ટાઉન હોલ, ગાંધીનગર
તા. ૪ જાન્યુઆરી, ૨૦૧૨
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી રણછોડભાઈ ફડદુ, શ્રીમાન રૂપાલાજી, સૌ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો...
બક્ષીપંચ મોરચાના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે તેમણે દેશને બચાવવાનું બીડું ઉઠાવ્યું છે. મિત્રો, આ કાર્યક્રમનું સ્વરૂપ જે હોય તે, કદાચ અહીં હાજર છે તેને પણ ખ્યાલ નહીં હોય કે આ ઘટના સમગ્ર દેશના જીવન પર કેવો પ્રભાવ પેદા કરી શકે છે. અને એટલે મેં કહ્યું કે ગુજરાતના બક્ષીપંચ મોરચાના આગેવાનોએ દેશ બચાવવાનું બીડું ઉઠાવ્યું છે. મિત્રો, વોટબેંકની રાજનીતિએ દેશને બરબાદ કરી નાખ્યો છે. ૬૦ વર્ષ થયાં, નાના-નાના દેશો, ભારત પછી આઝાદ થયેલા દેશો, એ દુનિયામાં ક્યાંના ક્યાં પહોંચી ગયા અને આ ૧૨૦ કરોડનો દેશ ગરીબીમાં સબડે? કોના પાપે? માત્રને માત્ર ખુરશીનું રાજકારણ, માત્રને માત્ર સત્તા-ભૂખ, માત્રને માત્ર વોટની પેટીઓ. આના કારણે આ દેશની દુર્દશા થઈ છે. એક જમાનો હતો, આ જ બક્ષીપંચના ખભે બંદૂકો ફોડી ફોડીને ખામ-ખામ-ખામ કરીને ગુજરાતની ગાદી ઉપર ચડી બેઠા હતા. અને હવે, એમનો ઉપયોગ પૂરો થયો એટલે એમને કચરા ટોપલીમાં નાખીને, બીજા લોકોને માથે કરીને નવું રાજકારણ શરૂ કરવામાં આવેલ છે, મિત્રો. જેમ શેરડીના સાંઠામાંથી રસ ચૂસાઈ જાય એટલે ફેંકી દે એમ એમને કારણે એમણે બક્ષીપંચને ફેંકી દેવાનું નક્કી કર્યું છે. આજ સુધી એમના ભરોસે કામ ચલાવ્યું હતું, હવે એને જ ફેંકી દેવાના... આ કારસો રચ્યો છે.
ભાઈઓ-બહેનો, બે મૂળભૂત ફેરફાર જુઓ, પરિવર્તન જુઓ, બે જુદા ચહેરા જુઓ. એક રસ્તો કયો? જે ૬૦ વર્ષ દેશને જોયો છે, લગાતાર ૬૦ વર્ષ આપણે અનુભવ કર્યો છે. અને એક વાક્યમાં કહેવું હોય તો એમ કહીએ કે ‘ભાગલા પાડો અને રાજ કરો’. એક જ રસ્તો હતો. આપણું ચરિત્ર જુદું છે, આપણાં સપના જુદાં છે. આપણે માટે દેશ સર્વોપરી છે. આપણે કયો રસ્તો લીધો? ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. એમનો રસ્તો ‘ભાગલા પાડો, રાજ કરો’, આપણો રસ્તો ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. એમનો રસ્તો જાતિવાદનાં ઝેર, એક એક જાતિને બીજી જાતી સાથે લડાવવાની, જુઠાણાં ફેલાવીને ઉશ્કેરવાના. આપણો રસ્તો, પ્રત્યેક પળે મોંમાથી મંત્રની જેમ નીકળે, ‘છ કરોડ ગુજરાતીઓ’. અને એકતાના માર્ગે શું વિકાસ ન થઈ શકે? પણ વિકાસ કરવાની એમનામાં દ્રષ્ટિ નથી. વિકાસ કરવા માટે મહેનત કરવાની એમનામાં તૈયારી નથી. અને તેથી વિકાસ પર વિશ્વાસ મુકવો નહીં, ટુકડાઓ ફેંકીને વોટબેંકની રાજનીતિ કરવી અને વારંવાર ખુરશીઓ હથિયાવી લેવી, આ જ ખેલ ચાલ્યા છે.
