મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સૌરાષ્ટ્ર અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં વિશાળ જનસભાઓમાં જણાવ્યું હતું કે દેશમાં લોકોનો મિજાજ બદલાયો છે અને દિલ્હીની ગાદી ઉપર ભારત સરકાર એવી હોવી જોઇએ જે મતબેન્કના રાજકારણના ખતરનાક ખેલ ખેલવાને બદલે દેશની સુરક્ષા માટે નિર્ણાયક બનીને સામાન્ય માનવીના સુખચૈનની ચિન્તા કરે.
આવી મજબૂત અને નિર્ણાયક સરકાર પુરી પાડવામાં ડો. મનમોહનસિંહનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું કારણ કે તેમની પાસે વાસ્તવમાં નિર્ણય લેવાની અસલી સત્તા જ નથી.
સવારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને શિહોરમાં ચૂંટણી અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની સળગતી સમસ્યાઓ અને ગુજરાતને ધોર અન્યાય કરવા માટે કોંગ્રેસની દિલ્હી સલ્તનતને ગૂનાહિત જવાબદારીના પિંજરામાં મૂકી દીધી હતી.
તેમણે જણાવ્યુ઼ કે સોનિયા કે મનમોહનસિંહ ગુજરાત આવીને પણ ગુજરાત વિકાસ માટે શું કર્યું તે માટે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. કારણ કે ગુજરાતની ભાજપા સરકાર અને તેને સમર્થન આપતી ગુજરાતની જનતા માટે કોઇ લાગણી નથી-ગુજરાતે પાંચ વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયાના કરવેરા દિલ્હીની તિજોરીને આપ્યા પણ ગુજરાતને કેન્દ્રએ શું આપ્યું તેનો હિસાબ માંગવાનો ગુજરાતની જનતાને હક્ક છે. પણ ઉલટું સોનિયાજી અને વડાપ્રધાન ડો. સિંધ ગુજરાતની ધરતી ઉપર આવીને ગુજરાત પાસેથી કેન્દ્રના નાણાંનો હિસાબ માંગે છે! શું ગુજરાતને કેન્દ્ર કોઇ દહેજ આપે છે! ગુજરાતને કોંગ્રેસના રાજમાં ભૂતકાળમાં ખંડિયુ રાજ્ય ગણેલું તે દિવસો તો કયારનાય વીતિ ગયા-હવે ભાજપાના શાસનમાં ગુજરાત વિકાસની રાજનીતિનું રોલ મોડેલ બની ગયું છે તે કોંગ્રેસને ખટકે છે. પણ હવે લોકશાહીનો અવસર આવ્યો છે ત્યારે ગુજરાતને કેન્દ્રએ કરેલા અન્યાયનો હિસાબ મતદાનથી કોંગ્રેસને કેન્દ્રમાંથી દૂર કરીને પ્રજા આપી દેવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૬૦ વર્ષના કોંગ્રેસના રાજ અને એમાંય પર (બાવન) વર્ષ તો એક જ પરિવારની મોનોપોલીએ દેશને શું આપ્યું છે તેનો હિસાબ પણ આ ચૂંટણીએ ચૂકતે કરી દેવાનો છે. ગુજરાત તો કોંગ્રેસની ચૂંગાલમાંથી છૂટીને સુખી-સમૃદ્ધ થયું છે અને હવે આખા દેશને કોંગ્રેસની વિકૃતિઓમાંથી છૂટકારો અપાવવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું.
આગ ઝરતી ગરમીમાં પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્મિક પ્રહારો અને ગુજરાતની પ્રગતિ અંગેના સીધા પ્રજા-સંવાદની શૈલીના કારણે મુખ્યમંત્રીશ્રીએ અપાર લોકચાહના મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ એવો વેધક સવાલ કર્યો હતો કે ગુજરાતના કિસાનોના ભૂતકાળના દુઃખ-દર્દને ખોતરનારી કોંગ્રેસને પૂછવાનું છે કે દેવાનાબૂદી માટે કિસાનોના હક્કના નાણાં કિસાનોને કેટલા આપ્યા? અડવાણીજીની ભાજપાએ તો બધા જ કિસાનોના દેવા સંપૂર્ણ નાબૂદ કરી દેવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
કોંગ્રેસ હંમેશા લેભાગુ વચનોની લહાણી જ કરતી આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.