સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓની હારમાળ ગરીબોની અંદર એક વિશ્વાસ પેદા કર્યો છે કે જો ગરીબીમાંથી બહાર આવવું હશે તો સરકારે જે રસ્તો અપનાવ્યો છે એ જ રસ્તો કારગર નીવડવાનો છે. ભૂતકાળમાં યોજનાઓ કાગળ પર બનતી હતી અને વચેટિયા વગર કોઈ ગરીબ માનવી સુધી ક્યારેય કોઈ લાભ પહોંચતો નહોતો. આ એક એવી સરકાર છે કે જે સામે ચાલીને ગરીબના ઘરે જાય છે અને ગરીબને શોધીને, ગરીબના ઘરે જઈને, એના હકનો લાભ એને આપવા માટેનો પ્રયાસ કરે છે. હમણાં બબ્બે તાલુકાનો એક, એવી રીતે ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે અને દર અઠવાડિયે ૪૦-૫૦ ગરીબ કલ્યાણ મેળા આપણે કરતા હોઈએ છીએ. અને એક દિવસમાં, આજે જ એક દિવસમાં, ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની વહેંચણી આ ગરીબ કલ્યાણ મેળામાં થવાની છે. અને આ વખતે પાંચ તબક્કાની અંદર ગરીબ કલ્યાણ મેળા થશે, રાજ્યના બધા જ તાલુકાને આવરી લેવામાં આવશે અને ગયા પચાસ વર્ષમાં કૉંગ્રેસના રાજ્યમાં કામ નથી થયું એટલું મોટું કામ આ પાંચ મેળામાં થઈ જશે..! આપ કલ્પના કરી શકો છો જુદી જુદી બધી જ યોજનાઓને ભેગી કરો તો માત્ર ગરીબોને આવાસ આપવાનાં કામો, સાડા પાંચ લાખ ગરીબ કુટુંબો એટલે લગભગ ૪૦-૫૦ લાખ જનસંખ્યાને રહેવા માટે છાપરું મળી રહે... ઓટલો પણ મળે, રોટલો પણ મળે એ રીતે અમે કામ ઉપાડ્યું છે. આ એક જ ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત, પહેલા હપતામાં ૨૧,૦૦૦ રૂપિયા રોકડા આપીને, ફરફરિયાં વહેંચીને નહીં, સર્વે કરીને નહીં, પ્રજાની આંખમાં ધૂળ નાખીને નહીં, ગરીબ માનવીને ૨૧,૦૦૦ રૂપિયાનો ચેક સીધો આપીને આ પાંચ જ ગરીબ કલ્યાણ મેળામાં લગભગ સવા ચાર લાખ ગરીબ પરિવારોને ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મકાનો બાંધવાનું અભિયાન અમે ઊપાડી રહ્યા છીએ. અને એનો પહેલો હપતો ચૂકવી રહ્યા છીએ. અને કોઈ એમ માને કે આ કાર્યક્રમ અમે ચૂંટણીના કારણે કરીએ છીએ. ના, ૨૦૦૧ માં આપે મને કામ સોંપ્યું. ૨૦૦૧ માં આખી સરકારનું બજેટ પાંચ હજાર કરોડથી વધારે નહોતું, આખી સરકાર..! જ્યારે આ સરકાર આ પાંચ જ અઠવાડિયામાં ૨૦૦૦ કરોડ રૂપિયા ગરીબોના ઘર માટે ખર્ચી નાખવાની છે. કારણ, જો ગરીબોને ઘર મળશે તો એનું જીવન બદલાશે. કોઈએ કલ્પના કરી હતી કે નટ, વાદી, બજાણિયા જે બિચારા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હતા, સાપ-નોળિયાની રમત રમાડતા હતા, જાદુના ખેલ કરતા હતા એમની ક્યાંય વસાહત નહોતી. આ રાજ્યની અંદર ડઝન કરતાં વધારે જગ્યાએ આ નટ, બજાણિયા, વાદી એવા સમાજની વસાહતો ઊભી કરી, એમના છોકરાંઓને ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા કરી, અને જે છોકરાંઓ ગઈકાલ સુધી સાપ અને નોળિયા રમાડતા હતા એને આજે કોમ્પ્યૂટરના માઉસ પર રમતા કરી દીધા છે. અમારે જીવન ધોરણ બદલવાનું છે. અને ભાઈઓ-બહેનો, ૨૦૦૧ થી અત્યાર સુધીમાં આ સરકારે સોળ લાખ કરતાં વધારે મકાનોના કામ પૂર્ણ કરી દીધાં છે. સોળ લાખ ગરીબ પરિવારોને મકાન પહોંચાડવાનું કામ સમગ્ર હિંદુસ્તાનમાં કોઈપણ સરકારે દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી કર્યું નથી. કારણ, અમારે ગરીબોની જીંદગી બદલવી છે, ગરીબોના છોકરાંઓને રોજગાર મળે એના માટેની ચિંતા કરવી છે.
ભાઈઓ-બહેનો, આ ગરીબ કલ્યાણ મેળા, એ સાચા અર્થમાં ગરીબી સામે લડાઈ લડવા માટેનું એક સારામાં સારું ઓજાર અમે શોધી કાઢ્યું છે અને એના જ કારણે સત્તા ભૂખ્યા લોકો, સત્તા માટે વલખાં મારનારા લોકો, ગરીબોને ગરીબ રાખીને એમનું શોષણ કરવા ટેવાયેલા લોકો અપપ્રચાર, જૂઠાણાં, રોજ નવા ખેલ પાડવાના કામો કરી રહ્યા છે. પણ મને ભરોસો છે કે જેમને પોતાના સંતાનોની ચિંતા છે, જેમને આવતીકાલની ચિંતા છે, એ લોકો આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ લઈને ગરીબી સામે મક્કમતાપૂર્વક લડવાની તૈયારી સાથે અમારી જોડે ખભાથી ખભો મિલાવીને કામ કરશે. અને મારા ગરીબ ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપું છું કે અમે તમારો હાથ પકડ્યો છે, અમે તમારો સાથ ક્યારેય છોડવાના નથી, આ ગરીબીમાંથી તમને બહાર કાઢીને જ રહીશું..!
હમણાં મેં ગુટકા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ગરીબ પરિવારની બહેનો એટલી ખુશ છે, અનેક બહેનોના આશીર્વાદ મને મળી રહ્યા છે કે તમે અમારા છોકરાઓની જીંદગી બચાવી લીધી. નહીંતો ગુટકા ખાય અને ઘરમાં કેન્સરની બિમારી આવે, દવા કરાવવામાં જ ઘર આખું તારાજ થઈ જાય અને પછી છોકરોય ગુમાવવાનો વારો આવે. કમનસીબે નાની નાની દીકરીઓને પણ ગુટકા ખાવાની ટેવ પડી ગઈ હતી. આપણે હવે પ્રતિબંધ લાવવાનું નક્કી કર્યું અને મારે આનંદ સાથે કહેવું છે કે બહેનોએ એને વધાવી લીધું છે. આગામી પાંચમી સપ્ટેમ્બર, ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે, શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને અગિયારમી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રિય ભાઈચારાના દિવસ તરીકે ઓળખાય છે, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એ દિવસે ભાષણ કર્યું હતું અને આખી દુનિયાને પોતાના પ્રેમની અંદર બાંધી દીધી હતી. એ પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર, આખા ગુજરાતમાં ગુટકા મુક્તિ અભિયાન આપણે ઉપાડવાનાં છીએ. મારી માતાઓ અને બહેનો, ખાસ કરીને મારી ગરીબ માતાઓ અને બહેનો, વ્યસન સામેની આ લડાઈ છે એમાં મને સાથ આપો. આપણા ઘરમાંથી, ગામમાંથી ગુટકાને વિદાય આપીએ, કેન્સરને આવતું જ રોકી લઈએ, ગંભીર માંદગીને આવતી રોકી લઈએ. એક-એક એવાં પગલાં લેવાં છે કે જેના કારણે સુખી અને સમૃદ્ધ થવાને આડે આવતા બધા જ પરિબળોને આપણે હટાવી દઈએ.
ભાઈઓ-બહેનો, આ સરકાર નોધારાનો આધાર છે, આ સરકાર ગરીબોની બેલી છે, અને એના જ કારણે ગરીબીમાંથી બહાર લાવવા માટેની આપણી મથામણને સફળતા મળી છે. જન્મથી મરણ સુધી ડગલે ને પગલે આ સરકાર ગરીબોના પડખે રહેતી હોય છે. ભાઈઓ-બહેનો, ગરીબ મા, એના પેટમાં બાળક હોય, સુવાવડ આવવાની હોય તો એની ચિંતા સરકાર કરે છે, એને કુપોષણ ન હોય, એને સુખડી આપવાની હોય, અનાજ આપવાનું હોય, એના પેટની અંદર બાળક હોય ત્યારે એના શરીરની અંદર કોઈ ઊણપ ન રહે, જેથી કરીને ગર્ભનું બાળક તંદુરસ્ત જન્મે એના માટે ખર્ચો સરકાર કરે છે. બાળકના જન્મ પહેલાં પણ માતાની કાળજી લેવાનું કામ આ સરકાર કરે છે. પછી આગળ પ્રસૂતિની વેળા, માતાઓ પ્રસૂતિની અંદર મરતી હતી. કાં બાળક મરે, કાં મા મરે..! અને ખાલી મા મરે કે બાળક મરે એવું નહીં, પેલા જવાનિયાનું તો જીવન રોળાઈ જાય. એ બાવીસ-પચીસ વર્ષની ઉંમરમાં કેટલા બધાં સપના સાથે લગ્ન કર્યાં હોય અને પહેલી જ સુવાવડમાં પત્ની જતી રહે ત્યારે કુટુંબ પર કેવું મોટું આભ ફાટી પડે. ભાઈઓ-બહેનો, આ સરકારે ચિરંજીવી યોજના કરી. ચિરંજીવી યોજના કરીને ગરીબ માતાઓની સુવાવડ, એનો ખર્ચો સરકાર આપે, સારામાં સારા ડૉક્ટરો પાસે જાય એનું બિલ સરકાર ચૂકવે, ત્રણ દિવસ હોસ્પિટલમાં રહે તો એને પૈસા આપવાનું કામ સરકાર કરે. આ બધી ચિંતા સરકારે કરી. એટલું જ નહીં, બાળક જન્મ્યા પછી ઘેર જાય, તો એની સારવાર કરવા માટે ડૉક્ટરો આવે તો ‘બાલ સહાય યોજના’ કરી. ગરીબનું બાળક પણ મરવું ન જોઈએ એની ચિંતા કરી. ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે સુવાવડી મા હોય એને સુવાવડની પીડા ઊપડી હોય, દવાખાને દોડવું પડે એવી સ્થિતિ આવી હોય, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હોય, કોઈ રિક્ષાવાળોય લઈ ન જાય, પહેલા પૂછે, પૈસા છે..? ગરીબ પાસે પૈસા ના હોય, સરકારની એમ્બ્યુલન્સ આવે નહીં. અરે, બધા ગામવાળાની નજર સામે ગરીબ મા તરફડિયાં ખાઈને મરતી હોય. આજે ૧૦૮ લગાવી નથી કે દોડતી ગાડી આવી નથી. અને ગરીબમાં ગરીબ હોય, ક્યારેય કાણી પાઈ લેતી નથી અને એને દવાખાને લઈ જઈને એની સુવાવડ થાય એની ચિંતા કરે છે અને જો રસ્તામાં સુવાવડ થઈ જાય તો પણ મા અને બાળક બચી જાય એટલી વ્યવસ્થા ગાડીમાં જ રાખી દીધી છે. મારે મારી ગરીબ માને મરવા નથી દેવી, મારે ગરીબના બાળકને મરવા નથી દેવું. એટલું જ નહીં, સુવાવડ પછી પણ એને પૂરતો આહાર મળી રહે, બાળકને આહાર મળી રહે, ધાત્રી માતા હોય, પોતાના સંતાનને દૂધ પિવડાવી શકે એના માટે એના શરીરમાં જે પોષણ જોઇએ એના માટેનો સરકાર ખર્ચો કરે છે અને અરબો રૂપિયા માત્ર આ પ્રસૂતા માતાઓને, નવી બનેલી માને, નવા સંતાનને આહાર માટે કરે છે. એટલું જ નહીં, બાળક નિશાળમાં જાય તો ‘બાલભોગ યોજના’ કરે, બાળક નિશાળે જાય તો ‘દૂધ સંજીવની’ યોજના કરે, આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓને જેને બિચારાને ક્યારેય દૂધ પીવા નહોતું મળ્યું, આ સરકાર દૂધ સંજીવની યોજના દ્વારા એને દૂધ પહોંચાડે છે, આશ્રમ શાળાનાં બાળકોને પહોંચાડે છે અને આજે લાખો બાળકો એનો લાભ લઈ રહ્યાં છે.
ભાઈઓ-બહેનો, પોષણની ચિંતા કરીએ, નિશાળમાં દાખલ કરવા માટે ‘કન્યા કેળવણી’ નું આપણે અભિયાન ઉપાડ્યું. ગરીબનું બાળક ભણે, સો એ સો ટકા દીકરીઓ ભણતી કરવા માટેનું અભિયાન ઉપાડ્યું, કોના માટે..? ગરીબ કન્યાઓ માટે. એમના માટે બૉન્ડ કાઢ્યા, વિદ્યાલક્ષ્મી બૉન્ડ, ગરીબની દીકરી શાળામાં દાખલ થાય એ જ દિવસે એને બે હજાર રૂપિયાનો બૉન્ડ મળી જાય અને જ્યારે સાતમા સુધી ભણીને નીકળે ત્યારે એના હાથમાં કેશ આવી જાય..! અરે, તમે બધા નાના હશો ત્યારે બે હજાર રૂપિયા કોને કહેવાય એ જોયા નહીં હોય, આ સરકાર તમારું બાળક નિશાળમાં પહેલે દહાડે મૂકો એટલે બે હજાર રૂપિયાનો બૉન્ડ આપી દે છે. અને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ દીકરીઓને ૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના બૉન્ડ તો આપી દીધા, નાનાં નાનાં ટાબરિયાંઓને, કેમ..? આ સરકાર ડગલે ને પગલે ગરીબોના પડખે રહેવા માંગે છે એના ભાગરૂપે આપે છે. શાળાની અંદર ભણવા જાય, મધ્યાહન ભોજન મફતમાં મળે. શાળામાં ભણવા જાય, યુનિફોર્મ મફતમાં મળે. શાળામાં ભણવા જાય, પુસ્તકો મફતમાં મળે... કોઈ જાતની કમી ન રહે, ગરીબના બાળકની પડખે આ સરકાર ડગલે ને પગલે ઊભી રહે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓ.બી.સી. આમની શિષ્યવૃત્તિ પણ આપણે ડબલ કરી નાખી અને આજે કરોડો રૂપિયા, લગભગ ૨૫૦-૨૭૫ કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિનાં બાળકોને શિષ્યવૃત્તિ માટે આપણે આપતા હોઈએ છીએ. એ જ રીતે, અનુસૂચિત જાતિનાં બાળકોને, ઓ.બી.સી. નાં બાળકોને આપણે શિષ્યવૃત્તિ માટેના પૈસા આપતા હોઈએ છીએ, જેથી કરીને એ ભણી શકે અને એના માટેનું કામ થાય છે. વિકસતી જાતિના લોકો હોય એમને, લગભગ ૨૭૦ લાખ વિદ્યાર્થીઓને ૨૭૫ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઓ.બી.સી.નાં બાળકોને આપી છે. અનુસૂચિત જાતિનાં લગભગ ૨૧ લાખ બાળકોને ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ આપી છે. બાળકોને ગણવેશ આપીએ, બે જોડી ગણવેશની ત્રણસો રૂપિયાની સહાય આપીએ. અનુસૂચિત જાતિના લગભગ એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને આ રકમ આપણે પહોંચાડતા હોઈએ છીએ અને એમના શિક્ષણ માટેની ચિંતા કરતા હોઈએ છીએ. અનુસૂચિત જનજાતિ હોય, અનુસૂચિત જાતિ હોય, ઓ.બી.સી. હોય, અરબો- ખરબો રૂપિયા એમના યુનિફોર્મ પાછળ ખર્ચીએ છીએ. કારણ, એ બાળક ભણી ગણીને આગળ આવે એના માટેની ચિંતા કરતા હોઈએ છીએ.
ભાઈઓ-બહેનો, બાળકને મધ્યાહન ભોજન મળે. બાળક ભણીને આગળ નીકળે તો એને કૉલેજ જવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે, સારામાં સારી કૉલેજમાં રહેવા માટે હોસ્ટેલ આપે છે. હમણાં તો ગામડાઓમાં જે શિક્ષણ વધ્યું છે એના કારણે શહેરોની સારી કૉલેજો તરફ આવરો વધ્યો છે, મોટી સંખ્યામાં આવે છે. આ વખતે લગભગ ૩૦,૦૦૦ બાળકોને રહેવા માટે હોસ્ટેલો બનાવવાનું નક્કી કર્યું છે. આ બધાં કોણ બાળકો..? ગરીબનાં બાળકો છે. હોસ્ટેલમાં કન્સેશન રેટથી ભણી શકે અને મોટા શહેરોમાં સારામાં સારી કૉલેજોમાં એને રહેવા માટેની વ્યવસ્થા મળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. ૨૦૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે ૩૦,૦૦૦ બાળકો રહી શકે એવી હોસ્ટેલોનું નિર્માણ કરવાનું કામ આપણે આજે ઉપાડ્યું છે. આનો લાભ ગામડાંના ગરીબ બાળકોને મળવાનો છે જેથી કરીને એમનાં બાળકોને એ લોકો ભણાવી શકે. એટલું જ નહીં, બાળક ભણીગણીને આગળ નીકળે અને એને વિદેશ જવું હોય તો સહાય સરકાર આપે છે. વિદેશ જવા માટે લાખો કરોડો રૂપિયાની સહાય આ સરકાર કરે છે. લગભગ ૨૫૦-૨૭૫ વિદ્યાર્થીઓ ચાહે આદિવાસીના હોય, ચાહે દલિત સમાજના હોય, ચાહે બક્ષી પંચના હોય, આજે સરકારી યોજનાથી વિદેશમાં ભણે છે. વિદેશમાં ભણીગણીને આવશે... એક આંબેડકરજી વિદેશ ગયા, હિંદુસ્તાનની શકલ-સુરત બદલી શક્યા. આ મારા દલિત પરિવારના દીકરાઓ અને દીકરીઓ આજે વિદેશ જશે તો કેટલા બધા આંબેડકરો તૈયાર થશે અને આખા સમાજની કેવી ચેતના બદલી શકશે એનું વાતાવરણ આનાથી પેદા થવાનું છે, એના માટે આ સરકાર પ્રોત્સાહન આપે છે. આપણને પાઇલોટ થવાનું મન થાય, નાના હોઈએ ત્યારે કોઈ પૂછે કે શું થવું છે? તો કહે કે પાઇલોટ થવું છે. આ મારા આદિવાસી બાળકને કે દલિત બાળકને ક્યાંથી નસીબમાં હોય..? આ સરકારે પાઇલોટ બનાવવા માટે યોજના બનાવી અને સો કરતાં વધારે બાળકો વિદેશમાં પાઇલોટનો અભ્યાસ કરવા ગયા. દીકરા-દીકરીઓ પાઇલોટ બને છે, આદિવાસી સમાજમાંથી, દલિત સમાજમાંથી..! આખા જીવનનાં ધોરણો બદલી નંખાય એવાં કામ આપણે ઉપાડ્યાં છે. મારું ગરીબ બાળક ભણે એના માટે કર્યું છે. કેટલાંક બાળકો ન ભણ્યાં, તો આપણે હમણાં ‘એમ્પાવર’ સ્કીમ બનાવી છે. પાંચમું ધોરણ ભણીને ઊઠી ગયા હોય એના માટે આઈ.ટી.આઈ.ચાલુ કરી છે. સ્કિલ ડેવલપમૅન્ટના કાર્યક્રમો ચાલુ કર્યા છે. એને ભગવાને બે હાથ આપ્યા છે, હૈયું આપ્યું છે તો એને અવસર મળવો જોઇએ, એને રોજગાર મળવો જોઇએ એના માટેનું કામ આપણે ઉપાડ્યું છે. દીકરી ન ભણી હોય અને એને આગળ કુટુંબની અંદર સ્વમાનભેર જીવવાનું થાય એના માટે એને જુદા જુદા તાલીમ વર્ગો અપાવીએ છીએ. એને રસોઈનું શિખવાડીએ, એને સીવણનું શિખવાડીએ, એને એમ્બ્રૉઇડરીનું શિખવાડીએ, એને અનેક નાના-મોટાં કામો શિખવાડીએ છીએ. આના કારણે દીકરીઓ પણ સ્વમાનભેર જીવતી થાય એના માટેનું કામ ઉપાડ્યું છે. જીવનના પ્રત્યેક ડગલે આ સરકાર ગરીબોની સાથે રહે છે. વકીલાતનું ભણ્યો હોય, ડૉક્ટરનું ભણ્યો હોય, એ બિચારા ડૉક્ટરી કે વકીલાત ચલાવવાના રૂપિયા ક્યાંથી લાવે? આ સરકાર એને ડૉક્ટરી કે વકીલાતનું ભણવું હોય તો અને ભણ્યા પછી પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે રૂપિયા આપે છે, જેથી કરીને એ પગભેર થાય, ગામડાંમાં દવાખાનું શરૂ કરી શકે, ગામડાંમાં વકીલાત શરૂ કરી શકે અને જ્યાં સુધી રોજીરોટી કમાતો થાય ત્યાં સુધી સરકાર એને મદદ કરે છે, એને પગભેર કરવા માટેનું કામ કરે છે.
કોઇએ પણ આવો વિચાર કર્યો છે, ભાઈઓ..? સહેજ મોટો થાય, વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થાની અંદર એને પેન્શન આપવાનું કામ સરકાર કરે. કોઈના પર એને ઓશિયાળું ન રહેવું પડે, કોઈના ભરોસે એણે જીવવું ન પડે, આની ચિંતા સરકાર કરતી હોય છે અને એટલું જ નહીં, કોઈ ગરીબ પરિવારનો માનવી, જો એને કોઈ વારસદાર ન હોય, અગ્નિસંસ્કાર કરનારું કોઈ ન હોય તો એની ચિંતા કરવાનું કામ પણ સરકાર કરે છે.
બી.પી.એલ.માં એને સસ્તા ઘઉં, ચોખા, દાળ, ખાંડ, કેરોસીન મળે એની ચિંતા સરકાર કરે છે. એની દીકરી ભણવા જાય તો એને સાઈકલ મળે એની ચિંતા સરકાર કરે છે. જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં ડગલે ને પગલે આ સરકાર આપની પડખે ના હોય. આપની દીકરીને બહાર ભણવા જવું હોય તો બસભાડું મફત, કેમ..? મારે દીકરીઓને ભણાવવી છે, ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવી છે. એટલું જ નહીં, દીકરીના હાથ પીળા કરવાના આવ્યા હોય, પૈસા હોય નહીં તો સમૂહ લગ્ન કરાવે, ખર્ચો સરકાર આપે છે. ગરીબ પરિવારની દીકરી એને મામેરું ભરવાનું હોય, પૈસા ન હોય, સરકાર એનું મામેરું ભરી આપે છે. આપે વિચાર કર્યો છે કે કોઈ એવી યોજના છે કે જેની અંદર કોઈ ગરીબ બાળકને ક્યારેય ઓશિયાળું રહેવું પડે..? નહીં રહેવા દઉં. મારા ગરીબ પરિવારના લોકોને ડગલે ને પગલે મદદ કરવી છે, પણ એનાથી વધારે મોટું મારે કામ કરવું છે. આ ટેકણ લાકડીઓથી મારે એમને જીવવા માટે મજબૂર નથી કરવા. ટુકડાઓ ફેંકી ફેંકીને ભૂતકાળની સરકારોએ એમનું શોષણ કર્યું છે એ મારે નથી કરવા દેવું. હું આપનો રક્ષક છું, આપની સાથે ઊભો છું અને આપની પડખે ઊભા રહીને આવા કોઈપણ તત્વો આપના લૂંટારા બનીને આવતા હશે તો એનાથી તમને રોકવા માટેનું મારું કામ છે. ભાઈઓ-બહેનો, સમાજ શક્તિશાળી બને, ગરીબી સામે લડવાની તાકાતવાળો બને. સાચા અર્થમાં સરકારની જે મદદ મળે છે, એ મદદમાંથી આપણી કુટુંબની ભાવિ પેઢી તૈયાર થાય. આ મકાન આપને મળે છે, એ મકાનનો હેતુ એ છે કે આપના બાળકોની જીંદગી સુધારવા માટે એક જગ્યા ઊભી થાય. આ વખતે તો કાચાં ઘરને પણ પાકાં ઘરમાં પરિવર્તિત કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો છે. એમાં હજારો કરોડો રૂપિયાનો બોજ આવવાનો છે, એ બોજને પણ આપણે ઊઠાવવા માટે તૈયાર છીએ. જો ગરીબોનું કલ્યાણ થશે... અને ગુજરાતનો વિકાસ જે રીતે થયો છે એના કારણે આ શક્ય બન્યું છે. નહીં તો આપણા ત્યાં પહેલાં પગાર ચૂકવવા માટે બજેટ વપરાતાં હતાં. આ બધી સરકારો આવીને ગઈ, એમની પાસે કુલ રૂપિયા હોય એ બધા સાહેબોના પગારમાં જ જતા હતા. પહેલીવાર સરકારની તિજોરીના પૈસા ગરીબના ઘરે જઈ રહ્યા છે. પહેલીવાર સરકારની તિજોરીમાંથી ગરીબને એના હકનું મળે છે. પહેલીવાર વિધવાબહેનની ચિંતા સરકાર કરે છે. વિધવા પેન્શન મળે, આંગણવાડીની વ્યવસ્થાઓ થાય, વિધવાઓને શિક્ષણ મળે... કોઈ વર્ગ એવો નથી, ગરીબ સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જેના કલ્યાણ માટે કોઈ આપણે યોજના ન કરતા હોઈએ, અને એના સુખની ચિંતા ન કરતા હોઈએ. અરે, સરકારનું અડધા કરતાં વધારે બજેટ માત્રને માત્ર ગરીબોના કલ્યાણની જુદી જુદી યોજનાઓ માટે વપરાય છે. ગામડાઓનું ભલું કર્યું હોય તો ગરીબોનું ભલું કરવા માટે કર્યું છે.
હમણાં દુષ્કાળના દિવસો આવ્યા છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઉપર કુદરત રૂઠી છે, હજુ પણ વરસાદનો અવસર છે અને આપણા ઢોર ઢાંખરને બચાવે, આપણા ખેડૂતોને બચાવે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પરંતુ સરકાર એકપણ ઢોરને મરવા દેવા નથી માંગતી. સરકાર કોઈપણ ગરીબને દુ:ખી રહેવા દેવા નથી માગતી. ‘નરેગા’ નું કામ મોટા પાયા પર ચલાવ્યું છે, કોઈને પણ રોજગાર જોઇતો હશે તો રોજગાર ન મળે એવો દિવસ નહીં ઊગવા દઉં. અને આપણે ચેકડેમને ઊંડા કરવા છે, ખેત તલાવડીઓ ઊંડી કરવી છે, તળાવો ઊંડા કરવાં છે, અને મારે તો લોકોને કહેવું છે તમારે માટી ખોદીને ખેતરોમાં લઈ જવી હોય તો લઈ જ જાવ. દુષ્કાળ આવ્યો છે એને પણ અવસરમાં પલટી નાખવો છે. આપણાં બધાં પાણીનાં સંગ્રહાલયો જેટલાં છે, આ બધાંને ફરી એકવાર જીવતાં-જાગતા કરી દેવાં છે. એટલું જ નહીં, આપણી જે કેનાલો છે, ગરીબ પરિવારના લોકો કેનાલની બાજુમાં જો ઘાસ ઉગાડવા માટે તૈયાર થાય, તો એ જમીનો એમને ઘાસ ઉગાડવા માટે આપવી. અને એ ઘાસ સરકાર ખરીદશે. ગરીબને પૈસા પણ મળશે, પશુઓને ઘાસચારો પણ મળશે. એના માટેનું કામ આપણે ઊપાડ્યું છે. અરે, ગરીબોના કલ્યાણને માટે, આફતને પણ અવસરમાં પલટીને ગરીબોની ભલાઈ માટે કરી શકાય એ આપણે કામ કર્યું છે. ઢોરવાડા ચલાવશે તો એની રકમમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ઢોરને તકલીફ ન પડે અને ઢોરવાડા ચલાવાવાળી સંસ્થાઓને પણ તકલીફ ન પડે, જીવદયાનું મોટું કામ થાય એના માટે મેં મથામણ ઊપાડી છે. ભાઈઓ-બહેનો, એ વાત સાચી છે કે ગયો આખો દસકો આપણે અછત જોઈ નથી, તકલીફ જોઈ નથી. પહેલીવાર કુદરતે કસોટી કરી છે એટલે તકલીફ થાય એ બહુ સ્વાભાવિક છે. કારણકે આપણી ટેવ જતી રહી હતી, નહીંતો પહેલાં તો આપણે દસ વર્ષમાં સાત વર્ષ તો પાણી વગર કાઢતા હતા. અઠવાડિયામાં એકવાર પાણી આવે એવા દિવસો આપણે જોયા છે. પણ હવે સારા દિવસો આવ્યા છે ત્યારે સહેજ પણ તકલીફ થાય તો આપણને તકલીફ વધારે અનુભવાય એ હું જાણું છું અને હું આપની તકલીફને સમજું છું. આ સરકાર પલાંઠી વાળીને બેસવાની નથી, આખું વહીવટીતંત્ર દોડવાનું છે, દુષ્કાળની અંદર બધાની મદદ કરવા માટે દોડવાનું છે, પશુઓના કલ્યાણને માટે દોડવાનું છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબી સામેની લડાઈને આપણે જરાય ઓછી ઊતરવા નથી દેવી, પાછી પડવા નથી દેવી એજ મક્કમતા અને નિર્ધાર સાથે આપણે આગળ વધતા રહેવું છે.
ભાઈઓ-બહેનો, અનેકવિધ કામો છે જેનો લાભ ચાલી રહ્યો છે. હમણાં વણથંભી વિકાસયાત્રાઓ ચાલી રહી છે. આપ વિચાર કરો, વણથંભી વિકાસયાત્રા, કેવો અદભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે. હજારો કરોડ રૂપિયાના વિકાસનાં કામો, એનું લોકાર્પણ ચાલી રહ્યું છે. એની સાથે સાથે ગરીબ પરિવારનાં બાળકોએ જે એમ્પાવર દ્વારા કોમ્પ્યૂટર શીખવાનું કામ શરૂ કર્યું, હજારોની સંખ્યામાં આવાં બાળકો તૈયાર થયાં છે, એમને સર્ટિફિકેટ આપવાનું કામ ચાલે છે. એનાથી વધારે એક કામ ચાલ્યું છે એનો મને આનંદ છે. એ કામ ચાલી રહ્યું છે ગુજરાતની પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં સ્વર્ણિમ જંયતી આપણે ઊજવી રહ્યા છીએ. અને સ્વર્ણિમ જંયતી ઊજવવાનો પણ આપણો રસ્તો કયો છે? ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તે આપણે કરી રહ્યા છીએ. અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તો શા માટે? તમે વિચાર કરો કે ચાલીસ વર્ષ સુધી કૉંગ્રેસનું એકચક્રી અહીંયાં રાજ રહ્યું છે. પંચાયતો હોય કે ગમે તે, આ બધે જ કૉંગ્રેસના જ લોકો ચૂંટાતા હતા, બીજી કોઈ પાર્ટીનો નંબર જ નહોતો લાગતો. અમે તો હતા જ નહીં, અમારી તો પાર્ટીનો જન્મ પણ નહોતો થયો. અમે નક્કી કર્યું કે ભૂતકાળમાં જેમણે જેમણે પંચાયતની સેવા કરી છે, કોઈ તાલુકા પંચાયતમાં બેઠા હશે, કોઈ જિલ્લા પંચાયતમાં બેઠા હશે, કોઈ સરપંચમાં બેઠા હશે. અને આજે જે ગુજરાત છે એમાં એમનું પણ કોઈને કોઈ યોગદાન છે જ, એ યોગદાનને આપણે અનુમોદન આપવું જોઇએ, એ યોગદાનની જાહેર સ્વીકૃતિ કરવી જોઇએ અને એમાંથી એક પવિત્ર વિચાર આવ્યો કે આ બધા જ વડીલોનું સન્માન કરીએ. રાજ્ય સરકારે આ બધાનું સન્માન કર્યું, એવી હિંદુસ્તાનમાં પહેલીવાર ઘટના બની છે કે કોઈ ભૂતપૂર્વ સરપંચનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, અને અમારા કાર્યકર્તાઓ મને કહે છે, અમારા બધા મંત્રીઓ કહે કે છે કે નેવું નેવું વર્ષની ઉંમરના વડીલો આવે છે કે જેમણે કોઈવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સેવા બજાવી હોય અને વીસ વર્ષ, પચીસ વર્ષ, ત્રીસ વર્ષે કોઈએ એમને યાદ કર્યા હોય, એમની આંખમાં પાણી આવી જાય છે. ભાઈઓ-બહેનો, સમાજ માટે જે લોકો જીવ્યા છે, એના પક્ષો ગમે તે હોય, ગમે તે પાર્ટીના હોય પણ સમાજ માટે કામ કર્યું હોય એવા સૌના માટે આદર હોવો જોઇએ એવી ઉચ્ચ ભાવનાથી અમે આ કામ કરી રહ્યા છીએ. અને એટલા જ માટે એક લાખ કરતાં વધારે આવા જનપ્રતિનિધિઓનું સન્માન કરવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે. એમનો પક્ષ ગમે તે હશે પણ અમારે મન એક સરકાર તરીકે આ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને ચાલી રહ્યા છીએ ત્યારે એમનું સન્માન કરવાનું અમારે માટે ગૌરવની બાબત છે અને અમારા મંત્રીઓ ત્યાં જાતે જઈને શાલ ઓઢાડીને, પ્રમાણપત્ર આપીને આ બધા જ વડીલોનું સન્માન કરે છે. મને અમારા મંત્રીઓએ થોડીક જગ્યાનાં આવા બધાનાં ભાષણો મોકલ્યાં. આ વડીલોના જે ઉદગારો છે, આશીર્વાદ જેવા ઉદગારો છે. આવા ઉદગારો એ પણ મારા માટે એક મોટી મૂડી છે. એ વડીલોના આશીર્વાદ પણ આવનારા દિવસોમાં અમારી શક્તિમાં ઉમેરો કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.
પક્ષાપક્ષીથી પર રહીને માત્ર અને માત્ર ગુજરાતનું કલ્યાણ, માત્ર અને માત્ર ગુજરાતનો વિકાસ, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર લઈને આપણે બધા ચાલીએ, અને આપણા ગુજરાતને ગુટકા મુક્ત બનાવીએ. કેન્સરની બિમારી આપણા ઘરમાં આવતી રોકીએ, આપણા કુટુંબમાં આવતી રોકીએ, આપણા ગામમાં આવતી રોકીએ, અને એના માટેનું એક સામાજિક કામ આપણે લીધું છે. ૫ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર, ગામોગામ ગુટકાની વિદાયનું અભિયાન ચાલશે. આ ગુટકા વિદાય અભિયાન ચાલશે તો ૧૧ સપ્ટેમ્બરે જ્યારે કાયદો અમલમાં આવશે ત્યારે ક્યાંય કોઈને તકલીફ નહીં પડે અને સહજ રીતે કાયદો લાગુ થઈ જશે અને અનેક નવજુવાનિયાઓની જીંદગી બચી જશે. ગરીબ પરિવારોનું ભલું પણ વ્યસનથી મુક્તિમાં જ છે, ગરીબ પરિવારોનું ભલું પણ શિક્ષણથી છે, ગરીબ પરિવારનું કલ્યાણ પણ એને રોજીરોટી કમાવા માટેનો અવસર મળે એમાં છે, ગરીબ પરિવારોનું ભલું પણ એને રહેવા માટે ઘર મળે એમાં છે. એને ઓટલો પણ મળે, એને રોટલો પણ મળે, એના જવાનિયાને અવસર પણ મળે, એમની બહેન-દીકરીઓને ઇજ્જત પણ મળે એવા ભાવથી આ સરકાર કામ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં મારી બહેનો પણ આવી છે. મને વિશ્વાસ છે કે આ બહેનોનો મને જે સાથ સહકાર છે ને એના કારણે ગુટકા પણ જશે, ગરીબી પણ જશે. આ કામને આપણે સાથ સહકાર આપીએ, ફરી એકવાર આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગરીબી સામેની લડાઈમાં આવાસ યોજનાનું જે અમે અભિયાન ઊપાડ્યું છે, ખૂબ સરસ મકાન બનાવીએ, ખૂબ સુખેથી રહીએ અને આવનારી પેઢી માટે અવસર પેદા કરીએ એ જ આપ સૌની પાસે અપેક્ષા છે.
જય જય ગરવી ગુજરાત...!! જય જય ગરવી ગુજરાત...!!