મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃત મહાકુંભનો આજે સોમનાથમાં પ્રારંભ કરાવતાં સંસ્કૃતની મહાન વિરાસતના માધ્યમ દ્વારા વિશ્વની માનવજાતને સંકટોમાંથી ઉગારવા ભારતે નેતૃત્વ લેવું જોઇએ તેમ જણાવ્યું હતું.
સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય થઇ જાય તેવી ઉદાસિનતાની નકારાત્મક માનસિકતા અંગે પીડા અને આક્રોશ વ્યકત કરતાં તેમણે સંસ્કૃતનો મહિમા વિશ્વમાં પ્રસ્થાપિત કરવા આહ્્વાન કર્યું હતું.
સંસ્કૃતને જીવન સાથે જોડવાની આવશ્યકતા ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે માનસિક ગુલામીમાંથી બહાર આવી આપણી આ દુનિયાની સૌથી પૂરાતન સાંસ્કૃતિક વિરાસતનો આદર કરવો જોઇએ અને આ માટેનું ઉત્તમ માધ્યમ જ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત જ આપણી સાંસ્કૃતિક વિરાસતની જ્ઞાન સંપદાને વિશ્વ સમક્ષ મૂકી શકશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કાર ભારતીના સંયુકત ઉપક્રમે આજથી ત્રણ દિવસ માટે સોમનાથમાં સંસ્કૃત ભાષાના વૈશ્વિક પ્રસાર હેતુ સ્વર્ણિમ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃત મહાકુંભના વિવિધ કાર્યક્રમોનું ઉદ્દઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ભારતભરના સંસ્કૃત પંડિતો, સંસ્કૃત યુનિવર્સિટીઓના પદાધિકારીઓ એમાં ભાગ લઇ રહ્યા છે.
સંસ્કૃત મહાકુંભની વિશેષતારૂપે ગુજરાતમાંથી એક લાખ જેટલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત સંભાષણનું કૌશલ્ય માત્ર એક જ વર્ષમાં પ્રાપ્ત કરીને સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં સંસ્કૃત પ્રસારનો વિક્રમ સર્જ્યો છે. આમાંથી ૧ર૦૦૦ જેટલા સંસ્કૃત સંભાષિત વિદ્યાર્થીઓ આ મહાકુંભના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧પ જેટલા સંસ્કૃત વિદ્વાનોનું ભાષા શિક્ષણના પ્રસારમાં યોગદાન આપવા માટે અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સંસ્કૃત ભાષાને કલાસ રૂમની દિવાલોમાં મર્યાદિત કરી દેવાથી આપણી આ મહાન સંસ્કૃત વિરાસત સમાજમાંથી નિષ્પ્રાણ થઇ ગઇ છે તેવી દુભાગ્યપૂર્ણ સ્થિતિમાં ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી અવસરે સંસ્કૃતની નવી શકિત સમાજમાં ઉભરે એવા હેતુથી એક લાખ યુવાનોને સંસ્કૃત સંભાષણ માટે તૈયાર કરવાનું રાજ્ય સરકારે પ્રેરિત કર્યું અને સંસ્કૃતપ્રેમી, સંસ્કૃત ભાષા શિક્ષણના સૌએ પૂરી તાકાતથી આહ્્વાન પાર પાડયું છે. ગુજરાત સરકારે ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીનો અવસર સમાજની ક્ષમતા નિર્માણ માટે કર્યો છે.
કોઇ દેશ પોતાના રાષ્ટ્ર અને સંસ્કૃતિના સામર્થ્ય વગર પોતાનો આખી દુનિયામાં પ્રભાવ ઉભો કરી શકતો નથી અને આ માટે ભારતે સંસ્કૃતના માધ્યમ દ્વારા આપણી સાંસ્કૃતિક પરંપરાની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ગૌરવ આપણે કરી શકીશું એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટી કાર્યાન્વિત કરી અને ગણતરીના વર્ષમાં તો સંસ્કૃત ભાષા-શિક્ષણ અને સંશોધન દ્વારા ભારતની સાંસ્કૃતિક વિરાસતની જ્ઞાનસંપદાનો મહિમા વિશ્વ સમક્ષ મૂકવાની દિશામાં પ્રારંભ કર્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટીના યોગદાનની ભૂમિકા આપતાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગનું સંકટ ભોગવી રહી છે ત્યારે દુનિયાને આ સમસ્યાથી બચાવવાનો સંપૂર્ણ માર્ગ અને ઉપાય સંસ્કૃત સાહિત્યની વિરાસતમાં છે એ જ રીતે ગીતા ગ્રંથ માનવ સંસાધન વ્યવસ્થાપનની શ્રેષ્ઠ જ્ઞાનસંપદા છે. વેદ-જ્ઞાન યોગ વિજ્ઞાન સંસ્કૃતના માધ્યમથી વિશ્વની સમસ્યાનો માર્ગ બતાવશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કૃત ભારતી નવી દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સંસ્કૃતમાં કરેલા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારીથી માંડીને દેશના એક-એક ખૂણે સંસ્કૃતની વિરાસત સમાયેલી છે. આજે શિક્ષિત લોકો પણ સંસ્કૃત સમજી શકતા નથી તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી સંસ્કૃત જ દેશની સાચી ઓળખ છે તેમ તેમણે જણાવ્યું હતું.
તીરૂપતીની રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના કુલપતિ પ્રો. હરેકૃષ્ણ સતપથીજીએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર અને સંસ્કૃત પુનઃ પ્રચલિત થાય તે માટેના પ્રયાસોને બિરદાવી સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સંભાષણ પ્રસ્તુતિ કરી હતી. સંસ્કૃત મહાકુંભ સ્મરણિકા વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ કર્યું હતું. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ગૌરવ ગાન ‘જય ગુર્જર ધરે વિભાસી' સીડીનું વિમોચન શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, રાજ્ય શિક્ષણમંત્રી સુશ્રી વસુબેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું.