શ્રીમાન ભુપેન્દ્રસિંહજી, રેવન્યૂ મિનિસ્ટર આનંદીબેન, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વસુબહેન, સરકારના અધિકારીઓ, વાઇસ ચાન્સેલરશ્રીઓ, ભિન્ન ભિન્ન એકૅડેમિક વર્ગ સાથે જોડાએલ સર્વે મહાનુભાવો..! મને ખબર નથી તમે કેટલા વાગ્યાથી બેઠા છો. હું મોડો આવ્યો કે તમે વહેલા આવ્યા તે નક્કી કરવું કઠિન છે, કારણકે જે કાર્યક્રમની મારી પાસે રચના છે એમાં કંઈક ગરબડ લાગે છે, એટલે આવીને હું બધું જોવા ગયો, બધા જુદા જુદા વર્ગખંડોમાં શું ચાલે છે, શું ટોકન ઍક્ટિવિટી છે અને સ્વભાવ પ્રમાણે મને જરા એમાં રસ પડ્યો. તેમ છતાંય મારા અધિકારીઓ જલ્દી-જલ્દી કરીને મને લઈ તો આવ્યા, છતાંય મોડો તો પડ્યો જ છું..!
મિત્રો, ક્યારેય આપણે એવો વિચાર કરીએ... હમણાં હું આવ્યો ત્યારે એક મિ.મહેતા મને મળ્યા. ચિંતા વ્યક્ત કરતા હતા કે સાહેબ, 2600 વર્ષની યુનિવર્સિટી શિક્ષણની ઉંમર થઈ ગઈ, એમાં 1800 વર્ષ સુધી એકચક્રી આપણો જ દબદબો હતો, 800 વર્ષ એ દબદબો ભારતની બહાર ગયો. અને મિત્રો, ઈતિહાસ સાક્ષી છે કે જેટલી ચર્ચા નાલંદાની થાય છે એટલી જ ચર્ચા વલભીની થાય છે અને સદીઓ પહેલાં એ જમાનામાં મૅનેજમૅન્ટનું શિક્ષણ અપાતું હતું, વિશ્વના દેશોના લોકો અહીં આવતા હતા. અને આપણા લોકોની દીર્ધ દ્રષ્ટિનો કેટલો અનુભવ છે, એક બાજુ લોથલમાં વિશ્વનું સૌથી જુનું બંદર હતું અને એ જમાનામાં કહેવાતું હતું કે 84 દેશોના વાવટા ત્યાં ફરકતા હતા. એટલે જે યુગમાં એ ચર્ચા હશે ત્યારે કદાચ વિશ્વની સત્તાઓ અને રચનાઓમાં 84 દેશોની હશે, આજે કદાચ બધું વધતું ગયું હશે..! અને મજા એવી છે કે લોથલથી તદ્દન નજદીક, થોડો પ્રવાસ કરો એટલે વલભી આવે અને વલભીમાં યુનિવર્સિટી હતી. એનો અર્થ એ થયો કે એ વખતના પૂર્વજોના મગજમાં જ્યારે વલભી માટે જગ્યા નક્કી કરી હશે, એક યુનિવર્સિટી કૅમ્પસનો વિચાર કર્યો હશે ત્યારે એ એટલા માટે પસંદ કર્યું હશે કે લોથલના બંદર ઉપર વિશ્વભરના લોકોના આવવાની સુવિધા રહે, આવીને તરત જ ભણવાનું વહેલામાં વહેલું સ્થાન મળે... આપ કલ્પના કરો મિત્રો, કે 2600, 2000 કે 1500 વર્ષ પહેલાં કયા વિઝનથી આપણા પૂર્વજો કામ કરતા હતા..! એવું કયું સામર્થ્ય હતું..? અને આજે 1800 વર્ષની ભવ્ય વિરાસત ધરાવનારો દેશ જેણે આખી દુનિયાને ગુરુકુલથી લઈને વિશ્વકુલ સુધીની આખી એક જ્ઞાન-સંપદાનો સેતુ બાંધી આપ્યો હતો, અને ગુરુકુલથી શરૂ કરીને વિશ્વકુલ સુધીની પરિભાષા જેણે પોતાનામાં સમાહિત કરી હતી એવો સમાજ અહીં આવીને કેમ અથડાઈ ગયો, મિત્રો..? કેટલાક લોકો એનું એવું કારણ આપતા હશે કે ભાઈ, ગુલામી આવી, ઢીંકણું આવ્યું, ફલાણું આવ્યું..! મિત્રો, માત્ર રાજશક્તિ કે રાજસત્તા સમાજશક્તિને છિન્ન-વિછિન્ન કરી દે એવું બનતું નથી હોતું. સમાજની ભીતર કોઈ લૂણો લાગે તો જ વિનાશનો આરંભ થતો હોય છે..! બાહ્ય પરિબળો તમારા આત્મિક સામર્થ્યને ક્યારેય નષ્ટ ન કરી શકે. અને વ્યક્તિના જીવનમાં પણ સંભવ હોય છે અને સમાજજીવનમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જો આપણી આંતરશક્તિ કે આંતરશક્તિના સ્ત્રોતની અંદર જ્યારે કંઈપણ ગતિરોધ આવ્યો હોય, ડાયવર્ઝન આવ્યું હોય, સ્થગિતતા આવી હોય તો પછી અન્ય બાબતો પ્રવેશી જતી હોય છે..!
