ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
કેમ છે, આપણું મોડાસા?
સુખમાં બધા? (ઑડિયન્સમાંથી હા...)
મને લાગે છે, આ વખતે મોડાસા ઘણા સમય પછી આવવાનું થયું.
ખેર, તમને બધાને મળીએ, એટલે આનંદ આવે, અને આજે ફરી એક વાર તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. ને આવી વિશાળ સંખ્યામાં આવીને આપે અમને બધાને આશીર્વાદ આપ્યા. અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવાનો તમે જે સંકલ્પ બતાવી રહ્યા છો, એ બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી આપણા ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છે. પરંતુ આ ચુંટણી 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. આ ચુંટણી ગુજરાતના આગામી 25 વર્ષનો નિર્ણય કરવા માટે છે. જ્યારે ભારત 100 વર્ષની આઝાદી થશે. 2047માં ત્યારે આપણું ગુજરાત દુનિયામાં જે સૌથી પ્રગતિશીલ રાજ્યો છે, દેશો છે, એની બરાબરીમાં ઉભું છે કે કેમ? એ નક્કી કરવા માટે આ ચુંટણી છે.
અને એટલે હું આ ચુંટણીમાં કોઈ પ્રચાર કરવા નથી આવ્યો. મને ખબર છે, તમે ચુંટણી જીતાડવાના જ છો. અને જ્યારે ચુંટણી જીતાડવાના હોય, તો પછી મારે પ્રચાર કરવાની શું જરુર? પરંતુ, છતાય હું આવ્યો છું. આવ્યો છું, એટલા માટે કે આશીર્વાદ લેવા છે. અને આ આશીર્વાદ દેશની સેવા કરવા માટેની મને તાકાત આપતા હોય છે, નવી ઊર્જા આપતા હોય છે. આ વખતે ઉત્તર ગુજરાત, નવા મિજાજમાં જ દેખાય છે. ચાહે અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ગાંધીનગર હોય, એક નવો જુવાળ દેખાઈ રહ્યો છે, અને હું જ્યાં ગયો છું ત્યાં એમ જ લાગે કે આ વખતે ઉત્તર ગુજરાત 100 એ 100 ટકા કમળ.
ગયા દિવસોમાં હજારો કરોડના લોકાર્પણ, શિલાન્યાસ એના અવસર મળ્યા. એના માટે મારું આવવાનું થયું. અને ત્યારે મેં જોયું હતું. ચારે તરફ એક જ હવા હતી કે હવે ઉત્તર ગુજરાતે મક્કમ થઈને ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે એક નવો ચીલો ચાતરવો છે અને 100 એ 100 ટકા કમળ ઉગાડીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવી છે. અને લોકો જ્યારે 100 ટકા કહે, ત્યારે હું પુછતો હતો કે ભઈ આ 100 ટકા એટલે શું? જરા કહો તો ખરા મને. ત્યારે લોકો એમ કહે કે દિલ્હીમાં, ગાંધીનગરમાં, એવું જ અમારે ત્યાં પણ.
એટલે પહેલા કેટલીક સીટો, નાનું મોટું કાચું કપાતું હતું. જ્યાં કાચું કપાણું છે, એમને ખબર પડી છે કે કાંઈ ફાયદો ના થયો, આ ભાઈને મોકલ્યા હતા, એનો. હવે તો ભાજપ સિવાય કોઈને મોકલવા જ નથી. હિસાબ તો માગી શકીએ. કારણ સરકાર ભાજપની જ બને. દિલ્હીમાં તો આપણા ઘરના જ માણસ બેઠા જ છે, તો પછી એવા માણસને મોકલો ને, જરા કામ લઈ આવે. આ સમજદારી ઉત્તર ગુજરાતના લોકોની છે. અને એટલે જ આ વખતે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને વિજયી બનાવવાનો નિર્ણય અમારા ઉત્તર ગુજરાતના મતદાતાઓએ કર્યો છે.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસ પાર્ટી હંમેશા ગુજરાતને પછાત રાખવામાં જ એને રસ રહ્યો છે. તમને ખબર હશે આ મોડાસા – કપડવંજ રેલવે, કેટલા વર્ષ આંદોલન ચાલ્યું. અહીંયા કેવા મોટા મોટા દિગ્ગજો અહીંયા ચુંટણી લડીને ગયા છે, પણ કંઈ શક્કરવાર જ નહોતો વળતો. કરવું જ નહોતું, એમને. અમે નક્કી કર્યું છે કે અમારે વિકાસના જ રસ્તે જવું છે. વોટબેન્કના રસ્તે નથી જવું. લોકોનું ભલું કરવું જ છે. જે સમસ્યાઓનું સમાધાન નાગરિકો ના કરી શકે, જે માત્ર સરકારે જ કરવાનું હોય, એ કામો બધા અમારે પુરા કરવા છે. અને એટલા માટે, અમે આ કામ લઈને નીકળ્યા છીએ. અને એટલે જ લોકોએ નક્કી કર્યું છે. ભાજપને 100 ટકા વોટ.
ભાઈઓ, બહેનો,
અરવલ્લી, સાબરકાંઠા સહિત આખાય ઉત્તર ગુજરાતમાં કમળ ઉગાડવાનો, કમળ ખીલવવાનો નિર્ણય, એના માટે થઈને, ખાસ કરીને જુવાનીયાઓ મેદાનમાં ઉતર્યા છે. માતાઓ, બહેનો મેદાનમાં ઉતરી છે, એ મારે માટે ગર્વનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ, અને કોંગ્રેસ માટે આટલો બધો અવિશ્વાસ. કારણ શું? ભાજપ પર આટલો બધો વિશ્વાસ, એનું કારણ એક જ છે કે વર્ષો સુધી લોકોએ અમને જોયા છે. આજે 20 – 25 વર્ષની ઉંમરના જે જવાનીયાઓ થયા છે ને, એમણે તો ખાલી અમને જ જોયા છે, પણ તમારા પડોશમાં આ રાજસ્થાન છે.
શામળાજી વટાવો, એટલે રાજસ્થાન શરુ. ત્યાં શું સમાચાર આવે છે? કહો... કંઈ ભલા સમાચાર આવે છે, એકેય? કંઈ સારા સમાચાર સાંભળવા મળે છે, રાજસ્થાનથી? તમારા પડોશમાં છે, અને આપણા તો અરવલ્લી ને હિંમતનગરના બધા પટ્ટામાંથી રોજ ટ્રકો ભરીને શાકભાજી દિલ્હી જાય છે. એકેય સારા સમાચાર લઈને પાછા આવીએ છીએ, રસ્તામાંથી? આખું રાજસ્થાન. હવે એવા લોકો છે, રાજસ્થાનમાં. ત્યાંની જનતાએ એમને સોંપ્યું છે. ત્યાં ભલું નથી કરી શકતા, એ કોંગ્રેસ પાર્ટી, આ તમારા ગુજરાતનું કંઈ ભલું કરી શકે?
અને એટલા જ માટે ભાઈઓ, કહું છું, કે તમે કોંગ્રેસનો ભૂતકાળ જોજો. એનો ભૂતકાળ એવો ખરડાયેલો છે, ખદબદેલો છે. અને એમાંથી બહાર આવીને એક મિશન મોડમાં દેશ, ગુજરાતના ભલા માટે કામ કરવું છે. કોંગ્રેસનો એજન્ડા સિંહાસન અને સત્તા ભોગવટો, અને એકબીજાના ટાંટીયા ખેંચવાના. આ જ કાર્યક્રમ. અમારે આ દેશના યુવાનોનું ભવિષ્ય બનાવવું છે. અને એના માટે અમે કામ કરી રહ્યા છીએ, ભાઈઓ.
અને વિકાસ, એનો કોઈ ઉપાય જ નથી, ભાઈઓ. અમારો રસ્તો જ છે, વિકાસને માટે થઈને વરવાનું. સમાજને તોડવાનો ભાઈ, ભતીજાવાદ કરવાના, બાંટો અને રાજ કરો, એ રસ્તો અમને મંજુર નથી, ભાઈઓ. એ રાજનીતિ અમને મંજુર છે. જાતિવાદના નામે લોકોને ભાગલા પાડો. દેશની અંદર ખટરાગ પેદા કરો. ભાષાના નામે ભાગલા પાડો. આ બધું ભારતીય જનતા પાર્ટીના રસ્તે આડે આવે. દેશના આડે આવે, પ્રગતિના આડે આવે. અને આ બધું, એનો નિકાલ કરવાનું કામ, દેશવટો કરવાનું કામ આપણે ઉપાડ્યું છે, ભાઈઓ.
એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું લઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ મૂળભૂત મંત્ર લઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે, ભાઈઓ, બહેનો, 20 વર્ષ પહેલા જે મુસીબતો હતી ને, એક પછી એક, પેલી ગુંચ પડી હોય ને કેમ દોરો છુટો પાડીએ, ઝીણી ઝીણી ચીજ, એની અમે ચિંતા કરી છે. 20 વર્ષની અંદર અમે સમસ્યાઓ ઘટાડવાનું અને સુવિધાઓ વધારવાનું કામ કર્યું છે.
20 વર્ષમાં અમે વીજળી 24 કલાક ઘરોમાં મળે એની ચિંતા કરી છે. 20 વર્ષમાં અમે ખેડૂતોને વીજળી સુલભ મળે, પુરતી મળે, એના માટે પ્રયત્ન કર્યો છે. મારા ભુપેન્દ્રભાઈ તો સૂર્યોદય યોજના લાવીને દિવસે વીજળી કેમ મળે એની મથામણ કરી છે. 20 વર્ષ પહેલા સડકોના ઠેકાણા નહોતા. આજે ગામોગામ સડકો બનાવવાનું કામ આપણે પુરું કર્યું છે. 20 વર્ષ પહેલા શૌચાલય નહિ, અડધા કરતા વધારે લોકોને ખુલ્લામાં શૌચાલય જવું પડતું હતું. અમારી બહેન, બેટીઓની બેઈજ્જતી થતી હતી. એમાંથી બહાર લાવીને આખા ગુજરાતમાં ગામોગામ, ઘરે ઘરે શૌચાલય બનાવવાનું કામ અમારે કરવું પડ્યું છે, ભાઈઓ.
આ કામ કોંગ્રેસ કરી શકી હોત, પણ એમને લોકોની પડી નહોતી. અને અમે શૌચાલય બનાવ્યા. 20 વર્ષ પહેલા રસોઈની અંદર, લાકડા સળગાવી સળગાવીને રોટલા પકવવાના. લાકડા વીણવા જવાના જેવી મુસીબતો હતી. આજે ઘેર ઘેર અમે ગેસના કનેક્શન આપ્યા છે. અને મારી માતાઓ, બહેનોને આ ધુમાડામાંથી મુક્તિ અપાવવાનું કામ કર્યું છે. 20 વર્ષ પહેલા નાના નાના કામ માટે પણ ગાંધીનગર સુધી ચક્કર મારવા પડતા હતા. લાગવગો લગાવવી પડતી હતી.
અમે તો ઈ-ગ્રામ બનાવ્યા, વિશ્વગ્રામ બનાવ્યા. મોબાઈલ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી. સસ્તા ફોનની સુવિધા કરી. તમે પોતાની રીતે બધા કામની ફરિયાદો કરો. અમે તમારા કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પર જાઓ. સરકારને તમારી વાત પહોંચાડો. સરકાર સાંભળે, આની ચિંતા કરી છે, ભાઈઓ.
ગુજરાતમાં કુપોષણની સમસ્યા ભારે મોટી રહી છે. એમાંથી સુપોષણ માટે જવાના પ્રયાસો કર્યા. 20 વર્ષમાં અથાક પ્રયાસોના કારણે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિનની સરકારે કુપોષણને પરાજીત કરવા માટેનું મોટું બીડું ઉઠાવ્યું છે. અને એનો લાભ મારી આદિવાસી દીકરીઓને ખાસ મળી રહ્યો છે. પૂર્ણા યોજના દ્વારા લગભગ 12 લાખ દીકરીઓને સ્વાસ્થ્ય અને પોષણનો લાભ આપવાનું કામ આપણે કરી રહ્યા છીએ. ભુપેન્દ્રભાઈની સરકારે પોષણસુધા યોજના ચાલુ કરી છે. આના કારણે બધા જનજાતિય જિલ્લાઓને આવરી લીધા છે. અને એની દીકરીઓનું ઉત્તમ સ્વાસ્થ્ય બને એની ચિંતા કરી છે. એટલું જ નહિ, ગર્ભાવસ્થા દરમિયાન પોષક આહાર મળે એટલા માટે માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એવી ગર્ભવતી માતાઓના ઘરે સીધા પૈસા પહોંચ્યા, એના માટેનું કામ કર્યું છે, અને ગુજરાતમાં 3 લાખ કરતા વધારે બહેનોને આ પૈસા સીધા એમના ખાતામાં જમા કરાવવાનું કામ આપણે કર્યું છે.
ભાઈઓ, બહેનો,
આપણો એક જમાનો હતો. મોટા ભાગે સુવાવડ ઘરમાં જ થતી. એના કારણે કાં મા મૃત્યુ પામે, કાં સંતાન મૃત્યુ પામી જાય. જો હોસ્પિટલની અંદર સુવાવડ થાય તો બંનેની જિંદગી બચી જાય. 50 ટકા કરતા વધારે એવી સુવાવડ હતી, જે ઘરમાં થતી હતી, દાયણના દ્વારા થતી હતી. આપણે એની પાછળ ચિંરજીવી યોજના લાવ્યા. પૈસા સરકારે આપ્યા અને દીકરાની, જે સંતાનોની જિંદગી બચાવી. માતાની જિંદગી બચાવી. અને આજે લગભગ 100 ટકા પ્રસુતિ હોસ્પિટલમાં થાય ત્યાં સુધી કામ કર્યું છે, ભાઈઓ. આ હોસ્પિટલની ડિલિવરીની ચિંતા કરી છે. માતાની જિંદગી બચાવવાની ચિંતા કરી છે. દીકરીની, સંતાનોની જિંદગી બચાવવાની ચિંતા કરી છે.
ઝીણા ઝીણા કામો લાગે, પરંતુ સમાજજીવનને કેટલા તાકાતવર બનાવતા હોય છે, એના કામો કર્યા છે. હમણા અમારા આઈ. કે. જાડેજા સમજાવતા હતા. ઘરમાં માંદગી આવે તો શું થાય? એક પરિવારમાં જો કોઈ મોટી માંદગી આવી ગઈ ને, તો પરિવાર આખી પેઢી પાછળ વળી જાય. પંદર – વીસ વર્ષ સુધી એ ખર્ચાના ખાડામાં પડી જાય, જો ઘરમાં મોટી બીમારી આવી જાય તો. હવે આ ગરીબ માણસ બિચારો માંડ મથામણ કરીને ગરીબીમાંથી બહાર આવવાની કોશિશ કરતો હોય, એની સામે ટકવા માટે આપણે આયુષ્માન યોજના લાવ્યા.
દુનિયાની સૌથી મોટી આયુષ્માન યોજના, અને 5 લાખ રૂપિયા સુધી, કોઈ પણ પ્રકારની બીમારી આવે તો એનું બિલ તમારો આ દીકરો ભરે છે. અને મેં તો જોયું છે, આપણી માતાઓ, બહેનોનો સ્વભાવ કેવો હોય? ગમે તેટલી તકલીફ પડે, પણ માતાઓ, બહેનો કોઈને ખબર જ ન પડવા દે. ગમે તેટલી પીડા થતી હોય, તાવ આવ્યો હોય, દર્દ થતું હોય, ઓપરેશનની જરૂર પડે, પણ કહે જ નહિ. કામ કર્યા જ કરે. કેમ? મનમાં એમ રહે કે મારી માંદગીના ખબર જો દીકરા-દીકરીઓને પડશે તો એ લોકો મને હોસ્પિટલ લઈ જશે. દેવાના ડુંગરમાં ડૂબી જશે.
હોસ્પિટલના બિલ ભરી નહિ શકાય. મારે તો હવે તબિયત બગડી છે. જે જેટલા દહાડા જીવવું છે, સહન કરી લઈશ પણ સંતાનોને મારે દેવામાં ડુબવા નથી દેવા. અને આ ગુજરાતમાં ને મારા દેશમાં માતાઓ, બહેનો દુઃખ સહન કરતી હતી. આ દુઃખ આ દીકરો કેમ જોઈ શકે, ભાઈ? અને એટલા માટે મેં નક્કી કર્યું કે 5 લાખ રૂપિયા સુધી દર વર્ષે, 5 લાખ રૂપિયા સુધી કોઈ માંદગી આવે તો એની ચિંતા તમારો દીકરો કરશે. આજે તમારી ઉંમર 50 વર્ષની હોય, અને તમે 80 વર્ષ જીવવાના હોય, તો આવનારા 30 વર્ષ સુધી દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની તમારા કુટુંબની બીમારીની ચિંતા, આ તમારો દીકરો કરે એના માટે આયુષ્માન યોજના લાવ્યા.
આપણા એકલા ગુજરાતમાં 70,000 કરતા વધારે ભાઈ, બહેનોએ આનો લાભ લીધો છે, ભાઈઓ. એમના આશીર્વાદ એ જ મારી તાકાત છે. અમારા ગુજરાત સરકારની મા યોજના, એના દ્વારા પણ ઓપરેશનની બાબતમાં, બાળકોના સ્વાસ્થ્યની વ્યવસ્થા, જેના કારણે આપણું ગુજરાત સ્વસ્થ બને, આપણું ગુજરાત વિકસિત બને, એના માટેનું કામ આપણે કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
આપણને તો ખબર છે, ખાલી સુરત, વલસાડ અને તાપીનો પટ્ટો છોડી દો, તો આખું ગુજરાત, કચ્છ, કાઠીયાવાડ, ઉત્તર ગુજરાત... પાણી એટલે આપણે વલખા જ મારવાના. દિવાળી ગઈ નથી કે પાણીના વલખા શરૂ થયા નથી. આ દિવસો આપણે કાઢ્યા હતા. અમે 20 – 25 વર્ષ સુધી સેવાભાવથી, ઈમાનદારીથી, સમર્પણભાવથી, સેવાનો યજ્ઞ આદર્યો, અને ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ... આ મારા અરવલ્લી જિલ્લાને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ કર્યું.
અને સમાજના બધા જ લોકોને જોડીને વિકાસ કરવાનો અમે પ્રયાસ કર્યો છે, ભાઈઓ. દાયકાઓ સુધી જે સમસ્યાઓ હતી, એને એક પછી એક સુલઝાવવાનો પ્રયાસ કરીને અમે આગળ વધ્યા છીએ. આજે ગુજરાતમાં ઘેર ઘેર પાણી પહોંચે. નળથી જળ પહોંચે એના માટે લાખો નળ કનેક્શનનું કામ પુર ગતિથી ચલાવ્યું. 20 વર્ષમાં ગુજરાતની અંદર 70,000 કિલોમીટર જેટલી નહેરોનું નેટવર્ક નિર્માણ કર્યું છે. 70,000 કિલોમીટર નહેરો બનાવી છે.
ટપક સિંચાઈ, સુક્ષ્મ સિંચાઈ દ્વારા સરકારની મદદથી લોકો પાણી બચાવવાની દિશામાં ભાગીદાર બન્યા છે. એ જ રીતે ઉત્તર ગુજરાતનો બદલાવ એના કારણે સ્પષ્ટ દેખાય છે, ભાઈઓ. જ્યાં આગળ એક પાક લેવાના સાંસા પડતા હતા, ત્યાં આજે બબ્બે – ત્રણ ત્રણ પાક મારો ખેડૂત લેતો થયો છે. અને એની આવકમાં ઉમેરો થયો છે.
ઈન્ડો-ઈઝરાયલ સેન્ટર, આપણા અહીંયા પડોશમાં જ છે. એમાં એક્સલન્સીની મદદથી ફળ અને સબ્જીના ક્ષેત્રમાં પણ આપણે વિકાસ પામ્યા છીએ. અને જે પાકા રોડ મોટા બનાવ્યા છે ને, મને કોઈએ કહ્યું કે સાહેબ, અત્યારે તો અમે નીકળીએ છીએ, 12 – 13 કલાકની અંદર દિલ્હીના બજારમાં અમારી સાબરકાંઠાની, અરવલ્લી જિલ્લાની શાકભાજી પહોંચી જાય છે. અમારા દિલ્હીના લોકો પહેલા ગુજરાતનું નમક ખાતા હતા. ગુજરાતના દૂધની ચા પીતા હતા. હવે ગુજરાતની શાકભાજી ખાઈને મોટા થઈ રહ્યા છે. આ કામ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ભાઈઓ કરી રહ્યા છે.
નાનો કિસાન. એની ચિંતા વધારે કરવાની. એની તરફ કોઈ જોતું નહોતું. કારણ કે નાનો કિસાન. એને બિચારાને ટ્યુબવેલ ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, જમીનનો ટુકડોય નાનો હોય. એમાંય છોકરા એટલા... આખું કુટુંબ મોટું એટલે ટુકડા થઈ ગયા હોય. એટલે શું કરે? બાજરો, જુવાર, બાજરો, જુવાર કરીને, મકાઈ કરીને કંઈ દહાડા કાઢતો હોય. અમે પી.એમ. કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષમાં ત્રણ વાર એના ખાતામાં સીધા પૈસા જમા કરાવીએ છીએ. આ જિલ્લામાં 2 લાખ કિસાનોના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, ભાઈઓ, 400 કરોડ રૂપિયા. તમારા ખિસ્સામાં 400 કરોડ રૂપિયા પહોંચ્યા હોય, ભાઈઓ તમારી આવતીકાલની ઉજ્જવળની ગેરંટી લઈને અમે આવીએ છીએ.
અને એટલું જ નહિ, મારા નાના ખેડૂતો આખા દેશમાં જે મોટું અનાજ પકવે છે. જુવાર, બાજરો જેવું અનાજ પકવે છે. આપણે આખી દુનિયામાં 2023 મિલેટ-ઈયર ઉજવવા માટેનું યુ.એન. નેશન્સને વિનંતી કરી હતી, યુનાઈટેડ નેશન્સને. અને 2023નું વર્ષ આખી દુનિયા મિલેટ વર્ષ મનાવવાની છે. મિલેટ એટલે આપણે જાડું અનાજ. જુવાર ને બાજરો ને એવું બધું. આખી દુનિયા. તમે વિચાર કરો, આખી દુનિયામાં જવાર, બાજરાની આવી જે રાગીને આ બધું છે ને, એનું મોટું બજાર ઉભું થવાનું છે, અને એનો લાભ આખા ભારતના નાના નાના ખેડૂતોને મળવાનો છે. મારા અરવલ્લીના નાના ખેડૂતોને મળવાનો છે. મારા ઉત્તર ગુજરાતના નાના ખેડૂતોને મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
ગામડાનો વિકાસ. આજે બધા રિપોર્ટ કહે છે કે ભારતની અંદર ગામડામાં ગરીબી તેજ રીતે ઘટી રહી છે. કારણ વિકાસના ફળ હવે ગામડા સુધી લઈ જવાનું કામ ચાલ્યું છે. ભાઈઓ, બહેનો, વિકાસ કરવો હોય ને તો જેમ પાણીનું મહત્વ છે ને એ જ રીતે વીજળીનું મહત્વ છે, અને અંધારા જ્યાં સુધી દૂર ના થાય, વીજળી ના આવે, તો ભાઈઓ, બહેનો ક્યારેય પ્રગતિ શક્ય ના બને. દુનિયા બદલાઈ ગઈ છે. આજે મોબાઈલ વગર, તમારામાં એકેય બેઠો નહિ હોય. વીજળી ન હોય તો ચાર્જ ક્યાં કરાવવા જશો, તમે? કોના ખિસ્સામાં મોબાઈલ આવે? પણ આ વીજળી કોકે નાખી હશે, મહેનત કરી હશે તો ને...
આપણા ગુજરાતમાં વીજળીના ઉત્પાદનમાં આપણે એટલા બધા ગયા, એટલા બધા વીજળીના નવા કારખાના ઉભા કર્યા. આજે વીજળીમાં ગુજરાત સરપ્લસ થઈ ગયું છે, સરપ્લસ. આજે ગુજરાત જરુરત કરતા વધારે વીજળી ઉત્પાદન કરતું થઈ ગયું છે, અને વીજળી આવી, આ કોરોનાકાળમાં મોબાઈલ ફોન હતા, વીજળી હતી તો ગામડામાં ઘરે બેસીને બાળક મોબાઈલ ફોન પર ભણી શક્યું. આ કામ આપણે કર્યું છે. અને હવે તો 5-જી લાવવાના છીએ. 5-જી આવશે એટલે આખી નવી ક્રાન્તિ આવવાની છે.
ભાઈઓ, બહેનો,
આ પરિવર્તન ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા ઈમાનદારીપૂર્વક કરેલા કામોને કારણે થયું છે. આજે ગુજરાતમાં વીજળી પેદા કરવાની ક્ષમતા પહેલા કરતા પાંચ ગણી વધારે છે. આજે ગુજરાતમાં વિન્ડ એનર્જી, પવનચક્કી, પાંચ ગણી કરતા વધારે વીજળી આપણે પેદા કરીએ છીએ. આજે ગુજરાતમાં સોલર પાવર. આપણે સોલર પાવરનો એક પ્રોજેક્ટ અહીંયા શરૂ કર્યો હતો. તમને બધાને પડોશમાં જ ખબર હશે. આજે દસ ગણી વીજળી સૂર્યશક્તિથી પેદા કરવાનું કામ આપણે કરીએ છીએ.
એટલું જ નહિ, ઘેર ઘેર સોલર રૂફ ટોપ, એની ચિંતા કરીએ છીએ. અને મારું તો સપનું છે, ભાઈઓ. હમણા તમે મોઢેરાનું વાંચ્યું હશે. મોઢેરાની અંદર આખું ગામ આપણે સૂર્યશક્તિથી ચાલતું કરી દીધું છે. ઘેર ઘેર ઉપર, છત ઉપર સોલર પેનલો લગાવી છે, એટલે દરેક ઘરમાં પોતાનું જ વીજળીનું કારખાનું બની ગયું. મારે તો ગુજરાતમાં બધે જ આ કરવું છે. એટલે તમે વીજળી તો ઘરમાં મફત આવે જ. પણ વધારાની વીજળી તમે વેચીને કમાણી કરી શકો. ઘેર બેઠા કમાણી થાય.
વીજળીમાંથી કમાણી થાય, એ વાત તો મોદી જ કરી શકે, ભઈલા. અને એ મારે કરવું છે. હમણા મેં મોઢેરામાં એક બહેન જોડે ફોન ઉપર વાત કરી. ભઈ, આ સૂર્યનગરી કરીને તો હું આવી ગયો. પણ પછી શું અનુભવ છે? તો એમણે કહ્યું કે સાહેબ, અમે તો હવે ઘરમાં એ.સી. લાવવાનું નક્કી કર્યું છે. ફ્રિજ લાવવાનું નક્કી કર્યું છે. મેં કહ્યું કેમ? પૈસા? તો કહે, હતા. પણ પહેલા ડરતા હતા, અમે લાવતા. કારણ કે આ વીજળીનું બિલ એટલું બધું આવે તો રેફ્રિજરેટર અને એરકન્ડિશન અમને પાલવે નહિ. લાવવાનો ખર્ચો તો પાલવે પણ રાખવાનો ના પાલવે, પણ આ સોલર આવી ગયું છે ને, એટલે બધું મફતમાં છે. એટલે અમે તો રેફ્રિજરેટરેય લાવવાના છીએ, એ.સી.ય લાવવાના છીએ. આ ક્રાન્તિ. આ ક્રાન્તિ ગુજરાતમાં ઘેર ઘેર આવે એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.
એટલું જ નહિ, અમારા ખેડૂતના જિંદગીમાં પણ મારે બદલાવ લાવવો છે. એક વખત વીજળીના ભાવ માટે અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતો આંદોલનો કરતા. અમારા કચ્છી પટેલો, બરાબર આંદોલનનું નેતૃત્વ કરતા, મેદાનમાં ઉતરતા. એમાં મોડાસા જોર મારતું હતું. અને કોંગ્રેસની સરકારો ગોળીઓ દેતી હતી. કોંગ્રેસની સરકારોએ ગોળીઓ દીધી હતી, આપણા અરવલ્લી જિલ્લાના છોકરાઓને મારી નાખ્યા હતા. વીજળી લેવા ગયા હતા અને મારી નાખ્યા હતા.
હવે આપણે વીજળીના ક્ષેત્રમાં એક પરિવર્તન લાવી રહ્યા છીએ. અન્નદાતા, ઊર્જાદાત બને. ખેતરના શેઢા ઉપર આપણે વાડ કરતા હોઈએ છીએ. વાડમાં બે મીટર જમીન આપણી બગડે, બે મીટર જમીન પડોશીની બગડે. વિના કારણે ચાર મીટર જમીન આપણે બગાડી નાખતા હોઈએ. ત્યાં સોલર પેનલ લગાવવાની. તમારી આવશ્યક વીજળી તમારી સોલર પેનલમાંથી વાપરે, તમને વીજળી મફત મળે અને વધારાની વીજળી અમારી સરકાર ખરીદી લે. તમે જેમ અનાજ વેચો છો, એમ વીજળી પણ વેચી શકો, એ દિશામાં કામ કરવાનું ચાલી રહ્યું છે. હવે વીજળી સસ્તી કરો...નો જમાનો ગયો. હવે અમારી વીજળી તમે ખરીદશો ક્યારે? એની વાત કરો. એ કામ અમે કરી રહ્યા છીએ, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલા ગુજરાતમાં 55 લાખ આસપાસ વીજળી કનેક્શનો હતા. આજે લગભગ 2 કરોડે પહોંચ્યા છે અને સોલર એનર્જી આવ્યા પછી તો વીજળી જ વીજળી છે. તમે પોતે કારખાનાના માલિક અને તમારી જ વીજળી. જેટલી વાપરવી હોય, એટલી વાપરો, મફત. આ ભગવાન સૂર્યદેવતા તપી રહ્યા છે, તમારા હાથમાં છે, વાપરવું હોય એટલું વાપરો. આ કામ આપણે કરી રહ્યા છીએ. 5 લાખ કરતા વધારે કનેક્શનો આપણે પહોંચાડી દીધા છે. આજે 5 લાખે હતા એ 20 લાખે પહોંચ્યા.
ભાઈઓ, બહેનો,
પશુપાલન. આપણી આ ડેરી. ડેરીનો તો પોતાનો એક ચમકારો હવે થવા માંડ્યો છે. પણ વીજળી આવી એના કારણે ચિલિંગ સેન્ટરો ચાલ્યા. મિલ્ક કલેક્શન સેન્ટરો સરખા ચાલ્યા, અને એના કારણે પશુપાલનને લાભ થયો. ડેરી સેક્ટરનો સીધો લાભ પશુપાલનમાં થયો. હવે પશુપાલનમાં પણ જે ખેડૂતોને આપણે કે.સી.સી. કાર્ડ આપીએ છીએ. એ કે.સી.સી. કાર્ડ હવે પશુપાલકને પણ આપીએ છીએ. કિસાન ક્રેડિટ કાર્ડ. જેના કારણે બેન્કમાંથી ઓછા પૈસે, ઓછા વ્યાજે એને પૈસા મળી રહે, દેવાના ડુંગરમાંથી બહાર આવે, આ કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલાં જે રાજ્યમાં 60 લાખ ટન દૂધનું ઉત્પાદન થતું હતું તે આજે 160 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થાય છે, ભાઈઓ, 160 લાખ મેટ્રિક ટન. આજે ગુજરાતમાં 62,000 કરોડ રૂપિયા... માત્ર પશુપાલનના ક્ષેત્રે આજે ગુજરાતની અંદર 62,000 કરોડ રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે. આપે મને દિલ્હીમાં મોકલ્યો, તો પશુપાલકો, એમને મેં કહ્યું એમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ આપણે કર્યું. અને મને સંતોષ છે કે પશુપાલનના ક્ષેત્રમાં ગુજરાતની અંદર 12 લાખ કરતા વધારે પરિવારો આજે એનો લાભ લઈ રહ્યા છે.
ભાઈઓ, બહેનો,
અમારો આદિવાસી પટ્ટો, અમારી આદિવાસી બહેનો, વિકસિત ગુજરાતમાં એમનું ગૌરવ વધે, પહેલી વાર એમ.એસ.પી.ની વાત બધા કરે, વન-ધનને એમ.એસ.પી. કોઈ આપતું નહોતું. મારા આદિવાસી વિસ્તારમાં, જંગલોમાં જે પેદાવાર થાય, એના વન-ધનના એમ.એસ.પી. નક્કી કર્યા. 90 જેટલી ચીજો આજે એમ.એસ.પી.થી ખરીદાય છે.
જંગલમાં ઉગતી ચીજો મારા આદિવાસી ભાઈઓ, બહેનોને કમાણીની શક્યતા. 20 વર્ષ, 25 વર્ષ પહેલા, વિકાસના, સર્વાંગીણ વિકાસની વાત, સર્વક્ષેત્રીય વિકાસ, સર્વસ્પર્શીય વિકાસ. આમ ચારેય તરફ વિકાસની વાત લઈને આપણે નીકળ્યા. અને એના કારણે ગુજરાત આજે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યું છે. વિકસિત ગુજરાત બનાવવાના સપનાં સાથે ચાલી રહ્યા છીએ. અને આ વિકસિત ગુજરાત બનાવવાનું કામ મારા જવાનીયાઓના હાથમાં છે, ભાઈઓ. અને એના માટે એક મજબુત સરકાર બનાવવી જરૂરી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર લાવીને આપણે આગળ વધવું છે.
આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે મારું એક કામ કરશો તમે? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચો કરો તો ખબર પડે.
હોંકારો કરો તો ખબર પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે અરવલ્લી જિલ્લાના મતદાનના બધા રેકોર્ડ તોડી નાખશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને લોકોને સમજાવશો? (ઑડિયન્સમાંથી હા...)
આજે મેં જેટલી વાતો કરી છે, એ બધી વાતો પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બીજું એક મારું અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અંગત હોં? (ઑડિયન્સમાંથી હા...)
જરા બોલો તો ખબર પડે ને, ડોકા હલાવો તો શું મેળ પડે? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જો આ અરવલ્લી જિલ્લો, મારો જિલ્લો છે, એટલે મારે તો હક્કથી કહેવાય. કહું કે ના કહું? (ઑડિયન્સમાંથી હા...)
તમને ખબર છે, પહેલા અમારું મોડાસા તો હુલ્લડ થાય, માલપુર, મેઘરજ હુલ્લડ થાય, પ્રાંતિજ હુલ્લડ થાય. હિંમતનગર હુલ્લડ થાય. ભિલોડા હુલ્લડ થાય, ગણેજીમાંય હુલ્લડ થાય.
થતું હતું ને કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ દુકાનો બધી બંધ થઈ ગઈ ને, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
સુખચેનની જિંદગી આવી કે ના આવી? (ઑડિયન્સમાંથી હા...)
મને તો ખબર છે, અહીંયા મોડાસામાં શું થતું હતું, ભાઈ? સાંજ પડે, ચિંતા કરે, દીકરી સાંજે ઘેર આવશે કે નહિ આવે? આ દિવસો હતા.
સુખ-શાંતિથી જિંદગી જીવીએ છીએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
સૌનું ભલું થયું કે ના થયું? (ઑડિયન્સમાંથી હા...)
શાંતિ, એકતા, સદભાવ, આ બધાના લાભમાં છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
એમાં ક્યાંય હિન્દુ – મુસલમાન આવે છે? બધાનું ભલું એમાં જ થાય ભાઈ. શાંતિમાં જ બધાનું ભલું છે. એકતામાં જ બધાનું ભલું છે અને 20 વર્ષમાં આપણે આ કરીને બતાવ્યું છે. અને એના કારણે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે.
અને એટલે હું કહું છું, મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ખોંખારીને બોલતા નથી...
આ બધા બહાર, મંડપની બહાર, જે બધા... કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો...
હા, મંડપની બહાર બધા બહુ લોકો છે. બિચારા તડકામાં ઉભા રહ્યા છે. પણ એમનો પ્રેમ છે, તો તડકો સહન કરીને અમને આશીર્વાદ આપી રહ્યા છે.
ભાઈઓ, બહેનો, મારું નાનકડું કામ છે. પણ મારી ઈચ્છા છે કે તમારે કરવું તો પડે.
આ હજુ અઠવાડિયું ચુંટણીને બાકી છે. તમે ઘેર ઘેર જવાના. બધાને મળશો. તમારા ઉમેદવારની વાત કરશો. ચુંટણીની વાત, બધું જે તમારે કરવું હોય એ કરજો ને, પણ મારું એક કામ કરવાનું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકું બોલો જરા, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાના ઘેર જાઓ ને તો પગે લાગીને વડીલોને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ મોડાસા આવ્યા હતા. શું કહેશો? પાછું એમ ના કહેતા કે પી.એમ. સાહેબ આવ્યા હતા. આટલું જ કહેવાનું, આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, મોડાસા. અને તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલો મારો સંદેશો આપી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક વડીલને મારા પ્રણામ પાઠવવાના છે. એમના આશીર્વાદ એ મારી તાકાત છે. અને એ આશીર્વાદથી મને દેશની સેવા કરવાની તાકાત મળે છે, એટલે તમે ચુંટણીના મત માગવા હોય એટલા માગજો જ, એ તો કામ કરજો જ. પણ જોડે જોડે મારા માટે આશીર્વાદ માગજો. અને કહેજો કે નરેન્દ્રભાઈ આવીને ખાસ તમને પાઠવ્યા છે. એટલા આશીર્વાદ મને મળશે, એ આશીર્વાદથી હું દેશનું કામ કરતો કરીશ.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
पिछले 20 सालों में गुजरात की समस्याएं कम हुई हैं और सुविधाएं बढ़ी हैं: मोडासा में पीएम मोदी
कांग्रेस नेता केवल सत्ता और सिंहासन की परवाह करते हैं और देश में बांटने की राजनीति करते हैं: मोडासा में पीएम मोदी