અમદાવાદઃ શનિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબીમાંથી બહાર નિકળવાની અકસીર દવા અમે શોધી કાઢી છે અને તેથી આઝાદીના ૬૦ વર્ષો સુધી ગરીબોને પોતાનો ઈજારો સમજનારા સૌ કોઇ નરેન્દ્ર મોદી ગરીબના હકકની વકાલત કેમ કરે તેવી અકળામણ અનુભવી રહ્યા છે. ગરીબ કલ્યાણમેળાની સફળતા આની અકસીરતા પુરવાર કરે છે એમ તેમણે બાપુનગરના શહેરી ગરીબ કલ્યાણમેળામાં ઉમટેલા ગરીબ શ્રમજીવી પરિવારોને જણાવ્યું હતું.
અમદાવાદ શહેરનો બીજો ગરીબ કલ્યાણ મેળો આજે બાપુનગરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનગરના ૧૦ વોર્ડના મળીને કુલ ૬૭૭૯ લાભાર્થીઓને રૂા.૨૧.૩૮ કરોડના સાધન સહાય મુખ્યમંત્રી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે આપવામાં આવ્યા હતા. બંને ગરીબ કલ્યાણમેળામાં ૧૪૦૦૦ જેટલા શહેરી શ્રમજીવીઓને રૂા.૬૪ કરોડથી વધારે સાધન-સહાય સીધેસીધા લાભ તરીકે આપવામાં આવ્યા હતા.
ગરીબ કલ્યાણમેળાની સફળતા વચેટીયા અને દલાલો માટે જીવલેણ પુરવાર થઇ છે અને એક પછી એક ગરીબોના નામે નારા બોલાવીને મતપેટીઓ ભરી હોય, તજોિરીઓ પણ પોતાની ભરી હોય એવા લોકોને તકલીફ થઇ ગઇ છે, તેમ તેમણે જણાવ્યું છે.
૬૦ વર્ષ સુધી ગરીબો ઉપર પોતાનો જ અધિકાર છે, ગરીબને લૂંટવાનો અધિકાર માની લઇને તેમણે પોતાનો ઇજારો માની લીધો છે એવા સૌની ગરીબોના કલ્યાણ અને અધિકારો માટેની વકાલત મોદી શેના કરે ? એવી અકળામણ ઉપર તેમણે આકારા પ્રહારો કર્યા હતા.
ગરીબી દૂર કરવાની દવા મોદી શોધી કાઢે તેનાથી તકલીફ થઇ રહી છે પણ ગરીબી સામે લડવાનો આજ રસ્તો છે. કોઇ ગરીબ મા-બાપની ઇચ્છા પોતાના સંતાનને ગરીબી વારસામાં આપવાનીહોય જ નહીં અને સપનું પરુ કરવા આ સરકાર ગાંધીનગરથી ખભે ખભો મીલાવીને ટેકો આપવા માંગે છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
ગરીબ કલ્યાણમેળામાં લાભાર્થીઓમાં ગરીબી રેખામાંથી ઉપર આવવાનો વિશ્વાસ અને ઉમંગ કેટલા લોકોને પ્રેરણા આપી રહ્યા છે એવા દ્રષ્ટાંતો આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આખા જીવતરની ગરીબીમાંથી બહાર આવવાનો તેમણે રસ્તો અપનાવ્યો છે. તેમનામાં ગરીબી સામે લડવાની તાકાત આવી. ગરીબીમાં જન્મ્યા ભલે હોઇએ પણ ગરીબીમાંથી બહાર આવવું છે તેવો આ સરકારે વિશ્વાસ જગાવ્યો છે.
“ગરીબોને મારે શોષણખોરો, વચેટીયા, વ્યાજખાઉંની જમાતમાંથી છોડાવવા છે”એવો મકકમ નિર્ધાર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૫૦ ગરીબ કલ્યાણ મેળામાં પચ્ચીસ લાખ જેટલા ગરીબ કુટુંબોને રૂા.૨૭૦૦ કરોડની સીધી સહાય મળી છે. આ માત્ર સહાય નથી પણ ગરીબને ગરીબી સામેની લડાઇમાં નવી શકિત આપનારી છે એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબોને દેવાના ડુંગર અને વ્યાજની ચૂંગાલમાંથી મુકત કરવા સખીમંડળોનું જાતે સંચાલન કરી ગરીબ બહેનોના હાથમાં ૨૦૧૪ સુધીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વહીવટી આર્થિક પ્રવૃત્તિ માટે કરાશે અને અત્યારે સવા લાખ સખીમંડળોની લાખો બહેનોના હાથમાં ૪૦૦ કરોડ રૂપિયા આપ્યા છે ત્યારે એનો પાઇએ પાઇનો હિસાબ પણ રાખ્યો છે. તેથી આ સ્વર્ણિમ ગુજરાત જયંતિ વર્ષમાં આજે રૂા.૧૦૦૦ કરોડનો વહીવટી બહેનોના હાથમાં સોંપી દેવો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબ પરિવારની કોઇ વ્યકિત બિમારી અને રોગચાળાની સામે સ્વચ્છ નર્મદાનું પાણી આપવાની ચિન્તા કરી છે. ગરીબને કુપોષણ સામે બચાવવાની પોષક આહારની યોજના પણ આ સરકારે અમલમાં મૂકી છે, તેની ભૂમિકા આપી હતી.
મોંધવારીના ખપ્પરમાંથી બહાર કાઢવા માટે દિલ્હીની કેન્દ્ર સરકાર સામે ગરીબ જનતાનો અવાજ અમે ઉઠાવ્યો છે તેની આક્રોશપૂર્વક ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
લાભાર્થીને કોઇ નબળી સાધન સહાય મળી જાય તો પોસ્ટકાર્ડ લખીને મોકલજો આવો નબળો માલ સપ્લાય કરનારને આ સરકાર કયારેય બક્ષશે નહીં. ગરીબીના નામે વાતો નહીં નકકર કામગીરી કરીને જ આ સરકાર ગરીબોને નવી શકિત આપવા આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, આ સરકાર શોષણની નહીં પરંતુ પોષણની છે. આઝાદીના ૬૦ વર્ષ પછી ગરીબોના ધરમાં સમૃધ્ધિના દીપક પ્રજ્વલિત કરવાનો એક સ્તુત્ય સેવાયજ્ઞ આ સરકારે આરંભ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, આ સરકારે મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સવિશેષ ચિંતા કરી છે. રાજ્યની સ્થાપના પછી પ્રથમવાર આ સરકારે “મહિલા અને બાળકલ્યાણ”ના અલગ વિભાગની રચના કરી છે. અગાઉની સરકારોએ જો કન્યા કેળવણીને પ્રાધાન્ય આપ્યું હોત તો આજે પરિસ્થિતિ કંઇક જુદી જ હોત. પણ અગાઉની સરકારોએ કંઇ ન કર્ર્યું એટલે પ્રવર્તમાન સરકારે “કન્યા કેળવણી” જેવા અભિયાન હાથ ધરવા પડયા છે. સાથે સાથે ગંભીર રોગોથી પીડાતા ગરીબ પરિવારના બાળકોનો ઓપરેશન-સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકારે ઉઠાવ્યો છે. વિધવાઓને પેન્શન ઉપરાંત ૫૦ હજાર મહિલાઓને સ્વરોજગારી માટે તાલીમ આપી તેમને સાધન સહાય આપીને પગભર કરાઇ છે. સાથે સાથે મહિલાઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને તે માટે અનેક પ્રયાસો કરાયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગરીબોના સર્વાંગી વિકાસનો સ્તુત્ય માર્ગ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આ સરકારે કંડાર્યો છે. ગરીબોને તેમને મળનાર લાભો માટે કચેરીઓમાં ધકકા ખાવા ન પડે તે માટે હાથોહાથ લાભ તેમને પહોંચાડવાનો અભિગમ છે.
અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબો-પીડિતો તેમને મળતા લાભોથી વંચિત ન રહે અને તેમના લાભ સીધેસીધા તેમને મળે તે માટે ગુજરાત સરકારે ગરીબ કલ્યાણ મેળા યોજ્યા છે. આવાસ, બેંકેબલ, સમાજ સુરક્ષા જેવી યોજનાઓ અંતર્ગત ગરીબોને લાભ અપાયા છે.
અમદાવાદ શહેરમાં યોજાયેલા બીજા ગરીબ કલ્યાણ મેળામાં શહેરના દસ વોર્ડના ૭૦૯૪ લાભાર્થિઓને ૩૧ જેટલી યોજનાઓ અંતર્ગત રૂા.૨૧.૫૬ કરોડના લાભ સહાય અપાયા હતા અને બે મેળામાં થઇને ૧૩,૧૧૯ લાભાર્થિઓને કુલ રૂા.૬૪.૯૪ કરોડના લાભ-સહાય અપાયા છે.
શહેરના વિવિધ દાતાઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંગઠોનો દ્વારા કુલ રૂા. ૫.૯૦ લાખના ચેક મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં અપાયા હતા. વિવિધ યોજનાઓના લાભાર્થિઓએ યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલા બદલાવને પ્રતિભાવરૂપે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઇવાધેલા, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સંસદ સભ્ય શ્રી હરિન પાઠક, ડૉ.કીરીટભાઇ સોલંકી, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, શ્રી જયદ્રથસિંહ પરમાર, ડેપ્યુટી મેયર ડૉ.કલ્પનાબેન ભટ્ટ, શહેરી ભાજપા પ્રમુખ શ્રી રાકેશ શાહ, ડૉ.માયાબેન કોડનાની, વલ્લભભાઇ કાકડીયા, ભરતભાઇ બારોટ, ધારાસભ્યો સર્વશ્રી ગીતાબેન પટેલ, પૂર્વમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, મ્યુ.કાઉન્સીલરો, મ્યુ.કમિશનરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.