જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી જન ઔષધી લાભાર્થી ગુલામ નબી દારે આ યોજના બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ યોજના દ્વાર પરવડે તેવા દરે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવાતી હોવાથી તેમને અને અન્ય નાગરિકોને અત્યંત લાભ થયો છે. જન ઔષધી કેન્દ્ર પરથી દવા ખરીદીને તેમણે કેવી રીતે અંદાજે રૂપિયા 9,000 બચાવ્યા તેની માહિતી પણ તેમણે આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લઇ રહેલા જમ્મુ અને કાશ્મીરના લોકોને જોઇને તેમને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, સરકાર આ યોજનાને દરેક ગામડે લઇ જશે જેથી તમામ નાગરિકોને તેનો લાભ મળે.
તેમણે ઉમેર્યું કે, “જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પહેલાં વિકાસના કાર્યો કરવાનું કામ સરકાર માટે ખૂબ અઘરું હતું. પરંતુ હવે લોકો સરકારી યોજનાઓનો લેવા લાગ્યા છે. એઇમ્સનું બાંધકામ ચાલી રહ્યું છે. સૌ કોઇ જમ્મુ અને કાશ્મીરમાં સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ જોઇ શકે છે.”
યોજનાના લાભાર્થી ગુલામ બની દાર સાથે મૈત્રી પૂર્ણ નોંધમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “ગુલામ નબી સાહેબ, દિલ્હીમાં મારી સાથે તમારા જેવું જ નામ ધરાવતા એક મિત્ર છે. હવે હું જ્યારે પણ ગુલામ નબીજીને મળીશ ત્યારે, હું તેમને કહીશ કે મને ખરા અર્થમાં પુલવામામાં ગુલામ બની સાથે મુલાકાતની તક મળી હતી.”