આવતીકાલના ગુજરાતને શિક્ષિત બનાવવા માટે પાયાની કેળવણી એવા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ ઊંચે લઇ જવા માટેનો આ સરસ્વતી યાત્રાનો સહિયારો પુરૂષાર્થ રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર અને સમાજ સાથે મળીને કરશે.
ગુજરાતમાં સરકાર સંચાલિત ૩ર૭૭ર પ્રાથમિક શાળાઓ અને ૪૪૦૦૦ આંગણવાડીઓને આવરી લઇને સમગ્રતયા ૧૮૦૦૦ ગામોમાં સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીશ્રી, સમગ્ર મંત્રીમંડળ અને સંસદીય સચિવશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ અને તમામ સચિવો તથા સનદી અધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ મળીને ટીમ ગુજરાતના રર૧૧૦ મહાનુભાવો દરરોજ પાંચ શાળાની મૂલાકાતે જશે અને એમ ત્રણ દિવસમાં સમગ્ર ગ્રામવિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ માટેના જ્ઞાનયજ્ઞમાં ઉદ્ીપક નેતૃત્વ પુરૂં પાડશે.
શહેરી ક્ષેત્ર માટેનું પ્રાથમિક શિક્ષણનું જનઅભિયાન તા.ર૩-ર૪-રપ જુન ર૦૧૧ના ત્રણ દિવસો દરમિયાન ૧પ૯ નગરપાલિકા અને આઠ મહાનગરોમાં યોજાશે.
છેલ્લા સતત આઠ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઆંદોલનની અદ્દભૂત સફળતા અંકિત થઇ છે, અને સને ર૦૦૧ની વસતિ ગણતરીની માહિતીની તુલનામાં સને ર૦૧૧ના વસતિ ગણનાના કેન્દ્રીય અહેવાલ અનુસાર, ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતાના દરમાં ૧૩ ટકા વૃધ્ધિ તથા શાળા છોડી જવાના ડ્રોપ આઉટ રેશિયોમાં ર૯.૭૭ ટકા ધટાડો થયો છે. આજે ગુજરાતમાં ધોરણ 1 થી પ માં શાળાનો અભ્યાસ છોડનારાની ૧૦૦માંથી માત્ર બે બાળકોની ટકાવારી છે. આ બે બાળકો પણ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરે તેની ચિન્તા મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળાઓના ગુણાત્મક બદલાવ માટેની માળખાકીય સુવિધા પૂરી કરવાનું અભિયાન પાર પાડયું છે. દશ વર્ષમાં ૧,ર૧,૩પ૮ જેટલા વિધાસહાયકોની નિમણુંક કરી છે. ગત વર્ષે જે પ૦૦૦ શાળામાં ધોરણ-૮ નો વર્ગ શરૂ થયો તેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પ્રશિક્ષિત એવા ૧૦,૦૦૦ વિઘાસહાયકોની પણ પારદર્શી ભરતી કરી દીધી હતી. આ વર્ષે વધુ ૬પ૦૦ શાળામાં ધોરણ-૮ના વર્ગો શરૂ થશે એના માટે વધુ ૧૩,૦૦૦ વિઘાસહાયકો નિમાઇ રહ્યા છે. રાજ્યમાં ૭પ૭૪૮ નવા વર્ગખંડો બાંધ્યા છે અને પ૦૯૧૪ સ્વચ્છતા સંકુલોની આવશ્યક સુવિધા ઉભી કરી દીધી છે. આજે ગુજરાતની ૩ર૭૭ર ગ્રામ્ય પ્રાથમિક શાળામાં બધે જ વીજળી અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ૧૧ લાખ કન્યાઓને પ્રત્યેકને રૂા. ૧૦૦૦ના વિઘાલક્ષ્મી બોન્ડરૂપે રૂા. ૧૧ કરોડનું ભંડોળ ગરીબ પરિવારની કન્યા માટે આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધી માટે તો જનતા જનાર્દને અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિસાદ આપીને રૂા. ૪૪ કરોડનું ભંડોળ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને મળેલી ભેટ સોગાદોની કરેલ હરાજીમાંથી ઉપલબ્ધ થયું છે. સમગ્ર દેશમાં કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના કારણે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યાઓના શિક્ષણ માટે અનેકવિધ નવી ક્ષિતિજો ખોલી છે. ગામડાંની નાની બાલિકા અને કન્યાઓ અભ્યાસમાં તેજસ્વી અને યશસ્વી બની રહી છે.
શિક્ષણ સાથે આરોગ્ય તપાસણી તથા પ્રાથમિક શાળામાં મધ્યાન્હ ભોજન માટેના પોષક આહારના ગુણાત્મક પરિણામો અને આંગણવાડીમાં બાલભોગની પોષક આહારની આગવી પહેલથી કુપોષણમાંથી આવતીકાલનું ગુજરાત મૂકત થાય એવી પ્રતિબધ્ધતા સાથે કન્યા કેળવણીનું આ અભિયાન પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડીની શિક્ષણ સંસ્કારની ભૂમિકાનો નવો સામાજિક પ્રભાવ ઉભો કરવાનું ગુજરાતને ગૌરવ અપાવશે. આ અભિયાન સંપન્ન થયા પછી "ગુણોત્સવ'નું અભિયાન પ્રાથમિક શાળા, શિક્ષક અને વિઘાર્થીની ગુણવત્તામાં પણ નવી ઊંચાઇના દર્શન કરાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ વિરાટ જનઅભિયાનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા શાળા પરિવારના સહુ સ્વજનોને સંવેદનાસભર પત્ર પણ પાઠવ્યો છે.