મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિયાણા અને રાજસ્થાનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કર્યો હતો અને ભાજપાની જનસભાઓમાં દેશની દુર્દશા કરવા માટે કોંગ્રેસની મતબેન્કના રાજકારણની વિકૃતિઓને જવાબદાર ઠેરવી હતી.
હરિયાણામાં અંબાલા, સોનિપત અને કુરૂક્ષેત્ર તથા રાજસ્થાનમાં આહોરે, ફૂલેરા અને બિકાનેરમાં આગ ઓકતી ગરમીમાં પણ ભાજપાના પ્રખર વકતાશ્રી નરેન્દ્રભાઇ મોદીના આક્રમક વાક્પ્રહારો ઝીલવા મહિલાઓ અને યુવાનો સહિત ગ્રામ મેદનીની જંગી હાજરી જોવા મળી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસની આળપંપાળ અને તુષ્ટીકરણની રાજનીતિએ દેશમાં આતંકવાદ વકર્યો છે. કોંગ્રેસનું વોટબેન્કનું રાજકારણ ખતમ કરીશું તો આતંકવાદને ડામી શકાશે. જો આતંકવાદને ડામી દેવામાં તેની જ ભાષામાં જવાબ નહીં આપીએ તો ભારતની દશા પાકિસ્તાન જેવી થશે. કોંગ્રેસને વોટ એટલે આ ખતરાને નોતરવા સમાન છે એવી ચેતવણી તેમણે આપી હતી.
મેડમ સોનિયાજી અને ડો. મનમોહનસિંહના આતંકવાદ સામેની લડાઇના ખોખલા હોકારાનો સણસણતો પ્રતિભાવ પણ તેમણે આપ્યો હતો. હરિયાણામાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં તાલીબાનોએ હવે શીખ પરિવારોને રંજાડવાનું અને ત્રાસ આપવાનું નક્કી કર્યું છે. શીખો પાસેથી કરોડો રૂપિયાનો જજીયાવેરો તાલીબાનો પડાવે છે ત્યારે ભારતની કોંગ્રેસી સલ્તનત ચૂપ કેમ છે? ડો. મનમોહનસિંહ તો પોતે શીખ છે તેથી ભારતીય કૂળના શીખોની ઉપર તાલીબાનની રંજાડથી તેમનું લોહી ઉકળી ઉઠવું જોઇએ અને સવિશેષ જવાબદારી લઇને વિશ્વમત જગાવવો જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ ડો. મનમોહનસિંહની નબળી માનસિકતા ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશની આર્થિક રાજધાની મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થાય ત્યારે અમેરિકા પાસે ઓ...બા...મા...કહીને બહાર દોડી જનારા આતંકવાદીને તેની ભાષામાં જવાબ કઇ રીતે આપશે તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
મેડમ સોનિયાએ આતંકવાદ સામે લડવાના તૈયાર ભાષણો વાંચ્યા છે પરંતુ તેમના સાસુમા ઇન્દિરાજીને ભારત ઉપરના હુમલામાં "વિદેશી'' હાથ દેખાતો હતો જ્યારે સોનિયાજી આતંકવાદી હુમલામાં આંતરિક પરિબળોને વગોવે છે પરંતુ આતંકવાદની લડાઇ માટે વોટબેન્કનું રાજકારણ છોડવા તૈયાર નથી.
મુખ્યમંત્રીશ્રીએ યુપીએ કોંગ્રેસની સત્તાભૂખ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. પાંચ વર્ષ સુધી સત્તાની થાળીમાં ભેગા બેસીને મલાઇ-મિજબાની ઉડાવી અને હવે ચૂંટણીના મેદાનમાં આંતરિક કુસ્તી કરી રહેલા આ બધા ખુરશી ભકતો છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકાસનું વિઝન અને મજબૂત શાસન ધરાવતી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને અડવાણીજી જેવા નિર્ણાયક નેતૃત્વના હાથમાં દેશની સલામતી અને વિકાસની દોર સોંપવા આહ્વાન કર્યું હતું.