ભાઈઓ-બહેનો, ઉત્તર ગુજરાતની અંદર, વિશેષ કરીને મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી, માનસિંહભાઈનું નામ હોય કે મોતીભાઈનું હોય, અતૂટ રીતે જોડાએલા છે. એમણે કેવાં બીજ વાવ્યાં કે જેનો આ વિશાળ વડલો કેટકેટલા લોકોને છાયા આપે છે, કેટકેટલા લોકોની જિંદગીમાં પ્રાણ પૂરે છે, એમનું આજે સ્મરણ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અનેક નવા પ્રયોગો થયા છે. વિશ્વમાં પશુદીઠ દૂધના ઉત્પાદનની તુલનામાં ભારતમાં પશુદીઠ દૂધનું ઉત્પાદન ખૂબ નિરાશાજનક અને ચિંતાજનક છે. કારણ, એક પશુપાલક એક પશુપાલન કરીને પણ જો વધુ દૂધનું ઉત્પાદન મેળવે તો એના કુટુંબનું નિર્વાહ કરવા માટેનું સહેલું બની જાય, એક પશુપાલન માટે ખર્ચો પણ ઓછો આવે. પણ કમનસીબે વિશ્વની તુલનામાં આપણે ત્યાં દૂધનું ઉત્પાદન પશુદીઠ ઍવરેજ ઓછી હોવાના કારણે આપણા પશુપાલકને અનેક પ્રકારની આર્થિક વિટંબણાઓ ભોગવવી પડતી હોય છે. અને એવે વખતે દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ગયા વર્ષોમાં આપણે જે દૂધના ઉત્પાદનની મૂલ્યવૃદ્ધિ, દૂધનો બજારભાવ મળે એના માટેનું ધ્યાન કેંદ્રિત કર્યું, પરંતુ હવે સમયની માંગ છે કે આપણા બધાનું ધ્યાન એ બાબતે કેંદ્રિત થાય કે અગર આપણું પશુ આજે આઠ લિટર દૂધ આપતું હોય તો સોળ લિટર કેવી રીતે આપે, આજે સોળ લિટર દૂધ આપતું હોય તો બત્રીસ લિટર દૂધ કેવી રીતે આપે..? દૂધમાં વૃદ્ધિ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાના છે. ગયા દસ વર્ષમાં ગુજરાતે આમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમગ્ર દેશના લોકોને અચરજ થાય છે. ભાઈઓ-બહેનો, આપને પણ જાણીને આનંદ થશે કે આ એક દસકામાં ગુજરાતમાં દૂધ-ઉત્પાદનમાં 68% નો વધારો થયો છે, 68%..! અને એને કારણે પશુપાલકની રોકડિયા આવકમાં ઉમેરો થયો છે. એને હજુ વધારે વૈજ્ઞાનિક ઢબથી પશુઉછેર, પશુ આરોગ્ય, પશુદાણ, આ બધી જ બાબતોમાં જો વૈજ્ઞાનિક પદ્ધતિ લાવવામાં આવે, પશુને માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે તો આપણે હજુ પણ ખૂબ મોટી પ્રગતિ કરી શકીએ એવી સંભાવનાઓ પડેલી છે અને હવે ધ્યાન કેંદ્રિત થયું છે. ગુજરાત સરકારે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં પશુધાણ માટેની ફૅક્ટરીઓ નહોતી, જ્યાં ઉત્તમ પ્રકારનું પશુધાણ કિફાયત ભાવે આપણે ખેડૂતને ન આપીએ અને એની પાસે અપેક્ષા કરીએ કે તું સૂકા ઘાસના પૂળા ખવડાવીને દૂધનું ઉત્પાદન વધાર, તો એ શક્ય બનવાનું નથી. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે પશુને પૂરતો અને યોગ્ય આહાર મળે. ગુજરાતે એના માટે પહેલ કરી, ગયા બજેટમાં ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ એટલા માટે કરી કે કોઈપણ આવા દૂધ-સંઘો પશુધાણ માટેના કારખાનાં લગાવવા માંગતા હશે તો સરકાર એને મદદ કરશે, પરંતુ ગુજરાતનું પશુધાણ ઉત્તમ પ્રકારનું પેદા થાય અને તમારું પશુ પણ વધુ દૂધ આપી શકે એ પ્રકારનો એને પૂરતો આહાર મળી રહે એની કામગીરી થાય એની પર આ સરકારે ધ્યાન કેંદ્રિત કર્યું છે.
ભાઈઓ-બહેનો, વૈજ્ઞાનિક ઢબે પશુઉછેર આવશ્યક છે. ગુજરાતે દૂધની ક્રાંતિ કરી છે. અહીંયાં ખૂબ મોટી સંખ્યામાં આ બાજુ બહેનો બેઠેલી દેખાય છે. આ તરફ બહેનોને બેસવાની જગ્યા મળી નથી, મોટી સંખ્યામાં બહેનોને ઊભા રહેવું પડ્યું છે. ડેરી માટે આપણે ગમે તેટલું ગૌરવ લેતા હોઈએ, ગમે તેટલા છાતી કાઢીને ફરતા હોઈએ, માથું ઊંચું કરીને રહેતા હોઈએ, આ બધું ભલે આપણે બધા કરતા હોઈએ, પરંતુ દૂધ ઉત્પાદનમાં અને પશુઉછેરનો યશ કોઈને આપવાનો હોય, ક્રેડિટ કોઈને આપવાની હોય તો માત્ર ને માત્ર મારી આ માતાઓ-બહેનોને જ મળે છે. એ આખો કારોબાર માતાઓ-બહેનોએ સંભાળ્યો છે. પુરુષો તો મફતમાં હારતોરા કરી લે છે. જો બહેનોએ સંતાનની જેમ આ પશુનું પાલન ન કર્યું હોત, રાત રાત ઉજાગરા કરીને પશુની કાળજી ન લીધી હોત, કુટુંબને નિભાવવા માટે પશુના મહાત્મયને ન સમજ્યું હોત તો આજે શ્વેત ક્રાંતિનું નેતૃત્વ આ ગુજરાત પાસે ન આવ્યું હોત. આનો સંપૂર્ણ યશ મારી માતાઓ અને બહેનોને જાય છે, એમને હું અર્પિત કરું છું. પરંતુ હવે વૈજ્ઞાનિક ઢબે એમાં આગળ વધવું આવશ્યક છે. કારણકે જૂની પરંપરા પ્રમાણે, જૂની પદ્ધતિ પ્રમાણે પશુઉછેર થતા હતા. અને એના માટે આપણે એક અલગ ‘કામધેનુ યુનિવર્સિટી’ બનાવી છે. કામધેનુ યુનિવર્સિટીનો હેતુ આ છે કે વિશ્વના સમૃદ્ધ દેશો પશુની ઉત્પાદકતા તરફ કેવી રીતે આગળ વધ્યા છે અને પશુને માટે જે કાળજી લેવા માટેની જે વ્યવસ્થા ગોઠવી છે, એ દિશામાં આપણે આગળ વધવા માગીએ છીએ. આપણે એક પ્રયોગ કર્યો ઍનિમલ હોસ્ટેલનો. સમગ્ર હિંદુસ્તાનની અંદર આ પહેલી વાર પ્રયોગ કર્યો છે, ઍનિમલ હોસ્ટેલનો. અને પશુઉછેરનું એક પહેલું પગથિયું..! સામુહિક ધોરણે વધુ સારી સગવડો સાથે પશુનું જીવન કેમ સુધારી શકાય. નહીં તો આપણને ખબર છે કે ઘરઆંગણે બે પશુને ઊભા રહેવાની જગ્યા ન હોય ત્યાં આપણે ચાર પશુ બાંધ્યા હોય. બે પશુ આરામ કરે, બે બિચારાં ઊભાં રહે. પછી બે આરામ કરે, બે બીજાં ઊભાં થાય. છાણ-મૂતરની વચ્ચે ચોવીસ કલાક પશુની જિંદગી જીવાતી હોય, આ દ્રશ્ય આપણા ગુજરાતમાં ગામડામાં નવું નથી. એમાંથી મારે પશુને બહાર લાવવું છે. અને ગામોગામ ‘ઍનિમલ હોસ્ટેલ’, ‘પશુઓનું છાત્રાલય’..! જેમ બાળકોને ભણવા માટે છાત્રાલયમાં મોકલીએ છીએ, એમ ગામના જ પાદરે, ગામનાં જ છાત્રાલય બનાવીએ.
હું દૂધસાગર ડેરીને વિનંતી કરું છુ કે જેમ અનેક ક્ષેત્રોમાં દૂધસાગર ડેરીએ ક્રાંતિ કરી છે એમ બે-ત્રણ ચીજો એવી છે કે જેમાં ગુજરાતમાં મોડેલરૂપ કામ ભાઈ વિપુલભાઈના નેતૃત્વમાં આ દૂધસાગર ડેરી કરી શકે. એક, આપણી કો-ઑપરેટિવ બૅન્કોમાં રૂપિયા મૂકીએ છીએ, એ જ રીતે ગામોગામ છાણ-મૂત્ર જમા કરાવવાની બૅન્ક બનવી જોઇએ, ગોબર બૅન્ક..! દુનિયાના લોકોને આશ્ચર્ય થાય કે ગુજરાત જેવું રાજ્ય, જે લક્ષ્મીની પૂજા કરનારું રાજ્ય છે એ છાણ-મૂત્રની બૅન્ક બનાવવા માગે છે..? હા, બનાવવા માગીએ છીએ, ગોબર બૅન્ક બનાવવા માગીએ છીએ..! ગામોગામ ગોબર બૅન્ક બને, ગેસનું ઉત્પાદન થાય, ખાતરનું ઉત્પાદન થાય અને ગામડામાં ઍન્વાયરમૅન્ટ ફ્રેન્ડલી ડેવલપમૅન્ટનું નવું મોડેલ ઊભું કરવા આપણે આગળ વધીએ. ભાવનગર જિલ્લાના એક ગામની અંદર સમગ્ર ગામમાં આ પ્રયોગ કર્યો છે. આખો પ્રયોગ સફળ રહ્યો છે. હું મહેસાણા જિલ્લાના મિત્રોને આગ્રહ કરું છું, ભાઈ વિપુલભાઈને આગ્રહ કરું છું કે એમના નેતૃત્વમાં એ ક્રાંતિ આવે અને કોઈ ગામમાં મળ-મૂત્ર ક્યાંય જોવા ન મળે, એ બૅન્કમાં જમા થતું હોય, એમાંથી ગેસ ઉત્પાદન થતો હોય, ઉત્તમ પ્રકારનું ખાતર ઉત્પાદન થતું હોય અને એ ખાતર સપ્રમાણ રીતે ખેડૂતોને પરત મળતું હોય, આપ જોજો નવી ક્રાંતિ તરફ પગ માંડીએ છીએ કે નહીં, પશુના આરોગ્યમાં બદલાવ આવે છે કે નહીં, આપ જોજો જોતજોતામાં પરિણામ જોવા મળશે.
એ જ રીતે એક નવતર પ્રયોગ. આપણને આ વખતે દુષ્કાળ આવ્યો, બહુ લાંબું ટક્યો નહીં પણ આપણને ડોકિયું કરાવી ગયો અને કેટલાક લોકો તો દુષ્કાળ આવ્યો એટલે એવા આનંદમાં હતા, એવા ગેલમાં હતા કે બસ હવે આ મોદીનું પતી ગયું. આ દસ વર્ષથી વટ મારતો હતો કે મારા રાજ્યમાં દુષ્કાળ આવે જ નહીં, આવે જ નહીં. ઈશ્વર મારી સાથે છે એવું કહેતો હતો આ મોદી. હવે ઈશ્વર એને બતાવી દેશે..! કેટલી તો બાધા આખડીઓ રાખતા હતા, કેટલા તો યજ્ઞ કરાવતા હતા, વરસાદ ન પડે એના માટે કરાવતા હતા..! ભાઈઓ-બહેનો, ઈશ્વરની મહેર ગુજરાત ઉપર છે. વરસાદ પણ પડ્યો, અને વોટોનો પણ વરસાદ પડવાનો છે, મતનો પણ વરસાદ પડવાનો છે. આ લોકોના સપનાં ચૂર ચૂર થઈ ગયાં, મિત્રો. આ પ્રકારની વિકૃતિ ક્યારેય જાહેરજીવનમાં ચાલે નહીં અને વરસાદની જ્યારે મહેર થઈ છે ત્યારે... અને વરસાદ રોકાયો હતો એ વખતે સરકારે અધિકારીઓની મીટિંગ લીધી, મેં એમને કહ્યું આફત આવી છે. દસ વર્ષ પછી ઈશ્વરે કસોટી આદરી છે. દુષ્કાળની ફાઈલો શોધવી ભારે પડે એવું થઈ ગયું છે. પણ, મારે આ આફતને પણ અવસરમાં પલટવી છે. આફતની સામે હવે શું થાય, ઈશ્વરે કર્યું તે ખરું... ના, તેની સામે પણ ઈશ્વરે આપણને તક આપી છે. આપણી સંવેદનાઓને જગાવવાની તક આપી છે. આપણી સામુહિક શક્તિને પ્રેરણા મળે એવો અવસર આપ્યો છે, આપણે ઊભા થઈએ. અને મેં કહ્યું હતું કે જેટલા ચેકડેમો છે, બોરીબંધ છે, ખેત તલાવડીઓ છે બધા ઊંડા કરવાનું અભિયાન ચલાવીએ. અને વરસાદના વિલંબ દરમિયાન આખા ગુજરાતમાં ડિસિલ્ટીંગનું કામ એટલું બધું થયું છે, એટલું બધું થયું છે કે ગયા ચાલીસ વર્ષમાં નહીં થયું હોય અને એના કારણે હવે વરસાદ આવ્યો છે તો પાણીના સંગ્રહની શક્તિ અનેકગણી વધી ગઈ છે. આફતને અવસરમાં પલટી દીધી. ઘાસચારો, એક નવો વિચાર જનમ્યો, શા માટે રેલવે ટ્રૅકની બાજુમાં જે ખાલી જમીન પડી છે ત્યાં ઘાસ ન ઉગાડીએ? નર્મદાની આવડી મોટી કેનાલ છે, કેનાલની બાજુમાં જમીન સંપાદિત કરેલી પડી છે, એમાં ઘાસ કેમ ના ઉગાડીએ? લાખો સ્કવેર કિલોમીટર, લાખો સ્કવેર કિલોમીટરની આ જમીન ઘાસચારા માટે ઉપયોગમાં લેવાનો આપણે નિર્ણય કર્યો અને કામ ચાલું થઈ ગયું, આ કામ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ઉત્તમ પ્રકારનું ઘાસનું ઉત્પાદન નર્મદા કેનાલના કિનારે કરીને નર્મદાના પાણીનો ઉપયોગ, એ જમીનનો ઉપયોગ, ગુજરાતના ખેડૂતો કાયમ માટે કામ આવે એ દિશામાં ઉપાડેલાં કદમ, આ આફતમાંથી અવસરમાં પલટવાનો એક ઈશ્વરે સુયોગ આપ્યો છે. મિત્રો, પરિસ્થિતિને જ્યારે પલટવાનું માનવી સંકલ્પ કરતો હોય છે ને ત્યારે પરમાત્મા પણ રીઝતો હોય છે અને મન મૂકીને રીઝ્યો છે. ગયા અઠવાડિયાથી બધી ચિંતાઓ ઈશ્વરે દૂર કરાવી દીધી. અને ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. પરંતુ ઈશ્વરની આ મહેર એટલા માટે છે કે ગુજરાતે પ્રગતિનો સંકલ્પ કર્યો છે, ગુજરાતે પુરુષાર્થનો સંકલ્પ કર્યો છે. ગુજરાત ઓશિયાળું બનીને બેસી રહેનારું રાજ્ય નથી, એના છ કરોડ નાગરિકો આવતીકાલ ઘડવા માટે પોતાની જાત ઘસી રહ્યા છે અને એને માટે ઈશ્વરની મહેરબાની થાય છે.
ભાઈઓ-બહેનો, વિકાસની નવી નવી ઊંચાઈઓને આપણે પાર કરવા નીકળ્યા છીએ. અને એમાં પશુ આરોગ્યનું કામ કેટલા મોટા પાયા પર ઉપાડ્યું છે. આપણે ત્યાં 129 રોગ એવા હતા કે વરસાદ વધારે આવે, પશુના પગ પાણીમાં વધારે સમય પલળેલા હોય, ગંદા કાદવ-કીચડમાં પલળેલા હોય... 129 રોગ એવા હતા કે આપણાં પશુને વાઇરલ ઇન્ફૅક્શન થાય, એ રોગચાળામાં સપડાઈ જાય. ભાઈઓ-બહેનો, સતત પશુ આરોગ્ય મેળા કરવાને કારણે 129 માંથી 112 રોગ જડમૂળથી ઊખાડી નાખવામાં આપણે સફળ થયા છીએ. આ ગુજરાતના અબોલ પશુઓની કેટલી મોટી સેવા થઈ હશે એનો કોઈ અંદાજ નહીં કરી શકે. ભાઈઓ-બહેનો, ગુજરાત એક રાજ્ય એવું છે કે જે પશુના મોતિયાનાં ઑપરેશન કરાવે છે, પશુની દાંતની સારવાર કરાવે છે એવું આખી દુનિયામાં કોઈ રાજ્ય હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. કેટલી કાળજી લેવાઈ રહી છે અને એમાં યોગ્ય લોકો તૈયાર થાય એના માટે કામધેનુ યુનિવર્સિટી શરૂ કરી છે. ભાઈઓ-બહેનો, હું વિપુલભાઈને એ માટે પણ અભિનંદન આપું છું કે માનસિંહભાઈના ચિરસ્મરણ સાથે ડેરી ટેક્નોલૉજી માટેની એક અલગ ઇન્સ્ટિટ્યૂટ અહીંયાં ઊભી કરી છે. બે વર્ષ પહેલાં વિપુલભાઈ સાથે મારે વિસ્તારથી વાત થઈ હતી અને એમણે આ બીડું ઊઠાવ્યું અને આજે દીકરાઓ કરતાં દીકરીઓ આ ડેરી ટેક્નોલૉજીમાં વધારે રસ લઈને અભ્યાસ કરી રહી છે. મિત્રો, મને ગુજરાતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે.
આજે હું આપની પાસે કંઈ માંગવા પણ માંગું છું. અગિયારમી સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગુટકાથી મુક્તિ માટેનું અભિયાન મેં શરૂ કર્યું છે. જવાનજોધ છોકરાઓ કેન્સરમાં ગુમાવવા પડે, બાળકોને બાપ ગુમાવવો પડે, માને દીકરો ગુમાવવો પડે અને ગુટકા છૂટે નહીં. ગરીબમાં ગરીબ માનવી છોકરાઓને સાંજ પડે પાંચ રૂપિયાનું દૂધ ન પાય, પરંતુ પંદર રૂપિયાના ગુટકા ખાઈ જાય. માતાઓ-બહેનો ઘરની અંદર ઝગડા કરે પણ પરિસ્થિતિ સુધરે નહીં. આ માતાઓ-બહેનોનું દર્દ સાંભળીને આ રાજ્ય સરકારે ગુટકા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. અગિયારમી તારીખે એની અમલવારી શરૂ થશે, બે દિવસ પછી. અહીં આવેલા સૌને મારી વિનંતી છે કે આપણા ઘરમાંથી, આપણા ખિસ્સામાંથી, આપણા ગામમાંથી, આજની જ પળે ગુટકાને વિદાય આપી દઈએ. અને તમારા બધા પાસે મોબાઈલ ફોન હોય તો ચાલુ કરો જરા, હાથમાં લો મોબાઈલ ફોન જેની પાસે હોય એ બધા. બહેનો, ભાઈઓ, જેની પાસે મોબાઈલ હોય ફોન હોય એ ચાલુ કરો. હું એક નંબર લખાવું છું એ નંબર લખો, એ નંબરથી મને મિસકૉલ કરો. તમે મારા ગુટકા મુક્તિના કામને મદદ કરી રહ્યા છો, આપ સૌ મોબાઈલ ફોન બહાર કાઢો, હાથ ઊંચો કરો તો બધાએ કાઢ્યો મોબાઈલ ફોન બહાર..? બહેનો પાસે ઓછા મોબાઈલ ફોન છે, આવું ચાલે કંઈ..? મારા મહેસાણા જિલ્લાની આબરૂ જાય. બધા મોબાઈલ ફોન બહાર કાઢો. નંબર લખો 80009-80009. બે વખત લખવાનું છે, આઠ હજાર નવ, આઠ હજાર નવ, મિસકૉલ કરો. 80009-80009, દસ આંકડાનો નંબર છે, મિસકૉલ કરો. મારો સંદેશો તમારે ત્યાં આવશે હમણાં થોડીવારમાં. આપે ગુટકા મુક્તિ માટે મિસકૉલ કરીને મને ટેકો આપ્યો એ બદલ આભાર વ્યક્ત કરતો મારો સંદેશ આપને મળશે અને મારી વિનંતી છે કે અગિયારમી તારીખ સુધી જે કોઈ મળે એ બધાને ઊભા રાખીને કહો કે ચાલ મિસકૉલ કર ભાઈ, ગુટકામાંથી મુક્તિ માટેના અભિયાનને ટેકો આપ..! મોબાઈલ ફોનથી મને મદદ કરો.
આપ સૌને મારી વિનંતી છે કે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં આપણે વધારો કરવા માટે આધુનિક, વૈજ્ઞાનિક ઢબે આગળ વધવા માટે પ્રયાસ કરીએ, દૂધનું ઉત્પાદન થાય એની મૂલ્યવૃદ્ધિ માટે પ્રયાસ કરીએ. જે દૂધ ઉત્પાદક છે એને પૂરતાં નાણાં મળે એની જોગવાઈ કરીએ, પશુ આરોગ્યના ક્ષેત્રમાં જેટલા પણ વિષયો ધ્યાને લઈ શકાય આ બધી જ બાબતોને કૉમ્પ્રિહેન્સિવ હોલિસ્ટિક હેલ્થ કેરનો પ્રયોગ કરીએ. ગુજરાત આજે અનેક દિશાઓમાં પ્રગતિ કરી રહ્યું છે ત્યારે એક જમાનો હતો માનસિંહભાઈને તો મોરારજીએ કહ્યું હતું કે પાણી નથી ત્યાં દૂધ ક્યાંથી લાવશો? ચિંતા વ્યક્ત કરી હતી. પણ મોરારજીભાઈની એ ચિંતા વચ્ચે પણ માનસિંહભાઈ દૂધ તો લઈ આવ્યા, પણ પાણી લાવવાનું બાકી હતું છતાંય દૂધ લઈ આવ્યા..! હવે આપણે એ કામ પણ પૂરું કરી દીધું છે, મા નર્મદાનું પાણી પહોંચાડ્યું છે, ‘સુજલામ સુફલામ’ નું પાણી પહોંચાડ્યું છે. હવે પાણી પણ પૂરતું છે અને દૂધ પણ વધ્યું છે ત્યારે એ સુભગ સંયોગ આપણે ત્યાં પેદા થયો છે. આ બન્નેનો લાભ લઈને આપણે આપણા પશુઓનું કલ્યાણ કરીએ એ જ અપેક્ષા સાથે...