ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
કેમ છે વડોદરા? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જોરમાં બધા? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
વડોદરા, આપણી આ સાંસ્કૃતિક નગરી, શિક્ષણની નગરી. અને આટલી મોટી સંખ્યામાં આ વિશાળ જનમેદની અમારા બધા સૌ સાથીઓને આશીર્વાદ આપવા માટે આવી છે, હું હૃદયપૂર્વક આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું.
ગયા બે – ત્રણ દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં જનતા જનાર્દનના દર્શન કરવા જવા માટેની તક મળી. અને જ્યારે લોકોને મળવાનું થયું, એમનો ઉમંગ અને ઉત્સાહ જોયો. એ સ્પષ્ટ દેખાય છે કે આ ચુંટણી ન તો નરેન્દ્ર લડે છે, ન તો ભુપેન્દ્ર લડે છે. આ ચુંટણી આ મંચ ઉપર બેઠા છે, એ પણ લડે છે, એવું નથી. આ વખતે ગુજરાતની ચુંટણી જનતા જનાર્દન લડી રહી છે. કોઈ સરકારને ફરી બેસાડવા માટે ફરી આટલો ઉમંગ હોય, આટલો ઉત્સાહ હોય, એ પોલિટીકલ કોમેન્ટેટર્સ માટે અધ્યયનનો વિષય છે કે જનતાનો આટલો અતૂટ વિશ્વાસ, અને અતૂટ વિશ્વાસનું માધ્યમ છે, વિકાસ. અખંડ, એકધારો વિકાસનો પ્રયાસ. અને એનું જ પરિણામ છે, કે નિરંતર આ આશીર્વાદની વર્ષા ચાલી રહી છે. અને એના કારણે ખુણે ખુણે એક જ મંત્ર સંભળાય છે. એક જ નાદ સંભળાય છે.
ફરી એક વાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફરી એક વાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફરી એક વાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફરી એક વાર... (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
મારું સૌભાગ્ય છે, મારી નજર પડી. પૂજ્ય સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. આપને પ્રણામ, આપ આટલો સમય કાઢીને આશીર્વાદ આપવા આવ્યા.
ભાઈઓ, બહેનો,
ગયા 20 વર્ષમાં અનેક નાની નાની સમસ્યાઓને દૂર કરતા કરતા વિકરાળ સમસ્યાઓનું પણ સમાધાન કરતા કરતા આજે ગુજરાત અહીંયા પહોંચ્યું છે. પરંતુ આપણે અહીંયા અટકવા માગતા નથી. આપણે આપણો સંકલ્પ છે કે આપણું ગુજરાત, વિકસિત ગુજરાત હોવું જોઈએ. દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં હોવું જોઈએ. વિશ્વના સમદ્ધ દેશના જેટલા પણ માપદંડ હોય, એ બધા જ માપદંડમાં ગુજરાત તસુભાર પણ પાછળ ના હોય, એવું વિકસિત ગુજરાત જોઈએ.
ભાઈઓ, બહેનો,
આ વિકસિત ગુજરાત કોણ બનાવે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ બનાવશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ બનાવશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જી, નહિ. નરેન્દ્ર પણ નહિ બનાવે, ભુપેન્દ્ર પણ નહિ બનાવે. આ વિકસિત ગુજરાત બનાવશે, આ ગુજરાતના કોટિ કોટિ નાગરિકો. તમારા વોટની એક તાકાત, તમારા વોટનું સામર્થ્ય, એ વિકસિત ગુજરાત બનાવશે. અને આપણે અમૃતકાળમાં છીએ. આઝાદીના 75 વર્ષ પુરા થયા છે. 25 વર્ષ આપણા જીવનના, જેમ 25 વર્ષ અત્યંત મહત્વના હોય એમ ગુજરાતના જીવન માટે, દેશના જીવન માટે આગામી 25 વર્ષ અત્યંત મહત્વના છે. આ અમૃતકાળમાં આપણે ગુજરાતને કેટલી ગતિથી આગળ વધારવું છે, કેટલું જલદી વિકસિત બનાવવું છે અને એ ગુજરાતના જવાનીયાઓની સામર્થ્ય ઉપર, એમના સંકલ્પ ઉપર નિર્ભર છે.
ભાઈઓ, બહેનો,
ગુજરાતમાં માતાઓ, બહેનો, એમને સુખ, શાંતિ અને સંતોષનું વાતાવરણ આપણી નાની સૂની પુંજી નથી, ભાઈઓ. કારણ કે આપણા ધ્યાનમાં ના આવે. જે પહેલીવાર ગુજરાતમાં આવે ને, અને રાત્રે નીકળે બહાર, અને રાત્રે 11 વાગે, 12 વાગે, 2 વાગે દીકરીઓ સ્કુટી ઉપર ક્યાંય જતી હોય, એમને અચરજ થાય. અહીંયા અમારા ગરબા જોવા માટે આ વખતે દુનિયાભરના મહેમાનો આવ્યા હતા. વિદેશના બધા એમ્બેસેડરો આવ્યા હતા. એમણે એમના દેશમાં લખ્યું કે આ વડોદરા અમે ગયા ને ગરબા અમે જોયા ને જે રીતે બહેનો, પારિવારીક વાતાવરણ, માન-સન્માન, આ બધું અમારા માટે અચરજ પણ હતું, આનંદદાયક પણ હતું. આ ગૌરવ ગુજરાતને મળતું હોય છે, ભાઈઓ. મોડી રાત્રે મેં જોયું હમણાં હમણાં તો કેટલાય લોકોના મેં ટ્વિટર પર... ફેસબૂક, ટ્વિટર પર જોયું કે રાત્રે કંઈ બહાર નીકળ્યા હોય અને એમણે જોયું કે ઓ હો હો... બધા પરિવાર સાથે બેઠા હોય ને નાના નાના ભુલકાઓ બેઠા છે અને ટ્વિટર પર, ફેસબૂક પર લખી રહ્યા છે, બહારથી આવેલા લોકો કે કાશ, હિન્દુસ્તાનના ખુણે ખુણે પણ આવી સ્થિતિ હોય.
