ઈતિહાસને વિકૃત બનાવવાની રાજકીય આભડછેટને બદલે રાજકીય મૂલ્યોની વિરાસતનું ગૌરવ કરીએ
ગુજરાતના દરિયાઇ વેપારની સંસ્કૃતિ સામર્થ્યવાન હતી તેનું ગૌરવ થવું જોઇએ
બૌધિક વ્યભિચારીઓ માટે ગુજરાત કશુ જ નથી….
ગુજરાતની સાંસ્કૃતિ વિરાસત અને અસ્મિતા માટે સ્વાભિમાન ધરાવીએ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતની મેરીટાઇમ સંસ્કૃતિના ઇતિહાસના પુસ્તકનું વિમોચન
અમદાવાદઃ મંગળવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ભવ્ય મેરીટાઇમ સ્ટેટની વિરાસતનો ઇતિહાસ આલેખતા પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, આ દેશમાં રાજકીય વિચારધારા વિભન્ન હોઇ શકે પરંતુ રાજકીય મૂલ્યોની બાબતમાં સહમતિ ઉભી થાય તે માટે રાષ્ટ્રિય ચર્ચા થવી જોઇએ.તેમણે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે સ્વર્ણિમ ગુજરાત-૨૦૧૦ના અવસરે ગુજરાતની અસ્મિતાની સુસંસ્કૃત વિરાસતના સામર્થ્યને ઉજાગર કરતાં ઐતિહાસિક ગ્રંથોનું નિર્માણ જનશકિતની ભાગીદારીથી કરવું છે અને ઇતિહાસની અટારીને સમૃધ્ધ બનાવવી છે. દર્શક ઇતિહાસ નિધિના ઉપક્રમે પ્રા.મકરંદ મહેતા લિખિત પુસ્તક ‘હિસ્ટ્રી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ કસ્ટમ ડયુટીઝ ઓફ ગુજરાત‘નું આજે સાંજે અમદાવાદમાં વિમોચન થયું હતું.
આપણા ઉપર ગુલામીની માનસિકતાના પડ એવા છે કે આપણું પોતાનું સારું કહેવા માટે પણ આપણામાં હિંમત નથી અને બૌધિક વ્યભિચારીઓ ગુજરાતમાં કશું છે જ નહિ તેવો ભ્રમ ફેલાવે છે એ વાતાવરણમાંથી બહાર આવવાની જરૂરી ઉપર મુખ્યમંત્રીશ્રીએ ભાર મુકયો હતો. ગુજરાતના સામાહિક જીવનનો ઇતિહાસ સાહસપૂર્ણ રહ્યો છે તેનો નિર્દેશ આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રશિયાના અસ્ટ્રાખાન પ્રાંત અને ગુજરાત વચ્ચે સમજૂતિના કરાર થયા છે અને ગુજરાતની સંસ્કૃતિનો પ્રભાવ ત્યાં જોવા મળે છે અને તેમાંથી ગુજરાતની દરિયાઇ વ્યાપારની સામર્થ્ય સિધ્ધિનું ગૌરવ કેવું હતું તેની પ્રતિતિ થાય છે.
ગુજરાતનું લોથલ પુરાતન બંદર માનવ સમાજની મહાન વિરાસત છે અને શીપ બિલ્ડીંગમાં ગુજરાતીઓના સામર્થ્યનું એક મ્યુઝિયમ ઉભુ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
બૌધ્ધ સંસ્કૃતિના અલભ્ય અવશેષો ગુજરાતમાં છે અને આ ઇતિહાસની વિરાસતને પણ રાજ્ય સરકાર ઉજાગર કરવા ઇચ્છે છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયાના દેશો સાથે ભગવાન બુધ્ધની સંસ્કૃતિની ભૂમિ તરીકે ગુજરાતનો નવો નાતો બંધાઇ રહ્યો છે. વડનગરમાંથી બુધ્ધનો સ્તુપ અને વિશાળ બુધ્ધ હોસ્ટેલના અવશેષો પણ મળ્યા છે. આ માટે ચીન, જાપાન, શ્રીલંકા, કોરિયા સહિતના એશિયન દેશોએ રસ દાખવ્યો છે.
તેમણે જણાવ્યું કે, ઇતિહાસ શાસન કેન્દ્રી અને શાસક કેન્દ્રી નહીં પણ પ્રજા કેન્દ્રી, સમય કેન્દ્રી હોવો જોઇએ પરંતુ તેનાથી ઉલ્ટુ થયું છે અને તેણે સમાજના હિતોને ધણું નુકશાન પહોંચાડયુ છે. ઇતિહાસના ક્રમિક પૃષ્ઠોને વિકૃત બનાવવામાં બૌધિક વ્યભિચારીઓની માનસિકતા જવાબદાર છે.
ગુજરાતમાં ઇતિહાસ વિદો સાથે પરામર્શ કરીને સાંસ્કૃતિ વૈભવને સમાજ સમક્ષ મુકવાની અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા ગુજરાતની સંસ્કૃતિને સાકાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
વિશ્વ સદીઓથી અને પુરાતન યુગથી ગુજરાત પ્રત્યે આકર્ષેલું રહ્યું છે અને ગુજરાતની સંસ્કૃતિમાં વિશ્વની અનેક જાતિઓના પ્રભાવ વિશેના સંશોધનો પણ થવા જોઇએ. પ્રો.મકરંદ મહેતાએ તેમના પુસ્તકનું વિમોચન ગુજરાતની અસ્મિતાના મશાલચીના હસ્તે થયું તે અંગે આનંદ વ્યકત કર્યો હતો.
સંસ્થાના પ્રમુખ શ્રી હસમુખ શાહે દર્શક ઇતિહાસ નિધિની કાર્યપ્રવૃત્ત્િાઓની રૂપરેખા આપી સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના બૌધિકો, ઇતિહાસ રસિકો, લેખકો, ઇતિહાસ વિદો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.