સાર્ક સંગઠનનાં સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસનાં પ્રસારને અટકાવવા માટે ભારતનાં પ્રયાસો વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “તૈયાર રહો, પણ ગભરાશો નહીં – આ અમારો માર્ગદર્શક મંત્ર છે. અમે સમસ્યાને ઓછી આંકવામાં ન આવે એટલે કાળજી રાખી રહ્યાં છીએ, પણ એકસાથે કે એકાએક પ્રતિક્રિયાઓ આપવાનું ટાળી રહ્યાં છીએ. અમે સક્રિય પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ વ્યવસ્થા સામેલ છે.”
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારે જાન્યુઆરીની મધ્યથી ભારતમાં પ્રવેશ કરતાં લોકોની તબીબી ચકાસણી શરૂ કરી હતી, ત્યારે પ્રવાસ પર તબક્કાવાર રીતે નિયંત્રણો પણ મૂકી દીધા છે. તેમણે કહ્યું હતું કે, તબક્કાવાર અભિગમથી ગભરાટને ફેલાતો અટકાવવામાં મદદ મળી છે. તેમણે ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર જાહેર જનતામાં જાગૃતિ લાવવાના અભિયાનોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે જોખમકારક જૂથો સુધી પહોંચવા વિશેષ પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ જાણકારી આપી છે કે, “અમે અમારી વ્યવસ્થામાં ક્ષમતા ઝડપથી વધારવા કામ કરી રહ્યાં છીએ, જેમાં આખા દેશમાં અમારા તબીબી કર્મચારીઓને તાલીમ સામેલ છે. અમે નૈદાનિક ક્ષમતામાં પણ વધારો કર્યો છે. બે મહિનાની અંદર અમે આખા ભારતમાં પરીક્ષણની એક મોટી સુવિધાથી આ પ્રકારની 60થી વધારે પ્રયોગશાળાઓ શરૂ કરી છે.”
પ્રધાનમંત્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, સરકારે કોરોનાવાયરસ રોગચાળાનાં નિયંત્રણના દરેક તબક્કા માટે આચારસંહિતા વિકસાવી છેઃ કોઈ પણ પ્રવેશદ્વાર પર ચકાસણી; શંકાસ્પદ કેસોમાં સંપર્ક દ્વારા નજર રાખવી; ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન સુવિધાની વ્યવસ્થા તથા સારવાર થયા હોય એવા કેસમાં દર્દીઓને રજા આપવી.
આ ઉપરાંત ભારતે વિદેશમાંથી એના નાગરિકોને લઈ જવાની વિનંતી પર પણ ઉચિત પ્રતિસાદ આપ્યો છે. ભારતે જુદાં જુદાં દેશોમાં આશરે 1400 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં સફળતા મેળવી છે તેમજ ‘પડોશી દેશોને પ્રાધાન્ય આપવાની નીતિ’ને અનુરૂપ પડોશી દેશોનાં કેટલાંક નાગરિકોને એમના દેશમાં પરત ફરવામાં મદદ કરી છે.