ભાઈઓ, બહેનો,
હમણા આપણે ત્યાં રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા કરી. આટલા ટૂંકા ગાળામાં અને કોરોના પછી પહેલી વાર દેશભરના ખેલાડીઓ વડોદરા રમવા માટે આવ્યા હતા. સેંકડોની તાદાતમાં આવ્યા, પણ એ વખતે નવરાત્રિના ઉત્સવ ચાલતા હતા. તો દિવસે ખેલકૂદની સ્પર્ધા અને સાંજે ગરબાની મજા. એમના માટે એક આશ્ચર્ય અનુભવ હતો કે ગુજરાત. સાંસ્કૃતિક રીતે આટલું બધું ઝળહળતું છે. તેજસ્વી છે, અને તપસ્વી વાતાવરણ છે. આ ભલભલાને પ્રભાવિત કરી દે.
સાથીઓ,
આજે યુવાઓની પુરી પેઢી, જેમની ઉંમર 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ, 27 વર્ષ થઈ હશે, એ આજે જોઈને નક્કી નહિ કરી શકે કે બે દાયકા પહેલા કેવા હાલ હતા. હમણા ભુપેન્દ્રભાઈ વર્ણન કરતા હતા કે પતંગ કરો તોય હુલ્લડ, ગણેશોત્સવ કરો તોય હુલ્લડ. છાશવારે કર્ફ્યુ તો જાણે છેડે બાંધ્યો હોય. આસામાજિક તત્વો, એની દહેશત, અને લોકોને ખબર હતી કે આ ગુંડા, માફિયાઓને કશું નથી થવાનું. કારણ? ગાંધીનગરમાં બેઠેલા લોકો એમને આશ્રય આપતા હતા. એમને આવું કરવાની ખુલ્લી છુટ હતી. એ કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. કોંગ્રેસના રાજનેતાઓનું રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત હતું. અને એના કારણે અશાંતિ, ઉચાટ, ભય, અને આ બધી જ બાબતો વિકાસ માટે સૌથી મોટી અવરોધક હોય છે. જવાનીયાઓના ભવિષ્યને રોળી નાખવાની બાબતો હોય છે. ભયનું વાતાવરણ આજે પણ કોંગ્રેસશાસિત રાજ્યોમાં જુઓ. છાશવારે આવી ઘટનાઓની ખબરો આવે છે.
ભાઈઓ, બહેનો,
કાયદો અને વ્યવસ્થા એ સામાન્ય માનવીના જીવનને, ખાસ કરીને માતાઓ, બહેનોના જીવનને એ જ્યારે એક વાર મળે ને તો પછી સમાજ પુરી તાકાતથી કુદકે ને ભુસકે આગળ વધતો હોય છે. આપણે શરૂઆતમાં જ આંખ એવી લાલ કરી, એવી લાલ કરી કે ભાઈઓ, બહેનો, આ બધી વાત આજે હું એટલા માટે કહું છું કે ગુજરાતના લોકોને કોંગ્રેસનો આ જે રેકોર્ડ છે, એની ખબર હોવી જોઈએ કે કેવી દુર્દશામાં આપણું ગુજરાત હતું. એમાંથી આપણે ક્યાં લાવ્યા છીએ? ગુજરાતની કાનૂન વ્યવસ્થા, સુરક્ષા, એને કોંગ્રેસને સ્નાનસૂતકનો સંબંધ નહોતો. પોરબંદરમાં તો બહાર બોર્ડ લગાવ્યું હતું કે પોરબંદરમાં પ્રવેશતા પહેલા બોર્ડ હતું કે અહીંયા ગુજરાત સરકારની કાયદો વ્યવસ્થાની હદ પુરી થાય છે. એવા દિવસો હતા. કોંગ્રેસના જમાનામાં પોરબંદરની જેલને તાળું મારવું પડ્યું હતું. કારણ કે જેલમાં રહેલા લોકોને સાચવી નહોતા શકતા. પોરબંદરની જેલને તાળું મારીને જેલમાંથી બધા લોકોને બીજી જેલોમાં ટ્રાન્સફર કરવા પડ્યા હતા. આવી દુર્દશા. આ બધી પરિસ્થિતિ બદલી. અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું, ભાઈ. ઔદ્યોગિક વિકાસના રસ્તે ચાલી પડ્યો. આપ બધા જાણો છો, ઔદ્યોગિક વિકાસમાં કોઈ પણ રાજ્યની કાયદો અને વ્યવસ્થા. કોઈ પણ મૂડીરોકાણ માટે આવે ને તો એનું પહેલું ધ્યાન ત્યાં જ જાય. એની ભુમિકા પહેલી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઔદ્યોગિક વિકાસ માટે જે વાતાવરણ બનાવ્યું. એનો મોટો લાભ ગુજરાતે જે આખી શાંતિ, એકતા, સદભાવના, એનો લાભ મળ્યો. એક જમાનામાં ગુજરાત મેન્યુફેકરીંગ ક્ષેત્રે ક્યાંક ખુણામાં દેખાય. કોઈ કામ જ નજરે નહોતું આવતું. પરંતુ ગયા બે દસકમાં, 20 વર્ષમાં ગુજરાતમાં સ્થિતિ બદલાઈ ગઈ, ભાઈ. 20 વર્ષ પહેલા ગુજરાતમાં કુલ રાજ્યનો સ્થાનિક ઉત્પાદન જી.એસ.ડી.પી. 1 લાખ કરોડ રૂપિયા આસપાસ હતું. આજે એ 17 લાખ કરોડ રૂપિયા આસપાસ છે. આપણે આ યાત્રા કરી છે. 20 વર્ષ પહેલા ગુજરાતના બજેટનો આકાર માંડ 25, 30, 35 હજાર કરોડની આસપાસ હતો. આજે ગુજરાતના બજેટનો આકાર, કદ અઢી લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. ગુજરાત આજે ઓટો હબ છે. પેટ્રો હબ છે. કેમિકલ હબ છે. ફાર્મા હબ છે. આ ગુજરાત મેક ઈન ઈન્ડિયા એનું એક મહત્વનું મથક બની ગયું છે, ભાઈઓ. ભારતીય જનતા પાર્ટી સરકારે મશીન, ટુલ્સ, સિરેમિક્સ, કેમિકલ, પેટ્રોકેમિકલ, આવા જે પારંપારીક ઉદ્યોગો હતા, જે આપણા એના પણ સશક્તિકરણ માટે અનેક કદમ ઉઠાવ્યા. અને ગયા 10 વર્ષમાં ગુજરાતમાં મેન્યુફેકચરીંગ 100 ટકા વાર્ષિક દર, તમે વિચાર કરો, એનો વિકાસનો દર 100 ટકા. હિન્દુસ્તાનના અનેક લોકો માટે ગુજરાત અજુબો લાગે છે. 300 કરોડ કરતા વધારે જેમાં મૂડીરોકાણ હોય, એવી તો ડઝનો ફેકટરી, આપણા વડોદરામાં છે. કેટલાક રાજ્યોમાં એક નથી હોતી, ભાઈ. એટલું જ નહિ, 60,000 કરતા વધારે લઘુઉદ્યોગો, એમ.એસ.એમ.ઈ. આજે ગુજરાતમાં કામ કરી રહ્યા છે, અને ભાઈઓ, બહેનો, હું જ્યારે આવ્યો છું ત્યારે મેં કહ્યું છે એ તમે બરાબર યાદ કરી લેજો. અને બધી જ બાબતોમાં હું સાચો પડ્યો છું. આજે હું ફરી એક વાત કરું છું. વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ, આ પાંચ શહેરોને જોડતો જે પટ્ટો છે ને, આ પટ્ટો એક દિવસ દૂર નહિ હોય જ્યારે હાઈટેક એન્જિનિયરીંગ મેન્યુફકચરીંગનો કોરીડોર બની જશે. વડોદરામાં હવાઈ જહાજ બનાવવાનું કારખાનું. થોડા દિવસ પહેલા જ હું અહીં આવ્યો હતો. એનો શિલાન્યાસ કર્યો ને કુદકે ને ભુસકે કામ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ શરૂ કરેલા એ કારખાના, ઉદઘાટન, કેટલું મોટું ઉજ્જવળ ભવિષ્ય લઈને આવ્યા છે. વર્ષો પહેલા અહીં સાવલી પાસે રેલકાર બનાવવાનું કામ. અને વિદેશમાં... તમારા સાવલીમાં બનેલી રેલ-કાર વિદેશમાં એક્સપોર્ટ થાય છે, ભાઈઓ. અને બનાવે છે કોણ? મારા વડોદરાના જવાનીયાઓ. દાહોદમાં ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન, આ બનાવવાનું કારખાનું તેજ ગતિથી કામ કરી રહ્યું છે. અને ત્યાં એવા મજબુત એન્જિનો બનવાના છે ને, હિન્દુસ્તાનની રેલવેને દોડાવી દે, એટલા મોટા બનવાના છે, ને દુનિયામાં જવાના છે. હાલોલ, કાલોલ, ગોધરા મોટા પાયા ઉપર મેન્યુફેકચરીંગના યુનિટ, લઘુ ઉદ્યોગોની આખી જાળ. આ વિકસિત ગુજરાત તરફ, આધુનિક ગુજરાત તરફ આપણા મજબુત કદમનો વિશ્વાસ પેદા કરે છે. આપ કલ્પના કરી શકો છો કે આપણું આ ગુજરાત, એમાંય આ એકલો વડોદરાનો પટ્ટો... સાયકલ પણ અહીંયા બને છે. મોટર સાયકલ પણ બને છે. રેલવે પણ બને છે. રેલવેના એન્જિન પણ બને છે. અને હવે હવાઈ જહાજ પણ બનવાના છે. કશું જ બાકી નહિ, ભાઈ.
