(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી... ના અવાજનો જયનાદ)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
આ દાહોદે, મેં માર્ક કર્યું છે, કે હું જેટલી વખત આવ્યો, દરેક વખતે, જુના રેકોર્ડ તોડી નાખ્યા. આવડી મોટી વિરાટ સભા, દાહોદે નક્કી જ કરી દીધું છે, ભાજપની સરકાર બની ગઈ.
મંચ ઉપર બધા ખુબ જુના સાથીઓને આજે મળવાનું થયું. મારા માટે આનંદની પળ છે, કારણ કે જે ધરતી ઉપર જીવનના પ્રારંભિક વર્ષોમાં સાઈકલ ઉપર ફરી ફરીને કામ કરતો હતો. ત્યાંના લોકો આજે પણ લગભગ 45 વર્ષ થઈ ગયા. આજે પણ એટલો જ પ્રેમ, એટલા જ આશીર્વાદ. આનાથી મોટું જીવનમાં કયુ સદભાગ્ય હોય? ભાઈઓ. હું ખરેખર તમારો બધાનો ખુબ ઋણી છું. આપને જેટલા પ્રણામ કરું, એટલા ઓછા છે.
ભાઈઓ, બહેનો,
આપણો આ આદિવાસી પટ્ટો, આ દાહોદ જિલ્લો, અને જુનો પંચમહાલ જિલ્લો. આ એક પ્રકારે ઈતિહાસના પાને ભલે ન ચમકતું હોય, આઝાદી પછી એને જે ન્યાય મળવો જોઈએ, એ ભલે ન મળ્યો હોય, પરંતુ 1857થી માંડીને દેશ આઝાદ થયો ત્યાં સુધી આ ધરતીએ, અહીંના મારા આદિવાસી ભાઈઓ, બહેનોએ, જે સર્વોચ્ચ બલિદાનો આપ્યા છે, 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું બ્યુગલ, ચાહે દાહોદ હોય, લીમડી હોય, ઝાલોદ હોય, સંતરામપુર હોય, કોઈ ખુણો બાકી નહોતો, એ વખતે. એવી આ ધરતી, વીરોની ધરતી. દેશની આઝાદી માટે મરી મીટનારાઓની ધરતી. એવી મહાન આદિવાસી પરંપરા. અને પેઢી દર પેઢી, રાષ્ટ્રભક્તિના પાઠ જેણે ભણાવ્યા, પેઢી દર પેઢી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપી, એવું મોટું નામ એટલે ગોવિંદ ગુરુ. આવો, આપણે બધા ગોવિંદ ગુરુને શત શત નમન કરીએ, પ્રણામ કરીએ.
ગયા પાંચ – છ મહિનામાં, દાહોદ હોય, પંચમહાલ હોય, માનગઢ હોય, અમારા આદિવાસી ગૌરવ અને આ ક્ષેત્રના વિકાસના અનેક પ્રસંગે મને તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો. અને મારું સૌભાગ્ય છે કે આ ચુનાવમાં આપે ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા માટે આશીર્વાદ જે રીતે આપી રહ્યા છો, આ અમારા ઉમેદવારોને જે રીતે આપી રહ્યા છો, આશીર્વાદ આપી રહ્યા છો, હું તમારા બધાનો હૃદયથી એડવાન્સમાં આભાર માનું છું. શત શત નમન કરું છું. પણ ઘણી વાર બધાને એમ થાય કે નરેન્દ્રભાઈ દાહોદ તો તમારું જુનું ને જાણીતું. તમે ફોન ઉપાડો બધાને નામથી બોલાવીને એક, એક, એકને ફોન કરો તોય કામ થાય, ચાલે. આટલી બધી મહેનત શું કરવા કરો છો? એવું ઘણાને થાય ને? વિજય પાક્કો છે. સર્વેવાળા કહે, ટીવીવાળા કહે, છાપાવાળા કહે, લોકો કહે.
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર... (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ચારેય તરફ એક જ આવતો હોય, તો લોકો કહે કે ભાઈ આ વખતે તો જુના બધા રેકોર્ડ તૂટવાના છે. આ તમે શું કરવા આટલી મહેનત કરો છો? એમના મનમાં પ્રશ્ન તો ઊઠે.
