Banaskantha has full potential to become the hydrogen hub of the future and will accelerate the mission for hydrogen: PM Modi in Banaskantha
Be it Sauni Yojana or Sujalam Suflam Yojana, these have become the nectar of Gujarat's development today: PM Modi on eradicating Gujarat’s water scarcity issues

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ નેતાઓ,
અને વિશાળ સંખ્યામાં પધારેલા બનાસકાંઠાના મારા વહાલા ભાઈઓ અને બહેનો,
2017ની ચુંટણી તમને બધાને યાદ હશે, કાં તો ભુલી ગયા હશો. યાદ છે કંઈ? કશું યાદ ના હોય. જવા દો ને. તમને તો એ યાદ હશે કે કેટલા કમળ નહોતા ખીલવ્યા. એ યાદ છે ને? પણ મને બીજું યાદ છે. એ વખતેય ચુંટણી સભાઓમાં છેલ્લા દિવસો બાકી હતા અને મારું પાલનપુર આવવાનું થયું હતું. અને મેં અવાજની એવી દુર્દશા કરી મૂકી હતી કે એક લાઈન બોલી નહોતો શક્યો, અને તમે બધા જોમ. જુસ્સાથી વિશાળ સંખ્યામાં આવ્યા હતા. પરંતુ હું એક વાક્ય નહોતો બોલી શક્યો. અવાજ કામ જ નહોતો કરતો. પરંતુ તેમ છતાંય તમે આશીર્વાદ, પ્રેમવર્ષા, એમાં કોઈ કમી ના આવવા દીધી. એ વાત હું ક્યારેય ભુલી ના શકું.
સાથીઓ,
આજે અવસર તો ચુંટણીનો છે. પરંતુ હું તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું. કારણ કે વોટ તો તમે આપવાના જ છો. અને તમે આ વખતે ભાજપને બનાસકાંઠામાં 100 એ 100 ટકા આપવાનું નક્કી કરી દીધું છે. જોયું? હવે જુસ્સો આવ્યો. બનાસકાંઠાને હવે પસ્તાવોય થતો હશે કે આપણે અહીંયા જિલ્લાના બધા રમકડાં રમી રમીને રાજ્યના લાભો ગુમાવી દઈએ છીએ, એટલે આ વખતે ભુલ નથી કરવી. આ વખતે ભેગા થઈને બધે બધા કમળ ઉગાડવા છે, એ નક્કી કર્યું છે, બનાસકાંઠાએ.
કર્યું છે ને?
ખરેખર કર્યું છે?
આ મારી પાસે તો ખબર આવી, એટલે મેં કહ્યું, તમને. બાકી તો તમે જે કર્યું હોય એ 8મીએ ખબર પડશે. પરંતુ સદનસીબે હમણાં હમણાં મારું બનાસકાંઠા આવવાનું બહુ થયું. મા અંબાના દ્વારે આવ્યો હતો, પછી તમારે ત્યાં થરાદ આવી ગયો, એક દિવસ. હં... જો. પછી ડીસામાં વર્ચ્યુઅલ કાર્યક્રમ કર્યો એક વાર. એટલે મને ખબર પડે કે હવે આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ભાઈ. ચમકારો દેખાય.
પરંતુ ભાઈઓ બહેનો,
આ ચુંટણી કોણ ધારાસભ્ય બને કે કોણ ન બને, સરકાર કોની બને, કોની ન બને, કોણ મંત્રી બને કોણ ન બને, એ પળોજણની ચુંટણી જ નથી. આ ચુંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે, એ નક્કી કરવા માટેની ચુંટણી છે. આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને, દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે ક્યાંય પાછળ ના હોઈએ, એના માટે આપણે કમર કસી છે, ને આ ચુંટણી એનો નિર્ણય કરવા માટે છે.
ભાઈઓ, બહેનો,
વિકાસના તો એટલા કામ થયા છે, કે તમે ગણ્યા જ કરો, ગણ્યા જ કરો, ગણ્યા જ કરો. ખુટે જ નહિ, તમે કોઈ પણ વિષય લો. અને મારો તો દાવો છે, ગયા 20 વર્ષમાં મેં, આપે જે અમને કામ કરવાની સેવા આપી છે ને, કોઈ અઠવાડિયું એવું નથી ગયું, કોઈ અઠવાડિયું, જ્યારે અમે ગુજરાતના વિકાસનું કોઈ નવું ડગલું ના માંડ્યું હોય. 20 વર્ષ સુધી. એટલે વિકાસની વાતો કરું, તો કંઈ ખુટે જ નહિ, એટલું બધું છે, પણ આજે આનંદપુર આવ્યો છું, તો મારું ધ્યાન પાંચ “પ” ઉપર જાય છે. એટલી જ વાત કરું. લાંબી ના કરું.
ચાલે ને?
