સદ્ભાવના મિશનઃ તાપી
સોનગઢઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના મિશન અંતર્ગત ઉપવાસનું તાપી જિલ્લા અભિયાન
પૂર્વપટ્ટાના આદિવાસી તાપી જિલ્લાના પાંચ તાલુકાઓના ગામેગામથી વનવાસી પરિવારોએ સદ્ભાવનાની શક્તિનું વિશાળ સ્વયંભૂ દર્શન કરાવ્યું
૬,૬૪૨ આદિવાસી નાગરીકોએ સ્વૈચ્છાએ ઉપવાસ કર્યાઃ ૧૫૦ મુસ્લીમ યુવાનોની પણ અનશન તપસ્યા
મુખ્યમંત્રીશ્રીઃ
જુઠાણાનો જનાજો લઇને જેને જ્યાં ફરવુ હોય ત્યાં ફરે અમે તો વિકાસનો મંત્ર લઇને સદ્ભાવના મિશનનું અભિયાન ઉપાડયું છે
ગામ હોય કે દેશ સદ્ભાવનાની શક્તિ અને શાંતિ-એક્તા ભાઇચારો જ વિકાસને નવી ઊંચાઇએ લઇ જશે
ગુજરાતે દેશને સમરસતા અને સદ્ભાવનાનો રાહ બતાવ્યો છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્ભાવના મિશનના જિલ્લા અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢમાં અનશનનું સમાપન પ્રવચન કરતા ગુજરાતનું સદ્ભાવના મિશન દેશભરમાં વિકાસ માટેની શક્તિ બની રહેવાનું છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જુઠૃાણાનો જનાજો લઇને જેને જ્યાં ફરવું હોય ત્યાં ફર્યા કરે. અમે તો વિકાસનો મંત્ર લઇને સદ્ભાવના મિશનનું જનશકિતનું આ અભિયાન ઉપાડયું છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાતના ખૂણે ખૂણે સદ્ભાવના મિશનનો યજ્ઞ લઇને અભિયાન કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનવાસી તાપી જિલ્લાના સોનગઢમાં અનશનની એક દિવસની તપસ્યા કરી હતી. તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા, નિઝર, ઉચ્છલ અને વાલોડ તાલુકાના ગામોમાંથી આ સદ્ભાવના યજ્ઞને સમર્થન આપવા આખો દિવસ હજજારો આદિવાસી સમાજો અને પરિવારો ઉમળકાથી ઉપસ્થિત રહ્યા હતા. ૧૫૦ મુસ્લીમ યુવાનો સહિત ૬૬૪૨ નાગરિકો તો સ્વૈચ્છિક ઉપવાસ કરીને સદ્ભાવના મિશનની ઊર્જા બની ગયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વનવાસી પરિવારોની સદ્ભાવનાની શક્તિનું અભિવાદન કરતા જણાવ્યું કે આઝાદી પછી ૬૦ વર્ષો સુધી આ દેશનું રાજકારણ સત્તા ભોગવનારા લોકોએ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સ્થાપિત હિતોએ દેશમાં, સમાજમાં દુર્ભાવના પેદા થાય, લડાઇ-ઝધડા થાય તથા જાતિવાદનું ઝેર ફેલાવીને રાજ્યો રાજ્યો વચ્ચે પાણીના સંધર્ષ કરાવીને જ રાજ કરવાના પેંતરા રચ્યાં છે.દેશના ટુકડા કરવામાંથી આ લોકો કશું શીખ્યા નહીં પણ, મા ભારતીની ગુલામીની બેડીઓ તોડવા સાથે બે ભૂજાઓ વિભાજીત કરી દીધી-આ એ લોકો છે જેમણે જાતિ જાતિને સામસામે મુકી દીધી. આદિવાસીઓને પણ જુદા જુદા વાડાઓમાં વહેંચી નાંખેલા. આ દેશની પ્રગતિ નથી થઇ એનું કારણ અંદર અંદર લડાઇ કરાવતાં આવા તત્વોને કેન્દ્રની તત્કાલિન અને વર્તમાન કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યાશ્રય મળતો રહ્યો છે તે જ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આની સામે ગુજરાતે વિકાસની રાજનીતિ અને સદ્ભાવનાની એકતા શક્તિથી વિકાસના નવા માપદંડ પ્રસ્થાપિત કર્યા છે તેની ભૂમિકા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી. ગુજરાત અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે. દસ વર્ષમાં ગુજરાતનો વિકાસ એટલા માટે થયો છે કે છ કરોડ ગુજરાતીઓના એકતા અને ભાઇચારાના વાતાવરણમાં પુરૂષાર્થ કરી બતાવ્યો છે. માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, સમાજમાં એકતા અને ભાઇચારાનું વાતાવરણ સર્જી દીધું છે અને ગુજરાતના કરફયુ, કોમી રમખાણોના લોહીયાળ ભૂતકાળને દફનાવી દીધો છે એમ તેમણે જણાવ્યું હતું.
આજના ગુજરાતનો છેલ્લો એક દસકો વિકાસની હરણફાળ ભરનારો રહ્યો તેના મૂળમાં આ સદ્ભાવનાની તાકાત છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે કેન્દ્ર એક માત્ર મોંધવારીની સમસ્યા પણ દૂર કરે તો પણ ગુજરાત સુખશાંતિમાં વિકાસને નવી ઊંચાઇઓ ઉપર લઇ જવા સક્ષમ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં યુવાનોને ડોક્ટર-ઇજનેર થવા માટે ગુજરાતની કોલેજોમાં પૂરતી બેઠકો નહોતી અને અનામતને કારણે સંધર્ષ થતા. આજે સ્થિતિ બદલાઇ ગઇ છે એન્જિનિયરીંગ-મેડીકલ કોલેજો અને બેઠકો એટલી વધી ગઇ છે કે આવા વિવાદ બંધ થઇ ગયા છે. જુઠૃાણાનો જનાજો લઇને જેમણે ફરવું હોય તે ભલે ફર્યા કરે. અમે તો વિકાસનો મંત્ર લઇને નીકળ્યા છીએ. સદ્ભાવના મિશન એનું અભિયાન છે. આદિવાસી ક્ષેત્રના કિસાનોને વાડી પ્રોજેક્ટથી કેળાના ટિસ્યૂકલ્ચરની વૈજ્ઞાનિક ખેતી અને તાઇવાન પપૈયાની નિકાસની ખેતીથી સમૃધ્ધિ તરફ વાળ્યા છે એની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનો વિકાસ આર્થિક સમૃધ્ધિની પ્રશંસા કરતાં પણ છ કરોડ ગુજરાતીઓની સદ્ભાવના, એકતા અને ભાઇચારાની શક્તિની પ્રશંસા એ જ ગુજરાતનુ સાચું ગૌરવ છે. ગામમાં ચૌદશીયાઓને નાબુદ કરવા સકારાત્મક્તાથી એકતા અને સદ્ભાવનાના મંત્રને આગળ ધપાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. ગામ હોય કે દેશ આવા સ્થાપિત સ્વાર્થી તત્વો દૂર થઇ જશે તો ગુજરાતની જેમ જ દેશ પણ સદ્ભાવનાની શક્તિનો પ્રભાવ ઊભો કરી શકશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ તાપી જિલ્લામાં કિસાનો માટે કુલ મળીને રૂા.૨૦૦ કરોડની વિકાસ યોજનાઓ જાહેર કરી હતી. જેમાં ૩૨ લીફટ ઇરીગેશનની યોજનાઓ, ઉકાઇ ડેમમાંથી ડાબાકાંઠાની નહેર ૫૧ કિલોમીટર સુધી પૂર્ણા નદી તરફ લંબાવવાની સિંચાઇ નહેર યોજના, હિન્દલા એકર ગામની નાની સિંચાઇ યોજના, પૂર્ણા નદી ઉપર પૂલ ધામણવાડી જંગલ વિસ્તારના માર્ગ ઉપર બનશે એમ તેમણે જાહેર કર્યું હતું. ભવિષ્યમાં ઉકાઇ જળાશયને પ્રવાસન કેન્દ્ર બનાવવા અને પર્યટકોને કોઇ અવરોધો ન અટકાવે તે દિશામાં સક્રિય વિચારણા હાથ ધરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના આ સદ્ભાવના મિશન અનશન તપસ્યા યજ્ઞમાં સમગ્ર દિવસ દરમિયાન તાપી જિલ્લાના વનબાંધવો, સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો, પદાધિકારીઓ તથા આદિવાસી ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા