વિકાસ, વિઝન, ભ્રષ્ટાચાર ને મુસ્લિમો સાથે ભેદભાવ:મોદી સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત, PMએ કહ્યું- દરેક ભ્રષ્ટાચારીને જેલમાં જવું જ પડશે
ગુજરાતમાં રવિવાર સાંજે પ્રચારનો શોર થંભી જશે, 7 મેના રોજ અહીં ત્રીજા તબક્કાનું મતદાન થશે. ભાજપ સતત ત્રીજી વખત ક્લીન સ્વીપનો દાવો કરી રહ્યો છે. કોંગ્રેસ ભાજપનો રસ્તો રોકવાનો દંભ ભરી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી. દેશનો વિકાસ, સરકારનું વિઝન, ભ્રષ્ટાચાર, ઈડી-સીબીઆઈ, મુસ્લિમોથી ભેદભાવ, વિપક્ષને ખતમ કરવા જેવા પ્રશ્નોના જવાબ આપ્યા.
ભાસ્કર: દેશના યુવાનો પાસેથી તમારી શું અપેક્ષા છે? 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનું જે વિઝન તમે જોયું છે, તેમાં યુવાનોનું શું યોગદાન તમે જુઓ છો?
જવાબ: આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં જ નહિ પરંતુ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત દેશ બનાવવામાં પણ યુવાનો મુખ્ય ભૂમિકા ભજવશે. તેથી જ હું યુવા પેઢીને અમૃત પેઢી કહું છું, જે અમૃતકાળમાં ભારતને આગળ લઈ જશે. વિકસિત ભારત જે અપાર લાભ અને તકો પેદા કરશે, તેના પ્રાથમિક લાભાર્થીઓ આપણા યુવા હશે.
આજે ભારતના યુવાનો પોતાના માટે, તેમના પરિવાર અને દેશ માટે મોટાં સપનાં અને ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવે છે. મેં જોયું છે કે 2014થી યુવાનોનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાયો છે. એ સમયે યુવાનોમાં નિરાશાની લાગણી હતી. ભ્રષ્ટાચાર અને નીતિગત અસ્થિરતા અંગેના સમાચાર અને વ્યાપક ભાઇ-ભત્રીજાવાદના લીધે, તેમને લાગતું હતું કે તેમના વિકાસની તકો મર્યાદિત છે.
યુવાનોના વલણમાં હવે 180 ડિગ્રી બદલાવ આવ્યો છે. ભારત જે રીતે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે, તેને યુવાનો જોઇ રહ્યા છે અને આ વિકાસયાત્રામાં તેમનું યોગદાન આપવા માંગે છે. ભારતના યુવાનોને તેમની ક્ષમતાઓ પર અપાર વિશ્વાસ છે અને તેમની અંદર સફળ થવાની અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક ભૂખ છે. આજે ભારત જે વ્યાપક તકો પ્રદાન કરે છે તેનો તેઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
અમારી સરકારે યુવાનોને સફળ થવા માટે યોગ્ય પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનું કામ કર્યું છે અને યુવાનો આ તકોને ઝડપીને સફળ થવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આજે દેશમાં એવાં ક્ષેત્રો પણ છે, જેમના વિશે દસ વર્ષ પહેલાં કોઈએ સાંભળ્યું પણ ન હતું. ભારત સૌથી મોટા સ્ટાર્ટ-અપ હબ તરીકે ઊભરી આવ્યું છે. રમતગમત ક્ષેત્ર હવે કારકિર્દીના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે. અંતરિક્ષ અને ડ્રોન ઉદ્યોગમાં પણ આપણા યુવાનો પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આજે, આપણા યુવાનોના ઉત્સાહ અને ગતિશીલતાને કારણે વિશ્વને ભારતની ક્ષમતામાં ઘણો વિશ્વાસ છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે તેઓ રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની સફરમાં યોગદાન આપતા રહેશે.
ભાસ્કર: ઇડી, સીબીઆઇ, ઇલેક્ટોરલ બોન્ડ અંગે અન્ય પાર્ટીઓ જે આરોપ લગાવે છે, તેના વિશે તમે શું કહેશો?
