ભારત માતા કી જય,
ભારત માતા કી જય.
કેમ છો, વલહાડવાળા બધા? જોરમાં?
(મોદી... મોદી... નારાઓ)
હું દમણથી નીકળ્યો અને વલસાડ પહોંચ્યો, આખાય રસ્તા ઉપર જે રીતે લોકો આશીર્વાદ આપી રહ્યા હતા, અને આજે આ વલસાડમાં આવડી મોટી ચૂંટણી સભા. વલસાડના લોકોને પણ આશ્ચર્ય થતું હશે, આવડી મોટી સભા. આ ચૂંટણી સભા વલસાડની કોઈ પણ જુએ તો એ માની જ લે કે ચૂંટણીના પરિણામો શું આવવાના છે?
એક પ્રકારે તમે આ સભામાં આવીને ચૂંટણીના પરિણામની સિંહગર્જના કરી દીધી છે. અને મને કોઈકે કહ્યું કે બે કલાકથી બેઠા છે, કોઈ કહે છે કે ત્રણ કલાકથી બેઠા છે, અને આટલી મોટી સંખ્યામાં. એમાં પણ માતાઓ-બહેનો આશીર્વાદ માટે આવી છે, એ અમારું સૌભાગ્ય છે. આ ચારેય તરફ જે જનસૈલાબ છે, એ ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતની જાહેરાત છે, ભાઈઓ.
અને આ ગુજરાતની સિંહગર્જના છે કે
ફરી એક વાર, (ઑડિયન્સ બોલે છેઃ ભાજપ સરકાર.)
ફરી એક વાર, (ઑડિયન્સ બોલે છેઃ ભાજપ સરકાર.)
ફરી એક વાર, (ઑડિયન્સ બોલે છેઃ ભાજપ સરકાર.)
ફરી એક વાર, (ઑડિયન્સ બોલે છેઃ ભાજપ સરકાર.)
અને આ વાતાવરણ જોઈને હું કહું છું કે આ વખતે ગુજરાતની જનતાએ નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભુપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવાનું નક્કી કરી દીધું છે. આ માત્ર ચૂંટણી સભા નથી. પરંતુ આ ગુજરાતની જનતાનો વિજયનો શંખનાદ છે, દોસ્તો.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... નારાઓ ગુંજી રહ્યા છે.)
અને મેં જોયું, દમણ હોય, વાપી હોય, જે રોડ શો જોયો, એમાં જે ઉમંગ અને ઉત્સાહ હતો, જે એનર્જી હતી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જનતાનો ભરોસો કેવો છે, આ ભરોસાની સાક્ષી પુરાવનારી આ આખી મારી દમણની વલસાડ સુધીની યાત્રા હું અનુભવતો હતો.
ભાઈઓ, બહેનો,
આ ચૂંટણી ન ભાજપ લડે છે, ન ભાજપના ઉમેદવારો લડે છે, ન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ લડે છે, કે ન તો નરેન્દ્રભાઈ લડે છે. આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતના જવાનીયાઓએ આખી ચૂંટણી ઉપાડી લીધી છે.
ભાઈઓ, બહેનો,
ચૂંટણી એ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે. અને આ ઉત્સવમાં જેટલા લોકો જોડાઈ શકે, એ બધાએ જોડાવું જોઈએ. કારણ આ લોકશાહી આ દેશના 130 કરોડ નાગરિકોની અમાનત છે. અને એ લોકતંત્રને મજબુત કરવા માટે ચૂંટણી એક અવસર હોય છે. અને મને ખુશી છે, ભાઈઓ કે આ ચૂંટણી જનતા જનાર્દનના નેતૃત્વમાં લડાઈ રહી છે. અને જાણે એમ લાગે છે કે જનતા જ વિજયધ્વજ ફરકાવીને નીકળી પડી હોય એવું લાગે છે, અને એમાં પણ માતાઓ-બહેનોનો જે ઉમંગ છે, એમનો જે મક્કમ નિર્ધાર છે, એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વિજયને પાકો કરી દીધો છે.
ઘણી વાર લોકો મને પ્રશ્નો પુછે છે કે કારણ? આજે સવારે હું દિલ્હીમાં હતો, દિલ્હીથી નીકળી ગયો અને જ્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે, એ અરુણાચલ પ્રદેશમાં હતો અને સાંજે પશ્ચિમ ભારતમાં છેલ્લે જ્યાં સૂર્ય અસ્ત થાય છે, એ દમણમાં હતો. વચ્ચે કાશી ગયો અને હવે વલસાડ આવ્યો. લોકો મને પૂછે છે, સાહેબ, આટલી બધી મહેનત શું કરવા કરો છો? આટલી બધી દોડાદોડ શું કરવા કરો છો?
મેં કહ્યું કેમ? તો કે સાહેબ, બધા સર્વે એમ કહે છે કે ભાજપનો જ જ્વલંત વિજય થવાનો છે. બધા પોલિટીકલ કોમેન્ટેટર એમ કહે છે કે ભાજપનો અભુતપૂર્વ વિજય થવાનો છે. નાગરિકોના મુખે પણ જ્યાં જુઓ ત્યાં એક જ વાત સાંભળવા મળે છે, ભાજપનો જબરદસ્ત વિજય થવાનો છે. તો પછી તમે સાહેબ, આટલી મહેનત શું કરવા કરો છો? એમને મારા માટે લાગણી થઈ એ બહુ સ્વાભાવિક છે, તમને ય થતી હશે.
મેં એમને કહ્યું કે ભાઈ, તમારી વાત સાચી છે કે ગુજરાતની જનતા ચૂંટણી લડે છે, મહેનત ગુજરાતની જનતા કરે છે, ગુજરાતની જનતાએ વોટ આપવાનું નક્કી કરી લીધું છે. ભાજપ જીતવાનો છે, બધું જ બરાબર છે પણ આ દેશના નાગરિક તરીકે મારું પણ કર્તવ્ય છે. લોકશાહીમાં મારું પણ કર્તવ્ય છે કે હું લોકો વચ્ચે જઉં, લોકોને મારા કામનો હિસાબ આપું, અને લોકો પાસે વૉટના રૂપે આશીર્વાદ માગું.
આ મારું કર્તવ્ય છે. એ મારું કર્તવ્ય નિભાવવા માટે હું આવ્યો છું. અને હું તો ભાઈ, હું તો તમારો સેવક છું. બાવીસ - બાવીસ વર્ષ થવા આવ્યા, પગ વાળીને બેઠો નથી, જેટલી સેવા થાય એટલી સેવા કરવી છે. અને તેમ છતાંય મને પુરો ભરોસો છે કે વોટ તો તમે આપવાના જ છો પણ મારું કર્તવ્ય છે કે મારે આવીને કહેવું જોઈએ કે આ વખતે ભાજપને વોટ જોરદાર કરજો. અને જેમ મારું વોટ માગવા માટેનું કર્તવ્ય છે, એમ વોટ આપવા માટેનું તમારું પણ કર્તવ્ય છે. અને ઘરે ઘરે જઈને વધુમાં વધુ લોકો વોટ આપે ને એ વોટ અપાવવાનું કામ પણ આપે કરવાનું છે.
કરશો ભાઈઓ? કરશો? આજે જે તમે બધો બદલાવ જોઈ રહ્યા છો ને, દુનિયામાં ડંકો વાગે છે કે નથી વાગતો? ભારતમાં પણ જોરદાર પ્રગતિ થઈ રહી છે કે નથી થઈ રહી? શેના કારણે? શું કારણ છે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી... નારાઓ સાંભળીને) અરે, મોદી મોદી કરવાની વાત છોડો, મોદીના કારણે નથી. આ તો તમારા એક વૉટની તાકાત છે. એના કારણે આ બધું થાય છે. આજે બદલાવ આવી રહ્યો છે ને દુનિયામાં ડંકો હિન્દુસ્તાનનો. ભારતમાં પ્રગતિ, એનું કારણ, આ તમારી આંગળી ઉપર તમે જે કાળી ટીલી કરીને કમળને, બટનને દબાવ્યું છે ને એનું પરિણામ છે કે દેશ કમળની જેમ ખીલી રહ્યો છે, ભાઈ.
આજે ગુજરાત જે વિકાસની ઊંચાઈ ઉપર છે, એના મૂળમાં ગુજરાતના નાગરિકોની જાગરુકતા, ગુજરાતની માતાઓ-બહેનોના આશીર્વાદ, ગુજરાતના જુવાનીયાઓની જહેમત, અને એનું પરિણામ છે કે આજે ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. અને લોકો વારંવાર ભાજપને સેવા કરવાનો મોકો આપી રહી છે. બીજા કોઈની સરકાર હોત ને તો ચૂંટણીના મહિના પહેલા છાપામાં આટલા કરોડનો ગોટાળો, ને આટલા લાખનો ગોટાળો ને ભત્રીજાએ આમ કર્યું ને ભાણીયાએ આમ કર્યું ને એવું બધું જ આવતું હોત. આજે તો બધું જનતા જનતા. ભાઈઓ, બહેનો, આપણો સંકલ્પ રહ્યો છે કાં દેશ વિકસિત થાય, દુનિયાની બરાબરીમાં, જરાય એક ડગલું પાછળ ના હોય, આવી ઈચ્છા છે કે નહિ? છે કે નહિ? હિન્દુસ્તાન દુનિયાના શ્રેષ્ઠ દેશોમાં હોય એવી તમારી ઈચ્છા ખરી કે નહિ? પણ એ કરવું હોય તો આપણે ગુજરાતને પણ એવું જ બનાવવું પડે, અને એ બનાવવાનું કામ ભાજપ કરી રહ્યો છે. એમાં તમારા આશીર્વાદ જોઈએ, ભાઈ. 75 વર્ષ આઝાદી પછીના પૂરા કરીને પછી અમૃતકાળમાં આપણે પ્રવેશ્યા છીએ અને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આગામી 25 વર્ષ હિન્દુસ્તાનના અત્યંત મહત્વપૂર્ણ વર્ષો છે, ભાઈ. 25 વર્ષમાં આપણને હવે ક્યાંય કાચું ના કાપવા દેવાય. તો જ બરાબર પાકેપાકું આગળ વધી શકાય. વધવું છે કે નહિ? વધવું છે ને? તમારા બધાની તૈયારી છે ને? પણ ઘેર ઘેર જઈને આ વખતે વોટ કરાવવા પડે. આપણે આ સંકલ્પ લઈને આગળ વધવાનું છે. અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો આપણો આ પ્રયાસ છે. ભારતને વિકસિત બનાવવા માટે ભારતને આત્મનિર્ભર બનાવવું પડે, અને આત્મનિર્ભર ભારત બનાવવામાં આપણા ગુજરાતે ઘણું બધું આગળ કર્યું છે, કામ. આગળ કરવાનું છે. ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સપનાને પાર કરવું છે, અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાત બનાવવું છે, આપણે. અને એટલા માટે ગુજરાતની જવાબદારી જરા મોટી છે.
અને એટલા માટે ભાઈઓ, ચૂંટણીમાં ઉત્તરોત્તર વધુને વધુ વિજય મળે એના કારણે નવી તાકાત આવતી હોય છે. અને આજે જ્યારે હું વલસાડ આવ્યો છું ત્યારે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચાઈ ગયા ને બધી વિધિ પતી ગઈ ને કોણ ક્યાં લડે છે એ બધું નક્કી થઈ ગયું, એના પછી એક પ્રકારે આ મારી પહેલી સભા છે. મારે નવા, જે નવા મતદારો છે, એમની જોડે વાત કરવી છે. જે પહેલીવાર મતદાન કરવાના છે. જેમને પહેલીવાર મત આપવાનો અધિકાર મળવાનો છે, જે લોકો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાના છે, એવા મારા યુવાન મિત્રો, અને હું આખાય ગુજરાતના યુવાનમિત્રોને કહેવા માગું છું કે તમે હવે ખાલી 18 વર્ષ વટાવીને મતનો અધિકાર મેળવ્યો છે, એવું નહિ, તમે ગુજરાતનું ભાગ્ય નિર્માણ કરવામાં ભાગીદાર બન્યા છો. તમે ગુજરાતના નીતિનિર્ધારક બન્યા છો, અને જે લોકો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાના છે. આ જવાનીયાઓ, જે આજે અઢાર વર્ષના, ઓગણીસ વર્ષના થયા છે એના માટે એની જિંદગીના 25 વર્ષ ખુબ મહત્વના છે. જેમ એની જિંદગીના 25 વર્ષ મહત્વના છે એમ ભારતના પણ આ 25 વર્ષ અત્યંત મહત્વના છે, અને એમાં ગુજરાતના તો એનાથીય મહત્વના છે. અને એટલા માટે મારા આજે નવા જવાનીયાઓ છે, દીકરા, દીકરીઓ છે, જે પહેલીવાર મતદાન કરવા જવાના છે, એમને મારે કહેવાનું છે કે તમે એવી જવાબદારી ઉપાડી લો, એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ગુજરાત કેવું હોય, 25 વર્ષનું ભારત કેવું હોય એનો નિર્ણય તમારે હવે આ વખતના વોટમાં પડેલો છે, ભાઈઓ. આ 25 વર્ષમાં તમારી કેરિયર આસમાન છુનારી હોય, તમારા સપનાં સાકાર કરનારી હોય, તમારા સંકલ્પો પૂર્ણ કરનારી હોય, તમને જેવું જોઈએ એવું શિક્ષણ, જેવો જોઈએ એવો અવસર, એના માટેનો આ દિવસ છે અને એનો તમે ફાયદો ઉઠાવો, એટલા માટે આ ચૂંટણીમાં પહેલીવાર જેને મત આપવાના છે, એમને મારો વિશેષ આગ્રહ છે, ભાઈ.
ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટીની સરકાર યુવકોની આકાંક્ષાઓ, એના માટે થઈને શું થઈ શકે, અને આપણું વલસાડ તો એના માટેનું મોટું ઉદારહણ છે. આ 20 વર્ષ પહેલા આપણા વલસાડમાં શિક્ષણ માટેના આવા કોઈ માધ્યમો જ નહોતા, વ્યવસ્થાઓ જ નહોતી. અને ભણવા માટે બહાર જવું પડતું હતું. આજે એન્જિનિયરીંગ કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, પોલિટેકનીક કોલેજ હોય, આઈટીઆઈ હોય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હોય, શું નથી વલસાડમાં, ભાઈઓ? એક પછી એક વિકાસની ઊંચાઈઓ ઉપર આપણે પહોંચાડી દીધી છે. વલસાડના મારા જવાનીયાઓનું ભાગ્ય વલસાડમાં ઘરે મા-બાપની જોડે રહીને પુરું થઈ શકે એવી આપણે વ્યવસ્થા કરી છે.
21મી સદી ભાઈઓ, સ્કિલની સદી છે, કૌશલની સદી છે. આપણે સ્કિલ યુનિવર્સિટી બનાવી છે ગુજરાતમાં, અને આ સ્કિલ યુનિવર્સિટીનું પરિણામ શું આવ્યું? આજે તમે જુઓ તો સ્ટાર્ટ-અપ, તમે કોઈ પણ જવાનીયાને પુછો કે શું કરશો? નોકરી કરવી છે, એવું કહેતો જ નથી, કહે છે કે મારે તો સ્ટાર્ટ-અપ શરૂ કરવું છે.
ભાઈઓ, બહેનો,
ગુજરાત સરકારને મારે અભિનંદન આપવા છે, એણે સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન માટે જે નીતિ બનાવી છે, એ ગુજરાતના યુવાનોને માટે મોટો અવસર છે. આજે હિન્દુસ્તાનમાં 80,000 સ્ટાર્ટ-અપ શરૂ થયા છે. દુનિયામાં પહેલા ત્રણમાં આપણું નામ છે, પહેલા ત્રણમાં, દુનિયામાં. આનંદ થાય કે ના થાય? થાય કે ના થાય? અને મજા જુઓ, આ 80,000 સ્ટાર્ટ-અપમાં 14,000 સ્ટાર્ટ-અપ તો આપણા ગુજરાતના જવાનીયાઓએ ઉભા કર્યા છે, ગુજરાતમાં છે, ભાઈ. ગુજરાતની ઉદ્યમશીલતા, ગુજરાતની આંત્રપ્રિન્યોરશીપ, એના અભૂતપૂર્વ વિસ્તારનો અવસર છે ભાઈઓ. અને ગુજરાતનો જવાનીયો રોજગાર માગનારો નહિ, રોજગાર આપનારો બની રહ્યો છે, ભાઈઓ.
અહીંયા હમણાં વંદે ભારત ટ્રેન ચાલી છે. હવે વંદે ભારત ટ્રેન આપણા વાપીમાંય રોકાય છે. મુંબઈ, ગાંધીનગર. તેજ ગતિથી દોડવાનું કામ આસાનીથી થાય છે અને બુલેટ ટ્રેનનું કામ તો તમે જોતા હશો, તેજ ગતિથી ચાલ્યું છે.
ભાઈઓ, બહેનો,
સરકારના દરેક નિર્ણયો અમારા યુવાનોની શક્તિ કામે લાગે, આર્થિક ભારણ ઘટે, અને એના માટે થઈને હોય છે. ભાઈઓ, બહેનો, તમારા બધા પાસે મોબાઈલ ફોન છે? મોબાઈલ ફોન છે? એક કામ કરશો? મારે એક વાત કરવી છે પણ એના પહેલા તમને થોડુંક કામ કહું. તમારા મોબાઈલ ફોન કાઢીને એની પેલા જરી ફ્લેશ લાઈટ ચાલુ કરો ને, ટોર્ચ ચાલુ કરો ને બધા. બધાની, હો, બધાની. આ મંચ ઉપર બેઠેલાઓની પણ ચાલવી જોઈએ. ભાઈઓ, આ ચમકારો, આ ભારતની પ્રગતિનો ચમકારો છે, ભાઈઓ. આ ભારતના સામર્થનો ચમકારો છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ. મારે તમને જે વાત કરવી છે, તમે સાંભળો. દુનિયામાં આ મોબાઈલ ફોનના ડેટા, અગર દુનિયામાં સસ્તામાં સસ્તા ક્યાંય હોય, તો એ ભારતમાં છે. એટલે તમારા મોબાઈલ ફોનનો ચમકારો છે. હું આપને એક આંકડો આપું. આ આંકડો યાદ રાખશો, દોસ્તો? એક આંકડો આપું, એ આંકડો યાદ રાખશો? જરા જોરથી જવાબ. તમારી લાઈટો બંધ ના કરતા. આંકડો આપું, આંકડો યાદ રહેશે, ભાઈઓ? આ યાદ રહેશે તમને? દિલ્હીમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એક જી.બી. ડેટા, એના 300 રૂપિયા થતા હતા. 300 રૂપિયા. કેટલા? આજે આ મોદીની સરકાર આવ્યા પછી માત્ર દસ જ રૂપિયા થાય છે. આ પૈસા તમારા બચ્યા કે ના બચ્યા? અત્યારે તમે જે લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો, વોટસેપ કરતા હશો, રીલ જોતા હશો, ઈન્સ્ટાગ્રામમાં જતા હશો, આ બધું જે કરો છો ને, જો પહેલાની સરકાર હોત તો બિલ કેટલું આવ્યું હોત, એ તમને ખબર છે? જો પહેલાવાળી સરકાર હોત ને તો મારું બિલ 4થી 5 હજાર રૂપિયા દર મહિનાનું આવ્યું હોત, ભાઈઓ. આજે આ મોદી સરકારની નીતિઓનું પરિણામ છે કે અઢીસો – ત્રણસો રૂપિયામાં તમારો મોબાઈલ ફોન
તમારે ત્યાં રોશની ચમકાવી રહ્યો છે.
બોલો, મારી સાથે ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)
એનો અર્થ એ થયો કે એક એક વ્યક્તિના, જેના પાસે મોબાઈલ ફોન છે ને ચાર ચાર – પાંચ પાંચ હજાર રૂપિયા મહિને બચી રહ્યા છે. ભાઈઓ-બહેનો, આ કામ મોદી સરકાર કરે છે. અને એને, એના જીવનને સરળ બનાવવા માટે કામ કરે છે.
ભાઈઓ, બહેનો,
આજે અમારા, જ્યારે વલસાડ આવીએ ત્યારે આદિવાસી ભાઈઓની યાદ આવે, એમ અમારા માછીમાર ભાઈઓની પણ યાદ આવે. હું વચ્ચે વલસાડમાં આદિવાસી વિસ્તારમાં આવીને ગયો. ત્યાં મેં ઘણી વાતો કરી છે. અમારા માછીમાર ભાઈઓ, બહેનોના જીવનમાં પ્રગતિ થાય, એમનું જીવન બદલાય, એના માટે અમે સરકાર એમના, ખર્ચો ઘટે એના માટે કામ કરે છે.
પંદર, સોળ વર્ષ પહેલા ફિશરીઝ ડીપાર્ટમેન્ટ આમાં બજેટ કેટલું હતું ખબર છે માછીમાર ભાઈઓ માટે? દસ-અગિયાર કરોડ રૂપિયા. દસ-અગિયાર કરોડ રૂપિયા. દસ કરોડ, અગિયાર કરોડ, બાર કરોડ. આજે બજેટ નવ સો (900) કરોડ છે, ભાઈઓ. આ મારા સાગરખેડુ યોજના, આ મારા માછીમાર ભાઈઓ, એમના જીવનમાં બદલાવ આવે એના માટે કામ ચાલી રહ્યું છે. અને પહેલા નાવડા લઈને જાય એમાં જે કેરોસીનની સબસીડી મળતી હતી ને, એમાં પણ લગભગ 1,600 કરોડ સરકાર ચુકવે છે, અને મારા માછીમાર ભાઈઓના 1,600 કરોડ એમના ખિસ્સામાં બચે એની વ્યવસ્થા કરે છે.
આપણા દેશમાં કિસાનોને ક્રેડિટ કાર્ડ મળે, કિસાન ક્રેડિટ કાર્ડમાં એને સસ્તા પૈસે બેન્કમાંથી લોન મળે, નોમિનલ વ્યાજે લોન મળે, એ જે ખેડૂતોને મળતું હતું ને, એ અમારા સાગરખેડુને આપ્યું, માછીમારને આપ્યું, એને પણ કહ્યું કે ભાઈ, તારે આ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી તું પૈસા બેન્કમાંથી લે, પૈસાનું વ્યાજ એટલે નજીવા વ્યાજે તને પૈસા મળી જાય. તારે કોઈ શાહુકાર પાસે જવું ના પડે, વ્યાજખોર માણસ પાસે જવું ના પડે. આ કામ કરીને આપણે માછીમારને તાકાત આપી છે.
આપણા ઉમરસાડીમાં જે ફ્લોટિંગ જેટી બની રહી છે, એ તો મારા માછીમારોના જીવનમાં એક નવી રોશની લાવવાની છે, ભાઈઓ. અને આવી અનેક જેટીના નિર્માણકાર્ય આપણા વલસાડમાં થવાના છે. મારા કકવાડીમાં સી-ફૂડ પાર્ક બની રહ્યો છે. અને એના કારણે સી-ફૂડ પ્રોસેસિંગ, એના કારણે એક્સપોર્ટની સંભાવનાઓ વધવાની છે અને હિન્દુસ્તાનમાં આપણો જે સમુદ્રતટ છે ને એની તાકાત ઘણી મોટી છે, ભાઈઓ.
અમારા માછીમારોની શક્તિ દુનિયાની અંદર એનો ડંકો વાગે એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ દ્વારા વલસાડમાં દોઢ લાખથી વધારે ખેડૂતોને દર મહિને, દર વર્ષે 6,000 રૂપિયા અને અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયા એકલા વલસાડ જિલ્લાના ખેડૂતોના ખાતામાં મોદીએ મોકલી આપ્યા છે, ભાઈઓ.
એમ્પાવર કેમ કરવા, નાગરિકોને સશક્ત કેમ કરવા, ખેડૂતોને મજબુત કેમ કરવા, યુવાનોને મજબુત કેમ કરવા, મહિલાઓને મજબુત કેમ કરવી, અમારા માછીમારોને મજબુત કેમ કરવા, અને એમની જ મજબુતી ગુજરાતને મજબુત બનાવે, એના માટેની યોજનાઓ લઈને આપણે ચાલી રહ્યા છીએ. સુજલામ્ સુફલામ્ યોજના, સિંચાઈની સુવિધાઓ, એણે આપણા કચ્છ, સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડ્યું છે, ભાઈઓ. આપણા વલસાડ જિલ્લામાં વાડી યોજના.
મારા આદિવાસી ભાઈઓ, બહેનો માટે જમીન ઓછી હોય, વીઘુ, અડધુ વીઘુ, દોઢ વીઘુ, બે વીઘા, એ પણ ઉબડખાબડ, ખાડાટેકરાવાળી જમીન. એની અંદર વાડી પ્રોજેક્ટ કરીને કાજુની ખેતી કરતો કરી દીધો, ભાઈઓ. અને ગોવાના બજારમાં જે કાજુ વેચાતા હોય ને એ મારા વલસાડના કાજુનું નામ થવા માંડ્યું છે, ભાઈઓ. જે વલસાડ મારું હાફુસના કારણે ઓળખાય, ચીકુના કારણે ઓળખાય, ફળફળાદિના કારણે ઓળખાય, એ મારું વલસાડ આજે કાજુના કારણે ઓળખાય છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો, મારી કલ્પના આ જ છે. અને અમારી બહેન-દીકરીઓની હું જ્યારે વાત કરતો હોઉં ત્યારે, ગુજરાતમાં અમારી બહેન-દીકરીઓની સુખ-સુવિધા માટે, એના સન્માન માટે મારી પહેલેથી પ્રાથમિકતા રહી છે. જ્યાં જ્યાં ભાજપ હોય, અમારી બહેન-દીકરીઓના જીવન-સન્માન એની સુરક્ષા, એનો વિકાસ, એની પ્રગતિ ને અધિકાર એના માટેની અમારી ચિંતા રહી છે.
દીકરી જન્મે ત્યારથી જ માના ગર્ભમાં એને સુરક્ષા મળે એના માટેના કાયદાઓનું નિર્માણ કર્યું છે. અમે એને જન્મ્યા પછી બેટી બચાવો, બેટી પઢાઓનો લાભ મળે, એને શિક્ષણ મળે, એને કેરિયર મળે, એની જિંદગીમાં નવા નવા, જેટલા પણ સશક્તિકરણના પ્રયાસો હોય, અને દીકરી પેદા થાય એની સાથે જ બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવ્યું. દીકરી શિક્ષા કરવા માટે જાય, મફતમાં શિક્ષણ મળે એ માટે કન્યા કેળવણી યોજના ચાલુ કરી.
દીકરીઓને ભણાવવા માટેનો પ્રયાસ કર્યો. દીકરીઓને માટે, શાળા છોડી દેતી હતી, કારણ હતું કે સંડાસ-બાથરૂમ, શૌચાલયની વ્યવસ્થા નહોતી. દીકરીઓ માટે જુદા શૌચાલય બનાવવાનું દેશભરમાં અભિયાન ઉપાડ્યું. ગુજરાતમાં સફળતાપૂર્વક આપણે ઉભું કર્યું. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈ શકે એના માટે ગુજરાતે કોલેજોમાં આવી સુવિધા ઉભી કરી. એમની સંખ્યા અનેકગણી વધી ગઈ.
બેટીને જ્યારે દેશની સેવા કરવાની તક હોય, તેને પોલીસમાં ભરતી થવું હોય, એને સેનામાં જવું હોય, એને એન.સી.સી.માં જવું હોય, દીકરીઓ માટે આજે સેનાના દ્વાર ખોલી નાખ્યા છે. થલ સેના, વાયુ સેના, નૌ સેના, આજે એમાં અમારી દીકરીઓ જવા માંડી છે. સેનામાં ભરતી થઈ રહી છે. આ ભારત માતાની રક્ષા કરવાનું કામ મારા ગુજરાતની બહેન, દીકરીઓ, બેટીઓ કરવા માંડી છે, ભાઈઓ. એમના માટે દરવાજા ખોલી દીધા છે.
બેટીઓને, પોતાનું ખુદનું કામ શરૂ કરવું હોય તો મુદ્રા યોજના આપણે શરૂ કરી. અને મુદ્રા યોજનામાં મેં જોયું 70 ટકા લોન લેનારી મારી માતાઓ, બહેનો છે, જેમણે પોતાનો કારોબાર ચાલુ કર્યો છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયાનું કામ અમારી દીકરીઓએ ચાલુ કર્યું છે. એનો લાભ એમને મળ્યો છે. મહિલાઓના નામ માટે પ્રોપર્ટી ના હોય, કોઈ પણ બહેનને મકાન હોય, જમીન હોય, ગાડી હોય, પતિના નામે કે દીકરાના નામે, અમે મકાનો બનાવ્યા તો સરકારના તો માતાઓ, બહેનોના નામે પ્રોપર્ટી કરી.
આજે મારી કેટલીય માતાઓ, બહેનો લખપતિ થઈ ગયા, એની વ્યવસ્થા કરી છે કે સરકારના બધા ઘર માતાઓ, બહેનોના નામે કરવામાં આવ્યા છે. બહેન, દીકરીઓ, આપણે ઘર-ઘર પાણી, દરેક ઘરમાં શૌચાલય, એમને સન્માનની વ્યવસ્થા મળે, કરોડો શૌચાલયો બનાવવાનું કામ કર્યું. ધુમાડામાં અમારી બહેનોની જિંદગી ખરાબ થતી હતી. 400 સિગારેટ જેટલો ધુમાડો જાય, એક દહાડો રસોઈ બનાવે ત્યારે, એમાંથી એને મુક્તિ આપી અને ઉજ્વલા યોજના દ્વારા એને આપણે ગેસ કનેક્શન આપ્યા.
એટલું જ નહિ, અમારી બહેન-દીકરીઓ માંદી પડે, તો આયુષ્યમાન યોજના દ્વારા પાંચ લાખ રૂપિયા સુધી એમને મદદ, મા યોજના એના ઈલાજની વ્યવસ્થા, અમારી બહેન-દીકરીઓને ઘેર બેઠા, પહેલા બબ્બે કિલોમીટર પાણી માટે ભટકવું પડતું હતું. હવે નળથી જળ મળે એના માટેની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. અમારી બહેન, દીકરીઓને ગર્ભાવસ્થાની અંદર કુપોષણની મુસીબત ના આવે એટલા માટે માતૃવંદના યોજના ચલાવી, અને એના ખાતામાં સીધા પૈસા જમા કરવાનું કામ કર્યું છે.
અમારી બહેન-દીકરીઓ, નવજાત શિશુઓની રક્ષા માટે ચિરંજીવી યોજના બનાવી. કારણ કે પ્રસુતિમાં મારી માતાઓનું મૃત્યુ ના થાય, હોસ્પિટલમાં એની પ્રસુતિ થાય, માનું પણ જીવન બચે, સંતાનનું પણ જીવન બચે, એના માટે અમે કર્યું. આ કોરોનાકાળમાં અમારી કોઈ ગરીબ માને છોકરા ભુખ્યા સૂઈ જવા ના પડે, એના માટે ઘરમાં ચુલો ના સળગે એવી પરિસ્થિતિ ન પેદા થાય. અઢી વર્ષ થઈ ગયા, ભાઈઓ. 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાનું કામ કર્યું છે. જેથી કરીને એના ઘરનો ચુલો સળગતો રહે અને ઘરના છોકરાઓ સુખી બને એના માટે કામ કર્યું છે.
ભાઈઓ, બહેનો,
કદાચ, તમે થાકી જાઓ એટલું બધું કહી શકું એટલું બધું કામ કર્યું છે. આજે તો મેં બહેનો અને દીકરીઓ માટે જે કામ કર્યાં છે ને એનો ઉલ્લેખ કર્યો છે. આ બધું બતાવે છે કે અમે સશક્તિકરણ, દેશનું પણ કરી રહ્યા છીએ. અમે સશક્તિકરણ નાગરિકોનું પણ કર્યું છે. અને એટલે ભાઈઓ-બહેનો, ભૂતકાળમાં કોઈ સરકારે બહેન-બેટીઓ માટે આટલું કામ નહિ કર્યું હોય. અમારા આદિવાસીઓના સન્માન માટે અમારી પ્રાથમિકતા રહી છે.
મારા વલસાડનું ક્ષેત્ર હોય, અમારા આદિવાસી ભાઈ-બહેનોની વાત, ઉમરગામથી અંબાજી, અમારા આદિવાસી ભાઈઓ, બહેનોના ઘરો માટે ભાજપે સૌથી પહેલી શરૂઆત કરેલી, જ્યારે અટલજીની સરકાર હતી, અલગ આદિવાસીઓનું મંત્રાલય બનાવ્યું હતું, અને અમે અલગ બજેટ બનાવીને એના વિકાસ માટે કામ કર્યું.
અમે 15મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડા અમારા આદિવાસી સમાજમાં મોટું પ્રેરણાનું નામ એમના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું. ભાઈઓ-બહેનો, અમારા મંગુભાઈ, અમારા નવસારીના મંગુભાઈ આદિવાસી માતાના કુંખે જન્મેલા અમારા મંગુભાઈ આજે મધ્ય પ્રદેશમાં ગવર્નર તરીકે મધ્ય પ્રદેશનું માર્ગદર્શન કરી રહ્યા છે, ભાઈઓ, બહેનો. આજે અમારા માટે ગર્વની વાત છે કે એક આદિવાસી દીકરી ભારતમાં રાષ્ટ્રપતિપદ ઉપર બિરાજમાન છે. અને દુનિયાની અંદર ભારત આ કરી શકે છે.
એટલું જ નહિ, અમારા રમીલાબેન ગામીતને અમે પદ્મશ્રી પુરસ્કાર આપીને એમનું સન્માન કરવાનું સૌભાગ્ય અમને મળ્યું હતું. અમારા ઉષાબેન દિનેશભાઈ વસાવા, એમને અમે નારીશક્તિ પુરસ્કાર આપ્યો હતો. એટલા માટે કે અમારે આદિવાસી સમાજની માતાઓ, બહેનો, દીકરીઓ જે પ્રકારે કામ કરી રહી છે, એના માટે હોય છે.
ભાઈઓ, બહેનો,
આ વખતે જ્યારે ચૂંટણીની વાત છે ત્યારે મારે આપને કહેવું છે, સતર્ક રહેજો. ગુજરાતને બદનામ કરવાની ટોળકી અનેક, એવી ભાષા બોલી રહી છે, ગુજરાતને બદનામ કરવાનું, ગુજરાતીઓને બદનામ કરવાનું, ગુજરાતમાં જુઠાણાં ફેલાવવાના, ગુજરાત વિશે દુનિયામાં ગુજરાતની છબી ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. આવા લોકોથી ચેતતા રહેજો, અને એમને જરા પુછતા રહેજો કે તમે આ ભાષા બંધ કરો, આ ભાષા ગુજરાતમાં નહિ ચાલે.
ગુજરાતના લોકો માટે તમે નફરત પેદા કરવાનું વાતાવરણ બંધ કરો. ગુજરાતે દુનિયામાં કોઈનું બગાડ્યું નથી. ગુજરાતીઓએ દુનિયામાં કોઈનું બગાડ્યું નથી. ગુજરાતીઓ જ્યાં ગયા છે ત્યાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. અને ગુજરાતની અંદર જે આવ્યો એને પણ ગળે લગાવીને કામ કર્યું છે. એ ગુજરાતને મહેરબાની કરીને બદનામ કરવાનું બંધ કરો. એ ગુજરાત ઉપર આરોપો લગાવવાનું બંધ કરો. અને ગુજરાતને બદનામ કરવાવાળા તત્વોને ગુજરાતમાં ક્યારેય જગ્યા ના હોય, ભાઈઓ. હોય ખરી? ગુજરાતને બદનામ કરનારને ગુજરાતમાં જગ્યા હોય ખરી? છાશવારે ગુજરાતનું અપમાન કરનારને ગુજરાતમાં જગ્યા હોય કે?
ભાઈઓ, બહેનો,
ગુજરાતના ગૌરવ માટે જીવનારા લોકો ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈ ઉપર લઈ જનારા લોકો ગુજરાતને પાછું વાળવા, રિવર્સ ગિયરમાં નાખવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એને કોઈ પણ કાળે આપણે સ્વીકારી ન શકીએ. મારી આપ સૌને વિનંતી છે. મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
એમ નહિ, આ બાજુથી અવાજ ધીમો આવ્યો. કરશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
જુઓ, બધા પોલિંગ બુથમાં જઈને, ઘેર ઘેર જઈને મારી આ વાત બધાને પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
ફરી પાછો અવાજ ધીમો પડી ગયો. પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
આ મેં જેટલું કહ્યું, એ બધાને કહેશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
બીજી એક વાત કરશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
એમ નહિ, કહેશો? (ઑડિયન્સમાંથી હા... અવાજો)
જરા કહો તો, કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે કહેશો? (બધાનો અવાજઃ- હા...)
ખરેખર? (બધા કહે છેઃ- હા...)
આટલું જરા કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, અને તમને પ્રણામ કહ્યા છે. આટલું કહી દેશો? (બધાનો અવાજઃ- હા...)
નરેન્દ્રભાઈ આવ્યા હતા, તમને પ્રણામ કહ્યા છે. આટલું જ બધા જ વડીલોને કહી દેજો. એમના આશીર્વાદ મારી તાકાત હોય છે. એમના આશીર્વાદ અમને નવી શક્તિ આપતા હોય છે.
ભાઈઓ, બહેનો,
ખુબ પ્રગતિ કરે ગુજરાત, અને આટલી મોટી સંખ્યામાં આવીને આપે આશીર્વાદ આપ્યા, આપનો ખુબ ખુબ આભાર માનું છું.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી... જય...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી... જય...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી... જય...)
ધન્યવાદ, મિત્રો.