ભારત માતા કી જય,
તારકેશ્વર મહાદેવની જય.
આપ સૌ મારા વહાલા આદિવાસી ભાઈ-બહેનોને, આ વિસ્તારના આગેવાનોને, આટલી વિશાળ સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા, એ બદલ આપનો આભાર, આપને અભિનંદન.
ભાઈઓ-બહેનો,
ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ અવિરત ચાલી રહ્યો છે, અને હવે લોકતંત્રના ઉત્સવના આજે મંડાણ થઈ રહ્યા છે. મારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનવો છે, કારણ, આજે ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો મારો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઈ-બહેનો વચ્ચે રાખ્યો છે, એનો મને આનંદ છે. કારણ, મારે માટે એ ફોર આદિવાસી, મારી એબીસીડી જ શરૂ થાય એ ફોર આદિવાસી, અને એટલે મારે માટે એ અત્યંત સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઈબહેનોના આશીર્વાદ લઈને શરૂઆત થઈ રહી છે.
ભાઈઓ-બહેનો,
તમે કોઈને પણ પુછો, અમને દિલ્હીમાં પણ વાવડ આવે, એ જ આવે કે ભાઈ ગુજરાતના લોકોએ તો ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. ભાજપની સરકારનું મન બનાવી લીધું છે, એટલું જ નહિ, જૂના બધા રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે, અને આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માગશે એટલો સમય હું આપીશ, અને હું મારા જ રેકોર્ડ તોડવા માગું છું, આ વખતે. તો, મને મારા રેકોર્ડ તોડવામાં તમે બધા મને મદદ કરશો, ભાઈઓ? આખું ગુજરાત મદદ કરશે? ઉમરગામથી અંબાજી આખો આદિવાસી પટ્ટો મદદ કરશે? આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે, ભાઈઓ. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ. એના માટે મારે કામ કરવું છે.
ભાઈઓ-બહેનો,
દેશ જ નહિ, દુનિયામાં કદાચ નિરંતર આટલો બધો વિશ્વાસ મળતો જાય, જનસમર્થન મળતું જાય અને નવી નવી પેઢી આવતી જાય. નહિ તો રાજકારણમાં એકની એક પેઢી વર્ષો સુધી ચાલ્યા કરે. ભારતીય જનતા પાર્ટી સતત સતત નવા લોકોને આગળ કરી દે છે. આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો લઈને નીકળી પડી છે. અને આ ચૂંટણી ભાજપ નથી લડતું, ભાઈ. આ ચૂંટણી ન ભુપેન્દ્ર લડે છે ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો મારા ગુજરાતના વહાલા ભાઈઓ-બહેનો લડે છે. વારંવાર ભાજપ, વારંવાર ભાજપ. આ જ સંકલ્પ લઈને ચાલીએ છીએ.
ભાઈઓ-બહેનો,
મારું સૌભાગ્ય છે કે મારી પહેલી ચૂંટણી સભા આદિવાસી વિસ્તારથી શરૂ થાય, અને એય પાછા મહાદેવના ધામમાંથી શરૂ થાય. કારણ કે કાશીમાં હું એમ.પી. મહાદેવના આશીર્વાદ લઈને એમ.પી. બન્યો અને પછી તમે બધાએ પી.એમ. બનાવી દીધો.
ભાઈઓ-બહેનો,
આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીંના ક્ષેત્રમાં વર્ષો સુધી અહીંયા રહીને પ્રવાસો કર્યા. આપ લોકોની વચ્ચે રહીને ઘણું બધું શીખવાનું મળ્યું મને.અને અમારું ધરમપુર, અમારું સિધુમ્બર, અને મને આનંદ થયો. મને અમારા રમતુભાઈ મળ્યા. રમતુભાઈ અને હું, બે જણા ધરમપુરના જંગલોમાં સાયકલ ઉપર ફરતા હતા. આજે બહુ ઘણા સમય પછી મળ્યા રમતુભાઈ હમણા. કેટલો આનંદ થાય, વર્ષો પછી, એ બધા સાથીઓ, તેમની વચ્ચે સાયકલ ઉપર ફરીને કામ કર્યું હોય, સિધુમ્બર અવારનવાર મને જવાનું ગમે અને વનરાઈની વચ્ચે જઈને રહેવાનું. ને નદીનું ઝરણું નાનકડું ચાલતું હોય, ને મજા આવી જાય.
ભાઈઓ-બહેનો,
આપણે ગુજરાતના લોકો એવા છીએ કે જે ખભેખભો મિલાવીને, સાથે રહીને સંપૂર્ણ ગુજરાતનો વિકાસ કરીએ, સમાજનો વિકાસ કરીએ, એવો આપણા માટે આ અવસર છે. અને એમાં આપણે ક્યારેય પાછી પાની નથી કરતા. આપણી સમાજસેવાની સમૃદ્ધ પરંપરા રહી છે. અને, તમે જુઓ આપણા ધરમપુરમાં, ધરમપુર અનેક રીતે ઓળખાતું રહ્યું છે. કોઈક જમાનામાં ધરમપુર સંગીતની દુનિયામાં ઘણું બધું કામ કરતું હતું. એ મારું ધરમપુર આજકાલ શ્રીમદ્ રાજચંદ્ર મિશન, એના નામથી જાણીતું થઈ ગયું. ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલ બાળક, મહાત્મા ગાંધી બનાવનાર, એ શ્રીમદ્ રાજચંદ્રજી ગાંધીજીના જીવનમાં મોટી પ્રેરણા રહી હતી, અને આજે ધુણી ધખાવીને રાજચંદ્રજીના વિચારોને લઈને ધરમપુરમાં મોટો યજ્ઞ ચાલી રહ્યો છે, જનકલ્યાણનો યજ્ઞ, જનસેવાનો યજ્ઞ, આદિવાસી, ગરીબોના કલ્યાણનો યજ્ઞ ચાલી રહ્યો છે. તેની હોસ્પિટલ, મારે રૂબરૂ આવવું હતું પણ આવી નહોતો શક્યો. મેં વી.સી.થી ઉદઘાટન કર્યું હતું. પણ જ્યારે ફરી મોકો મળશે, હું જવાનો તો છું જ. કારણ કે મને અમારા બધા કાર્યકરો વખાણ કરે કે એટલું સરસ બન્યું છે. જરૂર આવીશ. કારણ કે મારા આદિવાસી ભાઈઓની સેવા માટે કોઈ પણ કામ થાય, એ મને સૌથી વધારે ગમે.
ભાઈઓ-બહેનો,
રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતનો વિકાસ, એ ભાવના લઈને આપણે કામ કરતા રહ્યા છે, અને આ વિચારને લઈને કામ કરતા કરતા આપના આશીર્વાદથી જે કાંઈ શીખ્યો અને પછી તમે આદેશ કર્યો કે હવે તમે દિલ્હી જાઓ, તો દિલ્હી જઈને પણ તમારી પાસેથી જે શીખ્યો છું, સમજ્યો છું, એને દેશ માટે ઉપયોગમાં આવવા માટે કામ કરી રહ્યો છું. નિરંતર સશક્ત કરી રહ્યો છું, ભાઈઓ-બહેનો. મારા માટે ખુશીની વાત છે કે મારા ગયા પછી ગુજરાતની અંદર ભુપેન્દ્રભાઈ, સી.આર.પાટીલ, અનેક એવા ગણમાન્ય નેતાઓ મળ્યા, અહીં મંચ ઉપર આપ જોઈ શકો છો, એમણે કામને આગળ ધપાવ્યું. ગુજરાતની વિકાસયાત્રાને માટે પૂરી જહેમતથી કામ કરી રહ્યા છે.
ભાઈઓ-બહેનો,
ગુજરાતના વ્યાપારી, કારોબારી, કર્મચારી, કિસાન, અમારા માછીમાર ભાઈ-બહેનો, અમારા આદિવાસી ભાઈ-બહેનો, બધા જ લોકોએ નિરંતર મહેનત કરી છે, એના કારણે ગુજરાત બન્યું છે. આપણે હાથ લાંબા કરીને ઉભા રહેલા લોકો નથી. જ્યાં જરૂર પડી ત્યારે હાથ લાંબો કરીને મદદ કરી છે, મહેનત કરી છે અને એના કારણે ગુજરાત બન્યું છે. આજે ગુજરાતે, વિકાસના જેટલા માપદંડ હોય, એ બધા માપદંડમાં એની પોતાની એક ભુમિકા ઉભી કરી છે, પોતાનું એક સ્થાન ઉભું કર્યું છે. બે દાયકા પહેલાના, યાદ કરો ભાઈઓ, એવી આપણે નિરાશાનું વાતાવરણ હતું. અસ્થિરતામાંથી ઉભા થયેલા લોકો હતા આપણે. એમાંય ભૂકંપ આવ્યો, લોકો એમ માનતા હતા કે ભાઈઓ-બહેનો, આ ભૂકંપ પછી આ ગુજરાત તો મોતની ચાદર ઓઢીને સૂતું છે. આ ગુજરાત ક્યારેય ઉભું નહિ થાય. એવા દિવસો હતા, વાર-તહેવારે હુલ્લડો થાય, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે. શાંતિ ડહોળી નાખવામાં આવે. ધંધા-રોજગાર બબ્બે મહિના માટે પાછા ખોરવાઈ જાય, એવા દિવસો હતા. એ બધા પડકારોને આપણે ઝીલ્યા. અને બધામાંથી રસ્તો કાઢીને આપણે ગુજરાતીઓએ ભેગા થઈને આ ગુજરાતને આજે પહોંચાડ્યું છે. આજે ગુજરાતીઓ દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. આજે ગુજરાતના લોકો, ગુજરાતના વિદ્યાર્થીઓ, મારા ગુજરાતના આદિવાસી ભાઈ-બહેનો, અહીંના ઉદ્યમીઓ, ચારેતરફ છવાયેલા છે, અને એટલે જ પ્રત્યેક ગુજરાતી, ચાહે મારો આદિવાસી હોય, મારો માછીમાર હોય, ચાહે શહેરમાં રહેતો હોય, ચાહે ગામડામાં રહેતો હોય, આત્મવિશ્વાસથી ભરેલો છે. અને એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, અંતરમનનો અવાજ બોલે છે, પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નીકળે છે, કયો નાદ નીકળે છે? કયો નાદ નીકળે છે? ભાઈઓ-બહેનો, અંતરમનમાંથી નીકળે છે અવાજ, એ હું કહું છું, એ નીકળે છેઃ આ ગુજરાત મેં બનાવ્યું છે. હું કહીશ, “આ ગુજરાત...” તમે બધા હાથ આમ કરીને બોલજો, “મેં બનાવ્યું છે.”
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
ઔર જોર સે... “આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ ખુબ મહેનત કરીને લોહી-પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે, ભાઈઓ. એટલે આજે પુરી દુનિયામાં અમારો એક જ સંદેશો છે, અને એ સંદેશો છે, “આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
આજે મને યાદ છે, વીસ-પચીસ વર્ષ પહેલાં અમારી દીકરીઓ, નિશાળનું નામ નહિ, એમના માટે. અને જાય તો એકડુ, બગડુ, પાંચડા સુધી પહોંચીને છોડી દે. એ દિવસોમાં આપણા ગુજરાતમાં 13, 14, 15 જૂનના દિવસો, ધોમધખતો તાપ હોય, વીજળીના વલખા હોય અને એવા દિવસોમાં હું કન્યાકેળવણી રથ લઈને ગામડે ગામડે જતો હતો અને ભિક્ષા માગતી હતી અમારી આખી ટીમ, અમારા બધા મંત્રીઓ. ભિક્ષામાં અમે કહેતા હતા કે તમારી બેટી ભણાવવાનું તમે મને ભિક્ષામાં વચન આપો અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દીકરીઓ ભણાવવાનું. અન્ય વિસ્તારોમાં દીકરીઓને ભણાવવાનું મેં બીડું ઉઠાવ્યું અને આજે મારી એ દીકરીઓ, આજે ગુજરાતનું નામ રોશન કરી રહી છે. તમને યાદ હશે, ઉમરગામથી અંબાજી, આખા અમારા જનજાતિ પટ્ટામાં વિજ્ઞાન પ્રવાહની નિશાળ નહોતી, ભાઈ. વિજ્ઞાન પ્રવાહની નિશાળ. આજે અનેક વિજ્ઞાનની કોલેજો, પ્રોફેશનલ શિક્ષણની કોલેજો, આઈ.ટી.આઈ., ગોવિંદ ગુરુ અને ભગવાન બિરસા મુંડાની યુનિવર્સિટી. આ બધું મારા આદિવાસી પટ્ટામાં. હવે હોસ્પિટલો, એક જમાનો હતો આપણે ડોક્ટર માટે વલખાં મારતા હતા. આજે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલો અને મેડિકલ કોલેજો. પાંચ પાંચ મેડિકલ કોલેજો, આદિવાસી પટ્ટામાં, ભાઈ. અને થોડા મહિના પહેલાં જ અહીંયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું થયું. પશુ ચિકિત્સાલયની પણ ચિંતા, એનો શિલાન્યાસ કરવાનો અવસર આપે મને આપ્યો હતો. આદિવાસી ક્ષેત્રોમાં આટલો મોટો બદલાવ.
ભાઈઓ-બહેનો,
એટલા જ માટે આજે પરિવર્તન આવ્યું છે. આજે આત્મવિશ્વાસ ઉભો થયો છે. આ પ્રગતિના નવા નવા સોપાન સર થઈ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઈઓ, બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે,
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
જરા બે હાથ ઉપર કરીને મને અવાજ જોઈએ.
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
ભાઈઓ-બહેનો,
આપ યાદ કરો, વીજળી-પાણીની શું સ્થિતિ હતી? અરે સાંજે વાળુ કરતી વખતે વીજળી નહોતી આવતી, ભાઈઓ. લોકો કહેતા હતા કે છ વાગ્યા પહેલા જમી લો, નહિ તો અંધારું થઈ જશે. આજે ગુજરાતમાં ચોવીસ કલાક ઘરમાં વીજળી. આ કામ આપણે કરી શક્યા, એના કારણે મારા આદિવાસી દીકરા-દીકરીઓ રાત્રે ભણી શકવા માંડ્યા. આપણા કપરાડામાં વરસાદ તો પડે, પાણી ઢળી જાય. અમારા ધરમપુરમાં વરસાદ પડે, પાણી ઢળી જાય. સમુદ્ર ભેગું થઈ જાય, અને અહીંયા પાણી માટે વલખાં મારવાં પડે. માર્ચ, એપ્રિલ, મે મહિનો આવે, એટલે પીવાનું પાણી ના મળે. એવી દશા થઈ જાય. આ દુઃખ અમને સમજણ પડે, ભાઈઓ, અને એટલે અમે આ બધા ક્ષેત્રોમાં પાણીની વ્યવસ્થા, નદીઓ... અને પાછી આપણી નદીઓ નીચે અને વસતી ઉપર. અને એટલા માટે અમે આના વિકાસ કરીને પાણી પહોંચાડવા માટે અભિયાન. નહિ તો પહેલા તો ટાંકી બનાવે ને સાહેબ, તો મહિના સુધી ઢોલ વગાડે, બોલો. ટાંકી બનાવે તો ઢોલ વગાડતા. હેન્ડ પંપ લગાવે તો ગામ પેંડા વહેંચે એવી દશા હતી. આજે એસ્ટોલ જેવી યોજનાઓ. એના કારણે બસ્સો મંજિલા (માળ) જેટલું પાણી ઉપર ચઢાવી દે. આ મારા આદિવાસી ગામોમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાત, ગ્રામીણ પરિવારોએ હવે સો ટકા પાઈપથી ઘરમાં નળ ચાલુ કરે ને પાણી આવે એવી વ્યવસ્થા થઈ છે. મારા ગુજરાતની માતાઓ, બહેનોના આશીર્વાદ, આ જ મારી તાકાત છે, અને બહેનોને ઘરમાં પાણીની વ્યવસ્થા થાય ને એટલે એક અવાજે બોલે, બહેનોનો એક જ સ્વર હોય, હાથ ઊંચા કરીને મારી બહેનો બોલે, ભાઈઓ બોલે...
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
મા નર્મદાનાં પાણી, ત્યાં સૂક્કોભઠ્ઠ વિસ્તાર હતો, જે દક્ષિણ ગુજરાતમાં પાણી છે ને, ઉત્તર ગુજરાત ને કચ્છ, કાઠીયાવાડે તો પાણી જોયું નહોતું. આ મા નર્મદાએ જઈને એમના લીલા દહાડા લાવી આપ્યા, અને ગુજરાતવાસીઓએ નર્મદા માટે લડાઈ લડી છે, અને મારા માટે તો ખુશીની વાત એ છે, તાપીના કિનારે હોય પાણી ભરેલું હોય પણ નર્મદા માટે લડાઈ લડતો હતો. કારણ કે ગુજરાતવાળાને લાગતું હતું, ભલે મને તાપી પાસે પાણી મળતું હોય, મને ઉકાઈ ડેમ પાસેથી પાણી મળતું હોય, મને દમણગંગાથી પાણી મળતું હોય, પણ મારું કચ્છ છે, મારું કાઠીયાવાડ છે, મારું ઉત્તર ગુજરાત છે એને નર્મદાનું પાણી મળવું જોઈએ. એની લડાઈ દક્ષિણ ગુજરાતનો મારો આદિવાસી લડતો હતો, ભાઈઓ. જલસંરક્ષણ હોય, ટપક સિંચાઈ હોય, સુક્ષ્મ સિંચાઈ હોય, ગુજરાતે, આપણા કિસાનોએ નેતૃત્વ લીધું અને અમારા ખેડૂત ભાઈઓએ જે પરિવર્તન કર્યું. મારા દાહોદ જિલ્લાના આદિવાસીઓ, ખેતર ના કહે, ફુલવાડી કહે, અને કૃષિ ક્ષેત્રમાં પણ, અહીંયા અમારે વાડી યોજના વલસાડ જિલ્લામાં, એને એટલી બધી સફળતા મળી કે જ્યાં મકાઈ અને બાજરો મળતો ત્યાં કેટલાય વિસ્તારોમાં કાજુ પકવતા થઈ ગયા, ભાઈઓ-બહેનો. અને આ મારું તો વલસાડ, મેન્ગો કેપિટલ. અહીંથી હું ચીકુ લઈ જઉં ને, દિલ્હીમાં કોઈને આપું તો પહેલાં તો ચીકુ જોઈ જ રહે, કે આવડા મોટા ચીકુ, હું કહું, અમારા વલસાડ જિલ્લાના છે, ભાઈ.
ભાઈઓ, આજે શેરડી, જમરુખ, લીંબુ, પપૈયુ, કાજુ, આ બધી ખેતી આપણી બાજુ થવા માંડી છે. ભાઈઓ-બહેનો જે જમીનમાં આપણને તકલીફ પડતી હતી, પાણીનો અભાવ હતો, વ્યવસ્થાઓ નહોતી, ત્યાં આજે અમારો ખેડૂત, અને એટલે જ આજે ખેતીમાં જે પરિવર્તન આવ્યું છે, ગુજરાતના ખેડૂતોના જીવનમાં લીલોતરી આવી છે. એના કારણે મારો ખેડૂત બોલે છે. અમારા ખેડૂતનું હૈયું બોલે છે, અમારો ખેડૂત બે હાથ ઉપર કરીને બોલે છે,
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
આ ગુજરાત મેં બનાવ્યું છે, આ મારો ખેડૂત બોલે છે, ભાઈઓ.
ગુજરાતમાં આવડો મોટો આપણો સમુદ્રતટ. હિન્દુસ્તાનમાં સૌથી મોટા સમુદ્રતટવાળું રાજ્ય આપણું ગુજરાત. પરંતુ ત્યાં ગામડા ખાલી થાય, લોકોને, આપણે એને જીવતું કરી નાખ્યું. જાતજાતના બંદરો બનાવ્યા. અમારા માછીમારો માટે, એમના માટે વ્યવસ્થાઓ ઉભી કરી, અને એના કારણે પોર્ટલેડ ડેવલપમેન્ટ. બંદર આધારીત વિકાસ. બંદરના નેતૃત્વમાં સાર્વત્રિક વિકાસ. એને આપણે ઉપાડ્યું. બંદરો સાથે કનેક્ટિવિટીની ચિંતા કરી. સી બેલ્ટ ટુરિઝમ આપણે શરૂ કર્યું. માછીમારીના કારોબારમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ. આપણા ગુજરાતના દરિયાકિનારાથી માછલી પકડીને દુનિયાના દેશોમાં જવા માંડી, ભાઈઓ. આજે ગુજરાતના અમારા બંદરો માલની બાબતમાં આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ધમધમી રહ્યા છે આપણા બંદરો. એના કારણે લોકોને રોજીરોટી મળી રહી છે. નવા નવા ફિશિંગ હાર્બર આપણે બનાવી રહ્યા છીએ. એના કારણે મારા માછીમારની જિંદગી આસાન થઈ રહી છે.
ભાઈઓ-બહેનો,
વલસાડમાં તો સી-ફૂડ પાર્ક એના કારણે આપણી નિકાસ વધારવામાં મદદ કરી છે. એના કારણે રોજગાર ઉભા થયા છે, અને અમારું વલસાડ તો, અમારું સુરતનો કિનારો, અમારો નવસારીનો પટ્ટો, એણે તો કેટલા બધા પ્રયોગો નવા નવા કર્યા છે. મોતી પકવવા સુધીના કામો અમારા માછીમાર ભાઈઓ કરતા થઈ ગયા, ભાઈઓ, અને એ મોતીઓની ચર્ચા થવા માંડી છે. અમે, લોથલ હજારો વર્ષ જુનું. ભુલાવી દીધું હતું. અમારા દરિયાકિનારાની તાકાત હતી. એ લોથલને ફરી ઉભું કરવા માટે અહીં આપણે પળોજણ આદરી છે અને મોટા પાયા ઉપર ટુરિઝમને આકર્ષણ કરે એવું મોટું કામ આપણે કરવાના છીએ.
ભાઈઓ-બહેનો,
આ મારા માછીમાર ભાઈઓની જિંદગીમાં જે બદલાવ આવ્યો છે, મારા માછીમારોમાં જે આત્મવિશ્વાસ આવ્યો છે, આ મારા માછીમારોનો ઝંડો દુનિયામાં ફરકવા માંડ્યો છે ને એટલે મારો આદિવાસી ભાઈ બોલે છે. મારો માછીમાર ભાઈ બોલે છે, મારો ખેડૂત બોલે છે, મારી બહેનો બોલે છે, મારો માછીમાર ભાઈ હાથ ઉપર ઊંચા કરીને બોલે છે, મારા માછીમાર ભાઈનો અવાજ છે,
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
“આ ગુજરાત...” (જનમેદનીનો અવાજ કે “મેં બનાવ્યું છે.”)
ભાઈઓ-બહેનો,
અહીંયા દૂધ સંજીવની યોજના, આઠ લાખ બાળકોને દૂધ પહોંચાડવાનું કામ, આ મારા વલસાડ જિલ્લાએ કરી બતાવ્યું, એમાં એંસી હજાર બાળકો, એમને દૂધ અહીંયા મળતું થયું, ભાઈઓ. રેગ્યુલરલી દૂધ મળે અને મારા બાળકો કુપોષણથી મુક્ત થાય. મારા ગુજરાતનું બાળક મજબુતીથી ઉભું થાય તો મજાનું ગુજરાત આવતીકાલે ઉભું થાય. હમણા વાત કરી અમારા ભુપેન્દ્રભાઈએ, વનબંધુ યોજના દ્વારા, આરોગ્યની ચિંતા ડબલ એન્જિનની સરકાર લગાતાર કરી રહી, ગરીબોના આરોગ્ય માટે કવચ આપવા માટે પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત, પાંચ લાખ રૂપિયા, પાંચ લાખ રૂપિયા સુધી બીમારી આવે તો તમારે એક રૂપિયો ખર્ચવો ન પડે. આ તમારો દીકરો દિલ્હીમાં બેઠો છે, એ તમારી ચિંતા કરે છે, સાહેબ. એના માટે અમે કામ કરીએ છીએ. અમારી મુખ્યમંત્રી યોજના અને એના કારણે અમારી માતૃશક્તિ યોજનાનો લાભ, ભાઈઓ, બહેનો, પોષણસુધા યોજના હોય, ગર્ભવતી માતાઓ-બહેનોને પોષણ માટે છ હજાર રૂપિયા આપવાની વાત હોય, અમે આ સતત કામ કરતા રહ્યા. અમારા યુવામિત્રો હોય, વીસ-પચ્ચીસ વર્ષમાં કદાચ તમને કલ્પના નહિ હોય કે જે મહેનત તમારા મા-બાપે કરી છે, અમારી દરેક વાતને ખભે ઉપાડીને કરી છે, એના કારણે આપણું ગુજરાત આજે આટલું આગળ ગયું છે. હવે સમય તમારો છે મારા જુવાનિયાઓ. જે પહેલી વાર મત આપવા જવાના છે ને, આ આવનારા પચ્ચીસ વર્ષ તમારા છે, ત્યારે દેશ આઝાદીના 100 વર્ષ મનાવશે ને, ત્યારે નેતૃત્વ તમારા હાથમાં હશે ભાઈઓ, અને એના માટે મારો યુવાન ગુજરાત બનાવવાનો સંકલ્પ લઈને આગળ વધે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ભાઈઓ-બહેનો. ગુજરાત પ્રગતિની રાહ ઉપર ચાલી રહ્યા છીએ. ગુજરાતના લોકો દુનિયાની અંદર નામ કમાવતા જાય અને એક તાકાત સાથે ઉભા થાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ-બહેનો,
ગુજરાતને નફરત ફેલાવનારા લોકો, એમને ગુજરાત ક્યારેય સ્વીકાર કરશે નહિ. જેમણે જેમણે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે, જેમણે જેમણે ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે, આ ગુજરાતની જનતાએ એમને વાળી-ચોળીને સાફ કરી નાખ્યા છે. આ ચૂંટણીમાં પણ એ લોકોની એવી જ દશા થવાની છે, ભાઈઓ-બહેનો. વર્ષોથી ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકી છાશવારે ગુજરાતને બદનામ કરવાના રસ્તાઓ શોધનારી ટોળકી, એને ગુજરાત બરાબર પારખી ગઈ છે અને ગુજરાતના બબ્બે દાયકા થઈ ગયા. એની વાતમાં ક્યારેય આવતી નથી, અને એટલે જ એમને તકલીફ થઈ રહી છે કે આટલું બધું અમે કરીએ છીએ, આટલા જુઠાણા ફેલાવીએ છીએ, આટલો અપપ્રચાર કરીએ છીએ, આરોપો કરીએ છીએ, ગુજરાતની જનતાને કેમ ફરક નથી પડતો. ફરક એટલા માટે નથી પડતો, કારણ કે આ ગુજરાતની જનતાએ ગુજરાત બનાવ્યું છે. આ મારા ગુજરાતના નાગરિકોએ ગુજરાત બનાવ્યું છે. રાત-દિવસ મહેનત કરીને ગુજરાત બનાવ્યું છે. એ ગુજરાતને ઊની આંચ આવે, એ મારા ગુજરાતીઓને મંજુર નથી. એ મારા આદિવાસી ભાઈઓને મંજુર નથી, એ મારા આદિવાસી જુવાનિયાઓને મંજુર નથી. એ મારી આદિવાસી દીકરીઓને મંજુર નથી, ભાઈઓ-બહેનો. અને આ કામ આજે મારો આદિવાસી ભાઈ-બહેનના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિ કરે અને ગુજરાત આવનારા દિવસોમાં ચૂંટણી, મતદાનની તારીખ નક્કી છે, એ વખતે કમળને યાદ રાખીએ, કમળ જ આપણો ઉમેદવાર, કમળ જ ગુજરાતને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી છે. આ કમળની તાકાત છે, એને લઈને આપણે બધા આગળ વધીએ, ખુબ મહેનત કરીએ, ગુજરાતને પ્રગતિની ઊંચાઈઓ ઉપર લઈ જવું છે. આટલી મોટી સંખ્યામાં આવી આપે આશીર્વાદ આપ્યા, એ બદલ હું આપનો ખુબ ખુબ આભાર માનું છું.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ધન્યવાદ, ભાઈઓ.