પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા પર તણાવને બદલે આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપી. એક વિદ્યાર્થીઓએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ જ્યારે પ્રશ્નપત્ર જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે, તેનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ તેમને એ બાબત યાદ અપાવી કે કેટલાક લોકો પોતાના સ્કુટરને ચાલુ કરતા પહેલા હલાવે છે. “તે વૈજ્ઞાનિક નથી પરંતુ દરેક વ્યક્તિ જ્યારે સ્કુટર ચાલુ ન થાય તો આમ કરે છે. એ જ રીતે, ટેનીસના ખેલાડીઓ અને ક્રિકેટર્સ મેચ શરુ થતા પહેલા વોર્મ અપ કરે છે. આવું તેઓ શા માટે કરે છે? તેનાથી તેમને એક અનુકૂળ વાતાવરણ મળે છે.” પીએમએ કહ્યું.
પોતાના માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાની દરેક વ્યક્તિની પોતાની અલગ રીત હોય છે તે બાબત જણાવતા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મળતા થોડા સમય માટે શાંત રહેવા સલાહ આપી. “સૌથી પહેલા સહેલા પ્રશ્નોના જવાબ લખો”, પ્રધાનમંત્રીએ સૂચન આપ્યું અને ઉમેર્યું કે તેનાથી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવામાં મદદ મળશે.