જય સોમનાથ, જય સોમનાથ (ઑડિયન્સમાંથી પણ પ્રતિઘોષ)
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ, અમારા અનન્ય સાથી ભાઈ વિજયભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને આ ચૂંટણીમાં જેમને તમે ધારાસભ્ય બનાવવાનું નક્કી કરી દીધું છે, એવા અમારા બધા જ ઉમેદવાર સાથીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા મારા ભાઈઓ અને બહેનો,
હું જોતો હતો, ઘણા લોકો બહાર ઉભા છે, મંડપ જરા નાનો પડી ગયો અને એમને આવવામાં બહાર, જે અગવડ પડી છે એ બદલ ક્ષમા માગું છું પણ હું આશા કરું છું કે બહાર પણ એમને મારી વાત જરૂર સંભળાતી હશે.
સાથીઓ,
ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આ પ્રકારે મારી આ પહેલી રેલી છે, અને એ પણ સોમનાથ દાદાની પવિત્ર ધરતી ઉપર થઈ છે. ગઈકાલે હું વિશ્વનાથ કાશીના દરબારમાં હતો અને આજે સોમનાથના ચરણોમાં છું, અને સોમનાથ દાદાના આશીર્વાદ હોય અને એની જોડે હવે જ્યારે જનતાજનાર્દનના આશીર્વાદ જોડાઈ જાય અને એટલે આ વખતનો આપણો લક્ષ્યાંક બહુ જુદો છે, ભાઈ.
પૂરો કરશો ને? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
અહીંની તો ચારેચાર... પણ આ વખતે નવા રેકોર્ડ તો તોડવા છે અને મારે, આ ચૂંટણીમાં હું તમારી પાસે એના માટે જ આવ્યો છું. પહેલો રેકોર્ડ તોડવો છે, પોલિંગ બુથમાં જે મતદાન થાય, અત્યાર સુધીમાં 600 વોટ પડ્યા હોય, 700 વોટ પડ્યા હોય, 800 વોટ પડ્યા હોય, આ વખતે પોલિંગ બુથમાં જુના બધા રેકોર્ડ તોડીને વધુમાં વધુ મતદાન કરાવી શકીએ આપણે? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
બધા જવાબદારી લો છો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
તો મારું આવ્યું લેખે લાગે. કારણ ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. મતદાન તો કરવું જ જોઈએ. બધા જ કંઈ કમળનું જ બટન દબાવે, એવું આપણે નથી કહેતા. પરંતુ મતદાન બહુ આવશ્યક હોય છે. લોકતંત્રના આ ઉત્સવને એક એક નાગરિકે ઉજવવો રહ્યો, અને એટલા માટે મારી આપ સૌને આગ્રહ છે. બીજી વાત, ભાજપની કારણ કે આ લોકશાહીની રક્ષણની જવાબદારી પણ આપણે જ નિભાવવાની છે, ભાઈ. સુશાસન દ્વારા, જનતાજનાર્દનની સેવા દ્વારા, ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે, અને એટલે એક પણ પોલિંગ બુથ એવું ના હોય, એક પણ, કે જેમાં ભાજપનો વિજયવાવટો ન ફરક્યો હોય.
ભાજપને જીતાડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
સો ટકા જીતાડશો? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
પણ પોલિંગ બુથમાં જીતવું છે, હોં, મારે. તમે પોલિંગ બુથમાં જીતાડજો ને, એટલે આ ચારેચાર ભાઈઓ અમારે ગાંધીનગર પહોંચ્યા જ છે, સમજી જાજો. ઘણી વાર શું થાય, આપણે આ વિધાનસભા જીતીશું, આપણે આ વિધાનસભા જીતીશું એમ કર્યા કરીએ, પણ પોલિંગ બુથ જીતવાની જવાબદારી કોની, એ નક્કી ના કરીએ. તો મારો તો આગ્રહ છે કે આ વખતે આપણે પોલિંગ બુથ બધા જીતવા છે.