હવે તમને કહો કે આ ગુજરાતના જવાનીયાઓનું ભવિષ્ય ઉજ્જવળ છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર એવું ગુજરાત બનવાની તાકાત આમાં દેખાય છે કે નથી દેખાતી? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
આજે ગુજરાતે આઈ.ટી.થી લઈને સેમી કન્ડક્ટર સુધી અનેક નવા ક્ષેત્રો સર કરવાની દિશામાં કદમ માંડ્યા છે. હજારો કરોડો રૂપિયાના નિવેશ ગુજરાતમાં સૌથી મોટો સેમી કન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતની ધરતી ઉપર લાગી રહ્યો છે. અને આ બધા પ્રયાસો ગુજરાતના લાખો નવજવાનોને રોજગાર માટેની ગેરંટી બનવાના છે. ઔદ્યોગિક વિકાસ એક નવી દિશામાં કેમ આગળ વધે, રોડ હોય, રેલ હોય, એર કનેક્ટિવિટી હોય, ગુજરાત આધુનિકમાં આધુનિક કેમ બને, એ દિશામાં કામ ચાલી રહ્યું છે. આપ વિચાર કરો, ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર. સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન, માંડલ-બેચરાજી એસ.આઈ.આર., દહેજ પી.સી.પી.આઈ.આર. આવા તો અનેક સ્પેશિયલ ઝોન્સ, આજે ગુજરાતમાં ધમધમી રહ્યા છે, ભાઈ ભુપેન્દ્રભાઈની સરકાર નવી જરુરતોને ધ્યાનમાં રાખીને જે ઔદ્યોગિક પોલિસી લાવી છે, એના કારણે પણ એક નવી તાકાત એને મળવાની છે. એટલું જ નહિ, ભાઈઓ, આના કારણે લઘુઉદ્યોગોની મોટી જાળને એનો લાભ મળવાનો છે. એના કારણે અનેક નવા એન્ત્રપ્રિનિયર આવવાના છે. આપણે ઔદ્યોગિક વિકાસ પણ કરી રહ્યા છીએ. ઘણી વાર દુનિયાને લાગે કે તમે ઔદ્યોગિક વિકાસ કરો તો પર્યાવરણને નુકસાન થાય છે.
ભાઈઓ, બહેનો,
ગુજરાતે અને દેશે દુનિયા માટે એક નમૂનારૂપ કામ કર્યું છે. આજે દેશની અર્થવ્યવસ્થા ચાલી રહી છે. 8 વર્ષ પહેલા ભારત દુનિયાના 10મા નંબર પરની અર્થવ્યવસ્થા હતું. આપણે, તમે મને વડોદરાથી મોકલ્યો દિલ્હી, ત્યારે દુનિયામાં આપણે 10મા નંબરે હતા. અને આટલા ટૂંકા ગાળામાં આપણે 5 નંબર ઉપર પહોંચી ગયા. દુનિયાની 5મી અર્થવ્યવસ્થા. અને મને યાદ છે, 10માંથી 9 થયા, કોઈ ચર્ચા નહોતી. 9માંથી 8 થયા, કોઈ ચર્ચા નહોતી. 8માંથી 7 થયા, કોઈ ચર્ચા નહોતી. 7માંથી 6 થયા, મોટી હરણફાળ હતી, કોઈ ચર્ચા નહોતી. પણ 6માંથી 5 થયા, આખા હિન્દુસ્તાનની અંદર એક ઊર્જા આવી ગઈ. સળવળાટ શરૂ થયો. કારણ? 250 વર્ષ સુધી જેમણે આપણા ઉપર રાજ કર્યું હતું, જે અંગ્રેજો રાજ કરીને ગયા હતા. એ બ્રિટનને પાછળ છોડીને આપણે 5મા નંબરે પહોંચ્યા, એનો આનંદ હતો, ભાઈઓ, એનો આનંદ હતો. ભારતમાં બનેલા ઉત્પાદો, એના ઉપર ટેક્સ ઓછો લાગે, એના માટે ભારત સરકાર દુનિયાના બીજા દેશો સાથે સમજૂતી કરાર કરે છે. તમે આજના છાપામાં જોયું હશે, ખુશીના સમાચાર છે, ઓસ્ટ્રેલિયા એક ડેવલપ કન્ટ્રી. ઓસ્ટ્રેલિયા સાથે ભારતે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. એ એગ્રીમેન્ટને ગઈ કાલે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટે મંજુરી આપી દીધી. અને આ એગ્રીમેન્ટના કારણે ભારતમાં બનેલા ઉત્પાદ જે છે એ હવે ઓસ્ટ્રેલિયામાં જશે તો ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ પ્રકારની ડ્યુટી વગર ત્યાં વેચી શકાશે. તમે મને કહો, ભાઈ કેટલો મોટો આપણા નાના નાના ઉદ્યોગોને લાભ થવાનો છે, એના કારણે નવજવાનોને રોજગારનો કેટલો બધો અવસર મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
ભારત ઈકોનોમીમાં પ્રગતિ કરી રહ્યું છે, પણ ભારત ઈકોલોજીમાં પણ મજબુતી બતાવી રહ્યું છે. ઈકોનોમી અને ઈકોલોજી બંનેનું સંતુલન જાળવીને દુનિયા સામે એક નવું મોડલ આપણે લઈને આવ્યા છીએ. એક – બે દિવસ પહેલા હમણાં ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્ષ, એનું રિઝલ્ટ આવ્યું. એમાં દુનિયાની અંદર આપણે 8મા નંબરે પહોંચી ગયા છે, ભાઈઓ. ભારત જેવો દેશ, અને એમાં પણ જી-20ના દુનિયાના જે સમૃદ્ધ 20 દેશો છે, એ બધા કરતા આપણે આગળ નીકળી ગયા છીએ અને આખા વિશ્વમાંથી વાહવાહી મળી રહી છે. ઈકોનોમીમાં પણ પ્રગતિ, ઈકોલોજીમાં પણ મજબુતી. ભારતે આ શાનદાર પરફોર્મન્સમાં ગુજરાતની પણ ભુમિકા રહી છે. ગુજરાતે જે રીતે રિન્યુએબલ એનર્જી, સૌર ઊર્જા, વિન્ડ પાવર, હાઈડ્રો, એમાં જે કંઈ યોગદાન કર્યું છે ને, એના કારણે ભારતનો વર્લ્ડ રેન્કિંગમાં સુધારો થયો છે.
ભાઈઓ, બહેનો,
અગર જો વીજળીની સ્થિતિ ન સુધરતી, તો આ બધા ઉદ્યોગો ને આ બધું થતું ભાઈ? ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કામ કરી રહી છે. એનું એક સૌથી મોટું ઉદાહરણ, આ પાવર સેક્ટર છે. ઊર્જા. આપ સાંભળશો, મારા નવજવાન સાથીઓ, આપને પણ માથું ગર્વથી ઊંચું થશે. તમને ખબર છે? ગુજરાતમાં કોયલો નથી, તેમ છતાય ગુજરાત ઝુક્યું નહિ. નવા નવા રસ્તા શોધ્યા. ગુજરાતને અંધારામાં નહિ, તેજ પ્રકાશમાં રાખવાનું કામ કર્યું. અને ભારતમાં સૌર ઊર્જા. સૌર ઊર્જામાં ભારત દુનિયામાં પહેલા પાંચમાં પહોંચી ગયું છે, ભાઈ, આખી દુનિયામાં. અને ગુજરાત, દેશના પહેલા રાજ્યમાં. આ સૌર ઊર્જા ઉત્પાદનની, બનાવનારું પહેલું પોલિસી બનાવનારું રાજ્ય હતું. આજે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ છે. અને સાથીઓ, આજે જ્યારે હું તમારી સામે જરુર એક સવાલ કરીશ. એક સવાલ તમને હું જરુર પુછીશ. કલ્પના કરો કે ગુજરાતમાં આજે જે વીજળીની સ્થિતિ છે, એ ન હોત, વીજળી માટે વલખા મારતા હોત, તો આપણું ભવિષ્ય પણ અંધારામાં હોત કે ના હોત? આ ઉદ્યોગોને તાળાં લાગ્યા હોત કે ના લાગ્યા હોત? શું વગર વીજળીએ કોઈ મેન્યુફેકચરીંગના કામ થઈ શક્યા હોત?
ભાઈઓ, બહેનો,
અને જો મેન્યુફેકચરીંગ ન થયા હોત, તો નવજવાનોને રોજગાર મળ્યા હોત? જેમ આપણે વીજળીની ચિંતા કરી એમ સ્કિલ ડેવલપમેન્ટ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, અને આ તો સયાજીરાવ ગાયકવાડની નગરી, ભાઈઓ. શિક્ષણનો મજબુત પાયો, એમનું કમિટમેન્ટ રહ્યું છે. અને મારું સૌભાગ્ય છે કે હું બચપણમાં સરકારી શાળામાં, સયાજીરાવ ગાયકવાડે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું. એ પ્રેરણા લઈને શિક્ષા ક્ષેત્રના કાયાકલ્પ માટે આપણે કામ કરતા રહ્યા. શિક્ષા અને સ્કિલ ડેવલપમેન્ટ, એને આપણે પ્રાથમિકતા આપી. 20 વર્ષમાં ઉચ્ચ માધ્યમિક શાળામાં બે ગણો વધારો કર્યો. 20 વર્ષની અંદર ગુજરાતમાં 800થી ઓછી કોલેજો હતી, 20 વર્ષ પહેલા. આજે 3,000 કોલેજો છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી, આજે 100 યુનિવર્સિટી કરતા પણ વધારે છે. પ્રોફેશનલ કોલેજ 100 જેટલી માંડ હતી, આજે 500થી વધારે છે. મેડિકલ સીટો પહેલા 1,300 હતી, આજે 6,000 કરતા વધારે છે. એન્જિનિયરીંગમાં કોલેજો 26થી વધારીને આજે 130 કોલેજો થઈ ગઈ. વડોદરામાં જ ડિગ્રી અને ડિપ્લોમાની લગભગ 30 એન્જિનિયરીંગ કોલેજો બની ગઈ છે. અને વડોદરા તો ઉચ્ચ શિક્ષાનું મોટું હબ બની ચુક્યું છે. આ સંસ્કારનગરી છે, શિક્ષણનગરી છે. અહીંયા દેશની પહેલી રાષ્ટ્રીય રેલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની પણ તૈયારીઓ ચાલી રહી છે. વડોદરામાં જ ગતિશક્તિ યુનિવર્સિટી બની રહી છે, ભાઈઓ. આ યુનિવર્સિટી 21મી સદીના ભારતના લોજિસ્ટીક સેક્ટરમાં દુનિયાની અંદર આધુનિકતાના ક્ષેત્રમાં નવજવાનોને તૈયાર કરવાનું કામ આ વડોદરાની ધરતી ઉપર થવાનું છે. આપનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે, એ દેખાય છે. ગતિશક્તિ યુનિવર્સિટીથી નીકળેલા વિદ્યાર્થીઓ વિશ્વમાં મોટા પદ પ્રાપ્ત કરશે એવો મારો પાકો વિશ્વાસ છે, ભાઈઓ. ડિજિટલ ટેકનોલોજી, એમાં ગુજરાત મોટી હરણફાળ ભરી રહ્યું છે. અહીંયા વડોદરાના યુવાનો અનુભવ કરે, મોબાઈલ ડેટા, કેટલો સસ્તો. અગર કોંગ્રેસની સરકારના જમાનાના ડેટાના ભાવે અત્યારે મોબાઈલ વાપરતા હોત ને તો તમારે દર મહિને 5,000 રૂપિયા વધારે આપવા પડતા હોત. આજે તમારા 5,000 રૂપિયા ખિસ્સામાં બચે છે, કારણ? દુનિયાની અંદર સસ્તામાં સસ્તો ડેટા આજે ભારતમાં છે. હમણા દિલ્હીમાં દુનિયાના 22 દેશના વિદ્યાર્થીઓ આવેલા છે. એમનો હેકેથોનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ભારતના બાળકો સાથે. 22 દેશના લોકો છે. આટલો સસ્તો ડેટા છે, એ એમના મગજમાં બેસતું જ નથી કે આટલું શક્ય બને.
ભાઈઓ, બહેનો,
આપણે ડિજિટલ ક્રાન્તિ માટે લાખો કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, અને શહેર અને ગામડામાં કોઈ ફરક નહિ. જે શહેરને મળે, એ ગામડાને મળે, જે સામાન્ય માનવીને મળે, ગરીબમાં ગરીબને પણ મળે. અને 5-જીના યુગમાં પ્રવેશવાનું છે. આ 5-જી એ મોટી ક્રાન્તિ લાવનારું કામ કરનાર છે. અને એના પગરણ ગુજરાતમાં આપણે મંડાવી દીધા છે. થોડા સમય પહેલા ગુજરાતમાં હજારો સ્કૂલોને 5-જીના દોરમાં વ્યવસ્થા ઉભી કરવાનું કામ થયું છે, ભાઈઓ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હજારો સ્કૂલો, સ્માર્ટ ક્લાસરૂમો. આધુનિક ક્લાસરૂમો વિકસિત કરવામાં આવ્યા છે.
ભાઈઓ, બહેનો,
એક તરફ 25 વર્ષનો રોડ-મેપ, ઉજ્જવળ ભવિષ્ય માટેની ગતિ, પરંતુ ગરીબને ભુલ્યા વિના, સામાન્ય માનવીને છોડ્યા વગર, એનો હાથ પકડીને આગળ વધવાનું. અને વિકાસ સર્વાંગીણ હોય, વિકાસ સંવેદનશીલ હોય એ બહુ જરુરી છે. અને એટલે જ, નરેન્દ્ર – ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર વિકાસ ઉપર બળ આપે છે. એમાં ગરીબને પણ સશક્તિકરણ કરે છે.
100 સાલમાં આવી ગંભીર બીમારી નહોતી આવી, એક કુટુંબમાં ગંભીર બીમારી આવે ને તો એ નાનકડા કુટુંબનેય ઉભા થતા 20 – 20 વર્ષ નીકળી જાય. આવડી મોટી બીમારી, આખા દેશ ઉપર આવી. આપણે એનો મુકાબલો કર્યો, અને આજે બધા સંકટોને પાર કરીને દુનિયાના લોકોનું ધ્યાન જાય એવી રીતે આપણે ઉભા થઈને ચાલવા માંડ્યા છીએ. ગરીબમાં ગરીબને મફતમાં વેકસિન મળે, એની ચિંતા આપણે કરી, ભાઈઓ.
તમારા બધાના વેકસિન લાગેલા છે ને? (ઑડિયન્સમાંથી હા...)
મફતમાં લાગેલા છે ને? (ઑડિયન્સમાંથી હા...)
આ કામ આપણે કર્યું છે. ભાજપની સરકારે કરોડો ગરીબોને, એના ઘરમાં ચુલો ઓલવાય નહિ, રાત્રે બાળકો ભુખ્યા ન સૂઈ જાય એટલા માટે 80 કરોડ લોકોને અઢી વર્ષથી મફત અનાજ આપી રહ્યા છીએ. દુનિયાના લોકોને આંકડા અચરજ કરાવે છે, ભાઈઓ. ગુજરાતના ગરીબ પરિવારોને પાકા ઘર મળે, ઝુગ્ગી-ઝુંપડીમાંથી નીકળીને સારા ઘરમાં રહેતા થાય, બાળકોને ભણાવતા થાય, એના માટેનું અભિયાન ચાલી રહ્યું છે. ગયા 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારે એને વધુ ગતિ આપવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં 7 લાખ જેટલા પાકા ઘર ગરીબ પરિવારોને મળી ચુક્યા છે, ભાઈઓ. એટલું જ નહિ, મધ્યમ વર્ગનો માનવી, એનું પણ પોતાનું સપનું હોય છે, ઘર બનાવવાનું, પણ એ કોઈની જોડે હાથ લંબાવતો નથી. અને લોકો છેતરપિંડી કરવાવાળા બિલ્ડરો આવી જાય. ફ્લેટ બૂક થાય પૈસા આપે, મકાન જ મળે નહિ. આપણે કાયદો બનાવ્યો, રેરાનો. હવે કોઈ પણ મધ્યમ વર્ગના પરિવારને છેતરી નહિ શકે. એણે જે કરાર કર્યા હશે, એવું મકાન બનાવીને આપવું પડશે. સમય પર આપવું પડશે. અને જે મટિરીયલ વાપરવાનું નક્કી હોય, આપવું પડશે અને નહિ તો જેલના દરવાજા જોવા પડશે. આ કામ કરીને મિડલ ક્લાસને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. મિડલ ક્લાસનો માનવી, પોતાનું ઘર ખરીદવું હોય, બેન્કમાંથી એને પહેલા પૈસા આપવાની વ્યવસ્થા નહોતી. ઊંચા વ્યાજ હતા. ભારત સરકારે એના માટેની યોજના કરી. એકલા ગુજરાતમાં 5 લાખ મધ્યમ પરિવારના લોકોએ બેન્ક લોનનો લાભ લઈને પોતાના ઘરના ઘર બનાવ્યા છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
11,000 કરોડ રૂપિયા એની અંદર આજે સરકાર તરફથી આપવામાં આવ્યા છે. એટલું જ નહિ. આ ફૂટપાથ, પાથરણાવાળા, આ લારી-ગલ્લાવાળા બિચારા વ્યાજમાં ડૂબી જાય, વ્યાજે પૈસા સવારે લેવા જાય, પેલા વ્યાજખોર પાસે. હજાર રૂપિયા લે તો સો રૂપિયા પેલો સવારમાં જ કાપી લે. અને રાત્રે પાછા જઈને હજાર જમા કરાવવાના. એક દિવસનું આટલું બધું વ્યાજ. આ ગરીબ માણસ ક્યાંથી બહાર નીકળે? આપણે એમના માટે સ્વનિધિ યોજના બનાવી. અને આ સ્વનિધિ યોજના દ્વારા ગુજરાતમાં 3 લાખ કરતા વધારે આ લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા ભાઈઓને 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની લોન આપી છે. વ્યાજના ખપ્પરમાંથી બહાર નીકળી ગયો અને પગ ઉપર ઉભો રહીને આગળ વધે અને વધુ વ્યાજ... વધુ જો ડિજિટલ કામ કરે તો વ્યાજ પણ માફ. અને એને તાકાતવર બનાવવાનું કામ કર્યું છે. વિમાન પણ બનાવવા છે. પાથરણા ઉપર બેઠેલા માણસને પણ મજબુત બનાવવો છે. આ કામ આપણે કરી રહ્યા છીએ, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
અમે આવા સ્વનિધિ યોજના દ્વારા બેન્કિંગ સેક્ટર સાથે જોડ્યા છે. એનો વેપાર, કારોબાર વધે એના માટે મદદ કરી રહ્યા છીએ. ડિજિટલ પેમેન્ટ આપે તો એને લાભ મળે એની ચિંતા કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
જેમ જેમ મધ્યમ વર્ગ વધે એમ પર્યટનની સંભાવનાઓ વધતી ગઈ છે. મધ્યમ વર્ગને શનિ-રવિ બહાર જવાનું મન થતું હોય છે. પાંચ પૈસા વાપરવાનું મન થતું હોય છે. મહેમાન આવે તો એની ચિંતા કરવાનું મન થતું હોય છે. પણ કોંગ્રેસના લોકોને વોટબેન્કના પોલિટિક્સ સિવાય કંઈ સુઝ્યું નહિ, તો એમને તીર્થાટનનો ક્યારેય વિચાર જ ના આવ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, આસ્થાના સ્થળોનો વિકાસ કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે. કોંગ્રેસને વોટબેન્કની ચિંતા હતી, એટલે કર્યું જ નહિ. આજે ભારત, દેશની વિરાસત ઉપર ગર્વ કરતો થયો છે અને દેશને ગૌરવ કરી દીધા છે. મંદિરો, આસ્થા અને પર્યટનના સ્થળો ઉભા થાય, રોજગાર વધી રહે. સામાન્ય, સામાન્ય માણસને રોજગાર માટેના અવસર મળે. આજે સદીઓ બાદ, વડોદરાના લોકો જેટલો ગર્વ કરે એટલો ઓછો છે. સદીઓ પછી, આ અમારું પાવાગઢનું મંદિર. પાવાગઢને મુસ્લિમ આક્રમણખોર આવ્યા ને તોડ્યું હતું. શિખર ઉપર ધ્વજ નહોતો, ભાઈઓ. 500 વર્ષ પછી આ જૂન મહિનામાં મને ધ્વજ ફરકાવવાનો અવસર મળ્યો. ગૌરવ અપાવવાનું કામ કર્યું. આપ સૌના આશીર્વાદ, મહાકાળીના આશીર્વાદ. આ ધ્વજ ફરકાવવાનો મને અવસર મળ્યો. અને મને કહેવામાં આવ્યું, મને માહિતી આપતા હતા કે પહેલા જે લોકો જતા હતા ને પાવાગઢ, ગણ્યાગાંઠ્યા લોકો જતા હતા. આજે જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચથી છ ગણી થઈ ગઈ છે. લગભગ 50થી 60,000 લોકો ત્યાં જાય છે, અને રવિવાર, શનિવારે તો બબ્બે લાખ લોકો પાવાગઢ જાય છે અને વડોદરાના લોકો માટે તો પાવાગઢ જાણે આઉટ હાઉસ થયું હોય ને એમ હરવા-ફરવાની જગ્યા બની ગઈ છે. હવે આ મારો પાવાગઢ, જવાનીયાઓ માટે એડવેન્ચર ટુરિઝમનું કેન્દ્ર બની જવાનું છે, ભાઈઓ. વડોદરા હોય, પંચમહાલ હોય, આ બધાને એનો લાભ મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
આજે શ્રદ્ધાળુ મંદિરમાં તો જાય છે, આર્કિયોલોજીકલ પાર્ક, વિરાસત વન, પાવાગઢની અંદર અમારું વર્લ્ડ હેરિટેજ યુનેસ્કોએ બનાવેલું ચાંપાનેર, આના પુરાતત્વ વિશ્વ સરોવર, વર્લ્ડ હેરિટેજ સાઈટ, એક સાથે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ ભાઈ. વડોદરાના લોકો માટે મહેમાનો આવે તો હવે ક્યાંય લાંબા ન થવું પડે, આ વ્યવસ્થાઓ પણ લોકોને રોજગાર આપે છે. આ રાજ્યની પહેચાન મજબુત કરે છે, એનું કામ કરે છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા છો, અનેક વિષયોને મેં સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે હું વડોદરા પાસે કંઈક માગવા આવ્યો છું, અને વડોદરાના લોકોએ મને મોટો કરેલો છે. આજે પણ વડોદરાની ગલીઓમાં જુના લોકો બધા યાદ કરે, એટલા દિવસો તમારી વચ્ચે વિતાવ્યા છે. અને આજે જ્યારે આવ્યો છું, ત્યારે કંઈ માગવાની ઈચ્છા છે.
માગું? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને કહો, માગું? (ઑડિયન્સમાંથી હા...)
હા, એ તો ખરું પણ આપશો? (ઑડિયન્સમાંથી હા...)
આપશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે આપણે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે. દરેક પોલિંગ બુથમાં મતદાનના રેકોર્ડ તોડવા છે. લોકશાહીનો ઝંડો મજબુત બનાવવાનું કામ, મતદાન વધુમાં વધુ થાય.
વધુમાં વધુ મતદાનના રેકોર્ડ બનાવશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા બનાવશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે મતદાન તો વધારે થાય, પણ એમાંથી કમળ બી વધારે નીકળવા જોઈએ.
નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જવાના? (ઑડિયન્સમાંથી હા...)
ઘરે ઘરે જશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા લોકોને મળશો? (ઑડિયન્સમાંથી હા...)
અત્યારે મેં જે વાતો કરી, એ બધી પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
એક મારું બીજું અંગત કામ.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અવાજ ધીમો આવે છે.
વડોદરા ઉપર મારો હક્ક ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
વડોદરાનો મારા ઉપર પ્રેમ ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
વડોદરાના મારા ઉપર આશીર્વાદ ખરા કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તો પછી મારું કામ થાય કે ના થાય? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા થાય? (ઑડિયન્સમાંથી હા...)
તો બધાને મળો ત્યારે કહેજો, શહેરમાં કે જિલ્લામાં કે છેક નસવાડી, આદિવાસી વિસ્તારમાં જાઓ, ક્યાંય પણ, બધ્ધે... મારું એક કામ કરવાનું. બધાને કહેજો, હજુ ચુંટણીના દસ દહાડા બાકી છે. ઘેર ઘેર જવાનું. બધા વડીલોને મળવાનું અને હાથ જોડીને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ વડોદરા આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
આટલું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
ભુલ્યા વિના કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે જેવા એમને કહેશો ને કે નરેન્દ્રભાઈ આવ્યા હતા ને પ્રણામ પાઠવ્યા છે, એટલે એમના આશીર્વાદ મને મળશે. અને એમના આશીર્વાદથી મને એટલી બધી તાકાત મળશે કે હું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે દિવસ-રાત દોડતો રહીશ, દિવસ-રાત દોડતો રહીશ. રાત-દિવસ જોયા વગર કામ કરીશ. આ વડીલોના આશીર્વાદની તાકાતથી થવાનું છે. એટલા માટે ઘેર ઘેર જઈને કહેજો, નરેન્દ્રભાઈ વડોદરા આવ્યા હતા અને તમને ખાસ યાદ કરીને પ્રણામ પાઠવ્યા છે. આટલું મારા વતી કહેજો.
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જયઘોષ)