પાલનપુરમાં આવ્યો છું તો પાલનપુરનો “પ” અને બીજા પાંચ “પ” અને આ પાંચ “પ” ઉપરથી મારે વાત કરવી છે.
પર્યટન,
પર્યાવરણ,
પાણી,
પશુધન,
અને પોષણ.
હું વિકસિત ગુજરાતની જ્યારે વાત કરવા આવ્યો છું ત્યારે સાથીઓ, ખાલી હું પાંચ જ મુદ્દાને... અને આ એવા મુદ્દા છે કે જ્યારે કદાચ ચુંટણીની ચર્ચામાં જ નહિ આવ્યા હોય. અને ત્યારે તમને ધ્યાનમાં આવશે કે અમારા દિલ-દિમાગમાં, આ મારા બનાસકાંઠા માટે, આ મારા ગુજરાત માટે, આ ભારત માટે કેવો સીધી રેખાનો રોડમેપ પડેલો છે એ તમારા ધ્યાનમાં આવશે.
ભાઈઓ, બહેનો,
આજે દુનિયામાં પર્યટન ઉદ્યોગ ખુબ તેજ ગતિથી ફલતો-ફુલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઈ ગઈ છે, અને લોકો દુનિયાના એક છેડેથી બીજે છેડે જવા માટે એટલા બધા ઉતાવળા થયા છે, આતુર બન્યા છે. એમાંય આ કોરોનાના બે-ત્રણ વર્ષ એવા ગયા કે બધું અટકી ગયું. અને હવે જબરજસ્ત એનો ઉપાડ આવ્યો છે. એ જ રીતે આપણે ત્યાં સ્થાનિક, કારણ કે આપણે ત્યાં તો યાત્રાઓનો રિવાજ હતો. પણ કમનસીબે વ્યવસ્થાઓ બધી ખોરંભાઈ ગઈ.
યાત્રાઓ પણ ખાડે જવા માંડી, પણ હવે જે ઉપાડો આવ્યો છે ને, હું તો હમણા જોઉં છું, બદ્રીનાથ, કેદારનાથમાં બધા રેકોર્ડ તુટી જાય છે, લાખો લોકો આવે છે. અમરનાથ જુઓ, લાખો લોકો આવે છે. હવે આ બધું સાંભળીએ તો આનંદ આવે, આપણા ગુજરાતમાં થાય? અને એટલે જ મારે કહેવું છે, ભાઈઓ, કે વડોદરાની અંદર, અરે, આપણા બનાસકાંઠાની અંદર, આ બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં જ્યાં આટલું સરસ મજાનું રણને આપણે તોરણ બનાવી દીધું છે. ત્યાં આગળ વિકાસની કેટલી સંભાવનાઓ છે.
મને યાદ છે, 2004માં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાતની સમીટમાં આવ્યા હતા. અને એમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત પાસે આટલી બધી વિરાસત હોય અને દુનિયાના ટુરિઝમમાં 30મા નંબરે આપણે ઉભા હોઈએ. આ નિરાશાજનક સ્થિતિ છે. એને બદલવી જોઈએ. પછી તો એમણે એક ચોપડી પણ લખી હતી. ચોપડીમાં ટુરિઝમ કયા કયા ક્ષેત્રોમાં વિકાસ કરી શકે, સરસ મજાનું એમણે માર્ગદર્શન આપ્યું છે. પણ જ્યારે ગુજરાતની વાત કરું ત્યારે આપણે આમાંથી રસ્તા શોધ્યા છે. અને વિકાસની નવી સંભાવનાઓ આપણે ઉભી કરી છે.
આપ જુઓ, ધરોઈ, મા અંબા, અને હવે તો મા નડાબેટ, નડેશ્વરી, રણ, પાટણની વાવ અને પેલી બાજુ કચ્છનું રેગિસ્તાન. શું નથી આપણી પાસે ભાઈ? હમણા ગબ્બર ઉપર એક કાર્યક્રમ શરૂ કર્યો. લાઈટ એન્ડ સાઉન્ડ શોનો, ગબ્બર ઉપર બેસવાની જગ્યા નથી હોતી. મા અંબાનું ધામ આખું બદલાઈ રહ્યું છે, ભાઈઓ. અને હવે જે યાત્રીઓની સંખ્યા વધી રહી છે ને, એ રોજગારના નવા અવસરો ઉભી કરી રહી છે.
આપ વિચાર કરો, ધરોઈ, સરદાર પટેલ સ્ટેચ્યુ, નર્મદાનું પાણી હતું. સરદાર સરોવર ડેમ હતો. પરંતુ લોકોના ધ્યાનમાં ના આવ્યું કે આને પણ વિકસાવી શકાય અને આપણે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધું. આજે દુનિયાભરના ટુરિસ્ટો ત્યાં આવે છે, જો નર્મદા સરદાર સરોવર ડેમ પર આવતા હોય, તો મારા ધરોઈ પર કેમ ના આવે, ભાઈ? ધરોઈમાં પણ એટલી જ મોટી તાકાત છે.
