મંચ પર બિરાજમાન મંત્રીમંડળના સૌ સાથીઓ, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સર્વે આગેવાનો, સરકારશ્રીના અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ યુવાન મિત્રો..! આ કાર્યક્રમનું ગુજરાતની બધી જ આઈ.ટી.આઈ. માં પણ અત્યારે જીવંત પ્રસારણ છે, તો ગુજરાતને ખૂણે ખૂણે બેઠેલા લાખો યુવાન મિત્રો જેઓ ટેક્નોલૉજીના માધ્યમથી આ કાર્યક્રમમાં અત્યારે આપણી સાથે જોડાયેલા છે એમનું પણ અભિવાદન કરું છું..!
મિત્રો, હું બે-ત્રણ દિવસ બહાર હતો, ગઈકાલે મોડી રાત્રે આવ્યો. ઉત્તરાખંડની ભયંકર હોનારતને મેં નજરે નિહાળી છે. જે લોકો આપદાનો ભોગ બન્યા, અનેક કષ્ટ સહન કર્યાં, પોતાના સ્વજનોને ગુમાવ્યા, એમની આપવીતી પણ મેં સાંભળી છે. હિંદુસ્તાનના દરેક રાજ્યના કોઈને કોઈ યાત્રીને આ વિનાશના ભોગ બનવું પડ્યું છે. આપણા ગુજરાતના પણ અનેક યાત્રીઓ આ મુસીબતનો ભોગ બન્યા છે. આપત્તિના સમયે ગુજરાત ક્યારેય પાછીપાની કરતું નથી. સેવાભાવથી ગુજરાત દુ:ખીયારાઓને સહાયરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરતું હોય છે. અત્યારે ત્યાંની સરકારનું મુખ્ય ધ્યાન જે અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રીઓ છે એમને સહીસલામત બહાર કાઢવાનું છે. પણ એ પછીનો મોટો તબક્કો જે છે એ ઉત્તરાખંડની અંદર ગામોનાં ગામોનો વિનાશ થયો છે. હજારો પરિવાર ઊજડી ગયાં છે. એમનું પુનર્વસન, એમને થાળે પાડવા એ મોટું કામ હજુ સામે ઊભું છે. આજે હું સરકારના અધિકારીઓને તો મળવાનો છું, મારા સાથીઓને પણ મળવાનો છું, પણ મનમાં એક વિચાર આવે છે કે ઉત્તરાખંડના નાગરિકોને પણ આટલી બધી આફત આવી છે, માત્ર યાત્રીઓને જ આવી છે એવું નહીં. અને જેમના પરિવારના પરિવાર, ઘરનાં ઘર બધું ઉજડી ગયું છે, એમના માટે સાધન-સામગ્રી એકત્ર કરીને એક ફૅમિલી કિટ અથવા જેને કહીએ કે હોમ કિટ, જેમાં બધું જ હોય, એને પોતાનું ઘર ચાલું કરવું હોય તો કરી શકે, આવનારા દિવસોમાં એને સમગ્ર ગુજરાતમાંથી લોક-ભાગીદારીથી આપણે એકત્ર કરીશું અને એકત્ર કરીને પીડિતો સુધી પહોંચે એના માટે પૂરતો પ્રયાસ કરીશું. મારી આપ સૌ નૌજવાન મિત્રોને વિનંતી છે કે આપણે પણ આ કામમાં ભાગીદાર બનીએ. કેવી રીતે કરવું, શું કરવું એની વિગતો ખૂબ ઝડપથી આપને પહોંચશે. આપણે એ પણ કહ્યું છે કે પુનર્વસનના કામમાં પણ ગુજરાત ખભે-ખભો મિલાવીને ઉત્તરાખંડના વાસીઓની મદદમાં રહેશે. આ પળે એવા સૌ યાત્રીઓ જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ બધાને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું..!
મિત્રો, આજે ગુજરાતમાં નૌજવાનોને રોજગાર, નૌજવાનોને હુન્નર, નૌજવાનોને સન્માન, નૌજવાનોને ગૌરવ... એક નવતર અભિગમ સાથે આપણે રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છીએ. સામાન્ય રીતે સમાજની માનસિકતા એવી છે કે ભણી-ગણીને શું કરવું છે ભાઈ, એસ.એસ.સી. થઈ ગયા, બારમું ધોરણ કર્યું, હવે શું કરશો..? તો એમનો પહેલો જવાબ હોય છે કે કૉલેજમાં જઈશું, ગ્રૅજ્યુએટ થઈશું. અને આ ગ્રૅજ્યુએટનું લેબલ એવું લાગેલું છે કે ગ્રૅજ્યુએટ પછી શું થઈશું એની કશી ખબર ન હોય પણ ગ્રૅજ્યુએટ થઈશું..! મા-બાપ છે, બે-ત્રણ વર્ષ ઠીક રહેશે, કૉલેજમાં હરીશું-ફરીશું..! પણ એક મોટો વર્ગ એવો છે, કે જેને કૉલેજ નસીબ નથી થતી. એક મોટો વર્ગ એવો છે કે જે સત્તર-અઢાર વર્ષની ઉંમરે જ કુટુંબને મદદરૂપ થવા માંગે છે. એક મોટો વર્ગ એવો છે કે જે પોતાની જવાબદારી પોતાના પગ ઉપર ઉપાડવા થનગની રહ્યો છે. એના મનમાં ચાલે છે કે મારે હવે કુટુંબ પર ભારરૂપ ન બનવું જોઇએ. મા-બાપે મને પંદર-સત્તર વર્ષ મોટો કર્યો, હવે ક્યાં સુધી મા-બાપના માથે રહું, હું કંઈક કરીશ..! અને આવી મથામણવાળો પણ એક મોટો યુવા વર્ગ છે. દીકરો હોય કે દીકરી, આ પ્રકારનો ભાવ આજે વ્યાપકપણે જોવા મળે છે. અને હું માનું છું કે આજના ગુજરાતના યુવાનોના મનમાં વહેલામાં વહેલું કંઈક કરવાનો જે ઉમંગ જાગ્યો છે એને હું પ્રગતિ માટેની એક ઉત્તમ નિશાની તરીકે જોઉં છું અને અહીં મારી સામે બેઠેલો જે સમુદાય છે એ એવા લોકો છે જેને પોતાના પગ પર ઊભા રહેવાનો થનગનાટ છે. મારી સામે એવા નૌજવાનો છે કે જેને પોતાના બાવડાંના બળ પર ભરોસો છે. મારી સામે એવા નૌજવાનો છે જે યાચકવૃતિથી જિંદગી જીવતા નથી, સ્વમાનભેર હાથમાં પકડ-પાનું લઈને પેટિયું રળવાની હામ ધરાવે છે, એવા નૌજવાનો છે. અને તેથી મિત્રો, ગુજરાતની સાચી કોઈ મૂડી હોય તો તે સાચી મૂડી જે ખેતરમાં કામ કરનારો ખેડૂત છે, એમ આ મારી નૌજવાન પેઢી છે જેને પોતાના પગ પર ઊભા રહેવું છે, જેને ઓશિયાળી જિંદગી જીવવી નથી. પણ એના મનની આ ઈચ્છા હોય, સ્વમાનભેર જીવવાની લાગણી હોય, ભલે ગરીબ ઘરમાં પેદા થયો હોય, મા-બાપને શિક્ષણનો અવસર ન મળ્યો હોય, સંજોગોવશાત પોતે પણ ભણી ન શક્યો હોય, ક્યારેક ઘરની સ્થિતિ એવી હોય, ક્યારેક મિત્રોની ટોળી એવી હોય જેને કારણે રહી ગયો હોય, આ બધાના મનમાં કંઈક સારી જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. પરંતુ મિત્રો, એક વ્યક્તિ તરીકે તમારા માટે આ કરવું ખૂબ અઘરું કામ છે. અને તમે પોતે ક્યાંક જાવ કે ભાઈ, મને આ આવડે છે મને જરા કામ આપોને, તો તમારા શોષણની પણ પૂરી સંભાવના છે. સામેવાળાને એમ લાગે કે અચ્છા ચલો મળી ગયો છે, તને આવડે છે ને, તો ચાલ પણ તને પૂરા પૈસા નહીં આપું, આટલા કલાક નહીં, વધારે કલાક કામ કરવું પડશે, આ શિફ્ટમાં નહીં, રાતની શિફ્ટમાં આવવું પડશે, તને યુનિફૉર્મ નહીં મળે, તને ફલાણું નહીં મળે, બોલ કરીશ કામ? હવે બિચારાને સ્વમાનભેર જીવવું હોય, મા-બાપને મદદ કરવી હોય તો કહે કે હા, ચલોને સાહેબ જે આપો તે, આપો તો ખરા..! મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે. મારા ગુજરાતનો કોઈ જવાનિયો રોજીરોટી માટે રઝળે, રોજીરોટી માટે પોતાના સ્વમાનને છોડે એ ગુજરાતને શોભે નહીં, દોસ્તો. અને એના સ્વમાનને ખાતર, એ સ્વમાનભેર જીવતો થાય એ માટે સરકારે આ ઇનિશ્યેટીવ લીધો છે. ભૂતકાળમાં સરકારો આઈ.ટી.આઈ. ખોલતી હતી. આઈ.ટી.આઈ. ચાલતી હતી. સાતમું ભણ્યા પછી, આઠમું ભણ્યા પછી, નવમું ભણ્યા પછી, કોઈકે કહ્યું હોય કે ટર્નર થવાનું એટલે ટર્નર થઈ ગયો હોય, કોઈકે કહ્યું ફિટર થવાનું એટલે ફિટર થઈ ગયો હોય, કોઈએ કહ્યું વાયરમૅન થવાનું તો વાયરમૅન થઈ ગયો હોય. ખબર ના હોય કે ટર્નર થઉં તો રોજગાર મળે કે ફિટર થઉં તો રોજગાર મળે કે ના મળે... કશી ખબર ના હોય, પણ ક્યાંક ગોઠવાઈ જવાનું એટલે બિચારો ગયો હોય. અને પછી વર્ષ, દોઢ વર્ષ, બે વર્ષ સુધી બધા કોર્સ કર્યા હોય, લોઢા જોડે માથાકૂટ કર્યા કરી હોય, પકડ-પાનાંની જિંદગી હોય અને જિંદગી પરની પકડ છૂટી ગઈ હોય, આ સ્થિતિ બદલાય કેમ નહીં..? અને તેથી આપણે આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ઢબે આગળ વધવાનો વિચાર કર્યો અને એનાં સુફળ મળ્યાં છે, મિત્રો.
જે લોકો ઇન્ક્લૂઝીવ ગ્રોથની વાતો કરે છે, રૂપાળા શબ્દો વાપરે છે એમને ઇન્ક્લૂઝીવ ગ્રોથ કોને કહેવાય એની ગતાગમ સુદ્ધાં નથી, મિત્રો..! અહીંયાં મોટાભાગના જવાનિયાઓ એવા છે જેનું કુટુંબ બી.પી.એલ. પરિવારનું છે અને જે રોજગારી મેળવવા માટે આજે મારી સામે બેઠા છે. ગરીબીની રેખા નીચે જીવનારા લોકો છે, જેમની શિક્ષા, દિક્ષા, એમનું સ્વમાન, એમનો રોજગાર એ માટેની આખીય વ્યવસ્થામાં સરકાર એક કૅટલિક એજન્ટ તરીકે કામ કરી રહી છે. કારણ વિકાસનાં ફળ ગરીબના ઘર સુધી પહોંચવાં જોઇએ. વિકાસમાં આ રાજ્યનો જવાનિયો મદદરૂપ થવો જોઇએ, વિકાસમાં આ રાજ્યનો જવાનિયો ભાગીદાર બનવો જોઇએ, વિકાસમાં આ રાજ્યનો જવાનિયો હકદાર બનવો જોઇએ, એના માટેની આ મથામણ છે. ઍપ્રેન્ટિસશિપનો કાયદો તો જુનો છે પણ આ કારખાનાવાળાઓ, મિલ-માલિકો ઍપ્રેન્ટિસ રાખવા તૈયાર ના થાય, રાખે તો ચોપડે લખવા તૈયાર ના થાય કારણ એમને ડર લાગે, ક્યાંક આ પર્મેનન્ટ થઈ જશે તો..? પછી એ પેલા કામદાર સંગઠનોની અંદર જોડાઈ જઈને યુનિયન બનાવી દેશે તો..? અને પછી અમારી સામે પગાર વધારા માટે લડાઈ લડશે તો..? સરકારનું લેબર ડિપાર્ટમેન્ટ આવીને અમારી પર ઘોંસ બોલાવશે તો..? અને એના કારણે શું કરે કે અમુક જ મર્યાદામાં બધું રાખે, બાકી બધું આમને આમ..! આપણે એમને વિશ્વાસ આપ્યો કે ભાઈ, આ સરકાર એક એવી વ્યવસ્થા કરવા માંગે છે કે જેના કારણે તમને જે લોકો જોઈતા હોય એ મળી રહે, એમને જોઈતું કામ મળી રહે, એના કુટુંબને સુખેથી જીવવા માટેનો અવસર મળી રહે એવા એક હોલિસ્ટિક ઍપ્રોચ સાથે અમે કામ કરવા માગીએ છીએ. અને એક-એક નાની-નાની ચીજ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને બધું કેટલાક લોકોને ખબર જ નથી હોતી, સોમવારે પૂછે કે ગુરૂવાર કેમ ન આવ્યો? તો ભાઈ, એ તો મંગળ બુધ ગયા પછી જ આવે, અત્યારે સોમવારે ગુરૂવાર ના આવે, જ્યારે આવતો હોય ત્યારે જ આવે. પણ કેટલાક લોકોને એવું હોય, સોમવારે પૂછે કે આજે ગુરૂવાર કેમ ના આવ્યો..? ના આવે ભાઈ, તું ગમે તે કરે તોયે એ તો મંગળવાર બુધવાર પછી જ ગુરૂવાર આવે. એનો એક ક્રમ હોય છે, અને એના ક્રમ પ્રમાણે જ આગળ વધવાનું હોય છે..!આઈ.ટી. નો ઉપયોગ વધવા માંડ્યો છે, તો આઈ.ટી.નો ઉપયોગ વધે છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું બદલાવ લાવવો, કોર્સીસમાં શું બદલાવ લાવવો, વૈજ્ઞાનિક રીતે મૉડલરૂપ આઈ.ટી.આઈ. ઊભા કરવાના આપણે કામ શરૂ કર્યાં. અને એ દિવસોમાં, આજથી પાંચ-સાત વર્ષ પહેલાં ભારત સરકારે સમગ્ર દેશના આ ક્ષેત્રના અધિકારીઓને ગુજરાત મોકલ્યા હતા અને ગુજરાતમાં સ્ટડી કરવા માટે કહ્યું હતું, અને અહીં આવ્યા પણ હતા. મિત્રો, આનાથી આપણે એક તબક્કો આગળ ગયા. આઈ.ટી.આઈ. માં આવનાર વિદ્યાર્થીઓના સન્માનની ચિંતા કરવી જોઇએ, હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટને મદદ કરવી જોઇએ, દસમા-બારમાની સમકક્ષ બનાવવા માટેના કાયદા ઘડ્યા..! ભલે એણે કદાચ દસમાની પરીક્ષા ન આપી હોય, પણ સાતમું કે આઠમું ભણ્યા પછી એણે આ બધા કોર્સીસ કર્યા હોય તો એ દસમાની બરાબર ગણવાનું નક્કી કરી લીધું, દસમા ધોરણ પછી એણે કોર્સીસ કર્યા હોય તો એને બારમા ધોરણની બરાબર નક્કી કરી લીધું અને એના કારણે આઈ.ટી.આઈ. ભણ્યો હોય અને જેને આ લોઢા-લાકડાં જોડે મગજમારી કરવામાં મજા આવતી હોય અને રસ પડતો હોય, એનો વિશ્વાસ વધ્યો અને હવે તે ડિપ્લોમા એંજિનિયરિંગનું ભણી શકશે..! આ નાનો નિર્ણય નથી મિત્રો, ડિપ્લોમામાં ઉત્તમ કામગીરી કરે તો ડિગ્રી એંજિનિયરિંગમાં પણ એડમિશન લઈ શકે ત્યાં સુધીના દરવાજા આપણે ખોલી નાખ્યા છે. હવે નૌજવાન મિત્રો, આપના ઉપર છે. મેં રસ્તો બનાવી દીધો છે. હવે તમે કહો કે તમારે ચાલવું છે, હું સ્વાગત કરવા તૈયાર છું, તમે કહો દોડવું છે હું સ્વાગત કરવા તૈયાર છું, તમે કહો ઊભા રહેવું છે, તો હશે આપની મરજી..! મિત્રો, આટલી સુવિધા ક્યારેય ક્યાંય જોવા ન મળે એ કામ આપણે કર્યું છે. આપના માટે વિકાસના બધાં જ દ્વાર ખોલી નાખ્યાં છે. અને એવા લોકો છે જે આનો લાભ લેશે, વિકાસની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે.
મિત્રો, આપણને એમ લાગ્યું કે કદાચ ઘણા લોકો એવા છે કે જેને કંઈને કંઈ કરવું છે, સાઈડમાં કંઈ કરવું છે, સહેજ કંઈક શીખે તો એને લાભ થાય એવો છે, એનો પગાર વધે એમ છે, તો આપણે સ્કિલ ડેવલપમૅન્ટ તરફ ધ્યાન આપ્યું. અને મિત્રો, આજે દુનિયામાં સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ હોય યા ગરીબમાં ગરીબ દેશ હોય, દુનિયાની બધી જ સરકારો, માત્ર નરેન્દ્ર મોદીની જ સરકાર નહીં, માત્ર ગુજરાતની સરકાર જ નહીં, દુનિયાની બધી જ સરકારો એક મુદ્દા ઉપર સહમતી ધરાવે છે, એ મુદ્દો છે સ્કિલ ડેવલપમૅન્ટ. ઓબામા હમણાં નવેસરથી ચૂંટાઈને પ્રૅસિડેન્ટ બન્યા પછીનું જે પહેલું ભાષણ છે એ ભાષણમાં પણ એમણે સ્કિલ ડેવલપમૅન્ટ ઉપર વિસ્તારથી પોતાનું ભાષણ કર્યું. ભારતના પ્રધાનમંત્રી પણ જ્યારે બોલે ત્યારે સ્કિલ ડેવલપમૅન્ટ પર બોલે. મિત્રો, ગુજરાત પણ સ્કિલ ડેવલપમૅન્ટની દિશામાં આગળ ધપી રહ્યું છે. અને મિત્રો, આજે આપણે ગૌરવથી કહી શકીએ કે ગુજરાતે સ્કિલ ડેવલપમૅન્ટને જે રીતે ફ્લેક્સિબલ બનાવ્યું છે, બ્રોડબેઝ બનાવ્યું છે, ઇન્ક્લૂઝીવ બનાવ્યું છે, લોંગ ટર્મ વિઝન સાથે તૈયાર કર્યું છે, એનો લાભ સામાન્યમાં સામાન્ય પરિવારને પણ મળવાનો છે અને એકેએક જવાનિયાને પણ મળવાનો છે. કૌશલ્યવર્ધન કેન્દ્રોનું સમગ્ર ગુજરાતમાં નેટવર્ક ઊભું કર્યું છે. આઈ.ટી.આઈ. કરનારા વિદ્યાર્થીઓ પણ પાર્ટ ટાઈમ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જઈને બીજા નવા હુન્નર શીખી રહ્યા છે. ચાલીસ-પિસ્તાલીસની ઉંમરે પહોંચેલી ગૃહિણીઓ પણ આવા કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં નવું શીખીને કાં પોતાના પરિવાર માટે યા વધારાનો એકાદ નાનો વ્યવસાય કરવા માટે એનો ઉપયોગ કરી રહેલ છે. હમણાં હમણાં જ આપણે બે-ત્રણ વર્ષથી જ કૌશલ્યવર્ધન કેન્દ્રોનો પ્રારંભ કર્યો, શરૂઆતમાં મૉડલ રૂપે ચલાવતા હતા. આઠ લાખ કરતાં વધારે લોકોએ આ કૌશલ્યવર્ધન કેન્દ્રોનો લાભ લીધો. અને એમાં તમે શું ભણ્યા છો એનું મહત્વ જ નથી. નિશાળનું પગથિયું ના ચડ્યા હોય તોયે અમારે ત્યાં એન્ટ્રી છે. કાંઈ ભણ્યા વગર પણ બહેનો સરસ મજાની રસોઈ બનાવી શકે છે કે નહીં..? કોઈ પૂછે છે કે તમે ગ્રૅજ્યુએટ છો? તમે સરસ મજાના દાળ-ભાત બનાવી શકશો? તમે પોસ્ટ ગ્રૅજ્યુએટ છો? કૌશલ્ય અલગ ચીજ છે મિત્રો, શિક્ષણ અલગ બાબત છે. અને માણસ જો સહેજ ધ્યાન કેન્દ્રિત કરે તો કૌશલ્ય પ્રાપ્ત કરી શકતો હોય છે. આપણે એને વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર આગળ ધપાવવા માંડ્યું છે અને માનવજીવનની જેટલા પણ પ્રકારની જરૂરિયાત હોય એને ઉપલબ્ધ કરાવનાર લોકો આધુનિક ટ્રેઇનિંગ સાથે જો જોડાય તો ક્વૉલિટી ઑફ લાઈફમાં ચેન્જ આવતો હોય છે, ક્વૉલિટી ઑફ સર્વિસમાં ચેન્જ આવતો હોય છે, ક્વૉલિટી ઑફ પ્રોડક્શનમાં ચેન્જ આવતો હોય છે અને આ કૌશલ્યવર્ધનને કારણે ક્વૉલિટી ઑફ સ્પીડમાં પણ ચેન્જ આવતો હોય છે. પહેલાં જે માણસ સાંજ પડે પચાસ રૂપિયાનું કામ કરતો હોય, કૌશલ્યવર્ધન કરે તો એ જ વ્યક્તિ બસ્સો રૂપિયાનું કામ કરતો થઈ જતો હોય છે. પહેલાં આટલા ક્વૉન્ટમ કામ કરતો હોય તો પછી આટલા ક્વૉન્ટમ કામ કરતો થતો હોય છે અને એનો એને લાભ મળતો હોય છે. એની આવકમાં વધારો થતો હોય છે. આજે ગુજરાતનાં કૌશલ્યવર્ધન કેન્દ્રો સમગ્ર દેશમાં એક મૉડલરૂપ કામ કરતા થયા છે. આપણે એક ડગલું આગળ ચાલ્યા. આ વખતે આપણે બજેટમાં વ્યવસ્થા કરી છે, સ્કિલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનની. આ સ્કિલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનનો વિચાર કેમ આવ્યો? કારણ કે આપણે જોયું કે બાબા આદમના જમાનાનાં સાધનોથી જો આઈ.ટી.આઈ. માં ભણાવો તો પેલો ભણીને બહાર આવે અને જ્યાં નોકરી કરવા જાય ત્યાં સાધન આધુનિક હોય, તો એને પંદર દિવસ તો એ સાધન સમજવામાં જાય. તો પેલો શેઠિયો કહે કે ભાઈ, તને નથી આવડતું, જતો રહે..! પેલો કહે મારી પાસે સર્ટિફિકેટ છે..! તો કહે સર્ટિફિકેટ રાખ તારા ઘેર, તું જા ને, તું મારું મશીન બગાડીશ..! આ મિસમૅચ..! મિત્રો, આખી વ્યવસ્થા ડાયનૅમિક હોવી જોઇએ. અત્યાર સુધી શું થયું? સરકારનું એક ડિપાર્ટમેન્ટ, સરકારના અધિકારીઓ, એ નક્કી કરે કે આ આ કરવાનું છે, અને બધું ચાલતું હતું. આપણે એમાં બદલાવ લાવ્યા અને સ્કિલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન દ્વારા આ વિષયના જે ઍક્સ્પર્ટ લોકો હોય એમને આપણે જોડ્યા. એમને જોડીને આપણે એવો સિલેબસ બનાવવા માંગીએ છીએ કે જે સિલેબસથી આપણા નૌજવાનોની શક્તિઓ ખીલી ઊઠે અને એ ખીલેલી શક્તિ આખા ગુજરાતને ખીલવી શકે. ગુજરાતને ખીલવે એવી એની શક્તિઓ ખીલે એના માટે થઈને આખા આ અભ્યાસક્રમને આધુનિક કેમ બનાવવા..! આજે ત્યાં જે મશીનનાં ટૂલ્સ બધાં પડ્યાં છે, આઈ.ટી. નો જમાનો છે. માનો કે પહેલાના જમાનામાં લિફ્ટ હશે, તો લિફ્ટ જુદી રીતે ચાલતી હશે. બહુ પહેલાં લિફ્ટ કેવી હતી, હૅન્ડલ મારીને ચલાવતા હતા. એક માણસ હોય, એ અંદર હૅન્ડલ મારે અને એનાથી લિફ્ટ ઉપર જતી હતી. રાજા-મહારાજાઓના જમાનામાં એવું હતું. પછી ધીરે-ધીરે બટન દબાવીને આવ્યું, હવે અવાજ કરો તો લિફ્ટ પાંચમા માળે અને છઠ્ઠા માળે જાય એવી લિફ્ટ આવવા માંડી છે. મિત્રો, ટેક્નોલૉજી બદલાતી જાય છે. તો આ બધું કામ કરનારા લોકો સામાન્ય પરિવારના હોય છે. એને આધુનિકમાં આધુનિક શિક્ષણ મળવું જોઇએ, ટ્રેઇનિંગ મળવી જોઇએ. આ સ્કિલ ડેવલપમૅન્ટના માધ્યમથી માર્કેટમાં કેવા પ્રકારની સ્કિલની આવશ્યકતા છે, સ્કિલ ડેવલપમૅન્ટ માટે કેવા પ્રકારની ટેક્નોલૉજીની જરૂરિયાત છે, કેવા પ્રકારના અભ્યાસક્રમની જરૂરિયાત છે, સ્કિલ ડેવલપમૅન્ટ માટે કેવા પ્રકારના કોર્સીસ ડેવલપ કરવાની આવશ્યકતા છે, સ્કિલ ડેવલપમૅન્ટ માટે થઈને આધુનિકમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા આ નૌજવાન પેઢીને આવે એની ટ્રેઇનિંગની પદ્ધતિ શું હોઈ શકે, આ તદ્દન આધુનિક રૂપ ઊભું થાય એના માટે એક નવતર પ્રયોગ ગુજરાતે આરંભ કર્યો છે. આપણે ત્યાંથી પણ આગળ વધવા માંગીએ છીએ. અને મિત્રો, હિંદુસ્તાનમાં સૌથી પહેલીવાર, ગુજરાત એક એવું રાજ્ય છે જેણે સ્કિલ યુનિવર્સિટી બનાવી છે. આ જ વખતે વિધાનસભાની અંદર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મૉડલ ઉપર, પી.પી.પી. મૉડલ ઉપર, વડોદરાની અંદર આપણે સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી રહ્યા છીએ. સ્કિલ ડેવલપમૅન્ટને અને આ પેઢીને અને આ પ્રકારના બૅકગ્રાઉન્ડવાળા લોકોને કેટલી ઊંચાઈ પર લઈ જઈ શકાય છે એનું વૈજ્ઞાનિક ઢબે વિચાર-ચિંતન કરીને આપણે આગળ ધપી રહ્યા છીએ.
મિત્રો, જે દેશમાં 65% જનસંખ્યા જવાનો હોય, 35 થી નાની ઉંમરના હોય, એ રાષ્ટ્રે પોતાના વિકાસની સંપૂર્ણ અવધારણા યુવાશક્તિને કેન્દ્રમાં રાખીને કરવી જોઇએ. અને જે રાષ્ટ્ર આ યુવાધનને કેન્દ્રબિંદુ બનાવીને આયોજન કરે એ શક્તિ બનીને ઊભું રહી શકે એવો મારો પૂરો વિશ્વાસ છે. અને તેથી ગુજરાતે યુવાનોની આવશ્યકતાઓની પૂર્તિ માટે શું થઈ શકે, વિકાસનું મૉડલ જે યુવાનોને જોડે એ કેવું હોઈ શકે, અને એમાં નૌજવાનોને શિક્ષણ, નૌજવાનોને સ્કિલ, નૌજવાનોને રોજગાર, નૌજવાનોની પ્રોડક્ટિવિટીમાં ભાગીદારી, એને ધ્યાનમાં રાખીને આપણે આયોજન કર્યું છે. મિત્રો, આજે હું ગર્વ સાથે કહી શકું છું, સમગ્ર દેશમાં ઓછામાં ઓછા બેરોજગાર ગુજરાતમાં છે. દેશમાં સરેરાશ બેરોજગારી 3% કરતાં વધારે છે, સમગ્ર દેશમાં. કોઈને ત્યાં 8% હશે, કોઈને ત્યાં 5% પણ હશે. પણ મિત્રો, ગુજરાત રાજ્ય એવું છે કે જેમાં બેરોજગારી 1% કરતાં પણ ઓછી છે. એનું કારણ આ સતત આપણા જે પ્રયાસો ચાલે છે એ છે. બીજું આપણે શું કામ કર્યું, સ્ટાઇપેન્ડ માટેની વ્યવસ્થા ઊભી કરી. મિત્રો, પંદરસો રૂપિયા સ્ટાઇપેન્ડ આ સરકાર આપે છે. તમે આ રોજગારી માટે જશો તો ઍપ્રેન્ટિસસશીપ પિરિયડની અંદર પંદરસો રૂપિયા આ સરકાર તમારા ખિસ્સામાં મૂકશે. કારણ, તમે સ્વમાનભેર જીવી શકો. આનો વિચાર આ સરકાર કરશે. મિત્રો, એટલું જ નહીં, ગુજરાતના ઉદ્યોગ-વેપારનો સરકારે કૉન્ટેક્ટ કર્યો. તમે રોજગાર શોધવા જાવ તો તમારું શું થાય એ તમને ખબર છે. વચ્ચે તમારે કોઈકને રાખવો પડે પાછો, જો ને યાર, ક્યાંક લાગવગ લગાવને..! અહીંયાં કશું જ નહીં મિત્રો, તમારા બાવડામાં જોર છે ને, આવો, મિલાવો હાથ..! આ ભૂમિકાથી કામ..! સરકાર પોતે ગઈ, વેપાર- ઉદ્યોગ બધેથી શોધ્યું. ભાઈ બોલો, તમને કેવા પ્રકારના લોકો જોઇએ છે..? અહીંથી આપણે ત્યાં સ્કિલ ડેવલપમૅન્ટમાંથી, આઈ.ટી.આઈ. માંથી ભણીને ગયેલા જુવાનિયાઓને શોધ્યા. બોલો, તમને કેવા પ્રકારનું કામ આવડે છે? બંનેનું મિલન કર્યું. કંપનીઓને અને યુવાનોને મેળવી આપ્યા અને એના કારણે મિત્રો, આ એક જ અઠવાડિયામાં ચાલીસ હજાર નૌજવાનોને આપણે રોજગાર આપી રહ્યા છીએ મિત્રો, ચાલીસ હજાર નૌજવાનોને. ગયે વખતે ચૂંટણીમાં જરા અમારો સમય ગયો, કારણ કે ચૂંટણી આવે એટલે ત્રણ-ચાર મહિના એમાં જાય જ. આચારસંહિતા લાગે એટલે અમે આ બધું કંઈ કરી ન શકીએ. તેમ છતાંય, ચૂંટણી આચારસંહિતામાં ત્રણ-ચાર મહિના બગડવા છતાંય ગયા બે વર્ષમાં એક લાખ સાઈઠ હજાર કરતાં વધારે લોકોને રોજગાર આપવાનું કામ આ સરકારે આ રોજગાર મેળાઓ દ્વારા કર્યું છે. આ નાનો આંકડો નથી. અને આ બેરોજગારી ઘટી રહી છે એનું કારણ જે પ્રકારનું કામ જોઇએ એ પ્રકારનો માણસ શોધવો, માણસ શોધીને કામે લગાવી આપવો એવી પૂરી વ્યવસ્થામાં સરકાર ખડે પગે ઊભી રહે છે. અને સાથે-સાથે નોકરી શોધતા કોઈપણ જુવાનિયાનું શોષણ ન થાય, એની પાસે ખોટી મજૂરી કરાવીને રૂપિયા ઓછા આપવામાં આવે એવી કોઈ પ્રવૃત્તિ ન થાય એના માટે થઈને સરકાર તમારી સાથેને સાથે ઊભી રહે એવી આ વ્યવસ્થા ગોઠવી છે.
મિત્રો, દુનિયામાં ખૂબ મોટા પાયા પર બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. અમેરિકાથી તમારા કોઈ પરિચિત હોય તો પૂછજો, કોઈ લગ્ન હોય તોય પેલો રજા લઈને આવ્યો ન હોય, કેમ..? તો કહે, રજા લઉં તો નોકરી જતી રહે. પાછો જઉં તો નોકરી શોધવામાં બીજા ચાર મહિના જતા રહે..! અને એમાંય યુરોપમાં તો હાલત ઓર ખરાબ છે. મિત્રો, દુનિયામાં બેરોજગારી વધતી જાય છે. અને જે આના અભ્યાસુ લોકો છે એમનું તો કહેવું છે કે આવનારા દિવસોમાં વિશ્વ આખામાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધવાનું છે. મિત્રો, આપણે આ સંકટના ભોગ બનવું નથી, આપણે પાણી પહેલા પાળ બાંધવી છે, આગોતરું આયોજન કરવું છે. જેથી કરીને ગુજરાતના જવાનિયાના પેટ પર પાટું મારવાની સ્થિતિ પેદા ન થાય એના માટેનું કામ ઉપાડ્યું છે અને આ કામ આપણે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. મિત્રો, ગુજરાતે આઈ.ટી.આઈ. વગેરેમાં જે ટ્રેઇનિંગ કરાવી. મેં હમણાં સરકારના અમારા અધિકારીઓને પૂછ્યું હતું કે ભાઈ આઈ.ટી.આઈ. ના લોકોને માટે ખરેખર આપણે આટલું બધું કરીએ છીએ એનું દુનિયામાં કંઈ મૂલ્ય છે કે નહીં..? મિત્રો, તમને જાણીને આનંદ થશે, હમણાં જ તાજેતરમાં જ આપણા રાજ્યમાંથી સ્કિલ ડેવલપમૅન્ટ જેમણે કોર્સીસ કર્યા છે, આઈ.ટી.આઈ. ના કોર્સીસ કર્યા છે, એવા 415 લોકો દુનિયાના દસ જેટલા દેશોમાં નોકરી માટે પસંદ થયા છે. ઘણીવાર લોકોને એમ લાગે કે ભાઈ ગલ્ફ કન્ટ્રીઝમાં કામ બધું બહુ રહેતું હોય છે એટલે બધાને મજૂરી મળી જતી હશે, એવું નહીં. આ જે યુવાનોને ગુજરાતમાંથી નોકરી મળી છે એ અમેરિકામાં પસંદ પામ્યા છે, કેનેડા, ઈરાક, જાકાર્તા, કેન્યા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા..! મિત્રો, દુનિયાના સમૃદ્ધ દેશોમાં પણ આપણે ત્યાંથી આઈ.ટી.આઈ. કરેલા જવાનિયાઓની માંગ વધે એવી આપણી શરૂઆત થઈ છે. આને હું શુભ શરૂઆત માનું છું. અને એટલે જ આપણા યુવાનનું વૅલ્યૂ એડિશન થાય એટલે મેં કહ્યું કે આઈ.ટી.આઈ. માં સૉફ્ટ સ્કિલ પણ શીખવાડો. એને અંગ્રેજી બોલચાલ શીખવાડો, એમ્પાવરમૅન્ટ માટે ઈલેક્ટ્રોનિક મેનપાવર તરીકે એને આઈ.ટી. નું નૉલેજ હોય, એને કોમ્પ્યૂટરનું નૉલેજ હોય જેથી કરીને પોતાના હુન્નર ઉપરાંત દુનિયાની અંદર આ બધી ચીજોની જરૂરિયાત ઊભી થઈ છે એ પણ એને આવડવું જોઇએ. મિત્રો, હિંદુસ્તાનમાં એક ચર્ચા થાય છે કે જવાનિયાઓ તો ખૂબ છે પણ ઍમ્પ્લૉયેબલ બહુ ઓછા છે, નોકરી કરવાની યોગ્યતાવાળા બહુ ઓછા છે, કામ કરવાની યોગ્યતાવાળા ઓછા છે. આ જે ભેદ છે એ ભેદને આપણે સમાપ્ત કરવો છે. ગુજરાતમાંથી સ્કિલ ડેવલપમૅન્ટની પ્રોસેસમાંથી નીકળેલો એકે-એક જવાનિયો ઍમ્પ્લૉયેબલ જ હોવો જોઇએ. રોજગારી માટે ફરવું પડે એવો કોઈ જુવાનિયો ન હોવો જોઇએ એવું એનું ઘડતર થવું જોઇએ, એવી એની શિક્ષા-દિક્ષા અને ટ્રેઇનિંગ થવી જોઇએ, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ કામમાં આપણે લાગ્યા છીએ. મિત્રો, ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે ત્યારે, બહુ વિશેષ સમય આપનો લેતો નથી પણ આપ મિત્રો, વિશ્વાસ રાખજો કે ગુજરાતની યુવાશક્તિનું સન્માન, ગૌરવ, રોજગાર એના માટે આધુનિકમાં આધુનિક જે કોઈ પ્રયત્નો આપણે કરી શકતા હોઇએ એ કરવા માટેની આપણી મથામણ છે.
મિત્રો, હું લગાતાર યુવા પેઢીના સંપર્કમાં હોઉં છું. અને સદનસીબે આધુનિક ટેક્નોલૉજી... ટ્વિટર હોય, ફેસબુક હોય, એના કારણે ખૂબ આસાનીથી સંપર્ક થતો હોય છે. અહીંયાં ઘણા બધા મિત્રો હશે કે જે રોજગાર તો હજુ હવે મળવાનો હશે છતાંય ખિસ્સામાં મોબાઈલ ફોન હશે. મિત્રો, તમારા મનમાં કોઈ પણ સૂચન આવે, આ ક્ષેત્રમાં કરવા જેવો કોઈપણ વિચાર આવે તો આપ મારી સાથે સીધા ટ્વિટર કે ફેસબુક પર જોડાઈ શકો છો. હું આપને નિમંત્રણ આપું છું અને હું આપના એ સૂચનોનો સરકારમાં ઉપયોગ થાય એનો પૂરતો પ્રયત્ન કરીશ. આપની વાત ધ્યાને લેવા માટેનું એક ઉત્તમ માધ્યમ આજે ઉપલબ્ધ છે અને આપને એ વાપરવાની છૂટ છે. કારણકે મિત્રો, આપણે બધાએ સાથે મળીને ગુજરાતની આવતીકાલ ઘડવી છે..!
મિત્રો, હું તો અહીંયાં રોજગાર મેળા કરી રહ્યો છું, ઉત્તરાખંડમાં પીડિતોની સેવા માટે જવાની મને ફુરસદ હોય છે, સમય કાઢતો હોઉં છું પણ તમે છાપા વાંચો તો તમે જોતા હશો અડધું છાપું ભરેલું હોય છે, સી.બી.આઈ..! મિત્રો, આ દિલ્હીની સરકાર અવારનવાર આ સરકારને તબાહ કરવા માટેનાં નવાં-નવાં ષડયંત્રો કરી રહી છે અને ષડયંત્રો માટે તેમનું સૌથી મોટું હથિયાર છે, સી.બી.આઈ., આ કૉંગ્રેસ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન છે. હું આજે આ નૌજવાનોની વચ્ચેથી દિલ્હીની કૉંગ્રેસ સરકારને પડકાર ફેંકું છું, અમને સી.બી.આઈ. નો ડર ના બતાવો. ગુજરાતના અધિકારીઓને, ગુજરાતના નેતાઓને, ગુજરાતના મંત્રીઓને સી.બી.આઈ. આવનારા દિવસોમાં ફસાવી દેશે એવા સમાચાર મેં આજે વાંચ્યા. દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી લે, તમે ‘
યાવત્ચંદ્રદિવાકરો’ દિલ્હીમાં રાજ નહીં કરી શકો. અને આ સી.બી.આઈ. નું રાજનીતિકરણ, આ સી.બી.આઈ. નો દુરુપયોગ, નિર્દોશ લોકોને હેરાન કરવા માટે સી.બી.આઈ. નાં જે ચિત્ર-વિચિત્ર કરતૂતો ચલાવવામાં આવે છે તેનો ક્યારેકને ક્યારેક તો તમારે હિંદુસ્તાનની જનતાને જવાબ આપવો જ પડશે..! અને પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે સી.બી.આઈ. ના જે લોકો એમનું હથિયાર બની રહ્યા છે અને ગુજરાત સરકારના આપણા અધિકારીઓને હેરાન કરવામાં લાગેલા છે, આપણા મંત્રીઓને જેલમાં પૂરવા માટેનાં ષડયંત્રો કરી રહ્યા છે, તે તમામને હું ચેતવણી આપું છું કે લોકશાહીની મર્યાદામાં તમે ઉચિત કામગીરી નથી કરી રહ્યા. સત્યને સત્યના રૂપમાં લોકોની સામે રજૂ કરવું જોઇએ, જૂઠાણા ફેલાવીને ગુજરાતને તબાહ કરવાના કરતૂતો બંધ થવાં જોઇએ. અને હવે દેશને સી.બી.આઈ. પર કોઈ ભરોસો નથી રહ્યો. સી.બી.આઈ. રાજનૈતિક કામોમાં લાગેલી છે. અરે, દિલ્હીના નેતાઓ, આ મોદીની સરકારને હેરાન કરવા માટે, મોદીને જેલમાં નાખવા માટે, મોદીના મંત્રીઓને જેલમાં નાખવા માટે સી.બી.આઈ. પાછળ આટલો સમય બરબાદ કરી રહ્યા છો, અરે થોડો સમય ઉત્તરાખંડમાં લોકો માટે ફાળવો તો તે લોકોનું ભલું થશે..! તે દુખિયારાઓની સેવા માટે સમય આપો. અને જો તમારે સ્પર્ધા કરવી હોય તો દિલ્હીવાળાઓને આજે હું પડકાર ફેંકું છું કે આવો, તમે હિંદુસ્તાનના નૌજવાનોને રોજગાર આપો અને અમે ગુજરાતના નૌજવાનોને રોજગાર આપીએ, જોઇએ, કોણ વધારે કામ કરે છે..! હમણાં-હમણાં ચૂંટણી ગઈ, તમારામાં દમ હોત તો ગુજરાતની જનતાને સમજાવવું જોઇતું હતું. ગુજરાતની જનતા અમને ઉખાડીને ફેંકી દેત અને અમે જનતાનો ચુકાદો માથે ચડાવત..! પરંતુ ગુજરાતની જનતા અમને પ્રેમ કરે છે, અને એટલા માટે તમે સી.બી.આઈ. ને પાછળ લગાવો છો..? નૌજવાન મિત્રો, હું આપને વિશ્વાસ આપવા માગું છું, હું સી.બી.આઈ. થી ડરનારાઓમાં નથી. અને દિલ્હીના આકાઓ પણ સમજી લે અને આ જ ભાષામાં જવાબ સાંભળવા માટે પણ તૈયાર રહે. તમારામાં જેટલી તાકાત હોય, તમે ગમે તેટલાં ષડયંત્રો કેમ ના કરો, તમે ગમે તેટલા લોકોની જિંદગી બરબાદ કેમ ના કરો, પરંતુ સી.બી.આઈ. ના ભયથી અમે ગુજરાતની વિકાસયાત્રામાંથી ક્યારેય હટવાના નથી, અમે વિકાસયાત્રાને આગળ ધપાવીશું. તમારી સી.બી.આઈ.ના ભયથી અમે ગુજરાતના નૌજવાનોના ભાગ્યને બરબાદ નહીં થવા દઈએ. અને એટલા માટે ભાઈઓ-બહેનો, હું જાણું છું કે લડાઈ કેવા પ્રકારનું રૂપ લેશે, પરંતુ અમે તે લડાઈ લડવા માટે પણ તૈયાર છીએ..!
નૌજવાન મિત્રો, આવો, આપણે ગુજરાતનું ભાગ્ય બદલવા માટે ખભે-ખભો મિલાવીને વિકાસના એ માર્ગ પર ચાલતા રહીએ, ગરીબમાં ગરીબના ઘર સુધી વિકાસનો લાભ પહોંચે, નૌજવાનોને રોજગાર મળે, બિમારને દવાઓ મળે, ગામ-ગરીબનું ભલું થાય આ સપનાને સાકાર કરવા માટેનો પ્રયાસ કરીએ. જે નૌજવાનોને રોજગાર મળી રહ્યો છે, ચાલીસ હજાર કરતાં વધુ નૌજવાનોને એક જ સપ્તાહમાં રોજગાર આપવાના આ પ્રયાસમાં જે-જે નૌજવાનોને રોજગાર મળ્યા છે તે તમામને હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું..! અને મિત્રો, કારણકે અમે જોઈ રહ્યા છીએ કે અમારો આ પ્રયોગ સફળ થઈ રહ્યો છે, આપણે આઈ.ટી.આઈ. માં દસ હજાર નવી સીટો વધારવાનો નિર્ણય કરીએ છીએ. એટલું જ નહીં મિત્રો, જે રીતે મેડિકલ, એંજિનિયરિંગમાં ઑન-લાઇન ઍડમિશન થાય છે, તે જ રીતે હવે આઈ.ટી.આઈ. માં પણ ઑન-લાઇન ઍડમિશન થશે. હમણાં મને જણાવવામાં આવ્યું 2 લાખ ઍપ્લિકેશન આવી ચૂકી છે. મિત્રો, આ એક નવો પ્રયોગ છે, આધુનિક વિજ્ઞાનની સાથે મારા આઈ.ટી.આઈ. ના નૌજવાનોને જોડવાનું કામ પણ ગુજરાત કરી રહ્યું છે. અને મિત્રો, હું ગુજરાતના નૌજવાનોને રોજગાર એટલે કે મારા ગુજરાતની વિકાસયાત્રાને બળ પૂરું પાડવાનું કામ કરી રહ્યો છું. હું આપ સર્વેને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું..!
મારી સાથે બોલો,
ભારત માતાની જય..!
પૂરી તાકાતથી બોલો દોસ્તો,
ભારત માતાની જય..!
બંને મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો,
ભારત માતાની જય..!
મિત્રો, આગળ ઘણી મોટી લડાઈ લડવાની છે એ મને ખબર છે, એટલા માટે મારે તમારો સાથ જોઇએ...
ભારત માતાની જય..! ભારત માતાની જય..!
વંદે માતરમ..! વંદે માતરમ..! વંદે માતરમ..! વંદે માતરમ..! વંદે માતરમ..!