સમગ્ર સમાજે સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું
ગુજરાતમાં સ્પેશયલ કોટન ટેક્ષટાઇલ SEZ બનશે
ફાઇવ "એફ' ફોર્મુલા આધારિત વેલ્યુ એડીશનની ચેઇન ઊભી કરાશે - મુખ્યમંત્રીશ્રી
જે સમાજ પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે ભાવાત્મક નાતો રાખે છે તે ઊર્જાવાન બને છે
મૂળ ગુજરાતીઓએ અન્યત્ર વસીને પણ ગુજરાતના સામર્થ્યનું સ્વાભિમાન જાળવ્યું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તામિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રી સમાજ અંગે સંશોધન હાથ ધરાશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મદુરાઇમાં તામિલનાડુના સૌરાષ્ટ્રી તામિલ સમાજ સમૂહ સંગમના સમારોહમાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં ફાઇવ "એફ' ફોર્મ્યુલા આધારિત ટેક્ષટાઇલ એસ.ઇ.ઝેડ પાર્ક સ્થાપવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે અને મૂલ્યવૃદ્ધિ ચેઇન દ્વારા ફાઇવ "એફ' ફોર્મ્યુલા અપનાવીને ફાર્મ-ટુ-ફાઇબર, ફાઇબર-ટુ-ફેબિ્રક, ફેબિ્રક-ટુ-ફેશન અને ફેશન-ટુ-ફોરેન એમ ફાઇવ "એફ' ફોર્મ્યુલાના આધારે ગુજરાત મૂલ્યવર્ધિત ખેતીમાં પણ એક નવું જ મોડેલ પુરૂં પાડશે.મૂળ સૌરાષ્ટ્રના પરંતુ સદીઓ પૂર્વે તાલિમનાડુમાં આવીને વસેલા સૌરાષ્ટ્રી સમૂહે આજે મુખ્યમંત્રીશ્રીના અભિવાદનનું મદૂરાઇમાં ભવ્ય આયોજન કર્યું હતું જેમાં સૌરાષ્ટ્રી તામિલ સમાજનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
સૌરાષ્ટ્રી તામિલ સમાજે, તામિલનાડુના સિલ્ક ટેક્ષટાઇલ ઊઘોગમાં પોતાની હસ્તકલા કૌશલ્ય દ્વારા સિલ્ક ટેક્ષટાઇલમાં એક નવી પ્રતિષ્ઠા ઊભી કરી છે તેની સાથોસાથ સૌરાષ્ટ્ર મૂળના સંસ્કાર અને અસ્મિતા જાળવી રાખ્યા છે જેને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
તામિલનાડુમાં આશરે ૧પ લાખ જેટલી સૌરાષ્ટ્રી સમાજની વસ્તીમાંથી સાડાચાર પાંચ લાખ મદુરાઇના સિલ્ક ઊઘોગમાં અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રી સમાજના શૈક્ષણિક ઉત્કર્ષમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા શ્રી કે. એમ. એન. ક્રિષ્ણનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને ઇન્ડો વિન્ડ એનર્જી ઊર્જા પ્રોજેકટનું ઉદ્દધાટન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં એક સમય એવો હતો કે ૧૬૦૦ કિ.મી.ના સાગરકાંઠેથી રોજીરોટી માટે દુનિયામાં સ્થળાંતર થતું હતું, જ્યારે આજે પ્રવાહ બદલાયો છે અને સૌરાષ્ટ્ર સહિતનો ગુજરાતનો દરિયાકાંઠો ભારતના વિશ્વ વેપાર માટેની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ધમધમતો થઇ ગયો છે.
ગુજરાતે વિકાસનું જે મોડેલ ઊભું કર્યું છે અને ગુજરાત જે આજે કરી શકે છે તેને આવતીકાલે ભારત અનુસરવાનું છે. વિકાસના નવા બેન્ચમાર્ક ગુજરાતે પ્રસ્થાપિત કર્યા છે. જ્યોતિગ્રામ અને બ્રોડબેન્ડ કનેકિટીવીટી દ્વારા ગુજરાતે સમગ્ર ગ્રામીણ ગુજરાત માટે કોમ્યુનિકેશન અને ઇન્ફરમેશન ટેકનોલોજીનો હાઇવે ઊભો કર્યો છે અને હવે ગુજરાત રૂર્બન(ય્શ્ય્ગ્ખ્ફ) મોડેલ તરફ આગળ વધી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રી તામિલ સમાજના મૂળ વંશજો સાથેનો ભાવનાત્મક નાતો જાળવી રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલી પહેલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે જે સમાજ પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે છે તે ઊર્જાવાન બને છે.
આ સંદર્ભમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુથ ફેસ્ટીવલમાં તામિલ સૌરાષ્ટ્રી સમાજના યુવાનોના સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો કાર્યક્રમ યોજવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ગુજરાત તામિલ સૌરાષ્ટ્રી સ્પીકીંગ કોર્સનું ઇન્ટરનેટ દ્વારા ભાષા શિક્ષણ શરૂ થાય તો સાંસ્કૃતિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
તેમણે તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્ર સમાજને પણ પ્રેરક સૂચન કર્યું હતું કે દર વર્ષે તેમણે સૌરાષ્ટ્ર દર્શનનો કાર્યક્રમ યોજવો જોઇએ અને ઇ-મેઇલ ફ્રેન્ડશીપ મૂવમેન્ટ શરૂ કરવી જોઇએ.
મુખ્યમંત્રીશ્રી સૌરાષ્ટ્રી તામિલના પૂર્વજોને વંદન કરતા જણાવ્યું કે તેમણે સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને પણ ગુજરાતની અસ્મિતા અને સામર્થ્યનું સ્વાભિમાન જાળવી રાખ્યું છે. સૌરાષ્ટ્રી તામિલ દ્વારા મદુરાઇ અને તામિલનાડુમાં સિલ્ક સાડીના ઊઘોગ ઉપરાંત શૈક્ષણિક અને આર્થિક વિકાસમાં પણ સૌરાષ્ટ્રી સમાજે જે યોગદાન આપ્યું છે તેની તેમણે પ્રસંશા કરતાં જણાવ્યું કે મૂળ ગુજરાતના અને ભારતના વંશજો આજે પણ દુનિયામાં અલગ અલગ દેશોમાં સાંસ્કૃતિક અસ્મિતા અને સામર્થ્યના દર્શન કરાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી કમલેશ જોષીપુરાએ મૂળ કાઠીયાવાડમાંથી સ્થળાંતર કરીને તામિલનાડુમાં સ્થાયી થયેલા આ સૌરાષ્ટ્રી સમાજ વિશે સંશોધન હાથ ધરવાનું જણાવ્યું હતું.
પ્રો-વાઇસ ચાન્લેસરશ્રી કલ્પક ત્રિવેદીએ પણ તામિલ સૌરાષ્ટ્રી માતૃભાષામાં પ્રવચન કર્યું હતું.
સૌરાષ્ટ્રી સમાજના ટ્રસ્ટીઓ સર્વશ્રી લક્ષ્મણન, દામોદરન અને બાલુએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય બની રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીનું અત્યંત ભાવભર્યું અભિવાદન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના સન્માનમાં સમગ્ર સમાજે સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.