જીતી બતાવશો ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... એવા અવાજો)
વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતવાના સંકલ્પ સાથે આ ચુંટણીમાં આ લોકશાહીના ઉત્સવને આપણે ઉજવવો છે, અને બીજી એક મારી ઈચ્છા છે, જે તમારે પુરી કરવાની છે. આ વખતે આ ચુંટણીમાં હું કામ આટલું બધું શું કરવા કરું છું? ચુંટણીનો વિજય નક્કી છે. બધા કહે છે, જે રાજકારણના અભ્યાસુ લોકો છે, છાપામાં લખવાવાળા લોકો છે, ટીવીમાં ચર્ચા કરવાવાળા લોકો છે, સર્વે કરવાવાળા છે, બધા કહે છે ભાઈ ભાજપની તો સરકાર બનવાની જ છે. બધા કહે છે. પછી બધા પુછે છે કે મોદી સાહેબ, તમે શું કરવા દોડાદોડ કરો છો? હું એટલા માટે દોડાદોડ કરું છું કે મારું આ કર્તવ્ય છે. તમને મળીને તમારા આશીર્વાદ લેવા એ મારું કર્તવ્ય છે. તમને મારા કામનો હિસાબ આપવો, એ મારું કર્તવ્ય છે.
અને જેમ હું જેમ મારું કર્તવ્ય નિભાવું છું એમ તમે બધા પણ મત આપીને પોતાનું કર્તવ્ય નિભાવશો, અને એક એક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવશે એ મારા માટે આનંદની ઘડી હશે અને એટલા માટે હું આવ્યો છું, અને બીજી મારી ઈચ્છા છે કે આ વખતે નરેન્દ્રના જેટલા રેકોર્ડ છે ને એ બધા રેકોર્ડ ભુપેન્દ્ર તોડે અને ભુપેન્દ્ર રેકોર્ડ તોડે એના માટે નરેન્દ્ર કામ કરે. આપણે આ બધા રેકોર્ડ તોડવા છે. જુના બધા રેકોર્ડ તોડવા છે, ભાઈઓ. કારણ, આપણે આપણા ગુજરાતને પ્રગતિની રાહ ઉપર લઈ જવું છે. ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ ઉપર લઈ જવું છે, અને એના માટે આપણે જેટલી મહેનત કરી શકીએ, એટલી મહેનત કરવાની છે અને મને ખાતરી છે કે આપના આશીર્વાદ એ ગુજરાતની જનતાએ નિરંતર આપણને આપ્યા છે. અને નિરંતર જ્યારે મળી રહ્યા છે ત્યારે મને ખાતરી છે કે ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ ઉપર પહોંચશે.
ભાઈઓ, બહેનો,
જ્યારે આપણા ગુજરાત, પોતાની રીતે વિકાસ કરવા માંડ્યું ત્યારે આપણા ગુજરાત વિશે શું કહેવાતું હતું? આ ગુજરાત કશું નહિ કરી શકે. એની પાસે ન કોઈ મોટા શહેરો છે, ન એની પાસે કોઈ ખનીજ છે, બહુ બહુ તો ગુજરાત પાસે મીઠું પકવવા સિવાય કશું જ નથી. આ ગુજરાત ભુખે મરશે, દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડે છે. આ ગુજરાત કંઈ નહિ કરી શકે. આવું બધું લગાતાર આપણને કહેવામાં આવતું હતું, અને વધારેમાં વધારે શું કહે? આ તમારા ગુજરાતના વેપારીઓ એક જગ્યાએથી માલ લે અને બીજી જગ્યાએ વેચે અને વચમાં જે કંઈ દલાલી મળે એમાંથી ગુજરાન ચલાવે. આવી આપણી ગુજરાતની છબી, અને એવી ગુજરાત વિશે લોકોની ધારણા કે ગુજરાત કોઈ પ્રગતિ નહિ કરી શકે. આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે અને આપણે પ્રગતિની નવી ઊંચાઈઓ ઉપર પહોંચી ગયા. આપ વિચાર કરો ભાઈઓ, આ દરિયાકિનારો, એને આપણે મુસીબત માનતા હતા. આ દરિયાનો ખારો પાટ, ખેતી થાય નહિ, વરસાદ આવે નહિ. મીઠા પાણીના સાંસા પડે, પીવાના પાણી ના હોય, એવી આપણી મુસીબતોમાં આપણે જીવતા હતા. આજે ગુજરાતનો દરિયાકાંઠો ધમધમી રહ્યો છે, ભાઈઓ. ભારતનો, ઉત્તર ભારતનો ખાસ કરીને જે કાર્ગો છે, એ આપણા બંદરો ઉપરથી દુનિયામાં પહોંચી રહ્યો છે, અને ગુજરાતના બંદરો એ હિન્દુસ્તાનની સમૃદ્ધિનું દ્વાર બની ગયા છે, ભાઈઓ. હિન્દુસ્તાનની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણે ગુજરાતના બંદરોનો વિકાસ કર્યો.
પરંતુ બંદરોનો જ વિકાસ કર્યો, એટલું જ નહિ, આપણને ખબર છે કે મારો ગુજરાતનો દરિયાકિનારો, આ અમારા માછીમાર ભાઈઓ-બહેનોની જિંદગી, કારણ કે બાર મહિનામાં ચાર મહિના તો એમનું કામ બંધ હોય. માંડ કરીને છ-આઠ મહિના કામ કરવા મળતું હોય. પરંતુ આપણે એક એક યોજનાઓ બનાવી, જેટી બનાવી, સબસીડીની વ્યવસ્થાઓ કરી, એમના માટે સારા બોટ મળે એના માટે લોનની વ્યવસ્થા કરી. સાગરખેડુ યોજના ચાલુ કરી આપણે. જે યોજના ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા બેન્કમાંથી મામુલી વ્યાજે પૈસા મળતા હતા, હવે મેં મારા માછીમાર ભાઈઓ, બહેનોને પણ આ મામુલી વ્યાજે બેન્કમાંથી પૈસા મળે, જેથી કરીને મારા માછીમાર ભાઈઓ પોતાનો ધંધો વિકસાવી શકે, મૂડીરોકાણ કરી શકે અને પેલા વ્યાજખાઉ લોકોમાંથી મુક્તિ મળી જાય એના માટેનું આપણે કામ ઉપાડ્યું અને આજે પરિણામ જુઓ. ગુજરાતના માછીમારો જે માછલી પકડે છે એનું દુનિયામાં એક્સપોર્ટ. લગભગ ડબલ કરતા વધારે થઈ ગયું, ડબલ કરતા. અને એની આવક આ મારા માછીમાર પરિવારોમાં પહોંચી. આ કામ કરવાનો આપણે પ્રયાસ કર્યો છે, ભાઈઓ. ગુજરાતના છેવાડાના માનવીનો વિકાસ થાય. શિક્ષણ કોને નહોતું મળતું? દીકરીઓ કોની નહોતી ભણતી ભાઈઓ? અમારા પછાત સમાજની દીકરીઓ ન ભણે, અમારા પછાત સમાજના દીકરાઓને ભણતર ન મળે, અને એની ચિંતા. આપણે ગુજરાતમાં આહલેક જગાવી કે ગરીબમાં ગરીબનું સંતાન પણ ભણે. ગરીબમાં ગરીબની દીકરીઓ પણ ભણે, એના માટે આપણે અભિયાન ચલાવ્યું. અને આજે ગુજરાતમાં દીકરીઓના 100 ટકા શિક્ષણની તરફ આપણે વળ્યા.
અને આપણે એક એક વાત જોઈ કે ભાઈ, દીકરી કેમ ભણતી નથી? તો કહે કે શાળામાં સંડાસ-બાથરૂમની વ્યવસ્થા નથી. શૌચાલય નથી, અને એના કારણે દીકરીઓ ચોથા-પાંચમામાં આવે અને ભણવાનું છોડી દે. આપણે ગુજરાતમાં મોટું અભિયાન ચલાવ્યું હતું કે દરેક શાળાની અંદર દીકરીઓ માટે અલગ શૌચાલય હોય, જેથી કરીને મારી દીકરીઓ ભણવાનું ના છોડે, અને આજે મને ગર્વ છે કે આજે મારી દીકરીઓ ભણી-ગણીને આગળ વધી રહી છે, અને ગુજરાતનું નામ રોશન કરી રહી છે, ભાઈઓ, બહેનો. આ આપણી પ્રગતિ થઈ છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ટુરિઝમનો જો વિકાસ થાય, કારણ કે ગુજરાતના ટુરિઝમ તરફ કોઈનું ધ્યાન જ નહોતું. સોમનાથ દાદા અહીંયા ખરા, પણ ટુરિઝમ તો અહીંયા આજુબાજુના લોકો આવે, એ જ. અરે દ્વાદશ જ્યોતિર્લિંગ, અહીંયા આવડી મોટી જગ્યા હોય, રેલવેની કનેક્ટિવિટી હોય, કેશોદનું એરપોર્ટ ચાલુ થઈ ગયું. એનો ય વિસ્તાર કરવો છે મારે તો ભાઈ. એનો ય વિસ્તાર કરવો છે. આ ગીરના સિંહ હોય, આટલો સરસ મજાનો દરિયો હોય, અને ટુરિઝમમાં ગુજરાત પાછળ હોય, એ કેમ ચાલે. એક પછી એક આપણે યોજનાઓ બનાવતા ગયા, અને આજે? આજે ટુરિઝમની બાબતમાં ગુજરાત કુદકે ને ભુસકે આગળ વધી રહ્યું છે. પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, અને એના કારણે જ્યારે ટુરિઝમ વધે ને ત્યારે ગરીબ માણસને રોજગાર વધારે મળે, સાહેબ. મૂડીરોકાણ ઓછામાં ઓછું હોય તો પણ એને રોજગાર મળે. ઓટોરિક્ષાવાળો કમાય, ટેક્ષીવાળો કમાય, ફુલ વેચવાવાળો કમાય, બિસ્કિટ વેચવાવાળોય કમાય, ચા વેચવાવાળોય કમાય, બધાને રોજી-રોટી મળી રહે.
કારણ કે બહારના યાત્રીઓ આવે, રમકડા વેચતો હોય, એનેય મળે, પુજાપાનો સામાન વેચતો હોય એનેય મળે. અને આજે ગુજરાતમાં જુઓ, અમારો જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ કહો, પોરબંદર કહો કે જુનાગઢ કહો. એક જમાનાનો મોટો જુનાગઢ જિલ્લો. આ તો આખા ગુજરાતમાં ટુરિસ્ટોને આકર્ષવા માટે મોટામાં મોટું કેન્દ્ર કહી શકાય. અને કેવા કેવા આપણે અખતરા કર્યા. તમે જુઓ ભગવાન કૃષ્ણના લગ્નનો ઉત્સવ ઉજવાય છે, આપણે ત્યાં હવે. નોર્થ-ઈસ્ટના લોકો આવે છે, માધવપુરની અંદર મોટો મેળો જે પોપ્યુલર થઈ ગયો છે. અમારી શિવરાત્રિ ખાલી સોમનાથમાં ઉજવાય છે આજે બારે મહિના સોમનાથમાં શિવરાત્રિ હોય છે, ભાઈઓ. બારે મહિના સોમનાથમાં શિવરાત્રિ. લાખોની સંખ્યાની અંદર મારા યાત્રીઓ અહીંયા આવતા થયા છે. આજે આપણો દરિયાકિનારો. આખું સોમનાથ કેટલું બધું બદલાઈ ગયું, ભાઈ, કેટલું બધું બદલાઈ ગયું, જ્યારે યાત્રીઓ આવે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, સરદાર પટેલ સાહેબની કેટલી મોટી સેવા આપણે કરી છે. અને આજે? આજે જ્યારે હું સોમનાથ દાદાના દર્શન કરવા ગયો ત્યારે સ્વાભાવિક છે કે સોમનાથ દાદાના દર્શન કરીએ ત્યારે આપણી મહાન પરંપરાઓ યાદ આવે. આ સોમનાથને કેટલી વાર લૂંટવામાં આવ્યું હતું? આ સોમનાથને કેટલી વાર ધ્વસ્ત કરવામાં આવ્યું હતું? ભારતની અસ્મિતાને ચોટ પહોંચી હતી. સરદાર સાહેબની મજબુત, મક્કમ તાકાત હતી કે જેના કારણે, આપણે સરદાર સાહેબે સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. અહીંથી જળ હાથમાં લઈને નિર્ણય કર્યો હતો અને એના કારણે આજે આપણું સોમનાથ ઝળહળી રહ્યું છે, ભાઈઓ. એ સરદાર પટેલનું સ્ટેચ્યુ આપણે બનાવ્યું. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ, અને આજે વિશ્વમાં સૌથી વધારે યાત્રીઓ કોઈ જગ્યાએ જાય, એ પ્રકારે જો નામ કમાવવાની તૈયારી કરવી હોય તો અમારું સ્ટેચ્યુ ઓફ યુનિટી જો જો, આવનારા દિવસોમાં ખુબ પ્રગતિ કરવાનું છે. દુનિયાભરના યાત્રીઓને આકર્ષવાનું છે. અને એના કારણે રોજી-રોટી મળવાની છે. કચ્છ જેવી સૂકીભઠ્ઠ રણ, કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું. આ કચ્છના રણને આપણે બદલી નાખ્યું. અને રણને તો ગુજરાતનું તોરણ બનાવી દીધું અને આજે? આજે ગુજરાતની અંદર કચ્છના રણોત્સવને જોવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે.
કચ્છના એ રણ પ્રદેશની અંદર રોજી-રોટીના અવસર ઉભા થઈ ગયા. આપણે સ્ટાર્ટ-અપની દુનિયામાં, ટેકનોલોજીની દુનિયામાં પણ પ્રગતિ કરીએ, એના માટે આપણે આગળ વધ્યા. જીવનનું એવું કોઈ ક્ષેત્ર નહિ હોય, કોઈ કલ્પના કરી શકે છે કે એન્જિનિયરીંગ ઉદ્યોગમાં પણ આપણે આગળ વધી શકીએ. આપણે કરી બતાવ્યું છે. આજે આપણે જ્યારે વિકાસનો એક યજ્ઞ આદર્યો છે, ભાઈઓ. અને મારે ખાસ કરીને જવાનીયાઓને કહેવાનું છે. જે લોકો પહેલી વાર મત આપવાના છે. નવજવાનો, જે અત્યારે 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના થયા હશે ને, એમને ખબર નહિ હોય કે પહેલા ગુજરાત કેવી મુસીબતમાં જીવતું હતું? ઉભા પાક લૂંટાઈ જતા હતા, ઉભા પાક. ગુજરાત એવી મુસીબતમાં જીવતું હતું. દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડે. પાક આપણો બળી જાય. ખેડૂતો દેવાદાર થઈ જાય, એવા દિવસો હતા. આજે સૌની યોજના દ્વારા આપણે બધા પાણી પહોંચાડી રહ્યા છીએ, અને તમે જુઓ ડિસેલિનેશન પ્લાન્ટ. સમુદ્રનું પાણી મીઠું બનાવીને અમારા વિસ્તારના લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે, અને જ્યારે પીવાનું પાણી શુદ્ધ મળે ને, એટલે આરોગ્ય પણ સુધરતું હોય છે. એની ચિંતા આજે ગુજરાત કરી રહ્યું છે. પ્રગતિ કેવી ઊંચાઈ ઉપર જવાની, એટલે મારે જુવાનીયાઓને કહેવાનું છે કે ભાઈઓ, કદાચ તમને અંદાજ નહિ હોય. તમારા ઘરમાં વડીલોને પુછજો, ભૂતકાળમાં કેવી મુસીબતોમાં આપણે દિવસો કાઢ્યા છે, કેવી તકલીફોમાંથી આપણે પસાર થયા છીએ, એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીને આજે ગુજરાતને પ્રગતિ ઉપર લઈ ગયા છીએ. એના માટે મહેનત કરી છે, જહેમત કરી છે. સમર્પણભાવથી કામ કર્યું છે અને એના કારણે ગુજરાત આજે પ્રગતિની આ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે. મારી માતાઓ, બહેનોના આશીર્વાદ. કેવી સ્થિતિ હતી? મને યાદ છે એક જમાનો હતો કે પાર્લામેન્ટના મેમ્બરને 25 ગેસની કુપન મળતી હતી, ગેસના બાટલાની, અને પાર્લામેન્ટના મેમ્બર પાસે લોકો લાઈન લગાવીને ઉભા રહે અને મોટા મોટા સુખી ઘરના લોકો વિનંતી કરે કે અમને એક ગેસનું કનેક્શન અપાય એવું કરો ને.
અને એમ.પી. પાસે 25 કુપનો હોય. દર વર્ષે એને 25 કુપનો મળે. એ પોતાના લોકસભા વિસ્તારમાં 25 જણાને ગેસનું કનેક્શન અપાવતા હતા. એવી સરકારો ચાલતી હતી. આજે આપણે જોયું કે ભાઈ, આપણી માતાઓ, બહેનો લાકડામાં, લાકડા સળગાવીને રોજી-રોટી કે રોટલા શેકતી હોય, વૈજ્ઞાનિકો એમ કહે છે કે એક દિવસમાં એના શરીરમાં 400 સિગારેટ જેટલો ધુમાડો જાય. ધુમાડાના ગોટા વચ્ચે એય છોકરાઓને જમાડતી હોય, રોટલા પકવતી હોય, 400 સિગારેટનો ધુમાડો જાય. આ મારી માતાઓ, બહેનોની ચિંતા કોણ કરે ભાઈ? આ દીકરાએ કરી અને આખા દેશમાં આ મારી ગરીબ માતા, બહેનને ગેસના કનેક્શન આપ્યા, ગેસના બાટલા પહોંચાડ્યા. મફતમાં ગેસના કનેક્શન આપ્યા અને એને મુસીબતમાંથી બહાર લાવવાનું કામ કર્યું. આજે અમારી માતાઓ, બહેનો ત્રણ ત્રણ, પાંચ પાંચ કિલોમીટર પાણીનાં બેડાં લઈને ભરવા જવું પડતું હતું, ભાઈઓ, બહેનો. આ માતાઓ, બહેનોને આપણે પાણીના બેડાંમાંથી મુક્તિ અપાવી દીધી.
એના માથાના બેડાં ઉતરાવવાનું કામ આ દીકરાએ માથે લીધું અને હવે નળથી જળ. દરેક ઘરમાં નળથી જળ. આ મારી માતાઓ આશીર્વાદ ના આપે એવું કેવી રીતે બને, ભાઈ? જ્યારે જે મા. અરે, પાણીની પરબ કોઈ બાંધે ને તોય દુનિયામાં એની પૂજા થતી હોય છે. એને એની જિંદગીભર લોકો ઋણ ચુકવતા હોય છે. આ તમારો દીકરો તો એવો છે કે જેણે ઘેર ઘેર નળથી જળ પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું છે. મારી માતાઓ, બહેનોને મુસીબતમાંથી મુક્તિ માટેનું કામ ઉપાડ્યું છે. આ મારી માતાઓ, બહેનો માંદી પડે, ઘરમાં કોઈને કહે નહિ, કે ભાઈ, મારી માંદગીના સમાચાર કોઈને મળશે, દીકરો ચિંતા કરશે, દીકરી ચિંતા કરશે, દેવાનાં ડુંગર થઈ જશે, ને એમાંય ઓપરેશન કરાવવાનું હશે તો કદાચ દીકરાના માથે દેવું ચઢી જશે, એટલે મા મુસીબતમાં, બીમારી હોય, તકલીફ થતી હોય, બોલે જ નહિ, કામ કર્યા જ કરે. ખબર ના પડવા દે કે હું માંદી છું. કારણ? એના મનમાં એક જ વાત હોય કે મારા સંતાનોના માથે દેવું ના થઈ જાય. આ મારી મા પીડા સહન કરતી હોય, એ મારી માને મુક્તિ અપાવવા માટે મેં બીડું ઉઠાવ્યું અને આયુષ્યમાન યોજના લાવ્યો. ગુજરાતમાં મા યોજના લઈ આવ્યો હતો. અને આજે કોઈ પણ મા, કોઈ પણ ગરીબ પરિવાર, એના ઘરમાં બીમારી આવે ને ઓપરેશન કરાવવાનું હોય ને તો 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો આ તમારો દીકરો કરવા તૈયાર છે. મારી કોઈ મા માંદી ના રહેવી જોઈએ એની ચિંતા કરી છે.
આ કોરોનાનું આવડું મોટું સંકટ આવ્યું ભાઈઓ, બહેનો, આ કોરોનાના કાળમાં સૌથી મોટી મુસીબત કોને આવે? માતાઓ, બહેનોને આવે. અરે, ઘરમાં ચુલો ન સળગે, અને દીકરાઓને રાત્રે આંસુ પીને સૂવું પડતું હોય ને ત્યારે એ મા બિચારી કેટલી કકળતી હોય ને, એ માની ચિંતા આ દીકરાએ કરી, અને આ દેશના 80 કરોડ લોકોને ગયા અઢી વર્ષથી મફતમાં અનાજ પહોંચાડ્યું છે. કારણ કે એના ઘરનો ચુલો સળગતો રહે અને મારી માતાઓ, બહેનો, એમના જીવનની અંદર મુસીબત ના આવે, સંતાનોનું ભણવાનું ના બગડે, એની ચિંતા આપણે કરી છે. જે જીવનજરુરીયાતની ચીજો કહેવાય, એના માટે આપણે ધ્યાન કર્યું. આપણે કૃષિ ક્ષેત્રે વિકાસ થાય એ માટે કામ કર્યું. કૃષિ ઉત્પાદન સંઘો બનાવવાનું અભિયાન ચાલુ કર્યું. આપણે ત્યાં ડેરીઓ બધી બંધ થઈ ગઈ હતી. ડેરીઓ ચાલુ ના કરવી એવા નિયમો થઈ ગયા હતા. એ બધું બંધ કરીને ગુજરાતના પશુપાલન ઉદ્યોગનો પણ વિકાસ કર્યો. જેમ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા એવી જ રીતે પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા. જેથી કરીને એને બેન્કમાંથી પૈસા મળે, પશુઓનો ઉછેર થાય અને આજે જિલ્લે જિલ્લે ડેરીઓ બનાવી અને ડેરીઓના કારણે અમારા દૂધ ઉત્પાદકોને પણ પૈસા મળવા માંડ્યા. સમૃદ્ધિ ગામડાની હોય કે સમૃદ્ધિ શહેરની હોય, વિકાસ ટેકનોલોજીનો હોય કે વિકાસ ટુરિઝમનો હોય, આરોગ્યની ચિંતા હોય કે શુદ્ધ પાણી પહોંચાડવાની ચિંતા હોય, આજે ગુજરાતે સર્વાંગીણ વિકાસનો રસ્તો અપનાવ્યો છે અને આઝાદીના 75 વર્ષ પુરા થયા છે.
અત્યાર સુધી તો આપણે એક એક એક રન કરીને આગળ વધ્યા. હવે આપણે સેન્ચુરીથી નીચે કરવાનું જ નથી, ભાઈ. શતક જ કરવાનો. આ આગામી જે 25 વર્ષ છે ને આપણા, એ એક એક રન કરવાના નથી, ભાઈઓ, આ અમૃતકાળ છે. આપણે તો શતાબ્દીઓ કરીને શતાબ્દી ઉજવવી છે. શતક કરી કરીને શતાબ્દી ઉજવવી છે. અને એના માટે વિકાસ, એકદમ હરણફાળ ભરવી છે. ઊંચા કુદકા મારીને આગળ વધવું છે, ભાઈઓ. પા પા પગલી ભરીને હવે આગળ વધવાનો સમય નથી, અને એના માટે નરેન્દ્ર દિલ્હીમાંથી તમારી સેવા કરવા તૈયાર છે. તો ભુપેન્દ્ર ગાંધીનગરથી તમારી સેવા કરવા તૈયાર છે. અને આ નરેન્દ્ર – ભુપેન્દ્રની જોડી, આ ડબલ એન્જિનની સરકાર વિકાસની નવી ઊંચાઈઓ ઉપર લઈ જાય, સર્વાંગીણ વિકાસ થાય, એના માટે થઈને કામ કરી રહી છે. અને એટલા માટે આજે હું દાદાના ચરણોમાં આવ્યો છું. આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો, કમળના નિશાન ઉપર બટન દબાવો અને વધુમાં વધુ મતે ભારતીય જનતા પાર્ટી વિજયી બને, આટલી જ મારી આપને વિનંતી છે.
મારું એક કામ કરશો, તમે બધા? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
મારી આ વાત પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
જેમના ઘરે જાઓ ત્યારે મારું એક બીજું કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ધીમા પડી ગયા...
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઉપર કરીને કહો ને, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા? (ઑડિયન્સમાંથી હા...)
બધાના ઘેર જઈને એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, સોમનાથ દાદાના દર્શન કર્યા, પૂજા કરી અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે. મારા વતી દરેક ઘેર જઈને પ્રણામ કહેજો. દરેક જણને કહેજો, નરેન્દ્રભાઈએ તમને પ્રણામ કહ્યા છે.
આટલું કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)