અને ધરોઈથી અંબાજી સુધી આખું ઈકો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સાયકલ ટુરિઝમ, ત્યાંના જંગલો ઉબડખાબડ ચલાવીને બહુ મોટું ગુજરાતના જુવાનીયાઓને આકર્ષે એવું ટુરિઝમનું સેન્ટર બનાવવાની દિશામાં... ને હમણાં તો મારે ભુપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા છે. 1,100 કરોડ રૂપિયાનું એમણે બજેટ એના માટે ફાળવવાનું નક્કી કર્યું છે. ત્યાંથી આપણા અંબાજી ધામનો વિકાસ, ગબ્બર, 51 શક્તિપીઠોનું આપણે નિર્માણ કર્યું છે ત્યાં. એકાવને એકાવન શક્તિપીઠોનું જે રૂપ છે, એ રૂપના સચોટ દર્શન એટલે 51 શક્તિપીઠોની યાત્રા કરી હોય, એવું પૂણ્ય કમાવવાનો અવસર મળે, એવું આ આપણે આ કામ કર્યું છે. અને એના કારણે ગરીબમાં ગરીબને રોજગાર મળે, ભાઈ.
આજે આપણું મા નડેશ્વરીની વાત. હમણાં હું બદ્રીનાથ ગયો હતો. ચીનની સીમા પર માણા ગામ છે. ચીનની સરહદ ઉપર, બદ્રીનાથથી ઉપર. મેં માણા ગામના લોકોને ભેગા કર્યા. મેં કહ્યું અમારું નડાબેટ જોવા જાઓ, નડેશ્વરી માના દર્શન કરી આવો, અને અમે ત્યાં કેવું ડેવલપમેન્ટ કર્યું છે, મારે ઉત્તરાખંડમાં, ચીનની સીમા પર પણ આવું કરવું છે. વાઈબ્રન્ટ વિલેજ. આખું યોજના અમારી. અને આના કારણે સરહદી વિસ્તારના ગામો, ચાહે કચ્છના સરહદી વિસ્તારના હોય, પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના હોય, બનાસકાંઠાના સરહદી વિસ્તારના હોય, એના વિકાસ માટે આપણે કામ ઉપાડ્યું છે. અને એના માટે મોટી જહેમત ઉપાડી છે. એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ.
એ જ રીતે કચ્છનો રણોત્સવ. એનો પણ મોટો લાભ આજે આપણને મળી રહ્યો છે. કહેવાનું મારું તાત્પર્ય એ છે, પાટણની રાણકી વાવની દુનિયામાં ગુંજ છે, આજે. આ આખાય સરકિટનો ઉપયોગ કરીએ તો આપ વિચાર કરો. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આખી આર્થિક સ્થિતિ બદલવાનું કારણ બની ગયું. એમ પર્યટન એ આપણા આખાય ઉત્તર ગુજરાત, અને એમાંય ખાસ કરીને બનાસકાંઠા, પાટણ જિલ્લો અને કચ્છ જિલ્લો, આનું આવું એક સરસ મજાનું માળખું બની શકે, અને એની દિશામાં આપણે મોટા પાયા પર એક પછી એક પગલાં લીધા છે અને એનો લાભ જોવા મળે છે. એનો લાભ જોવાનો ચાલુ થઈ ગયો છે. એના મોટા પાયા ઉપર આપણે કામ કરવાનું છે.
અને જ્યારે ટુરિઝમ વધે ને... આપણે 500 રૂમની હોટલ બનાવવી હોય ને તો કરોડો રૂપિયા જોઈએ. પણ આપણે હોમ-સ્ટેનું એક અભિયાન ચલાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ 500 ઘર એવા તૈયાર થયા છે, કે જેમણે એક રૂમ, ગેસ્ટ હાઉસ જેવો બનાવી દીધો છે. એના માટે સરકારે થોડી મદદ પણ કરી છે. આજે 500 ઓરડા, રૂમ લોકોના ઘરોમાં લોકોને રહેવા માટે મળે છે. એના કારણે એને કમાણી થાય છે. ચા, નાસ્તો, ભોજન, ઘરનું ખાવાનું મળે છે, અને ફરવા જવાની... કેટલાક લોકોએ તો હોમ-સ્ટેની સાથે સાથે ટેક્ષી પણ રાખી લીધી છે. એટલે પોતાના ત્યાં જે મહેમાનો ઉતરે, એને પાછી ટેક્ષી આપે એટલે એ બધાને ફેરવી પણ આવે. આખો મોટો એક નવો વ્યવસાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ગોઠવાઈ ગયો છે. તમે વિચાર કરો, આપણા અહીંયા શું નથી, ભાઈ? મેં કહ્યું એમ વિકાસને આવનારા 25 વર્ષે ગુજરાતના વિકાસની વાત. પર્યટન
બીજી વાત મેં કરી, પર્યાવરણ. આખી દુનિયામાં પર્યાવરણની અંદર આજે ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. જે ભારત દુનિયાના પર્યાવરણને બગાડશે, એવી વાતો થતી હતી ને, એને બદલવાની દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આ આપણે જ્યારે અહીંયા સોલર પાર્ક બનાવ્યો, રાધનપુર પાસે ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું અને પછી લોકોએ યાત્રા, જોવાય આવતા હતા.
