દર્દીને પીડામુકત કરવો એ માત્ર તબીબની વ્યવસાયી સફળતા જ નથી, સંવેદનાનો સાક્ષત્કાર કરાવે છે
ભારતીય તબીબી ચિકિત્સા પધ્ધતિ માટે વિશ્વસનીયતા ઉજાગર કરીએ
સફળ તબીબના વ્યવસાયને અર્થપ્રધાન વ્યવસ્થાના ત્રાજવે તોલી શકાય નહીં
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નેશનલ મેડીકો ઓર્ગેનાઇઝેશન આયોજિત NMOCON ૨૦૧૩ નું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, તબીબની સફળતા તેની સંપદાના આધારે નહીં, દર્દીને પીડામુકત કરવાની સંવેદનામાં છ સફળ તબીબને સંપદાના ત્રાજવે નહીં સંવેદનાથી સમજીએ, તબીબની દર્દી પ્રત્યેની સેવા અને નવી જીંદગી આપવાની પ્રતિબધ્ધતા એ સંવેદનાનો સાક્ષાત્કાર કરાવે છે અને નવી ઉર્જા આપે છે, એમ તેમણે જણાવ્યું હતું. વિવિધ ભારતીય તબીબ વિજ્ઞાન શિક્ષણની શાખાઓ વિશે આપણને જ પુરો વિશ્વાસ હોવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. ૧૯૭૭માં રચાયેલી રાષ્ટ્રવાદી માનવ સેવાને વરેલી ચિકિત્સકો તબીબોની આ NMO રાષ્ટ્રીય સંસ્થાની અમદાવાદમાં બે દિવસની આ તબીબી પરિષદમાં ૨૨૦૦થી વધુ ચિકિત્સક તબીબો ઉપસ્થિત હતા.
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જયંતિના અવસરે વિવેકાનંદ NMOCON ૨૦૧૩ યોજવામા આવી છે, તેનો આનંદ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિવેકાનંદ પ્રવર્તમાન સ્થિતિમાં વહી જનારું વ્યકિતત્વ નહોતા જીવનમાં હરેક ક્ષણ, હરેક દ્રશ્યમાં તેમણે સંઘર્ષ કરવો પડેલો. કોઇ બાબતને સહજ સ્વીકાર કરવાને બદલે પ્રતિબધ્ધતાથી હવાની રૂખ બદલવા તેમણે સંઘર્ષ કરેલો. ર્ડાકટરનું સેવા કાર્ય બીજાને જીંદગી જીવવાની શકિત આપવાનું છે. કોઇ તબીબ તેનો દરદી જીવનભર રોગગ્રસ્ત રહે તેવું ઇચ્છતો નથી. સફળ ર્ડાકટરની વ્યાખ્યા તેમની પાસે કેટલી ભૌતિક સંપદા છે તેના પર નહીં પણ કેટલાને નવજીવન આપ્યું તેના પર છે.
એક દરદી માટે જીવન આપવા પોતાનું જીવન કેવી રીતે ખપાવ્યું એક દર્દને મીટાવવા કેવી તપર્યા કરી એ છે. દર્દી માત્ર મરીજ ઇન્સાનની સેવા નથી પણ NMO નો રાષ્ટ્રભાવનાને વરેલો ચિકિત્સક દર્દીની સેવામાં ભારતભરની સેવાને આત્મસાત કરે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ૧૯૬૨ના ચીનના યુધ્ધમાં ભારતના પરાજયની ભૂમિકાનું દર્દ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી ભારતમાતાની ભૂમિ ગુમાવવાની પીડા આપણામાં સંવેદના જગાવે છે ? ૧૫૦મી વિવેકાનંદ જયંતિ ઉજવણી વખતે વિવેકાનંદજીનું સપનું સવાસો વર્ષ પછી પણ અધુરુ છે તેની કેટલી પીડા આપણને છે ? સ્થિતિ બદલાય કે ન બદલાય પણ વિવેકાનંદનું સપનું પૂરુ નહીં થવાનું દર્દ તો આપણામાં હોવું જ જોઇએ.
ભારતમાતાની પૂજા કરવા માટે ૧૮૯૭માં તેમણે યુવાનોને આહ્વાન કરેલું તે પછીના ૫૦ વર્ષે હિન્દુસ્થાન આઝાદ બન્યું હતું. આજના દંભી બિનસાંપ્રદાયિકતા ધરાવતા પરિબળો વિવેકાનંદજીના તત્કાલીન ઇષ્ટ દેવતા છોડીને માત્ર ભારતમાતાની ભકિતનું આહ્વાન આપે તેને કઇ રીતે મુલવી શકે ?ડોકટરોએ તબીબી શિક્ષણ મેળવવા માટે કેટલો સંઘર્ષ, કેટલી કઠિન સમસ્યાનો સામનો કરવો પડતો હશે તેનું ચિંતન વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, જે ભાવના, પ્રેરણાથી સપના સંજોયા છે તે સાકાર કરવા માટે પુરૂષાર્થ કરવાની ઉર્જા આવે છે, તેનું આત્મમંથન કરવા તેમણે અંતઃકરણપૂર્વક અનુરોધ કર્યો હતો.
તબીબ બનવા પાછળ જે સંઘર્ષ, કઠિન તપર્યામાંથી પસાર થવું પડ્યું તેને સતત યાદી રાખીને માનવસેવા અને સમાજ આરોગ્ય માટેની સંવેદના દાખવવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તબીબના વ્યવસાયને માત્ર અર્થપ્રધાન વ્યવસ્થાના ત્રાજવામાં તોલી શકાય નહીં, શરીરના અંગછેદન, શસ્ત્રક્રિયાને માત્ર રૂપિયા પૈસાથી તોલી શકાય નહીં. સામાન્ય માનવી ર્ડાકટરને ભગવાનનું રૂપ માને છે. દરદીની જીંદગી બચે તો કેટલાના સપના, કેટલાની ભાવનાની પૂર્તિ થશે તે વિચારવું જોઇએ. દરિદ્રનારાયણની સેવાનો વિવેકાનંદજીનો મહિમા દરદી નારાયણની સેવામાં કરવા તેમને પ્રેરક આહ્વાન કર્યું હતું. NMO ના રાષ્ટ્રીય પ્રમુખ ર્ડા.પવન ગુપ્તાએ જણાવ્યું કે દરિદ્રનારાયણની સેવા કરવા તત્પર ભાવથી પુલકિત અને રાષ્ટ્રીય ચરિત્ર્યથી દૈદિપ્યમાન તબીબો સમાજને મળતા રહે તે માટે NMO સદાય કટિબધ્ધ છે.
NMOના રાષ્ટ્રીય સેક્રેટરી ર્ડા.સતીષ મીઢાએ જણાવ્યું હતું કે, NMO એ તબીબી ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. દેશની આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવાનું બીડું NMO એ ઝડપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રારંભમાં ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી ર્ડા.એમ.સી.પટેલે આવકાર પ્રવચન કર્યું હતું. આ અધિવેશનમાં NMO ગુજરાતના પ્રમુખ ર્ડા.કમલેશ ઉપાધ્યાય સહિત હોદ્દેદારો અને દેશભરમાંથી ૨૨૦૦ જેટલા મેડીકલ અને ડેન્ટલ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબો હાજર રહ્યા હતા.