ભાઈઓ, બહેનો,
ચુંટણી તો તમે જીતાડવાના છો. હું નથી જીતાડતો. પણ આપણે મંદિરે જવાની ટેવ હોય, તો દરરોજ મંદિરે જઈએ કે ના જઈએ? આપણે જે ભગવાનને માનતા હોઈએ, એ માથું ટેકવીએ કે ના ટેકવીએ? કોઈ એમ કહે કે ભઈ, આ રોજ શું જરુર છે? એમ મારે માટે પણ આ જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર છે. જેટલી વાર માથું ટેકવવાનું મળે, માથું નમાવવાનું મળે, મને પૂણ્ય જ મળે. અને એટલા માટે હું તો તમારા આશીર્વાદ લઈને પૂણ્ય કમાવવા આવ્યો છું. બાકી વિજય તો તમારા વોટથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસવાળા જીત પાકી હોય તો તમારી સામેય ના જુએ. અમે જીત 200 ટકા પાકી હોય ને તોય પગે પડીએ, પડીએ ને પડીએ જ. અને ગુજરાતના લોકોએ મને જે સંસ્કાર આપ્યા છે, જે શિક્ષણ આપ્યું છે. મારું જે ઘડતર કર્યું છે, એ ઘડતરમાં આ વિવેક, આ નમ્રતા, એ ઠોંસી ઠોંસીને આપે મારામાં ભરેલી છે. અમારા બધા ભાજપના કાર્યકર્તામાં ભરેલી છે. અને એટલે જ તમે મને સત્તા ઉપર નથી બેસાડ્યો, તમે મને સેવાનું કામ સોંપ્યું છે, સેવાનું. અને એક સેવક તરીકે, સેવાદાર તરીકે કામ કરું છું.
ભાઈઓ, બહેનો,
જેમ હું મારું કર્તવ્ય નિભાવું છું, મતદાતાઓને મળીને એમના આશીર્વાદ લેતો હોઉં છું. એમ આ દેશના દરેક નાગરિક પણ એમનું કર્તવ્ય નિભાવે, એ વાત મેં લાલ કિલ્લાથી કરી છે. જો આપણે આપણા બધાના કર્તવ્ય નિભાવીએ ને તો આ દેશને આગળ જતો કોઈ રોકી ના શકે, ભાઈ. અને જ્યારે કર્તવ્યની વાત આવી છે, ત્યારે આ ચુંટણીમાં આપણા બધા જ નાગરિકોનું કર્તવ્ય છે, પોલિંગ બુથ ઉપર જઈને, બટનને દબાવીને, મત આપીને લોકતંત્રની સેવા કરવાની, અને કમળને વોટ આપીને ભાજપની અને ગુજરાતની સેવા કરવાની. આ કર્તવ્ય બધાએ નિભાવવાનું છે. અને એટલી જ વાત કરવા માટે હું આવ્યો છું.
ભાઈઓ, બહેનો,
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. અને આપણે તો સૌનો પ્રયાસ. આ મંત્ર લઈને આજે દેશ અને દુનિયામાં ભારત માટે વિશ્વમાં ભારતનું નામ રોશન થાય, ભારત માટે નવા નવા અવસરો ઉભા થાય, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને આપે જે અભુતપૂર્વ વિશ્વાસ આજે દેશમાં ઉભો થયો છે, એ દેશને પ્રગતિની નવી ઊંચાઈઓ ઉપર લઈ જાય છે. અને ભાઈઓ, બહેનો, આજે નવો વિશ્વાસ પેદા થયો છે, એના મૂળમાં અમારા ગુજરાતના લોકો છે. આપ બધા મારા વહાલા ભાઈઓ, બહેનો છો. આપે અગર સૌનો સાથ, સૌનો વિકાસ, આ માર્ગને મજબુત ના કર્યો હોત ને, તો કદાચ હિન્દુસ્તાનમાં પણ લોકોના ગળે ના ઉતરાવી શક્યો હોત હું. આપણા દેશમાં બહુ મોટો આદિવાસી સમાજ છે. આપણા ગુજરાતમાં પણ ઉમરગામથી અંબાજી સુધી આખો પટ્ટો, મારા આદિવાસી પરિવારોનો પટ્ટો. આદિવાસી સમાજનું કોંગ્રેસે... આઝાદી પછી, એને આટલી બધી વાર મોકા મળ્યા. આટલી બધી સત્તા ભોગવવા મળી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી એકલા જ હતા. પણ એમને ક્યારેય તમારી યાદ ના આવી. તમારી આ સુખ-દુઃખની ચિંતા ના કરી. ચુંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને વોટ કરીને જતા રહેવાનું.
આજે 75 વર્ષ પછી, આપ વિચાર કરો, 75 વર્ષ થઈ ગયા. આ દેશમાં ઢગલાબંધ રાષ્ટ્રપતિ બની ગયા, પણ કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ના આવ્યો, ભાઈઓ. આ ભારતીય જનતા પાર્ટી છે, જેણે પહેલીવાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ, અને એમાં પણ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે. હવે તમે મને કહો, ભાઈ, અત્યારે મેં જોયું છે, એક ભાઈ, પદ માટે યાત્રા કરી રહ્યા છે. હવે પદ માટે કોઈ યાત્રા કરે, એમાં કોઈ વાંધો નહિ. લોકશાહીમાં હોય. પણ કેવું ભાષણ કરે છે, તમે જુઓ. આદિવાસીઓની વાત કરે. હું જરા પદ માટે ફાંફા મારતા લોકોને પુછવા માગું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા, તો એમને ટેકો આપવામાં તમારા પેટમાં શું દુખતું હતું, ભાઈ? અરે મોકળા મને કહેવું હતું, એક આદિવાસી દીકરી આ દેશની રાષ્ટ્રપતિ બનતી હોય તો અમારા કોઈ રાજકીય મતભેદો નથી. અમે 100 ટકા ટેકો આપીશું. પણ એવું ના કર્યું. આપણા રાષ્ટ્રપતિના ઉમેદવાર આદિવાસી બહેનની સામે એમણે ઉમેદવાર ઉભો રાખ્યો. એમને હરાવવા માટે આકાશ-પાતાળ એક કર્યું. પણ અમારા આદિવાસી ભાઈઓ-બહેનોના આશીર્વાદ હતા કે અમારી એક આદિવાસી બહેન દેશની પહેલી રાષ્ટ્રપતિ બની અને તમારા આશીર્વાદથી આ પૂણ્યકાર્ય કરવાનો અમને ભાજપવાળાને અવસર મળ્યો.
આ કોંગ્રેસની સંસ્કૃતિ જ છે. પોતે તો કરે નહિ, બીજાને કરવા દે નહિ અને જો કરવા માંડે તો આડા ઉતરે, આડા ઉતરે, ખાડા કરે, ખાડા કરે. આ કોંગ્રેસવાળાનો સ્વભાવ છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત, સર્વાંગી વિકાસને વરેલા છે. સર્વસ્પર્શી વિકાસને વરેલા છે. સર્વહિતને કારણે કામ કરવાવાળા, ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છે. અને એને લઈને ભાજપ કામ કરતું હોય ત્યારે સર્વાંગી, સર્વસ્પર્શી. અને આજે ગુજરાત તેજ વિકાસથી આગળ વધી રહ્યું છે, ભાઈઓ. અને ગુજરાતના વિકાસની, ભારતના વિકાસની આજે દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. ભાજપે, એને જેટલો પણ સેવા કરવાનો, જ્યાં પણ મોકો મળ્યો છે, એણે વિકાસ કર્યો છે, એટલું જ નહિ, પણ વિકાસ તેજ ગતિથી કર્યો છે. વિકાસ એકાંગી નથી કર્યો, વિકાસ એણે સર્વાંગી કર્યો છે. વિકાસ સર્વસ્પર્શી કર્યો છે. વિકાસ સર્વક્ષેત્રીય કર્યો છે. અને હું તમને આજે જ્યારે મારા દાહોદ, મારી જુની કર્મભૂમિમાં આવ્યો છું ત્યારે આદિવાસી પરિવારોના રોટલા ખાઈને હું મોટો થયો છું, ભાઈ. અનેક ગામ હશે કે જ્યાં તમને કહેનારા મળશે કે આ નરેન્દ્રભાઈ નાના હતા ને ત્યારે આવતા, અમારા ત્યાં રોટલા ખાઈને જતા હતા. એવા જ્યારે તમારા રોટલા ખાઈને મોટો થયો છું, ત્યારે નિરાંતે વાત કરવાનું મન પણ થાય, બહુ સ્વાભાવિક છે.
