ગુજરાત પ્રવાસનને "બેસ્ટ ટુરિઝમ બોર્ડ ઓફ ઇન્ડિયા'નો ગૌરવવંતો એવોર્ડ એનાયત
રાજ્ય સરકારનાં ભગીરથ પ્રયાસોની ફળશ્રુતિ "ખૂશ્બુ ગુજરાત કી'ની લહેર માત્ર દેશમાં જ નહિ, વિદેશોમાં પણ પ્રસરી
"ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ દર ૧૪ ટકાઃ રાષ્ટ્રની સરેરાશની તુલનામાં બમણા કરતા પણ વધારે'' - પ્રવાસનમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ
પ્રવાસન મંત્રીશ્રી જયનારાણ વ્યાસે જણાવ્યું છે કે ગુજરાતને પ્રવાસન વિકાસ ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. ટ્રાવેલ એજન્સી એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ બેસ્ટ ટુરિઝમ બોર્ડ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ ગુજરાતના પ્રવાસન નિગમને કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રીએ એનાયત કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પ્રવાસન વિભાગને આ યશસ્વી સિધ્ધિ મેળવવા માટે અભિનંદન આપ્યા છે એમ પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ખ્યાતનામ એવોર્ડ માટે ગુજરાત રાજ્યની સાથે કેરાલા અને મધ્યપ્રદેશ જેવા પ્રવાસન ક્ષેત્રે જાણીતા રાજ્યો પણ "બેસ્ટ ટુરિઝમ બોર્ડ ઓફ ઇન્ડિયા' કેટેગરીમાં નોમિનેટ થયા હતા. જેમાં આખરી પસંદગીમાં ગુજરાતે આ એવોર્ડ જીતી લીધો છે.
શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે "ખૂશ્બુ ગુજરાત કી'ની લહેર માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં પ્રસરી ચૂકી છે. ગુજરાતની પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળનું શ્રેય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક અને અભિનવ માર્ગદર્શનમાં પ્રવાસન વિભાગે હાથ ધરેલા સર્વગ્રાહી પ્રયાસોની ફલશ્રુતિ છે.
પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર રાષ્ટ્રનાં સરેરાશ પ્રવાસન વિકાસદર કરતાં બમણી ગતિથી ૧૪ ટકાનાં દરે વિકસી રહ્યું છે. અત્યાર સુધી પ્રવાસન ક્ષેત્રે કેરાલા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો અગ્રેસર હતા. પણ, હવે ગુજરાત દેશવિદેશનાં પર્યટકો માટે ટોચનાં પ્રવાસન સ્થળ તરીકે ચાહના મેળવી ચૂકયું છે અને તેની સ્વીકૃતિરૂપ મળેલ આ એવોર્ડ ગુજરાત સરકાર માટે યશસ્વી ગૌરવ છે.
પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે પ્રવાસન ઉઘોગને સૌથી વધુ રોજગારીલક્ષી ઉઘોગ તરીકે મહત્વ આપ્યું છે. ઓછા મૂડીરોકાણથી મહત્તમ રોજગારીની તકો આપતા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સમસ્તમાં ભૂતકાળમાં ઉપેક્ષિત રહેલા પર્યટન-પ્રવાસન ક્ષેત્રોના વિકાસ માટે રણોત્સવ સહિત સમગ્ર કચ્છ, નવરાત્રી ઉત્સવ, પતંગોત્સવ, તરણેતર લોકમેળા, સાપુતારા, ધોળાવીરા, યાત્રાધામ વિકાસ સહિત ગુજરાતની પ્રવાસન વિરાસત અને સાંસ્કૃતિક ધરોહરની ગરિમાનું વિશ્વદર્શન કરાવવા રાજ્યના પ્રવાસન વિભાગે અનેકવિધ આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે.
એટલું જ નહીં, રાજ્યમાં પ્રવાસન માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જવા, પ્રવાસન સુવિધાઓ ઉભી કરવા અને પ્રવાસન સંલગ્ન આંતરમાળખાનાં નિર્માણ માટે અનેકવિધ પહેલ કરી છે. સુપ્રસિધ્ધ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતને પોતાની સેવાઓ આપી છે અને તેના કારણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો દેશવિદેશના સહેલાણીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આગામી તારીખ ૧૧ થી ૧૪ માર્ચ ર૦૧ર દરમ્યાન TAAI નું ૬૦મું સંમેલન અને પ્રદર્શની તુર્કીનાં ઇસ્તંબુલ ખાતે યોજાનાર છે જે દરમ્યાન "ખૂશ્બુ ગુજરાત કી'ના સર્જનાત્મક રીતે તૈયાર કરાયેલ પ્રસ્તુતિની રજુઆત પણ વૈશ્વિક પ્રવાસન સમુદાય સમક્ષ કરવામાં આવશે, તેમ પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતના પ્રવાસન નિગમને જાહેર કરાયેલ આ બેસ્ટ ટુરિઝમ બોર્ડ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ રાજ્ય પ્રવાસન વિભાગના અગ્રસચિવશ્રી વિપુલ મિત્રાને કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રીએ એનાયત કર્યો હતો.