મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે આજે યુનિસેફના ઇન્ડીયા કન્ટ્રી રિપ્રેઝેન્ટેટીવ સુશ્રી કેથેરિના હલશોફ (Ms KATHARINA HULSHOF)ની આગેવાની હેઠળના ઉચ્ચસ્તરીય યુનિસેફ પ્રતિનિધિમંડળે ગુજરાતમાં રાજ્ય સરકારના કુપોષણ નિવારણ, પ્રાથમિક શિક્ષણ અને સેનિટેશન જેવા સામાજિક સેવાઓના અભિયાનોમાં વ્યાપક ફલક ઉપર સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.
યુનિસેફના સુશ્રી કેથેરિન હલશોફે ગુજરાતમાં બાળકો અને માતૃ કલ્યાણના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે જનશકિતને જોડીને જે આગવી પહેલરૂપ વિશેષ સિધ્ધિઓ મેળવી છે તેની પ્રસંશા કરી હતી અને, રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા જનભાગીદારીને પ્રેરિત કરવાના અભિયાનોની સફળતાને ધ્યાનમાં લઇને ર૦૧ર સુધીના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં યુનિસેફ સક્રિય સહયોગ આપવા પ્રતિબધ્ધ છે એમ જણાવ્યું હતું.
ગુજરાત સરકારે કુપોષણને નાબૂદ કરવા માટે જે આક્રમકતા અને નિર્ધારપૂર્વકના વિવિધલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે તેની પ્રસ્તુતિ નિહાળીને યુનિસેફ ડેલીગેશન ખૂબ જ પ્રભાવિત થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ યુનિસેફના સક્રિય સહયોગને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને રાજ્ય સરકાર તથા યુનિસેફના સંકલન માટેના પ્રેરક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં અધિક મુખ્ય સચિવશ્રી આર. એમ. પટેલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઉચ્ચ શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ સચિવ શ્રીમતી જયંતિ રવી પણ ઉપસ્થિત હતા.