મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ-અભ્યાસ માટેના પ્રવાસે આવેલા યંગ-ઇન્ડીઅન્સ ડેલિગેશનની સાથેના આજે યોજાયેલા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે એક દશકામાં ગુજરાતે કૃષિ, ઊર્જા અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે એવી ક્રાંતિકારી સિધ્ધિઓ મેળવી છે જે દેશ માટે પથદર્શક છે. સૌર ઊર્જા ક્ષેત્રે તો ગુજરાત સોલાર કેપિટલ બની જવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિઅન ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યંગ ઇન્ડિઅન્સનું આ ડેલીગેશન મુખ્યત્વે યુવા ઉઘોગ સંચાલકોનું છે અને ગુજરાતના સુશાસન, વહીવટ, વિકાસ તથા જનસમસ્યાઓના ઉકેલ માટે મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલીથી અત્યંત પ્રભાવિત થયું છે. તેના ૧૪ જેટલા યુવા સભ્યોએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યની પ્રતિષ્ઠિત આઇઆઇએમ-એ, એનઆઇડી, અમૂલ ઇન્ડિયા, ટાટા મોટર્સ તથા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો અભ્યાસ કર્યા બાદ સુશાસન માટેની રાજ્ય સરકારની કાર્યશૈલી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેના સંવાદ દરમિયાન ગુજરાતે કૃષિવિકાસ ક્ષેત્રે મેળવેલા ૯-પ્લસ ટકાના કૃષિવૃધ્ધિ દરનું સાતત્ય, કપાસ સહિત ગુજરાતના કૃષિ ઉત્પાદનની સફળતામાંકૃષિ મહોત્સવની ભૂમિકા, ઊર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ, વસ્ત્ર ઉઘોગમાં સુરતનો ટેક્ષ્ટાઇલ સિટી તરીકેનો ગતિશીલ વિકાસ, જળસંચય તથા જનભાગીદારીથી વિકાસની નવી તરાહની રાજનીતિ વિશે આ યુવા ઉઘોગ સંચાલકોએ મુખ્યમંત્રીશ્રીના વિચારોને અભિનવ ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સહકારિતાની સાફલ્યગાથા હવે માત્ર સહકારી ડેરી ઉઘોગ પૂરતી જ સિમીત નથી રહી પરંતુ સહકારી બેન્કીંગ, ઉપરાંત ખેતીવાડીમાં કો-ઓપરેટીવ ફાર્મિંગ અને કો-ઓપરેટીવ ગેસ ડિસ્ટ્રીબ્યુશન જેવા અનેક નવાં ક્ષેત્રો વિકસી રહ્યા છે તેની રસપ્રદ રૂપરેખા આપી હતી.
ગુજરાત સરકારે જ્યોતિગ્રામથી ર૪ કલાક થ્રી ફેઇઝ નિરંતર વીજળી રાજ્યના ૧૮૦૦૦ ગામોમાં આપી દીધા પછી હવે, સૂર્ય અને પવન ઊર્જાની દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને સમગ્ર વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક ગુજરાતમાં સ્થપાઇ રહ્યો છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
રાજ્યના દરિયાકાંઠેથી વિશ્વવેપાર ઉપરાંત હવે આયાતી કોલસો, સિરામિક, સિમેન્ટ અને કપાસની દક્ષિણ ભારતમાં દરિયાઇ માર્ગે પરિવહનની નવી ક્ષિતિજો ખૂલી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ સંવાદ બેઠકમાં મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત હતા.