ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
મંચ ઉપર બિરાજમાન ગુજરાતના લોકપ્રિય, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ,
ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો,
અને આ ચુંટણીમાં તમે જેમને ધારાસભ્ય બનાવવાનું નક્કી જ કરી દીધું છે, એવા સૌ ઉમેદવારો,
અને વિશાળ સંખ્યામાં પધારેલા પાટણના મારા વહાલા ભાઈઓ અને બહેનો,
(ઑડિયન્સમાંથી મોદી... મોદી... મોદી...)
આજે મારે એક બાબતે તો પાટણનો આભાર માનવો જ પડે. મેં જોયું છે કે હું જેટલી વાર આવ્યો છું, દરેક વખતે તમે પહેલાના રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે પણ વિશાળ સંખ્યામાં આપ આશીર્વાદ આપવા માટે આવ્યા છો. હું હૃદયથી આપનો આભાર માનું છું.
ભાઈઓ, બહેનો,
મારા માટે ચુંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. તમારા માટે તો હજુ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. પણ મારો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે અમદાવાદની સભા કરીને પછી હું ફરી પાછો તમે જ્યાં મોકલ્યો છે એ કામે લાગી જઈશ. પણ આ ચુંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે, કચ્છ, કાઠીયાવાડ અને દક્ષિણ ગુજરાત. એમાં કોંગ્રેસે જ નક્કી કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે. આનું કારણ શું? કોંગ્રેસે આવું કેમ કહ્યું? કોંગ્રેસે કહી દીધું છે. કોંગ્રેસ જ્યારે ઈવીએમને કોસવાનું ચાલુ કરે, એ એમ કહે કે ઈવીએમમાં ગરબડ છે, ઈવીએમમાં રહી જાય ત્યારે આમ કરજો, એટલે તમારે સમજી જવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. અને કોંગ્રેસે મતદાન પતે એ પહેલા ચાલુ કરી દીધું કે ઈવીએમ, ઈવીએમ... ઈવીએમ, ઈવીએમ. કોંગ્રેસની વિશેષતા એ છે કે ચુંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની, અને ચુંટણીનું મતદાન આવે, ત્યારે ઈવીએમને ગાળો દેવાની. આ સીધેસીધું સબુત છે કે આ ચુંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે.
મારી વાતમાં તમે સહમત છો? (ઑડિયન્સમાંથી હા...)
સહમત છો? (ઑડિયન્સમાંથી હા...)
આ કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ઉપર માછલાં ધુએ છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
ઈવીએમને જ ગાળો બોલે છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
પહેલા લોકોને ખુશ કરવા મોદીને ગાળો બોલવાની, અને પછી ઈવીએમને ગાળો દેવાની. કોંગ્રેસને ચુંટણીમાં આ બે જ રસ્તા સુઝે છે.
ભાઈઓ, બહેનો,
આજે જ્યારે પાટણ આવ્યો છું, ત્યારે પાટણની ધરતીનો મારો જુનો નાતો. એક તરફ પ્રાચીન વૈભવ, પાટણ એટલે અતિ ભવ્યતાની તવારીખ. અને પાટણ એટલે ભવિષ્યની તસવીર. આ બધું એક જ સાથે દેખાય. અને આજે જ્યારે પાટણ છું, ત્યારે મારો એ સોનીવાડો, કાગડાની ખડકીમાં રહેતો હતો હું. અને બાજુમાં જ સંતોષી માતાનું મંદિર. અને સાંજ પડે એટલે ચતુર્ભુજ બાગ. આ લખોટીવાળી સોડા મળે છે કે નથી મળતી હજુ... મળે છે? હા... અને પાછું, ઘોડાગાડી... અને આપણી ગોળશેરીમાં, નાગર લીમડી, હેં... દૂધ લેવા જવાનું અને પછી ચકચકાટ બરણી લઈને આવે બધા. ચમચમાટ હોય બરણી તો કાં...!
અને પાટણ એટલે મેળાઓની ધરતી. એક મેળો પુરો નથી થયો અને બીજો મેળો ચાલુ નથી થયો. શાંતિ, સદભાવના... એવું વાતાવરણ પાટણનું... એવું ખુશનૂમા વાતાવરણ. પાટણમાં એક વખત થોડો રહી ગયો હોય ને, માણસ, એ જિંદગી સુધી પાટણને ના ભુલી શકે. અને આ પાટણ અમે આવીએ એટલે જુની બધી યાદો આવે, સ્વાભાવિક છે.
ભાઈઓ, બહેનો,
આ ગુજરાતની જનતાને ભાજપ પર ભરોસો છે. અને વિદેશની જનતાને પણ ભાજપ પર ભરોસો છે. આજે ભારતીય જનતા પાર્ટી એક ભરોસાની પ્રતીક બની ચુકી છે. ભરોસાનું બીજું નામ ભાજપ, ભાજપનું બીજું નામ ભરોસો.
ભાઈઓ, બહેનો,
આ ભરોસો એમનેમ નથી આવ્યો, અમે તપસ્યા કરી છે, તપસ્યા કરી છે. અમે પગ વાળીને બેઠા નથી. અમે સત્તાસુખ ભોગવ્યું નથી. અમે અમારા માટે જીવ્યા નથી. અમે જે કાંઈ કર્યું છે, એ માત્રને માત્ર આ ગુજરાતના નાગરિકો માટે કર્યું છે, દેશના માટે કર્યું છે. અને એના કારણે વિશ્વાસનો સેતુ બંધાણો ને, એ જ ભાજપ માટે ભરોસાની તાકાત છે.
ભાઈઓ, બહેનો,
સામાન્ય માનવીની આકાંક્ષાઓ હોય, સામાન્ય માનવીની અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓને સમજવી, એની આકાંક્ષાઓને સમજવાની. આવનારા દિવસોમાં કેવો સમય આવવાનો છે, એનો અંદાજ કરવાનો. અને એને ધ્યાને રાખીને આવનારા કોઈ પણ પડકારોને પહોંચી વળવા માટે કમર કસીને એનું સમાધાન કરવાના રસ્તા શોધવા, એનું નામ ભાજપ. હમણા ભુપેન્દ્રભાઈ કહેતા હતા કે ભાજપ, જે કહે, એ કરે. ભાજપ જે કહે એ કરીને બતાવે. અને એના કારણે વિશ્વાસનું વાતાવરણ પેદા કરી રહ્યા છીએ.
આ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે ગરીબોને બેન્કના ખાતા ખોલીશું. આ કોંગ્રેસને તમે ઓળખો, ભાઈઓ. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, ગરીબોના નામે. પણ આ દેશના અડધા લોકો, અડધી પ્રજા, બેન્કનો દરવાજો જ નહોતો જોયો. આવડું મોટું જુઠાણું એમનું, ત્રણ – ત્રણ, ચાર – ચાર દાયકા ચાલ્યું. તમે મને દિલ્હી મોકલ્યો, એટલે બધું પોલ મેં બહાર પાડી દીધું. અને આ દેશના કરોડો લોકોના બેન્કના ખાતા ખોલાયા. દુનિયાની, કેટલાય દેશોની જનસંખ્યા હોય ને, એના કરતા વધારે લોકોના, 44 કરોડ લોકો, એના બેન્કના ખાતા ખોલાયા.
ભાઈઓ, બહેનો,
ગરીબી હટાવવાની વાત કરનારા લોકોએ કમસે કમ, ગરીબને ઘર આપવું જોઈતું હતું કે નહોતું આપવું જોઈતું. તમારે ગરીબી હટાવવી હોય તો ક્યાંકથી શરૂઆત કરવી પડે કે ના કરવી પડે? (ઑડિયન્સમાંથી હા...)
કંઈક તમે બોલો તો ખબર પડે. થાકી નથી ગયા ને? (ઑડિયન્સમાંથી ના...)
હા, પરમ દહાડે, હજુ પાંચમી તારીખ સુધી મહેનત કરવાની છે, ભાઈ.
થાકી નહિ ગયા ને? (ઑડિયન્સમાંથી ના...)
હું નથી થાક્યો. હા, કાલે રોડ શો કરીને આવ્યો છું. આપણે નક્કી કર્યું કે આ દેશના પ્રત્યેક ગરીબને પાકી છત મળે. આપને જાણીને ખુશી થશે, ભાઈઓ, તમે આશીર્વાદ આપશો મને. કે આ તમારો ગુજરાતનો દીકરો દિલ્હીમાં બેઠો, 3 કરોડ ગરીબોને પાકા ઘર બનાવીને આપી દીધા, ભાઈ.
આપણા મહોલ્લામાં કોઈ ગરીબને ખવડાવે ને, તોય આખો મહોલ્લો એનો જયજયકાર કરે કે ના કરે? (ઑડિયન્સમાંથી હા...)
એ કહે કે ના કહે, આ સારું પરિવાર છે, આ બહુ સારા માણસ, દયાળુ માણસ છે. કોઈ ગરીબ આવે તો ભુખ્યું ના જાય. કહે કે ના કહે? (ઑડિયન્સમાંથી હા...)
આ તમારા દીકરાએ 3 કરોડ ગરીબોના ઘર બનાવી દીધા, ભાઈઓ. આપ વિચાર કરો, ભાઈઓ, આ દેશમાં બહેનોની તકલીફ શું છે? એ આ કોંગ્રેસવાળાને સમજણ જ નહોતી. અમારી બહેનોને શૌચાલયના અભાવે, જાજરૂના અભાવે સૂરજ ઊગે એ પહેલાં સવારમાં જવું પડે, અને રાત્રે અંધારું ન થાય ત્યાં સુધી બિચારી જાય નહિ. પીડા સહન કરે. આ મા-બહેનોની તકલીફ કોણ સમજે, ભાઈ? આ દીકરો દિલ્હીમાં ગયો ને એણે સમજ્યો. અને દેશભરમાં, દેશભરમાં માતાઓ-બહેનોને ધ્યાનમાં રાખીને શૌચાલયો બનાવવાનું અભિયાન ચલાવ્યું. 11 કરોડ કરતા વધારે શૌચાલય બનાવ્યા.
હવે તમે મને કહો, દેશ આઝાદ થયાના બીજા વર્ષે આ કામ કરવા જેવું હતું કે નહિ, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ દેશ આઝાદ થયો ને તમે શૌચાલયો બનાવી દીધા હોત, તો આ કામ મારે કરવું પડ્યું હોત? (ઑડિયન્સમાંથી ના...)
તો, મને બીજા કામ કરવાનો ટાઈમ મળ્યો હોત ને? આ કામ બી મારે કરવા પડ્યા. કોંગ્રેસે શૌચાલય ના બનાવ્યું, બોલો. આ કોંગ્રેસના જમાનામાં ગેસનો બાટલો લેવો હોય ને, તો એમએલએ, એમપીના ઘરે લાઈનમાં ઉભા રહેવું પડે. એમએલએ લખીને આપે, એમપી લખીને આપે તો તમને ગેસનો બાટલો મળે. અને ગરીબ તો બિચારો ગેસના બાટલાનો વિચાર જ ના કરી શકે. એ તો એમ જ માને કે આ તો બધા સુખી લોકો માટેનું છે.
આપણે બધી ચીજો ખતમ કરી દીધી. ગરીબને પણ મફતમાં ગેસનું કનેક્શન આપ્યું. 9 કરોડ કરતા વધારે મારી માતાઓ, બહેનોને ધુમાડાવાળા ચુલામાંથી બહાર કાઢીને એને બચાવવા માટેનું મોટું કામ આપણે કર્યું. એક બહેન રસોડામાં જ્યારે રાંધતી હોય ને લાકડાંનો ચુલો હોય ને, છાણાંનો ચુલો હોય, 400 સિગારેટ જેટલો ધુમાડો એના શરીરમાં જતો હોય, 400 સિગારેટ, રોજનો... તમે વિચાર કરો, એ માતાઓ, બહેનોનું થાય શું? આ દીકરાને માની તકલીફ હતી, એની ખબર હતી. અને એટલા માટે, મેં આ માતાઓ, બહેનોને ગેસના કનેક્શન આપ્યા ને ઘેર ઘેર ગેસ પહોંચાડ્યા.
આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે જે વાયદો કરે એ વાયદો દિવસ-રાત મહેનત કરીને પુરો કરનારી પાર્ટી છે, ભાઈઓ. ગરીબ માટે સરકાર ખજાનો ખોલી નાખે, મધ્યમ વર્ગ માટે ખજાનો ખોલી નાખે, ભાઈ. આ એમના માટે દેશ છે. કોંગ્રેસના માટે તો એક જ રાજકારણ હતું. અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ મોટી કરો. અમીરને કાયમ નિર્ભર રહેવા દો. અને જે પૈસા કોંગ્રેસ સરકાર દિલ્હીથી મોકલે, એની જેટલી લૂંટ થાય, એટલી કરો. લૂંટી જ લેવાના.
કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે, તો 15 પૈસા પહોંચે. કેટલા? ભઈ, આ દિલ્હીથી રૂપિયો નીકળે, ત્યારે તો એમની જ સરકાર હતી. પંચાયતમાંય કોંગ્રેસ, એસેમ્બ્લીમાં કોંગ્રેસ, પાર્લામેન્ટમાં કોંગ્રેસ, સરકારમાં કોંગ્રેસ. અમે ભાજપવાળા તો ક્યાંય હતા જ નહિ. એ વખતે કોંગ્રેસના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે, તો ગરીબના ગામ જતા જતા 15 પૈસા થઈ જાય. ભઈ, આ કયો પંજો રૂપિયો ઘસી નાખતો હતો? ના ના, કયો પંજો રૂપિયો ઘસી નાખતો હતો? 85 પૈસા જતા હતા ક્યાં? આ મેં બધા બૂચ મારી દીધા. આ કોંગ્રેસના બધા કારોબાર હતા ને, બંધ કર્યા. એના તોર-તરીકા બંધ કરી દીધા. ગરીબની ચિંતા અમે કરી. અને પુરી ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ, ભાઈઓ, બહેનો.
કોરોનાકાળમાં આવડી મોટી ભયંકર બીમારી આવી ભઈ, 100 વર્ષમાં કોઈએ આવી બીમારી નથી જોઈ. ભલભલાના હાંજા ગગડી ગયા હતા. ઘરમાં એક જણને કોરોના થયો હોય ને, તો આખું ઘર, ઘરની બહાર જતું રહેતું હતું. એવી દશા હતી. હતી કે નહિ, ભાઈ? અરે, ઘરમાં એક માણસને ગંભીર માંદગી આવે તો 5 વર્ષ સુધી ઘર સરખું ના થાય. આખા દેશ ઉપર આવડી મોટી માંદગી આવી હતી. કેટલી મુસીબતે આ દેશને સંભાળ્યો હશે, એનો તમે અંદાજ કરો, અને આવા કપરા કાળમાં પણ તમારો દીકરો જ્યારે દિલ્હીમાં બેઠો હતો ને, એક ગરીબનું છોકરું ભુખ્યું ના સુવે એના માટે આ તમારો દીકરો જાગતો હતો. 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું, ભાઈઓ, અનાજ મફત પહોંચાડ્યું. 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો.