એક તરફ, તમે વિચાર કરો, અમે એક સ્વનિધિ યોજના ચલાવીએ છીએ. આ સ્વનિધિ યોજના, આ ફૂટપાથ ઉપર પાથરણા પાથરીને વેચતા હોય ને, એમના માટે બનાવી છે. લારી-ગલ્લામાં શાકભાજી વેચતા હોય ને, એમના માટે બનાવી છે. તો બીજી બાજુ અમે પી.એલ.આઈ. સ્કિમ દ્વારા દુનિયાના મોટા મોટા ઉદ્યોગકારો અહીંયા આવે, એના માટે અમે મોટા પાયા પર યોજનાઓ બનાવીએ છીએ. જેથી કરીને અહીંયા મેન્યુફેકચરિંગ થાય, રોજગાર મળે. એક તરફ અમે ઉડાન યોજના બનાવીએ, જેથી કરીને હવાઈ ચપ્પલ પહેરવાવાળો માણસ પણ હવાઈ ઉડ્ડયન કરી શકે. હવાઈજહાજમાં બેસી શકે. એવી યોજના બનાવીએ. તો બીજી તરફ અમે ભારતમાં અને ગુજરાતમાં વિમાનો બને, એના કારખાના બનાવવાના, ફેકટરીઓ લાગુ કરીએ. અમે એક તરફ 3 કરોડ કરતા વધારે ગરીબ પરિવારોને પાકું ઘર આપીએ. ઝુંપડામાંથી બહાર કાઢીને એને જિંદગી જીવવા માટે ગૌરવપૂર્ણ જિંદગી જીવવાની ચિંતા કરીએ. તો બીજી બાજુ, આ દેશને પુરપાટ તેજ ગતિથી આગળ લઈ જાય, એના માટે હાઈવે બનાવીએ, બુલેટ ટ્રેન બનાવીએ, વોટર-વે બનાવીએ. ગામડાના માણસની પણ ચિંતા કરીએ, ભારતની પ્રગતિની પણ ચિંતા કરીએ. અમે એક તરફ આયુષ્માન યોજના, દ્વારા 5 લાખ રૂપિયા, અમારા આ બધા પરિવારો, તમારા કુટુંબમાં કોઈ માંદુ પડે ને, 5 લાખ રૂપિયા સુધી ખર્ચની જવાબદારી, તમારો આ દીકરો ઉપાડે છે.
અને દર વર્ષે 5 લાખ, એટલે માનો કે તમારી ઉંમર અત્યારે 50 વર્ષ હોય, અને બીજા 30 વર્ષ જીવવાના હો, તો બીજા 30 વર્ષ પણ દર વર્ષે 5 લાખ રૂપિયા માંદગી આવે તો ખર્ચો કરવાની આ દીકરાની જવાબદારી. એવું કામ અમે કર્યું છે, ભાઈઓ. તો બીજી તરફ પી.એમ. કિસાન સન્માન નિધિ. અમારા આદિવાસી ખેડૂતોને તો વરસાદી પાણી ઉપર જીવવાનું. જમીનના નાના નાના ટુકડા, એ બી ઉબડખાબડ, ટેકરાળ જમીન, એમાં ખેતીમાં કેવી તકલીફ પડે. મકાઈ કરે, હવે તો થોડું આદું બી કરે છે, ડુંગળી બી કરે છે, પણ કેવી મુસીબતો. અને અમારા રણછોડદાસજી મહારાજે જે પરંપરા ઉભી કરી, એના કારણે આપણે ત્યાં બધી ફૂલવાડીઓ પણ બની. પણ આ ખેડૂતોના ભલા થાય એના માટે વર્ષમાં ત્રણ વખત એના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સીધા પૈસા જાય અને એની જિંદગીમાં તકલીફ ન પડે એની ચિંતા કરી. હું હમણા હેલિકોપ્ટરથી ઉતર્યો. મેં બધા ત્યાં કાર્યકર્તાઓ લેવા આવ્યા હતા. એમને પુછ્યું કે કેમ ચાલે છે, ભાઈ? કહે કે સાહેબ, ગામડે ગામડે લોકો એમ કહે કે અરે, મોદી સાહેબે ભુખ્યા નથી રહેવા દીધા, અનાજ મોકલ્યું. ખેડૂતો કહે સન્માન નિધિ મોકલી. ગરીબ કહે કે અમારા ઝુંપડા હતા, પાકું ઘર બનાવી દીધું. આજે ભાઈ સાહેબ, આપણે ભીમ, યુ.પી.આઈ. ટેકનોલોજીનો ઉપયોગ. હું છેલ્લે દાહોદ આવ્યો હતો, તો એક દિવ્યાંગ પરિવારને મળ્યો. પતિ-પત્ની બન્ને દિવ્યાંગ છે. કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે.
મેં એમને પુછ્યું, કેમ છે ભાઈ? તો કહે કે હું તો ગરીબ છું, કંઈ બહુ ભણેલો ગણેલો નહોતો. પણ મેં છાપામાં વાંચ્યું. મુદ્રા યોજનામાં લોન લીધી. કોમ્પ્યુટર લાવ્યો. કોમન સર્વિસ સેન્ટર બનાવી દીધું. અમે બે અપંગ છીએ, અમે બે જણા કામ સંભાળીએ છીએ, અને કહે કે મહિને 28,000 રૂપિયા કમાઉં છું. દાહોદ જિલ્લાના આદિવાસી પટ્ટામાં આ અમે પરિવર્તન લાવ્યા છીએ. અમે ભીમ, યુ.પી.આઈ. દ્વારા ડિજિટલ પેમેન્ટ, એને માટે થઈને કામ કરીએ. વેપારના, અને એના માટે પેમેન્ટ થતું હોય, ભીમ, યુ.પી.આઈ. દ્વારા, એનું કામ આપણે કરતા હોઈએ. એ જ રીતે ભાજપ દ્વારા વિકાસને સર્વસ્પર્શી બનાવવા માટે અમે સમાજના બધા વર્ગોને સાથે લઈને કામ કરતા હોઈએ. એની ચિંતા આપણે કરતા હોઈએ. પહેલાનો જમાનો હતો. થોડું ઘણું કામ શહેરોમાં થાય, ગામડાની ઉપેક્ષા થાય. પહેલાનો જમાનો હતો, અમુક એક વર્ગનું કામ થાય, બીજાનું ન થાય. આપણે તો વિચાર કર્યો, કામ. 108 લાવ્યા. તો ખાલી અમદાવાદ શહેરમાં કે વડોદરા શહેરમાં નહિ, 108 આવે તો ગામડે ગામડે 108 પહોંચવી જોઈએ. ગરીબમાં ગરીબને મળવી જોઈએ. 108 લાવ્યા, લોકોએ કહ્યું કે સાહેબ, આ 108 છે પણ 108ની અંદર સાપ કરડવાની દવા તમે રાખો. કારણ, અમારા જંગલમાં ખેડૂત હોય ને સાપ કરડ્યો હોય તો હોસ્પિટલ જતા સુધી નુકસાન ના થાય, તમે અમને... આપણે એય વ્યવસ્થા કરી. કારણ? આપણો જીવંત સંપર્ક હતો. લોકોની જરુરીયાત આપણને ખબર પડતી હતી. અને એ જરુરીયાતો પુરી કરવા માટે આપણે કામ કરતા હોઈએ છીએ. અને એનું પરિણામ છે, કે આજે ગુજરાતના ગામડે ગામડે લોકોની સુખ સુવિધા, ચિંતા કરીએ, એના માટે... શિક્ષણની બાબત, તમે મને કહો. મને યાદ છે, જ્યારે દાહોદમાં પહેલી પહેલી પોલિટેકનિક કોલેજ મેં ચાલુ કરી હતી, ત્યારે લોકો એ માનવા તૈયાર નહોતા કે આ દાહોદમાં પોલિટેકનિક કોલેજ? અને આજે? આજે મારું દાહોદ સિટી, સ્માર્ટ સિટીમાં, બોલો, સાહેબ... આદિવાસી વિસ્તારનું એક ગામ, હિન્દુસ્તાનમાં સ્માર્ટ સિટી દ્વારા કામ ચાલે. એક સમય હતો, દાહોદમાં પાણીના વલખા પડતા હતા. આજે દાહોદમાં પાણીની ચિંતાની મુક્તિનું કામ આપણે કરી દીધું, ભાઈઓ, બહેનો.
મને હમણા એક ભાઈ મળ્યા, બાજુના ગામથી હતા. મને કહે સાહેબ, મારે ત્યાં દોઢ કલાક નળથી જળ આવે છે. નહિ તો પહેલાની સરકારો કેવી હતી? ધારાસભ્યને કામ શું? અરજીઓ લઈને જાય, ગાંધીનગર. એમ.પી. હોય, અમારા સુમનભાઈ એમ.પી. હતા. અમારા જશવંતસિંહના બાપુજી. એય આજે મને હમણા આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. 102 થયા, એમને. સુમનકાકાને. આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. પહેલા શું હોય? ભઈ, અમારા ગામમાં હેન્ડ પંપ નાખજો ને. હેન્ડ પંપનો જમાનો હતો. આ મોદીને લોકો કહે છે કે સાહેબ, અમને તો નળથી જળ જોઈએ, અને આ તમારો દીકરો નળથી જળ પહોંચાડે છે. વિકાસ કેવી રીતે કરાય? વિકાસને માટે શું કામ કરી શકાય? એને માટે થઈને આપણી આ દૃષ્ટિ થઈ. આ આપણા દાહોદમાં હું છેલ્લે આવ્યો, મેડિકલ કોલેજમાં... દીકરીઓ જે નર્સિંગમાં ભણે છે, એમને મળ્યો હતો. આપણી દીકરીઓ નર્સિંગમાં ભણે. મેં એમને પુછ્યું, બહેન, આગળ શું કરશો? આ દીકરીઓ મને કહે, સાહેબ, વિદેશ જવાના. અમારા દાહોદ જિલ્લાની આદિવાસી દીકરી નર્સિંગ ભણીને વિદેશોમાં જાય, અને મોટી હોસ્પિટલોમાં કામ કરવાનાં સપનાં જુએ, એ કામ અમે કરીએ છીએ, ભાઈઓ.
નહિ તો, પહેલા અમારા આદિવાસીઓ માટે શું કામ થતા? કોંગ્રેસના જમાનામાં લોન આપે લોન. લોનમેળા કરે. એમાંય પહેલા જ દહાડે કટકી કંપની નેતાની હોય. અને લોન આપે એટલે શું કહે? જુઓ, આ પૈસા આપીએ છીએ. પાંચ મરઘી લાવો, પાંચ મરઘીના આટલા ઈંડા થશે. એમાંથી આટલી મરઘી થશે. પછી એમાંથી આટલા ઈંડા થશે. એમાંથી આટલી મરઘી થશે. બેન્કના લોન ચુકતે થઈ જશે. તમારા ઘરમાં આટલી મરઘી ને આટલા ઈંડા ને દરરોજ તમારે લીલાલહેર, ચિંતા જ નહિ. પેલો અમારો આદિવાસી ભાઈ પણ એમની વાતોમાં આવી જાય. હારુ ત્યારે, લો, સહી કરી આપું છું. પછી બિચારો દેવાના ડુંગરમાં ફસાઈ જાય, અને એ પાંચ મરઘી આવે. હજી તો પાંચ મરઘી ઘેર પહોંચી હોય, અને સાંજે લાલ લાઈટવાળી ગાડી આવી જાય. અને મારો આદિવાસી ભાઈ તો કોઈ મહેમાન આવે એટલે ગાંડો ગાંડો થઈ જાય. પોતે ભુખ્યો રહે પણ મહેમાનને ભુખ્યા ના રહેવા દે. લાલ બત્તીવાળી ગાડી આવે, એટલે કહે, આવો, આવો સાહેબ... હવે રાત પડી ગઈ છે, રોકાઈ જાઓ. તો, શું જમશો? કંઈ નહિ, કહે, આપણે તો જે હોય એ. પેલા આદિવાસીને પણ એમ થાય કે હવે સાહેબ આવ્યા છે, હશે, ભાઈ. પાંચ મરઘી છે તો આજે એક એમને પીરસી દો. બીજા અઠવાડિયે બીજા આવે, ત્રીજા... પાંચ અઠવાડિયામાં તો પાંચેય મરઘીઓ ખાઈ જાય. આ મારો આદિવાસી દેવાના ડુંગરમાં ડૂબી જાય, એ જમાના હતા. આજે તો અમે સાહેબ જિંદગી બદલી દીધી. એનું જીવન બદલી નાખ્યું. ડોક્ટર બને. મારો આદિવાસી દીકરો ડોક્ટર બને. મેડિકલ કોલેજ મારા દાહોદમાં ઉભી થાય, ભાઈ. આ કામ આપણે કરી રહ્યા છીએ.
