નરેન્દ્રભાઇ મોદીનું મહારાષ્ટ્રમાં વિઘુતવેગી જનસભા અભિયાન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહારાષ્ટ્રમાં ભાજપાની જંગી ચૂંટણી સભાઓમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના હાથમાં દેશનું અને યુવાનોનું ભાવિ સલામત નથી. ભારતને આજે નિર્ણાયક રાજકીય ઇચ્છાશકિત ધરાવતા અનુભવી નેતૃત્વ અને સરકારની જરૂર છે અને તો જ ભારતને પાંચ વર્ષમાં વિકરાળ બનેલી સમસ્યાઓ અને સંકટોમાંથી બહાર લાવીને વિકાસના સામર્થ્યનો અહેસાસ કરાવી શકાશે. ભાજપા સ્થિત સો કરોડ દેશવાસીઓ કોઇ રાજકીય પક્ષોમાં ભરોસો મૂકી શકે તેમ નથી કારણ અન્ય તમામ રાજકીય પક્ષોના ઇરાદા તકવાદ અને સત્તાભૂખ્યા પરિવારવાદ સાથે જોડાયેલા છે.મહારાષ્ટ્રના ભાજપા ચૂંટણી સંચાલનનું નેતૃત્વ સંભાળી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગઢચિરોલી, ચન્દ્રાપુર, આખરી-વર્ધા અને નાગપુરમાં ચૂંટણી સભાઓનું અભિયાન આજે હાથ ધર્યું હતું.
ચન્દ્રાપુરમાં જંગી જાહેરસભામાં મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ અને શરદ પવારની સત્તાભૂખ ઉપર વેધક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાત પડોશી રાજ્યો છે પણ બંને પડોશી રાજ્યોના કિસાનોની આબાદીમાં જમીન આસમાનનું અંતર છે. ગુજરાતના કિસાનોનો કપાસ ખરીદવા રાજ્યના વેપારીઓ મબલખ ભાવ આપવા લાઇનમાં ઉભા રહે છે ત્યારે મહારાષ્ટ્રના કપાસ પકવતા કિસાનોના આપધાતના કિસ્સાનો સીલસીલો ચાલતો રહ્યો છે અને કપાસની ખેતી સાથે જોડાયેલા બેહાલ કિસાનોના ધા ઉપર શરદ પવાર, વિલાસરાવ દેશમુખ અને કેન્દ્રના કપડાં મંત્રીએ કોંગ્રેસ સરકારની કિસાન હિતોની ઉપેક્ષાને છાવરવા ખેડૂતો ઉપર દોષારોપણ કરેલું તેનો હિસાબ મહારાષ્ટ્રના ખેડૂતો લોકશાહી માર્ગે આપી દેશે એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દેશની સુરક્ષા અને નિર્દોષ નાગરિકોની જીંદગીની સલામતી સામેનું સંકટ છેલ્લા પાંચ વર્ષમાં વકરી ગયું છે છતાં, કોંગ્રેસ વોટબેન્ક રાજનીતિના ખતરનાક ખેલ છોડવા તૈયાર નથી.
મહારાષ્ટ્ર ભાજપાના વરિષ્ઠ અગ્રણીઓ સર્વશ્રી ગોપીનાથ મૂંડે અને નીતિન ગડકરી પણ આ પ્રવાસમાં જોડાયા હતા.