મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહુવામાં સિમેન્ટ પ્લાન્ટ અંગે આજે ગાંધીનગર આવેલી રેલીના અગ્રણીઓ સર્વશ્રી કનુભાઇ કલસરિયા, ચૂનીભાઇ વૈઘ, ઇલાબેન પાઠક, પ્રફુલ્લભાઇ સેંજલીયા સહિતના પ્રતિનિધિમંડળ પાસેથી તેમની રજૂઆત સહ્રદયતાપૂર્વક સાંભળી હતી અને તેમનું લેખિત આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
આ પ્રતિનિધિમંડળને મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હંમેશા ખેડૂત હિતોની જ પક્ષકાર રહી છે. ગુજરાત સરકારની છેલ્લા એક દશકની કૃષિલક્ષી નીતિ, અભિગમ અને કાર્યક્રમોને પરિણામે જ, ગુજરાતનો કૃષિ વિકાસ દર સાતત્યપૂર્વક ૯.૬ ટકાનો સમગ્ર દેશમાં સૌથી વધુ રહયો છે, ત્યારે ખેડૂત કે ખેતીવાડીના ભોગે નહીં પણ, ખેડૂતો અને ગ્રામ સમાજને વિકાસમાં ભાગીદાર બનાવવા આ સરકાર હંમેશ પ્રતિબદ્ધ છે, અને રહેવાની છે.
આવેદન પત્ર સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલ તો આ સમગ્ર બાબત ન્યાયાધિન છે. રાજય સરકાર માટે ન્યાયિક પ્રક્રિયા અને કાયદાને અનુસરીને જ ઉચિત કાર્યવાહી કરવાની રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ પદયાત્રા રેલીમાં આવેલા કિસાન પરિવારોને પરત જવા માટે બસ પરિવહન સેવા આપવાનું પણ સૌજ્ન્ય દર્શાવ્યું હતું.