મુખ્યમંત્રીશ્રીની અને સ્વીડનના રાજદૂતની ઉપસ્થિતિમાં દ્વિપક્ષી સમજૂતિના કરાર
સ્વીડન-ગુજરાત વચ્ચે પારસ્પરિક આર્થિક સહયોગના સંબંધો વિકસશે
સ્વીડીશ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડેક્ષ-બી અને આઇ-ક્રિએટની સંયુકત સહભાગીતા વિકસાવવાના કરાર
ગુજરાતના પર્યાવરણ સુસંગત વિકાસથી પ્રભાવિત થતું સ્વીડીશ ડેલીગેશન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં, આજે સ્વીડિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SCCI), ઇન્ડેક્ષ્ટ-બી ગુજરાત સરકાર અને આઇ-ક્રિએટ (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટર પ્રિનિયોર્સ એન્ડ ટેકનોલોજી) વચ્ચે મહત્વના સમજૂતિના કરાર સંપન્ન થયા હતા જેમાં, ગુજરાત અને સ્વીડન વચ્ચે પારસ્પરિક આર્થિક, વાણીજ્ય અને માનવસંસાધન વિકાસ સહિતના ક્ષેત્રોમાં સંબંધો વિકસાવવા સહયોગ કરવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.
સ્વીડનના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત લાર્સ ઓલોફ લિન્ડગ્રેન (Mr. LARS OLOF LINDGREN) ની આગેવાનીમાં સ્વીડનનું બિઝનેસ ડેલિગેશન ગુજરાતના પ્રવાસે આવેલું છે અને આજે સ્વીડનના એમ્બેસેડરે વ્યકિતગત તથા બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મૂલાકાત લીધી હતી.
ગુજરાત અને સ્વીડન વચ્ચે પરસ્પર આર્થિક અને ઔદ્યોગિક વિકાસના નવાં ક્ષેત્રોની સંભાવના સંદર્ભમાં સ્વીડીશ ડેલીગેશનના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ સંવાદ કર્યો હતો.
ગુજરાતના વિકાસ-વિઝન અને પ્રગતિશીલ નીતિઓ તથા નેતૃત્વથી પ્રભાવિત થયેલા સ્વીડિશ ડેલીગેશને ગુજરાતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, હાઇટેક એગ્રો બિઝનેસ અને ટેકનોલોજી સેકટરમાં ભાગીદાર બનવાની તત્પરતા દાખવી હતી.
ર૧મી સદીમાં ગુજરાતનો આધુનિક વિકાસ ઇન્ફરમેશન ટેકનોલોજી (IT), બાયોટેકનોલોજી (BT) અને એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી (ET) ના ત્રણ આધારસ્થંભ ઉપર થવાનો છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ સાથે સુસંગત વિશ્વ વિકાસની સંભાવનાઓ અંગે જણાવ્યું હતું કે ગુજરાત સોલાર એનર્જી ઉપરાંત માઇક્રો હાઇડ્રો ટર્બાઇનની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેકનોલોજી વિકસાવીને નર્મદા કેનાલમાં હાઇડ્રો એનર્જી વિકસાવવા પણ આતુર છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા તથા વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત હતા.