હીરા ઉઘોગ, ટેક્ષ્ટાઇલ ઉઘોગ અને લધુ ઉઘોગો માટે મંદીના વાતાવરણમાં ટકી રહેવા સ્પેશિયલ ક્રેડિટ પેકેજ બેન્કો આપે
રિઝર્વ બેન્કના ગવર્નરશ્રી મુખ્યમંત્રીશ્રીને મળીને ગુજરાતની વિકાસયાત્રા સંદર્ભમાં બેન્કીંગ ક્રેડીટ પોલીસીના નવા આયામો અંગે ફળદાયી પરામર્શ કર્યો
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ર્ડા. ડી. સુબ્બારાવ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને વૈશ્વિક મંદીના વિકટ વાતાવરણમાં પણ ગુજરાતે સાતત્યપૂર્ણ અને સર્વસમાવેશક વિકાસની જે યાત્રા તેજ ગતિથી આગળ ધપાવી છે તેને કેન્દ્રસ્થાને રાખીને RBI અને અન્ય નાણાંકીય સંસ્થાઓએ સુનિયોજિત પ્રોત્સાહક એવી ક્રેડિટ પોલીસીની પહેલ કરવી જોઇએ તેવું સૂચન કર્યું છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ર્ડા. ડી. સુબ્બારાવે ગુજરાતના RBI ના રિજનલ ડિરેકટર શ્રી એ. કે. બેરા સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૦૯ની અપ્રતિમ સફળતા માટે અભિનંદન આપ્યા હતા અને મંદીના વિશ્વવ્યાપી સંકટમાં ગુજરાતે અર્થતંત્ર અને આર્થિક વિકાસને વેગ આપવા હાથ ધરેલા નવા આયામોની સિદ્ધિઓ જાણીને પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ RBI ગવર્નર સમક્ષ ગુજરાતના હીરા ઉઘોગ, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ લધુ અને મધ્યમ ઉઘોગો માટે બેન્કીંગ ક્ષેત્રની પ્રેરક પહેલની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો અને આ ઉઘોગોને મંદીના માહોલની વિપરીત અસરો સામે ટકી રહેવા સ્પેશિયલ બેન્ક ક્રેડિટ પેકેજ જાહેર કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના વિક્રમસર્જક મૂડીરોકાણો ૧ર લાખ કરોડ રૂપિયાથી વધુ થવાના છે અને સરવાળે ભારતના અર્થતંત્રને જ ગતિશીલતા પ્રાપ્ત થવાની છે તેની રૂપરેખા આપી RBI પ્રોએકટીવ રોલનું દાયિત્વ નિભાવે તેવી પણ અપેક્ષા વ્યકત કરી હતી.
ગુજરાતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષમાં ઊંચા બેન્ચમાર્ક નક્કી કરેલા છે અને રાજ્યના સર્વાંગીણ અને સર્વગ્રાહી વિકાસની સાથે માનવ સશકિતકરણ દ્વારા આર્થિક-સામાજિક અસંતુલન નિવારવા જે પહેલરૂપ કાર્યક્રમો હાથ ધર્યા છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ બેન્કીંગ સંસ્થાઓ દ્વારા આર્થિક અને સામાજિક નબળા વર્ગો, વિકાસ-વંચિત વિસ્તારોમાં વસતા જનસમૂદાયોની આવશ્યકતા પૂર્તિ માટે પણ સંપૂર્ણ બેન્કીંગ લિન્કેજ આપવા, ગુજરાતે કૃષિવિકાસ નીતિ અને જળવ્યવસ્થાપન દ્વારા ટપક સિંચાઇ તથા મૂલ્યવર્ધિત ખેતીવાડી માટે નવી સિદ્ધિઓ મેળવી છે તે ધ્યાનમાં રાખીને કૃષિવિષયક બેન્કીંગ ધિરાણની સુઆયોજિત સવલતો માટે પ્રોત્સાહક અભિગમ બેન્કો દાખવે તેવી રજૂઆત પણ કરી હતી.
RBIના અહેવાલમાં પ્રોજેકટ મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે તે ધ્યાનમાં લઇને RBI બેન્કીંગ ક્રેડિટ માટે સ્ટેટ સ્પેસિફિક પોલીસી માટેની પહેલ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા.