મોદી શા માટે?

Published By : Admin | May 15, 2014 | 15:17 IST

કઈ બાબતો નરેન્દ્ર મોદીને અનોખી વ્યક્તિ બનાવે છે?

એક સ્વાભાવિક સવાલ થાય કે અન્ય લોકો કરતા નરેન્દ્ર મોદી કઈ રીતે અનોખા પડે છે. તમે જ્યારે તેમને મળો ત્યારે એવી સહજ લાગણી થાય કે આ માણસ અનોખા પ્રકારનો છે, પરંતુ તમે તમારી લાગણીઓને બાજુએ રાખીને સ્વતંત્ર ભારતના ઈતિહાસ તરફ નજર નાંખશો તો એવા સંખ્યાબંધ પરિબળો છે, જે તેમને અનોખી વ્યક્તિ દર્શાવે છે. આ એક એવા આગેવાન છે, જે તાકાત અને ધગશ બંને ધરાવે છે. આપણે એવા રાજકીય નેતાઓ જોયા છે, જે દીર્ઘ દ્રષ્ટિવાળી વિચારધારા ધરાવતા હોય અને કેટલાક નેતાઓ એવા પણ જોયા છે કે જે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખતા હોય, પણ નરેન્દ્ર મોદી આ બંને ગુણો ધરાવે છે. તેમની નજર તારાઓ તરફ મંડાયેલી હોય ત્યારે પણ તેમના પગ મજબૂતીથી જમીન ઉપર મંડાયેલા હોય છે. અહીં આપણે મોદીને અનોખા બનાવતા, અલગ પ્રકારની વ્યક્તિ બનાવતા કેટલાક ગુણો અંગે જાણવાનો પ્રયાસ કરીશું.

જનસમુદાયના નેતા :

તે લોકો સુધી જે રીતે પહોંચે છે તે પ્રકારે ભારતના ખૂબ ઓછા રાજકારણીઓ લોકો સુધી પહોંચી શક્યા છે. આ કોઈ રાજકીય નાતો નહીં, પણ નરેન્દ્ર મોદી સામાન્ય માનવી સાથે બાંધી શકે છે તે લાગણીનો નાતો છે. તેમના ચાહકોમાં શહેરોના બુધ્ધિજીવી વર્ગથી માંડીને ગામડાના મોટા જનસમુદાયનો સમાવેશ થાય છે. વૃધ્ધો અને યુવાનો, પુરૂષો અને મહિલાઓ, ભારતમાં અને બહાર પણ મોદીના ચાહકો બની રહ્યા છે. ગુજરાતની બહાર વસતો ગુજરાતી સમુદાય પણ તેમની સતત પ્રશંસા કરતો રહ્યો છે. તેમણે આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મિડિયાનો  ઉપયોગ નવતર પ્રકારે ભારતના અનેક લોકો સાથે જોડાવા માટે કર્યો છે.

What makes Narendra Modi different?

સતત વિકાસની વાત:

નરેન્દ્ર મોદીના મગજમાં એક બાબત સતત ઘૂમરાતી રહે છે, અને તે બાબત છે વિકાસ. આનું  ઉદાહરણ આપીએ તો- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની થોડા વર્ષ પહેલા જાહેરાત થઈ ત્યારે તે રાજ્યમાં મૂડી રોકાણ આકર્ષવા માટે સ્વિત્ઝર્લેન્ડની મુલાકાતે હતા. સમાન પ્રકારે 2012ની ચૂંટણીઓ વખતે પણ નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે હતા અને ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગ ઊભો કરનારી મુલાકાત તેમણે લીધી હતી. સ્વાભાવિક છે કે કોઈ રાજકારણી માટે ફરીથી ચૂંટાવાની બાબત અને ફરીથી સત્તામાં આવવાની બાબત ચૂંટણીના એક વર્ષ પહેલા ખૂબ જ મહત્વની અગ્રતા બની રહેતી હોય છે. શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના વર્ષમાં પણ, રાજકીય કામગીરીને વધુ મહત્વની ગણ્યા વગર રાજ્યમાં મૂડી રોકાણનો પ્રવાહ ખેંચી લાવવાનું ચાલુ રાખ્યું હતું.

why-namo-in2

સમસ્યા હલ કરવાનો વૈજ્ઞાનિક અભિગમ

ગુજરાતમાં મળેલી સફળતા નરેન્દ્ર મોદીની કોઈપણ સમસ્યાને હલ કરવાના તેમના અભિગમને આભારી છે. સૌ પ્રથમ તે સમસ્યાને અલગ સમસ્યા તરીકે નહીં, પણ સમગ્ર સંદર્ભોથી તપાસતા હોય છે. તે દરેક દ્રષ્ટિકોણથી સમસ્યાને સમજવામાં લાંબો સમય લે છે, કારણ કે તે સમજે છે કે જો સમસ્યાને સારી રીતે સમજવામાં આવે તો અડધો ઉકેલ મળી જાય છે. તે સાંભળવાની અદ્દભૂત ક્ષમતા ધરાવતી વ્યક્તિ છે અને સાંભળ્યા પછી તે ઉપાય અંગે વિચારણા શરૂ કરે છે. તે આડેધડ પગલા લેતા નથી અથવા તો કોઈ શોર્ટકટ અથવા તો કોસ્મેટિક ફેરફારોમાં માનતા નથી. તે હંમેશા કાયમી અને લાંબાગાળાના ઉપાયોના ભવિષ્યલક્ષી વિઝનમાં માને છે અને તે મૂળમાંથી જ પરિવર્તન ઈચ્છતા હોય છે. ત્યાર પછી તે ચોક્કસ લક્ષ્યાંક અને સિમાચિહ્નો, ઉદ્દેશો તથા ધ્યાન આપવા પાત્ર નિર્દેશકો (INDICATORS) સાથેનો રોડ મેપ તૈયાર કરે છે. તે પછી તે અમલીકરણનું તંત્ર ગોઠવે છે.

તે યોગ્ય પ્રક્રિયા તો પસંદ કરે જ છે, પરંતુ યોગ્ય એજન્સી અને યોગ્ય વ્યક્તિઓ પણ પસંદ કરે છે અને એટલું ઓછું  હોય તેમ તે આ પ્રક્રિયાને મોનિટર કરવાની અને ફોલો-અપ કરવાની ક્ષમતા ધરાવે છે. તે મેનેજમેન્ટના સ્નાતક નથી, પણ તેમનું ડહાપણ અને નવિનતા માટેનો આગ્રહ મેનેજમેન્ટની સ્કૂલોમાં જે કંઈ ભણાવાય છે તેનાથી આગળ નીકળી જાય છે.

દેશના ખૂણે ખૂણે ફરીને સઘન પ્રવાસ કરવાનો તેમનો સામાન્ય અનુભવ અને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની તેમની કામગીરીને કારણે તે પાયાના સ્તરેથી સમસ્યાઓને સમજે છે અને પક્ષના મહામંત્રી તરીકે તેમની વૈશ્વિક જાણકારી તથા વ્યાપક વાંચનને કારણે યોગ્ય દ્રષ્ટિકોણ અને વિઝન દ્વારા આ સમસ્યાઓના ઉપાયો શોધી કાઢે છે.

વ્યાપક અસર ધરાવતી યોજનાઓ

એક વ્યૂહરચનાકાર તરીકે તે ખૂબ ઝડપી ગતિથી પ્રોજેક્ટસનું અમલીકરણ કરવાનું વિચારે છે અને તેમ કરવામાં માને છે. ઘણીવાર તે પરિણામો હાંસલ કરવા માટે અધિરા જણાતા હોય છે. જ્યારે દેશના અન્ય  ભાગોમાં નદીઓને જોડવાની બાબત ચર્ચાનો વિષય બનેલી છે ત્યારે તેમણે સફળતાપૂર્વક રાજ્યની 1 ડઝન જેટલી નદીઓને જોડી છે. તેના પરિણામે અગાઉ જે નદીઓમાં પાણી સૂકાઈ જતા હતા ત્યાં નદીઓમાં પાણી વહેતા જણાય છે. સમાન પ્રકારે માત્ર 3 વર્ષમાં જ 300 કિ.મી. લાંબી નહેર બનાવી અને તે દ્વારા પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની કામગીરી તેમણે સુજલામ સુફલામ યોજના હેઠળ કરી અને જ્યોતિગ્રામ યોજના હેઠળ માત્ર 30 મહિનાના ગાળામાં 56,599 કી.મી.ની નવી ટ્રાન્સમિશન લાઈનો અને 12621 ટ્રાન્સફોર્મર્સની સ્થાપના તેમણે ગુજરાતના 18000થી વધુ ગામડા અને 9,681 પરા વિસ્તારોમાં કરી. તેમણે રાજ્ય વ્યાપી પાણી અને ગેસ ગ્રીડની યોજના સાથે સાથે તમામ ગામોને ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના દ્વારા બ્રોડબેન્ડથી જોડ્યા. આ બધા પ્રોજેક્ટસ વ્યાપક સ્તરે ઝડપી અમલીકરણના ઉદાહરણો છે.

નાના અને મોટા, બંને સુંદર

અનેક અબજનું રોકાણ ધરાવતા મોટા પ્રોજેક્ટસ સ્થાપવાની નિપુણ કામગીરીમાં મહત્વની ભૂમિકા  બજાવતા મોદીએ નાના ઉપાયો અને સ્થાનિક ટેકનોલોજીની પણ અવગણના કરી નથી. તે કહે છે કે "વિજ્ઞાન ગ્લોબલ હોવું જોઈએ, પણ ટેકનોલોજી લોકલ હોવી જોઈએ". પાણી ક્ષેત્રે તેમણે બોરીબંધ (શણના થેલામાં રેતી અને પથરા ભરીને આવા થેલાઓ દ્વારા જળ પ્રવાહ રોકવાની યોજના) અને ખેત તલાવડીઓ જેવી સ્થાનિક યોજનાઓને લોકપ્રિય બનાવી. મોદી વાયબ્રન્ટ ગુજરાત શિખર પરિષદ જેવા પરિસંવાદોમાં વૈશ્વિક નિપુણતાનો આગ્રહ રાખતા હોય છે. આમ છતાં તે, સ્થાનિક ખેડૂતો દ્વારા કરાતા પ્રયોગો અને અનુભવોને પ્રોત્સાહન અને સન્માન આપે છે. સરકારી કર્મચારીઓ પાસેથી સૂચનો સ્વીકારે છે અને તેમને રોજેરોજ મળતા સેંકડો ઈ-મેઈલ અને પત્રો દ્વારા સામાન્ય માણસોએ વ્યક્ત કરેલા વિચારો અને અભિપ્રાયોને તે મહત્વ આપે છે.

why-namo-in3

વહીવટને રાજકારણથી અલગ રાખવાની બાબત

તે એક તટસ્થ નિર્ણય લેનાર વ્યક્તિ છે. તે રાજકીય જરૂરિયાત અને વહીવટી સૂઝનું મિશ્રણ કરતા નથી. રાજકીય પ્રત્યાઘાતોની યાદ અપાવવા છતાં તે વહીવટી નિર્ણયો તટસ્થપણે લેતા હોય છે. આ કારણે ગુજરાતના વહીવટી તંત્રને પોતાના પગ ઉપર ઊભા રહેવામાં સહાય મળી છે અને તંત્ર વહીવટી અભિગમથી અને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓ મુજબ કામ કરી રહ્યું છે. ગુજરાત સરકારના ઘણી મોટી સંખ્યા ધરાવતા સંગઠનોને આઈએસઓ સર્ટિફિકેટ હાંસલ થયું છે, જે સામાન્ય રીતે રાજ્યના તંત્રની જરૂરિયાત હોતી નથી.

લોકોની નાડ પારખવી

શ્રી મોદી પછાત જ્ઞાતિમાંથી અને પોતાના રાજ્ય ગુજરાતના પછાત વિસ્તારમાંથી આવે છે. તેમણે નાની વયે, સામાન્ય લોકોએ જેનો સામનો કરવો પડે છે તેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વીજળી અને પાણીની સમસ્યાનો. આ મોરચે કશુંક કરવાની તક મળી ત્યારે તેમણે આક્રમકતાથી અને વ્યૂહરચના દ્વારા આયોજન કરીને એવી પધ્ધતિની રચના કરી કે જે સમસ્યાઓ સાંભળીને  હલ કરી શકે.

સર્વ સમાવેશી વિકાસ

ઘણીવાર તેમની મોટા ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તરફ વધુ ધ્યાન આપવા બદલ તથા પછાત વર્ગો તરફ ધ્યાન નહીં આપવા માટે ટીકા કરવામાં આવે છે, પરંતુ આ એક ભૂલભરેલી માન્યતા છે. જ્યારે તેમણે સમગ્ર રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાનો અમલ કર્યો ત્યારે તેમણે કોઈ ચોક્કસ વિભાગ કે વિસ્તાર પસંદ કર્યો નહીં. આ એક સમાવેશી બાબત હતી. જ્યારે તેમણે રાજ્ય વ્યાપી ગેસ ગ્રીડ બિછાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે સમાજના કોઈ ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખ્યો ન હતો. આ બધા સમાવેશી પગલા હતા. વન બંધુ યોજના, સાગર ખેડૂ યોજના, ગરીબ સમૃધ્ધિ યોજના, ઉમ્મીદ જેવી યોજનાઓની ખાસ કરીને વંચિત લોકોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરાઈ હતી. આ યોજનાઓમાં પણ કોઈ વિસ્તારના કોઈ વિભાગ કે સમાજને બાકાત રખાયો ન હતો, કારણ કે તે 5.5 કરોડ ગુજરાતીઓ માટે કામ કરી રહ્યા હતા.

વહીવટી અને વિકાસ કામોમાં લોકોની સામેલગીરી

લોકોની વચ્ચે મોટા થયા અને લોકો માટે કામ કર્યા પછી તેઓ દ્રઢપણે માને છે કે લોકો જ સાચા પરિવર્તનના એજન્ટ છે. તે કહે છે કે કોઈપણ વિકાસ કાર્યક્રમના સાચા ફળ ત્યારે જ માણી શકાય છે કે જ્યારે તે સરકારના વિકાસ કાર્યક્રમને બદલે જન આંદોલન-લોકોની ચળવળનું સ્વરૂપ ધારણ કરે. ઘણીવાર હળવાશથી વાત કરતા તે જણાવે છે કે "શું લોકોને જન્માષ્ટમીની મધરાતે મંદિરોમાં એકઠા થવા માટે કોઈ ઠરાવ બહાર પાડવો પડે છે?"

આથી તે એક વ્યૂહરચના તરીકે વિકાસ કાર્યક્રમોમાં લોકોને સામેલ કરે છે. રાજ્યભરમાં જળ સંરક્ષણના વિવિધ માળખાં ઊભા કરવા માટે અને કૃષિ મહોત્સવ તથા કન્યા શિક્ષણ માટે કન્યા કેળવણી યાત્રા કાઢવા જેવી બાબતોને તેમની સરકારી યોજનાઓને લોકોની ચળવળ બનાવી, લોકોની સામેલગીરી પ્રાપ્ત કરવાના ઉત્તમ ઉદાહરણો ગણાવી શકાય.

why-namo-in4

શાસનને આસાન, અસરકારક અને પારદર્શક બનાવવાની બાબત

તે કહેતા રહે છે કે "ઓછું શાસન કરવું પડે તે ઉત્તમ શાસન ગણાય."  આ ઉદ્દેશ સાથે તેમણે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ વહીવટી પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા માટે કર્યો છે. વર્ષ 2001માં જે રાજ્ય આઈટીઈએસ અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે સહેજ પણ સ્થાન ધરાવતું ન હતું તેને આજે ઉત્તમ ઈ-ગવર્નન્સ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. સરકારમાં રહીને તેમણે માહિતી ટેકનોલોજીનો આ ઉપયોગ ઉદ્યોગોના લાભ માટે નહીં, પણ સામાન્ય લોકોનું જીવન આરામદાયક બનાવવા માટે કર્યો છે. રાજ્યની મહત્વની મોટાભાગની ઓફિસોમાં તેમણે વન-ડે-ગવર્નન્સ સેન્ટર્સ સ્થાપ્યા છે, જે દસ્તાવેજો તથા પ્રમાણપત્રો માની શકાય નહીં તેટલી ઝડપથી પૂરા પાડે છે. હવે તે એક કદમ આગળ વધીને બ્રોડ બેન્ડ કનેક્ટીવિટી દ્વારા તમામ ગ્રામ પંચાયતોનું કોમ્પ્યુટરાઈઝેશન કરવા માગે છે. ઈ-ગવર્નન્સને કારણે  પારદર્શકતા પણ આવે છે.

નીતિને આધારે ચાલતું શાસન

નરેન્દ્ર મોદી કહે છે કે મારી સરકાર કોઈ વ્યક્તિના તરંગો કે ઈચ્છાઓને આધારે ચાલતી નથી. અમારી પ્રગતિ સુધારા આધારિત અને અમારા સુધારા નીતિ આધારિત છે અને અમારી નીતિઓ લોકો આધારિત છે.  આ અભિગમ તેમના અધિકારીઓને સ્પષ્ટ દિશા, યોગ્ય અને ઝડપી નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ આપે છે અને પધ્ધતિમાં પારદર્શકતા તથા એકરૂપતા લાવે છે.

ફરિયાદોનું નિવારણ

સામાન્ય માણસોની ફરિયાદોને અત્યંત નિષ્ઠાપૂર્વક સાંભળવામાં આવે છે. ગુજરાતના "સ્વાગત" કાર્યક્રમ હેઠળ લોકોની ફરિયાદો હલ કરવામાં તેમની વ્યક્તિગત સામેલગીરી રહે છે. તે યોગ્ય વલણ પસંદ કરીને સરકારી તંત્રને સંદેશો આપી રહ્યા છે. તેમણે ખ્યાલ રાખ્યો છે કે સરકારી તંત્ર આવી ફરિયાદોનું તટસ્થપણે અને નિષ્ઠાપૂર્વક નિવારણ કરે. વ્યવસ્થા એ રીતે ગોઠવવામાં આવી છે કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે સમસ્યા નિવારણની ખાત્રી થાય. આ પાછળ એવી વિચારધારા કામ કરે છે કે માત્ર મુખ્યમંત્રી જ નહીં, સમગ્ર તંત્ર વ્યવસ્થાને પ્રતિભાવ આપનારી તથા લોકોની ફરિયાદો નિવારવા માટે જવાબદેહી ગણવી જોઈએ.



why-namo-in5

નવતર અભિગમ

નરેન્દ્ર મોદીએ લોકો અને વહીવટી તંત્ર જે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહયા છે અને આટલા વર્ષ સુધી વહીવટી તંત્ર તથા મેનેજમેન્ટના નિષ્ણાતોએ જેની કલ્પના કરી ન હતી તેવી સમસ્યાઓને ઉકેલવા માટે નવતર માર્ગ દર્શાવ્યો છે.

ભૂકંપ પછી પુનઃનિર્માણની પ્રક્રિયામાં લોકોની સમિતિઓને સામેલ કરીને તથા ભૂકંપ પછીના પુનઃનિર્માણમાં નિયમ મુજબ ચાલતી વ્યક્તિઓને બદલે સંવેદનશીલ વ્યક્તિઓ તરીકે અધિકારીઓને સામેલ કરીને તેમણે રાજ્યને નવતર અભિગમનો અનુભવ પૂરો પાડ્યો છે. આવા અન્ય ઉદાહરણોમાં અદાલતો અને જેલમાં રહેલા આરોપીઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવાનો, સાંજની અદાલતો અને નારી અદાલતોની રચના તથા પીવાના અને સિંચાઈના હેતુ માટે ઉપયોગમાં લેવાતા પાણીની વ્યવસ્થા માટે લોકોની સમિતિઓની રચના, ચિરંજીવી યોજના (ખાનગી ગાયનેકોલોજીસ્ટ સાથે બીપીએલ મહિલાઓની ડિલીવરી માટે જોડાણ), રોમીંગ રેશનકાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ જેવી અન્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

પોતાના માટે કશું નહીઃ

જે લોકો સત્તા સાથે સંકળાયેલા હોય છે તેમની ઉપર પોતાના સગાઓને લાભ કરી આપવા બદલ સગાવાદનો અને લાગવગનો આક્ષેપ મૂકવામાં આવે છે. નરેન્દ્ર મોદી આવા આક્ષેપોથી ખૂબ દૂર રહ્યા છે. તે હંમેશા ન્યાય અને પ્રમાણિકતાને માણી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તે હંમેશા પોતાના વ્યક્તિગત લાભની તથા પોતાના નજીકના અને સ્નેહીજનોના લાભની અવગણના કરે છે. આ બાબતને સામાન્ય લોકો વ્યક્તિત્વનું એક નકારાત્મક પાસું ગણતા હોય છે, પણ તેમના જેવા રાજદ્વારી પુરૂષ માટે આવો સ્વભાવ સમાજને ઘણું પ્રદાન કરે છે. તેમના આકરા ટીકાકારો પણ સ્વીકારે છે કે રાજ્યના તંત્રમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ તમામ સ્તરે નીચું ગયું છે.

કેટલાક ધોરણો મુજબ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે તેમને મળેલા ઉપહારો તોશાખાનામાં જમા કરાવતા રહયા છે.  ત્યાર પછી તેની હરાજી કરવામાં આવે છે અને એ દ્વારા મળેલી આવકને રાજ્યની તિજોરીમાં જમા કરાવવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે આ ભંડોળનો નવતર ઉપયોગ શોધી કાઢ્યો છે. આવી આવકને કન્યા કેળવણી નિધિમાં વાળવામાં આવે છે. આ ભંડોળનો ઉપયોગ કન્યા શિક્ષણ માટે સમર્પિત ભંડોળ તરીકે કરવામાં આવે છે.  આનું પરિણામ એ આવ્યું કે પોતાના પ્રિય નેતાના ત્યાગની ભાવનાથી પ્રભાવિત થયેલા લોકોએ હવે તેમના સન્માનમાં આ ભંડોળ માટે લાખો રૂપિયાના ચેક મોકલવાનું પસંદ કર્યું છે.

કામ કરવાની અનોખી પધ્ધતિ

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાસનનું જે મોડેલ ઉપસાવ્યું છે તે પર્ફોર્મન્સ આધારિત છે, તુષ્ટીકરણ આધારિત નથી. જ્યારે વીજળીના તાર્કિક દર નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે વીજ નિયંત્રણ પંચે આપેલી વ્યવસાયિક સલાહને અનુસરવાનું પસંદ કર્યું. ખેડૂતોના આંદોલનની વચ્ચે પણ તે અવિચળ રહ્યા. આને બદલે તેમણે ખેડૂતોને ખાત્રી આપી કે તેમની સમસ્યાઓ તે સમજે છે. તેમણે પાણીની પણ જરૂર છે, માત્ર વીજળીની નહીં. ત્યાર પછીના વર્ષોમાં તેમણે પાણીના જમીન પરથી વહન માટેની સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી. હવે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ખૂબ ઓછી કિંમતે મળે છે, કારણ કે જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. અર્બન યર દરમિયાન મોટી સંખ્યામાં દબાણોને હટાવવામાં આવ્યા. વીજળીની ચોરી મોટા પ્રમાણમાં પકડવામાં આવી અને કેસ પણ કરાયા. કોઈ આંદોલન થયું નહીં, કે કોઈ રક્તપાત થયો નહીં. લોકો જાણે છે કે આ બધું તેમના લાંબાગાળાના હિત માટે થઈ રહ્યું છે. આવા તો અનેક  ઉદાહરણો છે. તેમની તટસ્થતા અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ, વ્યક્તિગત પ્રમાણિકતા તથા સામાન્ય માણસ માટેની વ્યથા તેમને દેશના અને વિશ્વના અન્ય રાજકારણીઓની તુલનામાં અનોખા પાડે છે. હેતુ સિધ્ધિ માટેનો તેમનો દ્રઢ નિશ્ચય અને નિષ્ઠાને કારણે તે પોતાના રાજ્ય ગુજરાતમાં તો  લોકપ્રિય બન્યા છે અને સાથે સાથે દેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. સતત 4 વર્ષ સુધી ઉત્તમ મુખ્ય પ્રધાન તરીકેનું બિરૂદ મેળવ્યા પછી અને ગુજરાતમાં સૌથી લાંબી કારકીર્દિ ધરાવતા મુખ્યમંત્રી તરીકે તેમણે પૂરવાર કર્યું છે કે "સુશાસન એ સારૂં રાજકારણ પણ છે." એટલું જ નહીં પણ તે વિકાસના રાજકારણમાં  એક પથ પ્રદર્શક અને તુષ્ટીકરણના રાજકારણથી અનોખું વલણ ધરાવનાર વ્યક્તિ છે.

આવી લાક્ષણિકતાઓ નરેન્દ્ર મોદીને અનોખા બનાવે છે અને એક બદલાતા ભારત માટે લોકો પરિવર્તનની પ્રતિક્ષા કરી રહ્યા છે.



 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.