ભાઈઓ, બહેનો,
એક દિવસ એવો હશે, આ આપણું ગુજરાત હાઈડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું હબ. અને ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા માટે સોલર એનર્જી, અને આખોય કચ્છ સુધીનો આખો પટ્ટો આપણો, જે ધૂળની ડમરીઓ આપણે ખાઈ ખાઈને મરી ગયા. ઉનાળામાં રસોઈ કરવી હોય તો હત્તર વાર વિચા કરવો પડે, એટલી બધી ડમરીઓ આવે કે બબ્બે દહાડા સુધી ચુલો ન સળગાવી શકાય એવા દિવસો આપણે ત્યાં. ફેબ્રુઆરી મહિનો શરૂ નથી થયો કે ધૂળની ડમરી ચાલુ નથી થઈ, એ જ ડમરીઓ ઉપર પર્યાવરણનું મોટું અભિયાન, અને સોલર એનર્જીનું મોટું અભિયાન આપણે ચલાવવા માગી રહ્યા છીએ. એ દિશામાં કામ કરી રહ્યા છીએ. કારણ કે ગ્રીન હાઈડ્રોજન, જે આવનારા દિવસોમાં આ તમારી ગાડી પેટ્રોલ-ડીઝલથી ચાલે છે ને, એ ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી થશે, ભાઈઓ. એ દિશામાં કામ કરી રહ્યા છીએ.
આપણે ત્યાં પાંચ ગોબર-ધનના પ્લાન્ટ, એના પર કામ ચાલી રહ્યું છે. અમારી બનાસ ડેરીએ તો એ કરી પણ દીધો છે. સી.એન.જી. પેદા કરે છે. એમાંથી વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગાય-ભેંસ, અત્યાર સુધી દૂધના પૈસા મળતા હતા, હવે એના છાણ-મૂત્રમાંથી પણ આવક થાય, એના બાયો-વેસ્ટમાંથી પણ આવક થાય. ખેતરની અંદર જે બધે છેલ્લે, લણી લીધા પછી જે એના છોડવા પડ્યા હોય, ઠુંઠા પડ્યા હોય, એમાંથી પણ કમાણી થાય, એના માટે બાયોગેસ માટેની ચિંતા.
આપણે નક્કી કર્યું, તમારા વાહનની અંદર 20 ટકા બાયો ફ્યુઅલ હશે. બાયો ફ્યુઅલ એટલે આપણી આ બધી વેસ્ટેજ જે બધું ખેતરનું વેસ્ટેજ છે, એમાંથી જે તેલ બને, એ વાપરવાનું. એના કારણે ખેડૂતોની આવક વધવાની છે. પશુપાલકોની આવક વધવાની છે અને પર્યાવરણની રક્ષણ થવાની છે. તો સોલર એનર્જી, બાયો ફ્યુઅલ. આ બધી ચીજો સ્વચ્છતા, પર્યાવરણના માટે ઉપકારક ચીજ, શુદ્ધ પીવાનું પાણી, પર્યાવરણ માટે ઉપકારક ચીજ.
દરેક જિલ્લામાં 75 – 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન. આ પર્યાવરણની મોટામાં મોટી સેવા છે. અને અમારા બનાસકાંઠાના ખેડૂતોએ મારી વાત માની. પર ડ્રોપ – મોર ક્રોપ. ટપક સિંચાઈ સ્વીકારી. પાણી બચાવીને પણ પર્યાવરણની રક્ષા કરી છે. આખું પર્યાવરણનું ઈકો સિસ્ટમ. આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર ઉભું થઈ રહ્યું છે. જે પાણી પણ બચાવશે, પ્રકૃતિનું પણ રક્ષણ કરશે, હવા પણ બચાવશે અને વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની દિશામાં આ ચાલશે.
ત્રીજી વાત મેં કરી, પાણીની. ભાઈઓ, બહેનો, પાણીની સંભાવનાઓ. આપણું ઉત્તર ગુજરાત એટલે? પાણી માટે વલખાં મારતા હતા. અને જ્યારે સુજલામ સુફલામ યોજનાની વાત લઈને હું આવ્યો હતો ને ત્યારે બધા લોકો મારી મજાક ઉડાવતા હતા. મને ખબર છે, મેં અહીંયા... ચાર પાંચ મેં ખેડૂત સંમેલનો કર્યા હતા. મેં સમજાવ્યું હતું કે આવી રીતે હું પાણી લાવવાનો છું. અને મારે આ સફળતા માટે તમારી મદદ જોઈએ છે.