અને, બધાને વેક્સિન. બધાની જિંદગી બચાવવા માટેની ચિંતા કરી. 40,000 કરોડ રૂપિયા ખર્ચ્યા, વેક્સિનના.
તમને બધાને વેક્સિન મળી કે ના મળી? (ઑડિયન્સમાંથી હા...)
વેક્સિન મળી કે ના મળી? (ઑડિયન્સમાંથી હા...)
એક કાણી પાઈ ખર્ચો કરવો પડ્યો? (ઑડિયન્સમાંથી ના...)
તમારી જિંદગી બચાવી કે ના બચાવી? (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, બહેનો,
દુનિયામાં ગરીબની ચિંતા કરવી, સામાન્ય નાગરિકની ચિંતા કરવી, આ દિલ્હીમાં એવી સરકાર બેઠી છે, જે સામાન્ય માનવી માટે કામ કરે છે. તમે જુઓ, પહેલા કોરોનાના કારણે બધી સપ્લાય ચેઈન ખરાબ થઈ ગઈ. પછી લડાઈ, ઓછામાં પુરું હતું એ આવી ગઈ. એના કારણે બધી દુનિયામાં તોફાન મચી ગયું. અને ચારે તરફ મોંઘવારી એટલી બધી વધી છે. આખી દુનિયા મોંઘવારીની ચપેટમાં આવી ગઈ છે. ફર્ટિલાઈઝરની કિંમત, યુરીયા. એ એટલું બધું મોંઘું થઈ ગયું, ભાઈઓ, આપણે વિદેશથી યુરીયા લાવીએ છીએ, ખાતર વિદેશોથી લાવીએ છીએ. 2,000 રૂપિયાની યુરીયાની થેલી આપણે વિદેશથી લાવીએ.
કેટલાની? (ઑડિયન્સમાંથી બે હજાર...)
બધા બોલો, કેટલાની? (ઑડિયન્સમાંથી બે હજાર...)
વિદેશથી યુરીયાની થેલી કેટલામાં આવે છે? (ઑડિયન્સમાંથી બે હજાર...)
આ ગોખાવાનું છે, મારે તમને, જરા, બોલો? (ઑડિયન્સમાંથી બે હજાર...)
વિદેશથી યુરીયાની થેલી કેટલામાં આવે છે? (ઑડિયન્સમાંથી બે હજાર...)
વિદેશથી યુરીયાની થેલી કેટલામાં આવે છે? (ઑડિયન્સમાંથી બે હજાર...)
વિદેશથી યુરીયાની થેલી કેટલામાં આવે છે? (ઑડિયન્સમાંથી બે હજાર...)
અને આપણે કેટલામાં આપીએ છીએ? આપણે ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ.
270... કેટલામાં? (ઑડિયન્સમાંથી 270...)
લાવીએ છીએ કેટલામાં? (ઑડિયન્સમાંથી બે હજાર...)
આપીએ છીએ કેટલામાં? (ઑડિયન્સમાંથી 270...)
આ તમારો દીકરો ત્યાં બેઠો છે ને, એટલે બધું માથે ઉપાડે છે. કારણ કે મારા ખેડૂતને તકલીફ ના પડે. અને એમાં 2 લાખ કરોડ રૂપિયા વાપર્યા છે, ભાઈઓ. 2 લાખ કરોડ રૂપિયા...
પીએમ કિસાન સન્માન નિધિ. આ મારો, આપણો તો ઉત્તર ગુજરાત, ખબર છે, આપણો પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો... જમીનો કેટલી? એક વીઘુ, બે વીઘુ, અઢી વીઘુ, ત્રણ વીઘુ, એકર, બે એકર. સીમાન્ત ખેડૂતો આપણે ત્યાં તો. મોટા મોટા ખેડૂતોને સાંભળવાવાળા તો સરકારો કોંગ્રેસે ચલાવી. આ ગરીબ ખેડૂતનું કોણ સાંભળે? આ તમારો દીકરો દિલ્હી ગયો એટલે એણે નક્કી કર્યું. પીએમ કિસાન સન્માન નિધિ બનાવી. અને વર્ષમાં 3 વખત, દરેક ખેડૂતના ખાતામાં સીધા પૈસા મોકલું છું. વચ્ચે કોઈ કટકી-કંપની નહિ, કોઈ વચેટીયો નહિ. અને તમને પાછો મોબાઈલમાં મેસેજ આવી જાય કે પૈસા પહોંચી ગયા. અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. અને આપણા આ અહીંયા જ લગભગ આપણા જિલ્લામાં 470 કરોડ રૂપિયા પહોંચાડ્યા છે. અહીં જે ખેડૂતો બેઠા છે, એમના ખિસ્સામાં આવ્યા હશે. 470 કરોડ રૂપિયા, બોલો. કેમ? કારણ કે આપણને સામાન્ય માનવીની શક્તિની ચિંતા હતી. અને બીજી (ચિંતા) વચ્ચે કોઈ વચેટીયો ઘુસવો ના જોઈએ. કોઈ કટકી-કંપની નહિ. કાકા-મામાવાળો કોઈ નહિ. હું સીધેસીધા પૈસા ખેડૂતને મોકલું, એને મળી જાય. આ કામ આપણે કર્યું.
ભાઈઓ, બહેનો,
હું તો જોઉં છું, માતાઓ, બહેનોના મને આશીર્વાદ મળે છે ને, અદભુત આશીર્વાદ છે, અદભુત આશીર્વાદ છે. આખા દેશમાંથી ભાઈઓ, જે પ્રકારે દેશભરમાંથી આપણને મદદ મળી રહી છે, માતાઓ, બહેનોના જે આશીર્વાદ મળી રહ્યા છે, એના કારણે, અહીંયા અમારા ડૉ. રાજુલબેન બેઠા છે, કદાચ પાટણમાં પહેલીવાર આટલું બધું ભણેલા કોઈ ઉમેદવાર આવ્યા હશે. મારે ત્યાં ભારત સરકારમાં રાજુલબેન નેશનલ વિમેન કમિશનમાં કામ કરતા હતા. અને આખા દેશમાં પ્રવાસ કરતા હતા, અને પ્રવાસ કરીને રિપોર્ટ કરવા આવે, ત્યારે મને કહે કે, સાહેબ, આખા દેશમાં માતાઓ, બહેનો તમને આશીર્વાદ આપે છે, આખા દેશમાં.
ભાઈઓ, બહેનો,
આ માતૃશક્તિ, અને પાટણમાં તો માતૃશક્તિ માટે કંઈ કહેવાની જરુર નહિ, ભાઈઓ. આ મારું સિદ્ધપુર, માના શ્રાદ્ધ માટેની જગ્યા. પિતૃશ્રાદ્ધ જેમ ગયામાં જાય, માતૃશ્રદ્ધ, મોક્ષકર્મ કરવા માટે અર્પણની ભૂમિ, મારું આ સિદ્ધપુર. આ પાવન ધરા. અને આવનારા 25 વર્ષમાં ભાઈઓ, બહેનો, ગુજરાતને, વિકસિત ગુજરાત બનાવવું છે, એમાં ગુજરાતની નારીશક્તિની ભુમિકા ખુબ મોટી રહેવાની છે. આ નારીશક્તિના સામર્થ્યને ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૌભાગ્ય છે કે એણે માતાઓ, બહેનો, બેટીઓ, એના જીવનને આસાન બનાવવા માટે અનેકવિધ કદમ ઉઠાવ્યા. અને દીકરીઓને અવસર મળે એના માટે જેટલું થઈ શકે એટલું કર્યું. ભાજપ સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, ત્યાંથી લઈને આજે સેનામાં, આજે સેનામાં મારા ગુજરાતની દીકરીઓ છે, અને આખા દેશમાં મોટા પાયા પર દીકરીઓ આજે દેશની રક્ષા કરવા માટે ખભે બંદુક લઈને ઉભી થઈ છે, ભૈયા, આ કામ આપણે કર્યું છે. આજે જીવનના પ્રત્યેક પડાવ પર જીવનચક્રના દરેક પડાવ પર, માતાઓ, બહેનોની મુસીબત દૂર કરવાનું કામ આ સરકાર કરી રહી છે. શૌચાલય હોય, ઘર હોય, ગેસ કનેક્શન હોય, ઈલાજની સુવિધા હોય, સ્વરોજગારની માટે મુદ્રા યોજના હોય, ભાજપ સરકાર પુરા સમર્પિત ભાવથી આજે એમનું કામ કરતી હોય છે.
ભાઈઓ, બહેનો,
આયુષ્માન યોજના. એણે તો માતાઓ, બહેનોને એક મોટી તાકાત આપી છે. આમ તો આખા કુટુંબને આપી છે. ઘરમાં આજે કોઈ બીમારી મોટી થઈ જાય ને તો પાંચ વર્ષ સુધી ઘર ઉભું ના થાય, ભાઈ. દેવાંનાં ડુંગર થઈ જાય. અને એમાંય આપણે તો જોયું છે, મને તો ગુજરાતનો અનુભવ છે. આપણી માતાઓ, બહેનો, બીમાર પડી હોય, તો મા ઘરમાં કોઈને કહે જ નહિ, બીમારી છે. ગમે તેટલી શરીરમાં તકલીફ થતી હોય, દુઃખ થતું હોય, કામ ના થઈ શકે, તોય બીચારી ઘરમાં રસોઈ બનાવે, ઘરમાં બધું કામ કરે, બોલે જ નહિ.
આપણી માતાઓના આ સંસ્કાર, આ સ્વભાવ. કેમ? એને એમ થાય કે જો હું, ખબર પડશે, છોકરાઓને, કે મને આવી ગંભીર માંદગી થઈ છે, તો એ દવાખાને લઈ જશે. ડોક્ટરનું બિલ એટલું મોટું આવશે કે છોકરાઓ દેવાંનાં ડુંગરમાં ડૂબી જશે. અને મારે મારા છોકરાઓને દેવાંનાં ડુંગર નીચે ડૂબાડીને જવું નથી. ભલે હું બે વર્ષ વહેલી મરું તો મરું, દુઃખ સહન કરવું પડે તો કરું, પણ હું છોકરાને દેવાદાર નહિ બનાવું. અને આપણે ત્યાં માતાઓ, બહેનો પીડા સહન કરે. ગંભીર માંદગી હોય, પીડા સહન કરે. મારી માતાઓને આવી પીડા થતી હોય, તો તમારો દીકરો દિલ્હીમાં બેઠો છે, એનું શું કામ, ભાઈ? આ દીકરો શું કામનો? મારી માતાઓ, બહેનોને તકલીફ થતી હોય તો દીકરાનું દિલ્હીમાં કામ શું?
અને આ માતાઓ, બહેનોને ધ્યાનમાં રાખીને અમે આયુષ્માન યોજના બનાવી. દરેક કુટુંબને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો, દિલ્હીથી તમારો આ દીકરો નિભાવશે, ભાઈઓ. અને આજે તમારી ઉંમર 30 વર્ષની હોય ને, અને 80 વર્ષ જો જીવવાના હોય તો 5 કરોડ રૂપિયા તમારા ખાતામાં, તમારા નામે આ સરકાર તૈયાર રાખશે. ગમે ત્યારે માંદગી થાય, તમારી ચિંતા કરશે, ભાઈઓ. આ કામ આપણે કર્યું છે.
ભાઈઓ, બહેનો,
ઉત્તર ગુજરાત એટલે પાણીનું સંકટ, કાયમ માટે. પાણીની, મને તો યાદ છે, અમારા ચાણસ્માની અંદર એક ચેક ડેમ બનાવ્યો હતો, અને, દિલીપજીએ... તો મને ખાસ, દિલીપજી ફોટા લઈને આવ્યા. મને કહે, સાહેબ, આ ચેક ડેમ બનાવ્યો છે, તો ત્રણ કિલોમીટર પાણી ભરાણું છે, ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર... અને એના ફોટા, પણ એને આખો આનંદ, આનંદ હતો. મને ખબર છે, પાણીની તાકાત શું હોય છે, ભાઈઓ. વિકસિત ગુજરાતના લક્ષ્યની અંદર પાણીના સંકટમાંથી મુક્તિ. પાણીના સંકટની બાધા દૂર કરવી. આના માટે આપણે કામ કર્યું.
અને ભાઈઓ, બહેનો,
આ સંકટની દીવાલને પણ આપણે હટાવી દીધી. ગયા 20 વર્ષમાં અકાળ, સુખા, દુષ્કાળ, સુજલામ સુફલામ (યોજના) દ્વારા લીલીછમ ધરતી બનાવવાનું કામ કર્યું છે, ભાઈઓ. અને અહીંયા સિંચાઈના દાયરાને પણ નિરંતર વધારી રહ્યા છીએ. પાણીના નવા નવા સોર્સ ઉભા કરી રહ્યા છીએ. અને એક પાક, બે પાક, ત્રણ પાક ખેડૂત અમારો લેતો રહે, એની અમે ચિંતા કરી છે.
ભાઈઓ, બહેનો,
આપણો પાટણ તો બાજરો પકવે. નાના નાના ખેડૂતો બાજરાની ખેતી કરે. આ બાજરાને કોઈ પુછે નહિ. અમીરોને એમ લાગે, આ બધું તો ગરીબોનું ખાવાનું. સાહેબ, આપણે આખી દુનિયા બદલી નાખી, બોલો. તમને થશે, કેવી રીતે બદલી? મેં યુનાઈટેડ નેશનને એક પત્ર લખ્યો. અને મેં લખ્યું કે આ અમારા ત્યાં જે નાના નાના ખેડૂતો બાજરો ને જુવાર અને રાગી અને આ બધું પકવે છે, એ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ ખોરાક છે. શરીરના વિકાસ માટે ઉત્તમ ખોરાક, બધા પ્રકારના ગુણવાળો ખોરાક હોય તો આ બાજરો, જુવાર ને એવું બધું છે. અને એટલા માટે આખી દુનિયાએ 2023નું વર્ષ મિલેટ-ઈયર... મિલેટ એટલે આ જાડા અનાજવાળું વર્ષ, આખી દુનિયા આવનારું વર્ષ, આ એક મહિના પછી જે વર્ષ શરૂ થશે ને... આખી દુનિયા આ મિલેટ-ઈયર ઉજવવાની છે. આ આપણો બાજરો, આપણી જુવાર, આપણું આ રાગી, આખી દુનિયામાં એનો ડંકો વાગવાનો છે, ભાઈ. આ નાના ખેડૂતોની ચિંતા કરવાનું કામ આપણે કરીએ છીએ.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસનું કામ કેવું? મને યાદ છે, હું નાનો હતો, ત્યારથી બે વાત સાંભળતો. તમને પણ યાદ હશે. હું અહીંયા પાટણમાં રહેતો, ત્યારે કાયમ સાંભળું. પાટણ – ભીલડી રેલવેલાઈન. યાદ આવે છે, ભાઈ? અને પેલી બાજુ મોડાસા – કપડવંજ રેલવેલાઈન. કાયમ માટે મોડાસા – કપડવંજ રેલવેલાઈનનું આંદોલન ચાલે, કાયમ પાટણ – ભીલડી રેલવેલાઈનનું આંદોલન ચાલે. સાહેબ, કોંગ્રેસવાળાને આંદોલનો ચાલે, પરવા જ નહોતી. આજે તો અમે પાટણને જોધપુર સાથે જોડી દીધું, ભાઈઓ, જોધપુર સાથે જોડી દીધું. વિકાસ કેવી રીતે કરાય? કનેક્ટિવિટીનું શું મહત્વ છે?
ભાઈઓ, બહેનો,
વિકાસના માટેની નવી ઊર્જા... હવે સૌરઊર્જા છે. સૂર્યશક્તિથી ઊર્જા. પાટણ આજે દેશમાં સૂર્યશક્તિની મોટી ક્રાન્તિ કરનારું કેન્દ્ર બની ગયું છે. આજે ભારતની અંદર સૌરઊર્જામાં દુનિયાની અંદર સૌથી અગ્રણી દેશ તરીકે ભારત, સૌરઊર્જા ઉત્પાદનની અંદર બની રહ્યો છે. અને ભારતનું નામ રોશન થઈ રહ્યું છે. આજે સૌરઊર્જા દ્વારા... આપણું ચારણકા, કેવડો મોટો સોલર પાર્ક બનાવી દીધો. અને એના કારણે આજુબાજુના લોકોની પણ આવકના કેટલા બધા સાધનો વધી ગયા. એ તમે જુઓ છો. અને વીજળી ઘરઆંગણે, અને અન્નદાતા, ઊર્જાદાતા બને ત્યાં સુધી હું કામ કરી રહ્યો છું, ભાઈઓ, બહેનો.
અને હવે તો પાટણ જિલ્લો ગ્રીન હાઈડ્રોજનનું મથક બની જશે, ગ્રીન હાઈડ્રોજનનું મથક. અને આવનારા દિવસોમાં ગાડીઓ, જે પેટ્રોલથી ચાલે છે ને, એ ગ્રીન હાઈડ્રોજનથી ચાલવાની છે, જો જો તમે. ભાઈઓ, બહેનો, મારા માટે ગર્વની વાત, અમે અહીંયા, 15મી ઓગસ્ટ, ગાંધીનગરની બહાર લઈ આવ્યો અને પહેલી 15મી ઓગસ્ટ પાટણ લઈ આવ્યો હતો. પાટણની અંદર પહેલી, અને એ વખતે વીર મેઘમાયાના બલિદાનને યાદ કર્યું હતું. અને એના પછી તો આખા દેશ અને દુનિયાને ખબર પડી કે વીર મેઘમાયાનું કેટલું મોટું બલિદાન હતું. પાણી માટે વીર મેઘમાયાએ કેટલું મોટું બલિદાન આપ્યું હતું અને સામાજિક સમરસતા માટેનો મોટામાં મોટું સંદેશ, આ મારી પાટણની ધરતીએ આપ્યો હતો. અને હવે તો આવનારા દિવસોમાં મેઘમાયાના નામની ટપાલટિકિટ પણ આપણે બહાર પાડવાના છીએ. એ પણ આખી દુનિયામાં પાટણનું નામ રોશન કરવાની છે.
ભાઈઓ, કહેવાનું મારું તાત્પર્ય એ છે કે વિકાસની અનેક સંભાવનાઓ છે, પરંતુ આ ચુંટણીમાં, આ જિલ્લો, આખેઆખો ભાજપનો જિલ્લો બનાવવો છે, આપણે.
બનાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બનાવશો? (ઑડિયન્સમાંથી હા...)
તમે મને કહો, મોંઘામાં મોંઘી સરસ ગાડી હોય, એ-વન, આમ ટોપ ગાડી, સરસમાં સરસ ડ્રાઈવર હોય, ભુપેન્દ્ર હોય કે નરેન્દ્ર હોય. સરસમાં સરસ ડ્રાઈવર હોય.
પણ એક ટાયર પંકચર થયેલું હોય, તો એ ગાડી ચાલે? (ઑડિયન્સમાંથી ના...)
ગાડી આગળ લઈ જાય? (ઑડિયન્સમાંથી ના...)
ડ્રાઈવર સારામાં સારો હોય તોય જાય ગાડી આગળ? (ઑડિયન્સમાંથી ના...)
ગમે તેટલી સરસ ગાડી હોય તોય જાય આગળ? (ઑડિયન્સમાંથી ના...)
એક પંકચર થયું હોય તો ગાડી અટકી જાય કે ના અટકી જાય? (ઑડિયન્સમાંથી હા...)
એમ, એક કમળ ના ખીલે, તો આપણે રૂકાવટ આવે કે ના આવે, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આપણે બધા કમળ ખીલવવાના છે. ખીલવશો? (ઑડિયન્સમાંથી હા...)
બધે-બધા કમળ પાટણ જિલ્લાના આ વખતે ગાંધીનગર પહોંચવા જોઈએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
ક્યાંય, જરાય કાચું ના કપાવું જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)
અને પાટણની સેવા તો હંમેશા આવી જ રીતે થઈ છે, ને મારે કરવી પણ છે, અને એટલા માટે પાટણ જિલ્લાના વિકાસની વાત કરું છું. મારું બચપણ મેં જે પાટણમાં વીતાવ્યું હોય ને, એ પાટણના ભાગ્યોદય માટે કામ કરવાની મારી પણ જવાબદારી છે, ભાઈઓ. આજે 100 રૂપિયાની નોટની પાછળ રાણકી વાવનો ફોટો છે, ભાઈ, હા... આ કામ અમે કરતા હોઈએ છીએ.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણીમાં મારી તમારી પાસે એક અપેક્ષા છે.
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં જશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથના રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, જોરથી બોલો. (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઉપર કરીને કહો તો... (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
મારું એક બીજું કામ છે. અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરવાના હોય તો કહું? (ઑડિયન્સમાંથી હા...)
અંગત કામ છે, હોં... (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને હા પાડો તો ખબર પડે મને. (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ઔર, જોર સે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તો કામ આટલું કરવાનું. હજી ચુંટણીના બે-ચાર દહાડા બાકી છે. તમે બધા મતદાતાઓને ઘેર ઘેર મળવા જશો. દરેક પોલિંગ બુથમાં જશો. મતદાનના દિવસે પણ બધા લાઈનમાં આવશે, મળશો, ત્યારે બધાને એક વાત કરજો.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચા કરીને બોલો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાટણ આવ્યા હતા. શું કહેશો? પાછા ઠંડા પડી ગયા. શું કહેશો? યે પ્રધાનમંત્રી આવ્યા હતા, એ નહિ કહેવાનું, ભઈ. પીએમ સાહેબ આવ્યા હતા, એ નથી કહેવાનું. એ બધું તો દિલ્હીમાં. પાટણમાં તો આપણા નરેન્દ્રભાઈ. એમને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ પાટણ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક વડીલોના આશીર્વાદ માગશો, મારા માટે? (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોના આશીર્વાદ એ મારી શક્તિ છે, મારું સામર્થ્ય છે. મારી ઊર્જા છે. મને આ પાટણ જિલ્લાના બધા જ વડીલોના આશીર્વાદ મળે, જેથી કરીને હું રાત-દિવસ આ ભારત માતાની સેવા કરું, 130 કરોડ દેશવાસીઓની સેવા કરું. એટલા માટે ઘરે ઘરે જઈને મારું એક અંગત કામ તમે જરુર કરજો કે આપણા નરેન્દ્રભાઈ પાટણ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
देश को विश्वास है कि चुनौतियां कितनी भी बड़ी हों, समाधान भाजपा ही निकालेगी: पाटण में पीएम मोदी
बीजेपी सरकार ने "बेटी बचाओ, बेटी पढ़ाओ" से लेकर सेना में बेटियों की भर्ती तक कई अभूतपूर्व फैसले लिए हैं: महिला सशक्तिकरण पर पीएम मोदी
Login or Register to add your comment
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी 23 दिसंबर को सुबह करीब 10:30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से नवनियुक्त भर्तियों के लिए 71,000 से अधिक नियुक्ति पत्रों का वितरण करेंगे। इस अवसर पर वे उपस्थित लोगों को संबोधित भी करेंगे।
रोजगार मेला रोजगार सृजन को सर्वोच्च प्राथमिकता देने की प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक कदम है। यह युवाओं को राष्ट्र निर्माण और आत्म-सशक्तिकरण में उनकी भागीदारी के लिए सार्थक अवसर प्रदान करेगा।
रोजगार मेला देश भर में 45 स्थलों पर आयोजित किया जाएगा। केंद्र सरकार के विभिन्न मंत्रालयों और विभागों के लिए भर्तियां हो रही हैं। देश भर से चयनित नए कर्मचारी गृह मंत्रालय, डाक विभाग, उच्च शिक्षा विभाग, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, वित्तीय सेवा विभाग सहित विभिन्न मंत्रालयों/विभागों में शामिल होंगे।