ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ગુજરાતના મૃદુ અને મક્કમ, લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો, આ વખતે સુરેન્દ્રનગરે જે બધા જ સાથીઓને ધારાસભ્ય બનાવવાનું નક્કી કરી દીધું છે, એવા બધા અમારા ઉમેદવાર ભાઈઓ,
અને વિશાળ સંખ્યામાં પધારેલા વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો,
આજે મારું સૌભાગ્ય છે કે આ ઝાલાવાડની ધરતી ઉપર હેલિકોપ્ટર પરથી નીચે ઉતર્યો અને એમાં જિલ્લાના તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા મને. સંતો હેલિપેડ ઉપર આવીને આશીર્વાદ આપ્યા, એટલું જ નહિ, ભવ્ય વિજય માટેની શુભકામનાઓ પણ આપી. હું સૌથી પહેલા પૂજ્ય સંતોનો હદયપૂર્વક આભાર માનું છું. અને મને ખાતરી છે કે સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય. સંતોની વાણી ક્યારેય વામણી ના હોય, ભાઈઓ. એ મારું સદભાગ્ય છે, અને અમારા બધાનું સદભાગ્ય છે, એટલે ફરી એક વાર પૂજ્ય સંતોના ચરણોમાં પ્રણામ કરું છું.
ગયા બે દિવસથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જવાનો મને અવસર મળ્યો છે. હું અહીંયા મુખ્યમંત્રી હતો ને ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવવું મારા માટે નવું નહોતું. એમ કહેવાય કે છાશવારે આવતો હતો. પણ 11 – 12 વાગે કોઈ સભા કરવી હોય ને તો ભાઈ લોઢાના ચણા ચાવવા પડતા હતા. આજે આવડી મોટી વિરાટ સભા. જ્યાં જ્યાં મારી નજર પડે, જાણે કેસરિયા સાગર દેખાય છે, કેસરિયા સાગર. આ જ બતાવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.
જ્યારે અહીંયા લોકસભામાં અમારા ડૉ. મહેન્દ્રભાઈ ચૂંટણી લડતા હતા, અને જે રીતે તમે સમર્થન આપીને એમને મોકલ્યા, અને એક ડૉક્ટર તરીકે ભારત સરકારમાં મંત્રી તરીકે આરોગ્ય ક્ષેત્રે જે અભુતપૂર્વ સેવાઓ કરી રહ્યા છે, એ સુરેન્દ્રનગર જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ભાઈ મહેન્દ્રભાઈને પણ હું અભિનંદન આપું છું. અને સુરેન્દ્રનગર જિલ્લાનું ભાગ્ય જુઓ. દિગ્વિજયસિંહજી પછી 40 વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાનો એમ.પી. મંત્રી બને, ભારત સરકારમાં, આ સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે, ભાઈ.
ભાઈઓ, બહેનો,
સામાન્ય રીતે ચુંટણી આવે એટલે એન્ટિ-ઈન્કમ્બન્સી – આ શબ્દ સાંભળવા મળે. જે સરકાર રહી હોય, એના વિરોધમાં એમ કે વોટ પડે જ. અને લગભગ બધા રાજકીય નિરીક્ષકો હોય, રાજકીય સમીક્ષકો હોય, એ બધા એક જ સમીકરણ પહેલું જ બેસાડી દે કે ભઈ હવે, પણ ગુજરાતની જનતાએ આ બધાને ખોટા પાડ્યા. અને ગુજરાતની જનતા તો રિવાજ જ બદલી નાખ્યો કે ભઈ અમારે આ છાશવારે ઘર નથી બદલવું.
અમારે તો આ ભાજપવાળાને કામ પણ આપવું છે, અને આ ભાજપવાળા પાસેથી કામ પણ લેવું છે. અને એના કારણે ગુજરાતે પ્રો-ઈન્કમ્બન્સી – કામ કરનારી સરકારને સાથ, કામ કરનારી સરકારને સહયોગ, કામ કરનારી સરકારનું સમર્થન, એવો નવો રાજકીય ચીલો ચાતર્યો છે અને એટલા માટે કામ કરવાનો પણ આનંદ આવે છે. જેટલું વધારે ગુજરાતનું ભલું કરીએ એનો વધારે આનંદ આવે, અને એના કારણે તમારા આશીર્વાદથી વારંવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે.
આ વખતે પણ આ ચૂંટણી મોદી કે ભુપેન્દ્રભાઈ કે આ ઉપર બેઠા છે, એ નથી લડતા ભાઈ, આ ચુંટણી અમે નથી લડતા, આ ચૂંટણી તો ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે, ભાઈઓ. ગુજરાતની માતાઓ, બહેનો લડી રહી છે.
ભાઈઓ, બહેનો,
આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું ત્યારે મા નર્મદાની યાદ આવવી બહુ સ્વાભાવિક છે. આ નર્મદા યોજના વખતે
અહીંયા તો ઘણી વાર હું આવતો. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે, એવું મેં કહ્યું હતું, તે સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે, ભાઈ.
પરંતુ જરા વિચાર કરજો, કે જેમને ભારતની જનતાએ પદ ઉપરથી હટાવી દીધા છે, એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. પદ માટે યાત્રા કરે એ તો લોકશાહીમાં કરે, પરંતુ જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું, જેમણે ગુજરાતમાં મા નર્મદાને આવતી રોકવા માટે 40 – 40 વર્ષ સુધી કોર્ટ-કચેરીઓ કરી, એવા નર્મદાવિરોધીઓના ખભે હાથ મૂકીને પદ માટે યાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે, સજા.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટેની ચુંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં બનવી જોઈએ. ભાઈઓ, બહેનો, આપણે ત્યાં ભુતકાળમાં પાણીની કેવી દશા હતી? સુરેન્દ્રનગર જિલ્લો તો જાણે. નાનું રણ આપણા પડોશમાં, સુક્કોભઠ્ઠ વિસ્તાર અને પીવાના પાણી માટે ટેન્કરો, હેન્ડ પંપ, અને ટેન્કર માફિયાઓનું નિયંત્રણ. સરકારમાં બેઠેલાઓ અને ટેન્કર માફિયાઓની જોડી. એમના ભત્રીજાઓના જ ટેન્કર ચાલતા હોય અને ટેન્કર બી અડધું ભરીને લાવે અને આખાના પૈસા લઈ જાય. એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાએ જોયેલું છે, ભાઈઓ. એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી માટે વલખાં મારતા લોકોના ફોટા આખા દેશના છાપામાં છપાતા હતા.
ભાઈઓ, બહેનો,
એ દૃશ્ય હું ભુલી ના શકું. અને ત્યારે જ મેં સુરેન્દ્રનગરની ધરતી ઉપર આવીને શપથ લીધા હતા કે આ પરિસ્થિતિ બદલવા માટે જે કંઈ કરવું પડે એ કરીશું. રાત-દિવસ મહેનત કરીશું, નવી નવી યોજનાઓ લાવીશું. પણ આ ધરતીને પાણીદાર બનાવીને રહીશું. કારણ કે અહીંના લોકો પાણીદાર છે. અને એક વાર આ પાણીદાર લોકોના હાથમાં આ પાણીનું શસ્ત્ર આવી જાય ને, તો એ પથ્થર ઉપર પાટું મારીને સોનું પકવે એવી તાકાત ધરાવનારા લોકો છે, ભાઈઓ. આ મારું ઝાલાવાડ છે.
ભાઈઓ, બહેનો,
આપણે સૌની યોજના લાવ્યા. આપણે મા નર્મદાનું પાણી, પાઈપ, અને પાઈપ પણ કેવડી? અંદર મારુતિ કાર ચલાવો ને એવડી મોટી પાઈપ, એ પાઈપ લઈને, અને આપણી ઢાંકી એન્જિનિયરો જોવા આવે છે. એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ જોવા આવે છે, આ ઢાંકીમાં 20 માળ ઊંચે પાણી આખું ચઢાવવાની, આખી નર્મદા નદી. કારણ કે આપણું સૌરાષ્ટ્ર છે ને, એ ઊંધી રકાબી જેવું છે. પાણી પહોંચાડવું હોય તો પાણી પહેલા ઉપર લઈ જવું પડે અને પછી પાણી પહોંચે. એ ઢાંકી પણ આવડું મોટું એન્જિનિયરીંગનો કમાલ. એ પણ મારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે. તમે વિચાર કરો, ભાઈ. તમે મને એક કોંગ્રેસી બતાવો, જેને આવું કરવાનો વિચાર આવે. કરવાની વાત તો જવા દો. આવું કરવાનો વિચાર આવે, એવો એકેય કોંગ્રેસીનું નામ મળે તમને ભાઈ? મળે? હવે એમના હાથમાં કંઈ અપાય? મને બરાબર યાદ છે, આ ધોળી ધજા ડેમ ભરવાનો હતો ને ત્યારે હું તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો હતો. અને આ ધોળી ધજા ડેમમાં, અને ત્યારે મેં તમને કહ્યું હતું કે ભાઈ, એક કામ કરજો. દરેક કુટુંબ એક ઝાડ વાવી આવજો, ત્યાં. એક સરસ મજાનું ઝાડ વાવજો. યાત્રાધામ બની જશે, ધોળી ધજાનો ડેમ.
ભાઈઓ, બહેનો,
અમારું ઝાલાવાડ, અમારું કાઠીયાવાડ, એના અમારા ભાઈઓ, બહેનો, એમનું જીવન આસાન બને, જીવન સરળ બને, એના માટે અમે આ કરીએ છીએ. અને અમે સપનાં ખાલી જોતાં નથી, સપનાં આવે એટલે સંકલ્પ થાય એની ચિંતા કરતા હોઈએ છીએ. અને સંકલ્પની વાતો કરી કરીને લોકોને મુરખ નથી બનાવતા. અમે સંકલ્પની અંદર પરિશ્રમ કરીને સિદ્ધિ લાવતા હોઈએ છીએ, ભાઈઓ, બહેનો. આ કામ અમે કરીએ છીએ.
આ જ્યોતિગ્રામ યોજના. મને યાદ છે. મેં જ્યારે કહ્યું હતું, ગુજરાતમાં કે હું 24 કલાક ઘરમાં વીજળી આપીશ. લોકોના જીવનધોરણ સુધારીશ. વિધાનસભાની અંદર કોંગ્રેસના મિત્રોએ ભાષણ કર્યું હતું. એમણે કહ્યું હતું કે આ નરેન્દ્રભાઈ નવા માણસ છે. એમનો અનુભવ નથી. એ કોઈ દિવસ સરપંચ નથી રહ્યા. કોઈ દિવસ મ્યુનિસિપાલિટીમાં નથી બેઠા. એટલે આ બધી વાતો કરે છે પણ, 24 કલાક વીજળી કેવી રીતે મળે, ભઈ?
અમે આટલા બધા વર્ષ રાજ કર્યું છે. શક્ય જ નથી. આવું વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા હતા. ત્યારે મેં એમને કહ્યું હતું, મેં કહ્યું, વડીલો છો તમે. તમારો અનુભવ છે. કામ કઠિન છે, એમ તો હું જાણું છું. ગુજરાતમાં ઘરે ઘરે 24 કલાક વીજળી પહોંચાડવી, એ કામ અઘરું છે, એ તો હું જાણું છું, પણ અઘરા કામ કરવા માટે તો મને બેસાડ્યો છે. સીધા સાદા કામ કરવા માટે તો તમે હતા જ. અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. અને એટલા માટે અઘરા કામ કરું પણ છું, અને અઘરા કામ પુરાય કરીને લોકોનું ભલું પણ કરું છું, ભાઈઓ.
આજથી 10 વર્ષ પહેલા ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઈ, અને ભાઈઓ, બહેનો, તમારા પાસેથી આશીર્વાદ લઈને ગયો, તો મેં નક્કી કર્યું કે ભારતમાં પણ ગામેગામ વીજળી પહોંચાડીશ, અને મેં પહોંચાડી. 18,000 ગામ વીજળી પહોંચાડવાના બાકી હતા, એ મેં પુરા કર્યા. 10 વર્ષ પહેલા ગુજરાતમાં વીજળી પહોંચી ગઈ હતી, ભાઈઓ.
આજે અમારો આ સુરેન્દ્રનગર જિલ્લો, પશુપાલકોનો જિલ્લો કહેવાય, આમ તો. પરંતુ ડેરી ડચકા ખાતી હતી. પશુપાલકને બિચારાને ઢોરને ખવડાવવા જેટલા પૈસા મળતા નહોતા. એના પશુઓને હિજરત કરાવવી પડતી હતી. એ અમારે જોયું હતું. આપણે આવીને નીતિઓ બદલી. નીતિઓમાં પરિણામ લાવ્યા. અને ડેરી સેક્ટરમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ પેદા કરી દીધો છે, ભાઈઓ. અમારો... અમારું ડેરી સેક્ટર, આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધી રહ્યું છે. આગળ પ્રગતિ કરી રહ્યું છે. એ પણ આપણે જોઈ રહ્યા છીએ, ભાઈ. અને એનો પ્રભાવ પણ સારો પડ્યો છે.
આજે લગભગ દરેક મંડળીમાં મિલ્કના ચિલીંગ યુનિટ, એ કેમ શક્ય બન્યું, ભાઈ? પેલી 24 કલાક વીજળી આવી ને, એટલે શક્ય બન્યું. અને એના કારણે દૂધને સાચવવાની સુવિધા વધી ગઈ. દૂધની ક્વોલિટી પણ ઉત્તમ થવા માંડી. દૂધ બગડતું બચી ગયું અને મારા પશુપાલક ભાઈઓ, બહેનોના ખિસ્સામાં રૂપિયા આવતા થયા, ભાઈઓ.
20 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં 60 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થતું હતું. આજે લગભગ પોણા બસ્સો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે, પોણા બસ્સો લાખ મેટ્રિક ટન. અને અમારી સૂરસાગર ડેરી, આ અમારી સૂરસાગર ડેરી તો સુખસાગર થઈ ગઈ છે, સુખસાગર. અને મેં એ વખતે કહ્યું હતું કે આ સૂરસાગર ડેરીને મારે સુરેન્દ્રનગર જિલ્લાની સુખસાગર ડેરી બનાવવી છે, અને આજે બની ગઈ.
એક જમાનો હતો. 70 – 75,000 લિટર દૂધ પ્રોસેસિંગ થતું હતું. આજે 7 લાખ લિટર દૂધ અહીંયા પ્રોસેસ થાય છે, ભાઈઓ. અને 20 વર્ષ પહેલા આ ડેરી નુકસાનમાં ચાલતી હતી. કર્મચારીઓને પગાર નહોતા મળતા. દૂધ ભરવા આવે ને એને કહેતા હતા, પૈસા કાલે મળશે. આવી દશા હતી. ખાલી સગાવહાલા અને કોંગ્રેસવાળા વહેંચી દેતા હતા. આજે 1,200 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે, મારી સૂખસાગર ડેરીનું, ભાઈઓ. અને એનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાને મળ્યો, નર્મદાનું પાણી મળ્યું, વીજળી મળી, ડેરી સરસ ચાલી. કેટલા બધા લાભ થયા એ તમે જાણો, ભાઈ.
અને જ્યારે હું ખેડૂતની વાત કરું ને, ભાઈ, ઘણી વાર, કેટલાક લોકો આવીને કહે કે અમે આ આપીશું ને પેલું આપીશું. અને આ આપ્યું, ને પેલું આપ્યું. એને કંઈ ખબર જ નથી હોતી, ભાઈ. દેશ માટે કેવી રીતે કામ થાય છે, એની ખબર નથી હોતી, આ લોકોને. તમને યુરીયા મળે, ખેડૂત ભાઈઓને. તમને યુરીયા મળે, તો તમને એમ લાગે કે ચાલો ભાઈ, ખેતીનું કામ થશે. એક જમાનો હતો, યુરીયા લેવા જાઓ ને તો રાત્રે લાઈનમાં જઈને ઉભા રહેવું પડતું હતું. અને પોલીસવાળા આવીને લાઠીઓ મારે, અને યુરીયા પાછલા બારણેથી બીજે વેચાઈ જાય. ખેડૂતો બિચારા હાથ ઘસતા રહી જાય. આવા દિવસો હતા. આજે યુરીયા સમય પર પહોંચે, ખેડૂતોને પર્યાપ્ત યુરીયા મળે એના માટેની આપણે સુનિશ્ચિત ચિંતા કરતા હોઈએ છીએ. પણ એની સાથે મોટી વાત એ છે, મારા ખેડૂત ભાઈઓને વાત પહોંચાડજો, ભાઈઓ.
પહોંચાડશો, તમે? (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, હાથ ઊંચા કરીને કહો, તો કહું. (ઑડિયન્સઃ- હાથ ઊંચા કરીને... હા...)
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
યુરીયા આપણા દેશમાં નથી બનતું, આપણે બહારથી લાવવું પડે છે. વિદેશમાંથી લાવવું પડે છે. અને આ લડાઈઓના કારણે આજે યુરીયાની થેલી, એક થેલી આપણે 2,000 રૂપિયામાં લાવીએ છીએ.
કેટલામાં? (ઑડિયન્સમાંથી... બે હજાર રૂપિયામાં)
જરા જોરથી બોલો ને, કેટલામાં લાવીએ છીએ? (ઑડિયન્સમાંથી... બે હજાર રૂપિયામાં)
એક યુરીયાની થેલી કેટલામાં લાવીએ છીએ? (ઑડિયન્સમાંથી... બે હજાર રૂપિયામાં)
કેટલામાં? (ઑડિયન્સમાંથી... બે હજાર રૂપિયામાં)
કેટલામાં? (ઑડિયન્સમાંથી... બે હજાર રૂપિયામાં)
અને, ખેડૂતને કેટલામાં આપીએ છીએ, ખબર છે? (ઑડિયન્સમાંથી અવાજ...)
270 રૂપિયામાં.
કેટલામાં આપીએ છીએ, ખેડૂતને? (ઑડિયન્સમાંથી... 270 રૂપિયામાં)
2,000 રૂપિયાની થેલી લાવીએ, અને એ ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ. આ બધો જે બોજ છે ને લાખો રૂપિયાનો, લગભગ અઢી લાખ કરોડ રૂપિયા. અઢી લાખ કરોડ રૂપિયા, આ યુરીયા સસ્તુ આપવા માટે આ ભારત સરકાર પોતાના ઉપર બોજ વહન કરે છે, ત્યારે ખેડૂતને યુરીયા પહોંચે છે, ભાઈ. જરા ખેડૂતોને કહેજો તમે આટલું. એમને ખબર પડે કે આ બહારથી આવીને ગપ્પા મારવાવાળા લોકો તમને કેવા મુરખ બનાવે છે.
ભાઈઓ, બહેનો,
હવે તો અમે એક નવું કામ કર્યું છે. અમે યુરીયાની ભારત બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું છે. એક જ બ્રાન્ડ આખા દેશમાં. ક્વોલિટી પણ સચવાય અમારા ખેડૂત ભ્રમમાં ના પડે, અને એને જોઈએ, અને હવે એક નવો પ્રયોગ લઈને આવ્યા છીએ અમે. આપણે જપીને બેસવાનું જ નહિ. ખાલી મોદી સાહેબ દોડાદોડ કરીને મહેનત કરે છે, એટલું નહિ, નવા નવા અખતરા કરીને, નવા નવા સંશોધન કરીને, સામાન્ય માનવીનું ભલું થાય ને, એના માટે કામ કરે.
હવે આપણે નેનો ખાતર લાવ્યા છીએ, નેનો યુરીયા. આ નેનો યુરીયા કેવી કમાલ છે, ખબર છે? આજે તમારે 5 થેલી યુરીયા જોઈએ, તો ઘેર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચો, ટેમ્પો જોઈએ, ગાડું જોઈએ, ભાડું આપવું પડે. હવે આપણે નેનો યુરીયા લાવ્યા છીએ. આ નેનો યુરીયા એવું છે કે એક થેલીમાં જેટલું યુરીયા હોય, એ જેટલું કામ કરે, એટલું નેનો યુરીયા એક બોટલમાં આવી જાય, બોટલમાં ભાઈઓ.
બોટલની અંદર યુરીયા આવી જાય અને તમારા ખેતીનું કામ ચાલે. તમારો ખર્ચો ઘટી જાય, એની ચિંતા કરી છે, ભાઈઓ. આ વખતે તો કપાસ અને મગફળીમાં જાહોજલાલી છે, બાપા, હેં... આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, ભાઈઓ, કોઈ દિવસ આવા ભાવ નથી જોયા, ભાઈઓ. કારણ કે, અમને ખેડૂતની ખબર હોય, ભાઈ, અને તમે ગુજરાતનો મોદી તમારો જાણીતો બેઠો હોય, એને ખબર હોય, મગફળી, બધા ખેડૂતની ખબર હોય, કપાસના ખેડૂતની ખબર હોય. આ પદ માટે યાત્રા કરવાવાળાઓને કપાસ કોને કહેવાય ને મગફળી કોને કહેવાય, એની ખબર ના હોય.
ભાઈઓ, બહેનો,
આપણો સુરેન્દ્રનગર જિલ્લો એટલે? આ દેશનો કોઈ નાગરિક એવો નહિ હોય, કે જેણે ગુજરાતનું મીઠું ન ખાધું હોય, ભાઈઓ, ગુજરાતનું નમક ન ખાધું હોય. આ દેશનો એક પણ નાગરિક એવો ન હોય, કે જેણે ગુજરાતનું નમક ન ખાધું હોય, અને કેટલાય લોકો એવા છે કે જે ગુજરાતનું નમક ખાય અને છાશવારે ગુજરાતને ગાળો દેતા હોય છે, પણ આ અમારો સુરેન્દ્રનગર જિલ્લો, મીઠું પકવવાની અંદર એક્કો.
અમારા અગરીયાઓ, નમક ના કહે, ખેતીનું કામ કરે, અને નમક ઉત્પાદન કરીને હિન્દુસ્તાનભરની અંદર નમક પહોંચાડવાનું કામ કરે. 80 ટકા નમક આજે મારું હિન્દુસ્તાનનું, ગુજરાતમાં પેદા થાય, ભાઈઓ. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે. લાખો લોકોને કામ-ધંધો મળે, પણ જ્યારે અમારા કોંગ્રેસવાળા રાજ કરતા હતા ને, અહીંથી બધી સીટો જીતી જતા હતા. પણ આ અગરીયાઓની એમને પરવા નહોતી. આ અગરીયાઓની ચિંતા નહોતી. અરે આ અગરીયાને પહેરવા માટે બૂટ કે મોજાં નહોતા મળતા, ભાઈઓ. અમે આવીને એ સ્થિતિ બદલી. અમારા અગરીયાને ત્યાં જવા સુધીના રસ્તા બનાવવાની વાત હોય. અગરીયાઓના સંતાનોને ભણાવવાની વાત હોય. અમારા અગરીયાઓ માટે પાકા ઘર બનાવવાની વાત હોય. અમારા અગરીયા ભાઈઓ માટે સ્વાસ્થ્યની, સુરક્ષાની વાત હોય. એમને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળે એની ચિંતા કરવાની હોય. ત્યાં સુધી વીજળી પહોંચાડવાની વાત હોય.
ભાઈઓ, બહેનો,
હવે તો અમે સોલર પંપ દ્વારા પણ અમારા અગરીયા ભાઈઓને મદદ કરવાનું, કરોડો રૂપિયા ખર્ચીને કરી રહ્યા છીએ. કારણ કે અમને ખબર છે કે આ અમારો સુરેન્દ્રનગર જિલ્લો અને આ આખો અમારો દરિયાનો પાટ, ત્યાં અમારા અગરીયા ભાઈઓની જિંદગી બદલાય. અમે તો નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ. 10 એકર સુધીની, નાની નાની એકમો હોય, મીઠું પકવનારા, 500 એકર સુધીના મીઠું પકવવાના હોય, જો સહકારી મંડળી હોય 500 વાળી, 10 એકરની પ્રાઈવેટ અને 500 એકરની સહકારી મંડળી, તો અમે રોયલ્ટી ભરવામાંથી માફી આપી દીધી, ભાઈ. ભુપેન્દ્રભાઈને અભિનંદન, આ નિર્ણય કરવા માટે.
અને ગુજરાતમાં તો, ભાઈઓ, બહેનો,
હવે સુરેન્દ્રનગર જિલ્લાના દિવસો એક નવા યુગના એંધાણ લઈને આવે છે, ભાઈ. તમે જુઓ, વિરમગામ સુધી ઉદ્યોગો પહોંચી ગયા છે. આ બાજુ, ઉપરની બાજુ તમારું એરપોર્ટ આવી રહ્યું છે. રાજકોટના કિનારે, સુરેન્દ્રનગરની સીમમાં, અને આ બાજુ ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યું છે. તમારો સુરેન્દ્રનગર જિલ્લો, નર્મદાનું પાણી, વીજળી, દરિયાકિનારો, અને હવે ઉદ્યોગોની જાળ.
ભાઈઓ, બહેનો,
અમારે માટે યુવાઓના સશક્તિકરણ, એ અમારો મહાયજ્ઞ છે. અમે યુવાઓના સશક્તિકરણ માટે એક મહાયજ્ઞ આદર્યો છે. ગુજરાતમાં એ દિવસો પણ આપણે જોયા છે, કે જ્યારે લોકોને બાળકોને ભણાવવા માટે ચિંતા રહેતી હતી કે ક્યાં ભણાવીએ? નજદીકમાં હોય નહિ, શહેરમાં મોકલીએ, ખર્ચો થાય, ચિંતા રહે, છોકરાનું શું? દીકરીને તો મોકલી ન શકાય. હાયર એજ્યુકેશનના વલખા પડતા હતા. આવા દિવસો હતા. ન ક્વોલિટી હતી, ન ક્વોન્ટિટી હતી. અને અમે, ગણ્યા ગાંઠ્યા ઈન્સ્ટીટ્યુટમાંથી બહાર આવીને અમે એની જે હાલત ખરાબ હતી એને સુધારવા માટેનું કામ કર્યું.
યુનિવર્સિટી હોય, કોલેજ હોય, બાળકોને ભણાવવાની વાત હોય, બીજા રાજ્યોમાં જવું પડે એવી મુસીબતો આવતી હતી, મા-બાપને. એનું ભણતર અહીંયા પુરું થાય, એનું જીવન અહીંયા બદલાય. અને ઘણી વાર તો છોકરાઓ બીજા રાજ્યોમાં ગયા હોય ને, ઘેર પાછા જ ના આવતા હોય. આવી દશા થતી હોય, રોજગાર માટે બિચારો વલખાં મારતો હોય, એને આપણે બદલવાનો નિર્ધાર કર્યો. ગુજરાત સરકારે શિક્ષણની વ્યવસ્થા બદલવા માટે એક મિશનરૂપ કામ કર્યું. આપણી ભાજપ સરકારે સ્કૂલો, કોલેજો, એમાં સારું શિક્ષણ મળે, ઔદ્યોગિક વિકાસને અનુરૂપ શિક્ષણ મળે, એવા જુવાનીયા તૈયાર થાય, જેને સર્ટિફિકેટો લઈને ફરતા ના રહેવું પડે, એના હાથમાં હુન્નર હોય, સ્કિલ હોય, એના માટે કામ કર્યું. અને એના માટેના નવા નવા પ્રયોગો આદર્યા.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલાં ક્લાસરૂમ શુદ્ધાં નહોતાં. આજે બાળકોને સ્માર્ટ ક્લાસરૂમમાં ભણવા મળે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 20 વર્ષ પહેલા શિક્ષણની ખરાબ ક્વોલિટી હતી. ગુણોત્સવ દ્વારા એ અભિયાનને, આપણે પરિવર્તન કામ કર્યું. 20 વર્ષ પહેલા 1,000થી પણ ઓછી કોલેજો હતી. આ ભાજપની સરકારે આજે ગુજરાતમાં 4,000 જેટલી કોલેજો બનાવી દીધી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 21 યુનિવર્સિટી હતી, આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટી બનાવી દીધી છે. પાંચ ગણો વધારો કર્યો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 300 જેટલી આઈ.ટી.આઈ. હતી, ભાઈઓ. આજે ગુજરાતની અંદર ડબલ કરી દીધી છે, 600 આઈ.ટી.આઈ. છે. અને એમાં દોઢ લાખ જેટલી નવી સીટો વધારી દીધી છે, ભાઈઓ.
ભાજપ સરકારે આ હુન્નર માટે, આ સ્કિલ માટે આઈ.ટી.આઈ.માં પરિવર્તન કર્યું છે. આઈ.ટી.આઈ. ભણે એને બારમા ધોરણ પાસનું સર્ટિફિકેટ આપવું. એ ડિપ્લોમા થઈ શકે, ડિગ્રી કરી શકે. 20 વર્ષ પહેલા એન્જિનિયરીંગ ડિગ્રી અને ડિપ્લોમા આપવાવાળી માત્ર 200 સંસ્થાઓ હતી. આજે ગુજરાતની અંદર 1 લાખ કરતા વધારે નવી સીટોનું આપણે નિર્માણ કરી દીધું છે.
આજે ગુજરાતની અંદર યુનિવર્સિટીઓ, સ્પેશિયલ યુનિવર્સિટીઓની જાળ બિછાવી છે. સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ઊર્જા યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, અનેક નામો તમે બોલો, ભાઈઓ. આ પહેલાનો જમાનો હતો, ગુજરાતમાં, હાયર એજ્યુકેશન માટે બીજા રાજ્યોમાં જવું પડતું હતું. આજે બીજા રાજ્યોના જુવાનીયાઓ ગુજરાતની ધરતી ઉપર ભણવા માટે આવે છે, ભાઈઓ. શિક્ષાના ક્ષેત્રને રોજગાર સાથે જોડવાનું કામ કર્યું છે.
ઉદ્યોગો ધમધમે, ગુજરાતમાં, એના માટેનું કામ ઉઠાવ્યું છે. ગુજરાતનો યુવાન જાણતો હતો કે એના સામર્થ્ય પ્રમાણે એને મોકો મળવો જોઈએ. અને એટલા માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી. ગુજરાતના યુવાઓને આના દ્વારા આગળ વધવા માટેનો અવસર મળવા માંડ્યો, ભાઈઓ.
અમે પ્રો-એકટિવ સ્ટાર્ટ-અપ પોલિસી બનાવી. એના કારણે ગુજરાતની અંદર આજે 14,000 જેટલા સ્ટાર્ટ-અપ છે. અમે મુદ્રા યોજના દ્વારા જવાનીયાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર પૈસા આપવાનું નક્કી કર્યું અને નવા આન્ત્રપ્રિન્યોર બને. આજે 70 ટકા તો બહેનો મુદ્રા યોજનાનો લાભ લે છે અને લોકોને રોજગાર આપે છે. તેજીથી ગુજરાત આગળ વધે એટલા માટે અમારા ભુપેન્દ્રભાઈની સરકાર નવી ઔદ્યોગિક પોલિસી લઈ આવ્યા છે. એટલું જ નહિ, એનો ખુબ મોટો લાભ લઘુ ઉદ્યોગોને મળવાનો છે અને એના કારણે લઘુ ઉદ્યોગોની જાળ ગુજરાતને મળવાની છે.
ભાઈઓ, બહેનો,
ગુજરાતમાં એક જમાનો હતો, સાઈકલ નહોતી બનતી, ભાઈઓ, બહેનો, સાઈકલ નહોતી બનતી. આ ગુજરાતમાં વિમાન બનવાના છે અને તમારા પડોશમાં જ બનવાના છે. ગુજરાતના જવાનીયાઓને માટે, આ બધું હું ધમ... ધમ... બોલી નાખું છું ને, આનાથીય ઘણું કર્યું છે, પણ ટાઈમ ઓછો પડે છે, એટલે મારે જલદી જલદી બોલવું પડે છે.
ગુજરાતના યુવાનો, આ ચુંટણી પાંચ વર્ષ માટે નથી. જુવાનીયાઓ, મારી વાત લખી રાખજો. આ ચુંટણી તમારા જે 25 વર્ષ, ગોલ્ડન ઈયર શરૂ થાય છે, એ 25 વર્ષ, ગોલ્ડન યુગ તમારો, આ ગોલ્ડન યુગ માટે, 25 વર્ષ માટે ચુંટણી છે, અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ ચુંટણી છે. અને નીવડેલી ભાજપા પાર્ટી છે, જે તમારા ભવિષ્યને પાકે પાયે આગળ વધારવા માટેના સંકલ્પ સાથે કરશે. અને અમે આટલું બધું કામ કરીએ.
હવે તમે વિચાર કરો, ભાઈ, ચુંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
જરા બોલો તો, વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
કોણે કેટલું કામ કર્યું, એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું, એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
વીજળી પહોંચી કે ના પહોંચી, એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
અમે હિસાબ આપવા તૈયાર છીએ, પણ કોંગ્રેસને ખબર છે કે આવા મુદ્દા કાઢીએ તો ભાજપ તો જબરજસ્ત એનો રેકોર્ડ છે. ભાજપ ચઢી જ બેસે, કારણ કે ભાજપે એટલું બધું કામ કર્યું છે. એટલે હવે શું કરે છે? વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા, એ કોંગ્રેસવાળા કહે છે, આ મોદીને એની ઔકાત બતાવી દઈશું, ઔકાત. મોદી કો ઉસકી ઔકાત દીખા દેંગે. અહંકાર જુઓ, ભાઈઓ, આ અહંકાર જુઓ. મોદી કો ઉસકી ઔકાત દીખા દેંગે. અરે, મા-બાપ. તમે તો બધા રાજપરિવારો છો, હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું. મારી કોઈ ઔકાત નથી, બાપા. તમે મારી ઔકાત દેખાડવાની... અરે હું તો સેવક છું, સેવક છું, હું તો સેવાદાર છું. અને સેવક કે સેવાદારની વળી ઔકાત હોતી હશે? અરે, તમે મને નીચ પણ કહ્યો, નીચી જાતિનો પણ કહ્યો, અરે, તમે તો મને મોતનો સોદાગર પણ કહ્યો. અરે તમે તો મને ગંદી નાલીનો કીડો પણ કીધો. બધું કીધું ભાઈ, તમે બધું કીધું. હવે તમે ઔકાત બતાવવા નીકળ્યા છો? અમારી કોઈ ઔકાત નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો. અને આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા માટે આવો, મેદાનમાં. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો, ભાઈ.
ભાઈઓ, બહેનો
વાર-તહેવારે થતા અપમાન, એ હું ગળી જાઉં છું. કારણ? મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે. મારે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ ગુજરાતને વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવું છે. અને એટલા માટે, ધીમી ગતિએ ચાલવું નથી, ભાઈ. 24 કલાક કામ કરી શકીએ તો કરવું છે. 365 દિવસ કામ કરી શકીએ તો કરવું છે. રાત-દિવસ જાગવું પડે તો જાગવું છે. પગ વાળીને બેસવું નથી. વેકેશનની તો વાત જ નથી, ભાઈઓ. કારણ? કારણ, ડબલ સ્પીડથી મારે... અને ગુજરાત, ગુજરાત એક વાર ચીલો ચાતરે ને, તો આખો દેશ પાછળ ચાલવાનો છે, એમ માનીને ચાલજો.
25 વર્ષની અંદર દુનિયાના સર્વશ્રેષ્ઠ દેશોમાં આ ગુજરાતની ગણના થાય, આ હિન્દુસ્તાનની ગણના થાય, એના માટે કામ કરવું છે, ભાઈઓ. અને એટલા માટે વિકાસની વાત લઈને જનતા જનાર્દનમાં વિશ્વાસ લઈને વિકાસના ચરણ ઉપર આગળ વધતા વધતા સૌના સહિયારા પ્રયાસથી આગળ વધવાનો મંત્ર લઈને કામ કરી રહ્યા છીએ ત્યારે મારા જવાનીયાઓ, આવો, તમારું પણ ભવિષ્ય બનાવો, ગુજરાતનું પણ ભવિષ્ય બનાવો.
ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય સાથે તમારું ભવિષ્ય જોડાયેલું છે. અને ભાઈઓ, બહેનો, માતાઓ-બહેનોના આશીર્વાદ, એ તો મારી મૂડી છે, મૂડી. શાયદ કોઈ રાજનેતાને માતાઓના આટલા આશીર્વાદ આ પહેલા ક્યારેય નહિ મળ્યા હોય. જે મા-બહેનોના આશીર્વાદ મને મળી રહ્યા છે.
ભાઈઓ, બહેનો,
આપે ઘણું આપ્યું છે. અવિરત આપ્યું છે, અને આપને પાછું આપવામાં મેં ક્યાંય કચાશ નથી રાખી. હજુ મારે ઘણું બધું કરવું છે, ભાઈઓ. રોડા અટકાવનારાઓને ના લઈ આવતા. એકેયને ના લાવતા. ગયે વખતે થોડી ભુલો થઈ ગઈ છે. એમણે શું ભલું કર્યું? કહો.
આ વખતે આપણા જિલ્લામાં કમળ સિવાય કંઈ જ નહિ.
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચો કરો, પાકું? (ઑડિયન્સઃ- હાથ ઊંચો કરીને હા...)
શાબાશ.
હવે ભાઈઓ, બહેનો,
આ ચુંટણીમાં મારી એક બીજી ઈચ્છા છે, પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા સુરેન્દ્રનગર જિલ્લો ખોંખારીને બોલે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં આપણે પહેલા કરતા વધારે મતદાન કરાવવું છે, થશે? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા મતદાનના લક્ષ્ય સાથે જવા માટે તૈયારી હોય એવા હાથ ઊંચો કરો, ભાઈઓ. ((ઑડિયન્સઃ- હાથ ઊંચો કરીને પ્રતિઘોષ)
લો, વટ પાડી દીધો.
બીજું, આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે જ્યાં કમળ પાછળ રહી ગયું હોય.
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
બધા પોલિંગ બુથમાં કમળ જીતશે? (ઑડિયન્સમાંથી હા...)
બધા પોલિંગ બુથમાં કમળ જીતશે? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઉપર કરીને બોલો, ભારત માતાની જય. (ઑડિયન્સમાંથી જય...)
હવે એક મારું અંગત કામ.
મારું એક અંગત કામ કરશો, તમે? (ઑડિયન્સમાંથી હા...)
કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચો કરીને કહો, ભાઈ, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પેલા પાછળવાળા કહો, જરા, કરશો મારું કામ? (ઑડિયન્સમાંથી હા...)
જુઓ, સુરેન્દ્રનગર જિલ્લો અને હું, એ જુદા નથી. તમારું સુરેન્દ્ર અને આ નરેન્દ્ર. અને આ ભુપેન્દ્ર. (ઑડિયન્સમાંથી તાળીઓના ગડગડાટ સાથે જયઘોષ...)
સુરેન્દ્રનગરનું સુરેન્દ્ર અને આ નરેન્દ્ર અને આ ભુપેન્દ્ર.
આપણે આ ત્રિવેણીને, આ ત્રિવેણીસંગમ છે, આપણો.
મારું એક કામ કરશો? બોલો (ઑડિયન્સમાંથી હા...)
અંગત કામ છે, મારું અંગત કામ છે, કરવું પડે પણ... (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, વાતો કરો એ ના ચાલે. કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ બાજુથી બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ત્યાંથી બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. હવે હું દિલ્હી વધારે રહું છું. મારો ટાઈમ ત્યાં વધારે આપવો પડે. પણ તમારા બધાની યાદ તો આવે જ ને કે ના આવે?
આવે કે ના આવે, કહો? (ઑડિયન્સમાંથી હા...)
તો પછી, એક કામ કરજો, તમે.
હજુ ચુંટણીના બે અઠવાડિયા બાકી છે. જ્યારે બધાના ઘેર જાઓ ને, તો બધાને હાથ જોડીને કહેજો કે, નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે.
આ મારા પ્રણામ પહોંચાડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
ઘરે ઘરે મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક માતાને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
આ પ્રણામ મારા પહોંચાડજો. આપણે ત્યાં ખબર છે ને, તીર્થયાત્રાએ કોઈ જતું હોય ને, હરદ્વાર જતું હોય, ઋષિકેશ જતું હોય, સોમનાથ જતું હોય, તો આપણે કહીએ કે ભાઈ, મારા વતી પણ જરા પગે લાગજે.
કહેતા હોઈએ છીએ ને? (ઑડિયન્સમાંથી હા...)
આ મતદેવતાઓને જ્યારે મળવા જઈએ છીએ ત્યારે, આ મત આપનારો દેવતા છે, ઈશ્વરનું રૂપ છે, એ તીર્થયાત્રા છે. મતદારને મળવા જવું એ તીર્થયાત્રા છે, અને મતદારને, તમે તીર્થયાત્રા કરતા હોય ત્યારે મારા પણ પ્રણામ પાઠવજો, ભાઈઓ. મારા વતી પણ માથું ટેકવજો. આટલી વિનંતી કરું છું.
મારી સાથે બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)
ખુબ ખુબ ધન્યવાદ.