આ વિકાસની દિશા આપણે પકડેલી છે. એન્જિનિયરીંગ કોલેજ હોય, ડિપ્લોમા એન્જિનિયરીંગ કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, નર્સિંગ કોલેજ હોય. 12મા ધોરણની વિજ્ઞાનની શાળાઓ ગામડે ગામડે કરવાનું કામ આપણે ઉપાડ્યું, ભાઈઓ. ગામડે... મને યાદ છે, હું અહીંયા આવતો જ્યારે, તો રાત્રે ક્યાં રોકાઉં, એ બધા, ઘણી વાર મુશ્કેલી હોય. દાહોદમાં કે સંતરામપુરમાં મને તકલીફ ના પડે પણ કેટલાક નાના સેન્ટર હોય તો શું કરવાનું? તો મને યાદ છે, હું ઝાલોદમાં એક પી.એચ.સી. સેન્ટર હતું. દવાખાનું, ત્યાં રાત્રે સૂઈ જઉં. આવું પ્રવાસમાંથી, પછી તો રાત્રે પછી ત્યાં જઈને સૂઈ જઉં. કેમ? તો, તેમાં એક સંડાસ હતું. એટલે મને, ત્યાં કોઈ મને પુછનારેય નહિ, કારણ કે કોઈ હોય જ નહિ. રાત્રે જઈને સૂઈ જઉં ને બાથરૂમ-સંડાસ જે હતો, એનો ઉપયોગ કરતો હું. આવી દશા હતી, સાહેબ... આજે વેલનેસ સેન્ટર બનાવી રહ્યા છે, આપણે, દાહોદ જિલ્લામાં, વેલનેસ સેન્ટર બનાવી રહ્યા છીએ. અને મને આનંદ થયો અમારા સંગમવાળાએ મને આજે એક જાકીટ બનાવીને મોકલ્યું. કારણ કે હું દાહોદમાં જ્યારે હતો ત્યારે અહીંયા સંગમ ટેલરવાળા અમારા અમૃતભાઈ હતા. એ મારા કપડા બનાવતા. આજે એમનો દીકરો યાદ કરીને મારા માટે ખાસ જાકીટ લઈ આવ્યો.
આ પારિવારીક નાતો મારો તમારા બધા જોડે. આ સંબંધ. દેશનો પ્રધાનમંત્રી બન્યો હોય કોઈ, એને દાહોદની ગલીઓના નામ ખબર હોય, એવું કોઈ દહાડો સાંભળ્યું છે, તમે? અરે, મુખ્યમંત્રીનેય ના હોય. આ પ્રધાનમંત્રીને બધી ખબર છે. હવે તમે મને કહો કે આ તમારો ઘરનો માણસ હોય તો તમારા કામમાં કોઈ ખોટ આવે? કોઈ તકલીફ પડે? એ બેઠો હોય તો તમારે સ્માર્ટ સિટી બનાવવાનું મન થાય કે ના થાય? પાણી પહોંચાડવાનું મન થાય કે ના થાય? વીજળી પહોંચાડવાનું મન થાય કે ના થાય? ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડીને 5-જી લાવવાની દિશામાં કામ થાય કે ના થાય? એટલું જ નહિ... હું મને, યાદ છે, હું અહીંયા દાહોદ આવું તો સાઈકલ લઈને પરેલ જતો. સાહેબ, આ પરેલમાં કાગડા ઉડતા, એ જમાનામાં. જુના જમાનાના રેલવેના નાના ઝુંપડા જેવા બધા ક્વાર્ટર. થોડા ઘણા લોકો રહે. મારો બધાનો પરિચય, એટલે હું મળવા જઉં. પણ ધીરે ધીરે ધીરે આખું પરેલ આપણું એક પ્રકારે ખતમ જ થઈ ગયું. આવડી મોટી જગ્યા, આવડી મોટી... અંગ્રેજોના જમાનાની વ્યવસ્થા. આ કોંગ્રેસવાળાએ બધો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ તમારો દીકરો દિલ્હી ગયો અને મને પરેલ યાદ આવ્યું. મને મારું દાહોદ યાદ આવ્યું. સાહેબ, ત્યાં આપણે ફેકટરી અને હવે એવા એન્જિન બનાવવાના છીએ, મોટા એન્જિનો, આ તમારા દાહોદમાં, આ આખા હિન્દુસ્તાનને દોડાવે એવા એન્જિન બનવાના છે. અને મને ખાતરી છે, એવા એન્જિન બનશે ને, વિદેશોમાં, અહીંયાંથી બનેલા એન્જિનો એક્સપોર્ટ થવાના છે. આ મારા દાહોદના લોકોની મહેનત કામ કરવાની છે. 20,000 કરોડ રૂપિયા. તમે વિચાર કરો, ભાઈ. 20,000 કરોડ રૂપિયા એટલે? આ 20,000 કરોડ રૂપિયા જશે ક્યાં? ત્યાં જે કામ કરવાવાળા હોય, એમને મળે. ત્યાં આગળ નોકરી કરતા હોય, એમને મળે. આ લોકો કમાય તો એમને ખાવા-પીવા જે ખરીદે એને પૈસા જાય, સિમેન્ટ લાવીએ તો સિમેન્ટમાં જાય, લોખંડ લાવીએ તો લોખંડમાં જાય. આખા વિસ્તારમાં રોજી-રોટી મળે. આ કામ આપણે કરી રહ્યા છીએ. તમે મને દિલ્હી બેસાડ્યો એટલે તમારી જિંદગી બદલીને જ રહીશ. તમારા જીવનમાં જે જોઈએ એ બધું પહોંચે, એના માટે દિવસ-રાત ઉજાગરા કરીને એના માટે કામ કરું છું.
ભાઈઓ, બહેનો,
આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા આવ્યા છો, પણ મારી કેટલીક વિનંતી છે, તમારા પાસે...
કહી શકું? (ઑડિયન્સમાંથી હા...)
વિનંતી કરું? (ઑડિયન્સમાંથી હા...)
એમ જોરથી બધા બોલો તો કંઈક ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
છેક છેલ્લેથી અવાજ આવવો જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હું જે કામ કહું, એ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
100એ 100 ટકા? (ઑડિયન્સમાંથી હા...)
જો આ વખતે બધા જ પોલિંગ બુથમાં, બધા એટલે બધા, પછી એમાં કંઈ કાચું ના કપાય.
પહેલા જેટલા વોટ પડ્યા હોય, વધારેમાં વધારે, એના કરતા વધારે વોટ, દરેક પોલિંગ બુથમાં પડે એવું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જબરજસ્ત મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
હું જ્યારે પ્રધાનમંત્રીની ચુંટણી લડ્યો હતો ને એ વખતે જે મત આપ્યા હતા, એના કરતાય વધારે આપશો? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા? (ઑડિયન્સમાંથી હા...)
બીજું કામ, વધુમાં વધુ વોટ, કમળના બટનને દબાવવાનું, ભાઈ...
એ થશે? (ઑડિયન્સમાંથી હા...)
કમળને બટન દબાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક બીજી વાત.
એ મારી વાત છે. કરું? (ઑડિયન્સમાંથી હા...)
તમે હાથ ઊંચો કરીને હા પાડો તો કરું? (ઑડિયન્સમાંથી હા...)
જો દાહોદે મને મોટો કર્યો છે. દાહોદે મને ઘણું બધું શીખવાડ્યું છે. પણ હવે તમે બધાએ મને એટલું કામ આપ્યું એટલે મને બહુ ટાઈમ મળતો ના હોય.
પણ આજે આવ્યો છું, દાહોદ, તો મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પેલા પાછળવાળા કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચા કરીને કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બહુ નાનું કામ છે પણ કરવું પડે.
જો તમે હજુ આપણા ચુંટણીમાં દસ દહાડા બાકી છે. તમે ઘેર ઘેર જવાના છો. બધા લોકોને મળવાના છો. બધાને મત આપવા માટે વાત કરશો, બધું કરશો, બધું કરજો.
પણ એક વાત મારી કરશો, તમે? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આટલું કરજો, દરેકના ઘેર જાઓ ને તો બધાને હાથ જોડીને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ દાહોદ આવ્યા હતા. અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક વડીલને કહેવાનું છે, હોં? (ઑડિયન્સમાંથી હા...)
તમે એમને કહો ને કે ભઈ કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, અને તમને પ્રણામ કહ્યા છે. એટલે એ જે આશીર્વાદ મને મળે ને ભાઈ, મને એટલી બધી તાકાત મળે, એટલી બધી તાકાત મળે, મને કામ કરવાનો થાક જ ના લાગે.
તો મને દરેક ઘરમાંથી વડીલોના આશીર્વાદ મળશે ને? (ઑડિયન્સમાંથી હા...)
મળશે ને? (ઑડિયન્સમાંથી હા...)
તમે જઈને કહેશો ને? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા? (ઑડિયન્સમાંથી હા...)
ચાલો, આટલી મોટી સંખ્યામાં આવીને તમે આશીર્વાદ આપ્યા, આપનો ખુબ ખુબ આભાર માનું છું અને આ અમારા બધા ઉમેદવારોને, આ વખતે 100એ 100 ટકા દાહોદ જિલ્લો કમળ ખીલવે.
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય)
ખુબ ખુબ ધન્યવાદ