શરૂઆતમાં બધાને આશ્ચર્ય થયું હતું પણ આજે સુજલામ સુફલામ પાણી આવી ગયું. નર્મદા મા આપણા ઘેર ઘેર પહોંચવા માંડી, ભાઈઓ. આજે લોકોને પાણી પહોંચાડવા માટે ભરપુર કોશિશ ચાલી છે. અને આવનારા દિવસોમાં પણ જેમ પાણીના તળ નીચે જશે. ઉપર આપણને, પાણીના તળ ઉપર આવવામાં સફળતા મળી રહી છે. પાણીના તળ ઉપર આવે, લીલોતરી વધવાની સંભાવના વધી છે. લીલોતરી વધી, વરસાદની સંભાવના વધી છે.
આખી પાણીની સમસ્યાના સમાધાન માટે કામ ચાલી રહ્યું છે. પહેલા બબ્બે પાંચ પાંચ કિલોમીટર મારી દીકરીઓને માથે બેડલાં લઈને જવું પડતું હતું. આજે, આજે એને મુસીબતમાંથી મુક્તિ અપાવી. આપણે એના માટે એક નવો પ્રયાસ કર્યો કે એને નળથી જળ મળે. હેન્ડ પંપની દુનિયામાંથી બહાર આવે. કુવા, તળાવ ખોદવા. ખોદી ખોદીને થાકી ગયા. એમાંથી બહાર આવે. એનું કામ ઉપાડ્યું છે.
પાણી દ્વારા આખાય ગુજરાતના ભાગને શક્તિ મળે. અને ગુજરાતની જે પ્રગતિ થઈ છે ને, ભઈ. જે આ ટૂંકા ગાળામાં આપણે હરણફાળ ભરી છે ને, એના મૂળમાં બે બાબતો ખાસ છે. પાણી અને વીજળી. ગુજરાતની પાણીની અને વીજળીની મોટી સમસ્યાઓનું આપણે સમાધાન કરી દીધું. અને આજે તો જે 20 -25 વર્ષના જુવાનીયા હશે ને, એમને તો ખબર નહિ હોય કે ભૂતકાળ કેટલો ભયંકર હતો. અને ઉજ્જવળ ભવિષ્ય કેટલું સામે પડ્યું છે.
આ 20 – 25 વર્ષના જુવાનીયા જરા ઘરમાં જુના લોકોને પુછજો તો ખબર પડશે કે કેવા દિવસો કાઢતા હતા. એમાંથી આપણે બહાર લાવ્યા. અને એક સરકાર જ્યારે સમાજને સમર્પિત હોય, એક સરકાર જ્યારે વિકાસને સમર્પિત હોય, એક સરકાર જ્યારે સપનાં ને સંકલ્પ બનાવીને સિદ્ધિ માટે દિવસ-રાત જોર લગાવતી હોય ને તો કેવા પરિણામ મળી શકતા હોય છે, એ ગુજરાતની જનતા, બનાસકાંઠાની જનતા બરાબર જોઈ શકે છે, ભાઈઓ. એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ.
તો, વાત પર્યટનની હોય, વાત પ્રર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય. કેટલા બધા નવા પ્રયોગો. આપણે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ આપતા હતા. જેથી કરીને એને ઓછા વ્યાજે પૈસા મળે ખેડૂતને અને વ્યાજના ચક્કરમાં ન પડે. હવે આપણે નક્કી કર્યું છે, આ લાભ જે ખેડૂતને મળે છે, એ પશુપાલકને પણ મળે. આપણે નક્કી કર્યું, ગુજરાતની અંદર આરોગ્યના મોટા અભિયાન ચલાવ્યા.
લોકોને જ્યારે હું બહાર કહું ને કે અમે ગુજરાતની અંદર પશુઓના આરોગ્ય મેળા કરીએ અને એમાં એના મોતીબિન્દુનાય ઓપરેશન કરીએ, કેટ્રેકના ઓપરેશન કરીએ, પશુના. તો લોકોને અચરજ થાય. મેં કહ્યું કે અમે તો પશુઓના દાંતની ટ્રીટમેન્ટ કરાવું છું. તોય લોકોને આશ્ચર્ય થાય. આપણા પશુધનને સમૃદ્ધ બનાવવા માટે આપણે એના ગર્ભાધાનથી માંડીને આધુનિક ટેકનોલોજી લાવીને કામ કરી રહ્યા છીએ, આજે. જેથી કરીને અમારા પશુના જીવનને બચાવી શકાય અને પશુ વધુમાં વધુ દૂધઉત્પાદન આપતું થાય. પ્રતિ પશુ દૂધઉત્પાદન કેવી રીતે વધે એના માટે આપણે મથામણ કરી રહ્યા છીએ ને સફળતા મેળવી રહ્યા છીએ. ડેરી એના કારણે એક મોટી તાકાત પણ બનતી જાય છે. આ દિશામાં આપણે કામ કરીએ છીએ.
