પ્રજાસત્તાક પર્વર૦૧રઃ ભાવનગર
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભાવનગરમાં રંગારંગ સાંસ્કૃતિક સમારોહ
.....................
રાજ્યપાલશ્રી
લોકતંત્રની ગરિમા માટે કર્તવ્યરત રહીએ, ખુશહાલ ભારત, ખુશહાલ ગુજરાત બને
.....................
મુખ્ય મંત્રીશ્રી:
બંધારણના આદર્શોની પ્રતિબદ્ધતા માટે સમવાયતંત્રને ઉની આંચ ન આવે તે માટે જાગૃત રહીએ
.....................
રાજ્યપાલ શ્રીમતી ર્ડા. કમલાજીએ ૬૩મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભાવનગરમાં ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે પ્રજાતંત્રની ભાવનાને સમર્પિત થવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકશાહી પ્રજાસત્તાક હિન્દુસ્તાનના સંવૈધાનિક આદર્શ એવા સમવાયતંત્રના ઢાંચાને ઉની આંચ ના આવે અને ત્રિરંગાની સાક્ષીએ લોકતંત્રની સુરક્ષા માટે ભારતની એકતાને ખંડિત કરે તેવા કોઇ પાપાચારને ચલાવી નહીં લેવાનો નાગરિકોને સંકલ્પ કરવાનું આહ્વાન આપ્યું હતું.પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભાવનગરમાં ‘‘ભાવસભર ભાવનગર’’ના સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પૂર્વે રાજ્યપાલશ્રીએ મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી અને જિલ્લામાં વિશિષ્ઠ યોગદાન આપનારા કર્મનિષ્ઠ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને વ્યક્તિઓનું રાજ્ય સરકાર તરફથી ગૌરવ સન્માન કર્યું હતું. જેમાં જાણીતા શિક્ષણવિદ, યોગાચાર્ય અને અનેક સંસ્થાઓમાં મહત્વનો હોદે ધરાવતા શ્રી રમુભા જીલુભા જાડેજા, સામાજીક કાર્યકર અને સરદાર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગગજીભાઈ ગોવિંદભાઈ સુતરીયા, કલાગુર્જરી ભાવનગરના પ્રમુખ અને ચિન્મય મિશન ગુજરાતના ટ્રસ્ટી અને અગ્રણી શ્રી સંતોષભાઈ ગુણવંતરાય કામદાર, જીવદયા ક્ષેત્રે કાર્યરત શ્રી કિર્તીભાઈ દલીચંદ શાહ, સ્વાતંત્ર્ય સૈનિક શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ, ઇતિહાસવિદ પ્રોફેસર શ્રી મહેબુબ દેસાઇ, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તથા પ્રકૃતિવિદ મહારાજ શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ, સમાજસેવી અને વિકલાંગ સંસ્થાઓમાં સક્રિય શ્રી અનંત કનૈયાલાલ શાહ, સૌરાષ્ટ્ર સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી પ્રતાપભાઈ ટી. શાહ, જાણીતા નૃત્યાંગના શ્રીમતી કાજલ મૂળે, ટેબલ ટેનિસ ખેલાડી દિવ્યાબા ગિરવંતસિંહ ગોહિલ અને લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરનો સમાવેશ થાય છે.
રાજ્યપાલ શ્રીમતી ર્ડા. કમલાજીએ ખુશહાલ ભારત અને ખુશહાલ ગુજરાત માટે નાગરિકોના કર્તવ્યભાવને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે મહાપુરૂષોએ આપેલા બલીદાન પછી આઝાદ ભારતના વિકાસ માટે આપણે સહિયારો પુરૂષાર્થ કર્યો છે. ગુજરાત પણ પ્રગતિના પથ ઉપર આગળ વધી રહ્યું છે. મુખ્ય મંત્રીશ્રી તેમના વિકાસના નિર્ધારમાં આગળ વધતા જ રહ્યા છે અને ભાવનગર જિલ્લાના વિકાસ માટે આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાતો સોનામાં સુગંધ ભળે તેવી છે. વિકાસ માટેની આ પ્રતિબદ્ધતા સફળ બને તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ લોકતંત્રની રક્ષા અને શક્તિ માટે જનતાના વિકાસના સામર્થ્યને શ્રેય આપ્યું હતું. જનશક્તિને જોડીને વિકાસના ઉત્સવો ઉજવવાની પહેલ ગુજરાતે જ કરી છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસને શ્રેષ્ઠ કક્ષાએ લઇ જવા અને નાગરિક કર્તવ્યથી દેશ નિર્માણનો સંકલ્પ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ નગરજનોને સંબોધતાં સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ભાવનગરના સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરીને જણાવ્યું હતું કે, મહારાજ કૃષ્ણકુમારસિંહજીમાં ઉત્તમ રાજવીઓના તમામ ગુણો હતા. એમના શાસનમાં ભાવનગર સમૃદ્ધ થયું એમ આજે આખુંયે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા એક દસકના શાસનકાળમાં સુખી અને સમૃદ્ધ થયું છે. સૌનો સાથસૌનો વિકાસ એ સુત્રને લઇને મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતને તમામ ક્ષેત્રે વૈશ્વિક ઉંચાઇઓએ મુકી આપ્યું છે.
‘ભાવસભર ભાવનગર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના જ ૧૮૦ કલાકારોએ પોતાનું કલાકૌશલ્ય પ્રદર્શિત કરી સૌના મન મોહી લીધા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ ભાવનગર શહેર અને જિલ્લાની વિકાસયાત્રા માટે રૂા. ૧૯૦૦ કરોડના નવા આયોજનની જાહેરાત કરી હતી.
જિલ્લાના પ્રભારી મંત્રી અને ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, ધારાસભ્યો, મેયર શ્રી સુરેશભાઈ ધાંધલિયા, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, જિલ્લાના પદાધિકારીઓઅધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
January 25, 2012