ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
કેમ છે, આપણું મેહાણા...?
બધા સુખમાં ને?
રામે-રામ...
મંચ ઉપર બિરાજમાન અમારા જુના જોગી, અમારા જુના મિત્ર ભાઈશ્રી નીતિનભાઈ,
મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો,
અને આ ચુંટણીમાં જેમને તમે ધારાસભ્ય બનાવવાનું નક્કી કરી દીધું છે, અને જેમને આશીર્વાદ માટે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, એવા સૌ ઉમેદવાર ભાઈઓ, બહેનો,
અને વિશાળ સંખ્યામાં પધારેલા મહેસાણાના મારા પરિવારજનો,
થોડા દિવસ પહેલા તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો હતો, મોઢેરા આવ્યો હતો. દેશનું પહેલું સૂર્યગ્રામ, એનું ગૌરવ મહેસાણા જિલ્લાને મળ્યું, અને મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ કરતાની સાથે જ આખી દુનિયામાં મોઢેરા ચમકી ગયું. જોડે જોડે મહેસાણા જિલ્લોય ચમકી ગયો. આપ વિચાર કરો, યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ, એ પોતે વિનંતી કરી કે મારે મોઢેરા સૂર્યગ્રામ જોવા જવું છે, અને અમેરિકાથી અહીં આવ્યા, સૂર્યગ્રામ જોયું અને ગયા પછી પાછું એમણે ત્યાં જાહેરમાં વખાણ કર્યા કે સૂર્યઊર્જાના ક્ષેત્રે કેવું અદભુત કામ થઈ રહ્યું છે. એની ચર્ચા કરી. આ બધું શક્ય બન્યું છે, આપ સૌના આશીર્વાદથી. અને આ બધું કરી શકું છું એનું કારણ, આ માટીએ મને મોટો કર્યો છે, આ માટીએ મને સંસ્કારીત કર્યો છે. અહીંના પાણીએ મને ઘડ્યો છે અને અહીંના પરસેવાની સુવાસ આજે દેશ અને દુનિયામાં ગુજરાતીઓ ગૌરવ કરે એમ આખો દેશ ફલી-ફૂલી રહ્યો છે, ભાઈઓ.
મહેસાણા જિલ્લો એટલે આમ રાજકીય રીતે જાગૃત જિલ્લો. મહેસાણા જિલ્લો ભવિષ્ય નક્કી કરે. આટલી મોટી સંખ્યામાં જે માતાઓ, બહેનો આશીર્વાદ આપવા આવી છે, એમને પણ હું વિશેષ પ્રણામ કરું છું, એમનો આભાર માનું છું. મેં આ બે – ત્રણ વખત ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં મારું જવાનું થયું. દક્ષિણ ગુજરાતમાં ગયો, સૌરાષ્ટ્રમાં ગયો, અને આજે ઉત્તર ગુજરાતમાં આવ્યો છું. જ્યાં જ્યાં મને જવાનું થયું છે, અને ચારે તરફથી જે સમાચારો મળે છે, એમ લાગે છે કે આ ચુંટણી મોદી નથી લડી રહ્યા, ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. આ ચુંટણી, આ મંચ ઉપર બેઠા છે ને એય નથી લડતા. આ વખતે ગુજરાતની ચુંટણી, ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતના જવાનીયાઓએ આ વિજયધ્વજ પોતાના હાથમાં ઉપાડ્યો છે. માતાઓ, બહેનો મેદાનમાં ઉતરી છે. અને એટલે જ, જ્યાં જઈએ ત્યાં એક જ અવાજ સંભળાય, એક જ નારો ગુંજે છે...
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
આ જોમ અને જુસ્સો ગુજરાતના ખુણે ખુણે છે, અને જ્યારે બારીકાઈથી જોઉં, તો મારા ધ્યાનમાં આવે છે કે યુવાનો, માત્ર ગુજરાત જ નહિ, હું જ્યાં જઉં છું ત્યાં, યુવાનો હવે જે રીતે જાહેર જીવનમાં રસ લેતા થયા છે. રાજકીય પ્રવૃત્તિઓના આટાપાટાને સમજીને સત્યના પારખા કરી રહ્યા છે, એણે દેશના ભવિષ્ય માટે એક નવી આશા પેદા કરી છે. નવો વિશ્વાસ પેદા કર્યો છે. અને દેશની યુવા પેઢી આજે ભાજપ તરફ જે વળી છે. ભાજપનો ઝંડો લઈને આગળ વધી રહી છે ને, એ આંખે પાટા બાંધીને નીકળેલી પેઢી નથી. આ એક એક પગલાંનું બારીક નિરીક્ષણ કરે છે. એનું મુલ્યાંકન કરે છે, અને પછી, એ નિર્ણય કરે છે કે કયા રસ્તે જવું છે, એણે જોયું છે કે કોંગ્રેસ પાર્ટી ભુતકાળમાં સરકારો ચલાવતી હતી, એ કુનબાનો વ્યવહાર કેવો હતો, આ કોંગ્રેસ સરકારોનું મોડલ કયું હતું, કોંગ્રેસ પાર્ટીનું મોડલ કયું હતું, એ એમને બરાબર ખબર છે. અને એટલે જ એમને લાગે છે કે દેશને આગળ લઈ જવો હશે તો, આવનારા 25 વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવવો હશે, આ દેશને વૈભવી બનાવવો હશે, તો ભારતીય જનતા પાર્ટીની નીતિ, ભારતીય જનતા પાર્ટીની રીતિ, અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ જ કામ આવવાની છે. કારણ કે એણે જોયું છે, એને ખબર છે કે કોંગ્રેસનું મોડલ કયું છે. કોંગ્રેસનું મોડલ એટલે અરબો, ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડલ એટલે, એના મોડલની એક જ ઓળખાણ, ભાઈ ભતીજાવાદ. કોંગ્રેસનું મોડલ એટલે, વંશવાદ, કોંગ્રેસનું મોડલ એટલે પરિવારવાદ. કોંગ્રેસનું મોડલ એટલે જાતિવાદ. કોંગ્રેસના મોડલની પહેચાન સંપ્રદાયવાદ, વોટબેન્ક પોલિટિક્સ. આ જ કોંગ્રેસની પહેચાન. અને કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે... ભાગલા પાડો, સમાજના જેટલા થઈ શકે એટલા ટુકડા કરો, શહેરને ગામડા જોડે લડાવો, ગામડાને શહેર જોડે લડાવો, આ જાતિને પેલી જાતિ જોડે, આ જિલ્લાને પેલા જિલ્લા જોડે... આ જ કર્યા કરવાનું, આ જ કર્યા કરવાનું... અને એટલે બીજી પાછી કરામત કઈ? લોકોને પછાત જ રાખવાના. લોકોની સ્થિતિ એવી રાખવાની કે કાયમ ગરીબોને બિચારાને હાથ લાંબો કરીને ઉભા રહેવું પડે અને સરકાર મા-બાપ કંઈ ને કંઈ આપે. આ એમનું મોડલ.
ભાઈઓ, બહેનો,
કોંગ્રેસના આ મોડલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધો છે. અને એટલે આપણને ખુબ મથામણ પડે છે, આ દેશને બચાવવાની, આ દેશને બનાવવાની, આ દેશને આગળ વધારવાની.
ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેના માટે વ્યક્તિ કરતા દલ મહાન, અને દલ કરતા દેશ મહાન. આ અમારા સંસ્કાર છે અને આ સંસ્કાર લઈને અમે કામ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે, અમારી ગળથુથીમાં છે, સૌનો સાથ અને સૌનો વિકાસ. વહાલા-દવલા નહિ, ભેદભાવ નહિ. અને એટલે જ, એટલે જ આ દેશના યુવાનને ભરોસો પડે છે કે આ નીતિઓ છે ને, આ રીતિ છે, એના કારણે આજ નહિ તો કાલ, મને અવસર મળવાનો છે અને હું ભવિષ્ય બનાવવા માટે થઈને, મારી પાસે જે કંઈ કૌશલ્ય છે, જે પણ સામર્થ્ય છે, એનાથી જે કામ મળશે, એને ઉગારી નીકળીશ. આજે દેશના યુવાનોમાં, ગુજરાતના યુવાનોમાં નવી આકાંક્ષાઓ છે, નવા સપના છે. ગયા 20 વર્ષમાં ગુજરાતે જે નવી પેઢી, બદલાઈ ગઈ, ભાઈઓ. 20 વર્ષ પહેલાની પેઢી, આજની પેઢી જુદી છે. અને આજે 20 વર્ષના થઈ ગયેલા લોકો છે, 21 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના, એમને તો કદાચ ખબર જ નથી કે આ ગુજરાતમાં કેવા અભાવના દિવસો હતા. કેવા દુષ્કાળના દિવસો હતા. એ જિંદગી આજના 20 -25 વર્ષના જુવાનીયાને ખબર નથી. આ તો ખાખરીયો પટ્ટો કહેવાય, આપણો. આ દશા આપણી. આ એવી પેઢી છે કે જેને આજે વધતો ગુજરાતનો પ્રભાવ દેખાઈ રહ્યો છે, એના નસીબમાં ક્યારેય અભાવના દહાડા આવ્યા નથી, ભાઈઓ. અને એમનેમ નથી થયું, ભાઈ. એના માટે કાળી મજુરી કરી છે. પગ વાળીને બેઠા નથી. રાત રાત ઉજાગરા કર્યા છે. એક એક નાની નાની ચીજને એના રસ્તા કાઢવા માટે ઝુઝતા રહ્યા છે. ટાંચા સાધનો, કુદરતી પ્રકોપ, એની વચ્ચે આપણે ગુજરાતને આગળ વધાર્યું છે. અને મને ખુશી છે કે આ નવી પેઢીએ આ નીરક્ષીરનો વિવેક કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાતના, એમણે દિશા નક્કી કરી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એક વાર ગુજરાતમાં બનાવવાનો એમણે નિર્ણય કર્યો છે. ગુજરાતના યુવાનો કોલેજમાં, યુનિવર્સિટીમાં, સોશિયલ મીડિયા પર, જ્યાં જુઓ ત્યાં એક જ વાત કહે છે, એક જ વાત બોલે છે, એક જ વાત લખે છે, એક જ પ્રકારના વીડિયો ચલાવે છે, અને વાત કઈ છે?
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી... મોદી સરકાર...)
ભાઈઓ, બહેનો,
ભુતકાળમાં તમને ખબર હશે, ચુંટણી હોય એટલે વીજળી-પાણી... વીજળી-પાણી... ની ચર્ચા થાય, થાય, થાય. સરકારો ઉપર માછલાં ધોવાતાં હોય, વીજળીનાં, પાણીનાં મુદ્દે સરકારમાં બેઠેલા લોકોય મ્હોં છુપાવતા હોય. એવી દશા હોય. અને સરકારો ઉપર આરોપ કરવા માટે, કોંગ્રેસની સરકાર હોય તો ભ્રષ્ટાચારના આરોપ હોય, સાથે સાથે વીજળી-પાણીનો હિસાબ મંગાતો હોય, વીજળી અને પાણીની અછત, એની મુસીબતો, એ ઘર ઘરની સમસ્યાઓ, પરંતુ 20 વર્ષમાં આપણે જે કામ કર્યા છે ને, એના કારણે આપણા વિરોધીઓને આજે ગુજરાતમાં વીજળી અને પાણી મુદ્દે ચુંટણીમાં મુદ્દો ઉઠાવવા માટેનો અવસર જ નથી મળતો, ભાઈ. મને તો યાદ છે, કેટલાક કામો આપણે એવા કરેલા કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષને પ્રશ્નો પુછવા માટે ખુટી ગયા હતા. પ્રશ્નો જ નહોતા રહેતા. વિધાનસભામાં પ્રશ્ન કયો પુછવો એ એમને મુશ્કેલી પડતી હતી, એટલે જુના ને જુના કાઢીને ફરી પુછ્યા કરે.
ભાઈઓ, બહેનો,
આની પાછળ યોજનાબદ્ધ રીતે તપસ્યા કરી છે. એક પછી એક, જેમ ઈંટ મૂકીને દીવાલ બને ને એમ ગુજરાતની સમસ્યાઓનું નિરાકરણ આપણે એક એક નાની નાની સમસ્યા પકડી પકડી દૂર કરતા એને ઠીક કરી છે. અને આ ઈમાનદારીથી કરેલા પ્રયાસોના કારણે વીજળી અને પાણીના ક્ષેત્રે ઘણા બધા કામો થયા છે, ભાઈ. અને આજે જ્યારે ગુજરાતના વિકાસ નવી ઊંચાઈ ઉપર પહોંચ્યો છે ને, ઉદ્યોગો આવી રહ્યા છે, મૂડીરોકાણ આવી રહ્યું છે. જવાનીયાઓને અવસર મળી રહ્યા છે. એના મૂળમાં વીજળી અને પાણીનું પાયાનું કામ આપણે કર્યું છે. એના કારણે થયું છે. અને મારા મહેસાણા જિલ્લાને તો ઘણી ખબર છે, ભાઈ. અમાર જીવણદાદા હતા, જિંદગીભર વીજળી માટે લડતા રહ્યા. કિસાન સંઘ અમારું, જિંદગીભર વીજળી માટે લડતું હતું. અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને વિધાનસભાને ઘેરાવ કરવા માટે ગુજરાતના કિસાનો નીકળ્યા હતા. વીજળી માટે થઈને વલખા મારતા હતા. એ વખતે વીજળી આપવાના બદલે કોંગ્રેસે ગોળીઓ દીધી હતી ગોળીઓ. તમને યાદ હશે, ભાઈઓ. અનેક દૂઘમલ જવાનોને મોતના ઘાટ ઉતારી દીધા હતા. આ દિવસો તમને યાદ નહિ હોય, કદાચ. જે 20 – 25 વર્ષનો જવાનીયો હશે, એને ખબર નહિ હોય. આ કોંગ્રેસનું મોડલ હતું કે તમે વીજળી માગો અને તમને ગોળીઓથી વીંધી નાખતા હતા. કોંગ્રેસના રાજની અંદર લોકો વીજળીના કનેક્શન માંગે, એમાંય ભ્રષ્ટાચાર, અને તોય કનેક્શન તો મળે કે નહિ મળે, એની ગેરંટી નહિ. અને એ દિવસોમાં તો ગુજરાતમાં ઠેર ઠેર ડાર્ક ઝોન. મહાસંકટ. પાણીનું પણ મહાસંકટ, વીજળીનું મહાસંકટ. એમાંથી મુક્તિ દિલાવવા માટે આપણે યજ્ઞ આદર્યો, ભાઈ. 20 – 22 વર્ષ પહેલા પાવર સેક્ટરની અંદર અનેક રિફોર્મ શરૂ કર્યા. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા. ને જ્યોતિગ્રામ યોજના લાવ્યા, એટલું જ નહિ, આપણે ખેડૂતો માટેના અને ઘરવપરાશ માટેના જે, વ્યવસ્થા હતી, વીજળીની. ફીડરને આપણે સેપરેટ કરી દીધા. એ ફીડર સેપરેટ કરવાને કારણે એમને સુવિધા મળવા માંડી. ઘરની અંદર વીજળી પહોંચવા માંડી. એના કારણે ફીડર ચેન્જ, આપણે સેપરેટ કરી દીધા. ફીડર સેપરેટ કરવાના કારણે ઘરોની અંદર 24 કલાક જ્યોતિગ્રામ વીજળી પહોંચી અને ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટે અવસર ઉભો કર્યો. અને આ કામ કરવા માટે, આપને આંકડા... જુવાનીયાઓ, જરા આંકડા સાંભળશો તો તમને લાગશે, કે ગુજરાતે કેવું કામ કર્યું છે. 80,000 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશનના નવા તાર નાખ્યા. લાઈનો બિછાવી આપણે ગુજરાતના ખુણે ખુણે. એની લંબાઈ 80,000 કિલોમીટર થાય છે. ભાજપ સરકારે હજારો નવા ટ્રાન્સફોર્મર નાખ્યા. એટલું જ નહિ, સેકડો નવા સબ સ્ટેશન ઉભા કર્યા. કારણ, સબ સ્ટેશનના અભાવે વીજળીમાં ઉતાર-ચઢાવ થાય, બલ્બ ઊડી જાય, મશીનો બંધ થઈ જાય, ટી.વી. ઘરમાં હોય તો ટી.વી. ઊડી જાય. આમાંથી સ્ટેબિલિટી લાવવાનું કામ કર્યું. આપણે ગુજરાતની અંદર 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા, ભાઈઓ. આ આંકડા જ, આ આંકડા જ... કોઈને, કોઈ દેશમાં કર્યું હોય ને એના કરતા વધારે આંકડા એકલા ગુજરાતમાં થાય છે. 20 વર્ષ પહેલા 55 લાખની આસપાસ વીજળી કનેક્શન હતા, એ વધીને આજે 2 કરોડ કરતા વધારે વીજળી કનેક્શનો છે, ભાઈ. 20 વર્ષ પહેલા ખેતરમાં વીજળી કનેક્શન 5 લાખથી પણ ઓછા હતા. આજે ખેડૂતોને 20 લાખ કરતા વધારે કનેક્શનો મળી ચુક્યા છે, ભાઈઓ. વીજળી ડિસ્ટ્રીબ્યુશનમાં, આનું નેટવર્ક ઠીક કરવા માટે, વીજળી પેદા કરવી પણ એટલી જ જરૂરી હતી. અને આપણે વીજળી પેદા કરવાનું અભિયાન ચલાવ્યું. 20 વર્ષ પહેલા ગુજરાતમાં કોયલાથી વીજળી હતી. એ માત્ર 55 મેગાવોટ હતી, 55 મેગાવોટ 20 વર્ષ પહેલાં. આજે ગુજરાતમાં કોયલાથી વીજળી પેદા થાય છે, 17,000 મેગાવોટ. ક્યાં 55 મેગાવોટ અને ક્યાં 17,000 મેગાવોટ. ભાઈઓ, બહેનો, અંધકારયુગમાંથી અમે આ પ્રકાશયુગની અંદર લાવવા માટે આવડું મોટું કામ કર્યું. 20 વર્ષ પહેલા ગુજરાતમાં સૂર્યશક્તિથી જે વીજળી પેદા થાય, એ ન કે બરાબર. એટલે આમ કંઈ દેખાય નહિ એવી. ક્યાંક ખુણે ખાંચરે થોડું હોય તો હોય. આજે ગુજરાતની અંદર 8,000 મેગાવોટ વીજળી સૂર્યશક્તિથી પેદા થાય છે. આ હરણફાળ આપણે ભરી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં વિન્ડ પાવરનું નામોનિશાન નહોતું, ભાઈઓ. કોઈને ખબર નહોતી કે વિન્ડ પાવરથી વીજળી બને. આજે ગુજરાતમાં 10,000 મેગાવોટ વીજળી વિન્ડ પાવરથી મળે છે, પવનઊર્જાથી મળે છે, પવનચક્કીથી મળે છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગુજરાતમાં હાઈડ્રોના વીજળી ઉત્પાદન, પાણીથી વીજળી પેદા થાય, એ માત્ર 500 મેગાવોટ આસપાસ હતી. આજે ગુજરાતમાં પાણીથી વીજળી પેદા થાય એ 800 મેગાવોટે આપણે પહોંચાડી છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગુજરાતમાં ગેસથી પેદા થનારી વીજળી 2,000 મેગાવોટ વીજળી હતી. આજે ગુજરાતમાં ગેસથી વીજળી પેદા થાય, 4,000 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. આ બધા, અને એમાંથી હવે બાયો ફ્યુઅલ. એમાંથી પણ વીજળી પેદા કરવાનું કામ આપણે કરી રહ્યા છીએ. આજે ગુજરાતમાં સોલર રૂફ ટોપ, એના મામલામાં દેશમાં નંબર વન છે, ગુજરાત. મારે ગુજરાતના લોકોને અભિનંદન આપવા છે, ભુપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા છે. ગુજરાતના અમારા બધા સાથીઓને અભિનંદન આપવા છે. રૂફ ટોપની બાબતમાં સોલર પેનલ, અને એટલું જ નહિ, પહેલા તો વીજળી મળે કે નહિ, એના ઝગડા થતા હતા. વીજળી મળે તો વીજળીના બિલના ઝગડા થતા હતા. એ દિવસોમાંથી નીકળીને આજે તમે તમારા ઘરમાં વીજળી પેદા કરીને વીજળી વેચી શકો, ત્યાં સુધી આપણે લઈ ગયા વાતને.
હમણા હું મોઢેરા સૂર્યમંદિરના કેટલાક ભાઈઓ સાથે વાત કરતો હતો, એમાં એક બહેન જોડે મારી વાત થઈ. મેં કહ્યું કે બહેન, આ સૂર્યગ્રામ બન્યું તો તમને કેમ રહ્યું? તો કહે કે સાહેબ, હવે તો અમે અમારા ઘરમાં બધા ઈલેક્ટ્રીકથી ચાલનારી ચીજો જ લાવવા માંડ્યા છીએ, ખરીદવા માંડ્યા છીએ. અમે તો કહે એ.સી. પણ લાવવાના છે. મેં કહ્યું કે કેમ? તો કહે હવે વીજળીનું બિલ આવતું જ નથી. એટલું જ નહિ કહે, અમે આ સોલર એનર્જીથી વીજળી પેદા કરીએ છીએ ને વધેલી વીજળી સરકારને વેચીએ છીએ, એનાય પૈસા મળે છે. આ કામ આપણે કર્યું છે, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે ને, એણે ગુજરાતને એટલી બધી ઊર્જા આપી છે, ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે, ગુજરાતને એટલું શક્તિશાળી બનાવ્યું છે. એનો અંદાજ આજના જે રાજકારણના નેતાઓ જે ભાષણ કરવા આવે છે ને, એમને આ મુસીબતો શું હતી ને મુસીબતોના ઉપાય કેમ નીકળે ને, કાગળ ઉપર લખતા ન આવડે. કરવાની વાત તો જવા દો, ભાઈઓ. આપણો મહેસાણા જિલ્લો, પાણીના કેવા વલખા પડે, ભાઈઓ. હું તો આ જ માટીમાં મોટો થયો છું, તમારી વચ્ચે જ ઉછર્યો છું. મેં જોયું છે, કેવી મુસીબતમાં આપણે દહાડા કાઢેલા છે. અઠવાડિયામાં એક વાર નળમાં પાણી આવે ને તો જાણે આજે દિવાળી હોય એવું લાગે એવા દિવસો હતા. જૂના જે વડીલ ઉંમરની માતાઓ, બહેનોને પુછો તો ખબર પડે, ત્રણ – ત્રણ, પાંચ – પાંચ કિલોમીટર માથે બેડા લઈને જવું પડે. કુવાની અંદરથી પાણી કાઢવા માટે, નીચે અંદર ઉતરવું પડે, ખાટલામાં બેસીને, ત્યારે માટલું પાણી નીકળે, એવા દિવસો હતા, ભાઈઓ, બહેનો.
એમાંથી આપણે બહાર આવ્યા. અને સમસ્યાને જડમૂળથી જ ઉખાડી નાખવાનું કામ આપણે, આપણે આ કર્યું. અને આ પાણી એટલું ખરાબ કે જેના કારણે આપણા દાંત, તમે જુઓ કે ઉત્તર ગુજરાતના, મહેસાણાના લોકોને દાંત ઉપર ડાઘ હોય, પીળા દાંત. હા, અને, અને હાડકા બધા, જવાનીયાને... જવાની હજુ આવે એ પહેલા ઘડપણ આવી જાય, એવી દશા હતી. આ દશામાંથી આપણે બહાર લાવીને ખેતરમાં પાણી પહોંચાડવાનું કામ, જમીનમાં પાણીના તળ ઉપર આવે એ માટેનું કામ, ખેડૂતને મદદ કરવાનું કામ, માતાઓ-બહેનોને મદદ કરવાનું કામ, અને એક રટ લઈને ચાલ્યા, એક પ્રણ લઈને ચાલ્યા. સુજલામ સુફલામ યોજના જ્યારે લાવ્યા, ત્યારે બધાએ આશંકા કરી હતી કે આ મોદી સાહેબ વાત કરે છે, પણ આટલું બધું કેવી રીતે શક્ય બને? નર્મદામાં 60 વર્ષ ગયા, આ મોદી સાહેબ 60 મહિનામાં કઈ રીતે લઈ આવશે. બે વર્ષની અંદર સુજલામ સુફલામની કાચી કેનાલ બનાવી દીધી હતી. અને ત્રણ ત્રણ પાક લેતા થઈ ગયા હતા, મારા ખેડૂતો. અને ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઉપર આવ્યા હતા. અને એ પ્રગતિ આગળ જતા જતા આજે? આજે ઘેર ઘેર નળથી જળ. ઘેર ઘેર નળથી જળ, આ સિદ્ધિ નાની નથી, ભાઈઓ. આવી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ કરીને આજે શુદ્ધ પીવાનું પાણી મળે એના માટેની આપણે ચિંતા કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
સેંકડો કિલોમીટરની નહેરો બનાવી. એના કારણે ખેતીમાં ફાયદો થયો, પાકમાં બદલાવ આવ્યો. હવે ફળફળાદિની ખેતી કરવા માંડ્યા. જીરુ, વરિયાળી, ઈસબગુલ, આમાંથી આજે આપણે વરિયાળીની બાબતમાં આગળ વધ્યા. અમારું ઊંઝા તો હવે ધમધમતું થઈ ગયું, ભઈલા. ચારે તરફ પ્રગતિની દિશામાં આપણી મંડીઓ ચાલી. અને હવે તો જ્યાં કપાસ થવા માંડ્યો છે, જ્યાં મગફળી થવા માંડી છે, એની તો કિંમત પણ, બધે રેકોર્ડ તોડી દીધા છે.
ભાઈઓ, બહેનો,
પશુપાલન બાબતમાં પણ કેટલા બધા કામ થયા આપણે ત્યાં. ડેરી તો પહેલા પણ હતી, પરંતુ દૂધના ચિલિંગ પ્લાન્ટ નહોતા. પ્લાન્ટ એટલા માટે નહોતા કે વીજળીનો અભાવ હતો અને દૂધ બગડી જતું હતું. આપણે વીજળી પહોંચાડી તો ગામડે ગામડે ચિલિંગ પ્લાન્ટ થવા માંડ્યા અને એના કારણે દૂધનો ભરાવો વધ્યો અને દૂધના બધા રેકોર્ડ આપણે તોડી નાખ્યા. આ નરેન્દ્ર – ભુપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી ચિંતા કરી છે. કેટલાક લોકોને લાગે કે અમે તો રાજકારણ કરીએ છીએ. વોટના ભુખ્યા છીએ. અરે, અમે તો એવા લોકો છીએ કે જ્યાં પશુ વોટ ના આપે ને, એનાય પગની ચિંતા કરતા હોઈએ છીએ, એના પણ જીવનની ચિંતા કરતા હોઈએ. જ્યારે હું લોકોને કહું કે હું ગુજરાતમાં પશુ આરોગ્ય મેળા ચલાવતો હતો, પશુના દાંતની ચિકિત્સા માટે ચિંતા કરતો હતો, પશુના આંખના ઓપરેશન કરાવતો હતો ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું, ભાઈઓ, બહેનો. આ પશુપાલનની દિશામાં, હમણા આપણે મોટું અભિયાન દેશમાં ઉપાડ્યું છે. કોવિડનું ટીકાકરણ, કોરોનાનું ટીકાકરણ, મફતમાં બધાને ટીકા લાગ્યા. લાગ્યા કે ના લાગ્યા, ભાઈ? તમારે બધાને ટીકા લાગેલા છે ને? એક રૂપિયો આપવો પડ્યો? આ તો તમને ખબર છે પણ તમને આનંદ થશે. 14,000 કરોડ રૂપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. કારણ, અમારા પશુઓને પણ બીમારી ના આવે. આપણે ત્યાં ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મળતા. આપણે પશુપાલકને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું નક્કી કર્યું. અને ઓછા વ્યાજે અમારા પશુપાલકને પણ બેન્કમાંથી લોન મળે, વ્યાજના ખપ્પરમાં ન ફસાય, એની ચિંતા આપણે કરી.
ભાઈઓ, બહેનો,
મને યાદ છે, ઊંઝા, ઉમિયા માતાના ધામમાં એક વાર ગયો હું, ત્યારે મેં ખુબ ઠપકો આપેલો, ઊંઝાવાળાઓને. રાજકારણમાં કોઈ આવું સાચું બોલવાની હિંમત ના કરે પણ મારી ટેવ જાય નહિ, કારણ, તમે મને શીખવાડ્યું. ઊંઝામાં જઈને મેં કહ્યું કે અહીંયા માના ગર્ભમાં દીકરીઓને મારી નાખવાનું જે ચાલે છે ને એ ઊંઝામાં બંધ થવું જોઈએ. અરે, મા ઉમિયાની સાક્ષીએ મેં વાત કરી. અને મારે આજે ઊંઝાને માથું નમાવવું છે કે ઊંઝાના લોકોએ મારી વાત માની અને આખા ગુજરાતે વાત માની, અને આજે દીકરાઓ જેટલા જન્મે છે, એના કરતા વધારે દીકરીઓ જન્મવા માંડી. હવે દીકરીઓના પોષણની ચિંતા, દીકરીઓના સશક્તિકરણની ચિંતા, એની દિશામાં આપણે કામ કર્યું છે, ભાઈઓ, બહેનો. આજે ગુજરાતની અંદર 12 લાખ કરતા વધારે બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે. અને એટલા માટે એ બહેનોના સશક્તિકરણ માટે આપણે નક્કી કર્યું હતું કે ડેરીમાંથી જે બિલ ચુકવાશે ને, એ સીધી બહેનોના ખાતામાં પૈસા જશે. વચમાં કોઈના હાથમાં નહિ જાય. બહેનોને શક્તિશાળી બનાવવાનો નિર્ણય આપણે ગુજરાતમાં મેં એ વખતે કર્યો હતો. એના કારણે બહેનોમાં સામર્થ્ય આવ્યું.
ભાઈઓ, બહેનો,
20 સાલ પહેલા બહેનોમાં, મહિલાઓને ડાયરેક્ટર કે મેનેજમેન્ટમાં નહોતી. આજે ડેરી ને વહીવટની અંદર મહિલાઓને મેં ભાગીદાર બનાવી દીધી. ગુજરાતના ડેરી સેક્ટરની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કામ, વિકાસ કરવાનું કામ, મજબુતી આપવાનું કામ, ગામડું ગામડું મજબુત બને એનાં કામ કર્યું. કુપોષણની સામેની લડાઈમાં દૂધ સંજીવની યોજના. એમાં ડેરીઓને જોડી. ગામેગામ, ઘરે ઘરે, ગરીબ બાળકો, કુપોષણવાળા બાળકોની ચિંતા કરી. બેટીઓ હોય, માતાઓ, બહેનો હોય, પોષણના અભિયાન સાથે એને જોડવામાં આવી, એનો વિસ્તાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી માતૃત્વ શક્તિ યોજના દ્વારા એટલા બધા લોકોને લાભ થયો છે. અને એની શરૂઆત તો આપણે અહીંથી કરી હતી. અને મા યોજના, મા જ્યારે બને ત્યારે સશક્ત હોય, એની શારીરિક ક્ષમતાનો વિકાસ થયેલો હોય, તો બાળકો પણ સ્વસ્થ પેદા થાય. પોષણસુધા યોજના, પ્રસુતા માતાઓની ચિંતા, એના ભોજનમાં આયર્નની વ્યવસ્થા થાય એની ચિંતા, કેલ્શિયમની વ્યવસ્થા થાય એની ચિંતા, એના માટે ગોળીઓ આપવાની ચિંતા. બહેનોના વિકાસ માટે એવા અનેક કામો, સામાન્ય માનવીનું ભલું થાય એવા કામો, એની ચિંતા આપણે કરી. આપણો મહેસાણા જિલ્લો, ભૂતકાળનું શિક્ષણ, ઘેર ઘેર શિક્ષક તમને જોવા મળે. તમે કચ્છમાં જાઓ તો શિક્ષક ક્યાંનો હોય? મહેસાણા જિલ્લાનો હોય. સાતમું ધોરણ ભણીને, દસમું ધોરણ ભણીને, એક વર્ષનો કોર્સ કરીને શિક્ષક બની ગયા હોય, ને જિંદગી ચાલતી હોય. કારણ? આગળ ભણવાની વ્યવસ્થા જ નહોતી. આપણે 20 વર્ષની અંદર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની જો હું વાત કરું શિક્ષણની વ્યવસ્થામાં એટલો બધો સુધાર કર્યો. અહીંના ઔદ્યોગિક વિકાસને અનુરુપ વિદ્યાર્થીઓનું પણ ઘડતર થાય, એના માટે કર્યું. સાયન્સ અને એન્જિનિયરીંગનું ભણતર વધે એના માટેનો પ્રયાસ કર્યો. મેડિકલનો અભ્યાસ વધે, મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજો છે, ભાઈઓ. અને 12 જેટલી ડિપ્લોમા એન્જિનિયરીંગ કોલેજો છે. ભૂતકાળમાં આ બધું ગણ્યુગાંઠ્યું જડ્યુંય નહોતું. 20 વર્ષમાં મહેસાણામાં એન્જિનિયરીંગ કોલેજોની સીટોમાં પહેલા 600 સીટો હતી, આજે લગભગ 4,000 સીટો છે. 20 વર્ષ પહેલા મહેસાણામાં એન્જિનિયરીંગ ડિપ્લોમામાં 600 સીટો હતી, આજે 6,000 સીટો થઈ ગઈ છે, ભાઈઓ. એક ભાજપ સરકારે સૈનિક સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો અને મારે સાગર ડેરીના લોકોને અભિનંદન આપવા છે કે એ આગળ આવ્યા અને હવે આપણા મહેસાણામાં આપણી પોતાની સૈનિક સ્કૂલ બનવાની છે. અમારી બહેન, દીકરીઓને માતૃભૂમિની સેવા માટે આગળ વધવું હોય તેના માટે અવસર ઉભો થવા આવ્યો છે. ઉદ્યોગોની સ્થાપના. અભાવમાંથી પ્રભાવ તરફનો, પ્રગતિ, એ આપણે કરી બતાવી છે. અને હવે, તમે જુઓ એક જબરજસ્ત મોટી ક્રાન્તિ, એનું કેન્દ્રબિન્દુ મહેસાણા જિલ્લો બનવાનું છે. આજે જ્યારે દુનિયાની અંદર કંઈ યુદ્ધ અને આ બધું થાય એટલે બધી વ્યવસ્થા તૂટી પડે છે. પેટ્રોલ હોય ડીઝલ હોય, ગેસ હોય, બધું બહારથી લાવવાનું તૂટી પડે છે. હવે કરવાનું શું? હાથ જોડીને બેસી રહેવાનું? ના ચાલે ભાઈ. આપણે નક્કી કર્યું, ઈલેક્ટ્રિક વ્હીકલ માટે. અને મને ગર્વની વાત છે કે મારા મહેસાણા જિલ્લામાં, મારા આખા બહુચરાજીના પટ્ટાના અંદર છેક આખો તમે આ બાજુ વિરમગામથી લઈને મહેસાણા સુધીનો આખો પટ્ટો તમે જોઈ લો. કારખાનાઓની આખી જાળ ઉભી થઈ રહી છે. અને જેની અંદર ઈલેક્ટિક વ્હીકલનું નિર્માણ, ઈલેક્ટ્રિક બેટરીનું નિર્માણ, જે હિન્દુસ્તાનનું જીવન બદલવાનું કામ આ મારી મહેસાણા જિલ્લાની ધરતીમાંથી થવાનું છે. મહેસાણા જિલ્લાના જુવાનીયાઓની બુદ્ધિ. મહેસાણા જિલ્લાના જુવાનીયાઓના પસીનાથી થવાનું છે. અને એવા અનેક કામો લઈને જ્યારે આપણે ચાલી રહ્યા છીએ ત્યારે ઓટો-હબ બની રહ્યું છે, આપણું આ આખું ક્ષેત્ર, આખો પટ્ટો. અહીંથી ગાડીઓ જાપાન જાય છે, ભાઈઓ, તમને ગર્વ થાય કે ના થાય? અહીં જે ગાડી બને એ જાપાનમાં વેચાય છે. આ ઉત્તર ગુજરાતની ધરતીની તાકાત છે, ભાઈઓ. અને ઈલેક્ટિક વાહનો આવશે ને, દુનિયાનું બજાર કબજે કરવાની તાકાત આ જિલ્લાની અંદર આવવાની છે.
ભાઈઓ, બહેનો,
વિદેશમાંથી જે લાખો કરોડો રૂપિયાનું તેલ મંગાવીએ છીએ, એમાંથી મુક્તિ માટેનું અભિયાન છે. સોલર એનર્જી હોય, ઘરના ઉપર સોલર પેનલ હોય, રાત્રે ઘરે બહારથી આવ્યા, ગાડી હોય, ટ્રેક્ટર હોય, મોટર સાયકલ હોય, આ ઈલેક્ટ્રિક વ્હીકલ રાત્રે ચાર્જિંગમાં મૂકી દીધું, સવારમાં હાલો. કામ આગળ વધવા માંડે. આ પ્રકારની વ્યવસ્થા, આ આખું ઈલેક્ટ્રિક વ્હીકલનું હબ મોટું, આ આપણું ઉત્તર ગુજરાત વિકસી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જુવાનીયાઓને મોટો અવસર ઉભો થવાનો છે. અને એટલા માટે કહું છું, ભાઈઓ કે એક લાંબા ગાળાની દીર્ઘ દૃષ્ટિ સાથે આગામી 25 વર્ષની અંદર આપણો મહેસાણા જિલ્લો આત્મનિર્ભર બને, આપણું ગુજરાત આત્મનિર્ભર બને અને વિકાસને કેવી દિશા મળે. તમે જુઓ, 1930માં અંગ્રેજોએ મહેસાણાથી આબુ રોડ, તારંગા – અંબાજી રેલવે લાઈન, 1930માં, 100 વર્ષ સુધી કોઈને કાગળિયા, ફાઈલ જોવાની નવરાશ ન મળી. આ તમારો મહેસાણા જિલ્લાનો દીકરો ત્યાં બેઠો ને મેં બધી શોધખોળ ચાલુ કરી. અને આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ એક નવી રેલવે લાઈનનું કામ ચાલુ કર્યું. અંબાજી અને તારંગાને જોડશે. સાહેબ, અંબાજી અને તારંગા ધમધમાટ બોલી જવાનો છે. નવો એક વિકાસનું ક્ષેત્ર વિકસી જવાનું છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોરના કારણે, દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરીડોર, એની ધૂરા આપણા મહેસાણાનો આસપાસનો વિસ્તાર બનવાનો છે. એટલે તમે કલ્પના ના કરો, એટલી બધી પ્રગતિ થવાની છે. અને એની સાથે સાથે ટુરિઝમ. જેમ જેમ મધ્યમ વર્ગ મોટો થતો જાય, શક્તિશાળી, એમ આપણી જે વિરાસત છે ને એનું ગર્વ વધતો જાય છે. આપણો, તમે મહેસાણા ખાલી આંટો મારો ને... અમારું બહુચરાજી, અમારું મોઢેશ્વરી, સૂત્રપુરનો રૂદ્રમહાલય, પાટણની રાણકી વાવ, વડનગરમાં બૌદ્ધ ધર્મની પરંપરા, અઢી હજાર વર્ષ જૂનું ગામ, મહુડી, અમારું આગલોડ, અમારું અંબાજી, અમારા ઉમિયા માતા, અમારા તારંગાજી, શું નથી? ધરોઈના ડેમથી લઈને અંબાજી સુધી આખો વિકાસનો નવો પટ્ટો થઈ રહ્યો છે.
ભાઈઓ, બહેનો,
વિકાસના માટે એક સમૃદ્ધ ક્ષેત્રો ઉભા થઈ રહ્યા છે અને આ વિઝન છે, એટલા માટે થઈ રહ્યા છે. અને વિઝનની પૂર્તિ માટે તમારા આશીર્વાદ મને તાકાત આપી રહ્યા છે.
ભાઈઓ, બહેનો,
આજે જ્યારે મારા ઘરે આવ્યો છું ત્યારે, મારા ગામમાં આવ્યો છું ત્યારે આપ સૌ વચ્ચે, મારા પરિવાર વચ્ચે આવ્યો છું ત્યારે મારી આપને એક જ વિનંતી છે. ચુંટણી તો જીતાડવાનું તમે નક્કી કરી દીધું છે, ભાઈ. તમે ચુંટણી જીતાડવાનું તો નક્કી કરી જ દીધું છે, પણ મારે વઘુમાં વધુ વોટ પડે એની ચિંતા કરવી છે.
જૂના બધા રેકોર્ડ તૂટી જાય, અને વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા બે હાથ ઊંચા કરીને, છેક છેલ્લેથી અવાજ આવવો જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં જશો? (ઑડિયન્સમાંથી હા...)
મતદાનના જૂના બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
ગામોગામથી ભાજપ ને કમળ ખીલાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ખાલી વિધાનસભા જીતે એવું નહિ, ગામેગામ જીતવું છે.
એક દીકરા તરીકે મારો માગવાનો આટલો હક્ક ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
આ તમારા જિલ્લાનો દીકરો તમારી પાસે માગે તો પુરું કરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક બીજું કામ.
અને આ મારું અંગત કામ.
તમે કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા અવાજ બધાનો આવે તો હું કહું. (ઑડિયન્સમાંથી હા...)
બધા હાથ ઉપર કરીને કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જો પાંચમીએ મતદાન છે. હજી તમારી પાસે દસ દહાડા પડ્યા છે.
ઘરે ઘરે જવાનું, જશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક ઘરમાં બધા વડીલોને મળવાનું. મળશો? (ઑડિયન્સમાંથી હા...)
મારો એક સંદેશો આપવાનો, આપશો? (ઑડિયન્સમાંથી હા...)
આપશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ મહેસાણા આવ્યા હતા, અને તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
બસ, આટલું મારું કામ કરજો.
આ વડીલોને મારા પ્રણામ પહોંચે ને એટલે વડીલોના મને આશીર્વાદ મળે એટલે મારી કામ કરવાની તાકાત ડબલ થઈ જાય, ભાઈ.
એટલા માટે એકેએક ઘેર જઈને કહેજો, નરેન્દ્રભાઈ મહેસાણા આવ્યા હતા, ટાઈમના અભાવે પાછા નીકળી ગયા પણ તમને પ્રણામ કહીને ગયા છે.
આટલું તમે ઘેર ઘેર જઈને કહેશો ને? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો કે નહિ કહો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.