માતાઓ, બહેનોને પણ ડેરીના પૈસા સીધા મળે. બહેનોનું પણ સશક્તિકરણ કરવામાં આવે છે. આપણે ત્યાં પગ અને મોંઢાની બીમારી, ફૂટ અને માઉથ કહે છે. એની બીમારી એટલે આપણને ખબર ના હોય, પશુ ખાતું બંધ થઈ જાય. પણ એમ ચલો, ભઈ થશે. એના માટે તો વેક્સિન કરવું પડે. અને વેક્સિન કરીએ તો જ પશુ આ બીમારીથી બચે. અમે આ કોવિડમાં જે ટીકાકરણ કર્યું ને, મફત વેક્સિન આપ્યું હતું.
તમને બધાને મળ્યું છે ને વેક્સિન?
ટીકાકરણ કર્યું, એક રૂપિયો આપવો પડ્યો?
એક રૂપિયો આપવો પડ્યો?
તમને આની તો ખબર છે પણ હું આ દેશના પશુઓને પણ ટીકાકરણ મફતમાં કરી રહ્યો છું. અને 13,000 કરોડ રૂપિયા. કારણ? આ જે બીમારી છે, પશુની. એ બીમારીમાંથી હિન્દુસ્તાનના પશુને મુક્ત કરાવવું છે. અને પશુ શારીરિક રીતે સ્વસ્થ હોય તો આવનારા દિવસોમાં અનેક લાભ થાય, એના માટે કામ કરી રહ્યા છીએ. પશુપાલકને પુરતા પૈસા મળે. હવે એના ગોબરમાંથી કમાણી થાય, મૂત્રમાંથી કમાણી થાય. નેચરલ ફાર્મિંગ. પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન ચલાવ્યું છે. એમાં પશુનું ખાતર ખુબ બધું કામમાં આવે. એના માટે કામ ચાલી રહ્યું છે. બાયો ફ્યુઅલમાં પશુ કામમાં આવે. એવા અનેક વિષયો, જેને લઈને પશુધન, આની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છીએ.
અને મેં પાંચમો મુદ્દો કહ્યો હતો, પોષણ. આપણા સંતાનો. ખાસ કરીને આપણી દીકરીઓ. એના પોષણની ચિંતા. એ મોટી જવાબદારી આપણે ઉપાડી છે. આપણી 12, 14, 15 વર્ષની દીકરી થાય પણ જો એનો શારીરિક વિકાસ ન થાય ને, અને જ્યારે મા બને ત્યારે એને પેટેથી જન્મનાર સંતાનો જે પેદા થાય, એ માંદલા પેદા થાય. કોઈને કોઈ રોગ લઈને પેદા થાય. એની તો બિચારીની આખી જિંદગી, પેલા સંતાનની સેવા કરવામાં નીકળી જાય.
આ મારી દીકરીઓની આવી જિંદગી ન જાય. એના માટે મારી જે 12, 15 વર્ષની દીકરીઓ છે, એમને એમના શરીરની તપાસ કરાવીને એમના બ્લડની તપાસ કરાવીને, એમનામાં જે ઊણપો છે, એની પૂર્તિ કરવા માટે કેવા પ્રકારની ગોળીઓ આપવી, કેવા પ્રકારનો આહાર આપવો, એની ચિંતા આપણે આદરી. અને આપણી દીકરીઓનું શરીર સ્વસ્થ થાય એના માટે કામ ઉપાડ્યું.
પોષણની બાબતમાં આપણે ચિરંજીવી યોજના ચલાવી. આપણી બનાસ ડેરીમાં દૂધ. અમારા આખા દાંતા પંથકમાં, અંબાજી પંથકમાં બાળકોને, ગરીબ બાળકોને દૂધ આપવાની વ્યવસ્થા. જે દૂધસંજીવની, જેના કારણે પોષણની બાબતમાં એને તકલીફ ન પડે એની ચિંતા કરવાનું કામ આપણે કર્યું.
આપણે પ્રયાસ એ કર્યો કે આ કોરોના કાળની અંદર ગરીબના ઘરનો ચુલો પણ ન ઓલવાવો જોઈએ. ગરીબનું બાળક રાતે ભુખ્યું સૂઈ ન જવું જોઈએ. કપરા દિવસો હતા. કોવિડનો એવો દુનિયાભરમાં મહામારી આવી હતી. અરે ઘરમાં એક માણસ માંદુ પડી ગયું હોય ને તો આપણા બે-પાંચ મહિના બગડી જતા હોય છે. આ તો આખી દુનિયા માંદી પડી ગઈ હતી. આખું હિન્દુસ્તાન માંદુ પડી ગયું હતું. મોટી આફત આવી હતી. સંકટ કેટલું મોટું હતું. એમાંય આપણે ચિંતા કરી કે જો આ સમયે ગરીબના ઘરમાં ચુલો નહિ સળગે તો મુસીબત મોટી આવશે.
