મહિલા મહાસંમેલન-શિહોરીમાં નારીસમાજનું વિરાટ સમર્થન
મહિલા અને બાળકોને કુપોષણથી બચાવવા જનભાગીદારીનું વ્યાપક અભિયાન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકોને કુપોષણની સમસ્યાથી મૂકત કરવાનું વ્યાપક અને ભગીરથ અભિયાન ગુજરાતમાં હાથ ધર્યું છે. તેમણે જણાવ્યું કે કુપોષણ અને અસુરક્ષિત પ્રસૂતિના કારણે થતા ગરીબ સગર્ભા માતા અને શિશુના મૃત્યુની પીડા સામે સમાજ સમસ્તની સંવેદના જગાવીને જનભાગીદારીથી કુપોષણ સામે જંગ સલામત પ્રસૂતિ અને શિશુ આરોગ્યનું અભિયાન ઉપાડયું છે.સ્ત્રી સમાજની વિરાટ શકિતનું દર્શન કરાવતું મહિલા મહાસંમેલન આજે બનાસકાંઠાના શિહોરીમાં યોજવામાં આવ્યું હતું. નારીઉત્કર્ષની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિકાસની કાર્યસિદ્ધિઓને ધર-ધરમાં માતૃશકિત-નારીસમાજ સુધી પહોંચાડવા આ સરકાર પ્રતિબદ્ધ છે તેની વિવિધલક્ષી ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે નારી સમાજને શકિતશાળી બનાવવા માટે પરિવાર અને સમાજમાં નિર્ણયમાં ભાગીદાર બનાવવા ગુજરાતે અનેકવિધ પહેલ કરી છે. ગરીબ સગર્ભા માતા અને ગર્ભસ્થ શિશુની જીંદગી સલામત પ્રસૂતિ અને પોષણક્ષમ સંભાળથી ઉગારી લેવા માટેની "ચિરંજીવી યોજના' સાથે હવે, નવા જન્મેલા બાળકની પૂરા બાર મહિના સુધી આરોગ્યની સંભાળ પણ સંપૂર્ણ સરકારી ખર્ચે સ્ત્રીરોગ નિષ્ણાંત સાથે બાળરોગ તબીબને પ્રેરિત કરીને "બાલસખા' યોજના જોડી છે.
ગ્રામ સમાજમાં ભૂલકાંઓના સંસ્કાર સિંચન માટેની પાયાની સંસ્થા તરીકે આંગણવાડીનું અપગ્રેડેશન અને તેની સંચાલિકા બહેનોને સામાજિક ગૌરવ અને આર્થિક સ્વનિર્ભરતા પૂરી પાડવાના ક્ષેત્રે સાડી ગણવેશ અને પોણા બે લાખ રૂપિયા સુધીનું નિવૃતિ-ભંડોળ મળે તે માટે "યશોદા ગૌરવનિધિ' શરૂ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
નારી સશકિતકરણની દિશામાં શિક્ષણ, આરોગ્ય તથા સખીમંડળો દ્વારા આર્થિક ઉત્કર્ષના કાર્યક્રમો ગુજરાતે હાથ ધરીને લાખો બહેનોમાં આત્મવિશ્વાસનું ચેતનવંતુ વાતાવરણ ઉભૂં કર્યુ છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના વિકાસને નવી ઊંચાઇ ઉપર લઇ જવા માટે એકંદરે રૂા. ૭૬૧ કરોડના શ્રેણીબદ્ધ નવાં વિકાસકામોની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
તેમણે જણાવ્યું કે અંબાજીથી વાપી સુધીના દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર ઉત્તરગુજરાત અને વિશેષ કરીને બનાસકાંઠા માટે સમૃદ્ધિ સંપદાનો કોરિડોર બની રહેવાનો છે. રોજગારીના લાખો નવા અવસરો ઉભા થવાના છે અને સિંચાઇના પાણીની સવલતથી ખેતી આબાદ બનવાની છે.
મહિલા-બાળવિકાસ અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની નારીઓને સામર્થ્યવાન અને સ્વાભિમાની બનાવવા માટે જે ભગીરથ આયોજન કર્યું છે તે અજોડ છે. પહેલીવાર અલાયદો મહિલા બાળકલ્યાણ વિભાગ પૂરી સજ્જતાથી કાર્યરત થયો છે અને કરોડો રૂપિયાનું બજેટ મહિલા ઉત્કર્ષ માટે ફાળવ્યું છે. એમાંય માતા અને શિશુની જીંદગી રક્ષવા માટેની ચિરંજીવી યોજના અને બાલસખા યોજના આખા દેશમાં પથદર્શક બની રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં ૪.૪૪ લાખ બહેનોના નામે મિલ્કત થઇ છે અને સગર્ભા માતાની સુરક્ષિત પ્રસૂતિ સાથે સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે. આંગણવાડી બહેનો માટે તો નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવનિધિ જાહેર કરી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી જયશ્રીબેન પટેલ સહિત રાજ્યના મહિલા પદાધિકારીઓ તથા બનાસકાંઠાના ધારાસભ્યો-આગેવાનો અને વિશાળ સંખ્યામાં નારી માતૃશકિત ઉપસ્થિત રહી હતી.
ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર, ગાંધીનગર, તા.૨૦/૦૨/૨૦૦૯