ભાઈઓ-બહેનો, ગુજરાત આની સામે લડાઈ ઉઠાવે. શું બધાને સાથે રાખીને ન ચાલી શકાય? જે લોકોએ ભારતના બંધારણનું નિર્માણ કર્યું, એ ભારતનું બંધારણ બનાવનારી ટીમમાં એકેય જનસંઘવાળો નહોતો, એકેય ભાજપવાળો નહોતો, એકેય આર.એસ.એસ.વાળો નહોતો, એકેય વી.એચ.પી. કે બજરંગદળવાળો નહોતો. બધા જ કોંગ્રેસ સાથે જોડાયેલા, કોંગ્રેસથી પરિચિત એવા જ મહાનુભાવો હતા. અને બધાએ મળીને નક્કી કર્યું કે આ દેશમાં ક્યારેય ધર્મના આધારે અનામતની પ્રથાને પ્રવેશ ન આપવો. આ વાત આપણી નથી, બંધારણના નિર્માતાઓએ કહ્યું હતું કે સંપ્રદાયના આધારે જો અનામત પ્રથા હશે તો આ દેશ ટુકડાઓમાં વહેંચાઈ જશે. અને કોઈ એમ ન માનતા કે આ અહીંયાં અટકવાનું છે. એમણે સાડા ચાર ટકાની જાહેરાત કરી એ જ દિવસે એમના એક નેતાએ જાહેરાત કરી કે જો ઉત્તર પ્રદેશમાં જીતીશું તો આ સંખ્યા અમે આઠ ટકા સુધી લઈ જઈશું. તમારું કાંઈ રહેવાનું છે, ભાઈ? શું ગરીબમાં પણ સંપ્રદાયના આધારે ગરીબી નક્કી કરશે? આર્થિક-સમાજિક કારણોસર ન્યાયમૂર્તિના પંચો દ્વારા જુદા જુદા સમાજોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા અને બધાને સમાન તક મળે એની યોજના બની. પણ એ હવે તમને વોટ અપાવી શકતી નથી, કારણ? એમાં પણ હવે ભણી-ગણીને જે લોકો આગળ આવ્યા છે એમને ખબર પડવા માંડી છે કે આ ખુરશીના ખેલમાં એ લોકોનાં ૬૦ વર્ષ, બબ્બે-ત્રણ ત્રણ પેઢી બરબાદ થઈ ગઈ છે, એ જાગૃત થયા છે. અને એટલા માટે તમે આ ટુકડાઓનું રાજકારણ ચાલુ રાખ્યું છે.
ભાઈઓ-બહેનો, સદભાવનાનો મંત્ર શું છે? મેં પહેલા જ દિવસે મારા ભાષણમાં કહ્યું હતું કે આ સદભાવના મિશન વોટબેંકની રાજનીતિનો મૃત્યુઘંટ વગાડવા માટે છે. વોટબેંકની રાજનીતિ સામે આ એક લડાઈ છે મિત્રો, કારણકે એ દેશને તોડી નાખવા માટે છે, દેશને બરબાદ કરવા માટે છે. દેશને બચાવવો હશે તો દેશમાં એકતા જોઇએ. અને પ્રધાનમંત્રી ૨૦૦૯ ની ચૂંટણી જીતવા માટે લઘુમતીઓના કલ્યાણ માટે પંદર મુદ્દાઓની યોજના લઈ આવ્યા હતા. એ આવ્યા પછી પણ એ વાત આગળ ચાલી નહીં. એનાથી પણ એમનું પેટ ભરાતું નથી. એમની મતપેટી એમનેમ ખાલી રહે છે એટલે હવે નવું લાવ્યા. આનાથી નહીં ભરાય તો ઓર નવું લાવશે. કોઇકે તો ‘રુક જાવ’ કહેવું પડે કે ન કહેવું પડે, ભાઈ? આ ‘રુક જાવ’ કહેવા માટેનો કાર્યક્રમ છે. અને આમને આમ ચાલ્યું તો તમે જોજો... અને આમની આટલી બધી ટેસ્ટ લેવાની ઉતાવળ હતી... મહિલાઓના રિઝર્વેશનનું બિલ કેટલા વરસથી અટવાય છે, ભાઈ? આ દેશમાં ૫૦% બહેનોને પાર્લામેન્ટ-વિધાનસભાની અંદર ૩૩% અનામત મળે એના માટેનું બિલ કેટકેટલી સરકારો ગઈ... આટલું બધું મહત્વનું કામ હતું તો આ કેમ નથી લાવતા, ભાઈ? ના, કારણ? એમાં વોટની ગેરંટી નથી, વોટબેંકનું રાજકારણ કરવાની સંભાવના બહુ ઓછી છે, એમની ખુરશીને પાલવે એવો ખેલ નથી એટલા માટે એ નહીં કરવાનું. પણ સંપ્રદાયના આધાર પર જાતિવાદનાં ઝેર ફેલાવીને લોકોને બરબાદ કરવાનો જે રસ્તો કોંગ્રેસે ઉપાડ્યો છે, એ દેશ માટે મોટો ખતરો પેદા કરશે.