80 કરોડ લોકોને અઢી વર્ષથી અનાજ મફત પહોંચાડવાનું કામ કરીએ છીએ, ભાઈ. પોષણની ચિંતા કરીએ છીએ, આપણે. અને અમારા અહીંયા ગુજરાતમાં તો એમને કઠોળ આપવાનો પણ વિચાર કર્યો. એને તેલ પહોંચાડવાનો પણ વિચાર કર્યો. અને એના કારણે એને કોઈ મુશ્કેલી ન પડે એની બધી વ્યવસ્થા કરવાનું કામ કર્યું. પોષણના બાબતમાં જેટલા પણ ક્ષેત્રોમાં કામ કરી શકાય, આ બધા ક્ષેત્રોમાં આપણે કામ કર્યું.
કહેવાનું મારું તાત્પર્ય આ છે, ભાઈ કે વિકાસ 25 વર્ષ આગામી કેવા હોય, મારા જવાનીયાઓને મારે કહેવું છે કે તમે આ વખતે વોટ આપવા જાઓ ને ત્યારે તમારા 25 વર્ષનો પણ વિચાર કરજો. તમારા ઉજ્જવળ 25 વર્ષની ગેરંટી એ વાતમાં છે કે ગુજરાતના 25 વર્ષ ઉજ્જવળ હોય. ગુજરાતના 25 વર્ષ ઉજ્જવળ હોય એટલે તમારી જિંદગી ઉજ્જવળ. એ ગેરંટી લઈને હું આવ્યો છું, અને એટલા માટે ભાઈઓ, બહેનો, મારે વિકાસના કામો કરવા છે. જે ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો ચાલી રહ્યા છે. જે લોજિસ્ટીક સપોર્ટની વ્યવસ્થા ચાલી રહી છે.
તમારા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના કારણે આપણા આખા આ બનાસકાંઠાને લોજિસ્ટીક સપોર્ટ કેટલો મળવાનો છે, એનો તમે અંદાજ નહિ કરી શકો. અહીંયા મોટા મોટા વેરહાઉસિંગ, અહીંયા મોટા મોટા ગોડાઉન, અહીંયા મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ, આ બનવાના છે. કારણ? આખા ઉત્તર ભારતનો સામાન, જે દરિયા તરફ જવાનો છે, કંડલા કે મુન્દ્રાના બંદર કે મુંબઈના પોર્ટ પર જવાનો છે, એ વાયા પાલનપુર અને બનાસકાંઠાના આ લોજિસ્ટીક હબમાંથી જવાનો છે.
તમે વિચાર કરો, કેટલો બધું ધમધમતો હશે, આ વિસ્તાર. એક દરિયાકાંઠે બંદર ઉપર જેટલો ધમધમાટ ના હોય ને, એટલો ધમધમાટ આ ઉત્તરના રાજ્યોમાંથી જે કંઈ સામાન આવશે, એના માટે અહીંયા થવાનો છે. અને એના કારણે આર્થિક પ્રગતિ માટેનું, જેના ઉજ્જવળ દિવસો કહેવાય એ હવે ઉત્તર ગુજરાતના શરૂ થઈ રહ્યા છે. આટલે સુધી લાવ્યા છીએ. અહીં સુધી લાવવામાં કામ જુદા કરવા પડ્યા. પણ હવે તો કુદકો મારવાનો છે, ભાઈ. હવે આપણે પા પા પગલી નથી કરવાની. અને એના માટે મજબુત સરકાર બનાવવા માટે મને તમારું સમર્થન જોઈએ. અને મારે બનાસકાંઠા, પાટણ, કચ્છ, આ આખુંય દુર્ગમ ક્ષેત્ર, ભાઈ, કારણ કે આ ધરતીમાં હું મોટો થયો છું, એટલે મને અહીંની મુસીબતો ખબર છે, ભાઈ. તમારી એક એક તકલીફ મારા માટે કંઈ કાનથી ના સાંભળવાની હોય. મેં અનુભવ કરેલી છે. અને એટલા માટે મારે, હવે જ્યારે તમે દિલ્હીમાં મને બેસાડ્યો છે અને ઘરનો દીકરો ત્યાં બેઠો હોય તો કામમાં તો આવે ને, ભાઈ? કામમાં તો આવે ને? પણ તમે કામ લો નહિ તો હું શું કરું ભાઈ? અને એટલા માટે કમળ ખીલાવવું પડે. આ વખતે બનાસકાંઠામાં 100એ 100 ટકા બધા કમળ ખીલવો. ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. સરકાર મજબુત બનાવો. અને તમે જુઓ, જબરજસ્ત મોટું પરિવર્તન લાવીશું, આપણે.
ભાઈઓ, બહેનો,
રેકોર્ડ મતદાન કરવું છે, આ વખતે. ટાઢ તો હજુ આવી નથી. શું કરશો? કહો.
રેકોર્ડ મતદાન થશે? (ઑડિયન્સમાંથી હા...)
ખોંખારીને ચારે બાજુથી અવાજ આવે તો મને કંઈ ગળે ઉતરે. (ઑડિયન્સમાંથી હા...)
બધા પોલિંગ બુથ ઉપર પહેલા કરતા વધારે મતદાન કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પણ પહેલાનું તો ખબર જ નહિ હોય, પહેલા કેટલું મતદાન થયું હતું.
તમે લોકસભામાં મને ખુબ મત આપ્યા. મારે એ રેકોર્ડ તોડી નાખવો છે, બોલો, તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
એકેએક પોલિંગ બુથમાં તમે જઈને કાગળ લઈને બેસો અને નક્કી કરો કે ભાઈ, અત્યાર સુધીમાં આટલા વોટ પડતા હતા. આ વખતે એના કરતા વધારે વોટ પડે એ જોવું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એનાથી લોકતંત્ર મજબુત થાય. લોકતંત્ર મજબુત થાય, એમાં બધાનું ભલું છે. પછી એમાં આપણે મહેનત કરો કે કમળ કેટલા પડે? (ઑડિયન્સમાંથી હા...)
એકેએક પોલિંગ બુથમાંથી કમળ જીતીને નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)
તમારે 100 ટકા જીતવું હોય ને તો ભાઈ, એકેએક પોલિંગ બુથમાંથી કમળ જીતાડવું પડશે.
જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હવે આપણી પાસે અઠવાડિયું રહ્યું છે.
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
કે પછી સાહેબ આવ્યા હતા. સભા જોરદાર થઈ ગઈ. અરે, હવે તો બસ, જીતી જ ગયા છીએ. સાહેબે 100 ટકા કહ્યું, એટલે હવે તો થઈ જ ગયું. એમ કહીને હવે સૂઈ જાઓ.
એવું?
એવું નહિ ને? (ઑડિયન્સમાંથી હા...)
આજથી જ બસ, ડબલ મહેનત.
ઘરે ઘરે જવાનું. એકેએક મતદાતાઓને મળવાનું, અને આ અવસર હોય છે, મતદાતાઓના આશીર્વાદ લેવાનો. એમાં કંઈ ચુકવાનું નહિ.
કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ. અંગત કામ
બોલું? (ઑડિયન્સમાંથી હા...)
બોલું? (ઑડિયન્સમાંથી હા...)
શું લાગે? (ઑડિયન્સમાંથી હા...)
ઝીલી લેશો? (ઑડિયન્સમાંથી હા...)
આગળ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
હું કહું, એ પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આમ તો બનાસકાંઠા પર મારો હક્ક તો ખરો, હોં.
તમને બધાને કહી પણ શકું. કહી શકું ને? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ જરૂર કરો.
તમે આ પાંચ – સાત દહાડા, જ્યારે પણ બધે મતદાતાઓને મળવા જાઓ, તો મારું અંગત કામ કરવાનું છે. ઘેર ઘેર જઈને વડીલોને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલનપુર આવ્યા હતા. શું કહેશો? પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. પી.એમ. સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું. સાહેબ, મોદી સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું. આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ. અને આપણા નરેન્દ્રભાઈએ આવીને અમને કહ્યું હતું કે ભાઈ, તમે ઘેર ધેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.
તો, મારા પ્રણામ પહોંચાડશો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ મારા વડીલોને પ્રણામ પહોંચે ને એટલે એમના આશીર્વાદ આપોઆપ મને મળે, મળે, ને મળે જ. અને આશીર્વાદ મળે, તો મારી ઊર્જા એટલી બધી વધી જાય, આ દેશ માટે મને વધારે કામ કરવાની તાકાત મળી જાય. મારા બનાસકાંઠાના વડીલોના આશીર્વાદ મને દેશસેવા કરવા માટે બહુ શક્તિ આપે છે, અને એટલા માટે મા અંબાની ભૂમિ પરથી મને આશીર્વાદ માટે હું વિનંતી કરવા આવ્યો છું.
આપ સૌ આની ચિંતા કરજો
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.

Explore More
୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

୭୮ତମ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ଲାଲକିଲ୍ଲାରୁ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦୀଙ୍କ ଅଭିଭାଷଣ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ସୋସିଆଲ ମିଡିଆ କର୍ଣ୍ଣର ନଭେମ୍ବର 21, 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage