રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શનિવારના રોજ વડોદરા ખાતે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અમલીકરણ અંગે સામુહિક ચિંતન શિબિરમાં એકત્ર થયેલા મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૧ જિલ્લાઓના ૬૩૦ જેટલાં અધિકારીઓને વિડીયોના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ ચિંતન શિબિરમાં જિલ્લા કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ ખાતાઓના જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓ તેમજ રાજ્યકક્ષાના સચિવો અને ઉચ્ચાધિકારીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં વડોદરા જિલ્લાના પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાજ્યના મુખ્ય સચિવશ્રી એ.કે.જોતિ તેમજ મહેસુલ વિભાગના અગ્ર સચિવશ્રી પી. પનીરવેલએ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એટીવીટી)ની વ્યવસ્થા દ્વારા સ્થાનિક પ્રજાની માંગ અને આવશ્યકતાાઓ પ્રમાણે ટીમવર્ક અને લોક ભાગીદારીથી તાલુકાસ્તરે જ શક્ય તેટલી લોક સમસ્યાઓનો અસરકારક નિકાલ કરવા અને તાલુકાઓ વચ્ચે વિકાસની સ્પર્ધાનું વાતાવરણ સર્જીને સમગ્ર રાજ્યનો સમતોલ વિકાસ સાધવાની તળીયાથી ટોચ તરફ વધતી નવી પ્રશાસકીય વ્યવસ્થાની સમજણ આપી હતી.
અત્યાર સુધી રાજ્યના શાસન માળખાનો આધાર ૨૬ જિલ્લાઓ હતાં, હવે રાજ્યના તમામ ૨૨૫ તાલુકાઓ રાજ્યના વહીવટી માળખાનો આધારસ્થંભ બનશે, ૨૬ સ્થંભોને બદલે ૨૨૫ સ્થંભો પ્રજા કલ્યાણનો બોજ ઉઠાવશે તેવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તંત્રમાં બિ્રટીશ શાસનના વારસાના રૂપમાં સરકારની ભલાઇ કરવાનો ભાવ ધર કરી ગયો છે, કામનેઅધરૂં અને લાંબુ કરવાની જે માનસિકતા બંધાઇ છે, તેમાંથી મુક્તિ અને અભિગમ બદલવાની આ કવાયત છે.
એટીવીટીથી રાજ્યના તાલુકાઓ વચ્ચે વિકાસની સ્પર્ધાનું તંદુરસ્ત વાતાવરણ સર્જાશે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટોચથી તળીયા તરફના વિકાસ આયોજનોના પરિણામોની ખબર પડતાં ધણી વાર લાગતી હતી. તેને બદલે તાલુકાસ્તરેથી આયોજનના સારાં પરિણામો તુરત જ જણાઇ આવશે. તાલુકા વહીવટીતંત્રની ક્રિએટીવીટીને ઉત્તેજન અને તાલુકા ટીમને કામ કરવાની મોકળાશ મળશે. તાલુકા ગરીબ કલ્યાણ મેળાઓના સફળ આયોજન દ્વારા તાલુકા તંત્રએ તેમની ક્ષમતા પુરવાર કરી છે, એટલે એટીવીટી દ્વારા તાલુકા તંત્રોને કામ કરવાની, સાર્મ્થ્ય પુરવાર કરવાની તક આપવાનો પ્રયાસ કર્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
એટીવીટી એ તાલુકાસ્તરેથી પ્રજાકીય સુખાકારીની કાળજી લઇને માનવસંપદા વિકાસનો સૂચકાંક સુધારવાની વ્યૂહરચના છે તેવી લાગણી વ્યક્ત કરતા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે તાલુકા સેવા સદનોએ એટીવીટીનું માળખુ ધડવાનું પ્રથમ પગથિયું છે, તેનું સંપૂર્ણ અમલીકરણ મોટો પડકાર છે જેને પહોંચી વળવામાં ટીમવર્કની તાકાત મદદરૂપ બનશે.
એટીવીટીથી જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની જવાબદારી ઓછી થવાની નથી, તેમણે ટીમ લીડર્સ તરીકે તાલુકા ટીમોનું નેતૃત્વ કરવાનું છે તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્ય સચિવશ્રી જોતિએ જણાવ્યું હતું કે નવી પ્રાંત કચેરીઓની રચનાના સંચાલનને સુચારૂં બનાવતા જરૂરી જીઆર્સ (ઠરાવો) એકાદ બે દિવસમાં બહાર પડી જશે.