આપણા આખા સમાજજીવનની વિકાસયાત્રા જોઈએ તો મને એમ લાગે કે જ્યાં સુધી આપણે જ્ઞાનના ઉપાસક રહ્યા, જ્ઞાનના પૂજારી રહ્યા અને આખે આખા યુગો અને વ્યક્તિઓએ આખેઆખાં જીવન ભાવિ પેઢી માટે કંઈક આપવા માટેની જે નિરંતર મથામણો કરી, અવિરત સંશોધન થયાં... મિત્રો, સંશોધન કાલાતિત હોવું જોઇએ, એને કાળના બંધન ના હોય અને એ કાલબાહ્ય પણ ન હોવું જોઇએ, અને જ્યારે પણ રિસર્ચની આખી પ્રક્રિયા રોકાઈ જાય અને આપણે એમ માની લઈએ કે વાહ, હવે તો જગતમાં બધું જ થઈ ગયું, આપણે આપી દીધું, હવે શું..? હવે તો લહેર, પાણી અને લાડવા, બીજું શું..? અને આ જ્યારે અવસ્થા આવી અથવા તો વ્યવસ્થાઓએ વિકાસની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય ચીજો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ગુલામીના કાલખંડે વિનાશ તરફ જવા માટે ધક્કો આપ્યો, વિનાશના માર્ગો ખોલી દીધા કારણકે રાજ્ય કરવા આવેલા શાસકોને સમાજ સમૃદ્ધ થાય એમાં રસ ન હતો, આવનારી પેઢીઓ સુખી થાય એમાં રસ ન હતો, એમને તો એમનું તંત્ર બરાબર ચાલે એમાં રસ હતો. અને તલવારથી ચાલે તો તલવારથી, મેકેલો પદ્ધતિથી ચાલે તો મેકેલો પદ્ધતિથી, જે કોઈ માર્ગે ચાલે એ માર્ગમાં જ એને રસ હતો અને એમણે એની એ શક્તિ હજાર-બારસો વર્ષના ગુલામી કાલખંડમાં એમ જ કાઢી અને પરિણામે આપણું આ આખુંય પાસું અનેકવિધ કારણોને કારણે લગભગ કુંઠિત થઈ ગયું. દેશ આઝાદ થયા પછી આવશ્યકતા હતી કે આપણી આ ઊર્જાને ફરી એકવાર પ્રજ્વલિત કરવામાં આવે, દેશ સ્વતંત્ર થયા પછી આ બધી બાબતોનું મહાત્મય વધારવામાં આવે. પણ કમનસીબે દેશ આઝાદ થયા પછી આપણે બે વિચિત્ર વિચારધારાઓમાં અટવાઈ ગયા અને પરિણામે સંશોધન બાજુમાં રહ્યું, અને આપણે ક્યાં હતા, સાચા હતા કે ખોટા હતા, એમાં આપણે જ આપણા ઉપર પથરાઓ કરવા માંડ્યા. દાખલા તરીકે આર્યો બહારથી આવ્યા હતા કે નહોતા આવ્યા..! આ તો સેટેલાઇટનો આભાર માનો કે એણે આખા વિવાદનો હવે અંત આણ્યો છે, કારણકે સેટેલાઇટ ટેક્નોલૉજીએ સિદ્ધ કર્યું છે કે આર્ય કોઈ જાતિ ન હતી, આર્ય ક્યાંયથી આવ્યા નહોતા..! આ વૈજ્ઞાનિક વિષયો છે, પરંતુ એક વર્ગ આજે પણ એવો છે કે જે સ્વીકારવા જ તૈયાર નથી કે અહીંયાં આપણા મૂળભૂત સમાજમાં કોઈ સામર્થ્ય હતું..! અને આ મૂળભૂત ચિંતનની ધારા પર આઝાદી મળ્યા પછી સૌથી વધારે પ્રહારો થયા અને પરિણામે આપણી સ્થિતિ એવી બની ગઈ છે કે જે આપણે એક નાની વાર્તા બચપણમાં સાંભળતા હતા, કે એક બિચારો બ્રાહ્મણ બકરું લઈને જતો હતો અને ચાર લૂંટારા મળ્યા. અરે, તમે બ્રાહ્મણ થઈને કૂતરું લઈ જાઓ છો..? ફરી બીજો મળ્યો. અરે, તમે કૂતરું લઈને જાઓ છો..? એની બિચારાની માનસિકતા એવી બદલાઈ ગઈ કે પોતે પણ માનવા માંડ્યો કે સાહેબ, આ બકરું દેખાય છે પણ કૂતરું હોઈ શકે છે અને મારી આબરૂનું લિલામ થાય છે, એણે એને મૂકી દીધું..! આપણી પણ દશા એ જ થઈ છે. તમારું તો બધું નકામું હતું, તમે તો નકામા હતા, તમે તો જગત ઉપર ભારરૂપ હતા, તમે તો વિનાશને માટે જ સર્જાએલા છો... એટલે આપણે આપણું બધું મૂકવા જ માંડ્યા અને નવું મેળવી ન શક્યા..!
મિત્રો, સાંઈઠ વર્ષનો એક જબરદસ્ત વૅક્યૂમ પડેલ છે આપણી સામે, એ વૅક્યૂમ ભરવા માટે કેટલું મોટું કામ કરવું પડે એનો આપણે અંદાજ કરી શકીયે છીએ..! અને વૈયક્તિક ધોરણે થનારા કામોથી સમાજજીવનમાં પ્રભાવ પેદા નથી થતો, મિત્રો. છૂટપૂટ જેટલા પણ પ્રયોગો ચાલે છે એ બધાને સંકલિત કરવાની પણ જરૂર હોય છે, એને પ્રાણવાન બનાવવાની પણ જરૂર હોય છે અને વ્યવસ્થા તંત્રએ એમાં બળ પૂરીને એને પ્રભાવી બનાવાની પણ આવશ્યકતા હોય છે. નહીં તો એકાદ વિચાર આવે, ઉત્તમ વિચાર આવે પણ એનું બાળમરણ થઈ જતું હોય છે, કારણકે એનું લાલન-પાલન કરનાર કોઈ મળે જ નહીં. મિત્રો, મને લાગે છે કે આ એક નાનકડો પ્રયાસ, જેમાં જ્ઞાનની સર્વધારાઓને સમાહિત કરવાની કોશિશ છે, જ્ઞાનની સર્વધારાઓમાં ગતિ પણ આપવી છે, પ્રાણ પણ પૂરવા છે અને જૂનું એટલું સારું એમ કરીને અટકવું નથી, જે શ્રેષ્ઠ પૂરવાર થયું છે એને વધુ આધુનિક બનાવવું છે અને જે આધુનિકતાની આવશ્યકતા છે એના માટે શ્રેષ્ઠ સર્જન કરવું છે. આવી એક દ્વિચક્રી વ્યવસ્થાને આપણે જેટલું બળ આપીએ એના આધારે આ સ્થિતિ બદલાતી હોય છે. અને એટલે જ અહીંયાં એક મથામણ છે..!
મિત્રો, આપણી આખી સ્થગિતતાના મૂળમાં એક મહત્વની બાબત છે કે આપણે પરંપરાવાદી બની ગયા છીએ, સ્થગિતતાને વરી ગયા છીએ. આપણી મૂળભૂત પ્રગતિ માટેની જે પહેલી આવશ્યકતા છે ક્વેશ્ચન માર્ક, જીવનની શરૂઆતનો મૂળભૂત આધાર છે ક્વેશ્ચન માર્ક..! અગર જો મારી ભીતર કોઈ ક્વેશ્ચન જ નથી, અગર જો હું ક્વેશ્ચનનો પૂજારી નથી, હું મારી જાતને, પરિસ્થિતિને, પ્રશ્નોને, સમસ્યાઓને પ્રશ્નથી નવાજતો નથી તો મારી નવું જાણવા, જોવાની, વિચારવાની એક મર્યાદા આવી જાય છે અને કમનસીબે બાળકોમાં પ્રશ્નકર્તાની જે ભૂમિકા હોવી જોઇએ એ જાણે નષ્ટ થતી જાય છે. એને જે મળે એ ટોપલું એમને એમ લઈ લે છે અને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી આવે છે અને ગૌરવગાન કરે છે. મિત્રો, હિંદુસ્તાનમાં એવું બાળક જ ન હોઈ શકે કે જેને પ્રશ્ન ન હોય. અને આપણે તો એવી પરંપરાના લોકો છીએ જે ભૂમિમાં નચિકેતાનો જન્મ થયો હતો. અને મિત્રો, જગત આખાની અંદર કોઈ બાળકનું વર્ણન કરવું હોય, કોઈ બાળકની તુલના કરવી હોય તો નચિકેતા યાદ આવે કારણકે એ યુગની અંદર નચિકેતામાં સામર્થ્ય હતું કે એણે યમરાજને પૂછ્યું હતું, યમરાજની સામે ક્વેશ્ચન માર્ક લઈને ઊભો રહી ગયો, ‘ટેલ મી, વૉટ ઇઝ ડેથ..?’, મૃત્યુ શું છે પહેલાં કહો તો ખરા, ભાઈ..? મિત્રો, આ ઘટના નાની નથી. એની જિજ્ઞાસાની તીવ્રતા કેટલી હશે કે જે મૃત્યુ દ્વારે ઊભા ઊભા પણ મૃત્યુને લલકાર કરીને પૂછે છે, યમરાજને પૂછે છે કે, ‘ટેલ મી, વૉટ ઇઝ ડેથ..?’ મિત્રો, જ્યારે સમાજ આ સામર્થ્ય ગુમાવી દે કે કેમ, ક્યાં, ક્યારે, કોણે, કોના માટે..? આ જો પ્રશ્નો જ મટી જાય તો સંશોધનની પરંપરા સમાપ્ત થઈ જતી હોય છે. અને જે બાળક પ્રશ્ન વગર જ મોટો થયો હોય એ મોટો થઈને ડીન થયો હોય, વાઇસ ચાન્સેલર થયો હોય, ફૅકલ્ટીનો વડો થયો હોય, એને પણ ખબર છે કે મને કોઈ મૂંઝવવાનું નથી, મને કોઈ પ્રશ્ન પૂછવાનું જ નથી અને એટલે જ પોતે 1980 ની અંદર નોકરી જૉઇન કરી હોય અને પહેલા વર્ષે પહેલો ક્લાસ લેવા માટે જે ડાયરી તૈયાર કરી હોય, 2000 માં પણ એ જ ડાયરી એની ચાલતી હોય છે..! અને મિત્રો, ત્યાં જ સ્થતગિતતાનું સ્થાપન થઈ જતું હોય છે. આપણી આખી સમસ્યાઓનું મૂળ આ છે કે આપણે સ્થગિતતાને વરી રહ્યા છીએ. આપણી એક મથામણ છે કે એને ઝટકા આપવા છે અને સ્થગિતતામાંથી બહાર આવવું છે.
મિત્રો, ટેક્નોલૉજીનો પ્રભાવ વધતો જાય છે. મનુષ્યની આખી સિક્સ્થ સેન્સ ઉપર ટેક્નોલૉજી કબજો જમાવતી જાય છે. અને આપણી આખી સિક્સ્થ સેન્સ ‘ડ્રિવન બાય ટેક્નોલૉજી’ તરફ જઈ રહી છે ત્યારે આપણી સામે મોટો પડકાર એ છે કે શું આપણે ભવિષ્યને માટે રોબૉટ તૈયાર કરવા છે કે મનુષ્ય તૈયાર કરવા છે..? મિત્રો, ટેક્નોલૉજીની ગમે તેટલી વ્યાપકતા હોય, વિશાળતા હોય, સામર્થ્ય હોય, દીર્ધપણું હોય, પરંતુ મનુષ્યના મનુષ્યપણાના અસ્તિત્વ વિના આ ટેક્નોલૉજી કોઈનું પણ કલ્યાણ ન કરી શકે. અને તેથી રોબૉટને જન્મ આપવો એ આપણું કામ નથી, આપણું કામ છે જીવનોના ઘડતરનું. અને એટલે કલા જોઈએ, સાહિત્ય જોઇએ, સંવેદના જોઇએ, દર્દ જોઇએ, પીડા જોઇએ, વ્યંગ જોઈએ, વિનોદ જોઇએ, આ જીવનના સંપૂર્ણ વિકાસને માટે અનિવાર્ય હોય છે. તમે જોયું હશે, આની જે ફિલ્મ બતાવી એમાં પણ એ પાર્ટ ખાસો બતાવવામાં આવતો હતો. મિત્રો, વ્યક્તિના જીવનની અંદર આ ચીજો કેમ આવે..! મિત્રો, એવું કેવું બાળક કે ઘરના બગીચાનાં ફૂલોનાં નામ ન જાણતું હોય..! અને જે લોકોએ મોંઘામાં મોંઘા બગીચા બનાવ્યા હોય, મોટામાં મોટા માલેતુજારના ઘરે જઈને આવજો મિત્રો, અને એના જ કુટુંબના લોકોને લઈ જજો અને પૂછજો કે આ કયું ફૂલ છે? એનો અર્થ એ થયો કે બધું સારું ગમે છે પણ સારું શું છે, સારું કેમ છે, સારું શા માટે છે, એ પ્રશ્નો લગભગ રહ્યા નથી. અને એવું નથી મિત્રો, કેટલાક લોકો એવું કહે કે સાહેબ, અર્જુને એટલા બધા પ્રશ્નો પૂછી લીધા છે એટલે અમારે માટે કંઈ બાકી જ રહ્યું નથી. મિત્રો, હર યુગમાં અર્જુન પેદા થતો હોય છે, જેને પ્રશ્નો હોય જ..! પણ ઘણીવાર આપણા જ પ્રશ્નો આપણા માટે બોજ બની ગયા હોય છે અને તેથી આવતીકાલ માટેના પ્રશ્નોનું અવતરણ જ નથી થતું હોતું. મિત્રો, શાળા એ હોય જે પ્રશ્નોનું ગર્ભાધાન કરે, શિક્ષકો એ હોય જે વિદ્યાર્થીમાં પ્રશ્નનું બીજદાન કરે અને એનો આખો જીવનવિકાસ પ્રશ્નો, પ્રશ્નો, પ્રશ્નો... પ્રશ્નોના જવાબ, જવાબો ન મળે તો ઈનોવેશન, ઈનોવેશનથી ન મળે તો રિસર્ચ, રિસર્ચથી ન મળે તો આખી લાઇફ ડેડિકેટ કરીને લૅબોરેટરીમાં બેસી જાય, ત્યારે મિત્રો જિંદગી બનતી હોય છે.
ભારતે જો એકવીસમી સદીનો વિચાર કરવો હશે તો હિંદુસ્તાનની પહેલી જો કોઈ અનિવાર્યતા હોય તો એ અનિવાર્યતા છે રિસર્ચ..! કમનસીબે એક સમાજ તરીકે એક એવી દિશામાં આપણે જતા રહ્યા કે જેના કારણે આપણને બહુ મોટું નુકશાન થયું છે. મને યાદ છે, સિમલાની અંદર એક મોટી ઇન્સ્ટિટયૂટ છે. રિસર્ચ સ્કોલર માટે એક પ્રકારે તીર્થક્ષેત્ર કહેવાય એ પ્રકારની એ જગ્યા છે. પણ આપને જાણીને આઘાત લાગશે, આ દેશમાં એક એવા પ્રધાનમંત્રી થયા હતા કે જેમણે એમ કહ્યું હતું કે આવા બધા ખોટા ખર્ચા શું કરવા કરો છો, બંધ કરોને ભાઈ..! આઈ એમ સૉરી ટૂ સે... અને મોટો વિવાદ થયો હતો, સાહેબ..! થોડાક કાલખંડ માટે એ બંધ થયું હતું, પણ આંદોલનો થયાં એટલે ફરી પાછું ઊભું થયું..! મિત્રો, શિક્ષણ પાછળનો ખર્ચ કે શિક્ષક પાછળનો ખર્ચ, એનાથી મોટું કોઈ ઉત્તમ મૂડીરોકાણ જ ન હોઈ શકે..! કારણકે એમાંથી પેઢીઓ પેદા થતી હોય છે. પણ થયું છે શું? રોકાણ મોટાભાગે પેલા પ્રશ્નની આસપાસ નથી, એ બધું તો ‘મારું શું’ ને ‘મારે શું’ માં અટવાઈ ગયું છે. એના બદલાવની પણ આવશ્યકતા છે અને એ બદલાવની આવશ્યકતાને કેવી રીતે પૂરી કરી શકીએ..! આપણે એક પ્રયત્ન કર્યો. અને આજે એક મોટી ચેલેન્જ બીજી છે, મિત્રો. એક તરફ તો આપણે પ્રશ્નનું ગર્ભાધાન બંધ કરી દીધું છે, પ્રશ્નનું બીજારોપણ પણ બંધ થઈ ગયું છે. આજે ત્રણ-ચાર પેઢીઓ એવી છે કે જેઓ કદાચ આનાથી ધીમે ધીમે ધીમે વિમુખ થતા ગયા છે. એકબાજુ પ્રશ્નોનું સ્થાન નથી રહ્યું અને બીજી બાજુ માહિતીનો ભંડાર ઉપલબ્ધ થઈ ગયો છે. અને જ્યારે માહિતીની વિપુલતા પડી હોય ત્યારે કનફ્યૂઝન ક્લાઉડ સિવાય કંઈ ઊભું ન થાય, મિત્રો..! અને એના કારણે આજે આપણા બાળકની મૂંઝવણ એ નથી કે આ આમ કેમ, કેવી રીતે, ક્યારે, ક્યાં..? એને મૂંઝવણ એ છે કે આમાંથી જલ્દીથી જલ્દી મારા કામમાં આવે એવું મારે કેવી રીતે લેવું..? એટલે એણે નવો રસ્તો શોધ્યો અને પરિણામે ઉપલબ્ધ જે કંઈ છે, જે કંઈ હવામાં દેખાય છે એનો સમય સમય પર ઉપયોગ કરીને પોતાની ગાડી ચલાવી લે છે. એને ખબર છે કે મારા જૉબ પ્લેસમેન્ટ માટેનો મોટામાં મોટો, લાંબામાં લાંબો ઇન્ટરવ્યૂ કેટલી મિનિટનો હોય..! ઇન્ટરવ્યૂ લેનારાની ક્ષમતા એને ખબર છે મિત્રો, એને એ પણ ખબર છે કે ઇન્ટરવ્યૂ લેનારના પ્રશ્નોની આ જ મર્યાદા હોય, એની બહાર કંઈ ના હોય..! એટલે એણે કશું કરવાનું ન હોય, એક વીસ મિનિટનો કોર્સ જ તૈયાર કરવાનો હોય અને નીકળી જવાનું હોય. આ બધી બાબતો મોટો પડકાર છે અને એ પડકારોમાંથી રસ્તો શોધવા માટે આ એક એવું ‘પ્રજ્ઞા પુરમ’ આપણે ઊભું કરી રહ્યા છીએ કે જ્યાં નિત્ય નૂતન વિચારોને પ્રતિષ્ઠા મળી રહે. વિચારોની કમી નથી હોતી, પણ એને પ્રતિષ્ઠા નથી મળતી હોતી.
મિત્રો, એવું કેવું જીવન હોય કે જેમાં કોઈ ઇનોવેશન ન હોય..! તમે જુઓ, તમારા યુ.જી.સી. ના બધા નિયમો જુઓ તો એમાં એવું હોય છે કે પ્રોફેસર દર વર્ષે નવું પેપર લખાવે, એવું બધુ કંઈ હોય છે ને..? હવે આજે તમે કહો કે તમે આ વર્ષે પેપર લખ્યું હતું..? તો બીજા દિવસે હડતાલ પડે, ‘હમારી માંગે પૂરી કરો...’, મોદી મુર્દાબાદ...’, ‘આગ લગા દો...’. હવે જો આ જ થતું હોય અને આનું કારણ એ છે કે જીવનમાં અર્થપ્રધાનતા વધી ગઈ. મિત્રો, આપણી સામે એક મોટો પડકાર છે કે માનવીને આર્થિક પ્રાણી તરીકે જોવું કે માનવને સમગ્ર બ્રહ્માંડની શક્તિના અંગરૂપે જોવું..! આ મોટો પડકાર છે. આપણે માનવીને એક અર્થ રૂપે જોવા માંડ્યા છીએ અને એનું પરિણામ કેવું આવ્યું છે? આમ રૂટિન વ્યવહારમાં ખબર નથી પડતી, પણ કોઈ ઇન્સ્યૉરન્સવાળો તમારા ઘરે વીમો ઉતારવા માટે આવે અને એનામાં હિંમત તો જુઓ સાહેબ, અને મનુષ્યની મર્યાદા તો જુઓ કે વીમો ઉતારવાવાળો ઘરમાં બહેનને સમજાવે કે આપના પતિ ગુજરી જાય તો તમને આટલા રૂપિયા મળે..! આપ વિચાર કરો કે આ કેવી સમાજરચના છે? તમારો જો ઍક્સિડન્ટમાં હાથ કપાણો તો વકીલ આવી જાય. સાહેબ, બે લાખ રૂપિયાનો દાવો કરીએ, કેમ કે આંગળી કપાઈ ગઈ છે..! બે લાખ રૂપિયા..! કોઈવાર એક આંખ જતી રહી તો સાહેબ, પાંચ લાખનો દાવો કરીએ, કેમ? આંખનું આ મૂલ્ય છે..! એક-એક અંગનું મૂલ્ય નક્કી થવા માંડ્યું છે, મિત્રો..! અને જો માણસના અંગો મૂલ્યના ત્રાજવે તોલાવાનાં હોય તો જીવન ક્યાંથી જડે, દોસ્તો..! પ્રશ્ન ત્યાં ઊભો થાય છે. અને એટલા માટે મનુષ્યના સર્વાંગીણ રૂપને સ્વીકારીને બ્રહ્માંડના એક અંશ તરીકે એના વિકાસની વાતને લઈને આગળ વધવું હોય તો સમયાનુકૂળ ઇનોવેશન અને રિસર્ચ અનિવાર્ય હોય છે. અને તમે જોયું હશે કે તમારા ઘરમાં પણ, ઈવન એક સોસાયટીમાં વીસ કુટુંબ હોય, તમે જો જો એ વીસેય કુટુંબની અંદર રસોડામાં કામ કરતી ગૃહિણીએ એની રસોઈ બનાવવામાં એની પોતાની ટેક્નોલૉજી ડેવલપ કરી હશે, એના પોતાના ઇનોવેશન્સ હશે. શાક કેમ સમારવું, તો એણે તેનો પોતાનો રસ્તો શોધી કાઢ્યો હશે અને એમાં એને ફાવટ આવી ગઈ હશે અને એમાં એની ઍફિશિયન્સી એણે વધારી હશે. દરેક વ્યક્તિના મૂળભૂત સ્વભાવમાં આ હોય છે. દરેકની અંદર ઈશ્વરે આ ક્વૉલિટી ઈનબિલ્ટ આપેલી છે. આ એક એવી ઈશ્વરદત્ત વ્યવસ્થા છે કે મનુષ્ય જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠવાની ઈચ્છા હોય છે. ઈશ્વરદત્ત વ્યવસ્થા છે, મિત્રો..! એની આકાંક્ષાઓ, ઈચ્છાઓ, પોતાની અંદરની ઊર્જા એને ઉપર તરફ ઉઠવા માટે પ્રેરિત કરે, કરે ને કરે જ, ફોર્સ કરે, મિત્રો..! પણ જો સમાજ એના માટે ખાતર-પાણીની વ્યવસ્થા ન કરે તો એ જ એના માટે બોજ બની જાય. મિત્રો, વૃક્ષ બહાર પ્રગટ થવાનું સામર્થ્ય જ્યારે ગુમાવી દે ત્યારે આટલું સરસ મજાનું વૃક્ષ પણ કોયલામાં રૂપાંતરિત થઈ જાય અને પછી બળવા સિવાય એના નસીબમાં કાંઈ ન હોય, દોસ્તો..! અને એટલા માટે આવશ્યકતા હોય છે કે સમાજજીવનની અંદર આ મૂળભૂત બાબતો તરફ ફરી એકવાર એનું ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરાય..!
એક માનવનો સર્વાંગીણ વિકાસ..! અને આપણી પાસેની વિચાર સંપદામાં કોઈ કમી નથી, હું આજે પણ તમને કહું છું મિત્રો, કોઈ કમી નથી..! આજે ગ્લોબલ ઇકોનૉમીના જમાનામાં ગ્લોબલ વિલેજનો કૉન્સેપ્ટ આવ્યો કે ન આવ્યો? કારણકે ગ્લોબલ ઇકોનૉમીનો કંઈક નવો કૉન્સેપ્ટ આવ્યો, એમાંથી ગ્લોબલ વિલેજની કલ્પના આવી, પણ આપણા બાપદાદાઓએ એમાં મનુષ્યકેન્દ્રી વિચાર કર્યો અને એણે કહ્યું, ‘વસુધૈવ કુટુમ્બકમ’, અને એણે જે ‘વસુધૈવ કુટુમ્બકમ’ કહ્યું એનો મતલબ એ કે કોઈ સમૃદ્ધ દેશ હશે તો એણે જે સમૃદ્ધ થવાની હરોળમાં છેલ્લે ઊભો છે એની કાળજી લેવી જોઇએ, કારણ? વી આર વન ફૅમિલી..! હવે આ જ ઉત્તમ વિચારમાં સમયાનુકૂળ રિસર્ચ ન થઈ, સમયાનુકૂળ એમાં કંઈ નવું જોડાયું નહીં અને પરિણામે એક મોટું વૅક્યૂમ બારસો વર્ષનું આવી ગયું, અને હવે અચાનક ડૉલર અને પાઉન્ડે એવો હુમલો કર્યો કે એણે ગ્લોબલ ઇકોનૉમીના રૂપાળા શબ્દો ગ્લોબલ વિલેજનો કૉન્સેપ્ટ આ દુનિયાની સામે મૂકી દીધો અને પરિણામે માણસ ખોવાઈ ગયો. રૂપિયા, પૈસા, પાઉન્ડ, ડૉલર એનો જ રૂતબો ચાલવા માંડ્યો, મિત્રો. વિશ્વને આપવાનું સામર્થ્ય આપણી પાસે પડ્યું છે. એ વિશ્વને આપવાના સામર્થ્યને આપણે કેવી રીતે પોતાની સાથે લઈ શકીએ..! તમે જુઓ આપણા પૂર્વજોની કેટલીક વિશેષતાઓ..! દુનિયામાં આટલી બધી ચર્ચા ચાલે છે, ઈસ્ટ, વેસ્ટ, ઢીંકણા, ફલાણા, એન્શિઅન્ટ, મોડર્ન, સાયન્ટિફિક, નૉલેજ... એવા જાતજાતના શબ્દો આપણે જોઈએ છીએ. આપણા પૂર્વજોની વિશેષતા જુઓ, એમણે આપણને શીખવાડેલું, અને આપણે કેટલા વિશાળ વિચારના હતા, એમણે આપણને શીખવાડેલું કે જ્ઞાનને કોઈ દરવાજા ન હોઈ શકે, જ્ઞાનને ન પૂરબ હોઈ શકે કે ન પશ્ચિમ હોઈ શકે. અને એટલા જ માટે આપણે ત્યાં કહેતા હતા, ‘આતો ભદ્રા, કૃતવો વિશ્વત:’, આનો મતલબ સીધો છે, શ્રેષ્ઠ બધેથી જ આવવા દો, જે સારું છે એ બધેથી જ આવવા દો, એને કોઈ બંધન ના હોય..! ક્યા રંગના ઝંડા નીચે આ વિચાર જન્મ્યો હતો એના આધારે વિચારનું મૂલ્ય ન થાય, મિત્રો. દુનિયાના કોઈપણ દેશના ઝંડા નીચે જન્મ્યો હોય, વિચારને જન્મ આપનાર માણસના પાસપોર્ટનો રંગ ગમે તે હોઈ શકે, પરંતુ વિચારનું જો સામર્થ્ય હોય તો માનવના કલ્યાણ માટે હોઈ શકે, એને કોઈ વાડાબંધી ન હોઈ શકે. આ વિચાર આપણા પૂર્વજોએ આપણને આપ્યો હતો. અને આપણા ઉમાશંકરભાઈએ આ જ વિચારને એક જુદી રીતે મૂક્યો હતો. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ‘સુવિચાર સાંપડો, સર્વદા સર્વ દિશાથી’..! એક તો સુવિચાર હોય, સદા સર્વદા હોય અને સર્વ દિશાએથી હોય. આમ તો મૂલત: વેદના આ વિચારની જ એમણે ગુજરાતીમાં સરળ ભાષામાં આપણી સામે કલ્પના મૂકી હતી. તો જેમ ઇનોવેશનની જરૂર છે, રિસર્ચની જરૂર છે, એમ સમયની એરણે પાર ઉતરેલ જે ઉત્તમ બાબતો છે એની સ્વીકૃતિની પણ જરૂર છે. અને એ જ સ્વીકૃતિને લઈને વ્યવસ્થાઓની દિશામાં જવાના એક નાનકડા પ્રયાસરૂપે ગુજરાતે કેટલાક જે ઇનિશ્યટિવ લીધા છે, દાખલા તરીકે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી. એંજિનિયરિંગ કૉલેજો પહેલાં પણ ચાલતી હતી, યુનિવર્સિટીનો હિસ્સો હતી, પણ મિત્રો, જગત જે રીતે બદલાઈ રહ્યું છે એમાં ટેક્નોલૉજીના રંગ-રૂપ, સ્વરૂપ બધું બદલાવા લાગ્યું છે. એમાં રિસર્ચ અને ઇનોવેશન કરવા માટેનું કોઈ ફૉરમ તૈયાર થાય, આપણે કામ કર્યું.
ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય છે કે જેણે ડિસાઇડ કર્યું, ‘ઇનોવેશન કમિશન’..! આ ‘ઇનોવેશન કમિશન’ દ્વારા આપણે કોશિશ કરી કે મનુષ્ય નિર્માણની દિશામાં પ્રયાસ કરવા કેટલાય ઇનોવેશન જો ચાલતા હોય તો ઇનોવેશનને આપણે આવકારવા જોઇએ, સ્વીકારવા જોઇએ. મિત્રો, અહીં બધા બેઠેલા આપણે બધા વિચાર કરીએ, ‘ભાર વગરનું ભણતર’, ભાર વગરનું ભણતર’, ભાર વગરનું ભણતર’... પણ કોઈક ગામડાંનો એક એવો શિક્ષક હોય છે કે જેણે ઇનોવેશન કર્યું હોય છે અને એની નિશાળમાં આવનાર કોઈપણ બાળકને ક્યારેય કોઈ પુસ્તક લઈને આવવું નથી પડતું. આપણા ગુજરાતમાં આવા પ્રયોગો કરનાર શિક્ષકો છે અને સફળ પ્રયોગો કર્યા છે. આપણે ‘ઇનોવેશન કમિશન’ દ્વારા આવું બધું શોધીએ છીએ, એને એકત્ર કરીએ છીએ અને એને કાયદાકિય પ્રતિષ્ઠા આપીને એ વધુમાં વધુ રેપ્લિકેટ કેમ થાય, કેવી રીતે એને પર્કોલેટ કરી શકાય, એના માટેની એક મથામણ આદરી છે. એની એક અલગ વેબસાઈટ બનાવી છે. લોકો પોતે પણ પોતાની રીતે એમાં અપલોડ કરી રહ્યા છે કે કેવી રીતે આને કરાય..! મિત્રો, બદલાતા યુગની અંદર ટેક્નોલૉજી અને માનવજીવનની આવશ્યકતાઓનું જોડાણ કરીને... અને મિત્રો, માણસ કંઈને કંઈ ઇનોવેટ કર્યા જ કરતો હોય છે, ઈવન ઘરમાં પણ તમે બાળકને કંઈ રમકડું આપોને તો એને પહેલું મન તો એને તોડવાનું જ થાય..! કારણકે એ ઈશ્વરદત્ત હોય. સમજતો થાય પછી બંધ કરે, પછી એને દુનિયાને બતાવવાનું જ કામ કરે છે કે મારી પાસે આવું રમકડું છે, તારી પાસે નથી? તારી પાસે પૈસા નથી, તારા બાપા કમાતા નથી... એમાં જ રહે છે..! પહેલાં એવું નહોતું, પહેલાં એનો મૂડ જુદો હતો.
મિત્રો, બીજું આપણે શરૂ કર્યું, ‘આઈ ક્રિએટ’. ‘આઈ ક્રિએટ’ ઇન્સ્ટિટ્યૂટ પણ કદાચ હિંદુસ્તાનની અંદર પહેલું આપણું એવું કૉન્ટ્રિબ્યૂશન હશે કે જેમાં આપણે એક ગ્લોબલ લેવલનું ઇન્ક્યુબેશન સેન્ટર ઊભું કરી રહ્યા છીએ. અને જેની પણ પાસે વિચાર પડ્યા છે, નવા આઇડિયાઝ આવે છે. હવે આવા દરેક માણસ પાસે વિચારને અનુરૂપ સંશોધન કરવા માટેનું સામર્થ્ય નથી હોતું, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે અને આર્થિક મદદની જરૂર હોય છે. ‘આઈ ક્રિએટ’ નામની ઇન્સ્ટિટ્યૂટ આપણે અમદાવાદમાં કાર્યરત કરી છે, ગ્લોબલ લેવલની છે, દુનિયાની આ પ્રકારની ટૉપ મોસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથેનું એનું કોલૉબ્રેશન કર્યું છે. મિ.નારાયણ મૂર્તિને મેં રિક્વેસ્ટ કરી હતી કે તમે એના ચૅરમૅન તરીકે કામ કરો, એમણે એનો સ્વીકાર કર્યો અને આજે તેઓ આપણે ત્યાં ચૅરમૅન તરીકેનું કામ કરી રહ્યા છે. અને રિસર્ચમાં જેમને પણ રસ છે, કોઈની પણ પાસે સરસ મજાનું ઉત્તમ સંશોધન છે અને જગતને માટે એને કૉમર્શિયલ ફિલ્ડમાં લઈ જવા માટે થઈને, એને માર્કેટેબલ બનાવવા માટે થઈને એની સ્ટ્રૅટેજી વર્ક-આઉટ કરવી છે, તો ‘આઈ ક્રિએટ’ એને મદદ કરશે.
મિત્રો, કેવી રીતે સમસ્યાઓનું સમાધાન કરવું એના માટેની આપણી એક મથામણ છે અને એના જ ભાગ રૂપે જ્ઞાન સંપદાને માટે થઈને આ ‘પ્રજ્ઞા પુરમ’ ની એક રચના આપણે કરી છે અને આ ‘પ્રજ્ઞા પુરમ’ દ્વારા જે કોઈ આવા પ્રવાહ ચાલતા હોય, એ બધા એકત્ર આવે. કોઈ પ્રવાહને ગતિ આપવાની હોય તો એના માટે આપણે કંઈ મથામણ કરીએ. જે શ્રેષ્ઠ છે એ જગતની ઉપયોગિતા માપનાર ત્રાજવે તોલાઈને એનું મહાત્મય વધતું જાય, એના માટેની વ્યવસ્થાઓ વિકસતી જાય. આ બધી બાબતોને બળ આપવા માટેનો જ્યારે એક પ્રયત્ન આદર્યો છે ત્યારે આપ સૌ મિત્રો આખી આ વ્યવસ્થાને... આના બિલ્ડિંગ વગેરેની તો ચર્ચા થશે જ, અને અમસ્તા પણ ગુજરાતમાં આજકાલ જે કંઈ નવા ભવનો બને છે તો લોકોને આશ્ચર્ય થાય છે કે સરકાર પણ આવાં ભવનો બનાવે..! પણ મારે આ બધાં સ્ટાન્ડર્ડ ઊભાં કરવાં છે, એટલે આ બધું કરવું છે. શા માટે બિલો સ્ટાન્ડર્ડ..? દુનિયાના કોઈપણ દેશનો માણસ આવે તો કૅમ્પસ જોઈને એમ લાગવું જોઇએ કે, આહ... ક્યાંક આવ્યો છું..! એનુંય મહત્વ છે ભાઈ, અને આજથી છે એવું નહીં, કેટલાય જમાનાથી છે. એક નાનકડો પ્રસંગ મેં સાંભળેલો છે. ઘણીવાર આવા પ્રસંગો સાંભળ્યા હોય, કોઈ ઐતિહાસિક સમર્થન તો એને હોતું નથી પણ એ પ્રસંગોમાંથી ઘણીવાર બોધપાઠ તો મળતો હોય છે. ગાલિબના જીવનની એક ઘટના કહેવામાં આવે છે, સાચું-ખોટું ભગવાન જાણે, ઈતિહાસના તરાજુથી તોલતા નહીં મને. ગાલિબને એકવાર એના રાજાએ કંઈ ભોજન માટે બોલાવ્યા હતા. આ તો ગાલિબ, કવિરાજ માણસ, ઓલિયો માણસ, સમય થયો એટલે યાદ આવ્યું કે અરે, હા, આજે તો રાજાએ બોલાવ્યા છે, આપણે તો જવાનું છે, એટલે એ તરત દોડતા-દોડતા રાજદરબાર તરફ વળ્યા તો પહેરેદારે એમને રોક્યા કે અંદર જવાની મનાઈ છે, એમ કોઈ આલતુ-ફાલતુ લોકોને જવા નથી દેતા..! અરે, પેલો કહે ભાઈ, મને નિમંત્રણ છે, મારો અહીંયાં રાત્રિભોજ છે આજે, મને મહારાજાએ બોલાવ્યો છે..! અરે, આવા તો બધા કેટલાય લોકો પોતાની જાતને ગાલિબ કહેતા હોય છે. જાવ, જાવ, અહીંથી... એમ કહીને એને કાઢી મૂક્યો. થોડીવાર પછી એ પાછા આવ્યા. પાછા આવ્યા એટલે દરવાન કહે આવો, આવો, આવો..! અંદર લઈ ગયા. ભોજનના ટેબલ પર બધા બિરાજમાન થયા એટલે ગાલિબે પોતાની પાઘડી કાઢી અને ભોજન લઈને પાઘડીને ખવડાવે..! તો રાજાએ કહ્યું કે અરે, આમ કેમ કરો છો તમે? તો ગાલિબે કહ્યું કે તમે જેને નિમંત્રણ આપ્યું હતું એને જમાડવું તો પડે ને..! તો કહે કેમ? તમે ગાલિબને થોડો બોલાવ્યો હતો..? ગાલિબ તો આવ્યો હતો પણ એને કાઢી મૂક્યો હતો, પણ આ ટોપી-બોપી પહેરીને આવ્યો ત્યારે મને પેસવા દીધો, માટે ભોજન તો આના માટે છે..! મિત્રો, એ જમાનામાં પણ આ બધી બાબતોનું મહાત્મય હતું જ. જો એ યુગમાં પણ મહાત્મય હતું તો આજના યુગમાં, આ કૉમ્પિટિશનના યુગમાં તો એ વધતું જાય છે..!
મિત્રો, જો એકવીસમી સદી હિંદુસ્તાનની સદી હોય ત્યારે એકવીસમી સદીની અંદર સૌથી મોટી સ્પર્ધા ચાઈના સાથે છે એ દુનિયાએ સ્વીકારેલું છે અને આપણે પણ સ્વીકારવું પડે..! મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, ચાઈનાને લૅંન્ગ્વેજ પ્રોબ્લેમ છે, આપણને લૅંન્ગ્વેજ પ્રોબ્લેમ નથી તેમ છતાં પણ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, કોમ્પ્યૂટરની દુનિયામાં આપણા વીસ-બાવીસ વર્ષના જવાનોએ દુનિયામાં નામ કમાયું છે, તેમ છતાંય આજે વિશ્વ આખામાં કોમ્પ્યૂટર એંજિનિયરિંગના ઍજ્યુકેશનમાં ચાઈના આપણા કરતાં સો ગણું આગળ નીકળી ગયું છે..! આપ વિચાર કરો મિત્રો, કેટલો મોટો પડકાર છે..! ટેક્નોલૉજી અને ઇનોવેશન માટેની દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનું જે રેંકિગ થાય છે એમાં આજે ચાઈનાની પાંચ યુનિવર્સિટીએ નંબર લીધો છે અને હિંદુસ્તાનની એકપણ નથી. મિત્રો, આ બધા પડકારો છે આપણી સામે..! એકસો વીસ કરોડનો દેશ અને દુનિયાની ઉત્તમમાં ઉત્તમ યુનિવર્સિટીઓમાં વલભી અને નાલંદાનું ગાણું ગાનાર આપણો સમાજ કંઈ ન કરી શકે..? આ પડકારોને ઉપાડવા માટે થઈને એક એવું શિક્ષકનું મન તૈયાર કરવું છે, એક એવું રિસર્ચરનું મન તૈયાર કરવું છે, એક એવા ઇનોવેટરનું મન તૈયાર કરવું છે કે જેની સામુહિક શક્તિ અને સરકારનું બળ નવી ક્ષિતિજોને પાર કરવા માટેનો પ્રયાસ કરે, એના સંકલ્પ રૂપે આ બધું ચાલે છે. આપ વિચાર કરો મિત્રો, આખી દુનિયામાં આપણે યંગેસ્ટ કન્ટ્રી છીએ, વિશ્વનો સૌથી યુવાન દેશ છીએ. 65% કરતાં વધારે 35થી નીચેની ઉંમરની આપણી જનસંખ્યા છે. મિત્રો, આ એક આપણું ડેમોગ્રાફીક ડિવિડન્ડ છે. પણ ચાઈનાએ ગયા એક જ દશકમાં તેર કરોડ નવી જૉબનું ક્રિએશન કરવા માટેનો સક્સેસફૂલ પ્રયાસ કર્યો, તેર કરોડ નૌજવાનોને રોજગાર આપી શક્યા, મિત્રો. આપણે 2004 થી 2009 દરમિયાન લાખોની સંખ્યામાં પણ આ સેવા નથી કરી શક્યા. ગુજરાત એક અપવાદ છે એણે થોડું-ઘણું કર્યું છે. પણ કુલ મિલાકે ચાઈનાના સંદર્ભમાં હિંદુસ્તાનનો વિચાર કરીએ, તો આપણે બીજી બાજુ જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે ત્યાં પ્રાથમિક શાળામાં ભણનારા શિક્ષકોમાંથી કેટલા ઉપર જાય છે, એમાંથી ભણનારા કેટલા ઉપર જાય છે અને ઉપર ગયા પછી 10-11% ઉપર જાય તો એમાંથી પણ ઍમ્પ્લૉયેબલ કેટલા..? તો આપણો ગ્રાફ એકદમ નીચે આવે છે. તો મિત્રો, આટલું બધું ઇન્વૅસ્ટમેન્ટ ક્યાં જઈ રહ્યું છે..? આનો વિચાર કોણે કરવાનો..? આપણે બધાએ જ કરવો પડે. મિત્રો, આ સ્થિતિ આપણે બદલવી પડે કે આટલા બધા માનવ કલાકો લાગતા હોય, આટલું બધું માનવ-ધન લાગતું હોય, આટલું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાગતું હોય, આટલા બધા બજેટ ખર્ચાતાં હોય, તો આપણે પરિણામની દિશામાં લક્ષ્ય કેમ નક્કી ના કરીએ? મિત્રો, જો ચાઈના દુનિયા બદલવા માટે તૈયાર થઈ શકતું હોય, જેને લૅંન્ગ્વેજના પચાસો પ્રકારના પ્રૉબ્લેમ નડતા હોય તેમ છતાં જો બદલાવ લાવતા હોય, તો આપણે તો મૂલત: વિશ્વમાં 1800 વર્ષ સુધી જેણે જ્ઞાનમાં નેતૃત્વ કર્યું છે એ ભૂમિના સંતાનો છીએ, આપણે કેમ ન કરી શકીએ..? મિત્રો, આ વિશ્વાસ અને આ સંકલ્પ સાથે, ભલે પછેડી ફગાવવાથી અંધકાર દૂર ન થતો હોય, પણ એક ખૂણામાં દીપ પ્રગટાવીએ તો એ અંધકાર દૂર થતો હોય છે. આ એક દીપ પ્રજ્વાળવાનો પ્રયાસ એ આ ‘પ્રજ્ઞા પુરમ’ છે. એક જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ એ આ ‘પ્રજ્ઞા પુરમ’ છે. પણ એ ‘પ્રજ્ઞા પુરમ’ પ્રાણવાન ત્યારે જ બને કે આપણે સૌ જ્ઞાનને વરેલા, એકૅડેમિક વર્લ્ડને વરેલા, ઇનોવેશનના મહામ્યને સમાજના વર્ગો સાથે જોડીને એનો ઉપયોગ કરીએ.
મિત્રો, બીજી પણ એક આપણા સમાજમાં વ્યવસ્થા તરીકે વિકાસ કરવાની આવશ્યકતા મને લાગે છે. તમે યૂરોપના દેશોમાં કે એવી કોઈ ટૂર માટે જાવ, એઝ અ ટૂરિસ્ટ, તો તમે જોયું હશે કે ત્યાંના લગભગ બધાં જ ટૂરિસ્ટ પ્લેસીસ સિનિયર સિટીઝન્સ સંભાળતા હોય છે, સિનિયર સિટીઝન્સ..! એમની શક્તિ, સમય આપે... બે કલાક, પાંચ કલાક બિઝી રહે, તમને પ્રદર્શન જોવા લઈ જાય અને બધાને બહુ ભાવથી બધું બતાવે અને એને દર કલાકે નવો માણસ મળતો હોવાના કારણે હંમેશાં ઉમંગ અને ઉત્સાહ રહેતો હોય છે. એકના એક સામે મળો તો પછી મોં કટાણું થઈ જાય, પણ પેલા રોજ નવા મળે તો બંનેને આનંદ આવતો હોય છે..! મિત્રો, એવી જ રીતે આજે જ્યારે એજિંગ વધી રહ્યું છે ત્યારે વીસ વર્ષ સુધી કામ કરી શકે એવો એક મોટો અનુભવી અને જ્ઞાની સમાજ આપણે ત્યાં તૈયાર થઈ રહ્યો છે. જેમ ડેમોગ્રાફીક ડિવિડન્ડ આપણને મળી રહ્યું છે, એ જ પ્રમાણે ઉંમર વધતી જાય છે એના કારણે સાંઈઠ વર્ષે તો માણસને વિચાર આવે છે કે હવે તો કંઈક નવું શરૂ કરું, એ સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ..! તો રિટાયરમૅન્ટ પછી આ જે ઊર્જાવાન લોકો છે જેની પાસે અનુભવ છે, જ્ઞાન છે એ સમૂહને સમાજની ક્રિએટિવિટી સાથે કેવી રીતે જોડાય, એમનો ઍક્સ્પીરિયન્સ ઇનોવેશન માટે કેવી રીતે કામ આવે..! આ અનુભવનું ભાથું, જ્ઞાન સંપદા અને નવજવાનોની તરૂણાઈના ઉત્સાહ-ઉમંગના મિલનસ્થળ તરીકે આ આપણું ‘પ્રજ્ઞા પુરમ’ કેવી રીતે વિકસે, એવી એક શુભકામના સાથે હું ફરી એકવાર આપ સૌને આગ્રહ કરું છું કે આપે જ એને પ્રાણવાન બનાવવો પડશે. મિત્રો, સરકાર દિવાલો ઊભી કરી શકે, સરકાર ઝાડ ઊગાડી શકે, બાકી તો જનતા જનાર્દન જ કરી શકતી હોય છે, એની તરફ ધ્યાન આપીએ..!
ખૂબ ખૂબ ધન્યવાદ..!