજાત ઉપર પ્રદૂષણોનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે, પર્યાવરણની જાળવણી આપણી ધરતીના ચિન્તનથી જ ઉપકારક બનશે એમ તેમણે જણાવ્યું હતું.
દેશની યુવાશકિતને સમુચિત કરીને યુગ નિર્માણનું સપનું સાકાર કરવાના ગાયત્રી પરિવારના અભિયાનોને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આચાર્યશ્રી રામશર્માની જન્મશતાબ્દી ર૦૧૧માં છે અને આધ્યાત્મિક યુગપુરૂષ સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી જન્મશતાબ્દી પણ છે ત્યારે, ભારતના મૂળ આત્મા આધ્યાત્મનું વૈશ્વિક જાગરણ કરીને યુગનિર્માણ કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
વેદથી વિવેકાનંદ સુધી ભારતની જ્ઞાનસંપદાની વિરાસત વિસ્તરી છે અને ર૧મી સદીના જ્ઞાનયુગમાં વિશ્વ આખું ભારત સામે મીટ માંડીને બેઠું છે ત્યારે, ભારતની વિશ્વની સૌથી યુવાશકિત એમાં ઉણી ઉતરશે તો વિશ્વમાં નિરાશાનું વાતાવરણ છવાઇ જશે આથી યુવાશકિત આધ્યાત્મિક ચેતના ઊજાગર કરીને ભારતની શકિતનું નેતૃત્વ લે તે આવશ્યક છે એમ તેમણે જણાવ્યું હતું.
આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ નદીને માતા માને છે જેથી નદીમાતા પ્રદૂષિત થાય નહીં, છોડ હી રણછોડ છે, પરમાત્મા છે એવું આપણા પૂર્વજોએ કહીને વૃક્ષ છેદન એ પાપ છે એવી જીવન સંવેદનાના સંસકાર આપેલા છે. આપણે પશ્ચિમી પ્રભાવ નીચે આવીને વૃક્ષનું નિકંદન અને ઉપભોગતાવાદની પરંપરા કે ભોગીલાલોની પશ્ચિમી સંસ્કૃતિનો માર્ગ છોડીને ભારતીય વિરાસતનો યુગનિર્માણનો માર્ગ કંડારીએ એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મા ભારતીની પોકાર સાંભળી દેશની રક્ષા કાજે લશ્કરનો જવાન ફના થઇ જાય છે. આ જ ઉદ્દેશ યુવામનમાં ભીતરની ઊર્જા જગાવશે તો દેશ માટે જીવી જાણવાનું સામર્થ્ય પ્રગટશે.
સમાજે યુવાનો માટે શું કર્યું તે વિચારીને સમાજની સંવેદના અને સુખ-દુઃખની સહભાગીતા સાથે સામાજિક દાયિત્વ નિભાવવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.
ડીવાઇન ઇન્ડિયા યુથ એસોસિએશન -દીયા-ના પ્રમુખશ્રી પ્રણવ પંડયાએ રાષ્ટ્ર સેવા માટે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ તથા સરદાર પટેલે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે સમુચિત વિકાસની દોડમાં ગુજરાત સફળતાની ટોચ પર બિરાજે છે, કારણ કે દરેક ગુજરાતીની અંદર એક નરેન્દ્ર મોદી જીવે છે.
આજે કામુકતાના માર્ગ તરફ વળી ગયેલી યુવા પેઢીને નૂતન દિશા બતાવીને રાષ્ટ્ર સેવા તરફ વાળવાનો ‘‘દીયા''નો પ્રયાસ છે એમ તેમણે કહ્યું હતું.
અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદશ્રી સી.આર. પાટીલ, શ્રી પ્રવીણભાઇ નાયક, મેયરશ્રી રણજીત ગિલીટવાળા, મ્યુનિસિપલ કમિશ્નર કુ. એસ. અપર્ણા, કલેકટરશ્રી એ. જે. શાહ, પદ્મશ્રી અનિલ જોશી, ધારાસભ્યશ્રી કિશોર વાંકાવાળા સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.