Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams: PM Modi in Jambusar
Congress and their like-minded people neither respect the tribals nor took care of their needs: PM Modi in Jambusar

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


સૌથી પહેલા આટલી મોટી સંખ્યામાં સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એમને પ્રણામ કરું છું.


મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો,


હું જોઉં છું, પેલું એલ.ઈ.ડી. લગાવ્યું છે એનીય પેલી બાજુ પબ્લિક છે. હવે એમને દેખાતું ય નહિ હોય અને સંભળાતું ય નહિ હોય. પણ આટલી મોટી સંખ્યામાં તમે અમને બધાને આશીર્વાદ આપવા આવો, અરે તમારી સેવા કરવામાં દિવસ-રાત ખપી જવાનું મન થઈ જાય, ભાઈ. અને હું બે દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં જઈ રહ્યો છું. દક્ષિણ ગુજરાતમાં ગયો, સૌરાષ્ટ્રમાં ગયો, ચારેય તરફ આ ચુંટણી ગુજરાતની જનતા લડી રહી છે, ગુજરાતના નાગરિકો લડી રહ્યા છે. જેમને ગુજરાતની આવતીકાલની ગેરંટી જોઈએ છે, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી જોઈએ છે, એવા લોકો આજે ચુંટણીનું નેતૃત્વ સંભાળી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીનો વિજયવાવટો ઉજ્જવળ ગુજરાત, ભવ્ય ગુજરાત, દૈદિપ્યમાન ગુજરાત, એના માટે થઈને દિવસ-રાત જહેમત કરી રહ્યા છે. એવા ગુજરાતના નાગરિકોને હું પ્રણામ કરું છું. જંબુસરના નાગરિકોને પ્રણામ કરું છું. ભરુચ જિલ્લાના નાગરિકોને પ્રણામ કરું છું. હવે તમે મને કહો, ભાઈ, દેશમાં કોઈ એવો પ્રધાનમંત્રી તમને મળે? કે જેને જંબુસર ક્યાં આવ્યું એ ખબર છે? આમોદ ક્યાં આવ્યું એ ખબર છે, એવો કોઈ મળે તમને? ઝગડીયા ક્યાં આવ્યું? એને ખબર જ ના પડે કે ઝગડીયા ગામ છે કે ઝગડીયા સ્વભાવ છે. હવે એ લોકો ગુજરાતનું ભલું કરી શકે, ભાઈ? મને કહો, જેને ખબર ના હોય એ તમારા સુખ-દુઃખની ચિંતા કરી શકે? કરી શકે? આ તમારો ઘરનો જણ હોય, ઘરનો માણસ હોય તો સુખે-દુઃખે તમારી જોડે રહે કે ના રહે? આટલી સમજ તો આપણા ગુજરાતવાળાને હોય જ ભાઈ,


ભાઈઓ, બહેનો,


થોડા દિવસ પહેલા મને ભરુચમાં વિકાસનો મહોત્સવ ઉજવવા માટેનો અવસર મળ્યો હતો. અને આજે લોકતંત્રનો ઉત્સવ ઉજવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. જંબુસરનો આ ઉત્સાહ, આ ઉમંગ આખા ભરુચ જિલ્લાનો જે વિશ્વાસ છે ને, એ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે, ભાઈઓ. જે તમારામાં પડ્યું છે ને એ મને ગુજરાતમાં ખુણે ખુણે દેખાઈ રહ્યું છે. ગુજરાતના અમૃતકાળનો, આ અમૃતકાળની વિકાસયાત્રાની શરૂઆત છે, ભાઈઓ. અને એટલે જ ચારે તરફ એક જ વાત સાંભળવા મળે છે. એક જ નારો સાંભળવા મળે છે. એક જ શંખનાદ સાંભળવા મળે છે.


એક એક ગુજરાતી કહે છે,


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


આ જ ગૌરવથી ભરેલું આપણું ગુજરાત, એણે જે પુરુષાર્થ કર્યો છે, જે પરિશ્રમ કર્યો છે, અને ડગલે ને પગલે માત્ર ને માત્ર ગુજરાતનું કલ્યાણ થાય તો એ કલ્યાણમાં અમારું કલ્યાણ નક્કી જ છે, એવો જેમનો વિશ્વાસ છે, અને એના માટે થઈને ખભે-ખભો મિલાવીને કામ કર્યું છે, અને એટલે જ પ્રત્યેક ગુજરાતી ગૌરવપૂર્વક બોલે છે. પ્રત્યેક ગુજરાતની માતા-બહેનો ગૌરવપૂર્વક બોલે છે. પ્રત્યેક ગુજરાતનો નાગરિક ગૌરવપૂર્વક બોલે છે કે