આપ વિચાર કરો કે આટલાં બધાં વર્ષો સુધી પછાતના નામે રાજકારણ કર્યું એ લોકોએ, પણ ગુજરાતની અંદર ૫૦ કરતાં વધારે તાલુકા એવા હતા ભાઈઓ, કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. આપ વિચાર કરો, જ્યાં આગળ પછાત સમાજના લોકો રહે, અવિકસિત વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય, દરિયાકાંઠો હોય... જે વિકાસમાં પાછળ રહી ગયા. આઝાદીનાં ૫૦ વર્ષ પછી પણ આ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી. હવે જો વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોય તો એ બાળક એન્જિનિયર કેવી રીતે થાય, ડૉક્ટર કેવી રીતે થાય? અને એન્જિનિયર કે ડૉક્ટર ના થાય પછી તમે સરકારમાં ગમે તેટલી જાહેરાતો આપો એ જગ્યાઓ ભરાય ક્યાંથી? આખા દેશમાં એમણે પાયાનું કામ કર્યું જ નથી, મિત્રો. કોઈ પાયાનું કામ કર્યું નથી. આપણને લાગ્યું કે ભાઈ, આ પાયાના પ્રશ્ન ઉકેલો અને ભાઈઓ-બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના એકેએક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આપણે ચાલુ કરી જેથી કરીને સમાજની વિકાસયાત્રામાં છેવાડે બેઠેલો માનવી ભાગીદાર બની શકે. એને અવસર આપ્યો. એક સમય હતો કે એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડમિશન લેવાનાં હોય, અનામતના કારણે કેટલાય લોકોને એમ લાગે કે મારો હક જતો રહ્યો. અનામતવાળાને એમ લાગે કે અનામત મળી એટલે બધું કલ્યાણ થઈ ગયું. કાયમ ઝગડા ચાલતા હતા, મિત્રો. કારણ શું હતું? કે માત્ર ૧૩,૦૦૦ જ બેઠકો હતી એટલે લૂંટાલૂંટ ચાલતી હતી. આપણે આંકડો ૯૦,૦૦૦ લઈ ગયા, ઝગડો જ બંધ થઈ ગયો. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આનું નામ કહેવાય, ભાઈ. મિત્રો, આપણે ગરીબના ભણવા માટેનો વિચાર કર્યો. આપણે નક્કી કર્યું કે સો એ સો ટકા દીકરીઓ નિશાળે જાય. સો એ સો ટકા દીકરીઓને નિશાળે લઈ જવી. આ ૧૦૦% માં કોણ છે, ભાઈ? કોઈ સંપ્રદાય જોયો છે? કોઈ જ્ઞાતિ જોઇ છે? કોઈ ઊંચ-નીચનો ભેદભાવ જોયો છે? એક જ વાત, સો એ સો ટકા દીકરીઓ નિશાળમાં આવે. સૌનું કલ્યાણ થયું કે ના થયું? સૌનો સાથ લીધો કે ના લીધો? વિકાસ થયો કે ના થયો? એમને આ પગલું નથી લેવું. આ કરવું હોય ને તો જુન મહિનાના ધોમધખતા તાપમાં, ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યારે ગુજરાતના ગામડાં ખૂંદવાં પડે અને ઘેર-ઘેર જઈને મા-બાપને કહેવું પડે કે મને દીકરી આપો, મારે ભણાવવી છે. તપ કરવું પડે, મિત્રો. અને આ પુણ્યનું કામ માત્રને માત્ર બક્ષીપંચના, મુસલમાન સમાજના, ગરીબ સમાજના સંતાનોને ભણાવવા માટે કર્યું છે. પણ એમને એ રસ્તો મંજૂર નથી, મિત્રો. સમાજને તોડવો-ફોડવો, આ જ પ્રવૃત્તિ છે, મિત્રો. અને એની સામે આ આક્રોશ એ સમયની માંગ છે.
ઇંદિરા ગાંધીના જમાનાથી એક યોજના ચાલતી હતી. કટોકટીના સમયમાં ખુરશી ટકાવવા માટે આ યોજનાનો જન્મ થયો હતો. ૨૦ મુદ્દાનો કાર્યક્રમ. પણ એ ગરીબોના ભલા માટેની યોજના હતી એના કારણે ત્યાર પછી મોરારજીભાઈની સરકાર આવી એમણે પણ ચાલુ રાખ્યો. એ પછી જેટલી આ દેશમાં સરકારો આવી, બધી જ સરકારોએ ચાલુ રાખ્યો. અને આ ૨૦ મુદ્દા અંતર્ગત ગરીબોની ભલાઈનું કામ કયા રાજ્યમાં કેટલું થાય છે એનો દર ત્રણ મહિને હિસાબ-કિતાબ કરે છે ભારત સરકાર. અને પછી ભારત સરકાર જાહેરાત કરે છે કે ૧૦૦$% કરતાં પણ વધારે સારી કામગીરીવાળાં રાજ્યો કયાં? ભાઈઓ-બહેનો, ગરીબોના કલ્યાણના કામનો હિસાબ-કિતાબ. મૂળ કાર્યક્રમ ઇંદિરા ગાંધીએ ચાલુ કરેલો, અટલજી સહિતની બધી જ સરકારોએ એને ચાલુ રાખેલો, મનમોહનસીંહજીની સરકારમાં પણ ચાલુ છે. આમાં કરવાનું રાજ્યોએ હોય છે. મારે દુખ સાથે કહેવું છે ભાઈઓ-બહેનો, કે ૨૦ મુદ્દાના ગરીબોના કલ્યાણના કાર્યક્રમોના અમલીકરણમાં યુ.પી.એ. નું એક પણ રાજ્ય ક્યારેય નંબર નથી લાવ્યું. કોંગ્રેસ કે કોંગ્રેસના સાથી પક્ષો એક પણ વખત પહેલા પાંચમાં નથી આવ્યા, અને પહેલા પાંચમાં નંબર લીધો હોય તો એન.ડી.એ. ની સરકારોએ લીધો છે, ભાજપની સરકારોએ લીધો છે અને ગુજરાત હંમેશાં નંબર એક રહ્યું છે. આ કોણ છે ગરીબો? આ જ બક્ષીપંચના સમાજના ભાઈઓ. આ જ જેમને શિક્ષણ નથી મળ્યું, ગરીબ રહ્યા છે એવા સમાજના ભાઈઓ. એમના કલ્યાણના કામોમાં... હવે જ્યારે મેં એ જોયું, તો મેં એક દિવસ એન.ડી.સી. ની મીટિંગમાં મુદ્દો ઉઠાવ્યો અને મેં એમને બતાવ્યું કે ભાઈ, આ તમારે કાંઈ કરવાનું છે કે પછી અમુક જ રાજ્યોએ બધું કરવાનું છે? તમારે લહેર જ કરવાની છે? અને એમ કરીને મેં રિઝલ્ટ મૂક્યું, તો એમની આંખો ખૂલી ગઈ. ખૂલી ગઈ તો શું કરવું જોઇતું હતું? એમણે એમનાં રાજ્યોમાં કંઈક સુધારો થાય એના માટે મહેનત કરવી જોઇએ. એવું ના કર્યું, એમણે શું કર્યું? એમણે મૉનિટરિંગ કરવાનું અને નંબર જાહેર કરવાનું જ બંધ કરી દીધું, બોલો..! ગયા આઠ મહિનાથી એમણે આ કામ જ બંધ કરી દીધું. કારણકે એમની આબરૂ જાય. કારણ, મેં સરકારના ઊંચામા ઊંચા અધિકારીઓ અને પ્રધાનમંત્રીની હાજરીમાં આ પુરાવો બતાવ્યો. એમનાં કરેલાં કરતૂતો બહાર પડ્યાં, આંકડા એમના જ હતા, કાગળિયાં બધાં હું ભારત સરકારનાં લઈને ગયો હતો. એટલે એમણે શું નક્કી કર્યું કે હવે આપણે હિસાબ-કિતાબ કરવાની જરૂર નથી, રાજ્યોવાળા રાજ્યોનું કરી લેશે. એમણે લઘુમતીઓના પંદર મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ... ભાઈઓ-બહેનો, પ્રધાનમંત્રીના લઘુમતીઓના પંદર મુદ્દાના કાર્યક્રમની અંદર ભારત સરકારનો રિવ્યૂ બહાર છે કે ગુડ કેટેગરી, ઉત્તમમાં ઉત્તમ કેટેગરીને ગુડ કેટેગરી લખે છે, એ ગુડ કેટેગરીની અંદર જો નામ હોય તો એ ગુજરાતનું નામ છે. એમને કરવું કશું નથી, માત્ર વોટબેંકની રાજનીતિ કરવી છે. અને નાના-નાના સમાજો પાસેથી છીનવી લેવાનું? અને પાછલા બારણેથી? ભાઈઓ-બહેનો, આનાથી મોટો તમારો કોઈ વિશ્વાસઘાત ન હોઈ શકે. અને આ સમાજો એવા છે ને, બક્ષીપંચની અંદર, કે બધું સહન કરી શકે પણ વિશ્વાસઘાત ક્યારેય સહન ન કરી શકે. માથાં મૂકી દે, આ સમાજ એવા છે કે માથાં મૂકી દે પરંતુ વિશ્વાસઘાત સહન ન કરે. આ લોકોએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મિત્રો. બક્ષીપંચના ભાઈઓ-બહેનો સાથે વિશ્વાસઘાત કર્યો છે, બક્ષીપંચના યુવાનોના ભવિષ્યને ટૂંપો દીધો છે આ લોકોએ. શું તમે તમારાં સંતાનોના ભવિષ્યને ટૂંપો દેવા તૈયાર છો? તો એની સામે લડવું પડે, મિત્રો. અને દિલ્હીની સરકારની સાન ઠેકાણે લાવવી પડે. રાજ્યોને પણ પૂછતા નથી, બોલો..! આખી લડાઈ ચાલી છે અત્યારે... કેવું કરે ખબર છે? કોઈ યોજના જાહેર કરે. છાપામાં ફોટા આવી જાય, વાહવાહી થઈ જાય અને પછી ફતવો બહાર પાડે કે આ યોજનામાં ૨૦% ભારત સરકારના અને ૮૦% રાજ્યોના, બોલો..! તમે ક્યાંય એવું જોયું કે તમને બોલાવે કે આવો, તમને પાઘડી પહેરાવીએ. તમે હોંશે હોંશે જાવ અને પછી એમ કહે કે, પાઘડીના પૈસા તમે આપજો હોં..! આવું કરે છે, બોલો. પાઘડીના પૈસા તમે આપજો... ફોટો અમારો પડે પણ પાઘડી પણ તમારી અને માથું પણ તમારું. આ જ ખેલ માંડ્યો છે એમણે. દરેક યોજનામાં રાજ્યો સાથે છેતરપીંડી. માત્ર તમારી જોડે જ નહીં પણ રાજ્યો સાથે પણ છેતરપીંડી. અને એમનાવાળા હોય ને, કોંગ્રેસના તો શું કરે, પાછલા બારણેથી બીજી-ત્રીજી યોજનાના નામે ૫૦૦ કરોડ રૂપિયા પધરાવી દે અને યુ.પી.એ. ના લોકોને લાભ મળે અને એન.ડી.એ. નાં રાજ્યોમાં એમને તો અપાય જ નહીં. આવા ખેલ ચાલે છે. આ જે દિલ્હીમાં જે મોટો ઝગડો છે એ ફેડરલ સ્ટ્રક્ચર સામે છે. મમતા બેનર્જીએ શેના માટે બ્યૂગલ ફૂંક્યું છે? ભારતના સંઘીય ઢાંચા ઉપર દિલ્હીની સરકારે ચોટ મારવાની કોશિશ કરી છે એની સામે મમતા બેનર્જીએ અવાજ ઉઠાવ્યો છે, એમના જ સાથીએ. શું આપણે ચૂપ રહીશું, મિત્રો?
ભાઈઓ-બહેનો, આ કાર્યક્રમ માત્ર અહીંયાં પૂરો નથી થતો, અહીંયાં શરૂઆત થાય છે. ગામો-ગામ ઠરાવ થવા જોઇએ, દરેક સમાજ ભેગા થઈને ઠરાવ કરે. દરેક સમાજના મુખપત્રો હોય છે એ મુખપત્રોમાં આ વાત સમજાવવી જોઇએ કે કેટલી ગંભીર સમસ્યા પેદા થવાની છે. ભાઈઓ-બહેનો, આ પ્રવૃત્તિ ચલાવી ન શકાય. આ દેશની એકતાને તોડનારું પગલું છે. બાકી બધા જ ગરીબોનું ભલું જોવું જોઇએ. ન સંપ્રદાય જોવો જોઇએ, ન જાતી જોવી જોઇએ, બધા જ ગરીબોનું ભલું થવું જોઇએ. એ મંત્રને આપણે વરેલા છીએ. પણ કોઈનું લૂંટી લેવાની પ્રવૃત્તિ, કોઈના હક્કો છીનવી લેવાની પ્રવૃત્તિ દેશમાં ક્યારેય ન ચાલી શકે. મિત્રો, કોંગ્રેસ પક્ષ ઉપર મને બહુ દયા આવે છે. એમને તો કોઈ મેળ જ નથી પડતો, આ તો છાપાંની મહેરબાની છે કે જીવે છે નહીંતો જડે નહીં, સાહેબ જડે નહીં. છાપાંવાળા એમને કહે છે કે હવે એકનું એક ક્યાં કર્યા કરો છો, આ લોકો કહે કે હવે છાપજોને યાર, તો કહે કે હશે, છાપીશું પણ કંઈ ઊપજતું નથી તમારું... મિત્રો, જુઠાણાં ક્યાં સુધી ચાલે? મિત્રો, ચાલીસ ચાલીસ વર્ષ સુધી અમે પણ વિરોધ પક્ષમાં રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જીંદગી વિરોધ પક્ષમાં ઘસી કાઢી છે, પરંતુ આવાં હવાતિયાં અમે ક્યારેય માર્યાં નથી. ઘરમાં પણ નાનું બાળક હોય ને, એને કાંઈ જોઇતું હોય અને ના મળે તો કેવું ઉછાળા મારતું હોય. અને ઉછાળા મારેને તો મા નાં ચશ્માં હોય તો પણ તોડી નાખે અને બાપના હાથમાંથી ખેંચેને... એવું કરેને ભાઈ? આ એવું જ ચાલે છે. એ રિસાણું હોય અને તોફાને ચડે ને... હવે એના ઉપર દયા ખાવા સીવાય શું કરવાનું ભાઈ?
ભાઈઓ-બહેનો, પ્રત્યેક સમાજના નાગરિક સુધી આ દેશની એકતા સામે સંકટ ઊભું કરવાનું જે ષડયંત્ર છે એની વાત પહોંચવી જોઇએ. આપણાં સંતાનોના ભવિષ્યને ટૂંપો આપવાનું આ જે ષડયંત્ર થયું છે એ વાત એમના ગળે ઉતારવી પડે. અને જો એક વાર એમને આમાં ફાવટ આવી ગઈને ભાઈ તો પછી અટકશે નહીં. પછી ધર્મના નામે બધે જ અનામતો આવી જ સમજજો. મ્યુનિસિપાલિટીમાં અનામતો, ધારાસભામાં અનામતો, લોકસભામાં અનામતો... જાણે જુદો દેશ ભેગો ચાલતો હોય ને એવું કરીને રહેશે આ લોકો. કારણકે એ કરી ચૂક્યા છે. હિંદુસ્તાનના બે ટુકડા કરતાં જે લોકો ન શરમાયા, એ લોકો બીજું કરતાં શું શરમાવાના છે? માં ભારતીના ભાગલા કરી નાખ્યા આ લોકોએ, એમને સમાજને તોડતાં શું વાર લાગે? આ સત્તાની ભૂખ એટલી ભયંકર હોય છે કે લોકો કંઈ પણ કરી બેસતા હોય છે, એમને કોઈ પરવા નથી. ભાઈઓ-બહેનો, હું પણ તમારી વચ્ચેનો છું. પણ ક્યારેય આ રસ્તે જવા માટે હું તૈયાર નથી. મારો રસ્તો છે છ કરોડ ગુજરાતીઓ. સમગ્ર ગુજરાત આગળ વધે, આ ગુજરાતમાં કોઈ ગરીબ ન હોય, આ ગુજરાતમાં કોઈ અશિક્ષિત ન હોય એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. પણ સમાજને તોડવા માટેનાં આ જે બધાં તોફાનો ચાલે છે ને એની સામે આક્રોશ વ્યક્ત કરવાની જરૂર છે. અને આજના સંમેલનમાં આપણો એક જ અવાજ છે કે, ‘રુક જાવ’. એક જ અવાજ, ‘રુક જાવ’. અને ભાઈઓ-બહેનો, જેમણે આ પાપ કર્યું છે ને, જે લોકો આ પાપના રસ્તે ચાલ્યા છે એમની સામે લડવાની હિંમત આપણે જ જતાવી શકીએ એમ છીએ.
આખા દેશમાં મિત્રો, જ્યાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં તો બધું ઠંડુંગાર થઈ ગયું છે. એસ.પી. વાળા એમ કહે કે આનાથી પણ અમે તો વધારે આપીશું. બી.એસ.પી. વાળા કહે કે અમે એનાથીયે વધારે આપીશું. ત્યાં તો સ્પર્ધા જ આ છે. મિત્રો, એક બાજુ દેશને તોડવાવાળાઓનો મોરચો છે અને બીજી બાજુ દેશને જોડવાવાળાઓનો મોરચો છે. અને મિત્રો, આ લડાઈ એવી છે કે એકતામાં ઉમેરો કરશે, એવો મારો વિશ્વાસ છે, આપણી શક્તિને જોડશે. અને સમાજના બીજા લોકો, જે બક્ષીપંચના નથી, એ પણ આપણી સાથે જોડાશે કારણકે આ લડાઈ સત્યને માટે છે. કેટલું મોટું નુકસાન થવાનું છે, મિત્રો. ભારત સરકાર, અત્યાર સુધી એમને ટેકનોટ ભરવાનું યાદ ના આવ્યું, બોલો. પણ જેવું આ અનામતનું ગોઠવાઈ ગયું એટલે પેલા લોકોને ગોઠવવા માટે એમણે જાહેરાત કરી કે અમે ટેકનોટ ભરીશું. કેમ ભાઈ, અઠવાડિયા પહેલાં તમને આ વિચાર કેમ ના આવ્યો? એમને ખબર હતી કે બધા બક્ષીપંચવાળા ગોઠવાઈ જાય, બસ... અને મિત્રો, બક્ષીપંચમાં બધા જ સમાજો છે, બધા જ સંપ્રદાયો છે. એક એવી વ્યવસ્થા છે કે જેમાં ગરીબીના માધ્યમથી બધાનું ભલું કરવાનો પ્રયાસ છે. અને સમાજ જુઓ, કે આ વ્યવસ્થાની સામે કોઈ આક્રોશ નથી. લોકોએ પચાવી લીધું છે કે ૨૭% અનામત બક્ષીપંચના લોકોને મળે, એમનું ભલું થાય એ સમાજે પચાવી લીધું છે. હવે તમે આમાં સ્ક્રૂ ટાઇટ કરીને લોકોને તોફાન કરતા કર્યા છે, નવું તોફાન ઊભું કરવાનો ખેલ આદર્યો છે. અને જે ખેલ ખેલીને રાજકારણ કરતા હતા એ જ લોકોને હવે શેરડીના સાંઠાની જેમ ચૂસીને ફેંકી દેવાવાળો કાર્યક્રમ શરૂ કર્યો છે. આનાથી મોટો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં મિત્રો, અને એટલા માટે ગુસ્સો વ્યક્ત થવો જરૂરી છે. સમાજ જો એકત્ર થાય, સમાજ જો એકત્ર થઈને અવાજ ઉઠાવે, સમાજ જો ભેગા થઈને ઠરાવ કરે, ગામ ભેગું થઈને ઠરાવ કરે... રાષ્ટ્રપતિને જાય, પ્રધાનમંત્રીને જાય... કોઈ કાળે આ લડાઈ બંધ ન થવી જોઇએ, મિત્રો. અને મિત્રો, મારો દાવો છે, જે ખેલ ખેલીને એમણે રાજકારણનો લાભ ઉઠાવ્યો છે ને એ જ ખેલ એમના માટે મોતનું કારણ ના બને તો કહેજો..! જે રસ્તે એમણે રાજકીય કાવાદાવા કરીને સમાજને તોડ્યો છે, આ વધારે પગલાં એમને જ તોડીને રહેશે, આ મારો વિશ્વાસ છે, મિત્રો. હું સ્પષ્ટ જોઇ શકું છું. એમને અંદાજ નથી કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. અને દેશ, દેશને તોડવાની આવી કોઈ પ્રવૃત્તિ સહન નહીં કરે, મિત્રો. અને તેથી હું આ સંમેલનને દેશ બચાવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કહું છું, મિત્રો.
આ વોટબેંકની રાજનીતિ નથી, આ ખુરશીના ખેલ નથી, મિત્રો. આ પ્રખર દેશભક્તિનું કામ છે, સમાજની એકતાનું કામ છે, સમાજને જોડવાનું કામ છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’, આ મંત્રને ચરિતાર્થ કરવા માટેનું કામ છે. સદભાવના ઘેર-ઘેર પહોંચાડવા માટેનો આ જ ઉત્તમ પ્રયાસ છે, એ વોટબેંકની રાજનીતિને દફનાવવી છે. વોટબેંકની રાજનીતિનો મૃત્યુઘંટ વગાડવા માટે સદભાવના મિશનનું અભિયાન ચલાવ્યું છે. કેવી અકળામણ થતી હશે, જુઓ તો જરા... સદભાવના મિશને કેવા પરેશાન કરી મુક્યા છે એમને...! શુદ્ધ-સાત્વિક કાર્યક્રમ છે, તદ્દન સાત્વિક. આપણે જઈને બેસીએ અને લોકોને પગે લાગીએ. એમાં આવું થતું હોય તો શું થાય..! આ સદભાવના મિશન છે ને એ હોમિયોપેથીની ગોળીઓ જેવું છે. હોમિયોપેથીની દવાની એક વિશેષતા હોય છે કે દવા લાગુ પડેને તો રોગ વકરે પહેલાં. અને એને જોઈને કહે કે હવે દવા લાગુ પડી..! એનો અર્થ એ કે આ સદભાવના મિશનની દવા બરાબર લાગુ પડી છે. એમને ખબર છે કે એમનો મૃત્યુઘંટ નિશ્ચિત છે, મિત્રો. વોટબેંકની રાજનીતિનો ખાતમો ગુજરાતથી શરૂ થવાનો છે. વિકાસની રાજનીતિનો પાયો દેશનું ભલું કરવાનો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’, આ જ મંત્ર સૌના કલ્યાણનો કારક છે, છ કરોડ ગુજરાતીઓ અમારા આરાધ્ય દેવ છે અને એમના કલ્યાણને માટે કામે લાગેલા છીએ.
આજે અનેક વિષયોની માહિતી આપણને મળી છે. બક્ષીપંચના વિકાસનાં કામો કેટલાં બધાં કર્યાં છે, બજેટ ક્યાંથી ક્યાં લઈ ગયા છીએ, મિત્રો. છેવાડાનો માનવી ક્યાંય પાછળ ન રહી જાય એની મથામણ આદરી છે. જમીનના પ્લૉટ આપવાનું કામ કેવું ઝડપી પતાવી દીધું. પચાસ વર્ષમાં ન થયાં એટલાં બધાં કામો આપણે કરી નાખ્યાં. કારણકે બધાને સમાન સ્તરે લાવીને મૂકવા છે, પછી દોડમાં બધા આગળ નીકળી જશે. જે પાછળ રહી ગયા છે એમને સાથે લાવવા માટેની મથામણ છે. આ મથામણને લોકો સુધી પહોંચાડવી પડે, ભાઈ. અને આજથી જ નક્કી કરીને જાવ, મિત્રો. આપણા હકની લડાઈ છે, એમાં પગ વાળીને બેસાય નહીં, મિત્રો. દરેક સમાજનાં યુવા સંગઠન તૈયાર કરો. એ યુવા સંગઠનોને મેદાનમાં ઉતારો, એમને કામે લગાડો. પરંતુ સત્યને માટે, વોટબેંકની રાજનીતિનો ખાતમો બોલાવવા માટે, મક્કમ નિર્ધારપૂર્વક અહીંથી વિશ્વાસ લઈને આગળ વધીએ તો ભાઈઓ-બહેનો, વિજય નિશ્ચિત છે. દિલ્હીની સરકારને રોકાવું જ પડશે, તમે જોઇ લેજો..! દિલ્હીની સરકારને રોકાવું પડશે, નહીંતો આ દેશની જનતા દિલ્હીની સરકારને ઉખાડીને ફેંકી દેશે. આ ખેલ નહીં ચાલે આ દેશમાં, કર્યા ભૂતકાળમાં તમારે જેટલા ખેલ કરવા હતા એટલા. તમે જ્યારે ખેલ કર્યા ને ત્યારે અમારું અસ્તિત્વ એવું નહોતું, આજે અમારું અસ્તિત્વ એવું છે કે અમે તમને ખેલ નહીં કરવા દઈએ. અમે એકતાને માટે નીકળેલા લોકો છીએ. સમાજને તોડવાની કોઈ પ્રવૃત્તિ દેશનું ભલું નહીં કરે, મિત્રો. ખુરશીઓ માટે જેના ખેલ ચાલતા હશે તે ચાલશે, પરંતુ દેશનું ભલું નહીં થાય. ભાઈઓ-બહેનો, આ બહુ મોટી જવાબદારી છે આપણા માટે. અહીંથી સંકલ્પ કરીને નીકળીએ, દરેક સમાજની બહેનોની જુદી મીટિંગો કરીને સમજાવીએ તેમને કે આ શું થઈ રહ્યું છે, ઘેર-ઘેર વાત પહોંચાડવાની ચિંતા કરીએ... આપ જો જો, જોતજોતામાં એમને ભય પેસવા માંડશે અને દિલ્હીની સરકાર ચેતી ના જાય તો મને કહેજો..!
ખૂબ ખૂબ શુભકામનાઓ,
ધન્યવાદ..!!