જવાબ: વિપક્ષ ઘણા આરોપો લગાવે છે પણ એ તમામ આરોપો જનતા તેમજ ન્યાયની અદાલતોએ ફગાવી દીધા છે. 2019ની ચૂંટણીમાં પણ, વિપક્ષે મારી વિરુદ્ધ ઘણા આરોપ લગાવ્યા હતા. માનનીય સુપ્રીમ કોર્ટે તેમના પાયાવિહોણા અભિયાનને ખતમ કરી દીધું હતું. એટલે તેમની વિશ્વસનીયતા અત્યારે સાવ તળિયે આવી ગઇ છે.
છેલ્લાં દસ વર્ષમાં, ન માત્ર મેં પારદર્શક સરકાર ચલાવી છે પરંતુ એ પણ સુનિશ્વિત કર્યું છે કે પાછલી સરકારોએ કરેલા ભ્રષ્ટાચારને સાફ કરવામાં આવે. વર્ષ 2019માં મેં લોકોને વાયદો કર્યો હતો કે ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં હું નિર્ણાયક પડાવ પર છું. તેમનો એક વોટ એ સુનિશ્વિત કરશે કે ભ્રષ્ટાચારીઓ જેલ પહોંચે. લોકોએ અમને એટલા માટે વોટ આપ્યો કે ભ્રષ્ટાચારીઓ જેલભેગા થાય.
આપણે જોયું છે કે અમુક નેતાઓના ઘરેથી અપાર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. 2014 પહેલાં, ઇડીએ માત્ર ₹ 5 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જ્યારે છેલ્લાં દસ વર્ષમાં આ સંખ્યા ₹ 1 લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ઇડી દ્વારા જે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવામાં આવી રહી છે, તેમાંથી માત્ર 3% કેસના લોકો જ રાજકારણ સાથે સંકળાયેલા છે. બાકીના 97% કેસ અન્ય લોકો સાથે સંકળાયેલા છે. છેલ્લાં 11 વર્ષમાં, સીબીઆઇ દ્વારા જે 10,622 નિયમિત કેસો અને પ્રાથમિક પૂછપરછ અંતર્ગત તપાસ ચાલી રહી છે, તેમાંથી માત્ર 1-1.5% કેસોમાં જ રાજકારણીઓ સામેલ છે.
જ્યાં સુધી ઇલેક્ટોરલ બોન્ડ્સની વાત છે, તો હું એ પહેલાં પણ સ્પષ્ટ કરી ચૂક્યો છું કે તેનાથી એ ખાતરી થાય છે કે રાજકીય પક્ષોને જે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેમાં માત્ર કાયદેસરના પૈસા જ પહોંચે. અગાઉ જે રીતે ગેરકાયદેસર નાણાં ફાળવવામાં આવતાં હતાં, તેના કરતાં આ સિસ્ટમ વધુ સારી છે.
ભાસ્કર : ભારતમાં ધીમે-ધીમે એક પાર્ટી વ્યવસ્થા બની રહી છે. આ ભાજપની આક્રમક શૈલીના કારણે છે કે વિપક્ષની અસફળતાના લીધે?
જવાબ: હું કહીશ કે સત્ય તેનાથી તદ્દન વિપરીત છે. ભારત એ બહુપક્ષીય લોકતંત્ર છે. બીજા કોઈ દેશમાં આટલી પાર્ટીઓ અને સહભાગીઓ નથી જેઓ કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તા પ્રાપ્ત કરતા હોય. આજે, દેશના વિવિધ ભાગોમાં ઘણા પક્ષો ચૂંટણી લડી રહ્યા છે અથવા સરકારો ચલાવી રહ્યા છે.
શું એક્સપ્રેસ વે, હાઇવે જેવા પ્રોજેક્ટ ધર્મનો આધાર બનાવીને કંપનીઓને આપવા જોઇએ? શું ધર્મના આધારે હથિયારો અને સુરક્ષાનાં સાધનો કંપનીઓ પાસેથી લેવા જોઇએ? આવા વિભાજનકારી એજન્ડા સામે ભારતના નાગરિકો કોંગ્રેસને પાઠ ભણાવશે -વડાપ્રધાન મોદી
દિવ્ય ભાસ્કર: એવું લાગે છે કે બહુમતી હિન્દુઓને અવગણીને હવે કોઈ ભારતમાં સફળ રાજનીતિ ન કરી શકે?
નરેન્દ્ર મોદી: હું માનું છું કે કોઈ પણ સમાજને અવગણવાનો કોઈ અવકાશ ન હોવો જોઇએ
ભાજપ નિઃશંકપણે દેશની સૌથી ઝડપથી વિકસી રહેલી પાર્ટી છે અને તમામ રાજ્યો, જાતિ અને સમુદાયોમાં અને તમામ વય જૂથોના ભારતીયો ભાજપને વધુ ને વધુ પસંદ કરી રહ્યા છે. તે એટલા માટે થઇ રહ્યું છે કે આજે ભારતમાં શાસનપક્ષ તરીકે ભાજપ એક સ્વભાવિક પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. ભાજપ એક એવો પક્ષ છે જેણે ભારતના લોકોનાં સપનાં, આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી છે. ભાજપ આગામી 25 વર્ષ માટે દેશના વિકાસ માટેનું વિઝન તૈયાર કરી રહ્યો છે. છેલ્લાં દસ વર્ષમાં થયેલાં જનકલ્યાણનાં કાર્યો, આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય સુરક્ષા અને સભ્યતાના પુનરુત્થાનથી આ વિકાસના રોડ-મેપને સમર્થન મળ્યું છે.
ભાસ્કર : એવું લાગે છે કે બહુમતી હિન્દુઓને અવગણીને હવે કોઈ ભારતમાં સફળ રાજનીતિ ન કરી શકે. તમારો શું વિચાર છે? શું લાંબા સમય સુધી તેમની થયેલી ઉપેક્ષાનું આ પરિણામ છે?
જવાબ: હું માનું છું કે કોઈ પણ સમાજને અવગણવાનો કોઈ અવકાશ ન હોવો જોઇએ. અમારી નીતિ દરેક સમાજને સમાન તકો આપવાની રહી છે. આ દિશામાં અમે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમારી તમામ નીતિઓ દરેક સમાજને સમાનતાથી સ્પર્શે છે અને તમામના વિકાસ માટે સહાયક બને છે.
પણ કોંગ્રેસનો અભિગમ તદ્દન અલગ હતો. વર્ષો સુધી, તેમની લઘુમતી તુષ્ટિકરણની નીતિના લીધે તેમણે હિંદુઓની સતત અવગણના કરી. તમામ નીતિઓ અને પહેલોને લઘુમતી તુષ્ટિકરણના ત્રાજવે તોલવામાં આવતી હતી. તેઓ સાંપ્રદાયિક હિંસા ખરડો લાવ્યા હતા. તેમણે મુસ્લિમોને આરક્ષણ આપવાના અનેક પ્રયાસ કર્યા. આપણા સાંસ્કૃતિક કેન્દ્રો અને મંદિર પરિસરોના વિકાસ માટે તેમણે કંઇ ન કર્યું. આપણો દેશ આ બાબતો ભૂલશે નહિ અને આ દુર્વ્યવહાર માટે તેઓ કોંગ્રેસને ક્યારેય માફ નહિ કરે.
ભાસ્કર : દેશની અર્થવ્યવસ્થા સતત ઊંચાઇઓ આંબી રહી છે પરંતુ ગરીબી, બેરોજગારી અને મોંઘવારી કોઈ ને કોઈ રૂપમાં હજુ પણ પડકાર છે. તમે શું કહેશો?
જવાબ: આજે, ભારત એ સૌથી ઝડપથી વિકસી રહેલી મોટી અર્થવ્યવસ્થા છે. આ આર્થિક પ્રગતિ ગરીબોના કલ્યાણ અને સુખાકારીમાં અભૂતપૂર્વ વધારો કરી રહી છે. તેના પરિણામે, ન માત્ર 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, પરંતુ તેમનું જીવનધોરણ પણ સૂધર્યું છે. કરોડો ભારતીય પરિવારોએ તેમના જીવનમાં પહેલીવાર વીજળી, પાણી કનેક્શન, ગેસ કનેક્શન અને તેમનાં ઘરોમાં શૌચાલય જોયાં છે. કરોડો ગરીબ ભારતીય પરિવારો તેમના જીવનમાં પ્રથમ વખત મફત આરોગ્ય વીમો, જીવન વીમો, અકસ્માત વીમો અને પેન્શન મેળવી રહ્યા છે.
ગરીબી નાબૂદી અને જનકલ્યાણ માટે સરકારે ફાળવેલો એક-એક રૂપિયો તેમના લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે. ડીબીટી દ્વારા 35 લાખ કરોડ રૂપિયા સીધા ગરીબોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોવિડ રોગચાળા પછી, અમે વિશ્વનો સૌથી મોટો રાશન પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ જેમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. હવે અમારા સંકલ્પપત્રમાં, અમે ખાતરી આપી છે કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના આગામી 5 વર્ષ સુધી પણ ચાલુ રહેશે. પહેલાંની સરકારોની સરખામણીમાં, મોંઘવારી નિયંત્રણ કરવામાં અમારી સરકારનો રેકોર્ડ સૌથી સારો છે. કોવિડ અને સંઘર્ષોના કારણે, વિકસિત દેશો પણ તેમના ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ભારત તે હાંસલ કરવામાં સફળ રહ્યું છે.
ખાનગી ક્ષેત્ર હોય, ઉદ્યોગસાહસિકતા હોય કે સરકારી નોકરીઓ હોય, અમે આપણા યુવાનો માટે વિક્રમી તકો ઊભી કરી છે. 6 કરોડથી વધુ નવા ઇપીએફઓ સબ્સ્ક્રાઇબર્સ સાથે વર્કફોર્સમાં પ્રવેશતા લોકોની સંખ્યામાં અમે વધારો જોયો છે. મુદ્રા લોન દ્વારા, અમે ઉદ્યોગસાહસિકતા અને સ્વ-રોજગાર માટે 15 કરોડથી વધુ તકો પેદા કરીને 8 કરોડ નવા વ્યવસાયો શરૂ કરવાની સુવિધા આપી છે.
આપણા અર્થતંત્રમાં ખૂબ સારી પ્રગતિ થઇ રહી છે, જેમાં 20 ટકાથી વધુ કામદારો ઉચ્ચ કૌશલ્યવાન ભૂમિકાઓમાં સંકળાયેલા છે. ડિજિટલ ઈકોનોમીએ 6 કરોડથી વધુ નોકરીની તકો આપી છે, જેની સંખ્યા ટૂંક સમયમાં બમણી થઇ જશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ ઘણી નોકરીઓનું સર્જન કર્યું છે, જેમાં છેલ્લા દાયકામાં જ 3 કરોડથી વધુ નવી નોકરીઓ પેદા થઇ છે. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમે ઘણા લોકોને સરકારી નોકરીએ રાખ્યા છે. અમે કેપિટલ એક્સપેન્ડિચર માટે 11.11 લાખ કરોડ રૂપિયા અલગથી રાખ્યા છે, જેનાથી વધુ નોકરીઓનું સર્જન થશે. ભારત આજે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ પૈકી એક છે. આપણા દેશના યુવાનોને આપણા આર્થિક વિકાસનો લાભ મળી શકે તેના માટે અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.
ભાસ્કર :સરકારી ટેન્ડરોમાં લઘુમતીઓ માટે વિશેષ વિચારણા માટેની કોંગ્રેસની દરખાસ્ત અંગે તમારી શું ચિંતા છે?
જવાબ: ધર્મ આધારિત આરક્ષણ અથવા ક્વોટા, એ વોટબેન્કના રાજકારણ માટેના પ્રયાસ સિવાય બીજું કંઇ નથી, જે ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને સંપૂર્ણપણે અવગણીને ભારતના વિકાસને જોખમમાં મૂકે છે. તેઓ ભારતના બંધારણના આત્માની પણ વિરુદ્ધ છે.
નોકરી અને શિક્ષણમાં ધર્મના આધારે ક્વોટા આપવાથી પણ હવે કોંગ્રેસ એક ડગલું આગળ ગઇ છે. તેઓ સરકારી કાર્યો અને ટેન્ડરોમાં ધર્મના આધારે ક્વોટા રાખવાની દરખાસ્ત કરી રહ્યા છે. તેમના મેનિફેસ્ટોનું આ સૌથી ચિંતાજનક પાસું છે. બીડની રકમ, ગુણવત્તા અને ક્ષમતાને ધ્યાનમાં લેવાની જગ્યાએ, તેઓ ધર્મના આધારે ટેન્ડર આપવા માંગે છે.
Following is the clipping of the interview:
Source: Divya Bhaskar