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ પ્રત્યેક ગુજરાતીનો આજે ભાવ છે કે અમે ગુજરાત બનાવ્યું છે, અને એના ફળ ગુજરાતને મળી રહ્યા છે, ભાઈઓ. તમે જુઓ, ભૂતકાળમાં ચુંટણીઓ થાય અને ભૂતકાળમાં સરકારો ચાલે તો છાપા ઉપર શું ચમકતું હોય? દિલ્હીમાં સરકાર હોય તો એક જ વાત હોય, આટલા કરોડના ગોટાળા, આટલા કરોડના ગોટાળા, આટલા કરોડના ગોટાળા... આ લૂંટી ગયો, પેલો લૂંટી ગયો, પેલો લૂંટી ગયો... આવું જ ચાલતું હતું ને? આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એવો ઝંડો રોપી દીધો છે, એવો ઝંડો રોપી દીધો છે કે, ગમે તે પોલિટીકલ પાર્ટી આવે, જાતિવાદ કરવાવાળી આવે તો પણ, ગુંડાગર્દી કરવાવાળી આવે તો પણ, ભ્રષ્ટાચારમાં ડૂબેલી હોય તો પણ, બધાએ હવે વિકાસની વાત કરવી જ પડે. આ વિકાસવાદની રાજનીતિ કોઈ લાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી લાવી છે, ભાઈઓ. અને આ ગુજરાતની મોટામાં મોટી દેન છે કે ગુજરાતે બધી પોલિટીકલ પાર્ટીઓને કહી દીધું કે ભઈ, બાકી બધું જવા દો, તમે ગુજરાતના કલ્યાણ માટે શું કરશો? ગુજરાતની આવતીકાલ માટે શું કરશો? એની વાત કરો. અને એટલે જ આજે ભરુચ અમારું અભુતપૂર્વ વિકાસની કેડી કંડારી રહ્યું છે. 20 વર્ષની અંદર ભાઈઓ, બહેનો, આ ગુજરાત કેટલું બધું બદલાઈ ગયું છે, આપણો ભરુચ જિલ્લો કેટલો બધો બદલાઈ ગયો છે, અને એના કારણે એક એવો વિશ્વાસ પેદા થયો છે, એ આપણે જાણીએ છીએ. તમે વિચાર કરો, બે દસક પહેલા આ ભરુચ જિલ્લામાં માથું ઊંચું કરીને ઉભા રહેવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? બહેન-દીકરીઓને સાંજે જવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? આ બધી મુસીબતો ગઈ કે ના ગઈ? વાર-તહેવારે હુલ્લડો થતા હતા, તે બંધ થયું કે ના થયું? સુખ-શાંતિ આવી કે ના આવી? કર્ફ્યુ... અહીં આપણા ભરુચ જિલ્લામાં તો છોકરું જન્મે તો કાકા-મામાનું નામ ના આવડતું હોય પણ કર્ફ્યુ શબ્દ ખબર હોય, એને. આ કર્ફ્યુ ગયો કે ના ગયો?


ગયો કે ના ગયો? (ઑડિયન્સમાંથી હા...)


શાંતિ આવી કે ના આવી? (ઑડિયન્સમાંથી હા...)


વિકાસ આવ્યો કે ના આવ્યો? (ઑડિયન્સમાંથી હા...)


ભાઈચારો આવ્યો તો આજે ભરુચ જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો?


ભાઈઓ, બહેનો,


ચાહે શિક્ષણની વાત હોય, શાળાઓની વાત હોય, કોલેજની વાત હોય, ગુણવત્તાની વાત હોય, આ બધી જ બાબતમાં આપણે નવી નવી ઊંચાઈઓ સર કરી છે, ભાઈઓ. આજે એન્જિનિયરીંગ કોલેજ, મેડિકલ કોલેજ, આ બધું ભરુચમાં ભાઈઓ. સિંચાઈની બાબતમાં, નર્મદા આટલી બધી આપણે ત્યાંથી જાય, પણ પીવાના પાણીના સાંસા પડે. આ મા નર્મદા આપણા, આપણે તો એના ખોળામાં મોટા થયા,તોય આપણા ખેતરોને પાણી ના મળતા હોય, એમાંથી રસ્તા કાઢવાનું કામ આ ભાજપ સરકારે કર્યું છે. આજે દૂધનું ઉત્પાદન હોય, કે પછી 20 વર્ષમાં ભરુચ જિલ્લાના વિકાસની કોઈ પણ બાબત લઈ લો, તમે, સાહેબ. 20 વર્ષની અંદર બે ગણો, અઢી ગણો, ત્રણ ગણો વિકાસ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે કર્યો છે, અને ઉદ્યોગોમાં તો, આ ભરુચ જિલ્લાએ જે હરણફાળ ભરી છે ને, હિન્દુસ્તાનના નાના નાના રાજ્યો કરતા પણ એકલો ભરુચ જિલ્લો આગળ નીકળી ગયો છે, ભાઈ. કોઈ ઉદ્યોગ એવો નહિ હોય કે જે આજે ભરુચ જિલ્લામાં નહિ હોય, ભાઈ. બે દસકમાં ભરુચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કુદકે ને ભુસકે વધી છે, ભાઈઓ. અમે અહીંયા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની વાત હોય, સૌથી મોટું ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, સૌથી મોટું પી.સી.પી.આઈ.આર. ભાઈઓ, બહેનો, ફર્ટિલાઈઝરનું મોટામાં મોટું કારખાનું, કેમિકલની મોટામાં મોટી કંપનીઓ, દવાની મોટામાં મોટી કંપનીઓ, અને આ બધાને લેબલ – ભરુચ. આ વટ પડી ગયો કે નહિ, ભરુચનો ભાઈ. અરે, આજે ભરુચ જિલ્લામાં બનેલી દવાઓએ દુનિયામાં કેટલાય લોકોની આ કોરોનામાં જિંદગી બચાવી છે. ભરુચવાળાની છાતી ફુલે કે ના ફુલે? ભાઈઓ. આ કામ થયું છે.

અને મારા ભુપેન્દ્રભાઈની સરકાર, ગુજરાતની સરકાર, એણે જે ઔદ્યોગિક નીતિ લાવી છે, ઔદ્યોગિક પોલિસી લાવી છે, એના કારણે તો આ ભરુચ જિલ્લા જેવા ઔદ્યોગિક રીતે આગળ વધી રહેલા જિલ્લાઓને તો મોટો કુદકો લાગવાનો છે. મોટી હરણફાળ ભરવાની છે, ભાઈઓ. અને એની સાથે સાથે લઘુઉદ્યોગોની જાળ, આ લઘુઉદ્યોગના કારણે અમારા આદિવાસી ભાઈઓ-બહેનો, મને યાદ છે, પહેલા અહીંયા રોડની માગણી આદિવાસી ભાઈઓ કરે, રેલવેની કરે તો શેના માટે કરે? કે સાહેબ મારે ત્યાં રોજી-રોટી માટે અપ-ડાઉન કરવાનું હોય છે, અમને આ કારખાનાઓમાં, અમે કામ કરીએ છીએ. અમે હવે પેલા રોડ બનાવવાના કામ બંધ કરી દીધા છે. અમે તો ઉત્પાદન કરવાવાળા બની ગયા છે.


ભાઈઓ, બહેનો,


આ પરિવર્તન એકલા એક જિલ્લાનું. કોઈ રાજ્યનું ના હોય ને એટલું બધું ભરુચ જિલ્લાનું આપણે કર્યું છે. ગરીબોના કલ્યાણને આપણે વરેલા છીએ. નરેન્દ્ર હોય કે ભુપેન્દ્ર હોય, આ સરકારનો જ મતલબ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને પાછો સૌનો પ્રયાસ. અને આ જ વાત કરીને ભાઈઓ, બહેનો, જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે પહેલા શું હાલત હતી? અરે આપણને ભરુચ જિલ્લામાં ખબર છે એક જમાનો હતો, આ ગરીબનું રાશન જે હોય ને, આ રાશન કાર્ડ પણ લૂંટી લેતા હતા ને રાશન પણ, આ ફર્જી કાર્ડમાં લૂંટાઈ જતું હતું, એ દિવસો... 20 વર્ષ પહેલા... આ જુવાનીયાઓને તો ખબર નહિ હોય કે ગરીબના રાશનમાંથી લૂંટ ચલાવનારા લોકો અહીં ભરુચ જિલ્લામાં બેઠા હતા અને રાજકીય મોટા મોટા નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેલીને ફર્યા કરતા હતા, ભાઈઓ. આ દશા હતી, અહીંયા...


આપણા ખેડૂતોને મદદ મળે, એમાંય આ વચેટીયાઓ એમની મલાઈ કાઢી જાય. સ્કોલરશીપ હોય, લોન હોય, ગરીબોને પાકું ઘર મળવાનું હોય, ગરીબોના હક્ક ઉપર ડગલે ને પગલે કમિશન સિવાય વાત નહિ. કટકી કંપની સિવાય વાત નહિ. એ પેલાના વાયા તમે જાઓ તો જ મેળ પડે, તો જ તમારી અરજી આગળ વધે. ભાઈઓ, બહેનો, આ દશા હતી. 100 વર્ષમાં આવડી મોટી ભયંકર આપદા આવી. આખી દુનિયા હલી ગઈ. કોવિડે સગા-વહાલાંનેય દૂર કરી દીધા. કુટુંબમાંય કોઈને કોવિડ થયો હોય તો બાકી લોકો એ રૂમમાં ન પ્રવેશે એવી દશા આવી ગઈ. મોત આમ ઉપર લટકતું હોય ને એવા દિવસો આવી ગયા હતા. એવે વખતે આ દેશનો કોઈ નાગરિક ભુખે ન મરે, ભાઈઓ, એને બે ટાઈમ એના ઘરમાં ચુલો સળગે, એના માટેના, ઘેર ઘેર રાશન પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે, ભાઈઓ. કારણ, કોઈ ગરીબ માના ઘરમાં ભુખ્યા છોકરા સૂતા ના હોય.

હમણાં મને હેલિપેડ ઉપર અમારી આદિવાસી સમાજની કેટલીક બહેનો સ્વાગત કરવા આવી હતી. મેં એમને પુછ્યું કે બહેનોમાં કેમ છે? મને કહે સાહેબ, એ તો એમ કહે છે કે અમારો દીકરો દિલ્હીમાં બેઠો છે ને, અમને ભુખે રહેવા જ ના દે, ભુખે રહેવા જ ના દે. જ્યારે આદિવાસી મા એમ કહેતી હોય કે દિલ્હીમાં એનો દીકરો બેઠો છે, ત્યારે આ દીકરાને કેટલો બધો આનંદ થાય? એ તમે કલ્પના કરી શકો છો, અને એ મા માટે કામ કરવા માટેનું કેટલું બધું મન થાય, ભાઈ. અને એટલા માટે 80 કરોડ લોકોને રાશન પહોંચાડ્યું, ભાઈઓ. અને ક્યાંય કોઈએ કટકી કરી હોય એવા વાવડ નથી આવવા દીધા, ભાઈઓ. આ કામ આપણે કર્યું છે. વેક્સિન... તમે મને કહો, આ મોદી સરકારે વેક્સિન મફતમાં ન આપી હોત, મારો ગરીબ, આદિવાસી ભાઈ-બહેન આ વેક્સિન લેવા જાત ક્યાં? આ અમારો ગરીબ ભાઈ-બહેન હજાર રૂપિયા ખર્ચો થાય એવી વેક્સિન ક્યાં લગાવવા જાય? અરે, અમારા માટે તો અમારા દેશના નાગરિકની જિંદગી પહેલી છે. 200 કરોડ ડોઝ, ભાઈઓ, 200, વિચાર કરો. આ કામ આપણે 200 કરોડ ડોઝ લગાવીને આ દેશના લોકોને સુરક્ષિત રાખવા માટેનું કામ કર્યું, ભાઈઓ, બહેનો. અને, એક કાણી પાઈ લીધી નથી. તમારે વેક્સિન લાગ્યું છે કે નહિ? તમે મને કહો. વેક્સિન લાગ્યું છે કે નહિ?


જરા, જરા હાથ ઉપર કરીને કહો ને? વેક્સિન લાગ્યું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)


બધાએ વેક્સિન લગાવ્યું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)


એક કાણી પાઈ આપવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


એક કાણી પાઈ આપવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


કોઈની લાગવગ લગાવવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


કોઈને ભ્રષ્ટાચાર કરવો પડ્યો હતો? (ઑડિયન્સમાંથી ના...)


અરે, આ સરકાર એવી છે, તમારી જિંદગી માટે થઈને દોડવાવાળી સરકાર છે. અને એટલા માટે કામ કર્યું છે.


ભાઈઓ, બહેનો,


આપણી પી.એમ. કિસાન સન્માન નિધિ સીધી બેન્કના ખાતામાં જાય. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા, 12 મહિનામાં 3 વખત, જ્યારે એને જરૂર પડે ત્યારે. અને અમારા ગુજરાતની અંદર લાખો કિસાનોને 12,000 કરોડ રૂપિયા આ પી.એમ. કિસાન સન્માન નિધિમાં મળ્યા. અને કોઈ કટકી કંપની નહિ. એક એવા પ્રધાનમંત્રી હતા, દેશમાં, એમ કહેતા હતા કે દિલ્હીથી રૂપિયો નીકળે ને તો 15 પૈસા પહોંચે છે. આ મોદી એવો માણસ, તમારો દીકરો બેઠો છે કે જેણે દિલ્હીથી રૂપિયો મોકલે એટલે 100 એ 100 પૈસા તમારા ખાતામાં જમા થાય. કોઈ વચેટીયા નહિ, કોઈ કટકી કંપની નહિ, ભાઈઓ. અને એના કારણે અમારા એકલા ભરુચ જિલ્લામાં 2 લાખ ખેડૂતો, ભાઈઓ, 2 લાખ ખેડૂતો, એમના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. ગેરંટીના કાર્ડ નથી વેચ્યા, 400 કરોડ રૂપિયા એના ખાતામાં જમા થઈ ગયા છે. આ કામ અમે કરીએ છીએ, ભાઈઓ. ગરીબોને પાકું ઘર મળે, એના માટે થઈને, પાછું એને જેવું બનાવવું હોય એવું બનાવે, એના ખાતામાં સીધા પૈસા જમા થાય. અને આજે તો ગરીબોના ઘર છે ને, એ સવા લાખ, દોઢ લાખ, પોણા બે લાખ રૂપિયાના બને છે, અને ગરીબને જ્યારે ઘર મળી જાય ને, એટલે રાતોરાત મારો ગરીબ લખપતિ બની જાય. દોઢ લાખના, બે લાખના, ઘરનો માલિક બની જાય. અને માલિક પાછી મા બને. અમે તો નક્કી કર્યું, સરકાર ઘર આપશે, એનું માલિકીમાં નામ માતાઓનું, બહેનોનું હશે, જેથી કરીને જીવનમાં કોઈ મુસીબત ના આવે, ભાઈઓ, બહેનો. આ કામ કર્યું છે. ગુજરાતમાં લાખો પાકા ઘર બનાવી દીધા, આપણે. કોઈ ગરીબને ફૂટપાથ ઉપર જિંદગી જીવી પડતી હતી, ઝુંપડીમાં જીવવી પડતી હતી, એટલું જ નહિ, ભાઈઓ, બહેનો, માતાઓ-બહેનો, એમના માટેની સુવિધા, એમના માટે સમૃદ્ધિ, એના માટે આપણે અનેક કામો લીઘા. હું તો કહું, મારી માતાઓ, બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે એમણે 20 – 22 વર્ષ પહેલાં, મને, આ મારી માતાઓ, બહેનો... હું આ ભરુચ જિલ્લામાં ખુબ ફરેલો છું, ભાઈઓ.

પહેલાં તો હું અહીં સાઈકલ ઉપર આવતો હતો. એટલો બધો મેં પ્રવાસ કર્યો છે. મારું આ કામ જ હતું. મારું કાર્યાલય હતું ભરુચમાં, પાંચ બત્તી પાસે. અહીં અમારે રોજ આવવાનું. મેં જોયું છે, મને યાદ છે, હું જ્યારે રાજકારણમાં આવ્યો તો મને લોકો પત્રો લખે. મને ઓળખતા હોય. નાની નાની વાતની રજુઆતો. અમારા ગામમાં આ કરજો, અમારા મહોલ્લામાં આ કરજો. અરે પેલી સ્ટ્રીટલાઈટ લગાવવી હોય ને તો પણ મને લખતા, લોકો. આજે વીજળી હોય, પાણી હોય, ગેસ હોય, ટોઈલેટ હોય, આ મારી માતાઓ-બહેનોને બધી મુસીબતોમાંથી મુક્તિ અપાવવાનું મેં અભિયાન ઉપાડ્યું. અને એના કારણે મને મારી માતાઓ, બહેનોના આશીર્વાદ પણ મળ્યા. ગર્ભાવસ્થાની અંદર અમારી માતાઓ-બહેનોને પુરતું પોષણ મળે, એમનું ચેક-અપ થાય, બાળકોનું ટીકાકરણ થાય, પોષક આહાર મળે, એના માટેની યોજનાઓ કરીને અમારી ગરીબ મા-બહેનોની ચિંતા અમે કરી છે. સમય પર ટીકા લાગે તો દીકરાની જિંદગી બચી જાય, સંતાનની જિંદગી બચી જાય, દીકરીની જિંદગી બચી જાય, કોઈ મોટા રોગચાળાનો ભોગ ના બને. હોસ્પિટલમાં ડિલિવરી થાય, એના માટેની ચિંતા, માતૃવંદના યોજના દ્વારા એના ખાતામાં સીધા પૈસા મોકલીએ. જેથી કરીને સુવાવડનો ટાઈમ હોય ત્યારે એના પેટમાં કંઈક આહાર જાય. પેટમાં જે સંતાન હોય એને પણ કંઈક મળે, એની ચિંતા. રોજગારની વાત હોય, સ્વરોજગારની વાત હોય, બહેન-દીકરીઓ માટે અનેક બધા અવસરો આપણે ઉભા કરવાનું કામ કર્યું છે. સખી મંડળોની રચના. આપણા ગુજરાતની અંદર સખી મંડળોને એટલા બધા સશક્ત કર્યા, બેન્કોમાંથી એમને પૈસા ડબલ મળે એની વ્યવસ્થા કરી, અને મામુલી વ્યાજથી પૈસા મળે, અને એ જે ઉત્પાદ કરે, એને દુનિયાના બજારમાં વેચવા માટેની મથામણ કરવાનું કામ આજે કર્યું, એના કારણે મારી બહેન-દીકરીઓ વિના ગેરંટી, કોઈ ગેરંટી વગર મુદ્રા યોજના લઈને બેન્કોમાંથી લઈ લઈને આજે ધંધા-રોજગારની અંદર આગળ આવી રહી છે.


ભાઈઓ, બહેનો,


વિકાસનું કોઈ ક્ષેત્ર એવું ના હોય, ચાહે યુવાનો હોય, ચાહે મહિલાઓ હોય, ચાહે દરિયાકિનારે રહેતો મારો માછીમાર ભાઈ હોય, બધાના ભલા કરવા માટે આપણે કામ કરીએ. અને અમે, અમારા આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે તો એક મહાયજ્ઞ આદર્યો છે. એમના જીવનમાં બદલાવ લાવે, એમના જીવનમાં આત્મનિર્ભરતા આવે, ગુજરાતની પ્રગતિમાં મારો આદિવાસી ભાઈ ભાગીદાર બને, ગુજરાતની પ્રગતિનું નેતૃત્વ કરે, એના માટે અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. કોંગ્રેસવાળાને તો આદિવાસીઓ આ દેશમાં છે કે નહિ, એની ખબર જ નહોતી. તમે વિચાર કરો, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? ભાઈ...


જરા જવાબ આપવો પડશે, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


કૃષ્ણના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


શિવાજી મહારાજના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


રાણા પ્રતાપ જોડે લડાઈ લડવામાં આદિવાસી ભાઈઓ-બહેનો હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


1857ની લડાઈમાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


અમારા આદિવાસી ભાઈઓએ આ દેશની સંસ્કૃતિ, આ દેશ માટે આટલું બધું કર્યું. પણ આ કોંગ્રેસવાળાને ખબર જ નહોતી કે આદિવાસીઓ હોય છે. નહિ તો આઝાદીના આટલા બધા વર્ષો પછી, જ્યાં સુધી અટલજીની સરકાર ના બની ને, ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય જ નહોતું, બોલો. અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓનું મંત્રાલય બનાવ્યું. આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું. અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું. આ કોંગ્રેસના લોકો તો અત્યાર સુધી, કોઈ મને આદિવાસીનું જાકીટ પહેરાવે કે મને આદિવાસી પાઘડી પહેરાવે તો મજાક ઉડાવતા હતા. આદિવાસીઓના પહેરવેશ ઉપર મજાક ઉડાવનારી આ કોંગ્રેસ પાર્ટી, અને એમના આ કોંગ્રેસના નેતાઓ, વાર-તહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો, એમના પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના ના કરી શકાય, ભાઈઓ. એમના મનમાં ક્યારેય વિચાર જ ના આવ્યો કે આ આદિવાસી ભાઈઓ-બહેનો, એમનામાં એક તાકાત પડી છે, આ ભારતને આગળ લઈ જવાનું સામર્થ્ય પડ્યું છે. કોંગ્રેસે આદિવાસીઓને એના હાલ ઉપર છોડી દીધા હતા. એમના નસીબ ઉપર છોડી દીધા હતા. કુપોષણની મોટી સમસ્યા અમારા આદિવાસી પરિવારોમાં, અમારી આદિવાસી દીકરીઓને, એના સ્વાસ્થ્યની સુરક્ષા, એના માટે આહારની સુરક્ષા, એના માટે શિક્ષણની ચિંતા, એના માટે કનેક્ટિવિટીની ચિંતા, એને અભાવમાંથી, સમસ્યામાંથી મુક્ત કરીને આદિવાસી ક્ષેત્રોમાં સમૃદ્ધિ આવે, સામર્થ્ય આવે, એના માટે ભાજપ સરકારે કામ કર્યું. એના માટે સંકલ્પ લીધા, અને એના કારણે આજે ઉમરગામથી અંબાજી સુધી અમારા આદિવાસી પટ્ટાની અંદર, આ ઈમાનદાર સરકાર, મહેનત કરનારી સરકાર, અનેક યોજનાઓ લાવ્યા, એના કારણે આજે આદિવાસીઓનું કલ્યાણ થઈ રહ્યું છે, ભાઈઓ. એના માટે... અને આ કોંગ્રેસની ઈકો-સિસ્ટિમ... આત્મસન્માનની વાત આવે, તો આદિવાસીઓના આત્મસન્માનને કચડી નાખો. અમે એમના ગૌરવનો વિચાર કર્યો. આદિવાસીઓના ગૌરવને માટે થઈને, એને સશક્ત કરવા માટેની અમે યોજનાઓ બનાવી. અમે પાલ ચિતરીયાની અંદર અમારા આદિવાસીઓમાં જલિયાંવાલા બાગ જેવી ઘટના બની હતી. આ કોંગ્રેસને કોઈ દિવસ યાદ ના આવ્યું.

અમારા ભિલોડા પાસે પાલ ચિતરીયાની અંદર જલિયાંવાલા બાગ જેવી આઝાદીના જંગમાં લડાઈ લડનારા અમારા આદિવાસીઓને અમે સન્માન કર્યું, ભાઈઓ. આદિવાસી બાળકોને શિક્ષણ મળે, એના માટે અમે કામ કર્યું, આદિવાસી યુવાનોને રોજગાર મળે એના માટે અમે કામ કર્યું. આદિવાસીઓને વાજપાયીજીની સરકારે અલગ મંત્રાલય આપ્યું. આદિવાસીઓના કલ્યાણ માટે અલગ વ્યવસ્થા કરી. અમે આદિવાસીના આખા ઉમરગામથી અંબાજી પટ્ટા ઉપર 10,000 જેટલી નવી સ્કૂલો બનાવી, ભાઈઓ, બહેનો. અમે આદિવાસી વિસ્તારની અંદર એકલવ્ય શાળાઓ બનાવી. અમે આદિવાસી વિસ્તારની અંદર છાત્રાલયો ઉભા કર્યા, દીકરીઓ માટે અલગ વ્યવસ્થા કરી. અમે દીકરીઓ શાળાએ જાય એ માટે આદિવાસી નિશાળોની અંદર ટોઈલેટની વ્યવસ્થા કરી. 20 વર્ષ પહેલાં આદિવાસી વિસ્તારમાં હોનહાર વિદ્યાર્થીઓને આગળ ભણવું હોય તો એના માટે કોઈ વ્યવસ્થા નહોતી. આજે આદિવાસી વિસ્તારની અંદર સાયન્સ સ્ટ્રીમની શાળાઓનું અમે આખું નેટવર્ક ઉભું કરી દીધું. અમે પ્રોફેશનલ કોર્સીસ શરૂ કરી દીધા. અમે ગયા બે દસકની અંદર આદિવાસી વિસ્તારમાં 11 સાયન્સ કોલેજ, 11 કોમર્સ કોલેજ, 23 આર્ટ્સ કોલેજ, આ અમારી ભાજપાની સરકાર છે કે જેણે સેંકડો આદિવાસીઓ માટે હોસ્ટેલો તૈયાર કરી. અમારા હજારો આદિવાસી બાળકો જંગલોમાં જીવતા હતા, એ હોસ્ટેલોમાં રહે. અમે બે તો આદિવાસી યુનિવર્સિટીઓ બનાવી, ભાઈઓ.

કોઈ કલ્પના પણ ના કરે, અમે વનબંધુ કલ્યાણ યોજન દ્વારા આદિવાસીઓને આર્થિક મજબુતી આપવા માટે 1 લાખ કરોડ રૂપિયા, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના વિકાસ માટે ખર્ચ્યા. અમે આદિવાસીઓના આરોગ્યમાં સૌથી મોટી મુસીબત હતી, સિકલસેલની, આ સિકલસેલમાંથી મુક્તિ અપાવવા માટે આદિવાસીઓને, આ રોગમાંથી, જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે અનેક લોકોની મદદ લઈને વૈજ્ઞાનિક તરીકાથી અમે આગળ વધી રહ્યા છીએ. અનેક વિસ્તારોમાં ડિસ્પેન્સરી, અમે વેલનેસ સેન્ટર ઉભા કર્યા, અમે મેડિકલ સેન્ટર ઉભા કર્યા, અમે હોસ્પિટલની વ્યવસ્થા કરી. અરે, સાપ કરડી જાય તો આદિવાસીને હોસ્પિટલ જતા પહેલા પ્રાણપંખેરું ઊડી જાય, અમે 108ની અંદર આદિવાસીઓ માટે સાપના માટેની ઈન્જેક્શન આપવાની પણ વ્યવસ્થા અમે કરી દીધી. જેથી કરીને ઝેર એના શરીરમાં ફેલાય નહિ અને હોસ્પિટલ જાય ત્યાં સુધીમાં બચી જાય. આટલી ઝીણી ઝીણી ચિંતાઓ કરવાનું. આદિવાસીના યુવાનોમાં સ્વાભિમાન આવે, એના માટે અમે કામ કર્યું. ભગવાન બિરસા મુંડા, આઝાદીના નાયક, આદિવાસી માતાની કુંખેથી જન્મેલ વીર નાયક, એમને ભુલાવી દીધા હતા. ભગવાન બિરસા મુંડાનું નામ આ ભાજપ આવ્યું, એ પહેલા તમે સાંભળ્યું પણ નહિ હોય, ભાઈઓ. અમે તા. 15મી નવેમ્બર આ જનજાતિય ગૌરવ દિવસ તરીકે પુરા હિન્દુસ્તાનની અંદર ઉજવવાનું નક્કી કર્યું. જે અમારા ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ છે, ભાઈઓ, બહેનો.


દેશભરમાં આ સ્વાતંત્ર્યસેનાનીઓ, એમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું છે. એને ભુલાવી દીધું છે. અમે આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓ માટે મ્યુઝિયમ બનાવવા માટેની દિશામાં કામ કરી રહ્યા છીએ. આવનારી પેઢીને ખબર પડે કે અમારા આદિવાસી પૂર્વજોએ કેટલું મોટું દેશ માટે કામ કર્યું છે. હમણાં હું માનગઢ ગયો હતો. ગોવિંદ ગુરુ, અમારા માનગઢની અંદર જલિયાંવાલા બાગ જેવી બીજી ઘટના બની હતી. અમારા આદિવાસીઓને અંગ્રેજોએ બંદુકે વીંધી નાખ્યા હતા, મોતને ઘાટ ઉતાર્યા હતા. ગોવિંદ ગુરુની પ્રેરણા હતી, એ ગોવિંદ ગુરુના ધામમાં, માનગઢ ધામમાં જઈને આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું કામ અમે કર્યું છે.


ભાઈઓ, બહેનો,


આદિવસી કલ્યાણની જ વાતો હું કરું ને તો મારે અહીંયા અઠવાડિયા સુધી બેસવું પડે. હવે આજે ભરુચ જિલ્લો અમારો, વિકાસનો સાક્ષી બની રહ્યો છે. આજે ભરુચ મેં કહ્યું એમ ઔદ્યોગિક સેન્ટર બની રહ્યું છે. ઉદ્યોગોનો વિસ્તાર પુરી તરહ થાય એના માટે કામ કરીએ છીએ. એક ઈમાનદારીથી પ્રયાસ કરીને અમે આગળ વધી રહ્યા છીએ, ત્યારે, અને ઉદ્યોગો ત્યારે જ આવે, વીજળી હોય, પાણી હોય, કાયદો-વ્યવસ્થા હોય, અને યુવાનો માટે કામ કરવાનો અવસર હોય. આ બધી બાબતો આપણે ગુજરાતમાં પહેલા ધ્યાન કેન્દ્રિત કર્યું, એના કારણે ઔદ્યોગિક વિકાસ થયો. બલ્ક ડ્રગ પાર્ક... એનો શિલાન્યાસ મેં કર્યો હતો, ભાઈ. આ બલ્ક ડ્રગ પાર્ક છે ને, આખી દુનિયામાં તમારું નામ જાગતું કરવાનો છે. અમારું ફાર્માનું હબ બને ભરુચ જિલ્લો. અમારું ગુજરાત ફાર્માનું હબ બને, એના માટે અમે કામ કર્યું છે, જેથી કરીને નવજવાનોને રોજગારનો અવસર મળે, એના માટે અમે કામ કર્યા છે.


ભાઈઓ, બહેનો,


કોરોનાના કાળમાં વેક્સિન બનાવીને લોકોની જિંદગી બચાવવાનું કામ આ ગુજરાતની ધરતીમાં થયું છે, અમારા ભરુચ જિલ્લામાં થયું છે, અને અમારા જંબુસરમાં બનેલી દવાઓ, કરોડો લોકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે, ભાઈઓ. આ ગૌરવની ગાથા, આ મારા ગુજરાતના લોકોએ લખી છે. આદિવાસી ક્ષેત્રમાં ઉદ્યોગો વધારવા માટે ટ્રાયબલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપર આપણે કામ કરી રહ્યા છીએ, જેથી કરીને એની પ્રગતિ થાય. અમારા ભરુચને પીવાનું શુદ્ધ પાણી ના મળે. ભાડભૂત બેરેજ બનાવીશું, અને એના કારણે અમારા માછીમારોનું પણ કલ્યાણ કરવાની વ્યવસ્થા જોડી છે અને પીવાના પાણીની પણ સુવિધા કરી છે. અમે ઘોઘા – દહેજ ફેરી સર્વિસ. આખા સૌરાષ્ટ્ર જોડે ભરુચ જિલ્લાને જોડી દેવાનું કામ કર્યું છે, ભાઈઓ.

ખેતી હોય, ઉદ્યોગ હોય, વિકાસના દરેક ક્ષેત્રમાં અમે તેજ ગતિથી આગળ વધીએ છીએ. સિક્સ લેન રોડ, આજે દહેજ – હજીરા, 35 કિલોમીટરનો સિક્સ લેન રોડ, લોકો જોઈને તાજુબ થઈ જાય છે, ભાઈઓ. સડક હોય, રેલ હોય, હવાઈ કનેક્ટિવિટી, હવે અંકલેશ્વર, એરપોર્ટ. બધા મોટા મોટા નેતાઓ આવી ગયા, એમને સુઝ્યું નહોતું, કરવાનું. અમે કરવાના, આ કામ અમે કરવાના, ભાઈઓ. મુંબઈ એક્સપ્રેસ, અમારા આમોદ થઈને નીકળશે, તમારો તો જયજયકાર છે, ભાઈઓ. હું જેટલા ભવિષ્યના કામો ગણાવું ને તોય તમારું ભાગ્ય બદલનારા કામો છે, અને એટલા માટે હું કહું છું, ભાઈઓ, આ ચૂંટણી, ગુજરાતનું સંતોષી મન, ગુજરાતનો વિકાસને વરેલું મન, અને એટલા માટે તમારા સહયોગથી બધે જ કમળ ખીલવા જોઈએ.


ખીલશે ને ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


દરેક પોલિંગ બુથમાંથી કમળ નીકળશે ને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


દરેક પોલિંગ બુથમાંથી કમળ જ ઊગવું જોઈએ. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પાકું? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ઘેર ધેર જઈને સંપર્ક કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


મારી વાત પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને, જ્યારે હું ભરુચ જિલ્લામાં આવ્યો છું. આટલા બધા ગામનું મેં પાણી પીને હું મોટો થયો છું. આટલા બધા ગામોની ધૂળ ખાધેલી છે. કેટલા બધા લોકો મને ઓળખે છે. પણ કામ મારું એટલું બધું વધી ગયું, અને હું મળી ના શકતો હોઉં, તો મારું એક કામ તમે કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો તમે? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પાકા પાયે કરવાના હોય તો બોલો. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હાથ ઉપર કરીને કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


તમે જુઓ, આપણા ગામમાંથી કોઈ યાત્રાઓ જતું હોય, કોઈ કાશી જતું હોય, કોઈ અયોધ્યા જતું હોય, કોઈ બદ્રીનાથ, કેદારનાથ જતું હોય, કોઈ રામેશ્વરમ જતું હોય તો આપણે શું કહીએ, એમને કહીએ કે તમે જાઓ છો ને, તો એક કામ કરજો, મારા વતી પણ જરા ભગવાનને પગે લાગજો, એવું કહે કે ના કહે, બધા... આવું કહે ને...


ગંગામાં ડૂબકી મારવા જાય તો એમ કહે કે મારા વતી પણ ગંગાજીમાં એક ડૂબકી મારજો, એવું કહે કે ના કહે...


તમે આવનારા બે અઠવાડિયા, આ ચુંટણીમાં એક એક મતદારને મળવા જવાના છો. આ મતદારને મળવા જવું ને એ પણ એક તીર્થયાત્રા છે, ભાઈઓ. મતદાતા તીર્થરૂપ છે. એ આ દેશની લોકશાહીને બચાવે છે. આ દેશની પ્રગતિનો એ કર્ણધાર છે. એટલે આ તમારી તીર્થયાત્રા છે.


હવે જ્યારે તમે મતદારોરૂપી તીર્થયાત્રા કરવા જાઓ છો, ત્યારે મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જોરથી બોલો તો જવાબ આપો તો કહું, નહિ તો ના કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ખોંખારીને બોલો તો કહું, નહિ તો ના કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આ તીર્થરૂપ, તીર્થરૂપ મતદાતાઓને જ્યારે મળો, ત્યારે એમને હાથ જોડીને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, જંબુસર. નરેન્દ્રભાઈ જંબુસર આવ્યા હતા, અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે, નમસ્તે પાઠવ્યા છે. આટલું કહી દેશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જેમ કોઈ તીર્થ માટે જાય અને કહેતા હોય છે કે મારા વતી પગે લાગજો, એમ હું તમને કહું છું કે મારા વતી આ બધાને પ્રણામ કહેજો, અને કહેજો કે નરેન્દ્રભાઈએ ખાસ પ્રણામ પાઠવ્યા છે.


બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ખુબ ખુબ ધન્યવાદ.

Explore More
78 व्या स्वातंत्र्य दिनी, पंतप्रधान नरेंद्र मोदी यांनी लाल किल्याच्या तटावरून केलेले संबोधन

लोकप्रिय भाषण

78 व्या स्वातंत्र्य दिनी, पंतप्रधान नरेंद्र मोदी यांनी लाल किल्याच्या तटावरून केलेले संबोधन
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
सोशल मीडिया कॉर्नर 17 डिसेंबर 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government